Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૧. પ્રસ્તાવના

वह मूर्ख होता है जो सिर्फ सच को ही जानता है, सच और झूठ के फर्क को नहीं जानता

વહ મૂર્ખ હોતા હૈ જો સિર્ફ સચ કો હી જાનતા હૈ, સચ ઔર જૂઠ કે ફર્ક કો નહીં જાનતા.

ઉપર જણાવેલ સિદ્ધાંતના મર્મને ન ઓળખવાના કારણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ છેલ્લા લગભગ ૫૦૦ વર્ષથી ધર્મના મુદ્દા ઉપર સતત મૂંઝવણમાં રહી છે. જેથી કરીને એ સતત છેતરાતી આવી છે. સચ્ચાઈની હમેશાં જીત હોય છે, આપણે સાચા હોઈશું તો કોઈ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે, એવા માત્ર આદર્શવાદી વાતોના પહેરેલા ચશ્માંના કારણે ભોળી અને અજ્ઞાની જ્ઞાતિ જૂઠને ઓળખવાની ક્ષમતાજ ખોઈ બેઠી. પરિણામે ગમે ત્યાં દોરી જઈ શકાય એવી નબળી પરિસ્થિતિમાં મુકાઇ ગઈ હતી.

પણ સદ્‍ભાગ્યે તેમજ પરમાત્માની કૃપાથી જ્ઞાતિમાં ધર્મના મુદ્દા ઉપર ચેતનાના વાયરા ફૂંકાયા. છેલ્લા લગભગ ૧૦૦ વર્ષમાં પીરાણા સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મનો કાયમ માટે અંગીકાર કરવા ખૂબ મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા. જાગૃતિની આ જ્વાળાને જ્વલંત રાખવા સમય સમય ઉપર નીની મોટી ક્રાંતિઓ થતીજ રહી.

હાલનો ક્રાંતિનો દોર જે છેલ્લા ૧૦ વર્ષથી ચાલ્યો છે, એ દોર થોડો વિશેષ રહ્યો છે. કારણ કે ક્રાંતિના આ દોરમાં સતપંથના એવા હથિયારની જાણ સનાતનીઓને થઇ, કે જેના કારણે સેંકડો વર્ષોથી સનાતનીઓ સતત થાપ ખાતા આવ્યા હતા. આ હતું ઇસ્લામી જેહાદનું એક મુખ્ય હથિયાર જેણે “તાકિયા” કહેવામાં આવે છે. હિંદુઓની દ્રષ્ટિકોણથી તાકિયા એટલે એવી રણનીતિ જેમાં હિંદુ વેશભૂષા અપનાવી, હિંદુ ધર્મના નામે (સતપંથ), હિંદુ ધર્મનો બાહ્ય ઉપદેશ આપી અંદરથી ઇસ્લામમાં છૂપા મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરવો. ત્યાર બાદ ધીરે ધીરે હિંદુ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યોને હલકા ચીતરતાં જવાં અને ઇસ્લામને સારો અને સર્વોચ્ચ ધર્મ તરીકે બતાવતા જવું. જ્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અનુયાયી હિંદુ ધર્મમાં ગૌરવ ગુમાવી દે અને ઇસ્લામને ખુલ્લે આમ સ્વીકારવા લાગે, ત્યારે તેમનું સૌમ્ય રીતે ધર્મ પરિવર્તન કરી નાખવું. આ પ્રક્રિયા એટલી ધીમી છે કે આમાં અનેક પેઢીઓ નીકળી જાય. પહેલી પેઢીને  સતપંથ જ કલિયુગનો સાચો હિંદુ ધર્મ છે એવું કહીને  આકર્ષિત કરી છે , એ પાછળની પેઢીને ખબર પણ ન હોય. જ્યારે મૂળ સચ્ચાઈ ભુલાઈ જાય ત્યારે જૂઠ, નવી સચ્ચાઈ બની જાય છે. પાછળની પેઢી ઇસ્લામના મૂલ્યોનેજ ઉચ્ચ સમજીને ઇસ્લામ તરફ વફાદારી બતાવવા તત્પર થઇ ગયેલ હોય. હાલની આ ક્રાંતિના દોરમાં આ તાકિયાની જાણ સનાતનીઓને થઇ જે ખૂબ મહત્ત્વનું પગલું સાબિત થયું.

હાલની સતપંથ સામેની ચળવળમાં સનાતનીઓએ કેવી “વૈચારિક પ્રણાલી” અપનાવી, સતપંથીઓની ચાલને કેવી રીતે ઓળખી શક્યા અને તેનાથી પોતાનો બચાવ કરવા માટે કેવી રણનીતિ અપનાવી એની જાણકારી આ પુસ્તકમાં છે. સનાતનીઓની આ “વૈચારિક પ્રણાલી”ને સમજી લેવાથી વિવાદ કરતા સતપંથીઓ તેમજ દરેક એવા માણસને પછાડી શકાશે જે જૂઠ, કપટ, છળ, દગો, વિશ્વાસઘાત જેવા હથિયારોનો વિવાદ/સંઘર્ષ/લડાઈમાં ઉપયોગ કરતો હશે.

સતપંથની જૂઠ બોલવાની ફોર્મ્યુલાને આ પુસ્તકમાં ખુલ્લી કરવામાં આવેલ છે. જો આ ફોર્મ્યુલાને સમજી લેશો તો ભૂતકાળના બોલાયલા વિવિધ જુઠ્ઠાણાઓ વચ્ચે સામ્યતાને જાણી શકશો. એક જૂઠ બીજા જૂઠ સાથે કેવી રીતે સંકળાયેલું છે એ સમજવાથી ભવિષ્યમાં કેવા પ્રકારની નવી જૂઠ્ઠી, છેતરતી, ભરમાવતી, ભટકાવતી વાતોન આપણા સામે આવી શકે એની કલ્પના કરી શકવામાં સક્ષમ બની શકીએ. જેનાથી આપણે પોતાના બચાવ માટે જરૂરી તૈયારીઓ કરી શકીએ.

છેલ્લા લગભગ ૫૦૦ વર્ષથી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ આવા સવાલોથી ઝઝૂમતી રહી છે. સતપંથ સમસ્યાથી છુટકારો મેળવવા આ જ્ઞાતિએ વિશ્વભરના કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” ને મધ્યસ્થી કરવા વિનંતી કરેલ હતી. ત્રણ-ત્રણ વર્ષ સુધી તલસ્પર્શી અભ્યાસ કરી, સતપંથ તેમજ સનાતન એમ બન્ને પક્ષોને સાંભળી તેમજ વિસ્તૃત ચર્ચા કરીને આધારભૂત પુરાવાઓને ધ્યાનમાં લઇને સત્યનું સંશોધન કરી તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭નો ચુકાદો આપેલ છે.

 

ઊંઝામાં ચાલેલ આ સંપૂર્ણ પ્રક્રિયામાં સનાતનીઓએ જે તૈયારી કરી. બન્ને પક્ષો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી, ઇસ્લામના જેહાદનું હથિયાર “તાકિયા”નો ઉપયોગ કરી “સતપંથ”ને કડવા પાટીદાર જ્ઞાતિમાં ઈસ્લામનો ફેલાવો કેવી રીતે કરવામાં આવ્યો એના વિષે સજ્જડ પુરાવાઓ સહીતની સંપૂર્ણ જાણકારીઓ આ પુસ્તકમાં આપેલ છે.

 

સાથે-સાથે સનાતનીઓ સતપંથની રણનીતિને કેવી રીતે ઓળખી ગયા અને તેને કેવી રીતે પછાડી શક્યા એની પણ જાણકારી છે. સનાતનીઓએ પોતાની રણનીતિ કેવી રીતે તૈયાર કરી અને ભવિષ્યમાં સનાતની પક્ષ અને સતપંથ પક્ષ વચ્ચે ફરીથી કોઈ કારણસર વિવાદ ઊભો થાય તો તેનો સામનો કેવી રીતે કરવો એની પણ ઝીણવટ ભરી માહિતી આપેલ છે. ભવિષ્યમાં સતપંથ વિવાદનો ઉકેલની શોધ આ પુસ્તકથી શરુ થાય એ માટે કરવામાં આવેલ ઊંડાણથી સંશોધનનો નિચોડ આ પુસ્તકમાં છે.

 

આ પુસ્તક દ્વારા સતપંથની છૂપી સચ્ચાઈ બહાર આવે છે કે…

·         સતપંથ ધર્મ એ ઇસ્લામ ધર્મનો ભાગ છે

·         નિષ્કલંકી નારાયણ એ હઝરત મૌલા અલીનું ભારતીય / હિંદુ નામ છે.

·         ઈમામશાહ એ હિંદુ મહારાજ નથી, પણ ઇસ્લામના પ્રચાર માટે ભારત આવેલ મુસલમાન બાવા ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ છે. તેમના પિતા પીર કબીરુદ્દીન હતા અને દાદા પીર સદૃદ્દીન (સદરદિન) હતા.

·         પીરાણાનું ઈમામશાહનું મુખ્ય ધાર્મિક સ્થાનક મુસલમાન સૈય્યદ સમાજના માલિકીનું એક કબ્રસ્તાનમાં આવેલ એક દરગાહમાં આવેલ એક મુસલમાની કબર છે, હિંદુ સમાધિ નથી.

 

આ અંગે સંપૂર્ણ જાણકારી ખૂબ રોચક અને સરળ ભાષામાં આ પુસ્તકમાં આપવામાં આવેલ છે.

 

કુળદેવી મા ઉમિયા અને ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણની પરમ કૃપાથી સનાતનીઓનો ઊંઝામાં સંપૂર્ણ રીતે વિજય થયો. આ એક એવી ઘટના છે, કે જેની ઈતિહાસમાં હંમેશ માટે નોંધ લેવાશે. સતપંથીઓની અવનવી ચાલો, રમતો, પ્રપંચો, ભલભલા બુદ્ધિજીવીની બુદ્ધિને ભરમાવી નાખનારી ચાલો, ઈસ્લામી ઘાતક તાકિયાનો પ્રયોગ વગેરે સાથે સતપંથી હિંદુ હોવાનો પ્રચાર હોય, હિંદુ સાધુ સંતો અને હિંદુ રાજકીય સંગઠનોનો ટેકો તેમને મળતો હોય, એવી પરિસ્થિતિમાં તેમની સાથે અલ્પ સાધનો દ્વારા મહદ અંશે વ્યક્તિગત રીતે લડાઈ લડીને સમાજને જિતાડવી એ કોઈ નાની ઉપલબ્ધિ નથી. સમાજ પાસેથી સતપંથ સામે લડવા માટે ઊંઝામાં સનાતનીઓ તરફથી વાત રજૂ કરવા માટે મળેલ મંજૂરી સિવાય વિશેષ કોઈ સાધનો મળ્યા નહોતાં. હા, સામાન્ય સનાતની લોકોની લાગણીઓ અને સદભાવનાઓ જરૂર સાથે હતી.

આવા અલ્પ સાધનો વચ્ચે, જે રણનીતિ, જે બુદ્ધિ, જે તૈયારી, જે મહેનત, જે ભૂલોથી શીખ લઇને આગળ વધ્યા, વિચાર કરવાની પ્રણાલિકા (thought process), સામાન્ય લોકો દ્વારા મળેલ સહયોગ, આપણી વચ્ચે બેઠેલા આપણા ગદ્દારો અને મવાળોથી બચીને, જે રીતે સફળતાના આ મુકામ સુધી પહોંચ્યા છીએ, તેનો સંપૂર્ણ ચિતાર આ પુસ્તકમાં વિસ્તૃત રીતે આપવામાં આવેલ છે. જેથી આગામી પેઢી અગર સતપંથ સામે લડાઈમાં ઊતરે, તો પોતાની રણનીતિ બરાબર તૈયાર કરી શકે, અને સતપંથ સામેની લડાઈમાં તેઓને હારનો સામનો ન કરવો પડે, એ હેતુથી આ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અનેક જગ્યાએ મારા વિચારો અને અભિપ્રાયો આપેલ છે. કારણ ભવિષ્યમાં લડાઈ બૌદ્ધિક લડાઈ હશે. આપણા દિમાગ ઉપર પ્રહારો થશે અને આપણે સામેવાળાના દિમાગ ઉપર પ્રહારો કરવા પડશે. બાહુબળ ભાગ્યેજ વપરાશે, એ પણ બૌદ્ધિક વારને અસરકારક બનાવવા પૂરતું. માટે માહિતી, બુદ્ધિ અને સચોટ રણનીતિ ઉપર જેની પકડ હશે, એજ લડાઈ જીતશે અથવા તો સામેવાળાને લડાઈ જીતવાથી રોકી શકશે.

આ પુસ્તકના માધ્યમથી હું લેખક તરીકે તમારી સાથે નહીં પણ તમારા દિમાગ સાથે બૌદ્ધિક રીતે વાત કરવા માંગુ છું. કારણ દિમાગ સાથે વાત કરવાથી મનની ભાવનાઓ, લાગણીઓ, સંબંધોને બાજુમાં મૂકીને પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવાની ક્ષમતા આવે છે. પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન દ્વારાજ સાચો રસ્તો તૈયાર કરી શકીએ. કારણ કે જ્યાં સુધી લડાઈ ખતમ નથી થતી, ત્યાં સુધી આપણે ગાફેલ નથી રહેવાનું.

 

આ પુસ્તકમાં સનાતનીઓની બધીજ રણનીતિઓને સામેલ નથી કરવામાં આવી. અમુક ખાસ છૂપી રણનીતિ તેમજ છૂપાં પગલાં જે હાલમાં જાહેર કરવા લાયક નથી, એ આ પુસ્તકમાં સામેલ નથી કરવામાં આવ્યાં. ભવિષ્યની સતપંથ સામેની સંઘર્ષ/લડાઈમાં સનાતનીઓનો પક્ષ નબળો ન પડી જાય, તેમજ સતપંથીઓ પોતાની તૈયારી પૂરી રીતે ન કરી શકે, તેવા લાંબા ગાળાના હેતુથી અમુક બાબતો જાહેર નથી કરવામાં આવી. જેની નોંધ લેશો. જ્યાં સુધી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથ ધર્મ પાળતો વર્ગ કાયમ માટે સંપૂર્ણ રીતે ખતમ ન થઇ જાય, રોટી બેટી વ્યવહાર બંધ ન થઇ જાય, સહિયારી સામજિક મિલકતો જુદી ન પડી જાય, તેમજ સામાજિક, પારિવારિક, ધાર્મિક અને અન્ય કોઈ પણ સંયુક્ત રીતે સહિયારા પ્રયાસથી ચાલતી સંસ્થાઓ, સંગઠનો અને કાર્યક્રમો બંધ ન થઇ જાય, ત્યાં સુધી આ સંઘર્ષ/લડાઈ ચાલવાની છેજ. સંઘર્ષ/લડાઈની તીવ્રતામાં ઊંચનીચ આવશે. અમુક વર્ષો શાંત હશે, તો અમુક વર્ષો સંઘર્ષ/લડાઈ જોરમાં ચાલશે. આ લડાઈ કોઈ એક બે વ્યક્તિના હાથમાં નથી. આ લડાઈ વિચારોની છે, સિદ્ધાંતોની છે. સનાતનીઓએ આ લડાઈને વર્ષો સુધી લડવા માટે તૈયારી છે. તેવીજ રીતે અંતે લડાઈ જીતવા માટેની વ્યૂહરચનામાં પણ સમય અનુસાર સુધારા વધારા કરતા રહેવું પડશે. સનાતનીઓ પોતાના અંતિમ ટાર્ગેટ (લક્ષ્ય)ને સાધવાનો અભિગમ ક્યારેય પણ છોડવો નહીં. ભવિષ્યમાં આવનાર નબળા દિવસોમાં પણ દરેક સનાતનીઓના મનમાં આ લક્ષ્ય સિદ્ધ કરવાની પ્રબળ જ્વાળા જ્વલંત રાખવી પડશે. અંતે જીત સનાતનીઓનીજ છે, માત્ર બુદ્ધિ પૂર્વક પગલાં ભરવાની જરૂરત છે.

આ પુસ્તક ભાવિ પેઢીને સમર્પિત છે,

કારણ આપણે ઈતિહાસથી મળેલ શીખને કોઈ દિવસ ભૂલવી નથી.

 

સમાજમાં બૌદ્ધિક ક્રાંતિ લાવવા માટે ચાણક્ય બુદ્ધિનું વિશેષ બીજ રોપવાની કોશિશ આ પુસ્તક દ્વારા કરવામાં આવેલ છે. કપટ કરવા માટે કપટ શીખવું નથી, પણ કપટથી બચવા માટે કપટને જાણવું છે. જ્ઞાતિની “ભલી ને ભોળી”ની છાપ બદલીને “ચતુર ને હોંશિયાર”ની નવી છાપ નિર્મિત કરવી છે.

લેખક: C.A. શ્રી પટેલ ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા

તારીખ: ૧૬-ઓગસ્ટ-૨૦૧૯

તિથિ: ગુજરાતી વિક્રમ સંવત 2075 શ્રાવણ વદ ૧

સ્થળ: નખત્રાણા

Leave a Reply