Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૮. ઊંઝાની કાર્યવાહી

સેંકડો વર્ષો પહેલાં વિટંબણાઓ (સતપંથ ધર્મ)માં ફસાયેલ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને ઊંઝાની આસપાસના ફળદ્રુપ વિસ્તારો છોડી કચ્છના સૂકા રણ પ્રદેશમાં વસવાટ કરવો પડ્યો. કચ્છની આ ભૂમિમાં આવ્યા બાદ, કેટલાક એવા મુસલમાની રીતિ રિવાજોમાં પણ ફસાયા હતા. તેમાંથી બહાર કાઢવા માટે આપણા વડીલોએ સમય સમય ઉપર સંઘર્ષ કર્યો. શ્રી વિશ્રામબાપા નાકરાણીએ આ સંઘર્ષનો પાયો નાખ્યો. કેશરા પરમેશ્વરાએ સંઘર્ષની શરૂઆત કરી. ત્યાર બાદ આપણા જ્ઞાતિ સુધારક નારાયણ રામજી લીંબાણીએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું. વીર જ્ઞાતિ સેવક શ્રી રતનશી ખીમજી ખેતાણીએ જ્ઞાતિને ઇષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણ અપાવ્યા. અનેકો લક્ષ્મીનારાયણના મંદિરોની સ્થાપના, સનાતની સમાજની સ્થાપના, ઉમિયા માતાજી વાંઢાયની સ્થાપના કરાવડાવીને સનાતની સંગઠનના પાયાના પથ્થર બનીને સનાતનીઓને મજબૂત કર્યા. આવા પાયાઓના કારણે સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિની મશાલ ૫૦૦-૫૦૦ વર્ષના કપરાં સમયમાં પણ સતત જળતી રહી છે.

જ્યારથી વાંઢાય ખાતે ઉમિયા માતાજીનું મંદિર બંધાયું છે, ત્યારથી વિશ્વના સમસ્ત કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના આગેવાનો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના અમુક વર્ગમાં પ્રચલિત “સતપંથ” ઉર્ફે “પીરાણા સતપંથ” ધર્મથી જ્ઞાતિને છોડવા સતત પ્રયત્નો કરતા રહ્યા છે. ઊંઝાના વડીલો દ્વારા સમય સમય પર માર્ગદર્શનો અને સૂચનો મળતા રહ્યાં છે. ૫૦૦ – ૫૦૦ વર્ષથી ક.ક.પા. જ્ઞાતિ જે સતપંથ સમસ્યાથી ઝઝૂમી રહી છે તેનો અંત લાવવા માટે આપણા સનાતની કેન્દ્રીય સમાજના આગેવાનો અને ઊંઝાના આગેવાનો સતત એક બીજાના સંપર્કમાં રહીને પ્રયત્નશીલ રહ્યા છે.

ઊંઝાના કડવા પાટીદાર ભાઈઓને એવી લાગણી રહી છે કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ આજે સનાતની બન્યા પછી સાધન સંપન બની છે, સુશિક્ષિત બની છે, યુવાન પેઢી વડીલો પ્રત્યે માન ધરાવતી થઇ છે, માદરે વતન તરફ પ્રેમ ધરાવે છે, પણ સદીઓથી સતપંથ ધર્મ બાબતે અટવાયેલી પડી છે, જેના કારણે વિકાસનો વેગ ધીમો રહ્યો છે. માટે જો કાયમી ઉકેલ આવી જાય તો બન્ને પક્ષો શાંતિથી જીવી શકે. ઊંઝા સંસ્થાનના વડીલો જેવાકે સ્વ. શ્રી કેશુભાઈ શેઠ, શ્રી મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ (મમીશ્રી), શ્રી વિક્રમભાઈ પટેલ અને સ્વ શ્રી સીતારામ ભાઈ પટેલ વગેરે ભૂતકાળમાં પણ પીરાણા સતપંથને માનતા કચ્છી પાટીદાર ભાઈઓને સમજાવવા ખૂબજ પ્રયત્નો કર્યા હતા. સન ૧૯૭૮માં ઊંઝા સંસ્થાને પીરાણાને માનતા કચ્છી પાટીદારોને સમજાવવા એક ઠરાવ પણ કરેલ અને તે માટે ત્રણ જણની એક કમિટી નીમવામાં આવી હતી. તેમાં હાલ મોજૂદ ઊંઝાના ભીષ્મ પિતા સમાન મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ (મણીભાઈ મમી) તેમાંના એક હતા. આ જ મણીબાપા અવારનવાર આપણા કેન્દ્રીય સમાજના અગત્યના કાર્યક્રમોમાં હાજરી આપીને સતપંથના ભાઈઓને સતપંથનો ત્યાગ કરીને બહોળા સનાતની પ્રવાહમાં ભળી જવા હંમેશાં સમજાવતા રહ્યા છે.

આ પ્રયત્નોના ભાગ રૂપે, હિમ્મતભાઈ ખેતાણીએ સનાતન સમાજના તત્કાલીન પ્રમુખશ્રી ગંગારામભાઈ હિરાલાલ સાંખલાને સુચન આપ્યું કે આપણે ઉમિયા માતાજી ઊંઝા સામે આપણો પ્રશ્ન મૂકવો જોઈએ. જેને સ્વીકારી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (ઉર્ફે સનાતન સમાજના) તત્કાલીન પ્રમુખ શ્રી ગંગારામભાઈ હિરાલાલ સાંખલાએ ઉમિયા માતાજી ઊંઝાને વિનંતી કરી કે તેઓ આ અંગે એક આખરી નિર્ણય આપે કે હિંદુ ધર્મના રીતે સનાતન સમાજવાળા સાચા રસ્તા પર છે કે સતપંથ સમાજવાળા. શું સતપંથ ધર્મ એ હિંદુ સનાતન ધર્મનો ભાગ છે કે નહીં? આ સવાલ ઊંઝાની સામે એટલા માટે મૂકવામાં આવેલ હતો કે ઉમિયા માતાજી ઊંઝા એ કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા છે. માટે ઉમિયા માતાજી ઊંઝાનો જે કોઈ આદેશ હશે તેનું પાલન બન્ને સમાજોએ કરવાનું રહેશે. સેંકડો વર્ષોના વિવાદના ઉકેલ માટે એક છેલ્લો નિર્ણય આવે અને વિવાદનો અંત થાય, એવી ભાવના હતી.

1.    ઉકેલ લાવવાની પદ્ધતિ (૦૪જુલાઈ૨૦૧૫)

વિષયની ગંભીરતા અને જોડાયેલ લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને લાગણીઓ પર થનાર ઊંડો પ્રભાવને ધ્યાને રાખીને ઉમિયા માતાજી ઊંઝાએ નિર્ણય લેવાની પ્રક્રિયા ઘડવામાં કડવા પાટીદાર જ્ઞાતિના મુખ્ય સંસ્થાનો અને શ્રદ્ધાના કેન્દ્રોને વિશ્વાસમાં લઇને આગળ વધવાનું નક્કી કર્યું. ઊંઝાની ભાવના એવી હતી કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોકો એક બીજાના નિકટ આવે અને સેંકડો વર્ષોની ખેંચતાણ બંધ થાય.

તેના માટે તા.૦૪-જુલાઈ-૨૦૧૫ના ઊંઝા મંદિરની ઑફિસમાં બપોરે ૩ કલાકે એક સભા બોલવામાં આવી. આ સભા ઉમિયા માતાજી ઊંઝા તત્કાલીન પ્રમુખ શ્રી નારાયણભાઈ લલ્લુ પટેલના અધ્યક્ષ સ્થાને બોલવામાં આવેલ હતી. તેમાં,

ઉમિયા માતાજી ઊંઝા તરફથી:

1.    નારાયણભાઈ એલ. પટેલ – પ્રમુખશ્રી

2.    મણીભાઈ ઈ પટેલ (મમી)

3.    પ્રહ્‌લાદભાઈ એ. પટેલ (કામેશ્વર)

4.    પ્રહ્‌લાદભાઈ જે પટેલ (મહેસાણા) – મંત્રીશ્રી

5.    વિક્રમભાઈ ડી. પટેલ (વિક્રમ દાદા)

અને અન્ય લોકો હાજર હતા.

સીદસર મંદિર તરફથી:

1.    બાબુભાઈ એચ. ઘોડાસરા

2.    જયરામભાઈ વાંસજાળિયા

3.    જયંતીભાઈ કાલરીયા

અને, ઉમિયાધામ સુરત તરફથી:

1.    ગણેશભાઈ પટેલ

2.    કરસનભાઈ શામજી પટેલ

3.    હરગોવનભાઈ વીરદાસ પટેલ

4.    એમ. જી. કનેરિયા

હાજર રહ્યા હતા.

એ ઉપરાંત સીદસર ઉમિયા માતાજી મંદિર, સુરત ઉમિયા માતાજી મંદિર, નાસિક ઉમિયા માતાજી મંદિર, નાગપુર ઉમિયા માતાજી મંદિરના બે-બે પ્રતિનિધિઓ પણ હાજર હતા.

સનાતન સમાજની મુખ્ય સંસ્થાઓ તરફથી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે સનાતની સમાજ) – નખત્રાણા, શ્રી ઉમિયા માતાજી ઈશ્વર રામજી અન્નક્ષેત્ર ટ્રસ્ટ – વાંઢાય, શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ (ઉર્ફે સંસ્કાર ધામ) – દેશલપર-વાંઢાયના પ્રમુખો, અમુક હોદેદારો અને આગેવાનો હાજર હતા. કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ (ઉર્ફે સતપંથ સમાજ) તરફથી પણ તેમના પ્રમુખ, અમુક હોદેદારો અને આગેવાનો હાજર હતા.

આ સભામાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે…

a)    બન્ને સમાજોમાંથી ૧૧૧૧ લોકોની ટીમ બનાવામાં આવે. પોતપોતાની સમાજના છેવાડાના માણસ પાસેથી પોતાની સામાન્ય સભામાં સંપૂર્ણ સત્તા લઇને આ ટીમ આવે. જેથી આ પ્રક્રિયાના અંતે જે કંઈ નક્કી થાય તેની અમલ કરવાની સંપૂર્ણ જવાબદારી આ ૧૧ લોકોની રહે. પાછળથી કહેવામાં આવે કે અમને પૂછવું પડશે એવી વાત ચાલશે નહીં.

b)    બન્ને પક્ષ લેખિતમાં આપશે કે ઉમિયા માતાજી ઊંઝાની લવાદગી (arbitration) તેમને મંજૂર છે.

c)    પંચ તરીકે ઉમિયા માતાજી ઊંઝાના આગેવાનો, સીદસરના બે પ્રતિનિધિ અને સુરતના બે પ્રતિનિધિ સંયુક્ત રીતે રહેશે. મૂળ પ્રસ્તાવમાં ઉમિયા માતાજી વાંઢાય, નાસિક અને નાગપુરના બેબે પ્રતિનિધિ લેવાની વાત હતી. પણ સતપંથ સમાજ તરફથી વાંધો લેવામાં આવ્યો, એટલે આ ત્રણ મંદિરને પંચમાં સ્થાન ન આપવાનું નક્કી થયું.

બન્ને પક્ષોના ૧૧-૧૧ નામો:

સનાતની સમાજના ભાઈઓના ૧૧ નામો (તા.૧૫-સપ્ટેમ્બર-૨૦૧૫ના પત્ર મારફતે):

1.    શ્રી ગંગારામભાઈ હીરાલાલ સંખલા            પ્રમુખ શ્રી અ.ભા...પા. સમાજ

2.    શ્રી હંસરાજભાઈ દેવજી ધોળું                   પ્રમુખ શ્રી વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાન

3.    શ્રી જેઠાભાઈ લાલજી ચોપડા                   પ્રમુખ શ્રી સંસ્કાર ધામ દેશલપર

4.    શ્રી રામજીભાઈ કરમશી નાકરાણી              રાયપુર

5.    શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી               મુંબઈ

6.    શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણી                મુંબઈ

7.    Dr. શાંતિલાલ મેઘજી સેંઘાણી                  નખત્રાણા

8.    શ્રી પ્રેમજીભાઈ ભાણજી કેશરાણી              મુંબઈ

9.    C.A. ચંદ્રકાંતભાઈ કાંતિલાલ છાભૈયા          મુંબઈ

10. C.A. રમેશભાઈ માવજીભાઈ વાગડિયા         બેંગલોર

11. Dr. વસંતભાઈ અરજણ ધોળુ                  મંત્રીશ્રી યુવાસંઘ

 

સતપંથ સમાજના ભાઈઓના ૧૧ નામો (તા.૨૮-સપ્ટેમ્બર-૨૦૧૫ના પત્ર મારફતે):

1.    રામજી વીરજી ભાદાણી        – દેસલપર કોલ્હાપુર (પ્રમુખ)

2.    હરિભાઈ માધાભાઈ પટેલ      – કુરબઈ ગઢકંપા (મંત્રી)

3.    દેવજી કરસન ભાવાણી         – આણંદસર મુંબઈ (ઉપપ્રમુખ)

4.    ગંગારામ પ્રેમજી પટેલ          – વડાલી ટ્રસ્ટી

5.    જીવરાજ લધ્ધા પટેલ           – માધવ કંપા, બાયડ

6.    અબજીભાઈ કરમશી ધોળુ     દુર્ગાપુર ગાંધીનગર ટ્રસ્ટી

7.    મણીલાલ મેઘજી પોકાર        – હરીપુરા કંપા, ધનસુરા

8.    મોહનભાઈ કરશન              – હેમપુરી લાટ, પીરાણા કોટડા ()

9.    મણીલાલ શામજી વડગામ     – વડાગામ, ધનસુરા ટ્રસ્ટી

10. અરજણ શામજી ભગત        આણંદસર સલાહકાર

11. રતનશી લાલજી વેલાણી       દુર્ગાપુર

અને વધારામાં નીચેના બે નામો આપેલ હતાં

a.    જેઠાભાઈ મનજી નાકરાણી    – હળવદ

b.    અંબાલાલ શામજી પટેલ       – કલોલકંપા ખેડબ્રહ્મા

પછી કંઈ થયું નહિ એટલે તા. ૦૫-જાન્યુવારી-૨૦૧૬ના કેન્દ્રીય સમાજ તરફથી એક સ્મૃતિપત્ર (Reminder Letter) ઊંઝાને આપવામાં આપ્યો.

2.    ૧લી મિટિંગ તા. ૧૩માર્ચ૨૦૧૬

બન્ને પક્ષોના ઉપરોક્ત નામો આવી ગયા પછી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ પોતપોતાના પક્ષની રજૂઆત કરવા માટે બન્ને પક્ષોની મિટિંગ રવિવાર તા.૧૩માર્ચ૨૦૧૬ સવારના ૧૦ કલાકે ઊંઝા મુકામે બોલાવી. તેમાં બન્ને પક્ષોના ઉપર જણાવેલ ભાઈઓ હાજર રહ્યા હતા. અને બન્ને પક્ષો તરફથી પોતપોતાની રજૂઆતો કરવામાં આવી હતી. બન્ને પક્ષોને સાથે બેસાડીને સૌ પ્રથમ ઓળખાણ આપવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષોને અલગ અલગ સાંભળવામાં આવ્યા. પ્રથમ સતપંથ સમાજના ભાઈઓને સાંભળવામાં આવ્યા હતા.

આ મિટિંગમાં લવાદ તરીકે નીચેના વડીલોએ જવાબદારી પાર પાડી હતી:

1.    નારાયણભાઈ લલ્લુદાસ પટેલ      – પ્રમુખ, ઉમિયા માતાજી ઊંઝા

2.    દિલીપભાઈ મણીલાલ પટેલ        – મંત્રી, ઉમિયા માતાજી ઊંઝા

3.    મણીભાઈ ઈશ્વરલાલ પટેલ

4.    વિક્રમભાઈ ધનજીદાસ પટેલ

5.    પ્રહ્‌લાદભાઈ જોઈતારામ પટેલ

6.    વસંતભાઈ નારાયણદસ પટેલ

7.    એમ. જી. કનેરિયા

8.    પટેલ બાબુભાઈ ગણેશદાસ

9.    ગણેશભાઈ દ્વારકાદાસ પટેલ

10. હરગોવનભાઈ વીરદાસ પટેલ

 

2.1.  સતપંથ સમાજની રજૂઆત

સતપંથ તરફથી જે ૧૧ જણના નામની યાદી આવેલ હતી, તેમાં જીવરાજભાઈ લધ્ધા પટેલ – માધવ કંપા, બાયડની જગ્યાએ જેઠા કાનજી સેંઘાણી હાજર રહ્યા હતા. બાકીના ૧૦ જણ યાદી પ્રમાણે હતા.

ઊંઝાના (પંચોના) વડીલો દ્વારા અમોને જાણ કરવામાં આવી કે સતપંથની રજૂઆતના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણેના હતા;

a)    પીરાણા સતપંથ ધર્મ એ મુસ્લિમ ધર્મનો ફાંટો નથી. તે હિંદુ ધર્મનો ફાંટો છે.

b)    પીરાણા સતપંથ મત એ વેદોને માનતો ધર્મ છે.

c)    પીરાણા સતપંથ ધર્મમાં મુસલમાન રાજાઓએ જબરદસ્તીથી ફેરફારો કરી નાખ્યા હતા. તેમાંથી ઘણા ફેરફારો અમે સુધારી નાખ્યા છે. હજી કોઈ ફેરફાર કરવાના હોય, તો અમને જાણ કરો એ ફેરફાર કરી નાખશું.

d)    પીરાણા સતપંથ ધર્મના પ્રણેતા સૈય્યદ ઇમામુદ્દીન ઉર્ફે ઈમામશાહ બાવા ઉર્ફે ઈમામશાહ મહારાજ અમારા ઇષ્ટદેવ નથી. એ અમારા ગુરુ છે. તેઓ મુસલમાન હતા કે હિંદુ હતા તે એક સંશોધનનો વિષય છે.

e)    અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને ધર્મ સાથે કાંઈ લેવાદેવા નથી.

f)     અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ બન્ને સનાતન અને સતપંથ ધર્મના લોકો માટેની છે.

g)    અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં બધું બરાબર ચાલતું હતું, પણ જ્યારથી શ્રી ગંગારામભાઈ સાંખલા પ્રમુખ બન્યા, ત્યારથી તેમાં સતપંથ બાબતે ઝગડા ચાલુ થયા.

h)    સતપંથ અને સનાતન સમાજે ભેગા મળીને મિલકતો વસાવેલ તેના ઉપર આજે સનાતનવાળા ભાઈઓએ કબજો જમાવી દીધો છે.

i)    કચ્છ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલની મધ્યસ્થીમાં થયેલ સમજૂતીને કેન્દ્રીય સમાજ ગણકારતી નથી અને તે સમજૂતીનું પાલન પણ નથી કરતી.

તા. ૧૩-માર્ચ-૨૦૧૬ના ઉમિયા માતાજી ઊંઝાની મધ્યસ્થીમાં થયેલ બેઠક.

ફોટોમાં ઉમિયા માતાજીના આગેવાનો અને સતપંથના પક્ષકારો દેખાય છે.

 

2.2. સનાતન સમાજના (કેન્દ્રીય સમાજના) ભાઈઓની રજૂઆત

સનાતન સમાજ તરફથી જેઠાભાઈ લાલજી ચોપડા હાજર નહોતા. બાકીના ૧૦ જણ યાદી પ્રમાણે હાજર હતા.

સતપંથ સમાજના ભાઈઓને સાંભળી લીધા પછી સનાતન સમાજના ભાઈઓને બોલાવ્યા હતા. અથાગ પરિશ્રમથી બનાવેલ દળદાર પુસ્તકની પ્રતો (આ પુસ્તકનું section 2 માં જે પ્રકાશિત કરેલ છે) મધ્યસ્થી સભ્યોને (પંચોને) સોંપવામાં આવી. તેમાં સતપંથ શું છે? આપણી જ્ઞાતિ તેમાં ક્યારે અને કેવી રીતે ફસાણી, જ્ઞાતિનો ઈતિહાસ, નારાયણ રામજી લિખિત પીરાણાની પોલના અવતરણો, સતપંથમાં “તાકિયા”નો પ્રયોગ ક્યાં અને કેવી રીતે થાય છે, સતપંથ એક મુસ્લિમ ધર્મનું ફાંટું છે, સરકારી ગઝેટીયરો, કોર્ટ કેસો, સંશોધનકારોના દસ્તાવેજો, રીસર્ચ કરનારાઓની Ph.D થીસીસ વગેરે વગેરેનો સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવેલ છે. એક પાવરપોઈન્ટ પ્રેસેન્ટેશન તૈયાર કરવામાં આવેલ હતું. ત્યાં મોટી સ્ક્રીન ઉપર એક પછી એક સ્લાઈડ બતાવામાં આવી અને સંપૂર્ણ હકીકતો સમજવામાં આવી. ટૂંકમાં સનાતની ભાઈઓની સતપંથ ધર્મ અંગેની રજૂઆત બહુજ મુદ્દાસર અને અત્યંત અસરકારક હતી.

આ પુસ્તકના Section 2માં (જુઓ પેજ ક્ર ૨૪૫ ) સનાતની સમાજની રજૂઆતના તમામ મુદ્દાઓ સામેલ છે માટે અહીં તેનું પુનરાવર્તન નથી કરવામાં આવ્યું.

સનાતની સમાજની રજૂઆતના ટૂંકમાં મહત્ત્વના મુદ્દાઓનો સાર આ પ્રમાણે છે.

1.    સૈયદ ઈમામશાહ બાવાનું પૂરું નામ ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ છે. તેમને ઈમામશાહ મહારાજ પણ કહેવામાં આવે છે. એ મૂળ સતપંથ (જેની પીરાણા સતપંથ એક શાખા છે) ના સ્થાપકના, એટલે પીર સદૃદ્દીનના, પોત્રા છે. ઈમામશાહએ ભારતમાં આવીને અસંખ્ય હિંદુઓને મુસલમાન બનાવ્યા છે.

2.    ધર્મ પરિવર્તનનું કામ સહેલું થાય એ માટે એમને ઇસ્લામની તાકિયા પદ્દતિનો ઉપયોગ કર્યો. તેમને ઇસ્લામના બીજની અરસપરસ હિંદુ રીત રિવાજો અને હિંદુ દેવદેવીઓને વણેલો સતપંથ ધર્મનો પ્રચાર કર્યો. આ સતપંથ ધર્મ કલિયુગનો સાચો હિંદુ ધર્મ છે એવું કહેવામાં આવ્યું. અને તેમાં બતાવેલ હિંદુ દેવદેવીઓના મોઢે સતપંથ શાસ્ત્રોમાં ઇસ્લામના મૂલ્યોને પ્રચાર કરતા બતાવ્યા છે. જેનાથી નવા અનુયાયીઓ પોતાના હિંદુ ધર્મને છોડીને સતપંથ ધર્મ સ્વીકારવા તરતજ સહેલાઇથી તૈયાર થઇ જાય.

3.    હિંદુ દશાવતાર ધર્મ ગ્રંથને ભ્રષ્ટ કરી નવો સતપંથ દશાવતાર ગ્રંથ તૈયાર કર્યો. તેમાં ભગવાન વિષ્ણુના અવતારોને ખૂબ યુક્તિપૂર્વક ભ્રષ્ટ કર્યા છે. આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુનો છેલ્લો એટલે ૧૦મો અવતારને ઇસ્લામના સ્થાપક મુહમ્મદ પૈગંબરના કાકાઈ ભાઈ અને જમાઈ હઝરત મૌલા અલીને બતાવ્યો છે. આ અલી એજ છે, જેણે શિયા મુસલમાન સર્વોચ્ચ ગણે છે. ભારતમાં હઝરત અલીને હિંદુઓ જલ્દીથી કોઈ પણ જાતના વિરોધ વગર સ્વીકારી લે, એટલા માટે તેમનું ભારતીય નામ નિષ્કલંકી નારાયણ રાખવામાં આવ્યું છે.

4.    સતપંથના શાસ્ત્રોમાં મા શક્તિ દેવીને બીબી ફાતિમા બતાવવામાં આવેલ છે. મહાદેવને બાબા આદમ બતાવવામાં આવેલ છે. ઇસ્લામનો એક પંથ જેનું નામ શિરતઅલમુસ્તકીનછે, એ નામનું ભાષાંતર કરી સતપંથનામથી એ પંથને ભારતમાં શરુ કરવામાં આવ્યો. આ તમામ વિગતો વર્ષ ૧૮૯૯ના સરકારી ગઝેટીયરમાં વિસ્તૃત રીતે જણાવેલ છે.

5.    પીરાણામાં ઈમામશાહની સમાધિ છે, એવો ભ્રામક અને છેતરતો પ્રચાર કરવામાં આવે છે, એ તદ્દન જુઠ્ઠો છે. વાસ્તવમાં ઈમામશાહની ઈસ્લામી શૈલી (ઢબ) માં બનેલ અને ઈસ્લામી રીત રીવાજ પ્રમાણેની પાકી કબર છે, જેણે દરગાહ કહેવામાં આવે છે. તેમની કબર સૈય્યદ મુસલમાન સમાજની માલિકીના કબ્રસ્તાનમાં છે. તેમની કબરની આસપાસ અસંખ્ય મુસલમાનોની કબરો છે. આ કબ્રસ્તાનના માલિક મુસલમાન સૈય્યદો છે. તેમની મંજૂરી વગર કોઈ પણ લાશને એ કબ્રસ્તાનમાં દફનાવી શકતું નથી.

6.    બંધારણના વહીવટી સ્કીમની કલમ ૬ પ્રમાણે, પીરાણાના ગાદીપતિ (ઉર્ફે પ્રેરણાપીઠના ગાદીપતિ), જે હાલે નાનકદાસ કાકા (ઉર્ફે નાનકદાસ મહારાજ) છે, એવા ગાદીપતિ કાકા ઉર્ફે મહારાજની ધાર્મિક વિધિ સૈય્યદોના હાથે થયા બાદજ એ ગાદી ઉપર બેસી શકે. મુસલમાનો ધાર્મિક વિધિમાં શું કરતા હશે, એ આપ સૌ કલ્પના કરી શકો છો. અગર સતપંથ સાચેજ હિંદુ ધર્મ છે, તો એવો તો કેવો આ હિંદુ ધર્મ કે જેના વડાની ધાર્મિક વિધિ મુસલમાનો કરે તોજ એ ગાદી પર બેસી શકે? જૂઓ Annex No. 1.14 પેજ ક્ર. ૪૦૪

ઉપર જણાવેલ પત્રનું લખાણ

તા. ૦૬-૦૪-૨૦૧૯

 

આજ રોજ તા ૬/૪/૨૦૧૯ શનિવાર ચિત્ર શુદ ૧ ના રોજ પીરાણા મુકામે શ્રી ગંગારામ ખીમજી પટેલને પેટા ભાગવા તરીકે નિમણુક કરવા બાબતે મળેલ મીટીંગમાં સર્વ સહમતીથી ઈમામશાહ બાવાની દરગાહ સમક્ષ હાજર રહી તેમની બેડી પહેરી અને બેડી ખુલી જતા તેમની નિમણુકની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. પ્રવર્તમાન ગાડીવાળા કાકા શ્રી નાનજી કાકા ગુરુ કરસન કાકા તેમજ સાદત પંચમાંથી હાજર રહેલ સૈયદો એ એમને સંસ્થાના કારભારીકાકા (પેટા કાકા) તરીકે ગાદીવાળા કાકા શ્રી નાનજીકાકા ગુરુ કરસનકાકાના આશીર્વાદ તેમજ સતપંથ સમાજના સભ્યોની હાજરીમાં તેમની નિમણુંક કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

 

ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમિટી

ચેરમેન – સહી: નાનજી કાકા

 

સાદત (સૈયદ) પંચ વતીથી સહી કરનાર:

1)    સૈયદ અલ્તાફ હુસેન નુરુદ્દીન, પીરાણા

2)    સૈયદ ખિલાફત હુસેન દિલાવર હુસેન, પીરાણા

3)    સૈયદ શાહબુદ્દીન બાકર અલી, પીરાણા

4)    સૈયદ મહેમુદઅલી બાકર અલી, પીરાણા

5)    સૈયદ અકબરઅલી ઇમ્તિયાઝ અલી, પીરાણા

 

 

તા. ૦૬-એપ્રિલ-૨૦૧૯ના મેત્રાલ કંપાવાળા ગંગારામ ખીમજી કાકા બન્યા તે વખતે બંધારણ પ્રમાણે સૈયદોની મંજૂરી લેવાની વિધિ દરમ્યાન અમુક સૈય્યદો સાથે ગંગારામ કાકા ઉર્ફે જ્ઞાનેશ્વરદાસ કાકા, નાનકદાસ કાકા અને અન્ય આગેવાનો.

અમદાવાદ ચેરીટી કચેરીમાં ચાલતા ન્યાય પરચૂરણ અરજી નં ૧૯/૨૦૧૯ અને ૨૩/૨૦૧૯ માં પીરાણાની માતૃ સંસ્થા ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ દ્વારા ગંગારામ કાકાની નિમણુંક કાયદાકીય રીતે થયેલ છે એના પુરાવા તરીકે રજૂ કરેલ એક ફોટો અને તા. ૦૬/૦૪/૨૦૧૯નો પત્ર (અલગથી શામેલ છે).

પીરાણા સતપંથનું ઈસ્લામી મૂળ કે બીજ શું છે? આ અંગે ઊંડાણ પૂર્વક રજૂઆત કરેલ હતી. પીરાણા સતપંથનું બીજ નીચે જણાવેલ ચાર મુદ્દામાં છે. પીરાણા સતપંથને બરાબર ઓળખવા માટે ફક્ત આ ચાર મુદ્દાઓને યાદ રાખવાની જરૂર છે.

1.    ઈમામશાહ

2.    નિષ્કલંકી નારાયણ

3.    સતપંથ (ઈસ્લામી બીજ અને હિંદુ દેખાવ યુક્ત ધર્મ), અને

4.    પીરાણા

પીરાણા સતપંથવાળા કહેતા હોય છે કે અમે કોઈ પણ ફેરફાર કરવા તૈયાર છીએ, તો તેમને કહી જુઓ કે ઉપર જણાવેલ ચાર મુદ્દાઓને તમારા ધર્મમાંથી કાયમ માટે સંપૂર્ણ રીતે કાઢી નાખો. ત્યારે તમને ખબર પડશે કે ઉપર જણાવેલ ચાર મુદ્દાઓમાં પીરાણા સતપંથવાળા કોઈ પણ રીતે બાંધછોડ કરવા તૈયાર નહીં થાય. આના પરથી સમજાશે કે તેમની આસ્થા અને શ્રદ્ધા ઇસ્લામના બીજમાં છે એટલે ઇસ્લામ ધર્મમાં છે. આના સિવાયના તમામ મુદ્દાઓમાં બધા ફેરફારો કરવા તૈયાર થશે. જેમ કે મડદાને દફનાવાના બદલે અગ્નિસંસ્કાર કરવું, હિંદુ દેવોની પૂજા કરવી, મધ્યરાત્રીની પૂજા ન કરવી, વગેરે વગેરે. પણ ઊંઝાવાળાને બરાબર સમજાવવામાં આવ્યું કે સતપંથવાળા જો ખરેખર હિંદુ બનવા માટે તૈયાર હશે, તો ઉપર જણાવેલ ચાર મુદ્દાઓને છોડવા તૈયાર થશે. જેની ખાસ નોંધ ઊંઝાના લવાદ પંચોએ લીધી.

એ ઉપરાંત, સતપંથના ભાઈઓના મુદ્દાઓ ઉપર કેન્દ્રીય સમાજે નીચે પ્રમાણે ખુલાસાઓ આપ્યા.

a)    અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની (કેન્દ્રીય સમાજની) સ્થાપના એવા સુધારક વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેઓએ સતપંથ ધર્મનો વિરોધ કર્યો હતો. સતપંથ ધર્મ કાયમ માટે છોડીને પુન: સનાતન ધર્મનો અંગીકાર કર્યો હતો. આવું કરવાના કારણે સતપંથ સમાજમાંથી તેમને જ્ઞાત બહાર કરી દેવામાં આવેલ હતા. માટે આવી રીતે જ્ઞાત બહાર થયેલ લોકોના, એટલે કે માત્ર અને માત્ર સનાતનીઓના, હિતોની રક્ષા કરવા માટે કેન્દ્રીય સમાજની સ્થાપના કરી હતી.

b)    જે સમાજના સ્થાપક વડીલોએ સતપંથ ધર્મનો સદંતરે ત્યાગ કર્યો હોય તે સમાજ સતપંથને માનનારા ભાઈઓના હિતોની રક્ષા કઈ રીતે કરી શકે? એટલે સતપંથવાળાને કેન્દ્રીય સમાજમાં સાથે રાખવાની વાતજ નથી.

c)    હિંદુ ધર્મમાં ભેળસેળ કરીને એક મુસલમાન ધર્મને હિંદુ ધર્મ બતાવી, તેને સતપંથ નામ આપ્યું. જેના કારણે સામાન્ય હિંદુ સમાજ સતપંથનો શિકાર બનીને મુસલમાન બનવાના રસ્તા પર ચાલતો થઇ જાય. સનાતન સમાજમાં આવું ન થાય, એટલા માટે સતપંથ ધર્મને સનાતન સમાજમાં ચલાવી લેવાનાનો કોઈ પ્રશ્નજ રહેતો નથી.

d)    કેન્દ્રીય સમાજની સ્થાપના વખતે જ્ઞાતિની ઓળખાણ એક મુમના મુસલમાન સમાજની જ્ઞાતિ તરીકે થતી હતી. તેથીજ તો તે વડીલોએ ત્યારની સતપંથ સમાજનો સદંતર ત્યાગ કર્યો હતો અને ગામે ગામ કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો બંધાવ્યાં હતાં.

e)    જો સતપંથ સાચે હિંદુ ધર્મ હોત, તો શું આજથી ૫૦૦ વર્ષ પહેલાં અહીંના જ એટલે કે તે સમયે ઊંઝાના વડીલોએ અમારા વડીલોને શું કોઈ વાંક ગુનાહ વગર એમને એમ જ્ઞાત બહાર કર્યા છે? અમારા વડીલો દ્વારા અપનાવેલ સતપંથ ધર્મ મુસલમાન ધર્મ હોવાના કારણેજ અમને જ્ઞાત બહાર કરેલ. આ અંગે ઉમિયા માતાજી ઊંઝાના ઈતિહાસમાં જણાવેલ સચ્ચાઈઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું.

f)     અત્યાર સુધી સતપંથ સમાજના ભાઈઓએ કેન્દ્રીય સમાજનો ઉપયોગ ફક્ત અને ફક્ત પોતાને હિંદુ તરીકે ઓળખાવવા માટેજ કર્યો છે. તેમની લાગણી અને આસ્થા તો આજે પણ પીરાણા સતપંથ ધર્મ અને સતપંથ સમાજમાં જ છે. આવા લોકોને અમારા કેન્દ્રીય સમાજમાં કોઈ પણ રીતે આવરી ન શકાય.

g)    આજ સુધી અમુક સતપંથીઓ, તાકિયા વાપરીને, લોકોને અંધારામાં રાખીને, કેન્દ્ર સમાજના સભ્ય બની ગયા હોય, તો તેનો અર્થ એમ નથી કે કેન્દ્ર સમાજ સતપંથીઓને સ્વીકારે છે. આજે ઉમિયા માતાજી ઊંઝામાં પણ અમુક સતપંથીઓ સભ્ય બની ગયા છે, તો શું ઉમિયા માતાજી ઊંઝા સતપંથને હિંદુ ધર્મ તરીકે સ્વીકારે છે? ના. જે રીતે ઉમિયા માતાજી ઊંઝાના કારોબારીમાંથી સતપંથીઓને કાઢી નાખવામાં આવ્યા છે, આવીજ રીતે કેન્દ્રીય સમાજમાં પણ સતપંથીઓને કાઢવામાં આવ્યા છે. કેન્દ્ર સમાજે સતપંથને કોઈ દિવસ સ્વીકારેલ નથી અને ભવિષ્યમાં પણ સ્વીકારશે નહીં.

h)    જે લોકોને કેન્દ્રીય સમાજ પ્રત્યે જરા પણ લાગણી અને માન હોય તે લોકો કોઈ દિવસ એ સમાજની કાર્યવાહીને ઘોંચમાં નાખવા ખોટા કોર્ટ કેસો કરી શકે ખરા? પણ સનાતની સમાજ વિરુદ્ધ સતપંથી ભાઈઓ દ્વારા છાસવારે ખોટા કેસો કરી રહ્યા છે. ખોટા કોર્ટ કેસો કરીને સનાતની ભાઈઓને રંજાડવાનો એક પણ મોકો સતપંથી ભાઈઓ ચૂકતા નથી. તેની પાછળ હાથ કોનો હોય છે તે પુરવાર કરવાની જરૂરત નથી. કોર્ટ કેસ કરનાર તો માત્ર એક મોહરું હોય છે.

i)     સતપંથ સમાજના ભાઈઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે અબજીભાઈ ધોળુ જે સતપંથમાં આસ્થા ધરાવે છે તેમના દાદાએ માંડવી હોસ્ટેલમાં દાન આપ્યું હતું. તેઓ પણ સતપંથી હતા. પણ આજે કેન્દ્રીય સમાજ કહે છે કે તે મિલકત કેન્દ્રીય સમાજની છે. તેનો પ્રત્યુત્તર આપતાં સનાતની મુરબ્બી શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુએ મધ્યસ્થી વડીલોને જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થાને એક વખત દાન આપી દીધા પછી એ મિલકતમાં દાન દેનારનો હક્ક કેટલો અને કઈ રીતે હોઈ શકે? જે વખતે જે તે વડીલોએ દાન આપ્યું હતું તે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને આપ્યું હતું. તો આજે તે મિલકત કોની માલિકીની થાય. તે દાન દેનારની થાય કે પછી દાન લેનાર સંસ્થાની થાય?

j)     સતપંથ સમાજવાળા દ્વારા સનાતની સમાજની મિલકતો હડપ કરવાના પ્રયત્નોના દાખલાઓ આપ્યા. જેમાં માંડવી વિદ્યાર્થી હોસ્ટેલ, નવાવાસ (રવાપર)ની સમાજ વાડી, વિરાણી (ગઢ)ની સમાજ વાડી વગેરે સામેલ હતા. આનાથી સમજાવવામાં આવ્યું કે સતપંથીઓની મુરાદ સનાતનીઓની સંસ્થાઓમાં ઘૂસી, તેમાં અંદરોઅંદર ઝગડાઓ ઊભા કરાવી, સંસ્થાઓ પર પોતાનું નિયંત્રણ મેળવી તેમજ સંસ્થાને તોડી, હિંદુ લોકોને સતપંથ ધર્મ તરફ ખેંચી જવાની મેલી મુરાદ છે. જેનાથી બચવું ખૂબજ જરૂરી છે. માટે સનાતનીઓ માટે સતપંથવાળાને સાથે રાખવા એ હાલની પરિસ્થિતિમાં આત્મહત્યા જેવું છે. અને ભાવિ પેઢીને ઇસ્લામ તરફ ધકેલવાનું કામ ગણાય.

k)    મધ્યસ્થી વડીલોએ પ્રશ્ન કર્યો હતો કે સતપંથી ભાઈઓ એમ કહી રહ્યા છે કે અમુક મિલકતો સતપંથ અને સનાતન સમાજોએ સવેચમાં બનાવી છે. તેના પ્રત્યુતરમાં પ્રમુખ શ્રી ગંગારામભાઈ સંખાલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક પણ એવી મિલકત નથી કે જે સનાતન સમાજ (કેન્દ્રીય સમાજ) કે સતપંથ સમાજની સવેચમાં ઊભી કરવામાં આવી હોય.

l)     સતપંથી ભાઈઓની એક રજૂઆત એવી હતી કે જ્યારથી ગંગારામભાઈ પ્રમુખ થયા છે ત્યારથી વર્ગવિગ્રહ કરીને સમાજને તોડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેના પ્રત્યુત્તરમાં ગંગારામભાઈ સાંખલાએ જણાવ્યું હતું કે સનાતન સમાજ અસ્તિત્વમાં આવી તે પહેલાં સતપંથ સમાજ મોજૂદ હતી જેમાં અમારા વડીલો પણ સામેલ હતા. પણ અમારા વડીલોએ જ્યારથી સનાતન ધર્મનો પુન: અંગીકાર કર્યો ત્યારથીજ તેઓને સતપંથ સમાજવાળાઓએ જ્ઞાતબહાર કર્યા. તે દિવસેજ સમાજ તૂટી પડી. સમાજને તોડવાવાળા તો સતપંથના ભાઈઓ જ છે. અને સતપંથ સમાજ સાથેના ઝગડાઓ તો પૂજ્ય કેશરા પરમેશ્વરાના સમયથી ચાલી રહ્યા છે. તમને પૂરી માહિતી ન આપીને ભરમાવામાંની ચાલ છે, જેનાથી ચેતતા રહેજો.

m)  સતપંથી ભાઈઓ તરફથી કેન્દ્રીય સમાજ ઉપર એક આરોપ લગાવવામાં આવ્યો હતો કે કલેક્ટર સાહેબ મહેન્દ્રભાઈની મધ્યસ્થીમાં માંડવી મિલકત અંગે જે ફોર્મ્ચુલા ઘડવામાં આવ્યો, તેનું અમલ કેન્દ્રીય સમાજના પ્રમુખ કરતા નથી. તે આરોપના પ્રત્યુતરમાં ગંગારામભાઈએ મધ્યસ્થીઓને જણાવ્યું હતું કે ચાર મુદ્દાઓ ઉપર તે સમજૂતી કરવામાં આવી હતી. ક્રમશ:

માંડવી હોસ્ટેલ મુદ્દા ઉપર કલેકટર મહેન્દ્રભાઈની મધ્યસ્થીમાં થયેલ સમજૂતીના મુદ્દાઓ:

) માંડવી હોસ્ટેલ પહેલાં જેમ હતી તેમ કેન્દ્રીય સમાજના નામે ચડાવી દેવી.

) તેના મેનેજમેન્ટમાં પાંચ સભ્યો સર્વોદય ટ્રસ્ટના લેવા અને પાંચ સભ્યો સનાતન સમાજના (કેન્દ્રીય સમાજના) લેવા.

) નખત્રાણા કોટડાના રોડમાં આવેલ પીરાણા સતપંથનું ખાનું ઉર્ફે મીની પીરાણું જેણે હાલમાં નિષ્કલંકી નારાયણ મંદિર કહેવામાં આવે છે, ત્યાં ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણને હટાવીને મા ઉમિયા માતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી.

) ઉપરની ત્રણ શરતો પૂરી થાય તો, ત્યાર પછી કેન્દ્રીય સમાજની કારોબારીમાં સર્વોદય ટ્રસ્ટવાળા જે પાંચ સભ્યોના નામો કહે તેઓને આમંત્રિત સભ્યો તરીકે આવરી લેવા.

 

આમાં એ વાત ક્યાં આવે છે કે નક્કી કરેલ ફોર્મ્યુલાને ગંગારામભાઈ સાંખલા માનતા નથી કે તે પ્રમાણે વર્તન નથી કરતા. ગંગારામભાઈએ અફસોસ કરતા જણાવ્યું હતું કે નુકસાન તો અમારા કેન્દ્રીય સમાજને થયું છે કે જે હોસ્ટેલનું મેનેજમેન્ટ સંપૂર્ણ રીતે સનાતન સમાજના(કેન્દ્રીય સમાજના) હસ્તક હતું, તે તેના હાથમાંથી ઝુંટવીને સર્વોદય ટ્રસ્ટના હાથમાં જતું રહ્યું છે. અને કેન્દ્રીય સમાજનો બોર્ડ ઉતારીને સર્વોદય ટ્રસ્ટના નામનો બોર્ડ ચડાવી દેવામાં આવ્યો છે. આ તો ઉલટો ચોર કોતવાલને ડાંટે તેવી વાત થઇ. કથિત હોસ્ટેલની મિલકત કેન્દ્રીય સમાજના નામે યથાવત કરાવીને મીની પીરાણામાં ઉમિયા માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી એ વાત તો અભરાઈએ ચડી ગઈ છે.

 

2.3. બન્ને પક્ષોને સંયુક્ત બેસાડ્યા

બન્ને પક્ષોની અલગથી રજૂઆતો સાંભળ્યા પછી છેલ્લે બન્ને પક્ષોને સાથે બેસાડી આગળની કાર્યવાહી કઈ રીતે કરવી તેનું વિવરણ કરતા મહામંત્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમોએ બન્ને પક્ષોની રજૂઆતો સાંભળી છે. તેનું ચિંતન અને મનન કરીશું અને ફાઈનલ નિર્ણય માટે આગામી સમયમાં એક મિટિંગ બોલાવશું. તે દિવસે બન્ને પક્ષોએ કોરા કાગળ ઉપર સહીઓ કરી આપવી પડશે. જેથી જે નિર્ણય અમે આપીએ તે બન્ને પક્ષોને બંધન કરતા રહેશે. તેના જવાબમાં સતપંથના ભાઈઓએ કોરા કાગળ ઉપર સહી કરી દેવાની તદ્દન ના પાડી હતી. જ્યારે સનાતની સમાજ વતી રજૂઆત કરતા ગંગારામભાઈએ કહ્યું હતું કે અમોને ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ઉપર સંપૂર્ણ ભરોસો અને શ્રદ્ધા છે. જેમ ઉમિયા માતાજી કહેશે તેમ અમો કોરા કાગળ ઉપર સહીઓ કરી આપીશું.

સતપંથ સમાજ તરફથી સહયોગ ન મળતો જોઈને ઊંઝા વાળાઓએ બીજો પ્રશ્ન મૂક્યો કે સતપંથ સમાજને ઉમિયા માતાજી ઊંઝાની લવાદગી એટલે કે મધ્યસ્થી મંજૂર છે કે કેમ? કારણ કે જો એ પણ મંજૂર ન હોય તો આ સંપૂર્ણ પ્રયાસનો કોઈ અર્થજ નથી. ઊંઝાની માતૃ સંસ્થાની પણ અવગણના કરીને સતપંથના ભાઈઓએ પોતાના જવાબમાં ના પાડી દીધી. તેમનું કહેવાનું માત્ર એટલુજ હતું કે આપણે અહીં માત્ર વાતો કરીએ, જો અમોનો ઠીક લાગે તો અમો પાળીશું અને જો સનાતનીઓને ઠીક લાગે તો સનાતનીઓ ભલે પાળે.

2.4. રજૂઆતઓનો સાર

સતપંથીઓએ એવી રજૂઆત કરી કે મૂળમાં વિવાદ ધર્મનો નથી પણ માત્ર સમાજની મિલકતનો છે. સતપંથીઓ તરફથી આપવામાં આવેલ તર્કો અને મુદ્દાઓ એટલે ખોખલા હતા, કે કોઈના ગળે ઉતર્યા નહિ. તેમના તરફથી કરવામાં આવેલ વાત કે સૈય્યદ ઈમામશાહ બાવા મુસલમાન હતા કે નહિ એ સંશોધનનો વિષય છે, એના પરથી સૌને એક વાતની ખાતરી થઇ ગઈ કે સતપંથવાળા ખોટું બોલીને મૂળ વિષયથી બેઠકને ભટકાવી રહ્યા છે. ઉમિયા માતાજી ઊંઝાની લવાદગીને ન સ્વીકારીને સતપંથના લોકોએ પોતાની પ્રામાણિકતાને શંકામાં મૂકી દીધી.

વિષય માત્ર મિલકતનો હોત તો ઊંઝાવાળા કોઈ દિવસ આ ઝગડામાં વચ્ચે ન પડત. ઊંઝાવાળાને સતપંથ ધર્મની સમસ્યાની જાણ ૫૦૦ વર્ષથી છે. એટલેજ તેઓ આ સમસ્યાનો હલ લાવવા મધ્યસ્થી કરેલ છે. સતપંથવાળા જાણેતો બધું છે કે ઊંઝાવાળાને બધી ખબર છે. પણ તેમ છતાં આવી વાત કરી એટલે ઊંઝાવાળાને ખાતરી થઇ ગઈ કે કોણ ખોટી વાતો કરી રહ્યું છે. ટૂંકમાં સતપંથવાળાનું નકારાત્મક વલણ ખુલ્લું પડી ગયું.

તેની સામે સનાતન સમાજ વાળાની રજૂઆત મુદ્દાસર, અસરકારક, સજ્જડ પુરાવાયુક્ત હતી. જેમાં સરકારી, કોર્ટ, યુનિવર્સિટી, સંશોધનકાર, બુદ્ધિજીવીઓ વગેરેના દસ્તાવેજોનો આધાર લીધેલ હતો. ખુદ ઊંઝાના દસ્તાવેજો પણ સનાતન સમાજની વાત સાથે સંલગ્ન હતા. જેથી સ્પષ્ટ રીતે સંદેશો ગયો કે સનાતન સમાજવાળાની વાત સાચી છે.

2.5. સનાતની ટીમની માનસિક તૈયારી

સતપંથ સમાજના ભાઈઓનું આ નકારાત્મક વલણના કારણે તેઓ આ લડાઈ પહેલીજ મિટિંગમાં હારી ગયા. સતપંથના ભાઈઓને સારી રીતે જાણતા હશેજ કે તેઓ હિંદુ ધર્મી છે એવી વાત તેમની તદ્દન ખોટી છે. માટે આ લડાઈતો જીતી નહીં શકે, એ જાણતા હશેજ.

આ પરીપ્રેક્ષ્યમાં મહત્ત્વના બે સવાલો સામે આવે છે કે…

1)   હારતી લડાઈ લડવા માટે અહીં (ઊંઝામાં) આવવાનું કારણ શું?

2)   જ્યારે તેમને ખબર છે કે તેઓ આ લડાઈને સીધી રીતે નહીં જીતી શકે, તો તેઓએ કેવી રણનીતિ અપનાવી?

આ બન્ને સવાલોના જવાબમાં ઊંડાણમાં ઉતરશો તો તમને સતપંથની સોચ અને તેમનો ઉદ્દેશની આછેરી જાણકારી મળશે. સનાતનીઓની ટીમમાં પણ આની ચર્ચા કરવામાં આવી. ચર્ચાના અંતે સનાતની ટીમ એવા નિષ્કર્ષ પર આવી કે,

1)    સતપંથ સમાજવાળા ઈમામશાહ બાવા, નિષ્કલંકી નારાયણ, સતપંથ અને પીરાણાને કોઈ દિવસ નહીં છોડે. માટે ઊંઝાના વડીલો સાથે નિકટતાથી ચર્ચા કરવાની આ તકને સતપંથવાળાઓ કોશિશ કરશે કે ઊંઝા તરફથી પોતાને સતપંથને હિંદુ તરીકે સ્વીકારીતા મેળવી લે. જેથી કરીને સતપંથ ધર્મનો પછી કોઈ વિરોધ ન કરી શકે. આવું કરતી વખતે અગર ઊંઝાવાળા તેમના વિરુદ્ધમાં ચુકાદો આપશે, તો ચુકાદાનું અમલીકરણ નહીં કરે. માટે જોવા જઈએ તો સતપંથીઓને ખોવા માટે કંઈ હતું નહીં. તેમની બાજી સીધી પડત તો સતપંથનો વિરોધ બંધ કરવામાં તેમને મોટો સહયોગ મળત. બાજી ઊલટી પડત તો ચુકાદાનો અમલ કરવું કે ન કરવું એ પણ તેમના જ હાથમાં હતું.

2)    સત્યના આધારે સતપંથવાળા લડાઈ લડવા જાય તો પહેલી ઘડીએ લડાઈ હારી જાય અને લડાઈ પૂરી થઇ જાય. આવું કોઈ કાળે એ લોકોને કરે નહીં. માટે એ લોકો માટે જૂઠનો સહારો લીધા વગર કોઈ ઉપાયજ નહોતો. એટલે સનાતની સમાજની ટીમ સતપંથવાળા તરફથી યુક્તિપ્રયુક્તિઓ યુક્ત પરોક્ષ જૂઠ અને તાકિયાનો ઉપયોગની અપેક્ષા રાખતી હતી.

ઉપરોક્ત બન્ને પરિસ્થિતિઓ માટે સનાતની સમાજની આ ટીમ દ્વારા પૂરે પૂરી તૈયારી કરેલ હતી.

સતપંથવાળા ઊંઝાના લવાદગીને સ્વીકારવાની મંજૂરી આપતા નહોતા. એમનું કહેવાનું હતું કે આપણે ચર્ચા કરીએ, અને ચર્ચાના અંતે જો મજા આવે તો પાળવાનું અને મજા ન આવે તો ન પાળવાનું. જુઓ કેવી ચતુરાઈથી તાકિયાને વાપરવામાં આવ્યો. આવી વાત કોઈ સમજદાર માણસને શોભે? પણ તાકિયા પાળતા હોય એટલે આવું સૂજી આવે. કોઈ લાજ શરમ વગર, કોઈ સંકોચ રાખવા વગર કહી દે. સાથે-સાથે પોતાની વાતમાં ક્યાંય ફસાઈ ન જાય એટલે ખૂબજ બુદ્ધિ પૂર્વક છટકબારી રાખવામાં આવે. જો ચુકાદો સતપંથ તરફી ન આવે તો કહી શકે કે પાળવાનું બંધન કરતા નહોતું. પણ જો ચુકાદો સતપંથ તરફી આવે અને સામેવાળા (સનાતનવાળા) ચુકાદાને ન પાળે તો તે સમયે ડાહી-ડાહી સુફિયાણી વાતો કરી, સનાતનીને બદનામ કરી ચુકાદો પાલન કરવા માટે પૂરે પૂરું દબાણ લાવી શકે. જનતામાં પોતે સારા છે એવો દેખાવ કરી શકે. આવી પરિસ્થિતિમાં “ચિત ભી મેરી અને પટ ભી મેરી” એમ બન્ને પરિસ્થિતિમાં સતપંથવાળાનું કામ થાય એવી ચાલ હતી. જેને ઊંઝાવાળા ઓળખી ગયા અને તેમની આ વાત ચલાવી ન લીધી.

3.    ઊંઝાવાળાની પીરાણાની મુલાકાત (૨૯જૂન૨૦૧૬)

ઊંઝાવાળાને લવાદ/પંચ તરીકે સ્વીકારે છે એવો પત્ર તા. ૨૫માર્ચ૨૦૧૬ના સનાતની સમાજ તરફથી આપી દેવામાં આવ્યો. પછી તા. ૦૯જૂન૨૦૧૬ના હિમ્મતભાઈ, ચંદ્રકાંતભાઈ, અબજીભાઈ, અમદાવાદવાળા મુકેશભાઈ ખેતાણી, વગેરે લોકો એક વખત ઊંઝાના વડીલોને મળ્યા. ત્યાર બાદ એવા ખબર મળ્યા કે તા. ૨૯જૂન૨૦૧૬ ના અરસામાં ઊંઝાવાળા પીરાણાની મુલાકાતે ગયા હતા. પીરાણામાં હકીકતમાં શું શું છે, એ જાણવા ગયા હતા. બન્ને પક્ષોની રજૂઆતની ચકાસણી માટે ઊંઝાવાળા જાતે પીરાણા ગયા હતા.

4.    સતપંથીઓ અને ઊંઝાના લવાદની મિટિંગ (૦૯જુલાઈ૨૦૧૬)

સતપંથ સમાજના અમુક પ્રતિનિધિઓ ઊંઝાના આગેવાનોને મળ્યા. તેઓની રજૂઆતના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે હતા;

1.    સમાજ અને ધર્મ અલગ હોવા જોઈએ.

2.    સતપંથ, ઈમામશાહ તથા પીરાણાની સંસ્થા આ ત્રણે મુદ્દાથી જુદા થવા માંગતા નથી. ઈમામશાહને અમારા સદ્‌ગુરુ તરીકે માનવાના જ છીએ.

3.    દરેકના ઇષ્ટદેવ અલગ હોઈ શકે. સંપ્રદાય અલગ હોઈ શકે.

4.    ઈમામશાહ હિંદુ છે કે મુસ્લિમ છે તેમાં પાડવા જરૂરી નથી. અમાર સંપ્રદાયમાં કોઈ આમલેટ ખાતું નથી. લસણ, ડુંગળી (કાંદા) ખાતું નથી. અમારો સમાજ વ્યસન મુક્ત છે. હિંદુમાંથી બીજા કોઈ સંપ્રદાયમાં જશે નહીં, તેની ખાતરી આપીએ છીએ.

5.    પીરાણામાંથી સૈયદોને કાઢવા માટે કેસ ચાલે છે.

6.    ભાવિ પેઢીને યોગ્ય સંસ્કાર મળે અને હિંદુ ધર્મ વિરુદ્ધના સંસ્કારો આપશું તો તે સ્વીકારશે નહીં.

7.    મહેન્દ્રભાઈ કલેકટરના નિર્ણયને (જુઓ પોઈન્ટ m પેજ ૧૧૫) સનાતન સમાજવાળા અમલ કરતા નથી.

8.    અમારી તમામ પ્રવૃત્તિઓથી તમે વાકેફ થાઓ.

9.    સૈયદોએ અમારા ધર્મના ગ્રંથો પ્રકાશન કરી વૈમનસ્ય ઊભું કરેલ છે. તે સાહિત્યમાં જે કંઈ છપાયેલ છે એ ખોટું છે. એવા પુસ્તકો ઉપર અમે પ્રતિબંધ મુકેલ છે.

10. સનાતન સમાજના આગેવાનો અમારા સતપંથને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. આગાખાનનો પંથ જે સતપંથ છે એ મુસ્લિમ પંથ છે, અમારો નહીં. તેનાં જવાબમાં ઊંઝાના વડીલો તરફથી કહેવામાં આવ્યું કે આગાખાન સમાજ અગાઉ હિંદુ સંસ્કૃતિજ ધરાવતો હતો.

11. અમારા સમાજમાં લગ્ન વિધિ હિંદુ વિધિ પ્રમાણે થાય છે.

12. હાલની નવી પેઢી અગ્નિ સંસ્કારમાં માને છે પણ અમારા જૂના વડીલો હજુ દાટવાની પરંપરામાં માને છે. ત્યારે ઊંઝાના વડીલોને પીરાણા તરફથી કબ્રસ્તાનની જગ્યાની માંગણી કલેકટર પાસે શા માટે કરેલ છે? એ પ્રશ્ન કર્યો. તેનાં જવાબમાં એક ભાઈ ખોટું બોલી ગયા કે એવી કોઈ માંગણી કરેલ નથી. પણ પછી બીજા ભાઈએ સ્પષ્ટતા કરી કે કબ્રસ્તાન માટે જગ્યાની માંગણી કરેલ હતી, પણ બીજા અગ્રણીએ અટકાવી રાખી છે.

13. અમે અગ્નિદાહ આપવા તૈયાર છીએ.

14. અમારા સમાજમાંથી એક પણ મુસલમાન થયો નથી. નવી પેઢી ઉપર કોઈ પણ રીત રિવાજ ઠોકી બેસાડાઈ શકાય નહીં. અમારી સમાજમાં ઇસ્લામ ધર્મી થઇ જવાની ચિંતા કરવાની જરૂર નથી. અમો આ બાબતે ચિંતિત છીએ.

15. અમારા વડીલોએ ગાયને બચાવવા માટે બલિદાન આપેલ છે. લોટની ગાય કાપીને પ્રસાદ કરવાની વાત બિલકુલ અફવા છે.

16. સતપંથી અબજીભાઈ કરમશી ધોળુએ કહ્યું કે દશાવતાર કથા મેં બેસાડી, તેમાં ખર્ચ મારા પરિવારે ઉપાડેલ છે. મારા પિતાને અમે દફનાવ્યા. સમાજને મેં કહ્યું કે મારા પિતાને અગ્નિ સંસ્કાર આપીએ પણ આ ઝગડો પતી જશે તેવી ખાતરી આપો, તો તેમને ના પાડી.

17. આપણી હિંદુ દીકરીને મુસલમાનો લઇ જાય છે તેની ચિંતા કરવી જરૂરી છે.

18. ઉકેલ માટે સનાતન સમાજના જૂના પ્રમુખોને બોલાવો. હાલની ટીમ સમાધાન વિચાર સરણીવાળી નથી. જૂના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓને બોલાવો ને મિટિંગ કરો.

ઊંઝાના વડીલો દ્વારા ટકોર કરવામાં આવી કે ઈમામશાહ હિંદુ નથી, ત્યારે તેનાં જવાબમાં સતપંથીઓએ એવું કહ્યું કે કબીર, સાંઈબાબા કોણ છે? ત્યારે તેને જવાબ આપવામાં આવ્યો કે કબીર અને સાંઈબાબાનો અત્યારે પ્રશ્ન કરવાથી આપણો ઉકેલ આવશે નહીં. માટે કબીર અને સાઈંબાબાની વાત નહીં ચાલે.

ઊંઝાના વડીલોએ ચુખ્ખું કહી દીધું કે ઈમામશાહ ઈરાનથી આવેલ અને મુસલમાન ધર્મના પ્રચાર માટેજ આવેલ, એ સ્પષ્ટ વાત છે.

 

5.    મવાળોને પાછલા બારણે દાખલ કરવાનો પ્રયાસ (૧૫જુલાઈ૨૦૧૬)

સનાતનીઓ માટે દુઃખની સાથે ચેતવણીની વાત છે. સતપંથવાળાઓએ ૧૭ સનાતનીઓના નામોની એક યાદી (તા. ૧૫જુલાઈ૨૦૧૬ ના પત્ર મારફતે) ઊંઝામાં આપી. તેની સાથે વિનંતી કરી કે આ લોકોને પણ ઊંઝાવાળા સાંભળે. એમનો કહેવાનો આશય એ હતો કે સનાતનીઓની ત્રણે માતૃ સંસ્થા તરફથી સ્વીકૃત ૧૧ લોકોની સમિતિ બરાબર નથી. તેનાં કરતાં આ યાદીમાં જણાવેલ ૧૭ લોકો ભરોસા પાત્ર છે. જેમાં સનાતની સંસ્થાઓના માજી હોદેદારો અને આગેવાનો છે. પણ મા ઉમિયાની કૃપાથી સનાતન સમાજવાળાઓને કંઈ ખાસ કહેવું ન પડ્યું. ઊંઝાવાળાએ સનાતનીઓને કહ્યું કે અમે સમજી છીએ કે આજ લોકો (૧૭ લોકો) તમને તકલીફ દેવાવાળા છે. દૂધદહીં વાળા કહો કે મવાળો કહો, તેમાંના આ લોકો મુખ્ય છે. આવી રીતે સતપંથવાળાઓએ આ ૧૭ જણાના નામોની યાદી મારફતે પ્રક્રિયામાં અડચણો નાખીને સમસ્યાના નિવારણમાં અવરોધ લાવ્યો.

6.    લવાદગી ન સ્વીકારે તો પણ ચુકાદો આપવા તૈયાર (૦૯એપ્રિલ૨૦૧૭)

ત્યાર બાદ તા ૦૯એપ્રિલ૨૦૧૭ સુધી વાત આગળ ન વધી એટલે હિમ્મતભાઈ, ચંદ્રકાંતભાઈ, ગંગારામભાઈ, અબજીભાઈ અને પ્રેમજીભાઈ પાછા ઊંઝા ગયા. કહ્યું કે બાપા કંઇક કરો. અમારો શું ગુન્હો? સતપંથવાળા લવાદગી નથી સ્વીકારતા, લેખિતમાં નથી આપતા, તો તમે કંઇક કરો. એટલે તેમને કહ્યું કે વાત સાચી છે. તમારી પુરાવાવાળી ચોપડી ખૂબ મોટી છે. ચુકાદામાં તેને આવરી ન શકાય. એટલે તમે થોડા મુદ્દાઓ આપો, જે ચુકાદામાં નાખી શકાય. માટે સનાતની સમાજવાળાએ મહત્ત્વના મુદ્દાઓ તારવીને પોતાના હિસાબે ચુકાદાનો એક ડ્રાફ્ટ / નમૂનો તૈયાર કરી ઊંઝા મોકલી આપ્યો.

7.    એક અન્ય મવાળ દ્વારા ચુકાદાને અટકાવામાં આવ્યો (૨૫એપ્રિલ૨૦૧૭)

બધી તૈયારીઓ થઇ ચૂકી હતી. ચુકાદો નક્કી થઇ ગયો હતો. ત્યારે એક નવું વિઘ્ન નડ્યું. આપણાજ એક મવાળ સાહેબને ખબર પડી, જે ઊંઝાના કારોબારીમાં વર્ષો સુધી જોડાયલા હતા (આ પુસ્તકમાં નામ લેવું હાલે યોગ્ય ના હોવાથી નામ નથી લખવામાં આવ્યું). ઊંઝા વાળા મણીભાઈ મમી સાથે એ મવાળની વાત થઇ ત્યારે મણીભાઈ મમીએ કહી દીધું કે સતપંથવાળા આવતા નથી એટલે અમો સતપંથ વિરુદ્ધમાં ટૂંક સમયમાં કડક ચુકાદો આપી દેવાના છીએ. એટલે એ મવાળ બોલ્યા કે ના ના સાહેબ, સતપંથવાળા મારા નિકટ પરિચયમાં છે. મારા કહ્યામાં છે, એટલે હું તેમને સમજાવીને અહીં લઈ આવું છું. તમે આવો કડક ચુકાદો ન આપો. આમ કહીને સનાતની સમાજ તરફી આવનાર ચુકાદાને એ મવાળ સાહેબે અટકાવ્યો. આ વાતની અમને ખબર પડી એટલે રાતો રાત તા.૨૫એપ્રિલ૨૦૧૭ના ચંદ્રકાંતભાઈ, પ્રેમજીભાઈ, હિમ્મતભાઈ, ગંગારામબાપા અને ઝવેરબેન (ગંગારામબાપાના ધર્મ પત્ની) ઊંઝા પહોંચી ગયા. મણીભાઈ મમીને સમજાવ્યું કે મવાળો દ્વારા આવી વાતો કરવા પાછળનો ઉદ્દેશ શું છે. તેમને સમજાવ્યું કે સતપંથવાળાની અને મવાળોની સમય પસાર કરવાની આ રણનીતિ છે અને આમાં ફસાવું ન જોઈએ. જેની મણીભાઈ મમીએ આભાર માનીને નોંધ લીધી.

તે વખતે ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી પણ ત્યાં હાજર હતા. મણીભાઈ મમીએ પ્રમુખશ્રી નારાયણ લલ્લુ અને વિક્રમ દાદા, પ્રહ્‌લાદભાઈ મહેસાણાને ફોન કરીને વાત કરી. ત્યાર બાદ તેમને તરતજ એ મવાળ સાથે ફોન પર વાત કરીને કહ્યું કે પીરાણાવાળાનો જવાબ જલદીથી મોકલાવો. તેમની પાસે આપવા માટે વધારે સમય નથી.

8.    ઊંઝાના પ્રમુખ શ્રી નારાયણ લાલુને પીરાણાનું આમંત્રણ (૨૭એપ્રિલ૨૦૧૭)

ઉપર જણાવ્યા પ્રમાણે વાત થયા બાદ માત્ર બે દિવસમાં પીરાણાથી ૨૦ લોકોનું એક ડેલીગેશન ઊંઝા આવી પહોંચ્યું. પણ ઊંઝાની લવાદગી સ્વીકારવાની વાત કરવા નહિ, પણ ઊંઝાના પ્રમુખને પોતાના પ્રભાવમાં લેવા માટે. શ્રી નારાયણ લલ્લુ ગાંધીનગર વિસ્તારના ધારાસભ્ય (MLA) હતા. આપણે જાણીએ છીએ તેમ પીરાણા સંસ્થા ગુજરાતમાં સત્તા પર રહેનારી રાજકીય પાર્ટી એટલે BJP સાથે ખૂબ સારા સંપર્કમાં છે. તેમને આ સંબંધનો લાભ લઇને નારાયણ લલ્લુને રાજકીય લાભની લાલચ આપી.

સતપંથીઓ તરફથી પીરાણા તા. ૧૨ અને ૧૩ મે ૨૦૧૭ના બાલબાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેની આમંત્રણ પત્રિકા આપવા સતપંથીઓ આવેલ હતા. એ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવેલ વિશેષ મહેમાનોની યાદીમાં એક નામ શ્રી નારાયણભાઈ લલ્લુનું હતું. તેમની સાથે અન્ય મહેમાનોમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, BJPના પ્રદેશ પ્રમુખ, RSSના ઉચ્ચ હોદેદારો, લેવા પાટીદાર સમાજના પ્રમુખ, સરદાર ધામના પ્રમુખ અને અન્ય પ્રખ્યાત સામાજિક અને વ્યવસાયિક સંસ્થાઓના ઉચ્ચ હોદેદારોના નામો સામેલ હતા. ઊંઝા તરફથી અમોને એમ કહેવામાં આવ્યું હતું કે નારાયણભાઈનું નામ તેમની અનુમતિ વગર છાપવામાં આવેલ હતું. દિલીપભાઈએ અમને આશ્વાસન આપ્યું કે નારાયણભાઈ આ કાર્યક્રમમાં નહિ જાય અને ખરેખર ગયા પણ નહીં.

આ આમંત્રણ પત્રિકા આપવા આવેલ સતપંથીઓએ ઊંઝામાં એવી દલીલ કરી કે ભારતમાં ઘણી જગ્યાએ હિંદુઓના ધાર્મિક સ્થાનોની સામે મુસલમાનોના કબ્જા હેઠળ કંઇક ને કંઇક છે. તેવીજ રીતે પીરાણામાં પણ મુસલમાનો ઘૂસી ગયા છે. પીરાણામાં જે હિંદુ ભાગ છે, ત્યાં તમને મુસલમાન જેવું કંઈ નહીં મળે. આ વાતનો દિલીપભાઈએ જોરદાર વિરોધ કર્યો. તેમને કહ્યું કે પીરાણાની મુલાકાત ઊંઝાના આગેવાનોએ લીધી છે. માટે પીરાણામાં જે છે એ હિંદુ નથી, મુસલમાન ધર્મનું સ્થાનક છે. આવું સાંભળીને સતપંથવાળાઓ આક્રોશમાં બોલવા લાગ્યા અને દિલીપભાઈને દબાવવાનો પ્રયત્ન કર્યો. પણ દિલીપભાઈ દબાયા નહીં. દિલીપભાઈએ પણ મક્કમતાથી સામે જવાબ આપ્યા.

આ ઘટનાનો સાર અહીં એવો છે કે ઊંઝાના આગેવાનો પીરાણાની આ ચાલ ઓળખી ગયા અને પીરાણા દ્વારા ફેલાવેલ જાલમાં પ્રમુખશ્રી ન ફસાયા. કડવા પાટીદાર જ્ઞાતિને શોભે એ રીતે ઊંઝાએ પોતાની તટસ્થતા જાળવી રાખી. જેની નોંધ ઈતિહાસમાં ખાસ લેવાશે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લાખો સનાતનીઓની ઊંઝા ઉપર આસ્થા અને શ્રદ્ધા આ ઘટના થકી મજબૂત થશે, એમાં બે મત નથી.

9.    સતપંથીઓ અને ઊંઝાના લવાદની મિટિંગ (૦૧-મે૨૦૧૭)

આ મિટિંગમાં મુખ્ય નિર્ણય એ લાવામાં આવ્યો કે સતપંથ સમાજ ઊંઝાનો લવાદ માન્ય છે, તેવો પત્ર આપવાનો રહેશે. તા. ૧૧-જૂન-૨૦૧૭ના સતપંથ સમાજની મિટિંગમાં નક્કી કરીને મોકલાવશે, તે પછી ઊંઝા લવાદની મિટિંગ આગળ કામ માટે બોલાવશે. અને તે મિટિંગ આખરી નિર્ણાયક મિટિંગ રહેશે.

10. કાયદાકીય ડરના જવાબમાં પુસ્તક: ધાર્મિક ખુલાસો Internal File Note (તા. ૦૧જૂન૨૦૧૭)

આજે લવાદ પંચોની આપસની મિટિંગ હતી. આ મિટિંગમાં ચુકાદાનો એક નમૂનો (draft) ઉપર ચર્ચા કરવામાં આવી. એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પણ તેનાં ઉપર ખાસ કોઈ નક્કર નિર્ણય લેવાયો નહીં.

સનાતન સમાજવાળા ઊંઝાવાળાની પાછળ સતત પડ્યા રહ્યા. સતત ફોન ઉપર સંપર્કમાં રહ્યા. આ દરમ્યાન એક એવી વાત સામે આવી કે અમુક સતપંથ તરફી લોકો અને તેમના એજેન્ટ મારફતે ઊંઝાવાળાને ડરાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. ઊંઝાવાળાને એમ કહેવામાં આવ્યું કે જો તમે ચુકાદો સતપંથ વિરુદ્ધ આપશો, તો ઊંઝા સંસ્થાનને કોર્ટમાં લઈ જશે. ભલામણના આવરણમાં ભય ફેલાવવા માટે કહ્યું કે જો કોર્ટમાં લઈ જશે તો તમે જોજો ક્યાંક ફસાઈ ન જાઓ. બીજી બાજુ વાત વાળવા માટે કહે કે આપણી સંસ્થા કોઈ વિવાદમાં ન આવી જોઈએ એની ચિંતા છે એટલે આ વાત કરું છું. આ ઝગડો તો કચ્છ કડવા પાટીદારોના બે ભાગ વચ્ચે આપસમાં છે. આપણે શા માટે વચ્ચે પાડવું? આવું કહીને ઊંઝાવાળાને મૂઝવણમાં મૂકવા અને ડરાવવાના પ્રયત્નો થયા.

એટલે ઊંઝાવાળાને હિમ્મત આપવાની જરૂર હતી. એટલે સનાતની સમાજ તરફથી એક બીજી ચોપડી તૈયાર કરવામાં આવી. લગભગ ૭૦૦ પાનાની. આ પુસ્તકનું નામ છે “ધાર્મિક ખુલાસો – Internal File Note”. જો ઊંઝાવાળા સામે કેસ થાય, તો જે જે મુદ્દાઓ અને પુરાવાઓના આધારે ચુકાદો આપેલ છે, એ મુદ્દાઓ અને પુરાવાઓને એકદમ સુવ્યવસ્થિત નંબરીંગ અને લિન્કિંગ કરીને (કાયદાકીય પ્રક્રિયામાં કામ આવે એ રીતે) ગોઠવીને એ બુક તૈયાર કરી આપી. અને ઊંઝાવાળાને કહ્યું કે તમે તમારા વકીલને આપજો, તમને કંઈ કહેવું નહીં પડે. એટલે પાછી ગાડી પાટા પર આવી.

અગાઉ જણાવેલ “સતપંથ સમસ્યા” પુસ્તક અને “ધાર્મિક ખુલાસો – Internal File Note” આ બન્ને પુસ્તકોમાં મોટા ભાગના પુરાવાઓ એક સરખાજ હોવાથી, હાલના આ પુસ્તકમાં જણાવેલ Section 2 વિભાગમાં (જુઓ પેજ ક્ર.૨૪૫) બન્ને પુસ્તકોમાંના એક સમાન દસ્તાવેજોની માત્ર એકજ નકલ રાખીને તૈયાર કરેલ છે. આમ કર્યા પછી દસ્તાવેજોમાં જરૂર જણાય ત્યાં સંદર્ભોને ધ્યાનમાં રાખીને ફરીથી નંબરીંગ કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં થયેલ ભૂલો ધ્યાને આવી, ત્યાં સાર બદલ્યા વગર તેને સુધારવામાં પણ આવેલ છે. આ વાત માત્ર આપને જાણ થાય એ હેતુથી અહીં જણાવેલ છે.

11. જેરામભાઈ વાંસજાળિયાનું પુનઃ પ્રવેશ અને ચુકાદો ફરીથી ઠેલાયો (તા.૦૧જૂન૨૦૧૭)

તેજ સમય ગાળામાં એક એવો સંદેશો મળ્યો કે ઊંઝાવાળા ચુકાદો આપી દેવાની તૈયારીમાં છે. તેઓએ ચુકાદાનો નમૂનો પણ તૈયાર કરી લીધો છે. માટે સનાતન સમાજને તા. ૦૧જૂન૨૦૧૭ના ઊંઝા હાજર થવાનો સંદેશો આવેલ હતો. જે કાચું લખાણ તૈયાર થયેલ હતું, તેને પાકું કરવા અને ચુકાદો આપવા માટે ભેગા થવાનું હતું. આપ સૌએ ખાસ નોંધ લેજો કે આ દિવસ સુધી સતપંથવાળાઓએ ઊંઝાની લવાદગીને સ્વીકારેલ નહોતી. ઊંઝાવાળાએ સતપંથ સમાજની બધીજ દલીલો તો સાંભળી લીધી હતી. પણ આવડા સમય સુધી રાહ જોયા બાદ પણ જો સતપંથ સમાજ લેખિત રૂપમાં લવાદગી સ્વીકારવાની મંજૂરી ન આપે તો ઊંઝાવાળા બીજું કંઈ કરી ન શકે. એટલે ઊંઝાવાળા સતપંથીઓની ગેરહાજરીમાં ચુકાદો આપી દેવા તૈયાર થઇ ગયા હતા.

પણ અચાનક એ મિટિંગમાં મોરબીથી શ્રી જેરામભાઈ વાંસજાળિયા અને શ્રી ગોડાસરા સાહેબ હાજર થયા. જેરામભાઈ માત્ર શરૂઆતની સહુથી પહેલી મિટિંગ એટલે તા. ૦૪જુલાઈ૨૦૧૫ની મિટિંગ, જેમાં બન્ને પક્ષો તરફથી ૧૧૧૧ જણની ટીમની પ્રણાલિકા નક્કી કરવામાં આવી હતી, એ મિટિંગમાં હાજર હતા. ત્યાર બાદ એ કોઈ પણ અન્ય મિટિંગમાં આવેલ નહોતા. પાછળથી ઊંઝાવાળાઓ તરફથી અમને જાણ કરવામાં આવી કે તેઓએ જેરામભાઈને આખરી ચુકાદો આપી દેવાની જાણ કરતો ફોન કરેલ હતો, એટલે એ હાજર થયા હતા.

વિશેષ નોંધ: જેરામભાઈ વાંસજાળિયા, ઘોડાસરા સાહેબ અને જયંતીભાઈ કાલરીયા (હવે પછી એમનું નામ આ લેખમાં આવશે) આ ત્રણે વડીલોએ સનાતન સમાજની અહીં સુધીની પ્રક્રિયામાં થયેલ કોઈ પણ જાતની રજૂઆત સાંભળીજ નહોતી.

આ બેઠકમાં, જેરામભાઈએ સમસ્યાના નિવારણ માટે ડાહી-ડાહી વાતો કરી. તેમને જણાવ્યું કે સતપંથવાળા મારા ખૂબ નિકટમાં છે. મારી સાથે નિયમિત સંપર્કમાં છે. તે ઉપરાંત સતપંથવાળાની સાથે નિકટતા ધરાવતા લોકો (જેણે સનાતન સમાજમાં “મવાળો” કહેવામાં આવે છે) એ પણ મારા સાથે રોજના સંપર્કમાં છે. તેમએ જણાવ્યું કે આ બધા લોકો મને એટલે (જેરામભાઈને) મળવા આવેલ હતા, ત્યારે ચુકાદા વિષે વાત થઇ. હું તમને (ઊંઝાવાળાને) ભરોસો આપું છે કે એમના પાસેથી લેખિતમાં લવાદગી સ્વીકારતો પત્ર લેવડાવી આપું છું. એટલે ઊંઝાવાળાઓ અને સનાતન સમાજવાળાઓએ વિચાર્યું કે તો સારું. માત્ર એક પક્ષ લવાદગી સ્વીકારેલ હોય એવી પરિસ્થિતિમાં ચુકાદો આવે એના કરતા બન્ને પક્ષો લવાદગી સ્વીકારેલ હોય ત્યારે ચુકાદો આવે એ વધુ સારું. ચુકાદાના અમલવારીમાં પણ સહુલિયત રહેશે. ભલે થોડો સમય વધુ લાગે. આટલા દિવસો રાહ જોઈ છે, તો થોડા દિવસો હજી રાહ જોઈ લેશું.

જેરામભાઈનું બેઠકમાં એવું કહેવાનું હતું કે કચ્છ કડવા પાટીદાર સમાજમાં આપણે સૌ સાથે મળીને એક થઇને આ સમસ્યાને કાયમ માટે દૂર કરી નાખશું. આપણે એવું “સમાધાન” લાવશું કે બધાજ સંપ સંગઠનથી પ્રેમથી ભેગા થઇને હળીમળીને રહી શકે. સનાતનીઓ જાણી ગયા કે આ ભાષાતો સતપંથીઓની છે. એટલે સનાતન સમાજવાળા અંદરોઅંદર ચિંતિત થયા.

વિશેષ નોંધ: સનાતનીઓની દૃષ્ટિએ આ વળાંક એવો હતો કે જેને કહેવાય “કહાનીમાં ટવીસ્ટ”. રણનીતિની દુનિયામાં વિરોધીને “અચંબામાં મૂકવાની ચાલ” કહેવાય. પહેલો પક્ષ પોતાની ગણતરી પ્રમાણે સફળ થતાં-થતાં જ્યારે લડાઈ જીતવાની અણી સુધી આવી જાય, ત્યારે પોતે લડાઈ જીતી ગયા (વાસ્તવમાં નહીં) છે, એવું ખોટું આત્મસંતોષ કરી લે અને બેદરકારીમાં આવીને લડાઈની પોતાની ચાલો ઢીલી કરી નાખે. ત્યારે તે સમયે વિરોધી પક્ષ દ્વારા એવી ચાલ રમવામાં આવે કે પરિસ્થિતિ અનપેક્ષિત વળાંક લઇ લે. આવી પરિસ્થિતિને પહેલો પક્ષ પૂરી રીતે સમજીજ ન શકે. તેનો સામનો કેવી રીતે કરવો એ ખબર ન હોવાથી મૂંઝવણ અને અચંબામાં પડી જાય. લડાઈના આવા નિર્ણાયક પરિસ્થિતિમાં લડાઈની દિશા નક્કી કરવાનો દોર સામેવાળા વિરોધી પક્ષના હાથમાં આવી જાય. પહેલા પક્ષને ખબર પડે, ત્યાં સુધી લડાઈનો રુખ બદલાઈ ચૂક્યો હોય.

આ તબક્કા સુધી જ્યારે લડાઈ પહોંચે એટલે ત્યાં સુધી પહેલા પક્ષની તમામ ચાલો અને હથિયારોની જાણ વિરોધી પક્ષને થઇ ગઈ હોય. અહીં વિરોધી પક્ષને પોતના સહુલિયત પ્રમાણે પોતાની ચાલ અને હથિયારો પસંદ કરી શકવાનો મૌકો મળે. એટલે આ તબક્કા પછી વિરોધી પક્ષના હથિયારો અને ચાલોને પહેલો પક્ષ સમજે ત્યાં સુધી બહુ મોટું નુકસાન થઇ ચૂક્યું હોય. આની માનસિક અસર પણ ખૂબજ ભયંકર થાય. જે લડાઈ જીતવાના અણીએ આવી ગયા હોય, એ લડાઈ અચાનક હાર તરફ જતી જોઈને પહેલા પક્ષના લોકોનું મનોબળને ખૂબ મોટો ધક્કો લાગે. પણ સદ્‍ભાગ્યે મા ઉમિયાએ સનાતની સમાજને આ પ્રહારનો સામનો કરવા બધીજ રીતે તૈયાર કરી રાખેલ હતા.

જો કે એવું નથી લાગતું કે આ ઘટના કંઈ યોજ્નાબદ્ધ તરીકાથી સતપંથીઓ દ્વારા ગોઠવવામાં આવી હોય. આ ક્રમ ગોઠવવા પાછળ આટલી ઊંડી રણનીતિ ગાડવામાં આવેલ હોય એવું લાગતું નથી. પણ સનાતનીઓ આવી પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા, એ જણાવવાનો આશય છે.

 

12.     પ્રક્રિયાને પાછી પાટા પર લાવવા માટે તા. ૦૮જૂન૨૦૧૭નો પત્ર

અત્યાર સુધીની વાતો આખરી ચુકાદાને તૈયાર કરવા માટેની હતી. ત્યારે જેરામભાઈની વાતો ઉકેલના નામે સમાધાન કરાવવાની હતી. સતપંથવાળાઓ તરફથી ઊંઝાની લવાદગીને સ્વીકારવાનો પત્ર જેરામભાઈ મેળવી આપશે એના કારણે ઊંઝાવાળાઓ જેરામભાઈથી પ્રભાવિત હતા. અત્યાર સુધી જ્યારે પણ બેઠકો થતી, ત્યારે તે બેઠકોનો દોર (બેઠકમાં લેવાતા નિર્ણયો પર મુખ્ય પ્રભાવ અને સત્તા) ઊંઝાવાળાઓના હાથમાં રહેતો. પણ આ બેઠકમાં અમને લાગ્યું કે બેઠકનો દોર જેરામભાઈના હાથમાં ગયો. જેરામભાઈની વાત કરવાની શૈલી સામેવાળા ઉપર હાવી થઇ જવાની હોય છે. ઉપર જણાવ્યા પ્રમાણે ઊંઝાવાળાઓ જેરામભાઈના પ્રભાવમાં આવી ગયા હતા. તેની સાથે ઊંઝાવાળાને સતપંથીના પત્રની કદાચ લાલચ પણ હશે. આ પ્રક્રિયામાં જેરામભાઈ આગળનો દોર નક્કી કરવા લાગ્યા.

ખાસ નોંધ:સમાધાનઅને ઉકેલશબ્દમાં ફરક શું છે, એ ધ્યાને લેવું આ તબક્કે ખૂબ જરૂરી છે. ઉકેલ એટલે સમસ્યાનું સાચા અર્થમાં નિવારણ લાવવું. જ્યારે સમાધાન એટલે બન્ને પક્ષો વચ્ચે સહમતી સાધવી. જેમાં સમસ્યાનો સાચા અર્થમાં ઉકેલને પ્રાધાન્ય ન હોય. સતપંથ સમસ્યા એક એવી સમસ્યા છે, જેનો ઉકેલ લાવવો જોઈએ, સમાધાન નહીં. દાખલા તરીકે એક ભાગીદારી પેઢી હોય અને તેનાં બે ભાગીદારો વચ્ચે આર્થિક વ્યવહારને લઇને કોઈ મતભેદ હોય તો ત્યાં સમાધાન કરી શકાય. બન્ને ભાગીદારોને સમજાવવાની કોશિશ કરી શકાય કે તું મન મોટું રાખ, થોડું જવા દે, થોડું સામેવાળાને કહેશું. લાખ રૂપિયાનું નુકસાન હોય તો કહી શકાય કે ૫૦ હજાર તું ભોગાવ અને બાકીના બીજો ભોગવશે. પણ અગર ઘરમાં ચોરી થઇ જાય અને ચોર પકડાઈ જાય. ત્યારે શું ચોર અને માલિક વચ્ચે સમાધાન થાય? શું માલિકને કહી શકાય કે ૫૦ હજાર તું રાખ અને બાકીના ચોરને આપી દે. ના. સતપંથ સમસ્યા પણ આવીજ છે. સતપંથ સમસ્યા એ ધર્મનો ઝગડો છે. આમાં સમાધાન ન હોય. સમાધાન કરવું હોય તો શું એવું કહી શકાય કે સતપંથીઓ અડધા હિંદુ થાઓ અને સનાતનીઓ અડધા મુસલમાન થાઓ. ના. માટે સતપંથ સમસ્યાના નિવારણમાં સમાધાન કરવા જાઓ તો સતપંથને હિંદુ ધર્મનો ભાગ કરીકે સ્વીકૃતતા આપવી પડે. એક વખત સતપંથને સ્વીકૃતતા મળી જાય, તો પછી આ સમસ્યાનો કોઈ દિવસ ઉકેલ ન આવી શકે. ઊલટું હિંદુઓ મુસલમાન સતપંથમાં જતા આવતા થાય તો તેને રોકી પણ ન શકાય. માટે સમાધાન શબ્દથી સનાતનીઓ ખૂબ સચેત રહે છે. સતપંથ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી હતો ના કે સમાધાન કરવું.

આવી પરિસ્થિતિમાં સનાતનીઓ સાવધાન થઇ ગયા. જે હિસાબે આ બેઠકમાં સમાધાનનીનવી વાતો સામે આવી એ ચિંતા જનક હતું. હમણાં સુધીની દરેક બેઠકમાં હાજર વડીલો, કે જેઓએ બન્ને તરફની રજૂઆતો સાંભળેલી હતી, તેઓ પણ આ નવી વાતોમાં દોરવાઈ ગયા. તેનાં પરથી એવું લાગ્યું કે જે દિશામાં ચુકાદો આવો જોઈએ, એ દિશાથી ચુકાદો ભટકી જવાની પૂરેપૂરી સંભાવના છે. ક્યાંક કોઈ પરિબળ આ ચુકાદાની દિશા બદલાવવા કોશિશ કરી રહ્યું છે. એટલે આપણી કેન્દ્રીય સમાજે તા. ૦૮જૂન૨૦૧૭ ના એક પત્ર ઊંઝાને લખ્યો.

આ પત્રમાં ઊંઝાના સંસ્થાનું ધ્યાન દોરવામાં આવ્યું કે આમરી મૂળમાં શું ફરિયાદ છે અને તમારી પાસે શું અપેક્ષા છે. અહીં સમાધાન નથી કરવું. સતપંથ હિંદુ ધર્મના સાચા રસ્તા પર છે કે નહિ, એટલોજ ખુલાસો જોઈએ છે. ઊંઝા પાસે આ ખુલાસો લેવા પાછળનું કારણ એટલું હતું કે સતપંથ મુસલમાન ધર્મ છે એવી વાત જણાવતા ભારતના ચારે મુખ્ય શંકરાચાર્યએ પ્રમાણ પત્રો આપેલ છે. અન્ય ધાર્મિક સંસ્થાઓએ પણ પ્રમાણ પત્રો આપેલ છે. સરકારી અને કોર્ટના દસ્તાવેજો પણ છે. પણ કડવા પાટીદાર જ્ઞાતિની માતૃ સંસ્થા હોવાના નાતે, આપણી માતૃ સંસ્થા તરફથી આ ખુલાસો જરૂરી છે, જેથી કરીને જ્ઞાતિજનોને સાચા રસ્તાની ખબર પડે, એ માટે ઉમિયા માતાજી ઊંઝા પાસે સનાતનીઓ આવેલ છે. જ્ઞાતિ જનોને ભ્રમિત કરવાના પ્રયાસોમાં સતપંથવાળાઓ સફળ ન થાય, એની જરૂરિયાત હતી. આ પત્રની સારી અસર લવાદ પંચો ઉપર પડી.

13.     જેરામભાઈ સાથે મોરબીમાં મહત્ત્વની બેઠક (તા.૧૦જૂન૨૦૧૭)

સનાતની ટીમને વિચાર આવ્યો કે આપણી સનાતની સમાજ તરફથી થતી રજૂઆતની એક પણ મિટિંગમાં જેરામભાઈ હાજર નહોતા. સતપંથની ધર્મ પરિવર્તન કરવાની રમતની ઊંડાણ પૂર્વક જાણ એમને ખબર નહીં હોય. વર્ષોથી આપણી સાથે કેવી રીતે દગો થઇ રહ્યો છે, આપણે કેવા કેવા પ્રયત્નો કરી રહ્યા છીએ, આપણે કેટ કેટલા બલિદાનો આપેલ છે, એ બાબતની ખબર જેરામભાઈને નહીં હોય. બીજી બાજુ જેરામભાઈના કહેવા પ્રમાણે સતપંથીઓ અને મવાળોનું તેમની સાથે લગભગ રોજનું ઘર્ષણ હતું. એટલે એવું વિચાર આવ્યો કે જેરામભાઈ હવે આ વિષયમાં રસ લેવા લાગ્યા છે તો આપણા તરફની વાતથી તેમને વાકેફ કરવા જોઈએ.

એટલે જે દિવસે ગાંધીધામ સમાજ વાડીનું ઉદ્‍ઘાટન હતું, તેજ દિવસે તા.૧૦-જૂન-૨૦૧૭ના અમે પાંચ મિત્રો એ કાર્યક્રમને ન માણવાનું નક્કી કર્યું. ચંદ્રકાંતભાઈ છાભૈયા, વસંતભાઈ ધોળુ, જયંતીભાઈ લાકડાવાલા, પ્રેમજીભાઈ કેશરાણી અને શંકરભાઈ રવાણી ગાડી લઇને તેમની મોરબી ટાઈલ્સની ફેક્ટરીમાં ગયા. ત્યાં ગયા તો આપણા એક ખાસ મવાળભાઈ પહેલાંથી બેઠા હતા. જાણે અમારી રાહજ જોતા હતા. પણ અમે રણનીતિ નક્કી કરેલ હતી કે જેરામભાઈને એકલામાંજ મળવું છે. અન્ય કોઈ પણ માણસ ગમે એવો હોય તો પણ આપણે એની હાજરીમાં વાત નહિ કરીએ. અડધા પોણા કલાક સુધી દુનિયાભરની આડી અવળી બધી વાતો કરી. પણ અમે આપણી વાતો ખુલ્લી ન કરી. એટલે છેવટે જેરામભાઈએ પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો? અમે કહ્યું કે અમને તમારી સાથે એકલામાં વાત કરવી છે. ત્યારે જેરામભાઈએ કહ્યું કે આપણા ખાસ મિત્ર છે, કોઈ વાંધો નથી, ઘર જેવો સંબંધ છે. પણ અમે કહ્યું સારું પણ અમને તમારી સાથે એકલામાંજ વાત કરવી છે. એટલે એ મવાળભાઈ ના છૂટકે ઊભા થઇને નીકળી ગયા.

અમે વાતચીત શરુ કરી એનો માત્ર અડધો કલાકજ થયો હતો. એટલામાં જે મવાળ ભાઈ ઊભા થઇને ગયા હતા, તેનાં સગા ભાઈ આવીને બેસી ગયા. એ ભાઈ પણ મવાળ. એટલે ફરી અમારી વાતો રોકાઈ. પણ અમે વિચલિત ન થયા. અમારી રણનીતિને અમે પકડી રાખી. અમે ચૂપ થઇ ગયા. એમને બોલી લેવા દીધું. ત્યારે જેરામભાઈએ જોયું કે આ લોકો બોલતા નથી એટલે એ ભાઈને પણ કહ્યું કે તમે રજા આપો. એટલે એ ભાઈને પણ ના છૂટકે નીકળવું પડ્યું.

અમારી વાતો આગળ વધી એટલે જેરામભાઈને ફોન આવ્યો. એક ત્રીજા મવાળ ભાઈ નો. જેરામભાઈએ સ્પીકર ફોનમાં અમને વાત સંભળાવી. એમને કહ્યું કે જુઓ તમારા માજી હોદેદારો શું કહે છે, સાંભળો. અમે બધાય સાંભળ્યું. એ મવાળ ભાઈને એજ આદર્શવાદી વાતો હતી જેનાથી સતપંથનું અસ્તિત્વ ટકી શકે. આપણે એકતા રાખવી છે, સંપ સંગઠન જાળવવું છે, વિકાસના કામો કરવા છે વગેરે વગેરે. ધીરે ધીરે સતપંથવાળા સુધરી જશે, સનાતનમાં આવી જશે, ભાઈ કડક પગલાં ન ભરો, ભેગા રાખો, જુદા ન કરો વગેરે વગેરે. થોડી વાર પછી, ચોથા મવાળનો ફોન આવ્યો. (આ બધા લોકો ૧૭ મવાળોની યાદીમાંના લોકો છે). પાછા એમની વાત પણ સ્પીકર ફોનમાં અમને સંભળાવી. એજ વાતો. જેરામભાઈએ અમને કહ્યું કે આજ લોકો તમારો દાટ વાળી રહ્યા છે. સનાતનીઓનું નુકસાન કરી રહ્યા છે. આજ લોકો સતપંથ અંગે સાચો અને કડક નિર્ણય લેવા નથી આપતા. જો આ લોકો સીધા થઇ જાય, તો સમાજ તમારો સુધરી જાય.

14.     સતપંથી તરફથી ઊંઝાની લવાદગી સ્વીકાર (તા. ૦૧જુલાઈ૨૦૧૭)

સતપંથઓ તરફથી ઊંઝાની લવાદી “કહેવતો” સ્વીકારવાનો પહેલો પત્ર તા. ૧૧-જૂન-૨૦૧૭ વાળો આવ્યો. પણ એ પત્રમાં ગોળગોળ લખવામાં આવેલ હતું. સતપંથ સમાજ ઊંઝાની લવાદગી સ્વીકારે છે એવું સ્પષ્ટ જણાવેલ નહોતું. એટેલ તા. ૧૬-જૂન-૨૦૧૭ના ઊંઝા તરફથી સતપંથ સમાજને એક પત્ર લખવામાં આવ્યો, જેમાં સતપંથ તરફથી અપેક્ષિત સ્પષ્ટ લખાણનું ડ્રાફ્ટ સામેલ કરેલું હતું.

પછી જેરામભાઈના પ્રયાસોથી સતપંથવાળા તરફથી ૦૧જુલાઈ૨૦૧૭નો આવ્યો, જેમાં એમને ઊંઝાની લવાદગી સ્વીકારી. એ દિવસ પછી વારંવાર અમારું ઊંઝાના વડીલોને મળવાનું થતું. ચંદ્રકાંતભાઈ, હિમ્મતભાઈ, અબજીભાઈ, પ્રેમજીભાઈ અને ગંગારામબાપા આ પાંચ લોકો ખાસ દોડતા. ગંગારામબાપા તે વખતે સમાજના પ્રમુખ હતા, એટલે ક્યારેક આવામાં વધઘટ થાય. પણ બાકીના ચાર ભાઈઓ કાયમ માટે હાજર રહેતા. રાત દિવસ, ગમે ત્યારે હાકલ પડે, હાજર થઇ જતા. એક દિવસ એવો નથી કે અમને બોલાવ્યા હોય અને અમે સમય પર હાજર ન થયા હોઈએ.

15.     મવાળોની વાત સાંભળવા અનૌપચારિક તક (તા.૧૮જુલાઈ૨૦૧૭)

૧૭ લોકોની યાદીવાળા મવાળો સતત જેરામભાઈ સાથે સંપર્કમાં હતા. જેરામભાઈનું ઊંઝાવાળા ઉપર ખૂબ દબાણ હતું કે આ લોકોને તમે એક વખત માળો. ઊંઝાવાળાને કહેવામાં આવતું કે તમે એક વખત આ લોકોને સાંભળો. એટલે અમે સવાલ કર્યો કે આ ૧૭ લોકો શા માટે સાંભળવા છે? બન્ને સમાજો ૧૧૧૧ લોકો સંપૂર્ણ સત્તા આપીને મોકલેલ છે. તો પછી આ ૧૭ લોકો કઈ સમાજના છે? નક્કી કરો. સનાતન સમાજમાંથી સામાન્ય સભામાં મંજૂરી લીધેલ અમે ૧૧ લોકો છીએ. એ લોકો શું સતપંથ સમાજમાંથી છે? જવાબ મળ્યો નથી. તો પછી અમે કહ્યું કે માત્ર આ ૧૭ લોકોજ શા માટે? કાલે અમે કહીશું કે અમારા બીજા ૩૫ લોકોને સાંભળો. અમે ૩૫ની યાદી આપીશું તો સામે વાળા ૭૦ની યાદી આપશે. એની સામે અમે કદાચ ૧૪૦ની યાદી આપશું. તો આનો અંત ક્યારે આવશે? ઊંઝાના વડીલોને સમજાવ્યું કે આ ચાલની પાંચાલ ઊંઝાની સંપૂર્ણ પ્રક્રિયાને રવાડે ચડવાની રમત છે. વડીલોએ કહ્યું કે વાત સાચી છે. અમને હવે સમજણ પડે છે. પણ જેરામભાઈનું ખૂબ દબાણ હતું એટલે મણીબાપાએ (મણીભાઈ મમી) કહ્યું કે એક કામ કરીએ કે આપણે આ ૧૭ લોકોને અનૌપચારિક રીતે અલગથી મળી લઈએ. એટલે અમે કહ્યું કે આ લોકોની વાત બરાબર નહિ હોય અને પરિણામે તમારી દૃષ્ટિથી અમે કોઈ અણગમતા પગલાં ભરીએ તો તેની જવાબદારી અમારી નહિ હોય.

આ ૧૭ લોકોને તા. ૧૭-જુલાઈ-૨૦૧૭ના ફોન પર SMS કરીને કહેવામાં આવ્યું કે તમને જે કંઈ કહેવું હોય એ તા. ૨૩-જુલાઈ-૨૦૧૭ સુધી ઊંઝા મોકલી આપશો. એમનો જવાબ આવ્યો કે અમારા મુંબઈમાં કચ્છ કડવા પાટીદાર ટ્રસ્ટ ફંડ સંસ્થાની ટ્રસ્ટીઓની ચૂંટણી છે, માટે બે મહિના માટે સમય નથી. આ સમય સુધી ઊંઝાવાળાના મગજમાં વાત સાફ થઇ ગઈ હતી. એટલે ઊંઝાવાળાએ તરત કહી દીધી કે તો ઠીક છે, તમને જે કંઈ કહેવું છે, એ બે દિવસમાં લેખિતમાં આપી દો. આજ દિવસ સુધી લેખિતમાં કંઈ આવ્યું નહીં. એટલે આ વિષય અહીંયા પૂરો થઇ ગયો. લવાદ પંચને ગૂંચવણમાં નાખવાનો આ પ્રયાસ નિષ્ફળ થયો.

16.     સ્વામી પરમાત્માનંદને વચ્ચે લાવી લવાદનો દોર છીનવી લેવાનો પ્રયાસ (તા. ૦૨ઓગસ્ટ૨૦૧૭)

વાત આગળ વધી. લગભગ બધુંજ પાટા ઉપર ચાલતું હતું. ત્યારે તા. ૦૨ઓગસ્ટ૨૦૧૭ના હિમ્મતભાઈએ દિલીપભાઈ નેતાજી, ઉમિયા માતાજીના મહામંત્રીશ્રીને ફોન કર્યો, ચુકાદાનું કામ ક્યાં સુધી પહોંચ્યું તેની જાણકારી લેવા માટે. ત્યારે દિલીપભાઈએ એમ કહ્યું કે ભાઈ હવે ચિંતા નથી. અમને એક એવો સાધુ મળી ગયો છે, જે બન્ને સમાજને સ્વીકાર્ય છે. એમની પાસે એવી વાત આવી છે કે બન્ને સમાજ તેમની વાત માનશે અને સમસ્યાનું નિવારણ થઇ જશે. હિમ્મતભાઈએ પૂછ્યું કે આવો તો કયો સાધુ છે? એવો કંઈ હોય તો અમને ખબર પડે ને? જવાબ આવ્યો રાજકોટવાળા પરમાત્માનંદ સ્વામી. આ વાત સાંભળીને હિમ્મતભાઈ ઉગ્ર થઇ ગયા અને પરિણામે એવા શબ્દો તેમના મોઢેથી નીકળ્યા કે એની ફરિયાદ સીધી ગંગારામબાપા, દિલ્લી સુધી પહોંચી.

ગંગારામબાપાએ ઊંઝાવાળાઓને કહી દીધું, જો તમે પરમાત્માનંદ સ્વામીને લઇ આવતો હો, જે ખુલ્લે આમ સતપંથની તરફેણ કરે એને છાવરે છે, તો પછી સનાતન સમાજમાંથી તમારું કોઈ અપમાન કરે, તો તેની જવાબદારી અમારી નહિ હોય. બીજી વાત એ કરી કે માત્ર પરમાત્માનંદ શા માટે? કાલે ઊઠીને અમે કહીશું કે બે સાધુ અમારાને સાંભળો, સામેવાળા કહશે બીજા બે સાધુ અમારા. તો એનો અંત ક્યાં આવશે. અમે સવાલ કર્યો કે આપણી લવાદગીની પ્રણાલિકા તા.૦૪જુલાઈ૨૦૧૫ની બેઠકમાં શું નક્કી થઇ હતી? માત્ર ઉમિયા માતાજી ઊંઝાના વડીલોજ આનો ફેસલો આપે, કારણ કે આ આપણી જ્ઞાતિની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા છે. અમે જ્ઞાતિના દરવાજે આવ્યા છીએ ના કે કોઈ સાધુઓ કે અન્ય સંસ્થાના દરવાજે ગયા છીએ. આની સાથે બીજા નાના મોટાં મુદ્દાઓ પણ ગંગારામબાપાએ કહ્યા. ત્યારે ઊંઝાના પ્રમુખ શ્રી નારાયણભાઈ લલ્લુએ કહ્યું કે હવે વાત સમજાઈ ગઈ. આપણને રવાડે ચડાવવાનું આ કામ છે. આપણે કોઈ પણ સાધુને સાંભળવા નથી. આ તમામ વાતો ઊંઝાની તા. ૨૭ઓગસ્ટ૨૦૧૭ની સામાન્ય સભા વખતે ભેગા થાય હતા, ત્યારે એ સમય ગાળામાં થઇ.

17.     આખરી ચુકાદો (તા.૦૮ઓક્ટોબર૨૦૧૭)

ઉમિયા માતાજી ઊંઝા મંદિરમાં ચુકાદો આપ્યા બાદ ઊંઝાના લવાદ પંચની સાથે

સતપંથ અને સનાતન બન્ને પક્ષના આગેવાનોનો પાડવામાં આવેલ સંયુક્ત ફોટો.

પછી ઊંઝાથી એક ફોન આવ્યો કે પંચોએ/લવાદોએ આપસમાં બેસીને ચુકાદો લખીને તૈયાર કરી દીધેલ છે. તમે આ તરીકે આવો અને ચુકાદો લઇ જાઓ. એટલે તા. ૦૮ઓક્ટોબર૨૦૧૭ના ઉમિયા માતાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિની સામે બેસાડીને ચુકાદો વાંચવામાં આવ્યો. આ પ્રસંગે, ગંગારામભાઈ સાંખલા, અબજીભાઈ કાનાણી, હિમ્મતભાઈ ખેતાણી, ચંદ્રકાંત છાભૈયા, પ્રેમજીભાઈ કેશરાણી, વસંત ધોળુ અને શંકરભાઈ રવાણી હાજર હતા. ડો શાંતિલાલ સેંઘાણીનું ઊંઝા આવતા હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત (accident) થયો. તેનાં કારણે શરીરમાં થોડી ઈજા થઇ હતી એટલે તેઓ હાજર રહી ન શક્યા હતા.

મંદિરમાં માતાજીના સાક્ષીમાં આ ચુકાદો વંચાણો. ત્યાર બાદ ઑફિસમાં કોન્ફરેન્સ હોલમાં બન્ને પક્ષને બેસાડીને કહ્યું કે હવે આ ચુકાદો આપી દેવાથી પૂરું નથી થતું. આપણે આનું અમલીકરણ કરવું છે. પહલા પગલાંમાં ચુકાદાના ૬૦ દિવસમાં તમામ કોર્ટ કેસો પાછા ખેચવાના રહેશે. આ ૬૦ દિવસ આજ દિવસ સુધી પૂરા થયા નહીં. સતપંથીઓએ ઉલટાં ૨-૪ નવા કેસો સનાતન સમાજના આગેવાનો ઉપર નવેસરથી કરી દીધા.

સતપંથ તરફથી પ્રમુખ દેવજી કરસન ભાવાણી, માજી પ્રમુખ રામજીભાઈ વીરજી ભાદાણી, રતનશી લાલજી વેલાણી – દુર્ગાપુર નવાવાસ, પ્રેમદાસ બાપુ, અબજી કરમશી ધોળુ, મણીલાલ શામજી વડાગામ, હરીભાઈ માધા રામજીયાણી – માધવકંપા, મણીલાલ પોકાર – હરીપુરા કંપા, જયંતીભાઈ ચોપડા, મોહન કાનજી – પીરાણા અને અરજણ શામજી ભગત – આનંદસર વગેરે વગેરે હાજર હતા. એ લોકોએ ઊંઝાના વડીલો સામે બહુ સારી વાતો કરી. જાણે કે ઉમિયા માતાજીનો ચુકાદાનું આજથી પાલન થઇ ગયું. ઊંઝાવાળાને પણ એવું લાગ્યું કે વાહ! ખૂબ સરસ. રાજીના રેડ થઇ ગયા. અમોએ મનમાં કહ્યું “ખમો બાપા, તમે હજી આ લોકોને ઓળખતા નથી. ઓળખવા માટે તમને હજી વાર છે”.

ચુકાદાનો સાર: સનાતની સમાજની રજૂઆતોને સંપૂર્ણ પણે માન્ય રાખવામાં આવી. જેનો સાર નીચે પ્રમાણે છે.

1)    સતપંથવાળાઓએ સતપંથ, નિષ્કલંકી નારાયણ, ઈમામશાહ અને પીરાણાને કાયમ માટે છોડવું. એટલે ત્યાર બાદ એ લોકો સનાતની બની જાય.

2)    સનાતની બન્યા પછીજ તેમને સતપંથ સમાજ છોડી દીધા પછીજ સનાતન સમાજમાં લેવા. (કારણ સનાતની ન બને ત્યાં સુધી સતપંથપાળતા લોકોને સનાતન સમાજમાં સામેલ કરવાનું જોખમ લેવું નહિ, એ ઊંઝાવાળાએ સ્વીકાર્યું)

માતાજીના ચુકાદા પછી કોન્ફરેન્સ રૂમમાં લવાદ પંચો દ્વારા ચુકાદાના અમલીકરણ વિષે નિર્દેશો આપણા સંસ્થાના માનદ મંત્રીશ્રી દિલીપભાઈ નેતાજી

Leave a Reply