Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૧૯. આગળનો રસ્તો / The Way Forward

A.    વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ: કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથની સમસ્યા છેલ્લા ૫૦૦ વર્ષથી ચાલી રહી છે. અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. સતપંથ છોડીને સનાતન હિંદુ ધર્મ સ્વીકારનારા લોકો જ્ઞાતિમાં લગભગ ૯૫% થી પણ વધારે જેટલા છે. આ વાતના આધારે એવું કહી શકાય કે મોટા ભાગની જ્ઞાતિ સતપંથથી છૂટી થઇ ગઈ છે. પણ જ્યાં સુધી સમસ્યા છે, તો ત્યાં સુધી સમસ્યાનું સમાધાન થઇ ગયું એમ કહી ન શકાય. જેવી રીતે શરીરમાં ગૂમડું હોય ત્યાં સુધી શરીર નીરોગી ન કહી શકાય. સતપંથ સમસ્યાનો ઉકેલ ત્યારે થશે કે જ્યારે સતપંથ અને સનાતન સમાજ બન્ને કાયમ માટે જુદા પડી જાય (બન્ને સમજો વચ્ચે બેટી વ્યવહાર બંધ થઇ જાય, સહિયારી સામાજિક મિલકતો જુદી કરી નાખવામાં આવે અને કોઈ પણ મુદ્દા ઉપર સંયુક્ત સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ ન કરવામાં આવે), અથવાતો સતપંથ ધર્મ છોડીને બધા સનાતન ધર્મમાં જોડાઈ જાય.

બન્ને સમાજો વચ્ચે જ્યાં સુધી સંબંધો છે, ત્યાં સુધી સતપંથ સમાજવાળા સનાતન સમાજ ઉપર પ્રહારો કરતા રહેશેજ. હાલ તા. ૨૧-મે-૨૦૧૯ ના પત્ર મારફતે ચેરિટી કમિશ્નરની કચેરી રાજકોટમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ (રજી નં એફ-૨૩૮૪) ઉર્ફે સતપંથ સમાજે સનાતની કેન્દ્રીય સમાજનું બંધારણ અટકાવવા માટે અરજી કરેલ છે. જે દર્શાવે છે કે સતપંથ સમાજ અધિકૃત રીતે સનાતની સમાજ ઉપર પ્રહાર કરી રહ્યું છે. માટે જ્યાં સુધી સતપંથ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે, ત્યાં સુધી સનાતની સમાજને સતપંથના પ્રહારોથી બચાવવા અને સનાતનીઓનું સંગઠન મજબૂત કરવા માટે શું કરવું કોઈએ, એનાં ઉપર આપણે થોડું ચિંતન કરીએ.

જે મોડ ઉપર આજે સનાતન સમાજ ઊભો છે, તેના પ્રમાણે સનાતન સમાજ પોતાના બચાવ માટે બે પ્રકારના પગલાંઓ ભરી શકે.

1.    Domination / પ્રભુત્વ કે વર્ચસ્વ

2.    Resistance / પ્રતિકાર કે પ્રતિરોધ

જ્ઞાતિ સ્તરે લોકોમાં સનાતન સમાજનું પ્રભુત્વ/વર્ચસ્વ જાળવીને સતપંથના પ્રહારો સામે પ્રતિકાર/પ્રતિરોધ કરવાની કળાને શીખવી પડશે અને તેમાં માહિર થવું પડશે. આ એક કલા છે અને એક પ્રકારનું વિજ્ઞાન પણ છે જેના ઉપર સતત અભ્યાસ અને ચિંતન કરતા રહેવું પડશે. આપણે જણાશે કે આપણા દ્વારા લેવા લાયક જે કોઈ પગલાંઓ હશે એ ઉપર જણાવેલ બે પ્રકારોમાંથી કમ સે કમ એક પ્રકારના હશે.

B.    ઈતિહાસ વાગોળતા રહેવું: એક કહેવત છે કે જે લોકો પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, એને ઈતિહાસ એક દિવસ ભૂલી જાય છે. આ વાતનો અનુભવ ભારત દેશના હિંદુઓથી વધારે બીજા કોઈને નહીં થયો હોય, કદાચ. પણ સમય આવી ગયો છે કે આ અંગે આપણે કોઈક મક્કમ પગલાં ભરવાં જોઈએ. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઇંગ્લેન્ડને હારના મોઢામાંથી બહાર કાઢીને જીત મેળવી અપાવનાર પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલએ વર્ષ ૧૯૪૮માં એક ભાષણમાં કહ્યું હતું કે ઈતિહાસની ભૂલોથી બોધ ન લેનારા એ ભૂલનું પુનરાવર્તન કરતા હોય છે.” કહેવાનો મતલબ એ છે કે ઈતિહાસ હંમેશાં એક કે બીજા રૂપમાં ફરી ફરીને પાછો આવતો હોય છે. માટે ઈતિહાસની ભૂલોથી અગર આપણે શીખીશું નહીં તો પાછી એજ ભૂલો કરતા રહીશું અને આપણા દુશ્મનો આપણને ખતમ કરી નાખશે.

હાલની પેઢીને સતપંથની સમસ્યાનો સામનો કરવો પડે છે તેની પાછળનું કારણ આપણા વડીલોએ સતપંથ વિષેનો ઈતિહાસથી હાલની પેઢીને મોટે ભાગે દૂર રાખી. તેનાં કારણે હાલની પેઢી સતપંથવાળાઓની એકતા, સંપ સંગઠન વગેરે આદર્શવાદી વાતોમાં ભોળવાઈ ગઈ અને સતપંથીઓને પોતાના શુદ્ધ સનાતની સમાજમાં સામેલ કર્યા. ઈતિહાસથી અજ્ઞાન હોવાના કારણે જે સમસ્યા ઉકેલ તરફ આગળ વધી રહી હતી, એ વધુ વિકરાળ બની. માટે સહુથી પહેલાં તો આપણે હંમેશાં સતપંથનો ઈતિહાસ વાગોળતા રહેવું પડશે. કેન્દ્ર સમાજ હોય કે સ્થાનિક સમાજ હોય. સમાજની નવી કારોબારીની રચના થાય ત્યારે એક કાર્યશાળા રાખવામાં આવી જોઈએ જેમાં સમાજ અને જ્ઞાતિનો ધાર્મિક ઈતિહાસ ઉપર એક સેશન હોવું ખૂબજ જરૂરી છે. આપણે આપણા વાર્ષિક મિલનોના કાર્યક્રમોમાં આપણા સનાતન સમાજના આદર્શ વડીલો, સંતો, માતાઓ અને તેમના કામો ઉપર યુવાન દીકરા-દીકરીઓને ફરજિયાત એક કાર્યક્રમ કરવાની ફરજ પડાવી જોઈએ. દિવાળી કે દશહરા જેવા મહત્ત્વના દિવસે સનાતન સમાજની યશ ગાથા ઉપર એકાદ ભાષણ તો અચૂક હોવું જોઈએ. નવરાત્રી ઉપર જેમ બહેનો અગાઉથી નક્કી કરે તે દિવસે એકજ રંગ કે એકજ પ્રકારના કપડાં પહેરે, એવી રીતે એક દિવસ સનાતની દિવસ નક્કી કરી તે દિવસે અમુક ખાસ ડ્રેસ કોડ નક્કી કરીને પહેરી શકાય.

C.    ચતુરાઈ અપનાવો: આજે સોફ્ટપાવર (softpower)નો જમાનો છે. સોફ્ટપાવર એટલે બૌદ્ધિક શક્તિ. વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને રસિયા વચ્ચે ચાલેલ કોલ્ડવોર જેમ એક પ્રકારની લડાઈ છે, એમ સોફ્ટવોર પણ એક પ્રકારની લડાઈ છે. આ લડાઈમાં એક બીજાની બૌદ્ધિક ક્ષમતા ઉપર નિયંત્રણ મેળવવાની લડાઈ હોય છે. આ પુસ્તકમાં અગાઉ આપણે જોયું કેવી રીતે માનસિક લડાઈ આપણા ઉપર થોપવામાં આવી છે અને આપણે કેવી રીતે એનો પ્રતિકાર કરવો જોઈએ. હવે પછી ભવિષ્યમાં સતપંથ સામેની લડાઈ માનસિક લડાઈ હશે. આ લડાઈમાં વાર સામેવાળાની વિચાર શક્તિ પર પ્રહાર કરવામાં આવે છે તેમજ સામેવાળાને આપણા દૃષ્ટિકોણથી વિચારતા કરી દેવા માટે મજબૂર કરવામાં આવે છે. આપણા બચાવમાં વિચોરોને ભ્રષ્ટ થવાથી ન દેવા જોઈએ. વિચારોને ભ્રષ્ટ કરવાના પ્રયાસોને સમય ઉપર ઓળખી લેવા જોઈએ. ખૂબજ ચાંપતી નજર રાખવાની જરૂર છે. આમાં ખૂબ બૌદ્ધિક / વૈચારિક દલીલો કરવામાં આવશે. આપણને વૈચારિક રીતે મૂંઝવણમાં નાખીને બૌદ્ધિક રીતે આપણને પાંગળા કરવામાં આવશે. આને એક પ્રકારનું બૌદ્ધિક કે વૈચારિક આતંકવાદ પણ કહી શકાય. સતત બૌદ્ધિક પ્રહારો એટલા હદ સુધી કરવામાં આવે કે જ્યાં સુધી તમારી હાલત એવી ન થઇ જાય કે તમારા સામે આવનાર તમામ સાચી ખોટી વાતો ઉપર ચિંતન કરવાનું તમે છોડી ન દો અને તમારી સામે મૂકવામાં આવેલ વાતોનો કોઈ પણ વિરોધ કર્યા વગર તેને સહર્ષ સ્વીકારી લો. બૌદ્ધિક રીતે એટલા પાંગળા કરી નાખવામાં આવે છે કે તમારા માટે શું સારું છે કે શું ખોટું છે, તેણે તમે પારખીજ ન શકો. એક પ્રકારનું બ્રેનવોશિંગ (Brainwashing) કરવામાં આવે. આવી પરિસ્થિતિમાં ચતુરાઈજ આપણને ઉગારી શકે. માટે ચતુરાઈના ભક્ત બનો.

સમાજ સ્તરે ચતુરાઈ જાળવી રાખવી સહેલું નથી. માટે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ઉપર રીસર્ચ (સંશોધન) કરવા પ્રોત્સાહિત કરી શકાય. તેમની Ph.D ની ડીગ્રીનો વિષય જ્ઞાતિની સતપંથ સમસ્યા હોઈ શકે. તેમના આ વિષયના અભ્યાસ ઉપર તેમને સ્કોલરશીપ આપી શકાય. આપણને મૂંઝવતા પ્રશ્નો તેમની સામે મૂકવાથી તેઓ અભ્યાસ કરીને સારો ઉપાય બતાવી શકે. આ રીતે સતપંથ ઉપર આપણી જ્ઞાતિને ઉચ્ચ સ્તરીય જ્ઞાન હંમેશાં મળતું રહેશે અને આપણા સમાજના આગેવાનોને દિશાસૂચન મળતું રહેશે. દુનિયાની પ્રગતિશીલ જ્ઞાતિઓ વિશ્વની સારી સારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી પોતાના હિતના રક્ષણ માટે આવી રીતે બૌદ્ધિક સૈનિકો તૈયાર કરે છે. આપણે પણ આમાંથી કંઇક શીખવું જોઈએ.

D.   મક્કમતાની ચરમ સીમા: આ લડાઈમાં મૂંઝવણ (Confusion) નો ખૂબ પ્રયોગ કરવામાં આવે. તો આવી પરિસ્થિતિથી બચવું કેવી રીતે? આનો રસ્તો શું? આવી પરિસ્થિતિમાં આપણા વિચારો સ્પષ્ટ અને મક્કમ હોવા જોઈએ. એટલા મક્કમ કે કદાચ ભગવાન આવીને પણ કહેને કે સતપંથ હિંદુ ધર્મ છે, તો પણ તેમને કહી દેવામાં સંકોચ ન હોવો જોઈએ કે ભગવાન તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો. જો આપણને વધારે સમજણ ન પડે કે આવડત ન હોય, તો એટલું તો કરવું જોઈએ કે આપણા મનમાં ગાંઠ બાંધી નાખો કે સતપંથ હિંદુ ધર્મ નથી. ગાંઠ એટલી કડક બંધો કે ખુદ તમે ચાહો તો પણ ખોલી ન શકો. આવી બીજી મજબૂત ગાંઠ બાંધજો કે જેનાથી આપણને સદાય ખ્યાલ રહે કે સતપંથવાળા ગમે એટલા સારા કેમ ન હોય, તો પણ એ આપણી સનાતની સમાજ માટે નથી. આપણે દલીલોમાં કોઈ ગમે તેમ કરીને મનાવવાની કોશિશ કરે તો તેમને કહી દેજો કે બાકી બધું ઠીક પણ સતપંથવાળા અમારા નથી. અમારે કોઈ બીજી દલીલ નથી કરવી.

E.    ભાવનાઓ પર નિયંત્રણ: સતપંથીઓને સમજાવવાના છેલ્લા પ્રયાસ રૂપે ઊંઝામાં ત્રણ ત્રણ વર્ષો સુધી તલસ્પર્શી અભ્યાસો કરવામાં આવ્યા. દેશ અને દુનિયા ભરમાં થી સજ્જડ સબૂતો અને પુરાવાઓ ચકાસવામાં આવ્યા. વિશ્વ વિખ્યાત લાઈબ્રેરીઓ (libraries), અંગ્રેજ અને હાલની આઝાદ સરકારના ગઝેટીયરો (gazetteers), રીસર્ચ થીસીસઓ (research thesis), વિશ્વસનીય ઈતિહાસકારો, મુંબઈ હાઈ કોર્ટ અને અન્ય કોર્ટ કેસો, સ્કૂલના પાઠ્ય પુસ્તકો, દેશ-વિદેશની નામી યુનિવર્સિટીઓ, ભારત સરકારનું પુરાતત્ત્વ વિભાગ (Archeaological Survey of India) ના દસ્તાવેજો, વિશ્વપ્રખ્યાત બૌધિકો અને પ્રોફેસરોના અભિપ્રાયો તેમજ સામાજિક ઈતિહાસના દસ્તાવેજો, ઊંઝાના ઇતિહાસના દસ્તાવેજો, ઈન્ટરનેટ પર ઉપલબ્ધ દુનિયા ભરની જાણકારીઓનો આધાર લેવામાં આવ્યો છે.

માટે ઊંઝાના ચુકાદા પછી હવે આ લોકો સાથે વાદ – વિવાદ / ચર્ચામાં ઉતારવાની કોઈજ જરૂર નથી. બધીજ પ્રકારની ચર્ચાઓ થઇ ચૂકી છે. વાદો, સંવાદો થઇ ચૂક્યા છે. હવે ચર્ચાઓ માટે કોઈ સ્થાન રહ્યું નથી. સમજાવટનો દોર પૂરો થઇ ગયો. આપણી કુળદેવી ઉમિયા માનું અપમાન કરે તેની સાથે આપણે ન જ રહી શકીએ. આપણે આપણી માને પૂજીએ અને એ આપણી માનું અપમાન કરે. માટે આવા લોકો સાથે આપણે ન જ રહી શકીએ. હવે લાગણીઓમાં તણાઈ ન જઈએ. સગાવાદ એટલે વેવાઈ, કાકા, બાપા, દીકરા, મિત્રો, સારા વ્યક્તિ જેવી લાગણીઓમાં અંજાઈ નથી જવાનું. આ બધી લાગણીઓ સતપંથીઓને કેમ નથી નડતી? આ બધા સંબંધો એમને વહાલા હોત તો સતપંથ છોડીને ક્યારના સનાતનમાં આવી ગયા હોત.

સતપંથ સાથે ભેળસેળિયા પ્રયાસોને જન્મવા જ ન દેવા જોઈએ. આ એક એવું મૂળ માત્ર છે જેણે આપણે ગાંઠ બાંધીને રાખવું પડશે. ક્યાંક આડક્તરી રીતે ભેળસેળિયા પ્રયાસો કરવામાં આવશે. દાખલા તરીકે રાજકીય સ્તરે, વૈદકીય (મેડીકલ) સ્તરે, ગ્રામ સ્તરે, પાટીદારોની એકતા ના નામે વગેરે વગેરે. આવી કોઈ વાત તમારી સામે આવે એટલે તરતજ સાવચેત થઇ જઈને યોગ્ય નિર્ણય લેવા જોઈએ. પણ કોઈ કીમતે કોઈ પણ સંગઠનમાં સતપંથ સાથે સંબંધ જળવાઈ કે બંધાય એવા પ્રયત્નોને જડમૂળથી કાપી નાખવા પડશે.

F.    વકીલોની પેનલ: સતપંથવાળાઓ હંમેશાંથી સનાતનીઓના અવાજને દબાવવા કાયદાકીય અને સરકારી માળખાનો દુરુપયોગ કરતા આવ્યા છે. ખોટા કોર્ટ કેસો, ખોટી પોલીસ ફરિયાદો અને સરકારી તંત્રનો દુરુપયોગ સામેલ છે. કેશરા પરમેશ્વરાના સમયથી સતત સનાતનીઓ વિરુદ્ધ આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આપણી સનાતની સમાજ બની છે ત્યારથી વ્યક્તિગત કે સામાજિક સ્તરે સનાતની મોહીમને ઢીલી કરવા આ હથિયારનો પ્રયોગ સતપંથવાળા કરતા આવ્યા છે. સનાતનીઓ ગૌરવ લેતા હોય કે સતપંથીઓ દ્વારા અનેક કેસો કરવામાં આવ્યા હોવા છતાં આપણે સતપંથ ઉપર એક પણ કેસ કર્યો નથી. જુઓ આપણે કેટલું સંયમ જાળવીએ છીએ. આપણે કેટલા સારા છીએ? ક્યાંક આવી આદર્શવાદી વાતોની આડમાં કદાચ અમુક સનાતનીઓ પોતાની નબળાઈ છુપાવી પણ હશે. આના પરિણામો સારા કરતા ખરાબ વધારે આવ્યા છે.

વર્ષો સુધી આ રીતે સનાતનીઓ પોતાની નબળાઈ છુપાવતા રહ્યા છે. એના કારણે ખોટા કોર્ટ કેસો કે પોલીસ ફરિયાદો કરવાથી સતપંથીઓ ડરતા નથી. બીજી બાજુ સનાતનીઓમાં થોડા અંશે એવો ડર ફેલાઈ ગયો છે કે આપણે સતપંથીઓ સામે બોલશું તો સતપંથવાળા આપણે ક્યાંક કાયદાની આંટીમાં ચડાવી દેશે. સતપંથીઓ તરફથી તેમની ધાર્મિક સંસ્થા પીરાણાની સંસ્થા કેસ લડે છે, સનાતનીઓને તો વ્યક્તિગત રીતે કેસ લડવો પડશે. આપણી ધાર્મિક સંસ્થા દેશલપર (વાંઢાય)નું સંસ્કાર ધામ, વાંઢાયનું માતાજીની સંસ્થા આ અંગે આપણી મદદ નહિ કરે. કેન્દ્ર સમાજ મદદ કરે છે, પણ મર્યાદિત રીતે કરી શકે છે. આવા ડરના કારણે વાદવિવાદની પરિસ્થિતિમાં સતપંથીઓ ખોટા હોય તો પણ સનાતનીઓ તેમની સામે જોઈએ એટલી મક્કમતાથી અવાજ ઉપાડી નથી શકતા.

આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણી ત્રણે માતૃ સંસ્થા તરફથી વકીલોની એક યોગ્ય પેનલ તૈયાર કરવી જોઈએ. સતપંથ અંગે કોઈ પણ બાબત આવે, વ્યક્તિગત હોય કે સામાજિક ફરિયાદ હોય, સનાતનીઓ તરફથી આ પેનલ આ કેસો સંપૂર્ણ રીતે સંભાળે એવી સજ્જડ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સનાતની વ્યક્તિ માત્ર સહી કરવા અને કોર્ટમાં હાજરી આપવા આવે. બાકીની તમામ તૈયારીઓ અગર આ પેનલ અને સનાતની સંસ્થાઓ સંભાળી લે તો સતપંથ સામે બોલવાની સનાતનીઓની હિંમતમાં બહુ મોટો અને સારો ફરક દેખાશે. સનાતનીઓ પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશે. ખરા અર્થમાં તેમને અભિવ્યક્તિની આઝાદીનો (freedom of expression) અનુભવ થશે. સનાતનીઓનું ગૌરવ પણ ખૂબ ઊંચું થશે.

G.  બધારણમાં ચોખવટ: સતપંથીઓ હંમેશાંથી સતપંથને હિંદુ ધર્મના એક પંથ તરીકે ખપાવવાની કોશિશ કરતા રહ્યા છે. ખુદ ઈમામશાહ પણ આવોજ પ્રચાર કરીને હિંદુઓને સતપંથ તરફ આકર્ષિત કર્યા હતા. ઊંઝાના ચુકાદા પછી આ દિશામાં સતપંથીઓના પ્રયાસો વધુ તીવ્ર થયાં છે. ભવિષ્યમાં આ અંગે સતપંથવાળા અમુક મોટા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે એવી વાતો પણ સાંભળવા મળી રહી છે. આ બધા પ્રયાસોના મારફતે સતપંથ હિંદુ ધર્મ છે એવી છબી ઊભી કરવાના પ્રયત્નો કરી ભવિષ્યમાં સનાતન સમાજમાં વિવાદ ઊભો કરી સતપંથીઓને સનાતન સમાજમાં લેવાના પ્રયાસો કરી શકાય એવી રમત દેખાય છે.

આ પ્રયાસોમાં સતપંથીઓ સફળ ન થાય એના માટે દરેક સનાતની સમાજે પોતાના બંધારણમાં સુધારો કરી એક કલમ ઉમેરવી જોઈએ કે…

“સતપંથ ધર્મ ઉર્ફે સતપંથ મત ઉર્ફે પીરાણા સતપંથ ઉર્ફે ઈમામશાહી પંથ તેમજ તેમના દ્વારા સમય સમય ઉપર અપનાવવામાં આવેલ કોઈ પણ નામથી ચાલતા ધર્મ કે પંથને આ સમાજ હિંદુ ધર્મનો ભાગ ગણતી નથી. માટે આવા સતપંથ ધર્મને માનનારા તેમજ સતપંથ સમાજ સાથે જોડાયલા લોકો આ સમાજના સભ્ય બની શકે નહીં. કોઈ પણ સનાતની સભ્ય ઉપર જણાવેલ સતપંથ ધર્મ સ્વીકારે અથવા તો સતપંથ સમાજના સભ્ય બને તો તેનું સભ્યપદ પોતાના મેળે તે દિવસથીજ રદ્દ થયેલું ગણાશે. સભ્યપદ રદ્દ થવાના કારણે એવા સભ્યને કોઈ પણ પ્રકારની વળતર કે સભ્યએ આપેલ દાનની રકમ કે સભ્ય ફી પાછી આપવામાં આવશે નહીં. આ કલમમાં ફેરફાર કરવો હોય તો શ્રી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ પાસેથી લેખિત મંજૂરી મેળવ્યા બાદ, બંધારણ સુધારા માટે ખાસ બોલાવવામાં આવેલ વિશેષ સભામાં સર્વાનુમતે મંજૂરી મેળવીનેજ ફેરફાર કરી શકાશે. સતપંથ અંગે શ્રી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના નીતિનિયમો અને આદેશોનું પાલન કરવું પણ સર્વે સભ્યોની ફરજમાં આવે છે.”

તેવીજ રીતે મવાળોની સળગતી સમસ્યાનો સામનો કરવા માટે નીચે પ્રમાણેની કલમ ઉમેરવી જોઈએ.

સમાજમાં મવાળ એક સળગતી સમસ્યા છે. મવાળવાદી પ્રવૃત્તિ એટલે સનાતન સમાજમાં રહી સતપંથને છાવરવું તેમજ તેની પેરવી કરવી. આવી પ્રવૃત્તિઓથી સમાજને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. જેનાથી સમાજનો બચાવ કરવા માટે નીચે મુજબનો નિર્ણય કરવામાં આવેલ છે.

 

સનાતન સમાજનો કોઈ પણ સભ્ય કે વ્યક્તિ સતપંથના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપે તેમજ ભાગ લે તેમજ અન્ય કોઈ મવાળવાદી પ્રવૃત્તિમાં સામેલ હોય, તો તેવા વ્યક્તિનું સભ્યપદ રદ કરવાને પાત્ર ગણાશે. આવી મવાળવાદી પ્રવૃત્તિઓમાં અગર કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો નિર્દોષ પુરવાર ન થાય ત્યાં સુધી તેનું સભ્યપદ સસ્પેન્ડ (suspend) થઇ શકે છે. કઈ પ્રવૃત્તિ મવાળવાદી છે કે નહીં એ નક્કી કરવાનો અબાધિત અધિકાર સમાજની કારોબારી સભાને છે. આ અંગે કોઈપણ પુરાવા કે સાબિતી આપવા માટે કારોબારી બંધાયેલી રહેશે નહીં. મૌખિક રીતે મળેલ જાણકારીના આધારે પણ કારોબારી કડક પગલાં ભરી શકે છે. આરોપી વ્યક્તિની પોતાના નિર્દોષતાના સંતોષકારક યોગ્ય પુરાવાઓ આપવાની જવાબદારી રહેશે.

આ અંગે કારોબારી સભાએ લીધેલ નિર્ણય સર્વોપરી રહેશે. અને આવા નિર્ણયની કોઈ પડકારી શકશે નહિ. સભ્યપદ રદ્દ થનાર વ્યક્તિને કોઈ પણ જાતની વળતર કે આપેલ દાન, સભ્ય ફી કે અન્ય કોઈ પણ જાતની રકમ પાછી આપવામાં આવશે નહીં. સમાજની કોઈ પણ મિલકત ઉપર કે સમાજ ઉપર કોઈ પણ જાતનો હક્ક કે દાવો કરી શકશે નહીં.

H.   માત્ર સગપણ માટે સતપંથીઓ સનાતની બને: હાલમાં જે રીતે સતપંથીઓ મોટી સંખ્યામાં સનાતન સમાજમાં આવવા તૈયાર થયા છે, તેનાંથી સનાતનીઓમાં ભય નિર્માણ થયો છે. સનાતનીઓને આશંકા છે કે આ સતપંથીઓ માત્ર સગપણ કરવા માટે સનાતની બની રહ્યા છે. એક વખત તેમના દીકરા દીકરીના લગ્ન સનાતનીઓ સાથે થઇ જશે તો પાછા સતપંથમાં ચાલ્યા જશે. ભૂતકાળમાં ઘણી જગ્યાએ આવા દાખલાઓ જોવા મળ્યા છે.

આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે સૌ પ્રથમ આપણી દીકરીઓને શિક્ષિત (train) કરવી પડશે. શંકાસ્પદ માજી સતપંથીઓના ઘરે આપણે દીકરી વળાવતા હોઈએ એ પહેલાં સતપંથ શું છે, તેના પ્રચારોમાં કેવી રમતો છુપાયલી છે, હિંદુ દેવ દેવીઓના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે એવની સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ. સતપંથ ધર્મ ભલે પોતાને હિંદુ કે સનાતન ધર્મ કહેવડાવતો હોય તો પણ એ મુસલમાન ધર્મ છે એ આપણી દીકરાદીકરીને બરાબર ઠસાવી દેવું જોઈએ. તેની સાથેસાથે દુનિયાનો સર્વોચ્ચ ધર્મ એટલે સનાતન ધર્મ છે એવું તેનાં મનમાં બેસાડવું જોઈએ. સનાતન ધર્મની ઊંડી ઊંડી સારી સારી વાતોથી તેનાં મનમાં સનાતન ધર્મ પ્રત્યે ઉચ્ચ ગૌરવની લાગણી નિર્માણ થાય એવી ગોઠવણ કરવી જોઈએ. લગ્ન પછી દીકરીના સસરા પરિવાર વાળા અગર સનાતનીઓને દગો આપીને સતપંથમાં જવાનું વિચાર કરશે તો આપણી દીકરી ત્યાં પગ ભેરવીને કેવી રીતે ઊભી રહી શકે, તેનાં માટે તેને કોણ કોણ મદદ રૂપ થઇ શકે એ બધી વાતની તૈયારીઓ અને સમજણ આપણી દીકરીને આપવી જોઈએ. થનાર જમાઈને પણ ખૂબ સારી રીતે સમજાવી દેવા જોઈએ. આપણી દીકરી તેનાં સસરાંમાં સુખી રહે એવું ઈચ્છીએ છીએ, પણ આપણી દીકરીનો કોઈ દુરુપયોગ કરે એ કોઈ દિવસ સહન નહિ કરીએ, એવું વાતાવરણ સમાજમાં ઊભું કરવું પડશે.

પીરાણામાં દીકરા કે દીકરીને પગે લગાડવા લઇ જવા માટે વડીલોની માનતા છે એવું ખૂબ સરસ બહાનું કાઢવામાં આવે છે. આવી માનતાઓજે કોઈ હોય એ તમામ માનતાઓ સનાતન સમાજમાં આવી ગયા બાદ પૂરી થઇ ગઈ છે એવું સમજાવી દેવું અને હવે કોઈ આવી માનતા ઉતારવાની બાકી રહેતી નથી એવું ચોખ્ખું કહી દેવું જોઈએ.

I.     રાજકીય અને ધાર્મિક સંસ્થાઓમાં સક્રિયતા વધારવી: ઊંઝાના ચુકાદામાં મળેલ હારના કારણે સતપંથીઓ મુસલમાન છે એવું પુરવાર થઇ ગયું છે. માટે હવે સતપંથીઓ રાજકીય અને હિંદુ ધાર્મિક સંસ્થાઓમાં વધુ સક્રિય ભાગ ભજવીને પોતાના પગ એ સંસ્થાઓમાં મજબૂત કરવા પ્રયત્નો કરશે. ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ (BJP, RSS, VHP) અને સાધુઓની સંસ્થાઓમાં સતપંથીઓ ખૂબ ઊંડા ઊતરી ગયા છે. સનાતનીઓને માનવું પડશે કે આ મોરચામાં સતપંથીઓ તેમનાથી આગળ છે.

પણ આ મોરચામાં પણ સતપંથીઓને હરાવી શકાય એમ છે. હાલમાં પૈસાના જોરે સતપંથવાળા હિન્દુ સાધુ સમાજ, BJP, RSS, VHP જેવા સંગઠનોમાં ઘૂસ્યા છે.‌ ધીરે ધીરે સનાતનીઓએ પણ આવી સંસ્થાઓમાં ઘૂસતા જવું પડશે. આમાં સનાતનીઓની સંખ્યાબળનો ભરપૂર લાભ લઇ શકાય. આવી સંસ્થાઓમાં ઘૂસ્યા બાદ માથું નીચું રાખીને કામ કરતા રહીને ધીરે ધીરે પોતાના પગ જમાવતા જવું પડશે. પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે સનાતનીઓની સંખ્યાબળનો તેમજ અન્ય શક્તિઓનો લાભ લેતા રહેવું પડશે. બીજી બાજુ સતપંથીઓના વખાણ કરી તેમને બને એટલા ખર્ચમાં ઊતરતા જવાના. એક સમય આવશે કે જ્યારે સતપંથવાળા જરૂર નબળા પડશે. આવો સમય આવે એટલે પૂરી ખાતરી કરીને તેમના પર યુક્તિ પૂર્વક એવું દબાણ નાખવું કે તેમની કમર જ તૂટી જાય. તેઓને આવી સંસ્થામાંથી નીકળી જવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ કરી નાખવી. આવી પરિસ્થિતિ વચ્ચે સતપંથની સાચી પોલ એ સંસ્થાના આગેવાનો સામે ખોલી દેવાની. જેથી સંસ્થામાં સતપંથીઓ અણગમતા થઇ જાય અને સંસ્થાની છત્ર છાયાનો જે ખોટો લાભ એ લોકો લેતા હતા એ છિનવાઈ જાય.

J.     બાજી પલટાવી નાખવી: ઊંઝાનો ચુકાદો પછી અને ખાસ કરીને તા. ૨૬ઓગસ્ટ૨૦૧૮ની વિશેષ સભા પછી સતપંથીઓની પ્રતિક્રિયા અને તેમના દ્વારા લેવામાં આવેલ પગલાં આપણી અપેક્ષા પ્રમાણેનાં જ નીવડયાં. સનાતનીઓને ખબર હતીજ કે સતપંથીઓ ઊંઝાના ચુકાદાનું પાલન નહીં કરે. તેઓએ જે વ્યૂહરચના તૈયાર કરી છે તેમાં એક મૂળભૂત ખામી છે. આ ખામીનો લાભ લઇને તેમની બાજી પલટાવી શકાય એમ છે. લાંબા ગાળે એમની વ્યૂહરચના એમના જ વિરુદ્ધ જશે. સ્વાભાવિક છે કે આ ખામીની ચર્ચા હાલ જાહેરમાં કરવી યોગ્ય નથી. સમય આવશે ત્યારે એની પણ ચર્ચા કરીશું.

હોંશિયારી પૂર્વક બાજી પલટાવી નાખવી

સનાતનીઓ અગર યુક્તિ પૂર્વક પગલાં ભરશે તો સતપંથની વ્યૂહરચનાની ખામીઓને સપાટીમાં લાવવા વેગ આપી શકશે. એનાથી એમનો યુવાવર્ગ મૂંઝવણમાં એવો ફસાઈ જાય કે સતપંથ ઉપર વિશ્વાસ ખોઈ દે અને આદરસન્માન પણ ખોઈ દે. આ પુસ્તકમાં ઘણી જગ્યાએ જોવા મળશે કે સતપંથએ પોતાના બચાવમાં હંમેશાં જૂઠ, છેતરામણી અને તાકિયાનો સહારો લીધો છે. સતપંથ એક મુસલમાન ધર્મ છે એવી વાત કરીને પોતાનો સાચો બચાવ ક્યારે કર્યો નથી. આવડા વર્ષો તેઓ સફળ રહ્યા. પણ હવે જ્ઞાતિમાં બધાને ખબર પડી ગઈ છે કે સતપંથનો પાયો નબળો છે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના હિંદુઓ જે ૫૦૦૫૦૦ વર્ષથી સતત બેવકૂફ બની રહ્યા હોય એવા સતપંથ ધર્મમાં કોઈ ગૌરવ નજ હોય. આવી વાતોથી લોકોને અવગત કરીને જ્યાં બને ત્યાં સતપંથીઓ માટે મીઠી/સૌમ્ય શરમ અને અકળામણની પરિસ્થિતિ નિર્માણ કરી શકાય. જેથી કરીને તેઓને સનાતન સમાજમાં આવવાની ઈચ્છા જાગે.

એવું વાતાવરણ બનાવું જોઈએ કે જનાથી સતપંથીઓને એવું લાગે કે સનાતનીઓ આગળપડતા, હોશિયાર અને ઉચ્ચ છે. તેની સામે સતપંથીઓ હજી ઘણા પાછળ છે, જે મહદ અંશે હકીકત પણ છે. એક વાત તો સ્પષ્ટ છે કે સમાજ કલ્યાણના નવા નવા અદ્ભુત વિચારો અને પગલાંઓ ભરવામાં સનાતન સમાજેજ પહેલ કરી છે. જ્ઞાતિમાં સામાજિક સંગઠનની સ્થપના, કેળવણીનો વ્યાપ વધારવાથી લઇને યુવાસંઘથી માંડીને યુવા સુરક્ષા કવચ (YSK) જેવા ક્રાંતિકારી કાર્યક્રમો પહેલાં સનાતન સમાજે અમલમાં મૂક્યા અને પછી સતપંથ સમાજે માત્ર નકલ કરી છે. સતપંથીઓ ભલે પોતાને સારા બતાવવા માટે મોટી મોટી વાતો કરતા હોય, પણ વાસ્તવિકતા તમારા સામે છે.

K.    સંયમ જાળવવો: સનાતન સમાજના પ્રેમથી સમજાવટ ભર્યું વલણના (જેણે આ પુસ્તકમાં સરળ શબ્દોમાં સમાજવા માટે દબાણકહેવામાં આવ્યું છે) કારણે સતપંથમાં ફસાયેલો સામાન્ય/નબળો વર્ગ સનાતન સમાજમાં ભળી ગયો. હવે સતપંથમાં એવો વર્ગ બચ્યો છે જે સામાજિક રીતે કે આર્થિક રીતે મજબૂત છે. કારણકે સમાજના દબાણની આસાર આવા વર્ગ ઉપર મોડી થાય. જેનાથી દબાણની અસર બહાર દેખાવામાં થોડો વધુ સમય લાગશે. સનાતન સમાજે દબાણ ચાલુજ રાખવું પડશે. સતપંથના મજબૂત વર્ગનું હાલમાં કંઈ અટકતું નથી, એટલે એ લોકો સનાતનમાં જલદીથી આવશે નહીં. એ લોકો બેઠા બેઠા બીજા લોકોને બગાડતા રહેશે. એમના આસરા ઉપર જેમની રોજી રોટી ચાલતી હોય, એવા લોકો પણ સનાતન સમાજમાં નહીં આવે.

પણ પરિસ્થિતિ જરૂર બદલે છે. મજબૂત માણસનો પણ ખરાબ સમય આવે. એમના સનાતની સગાંસંબંધી મારફતે દબાણ ચાલુ થાય. તેમને સગપણમાં પણ તકલીફ થવાનીજ છે. માટે સનાતની સમાજ દબાણચાલુ રાખશે તો ક્યાંકને ક્યાંક તેમને વાત સમજાશે અને છેવટે સનાતન સમાજમાં આવી જશે. ફરક માત્ર એટલો છે કે પ્રક્રિયા થોડી લાંબી ચાલશે. માટે સંયમ જાળવવો પડશે.

1.    સૈધ્દાંતિક અને માનસિક સશક્તિકરણ લાવવું જોઈએ. સતપંથ ધર્મ ઉપર સતપંથીઓ અને સનાતનીઓ વચ્ચે થતી ચર્ચાઓમાં એવું જોવા મળે છે કે સનાતનઓને વિષયનું પૂરું જ્ઞાન ન હોવાના કારણે તેઓ બોલી નથી શકતા. સતપંથીઓ તરફથી થતી યુક્તિ પૂર્વક દલીલોને ઓળખવામાં સનાતનીઓ ક્યારેક નબળા પડી જાય છે. સતપંથની યુક્તિ પ્રયુક્તિઓની પૂરે પૂરી ખબર ન હોય એટલે સનાતનીઓ મક્કમતાથી બોલી નથી શકતા. અગર કોઈ વ્યક્તિ થોડી હિંમત દેખાડીને સતપંથ સામે દલીલ કરવા પ્રયત્ન કરે અને ક્યાંક કોઈ મુદ્દા ઉપર અટકી જાય, ત્યારે એવા વ્યક્તિને અન્ય લોકો વચ્ચે મજાકમાં ખપાવી તેનું અપમાન કરી તેનું મનોબળ તોડવામાં આવે છે. લોકોની વચ્ચે ઊડતી આવી હસીના કારણે બીજા લોકો પણ સતપંથના વિરુદ્ધમાં બોલવાની હિંમત ન કરે? એટલે સમાજમાં એક એવું વાતાવરણ નિર્માણ થાય કે જેનાથી લોકો બોલવા લાગે કે મૂકોને સતપંથીઓ સાથે કોણ માથાકૂટ કરે. પરિણામે સતપંથીઓ પોતાનું જૂઠ ચલાવવામાં ફાવી જાય.

2.    આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે દરેક સનાતનીને સિંહ બનાવવા છે. સનાતનીઓ એવી મક્કમ અને ઠોસ રજૂઆત કરતા થાય કે સતપંથીઓ તેમની સામે સતપંથ ધર્મનો વિષય કાઢતાં ડરે. આપણા બાળકો માટે ખાસ શિક્ષણ શિબિરો રાખવી પડશે, જેમાં તેમને સનાતની સંસ્કાર પીરસવામાં આવે. પોતાના ધર્મ માટે કટ્ટરતા આવે અને સ્વાભિમાન ભર્યું મક્કમતાથી ધર્મના રક્ષણ માટે ચર્ચામાં ઊતરી શકે, તેવી ક્ષમતા વિકસાવતી જોઇશે. તેમજ સંઘર્ષમાં પણ ભાગ લઇ શકે. દરેક પરિવારના વડા સમાજ સાથે સંપર્કમાં રહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.

3.    આવું કરવા માટે સતપંથ વિષયના જાણકાર વ્યક્તિઓની ખાસ ફરજ છે કે સનાતનીઓને એવા મુદ્દાઓ આપે અને એવી સમજ આપે કે જેના દમ ઉપર કરવામાં આવેલ દલીલમાં સનાતનીઓનો હાથ હમેશાં ઉપર રહે. સનાતનીઓનો આત્મવિશ્વાસ એટલો ઊંચો પહોંચે કે જેનાથી સતપંથનો વિરોધ કરવા માટે લોકો હમેશાં તૈયાર રહે. કોઈ જાતનો તેમને સંકોચ કે કોઈ ડર ન રહે. સનાતનીઓને માત્ર જાણકારી આપવાની જરૂર છે અને તેની સાથે દસ્તાવેજી આધાર પુરાવાઓ આપીએ તો સનાતનીઓનો હાથ દલીલોમાં ઉપર રહેશેજ.

4.    આપણે લોકોને સૈધ્દાંતિક અને માનસિક રીતે સશક્ત કરવા છે, જેથી કરીને સતપંથનો વિરોધ ખુલ્લે આમ કરી શકે. આ રીતે સનાતન સમાજને અંદરથી મજબૂત કરવાનો છે. આ પુસ્તક પ્રકાશિત કરવા પાછળનો એક માત્ર મુખ્ય હેતુ આ છે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં શાંતિ, સુખ, પ્રગતિ, નિરાંતની ઊંઘ, એક બીજા પર વિશ્વાસ, એકતાની સાચી મીઠાશ જોઈતી હશે અને જીવન જીવવાની મઝા માણવી હશે તો સનાતનીઓને મજબૂત થવું પડશે. ભવિષ્યની લડાઈને રોકવા માટે આજે તૈયારી કરવી પડશે.

સતપંથ સમસ્યાનો સામનો કરતી વખતે આપણને ધ્યાનમાં રાખવા લાયક અમુક મહત્ત્વના મુદ્દાઓ છે. આ મુદ્દાઓ ઉપર આપણે ખૂબજ બારીકાઇથી ધ્યાન રાખશું તો આપણે સતપંથ સામેના સંઘર્ષનો મજબૂતાઈથી સામનો કરી શકશું, એમાં બેમત નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે સમય સમય ઉપર આ વિષય ઉપર સતત ચિંતન મનન ચાલુ રાખવું ખૂબજ જરૂરી છે.

 

Leave a Reply