Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૪. સનાતની ચળવળની વર્તમાન ક્રાંતિ

C.A. શ્રી રમેશભાઈ માવજી વાગડિયા

શ્રી ક્ચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સનાતન-સતપંથ મુદ્દે વર્તમાન ક્રાંતિની શરૂઆત

ક્યારેક કુદરત આપોઆપ નિર્ણય લેતી હોય છે કે હવે આમ થવુંજ જોઈએ. જેમાં સૌની ભલાઈ છુપાયેલી હોય છે. સમાજમાં પણ એવી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેને લઈને કુદરતને પણ અમુક ઘટનાઓ માટે એવા પરિબળો ઊભા કરવા પડતા હોય છે કે જે સમાજના બહોળા વર્ગ માટે વરદાન રૂપ સાબિત થાય. એવુંજ કંઈક કુદરતને મંજૂર હશે કે જેથી સમાજમાં સતપંથ સનાતનને મુદ્દે વર્તમાન ક્રાંતિની શરુઆત આકસ્મિક રીતે થઇ હશે, એવું મારું માનવું છે. તેમાં અમુક વ્યક્તિઓને કુદરત નિમિત્ત પણ બનાવતી હોય છે. વર્તમાન ક્રાંતિની શરુઆત થવી તે કંઈ પૂર્વનિયોજિત પગલું નહોતુંજ. મેં જેમ પહેલાં કહ્યું કે કુદરતજ પોતે અમુક ઘટનાઓને આકાર આપતી હોય છે જે છેવટે ચળવળ અથવા તો ક્રાંતિમાં પરિવર્તિત થઈ જાય. અનેક એવી ઘટનાઓ સમાજમાં ઘટતી હતી જે કુદરતને મંજૂર નહોતું. તેના અમુક કારણોનો મેં અભ્યાસ કર્યો અને તેનું બારીકાઇથી અવલોકન કર્યું. અવલોકન કર્યા પછી મને એમ લાગ્યું કે નીચેના કારણોને લઈને સનાતન સમાજમાં મોટી ચળવળોમાંની વર્તમાન સનાતની ચળવળની શરુઆત થઇ. આમ તો સમય સમયાંતરે અનેક નાની મોટી ચળવળો થઇ છે. પણ મોટી ક્રાંતિઓમાં ગણતરી થાય એવી આ વર્તમાન ક્રાંતિ ઉર્ફે ચળવળની વાત કરું છું. આ ચળવળ તા. ૭.૮.૨૦૦૯ (૦૭-ઓગસ્ટ-૨૦૦૯) પછી કેન્દ્રીય સમાજના લોકોમાં સતપંથ-સનાતન મુદ્દે થયેલ ચળવળ છે.

 

સતપંથ અને સનાતન મુદ્દે જ્ઞાતિની પહેલી બે મુખ્ય ક્રાંતિઓ

આ પહેલાં સતપંથ સનાતન મુદ્દા પર બે મુખ્ય ક્રાંતિઓ થઇ ગઈ તેનાથી આપણે સૌ સુવિદિત છીએજ. એક ક્રાંતિના પ્રણેતા હતા સાંખલા પરિવારના વીર પુરુષ શ્રી કેશરા પરમેશ્વરા. અને બીજી ક્રાંતિના પ્રણેતા હતા આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી અને શ્રી રતનશી ખીમજી ખેતાણી. ત્રણે પુરુષોએ જ્ઞાતિને સતપંથની નાગચૂડમાંથી ઉગારી અને આપણા મૂળ ધર્મ સનાતન ધર્મના માર્ગ તરફ વાળી હતી. અને જ્ઞાતિ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હતો. પહેલી ક્રાંતિ વખતે શ્રી કેશરા પરમેશ્વરાએ જ્ઞાતિના અમુક પરિવારોને સનાતન ધર્મના સ્વમીનારાયણ સંપ્રદાય તરફ વાળ્યા. પણ જ્ઞાતિનો બહુ મોટો વર્ગ સતપંથ ધર્મની નાગચૂડમાંથી બહાર આવી શક્યો નહિ. ત્યાર પછી લગભગ એક સો વરસ પછી જ્ઞાતિમાં સતપંથ-સનાતન મુદ્દે બીજી ક્રાંતિની શરુઆત થઇ. તેમાં જ્ઞાતિના અમુક પરિવારો શ્રી નારાયણજી રામજી લીંબાણીની પ્રેરણાથી સનાતન ધર્મના આર્ય સમાજ સંપ્રદાય તરફ વળ્યા હતા. તેજ અરસામાં જ્ઞાતિ વીર સેવક વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણીની આગેવાની હંઠળ વાંઢાયના સંત શ્રી ઓધાવરામજી મહારાજના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિને નવો વળાંક મળ્યો અને સમગ્ર જ્ઞાતિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પોતાના ઇષ્ટદેવ તરીકે માનવા લાગી ગઈ. જ્ઞાતિ પીરાણા સતપંથને તિલાંજલિ આપીને સનાતન ધર્મનો અંગીકાર કરવા લાગી. કચ્છ – ગુજરાતના ગામેગામ જ્યાં કચ્છ કડવા જ્ઞાતિના પરિવારો રહેતા હતા ત્યાં ઈમાંમશાહ બાવાના ખાનાઓનો ત્યાગ કરીને ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષમીનારાયણના મંદિરોની સ્થાપના થવા લાગી. ગામેગામ સનાતની લોકોએ સનાતન સમાજની સ્થાપનાઓ કરી.

આના મૂળમાં હતી આપણી આજની સનાતની ઓળખ ધરાવતી આપણી કેન્દ્રીય સમાજ, જેને રજિસ્ટર ભલે ૧૯૬૦માં કરી હોય પણ તેની મૂળ સ્થાપના બંધારણીય રીતેતો શ્રી રતનશી ખીમજી ખેતાણીના પ્રમુખ પદે ૧૯૩૭-૩૮માંજ કરવામાં આવી હતી. જ્ઞાતિનો બહોળો વર્ગ આપણા મૂળ સનાતન ધર્મના પ્રવાહમાં ભળી ગયો. પણ અફ્સોસ એ વાતનો રહ્યો કે જ્ઞાતિના અમુક પરિવારોને લઈને સતપંથ ધર્મનો જડમૂળથી નાશ ન થયો. ગામેગામ આ સમસ્યા રહી ગઈ. ગામેગામના ખાનાઓનું વિસર્જન આપણે તે અરસામાં કરી ન શક્યા. સુધારક વડીલો થોડાક અતિ વધારે વિશ્વાસમાં રહી આશ્વસ્ત થઇ ગયા કે હવે માત્ર ૧૦% જેટલાજ ભાઈઓ સતપંથમાં છે તે જતે દહાડે આપણી સાથે આવી જશે. આ તેમનો વિશ્વાસ ભ્રામક પુરવાર થયો જેના માઠાં ફળ આજે પણ આપણને ખાવાં પડી રહ્યાં છે. આ આપણી જ્ઞાતિની કમનસીબી કહીએ કે કમજોરી. પણ હકીકત આપણી સામે જ છે. જ્ઞાતિ આજ દિવસ સુધી તેની આડ અસરો ભોગવી રહી છે. પહેલી બે ક્રાંતિઓનો આપણે ઊંડાણથી અભ્યાસ અત્યારે કરી નથી રહ્યા. કારણકે તેનો ઈતિહાસ આપણી પાસે મોજૂદ જ છે. અત્યારે આપણે ફક્ત એ વિષય ઉપર ચર્ચા કરવી છે કે એવા કયા કારણોને લીધે સમાજમાં વર્તમાન ક્રાંતિની શરુઆત થઇ અને સનાતની ચળવળકારોને તે ક્રાંતિની શરુઆત કરવી પડી.

 

વર્તમાન ક્રાંતિ પાછળના પરિબળો

1.    કેન્દ્રીય સમાજમાં સતપંથના ભાઈઓની ખોટી દખલગીરી: સનાતનીઓ દ્વારા ઊભી થયેલી, સનાતનીઓ માટે ઊભી થયેલી, સનાતનીઓના હિતોની રક્ષા કરવા માટે ઊભી થયેલી ફક્ત અને ફક્ત સનાતની ઓળખ ધરાવતી આપણી કેન્દ્રીય સમાજમાં સતપંથના ભાઈઓની ખોટી દખલગીરી વર્તમાન ક્રાંતિનું મુખ્ય કારણ બન્યું.

2.    કેન્દ્રીય સમાજના તત્કાલીન હોદ્દેદારો અને મોવડીઓનું સતપંથના ભાઈઓ તરફી કૂણું વલણ: કેન્દ્રીય સમાજમાં શ્રી પ્રેમજીભાઈ પુંજા પ્રમુખ હતા, ત્યાર બાદ સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ તેમજ મોવડીઓનું કોઈક અકળ કારણોને લઈને સતપંથના ભાઈઓ તરફ કૂણું વલણ જોવામાં આવ્યું. સતપંથ ધર્મને સદાય માટે ત્યાગવાવાળા લોકો દ્વારા અને તેમના માટે ઊભી થયેલી કેન્દ્રીય સમાજમાં સતપંથ ધર્મ/મતમાં આસ્થા ધરાવતા ભાઈઓને શા માટે પ્રવેશ આપવામાં આવતો હતો? જે સમજાતું નહોતું.

3.    કેન્દ્રીય સમાજમાં સતપંથના ભાઈઓને આપવામાં આવતું સભ્યપદ: કેન્દ્રીય સમાજની સ્થાપનાના ઉદ્દ્યેશ્યોને નેવે મૂકીને ગેર બંધારણીય રીતે, વિના તપાસે સતપંથમાં આસ્થા ધરાવતા લોકોને સભ્યપદ આપવામાં આવી રહ્યું હતું. કોઈ પણ વ્યક્તિ સભ્યપદની અરજી કરે તો તેને સભ્ય બનાવી આપવામાં આવતું, તેની પૂરતી તપાસ કરવામાં આવતી નહિ કે એ સનાતની છે કે સતપંથી છે. હદ તો ત્યારે થઇ કે વર્ષ ૨૦૧૦માં ઉજવવામાં આવનારા કેન્દ્રીય સમાજના સુવર્ણજયંતી મહોત્સવમાં ફક્ત રૂ. ૫૦૦/- ની પાવતી ફડાવીને કૂદકેને ભૂસકે સતપંથના ભાઈઓને સભ્યપદ આપવામાં આવતું હતું. જેનાથી કેન્દ્રીય સમાજને નબળી પરિસ્થિતિમાં મૂકવાની રમત થવા લાગી. ભવિષ્યમાં સમાજમાં વર્ગવિગ્રહ થાય અને કોમી ઝગડાઓ થવાના બીજ રોપી સમાજની એકતા, સંપ, સંગઠન અને શાંતિના માહોલને નુકસાન પહોંચાડવાનું આ કૃત્ય જોઈ સનાતનીઓની લાગણી ખૂબ મોટે પાયે દુભાવવા લાગી.

4.    કેન્દ્રીય સમાજના તત્કાલીન હોદ્દેદારો અને મોવડીઓનો સનાતની ભાઈઓ તરફ દુર્લક્ષતા: સતપંથના ભાઈઓ તરફથી સમાજના સનાતની ભાઈઓને છાસવારે થતી તકલીફો પ્રત્યે કેન્દ્રીય સમાજ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા. અને જ્યારે વાત વણસે અને સનાતની ભાઈઓ તરફથી સમાજમાં ફરિયાદ કરવામાં આવે ત્યારે સનાતનીઓને ભોગે સતપંથ તરફી થતા “કહેવાતા” સમાધાનોના કારણે સનાતનીઓમાં ફેલાયલી અત્યાચાર અને અન્યાયના કારણે આક્રોશની લાગણી પણ એક મુખ્ય કારણ હતું.

5.    કેન્દ્રીય સમાજમાં સતપંથના ભાઈઓનો પગ પસેરો: સતપંથના ભાઈઓની પોતાની સતપંથ સમાજ હોવા છતાં, જે તેમની નથી એવી સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રીય સમાજમાં પગપેસારો થવા લાગ્યો. કેન્દ્રીય સમાજ જાણે બોડી બામણીનું ખેતર હોય તે રીતે તેમાં વિધર્મીઓનો પગપેસારો થતો રહ્યો હતો. જેનાથી સ્વાભાવિક છે કે સમયાંતરે સનાતનીઓને પોતાના ઘરમાં નબળી પરિસ્થિતિમાં મૂકવાની આ ચાલ હતી, જે સર્વેને દેખાવા લાગી.

6.    કેન્દ્રીય સમાજની સનાતની ઓળખને ભૂંસાવી નાખવાના પ્રયત્નો: સુધારક વડીલો દ્વારા કેન્દ્રીય સમાજનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું હતું કે અન્ય હિંદુ જ્ઞાતિઓને ખબર પડે કે સનાતનીઓ ચોખ્ખા હિંદુ છે અને તેઓ સતપંથ સમાજથી જુદા છે. સતપંથ ધર્મના લીધે અન્ય હિંદુ પ્રજામાં આપણી ઓળખ એક મુમના મુસલમાન તરીકે થતી હતી. તે આપણા વડીલોને હંમેશને માટે ભૂંસવી હતી. એટલેજતો સતપંથ જોડે અને સતપંથીઓ જોડે તેઓએ સદન્તરે છેડો ફાડ્યો હતો અને સતપંથ સમાજથી અલગ સનાતન સમાજ ઊભો કર્યો હતો. જેને આજે આપણે કેન્દ્રીય સમાજ તરીકે ઓળખીએ છીએ. એટલુંજ નહિ એજ રીતે ગ્રામ્ય સ્તરે પણ સનાતન સમાજો ઊભા કરવામાં આવ્યા. પણ પાછળથી કેન્દ્રીય સમાજમાં કોણ જાણે કેમ આ સતપંથવાળો સડો પેસી ગયો હતો, તે સારાં ફળોને પણ સડો લગાવી રહ્યો હતો.

7.    સતપંથના ભાઈઓ કેન્દ્રીય સમાજના સભ્ય થયા પણ વફાદાર તો સતપંથ સમાજને જ રહ્યા: અમુક સતપંથના ભાઈઓએ સતપંથ છોડ્યા વગર પાછલા બારણેથી કેન્દ્રીય સમાજમાં ઘૂસણખોરી તો કરી. પણ તેઓ કોઈ દિવસ કેન્દ્રીય સમાજને વફાદાર રહ્યા નહિ. અને પોતાની આસ્થા પીરાણા સતપંથ અને ઈમામાંશાહ બાવામાં કાયમ રાખી. તેનો મોટામાં મોટો દાખલો એ છે કે જ્યારે પણ સતપંથીઓ અને સનાતનીઓ વચ્ચે વિવાદ હોય અને મધ્યસ્થીમાં કેન્દ્રીય સમાજ હોય, ત્યારે કેન્દ્રીય સમાજનો નિર્ણય ન માની, માત્ર પીરાણાનો નિર્ણય માનવામાં આવતો. કેન્દ્રીય સમાજની સર્વોપરિતા આજે પણ તેઓ સ્વીકારે એમ નથી. જો સાચે પોતાને કેન્દ્રીય સમાજના વફાદાર ગણતા હોત તો આવું ન કરત. કેટલો મોટો દ્રોહ એ લોકોએ આપણી સમાજ સાથે કર્યો હતો તે આપણે સનાતનીઓ તે વખતે સમજી શક્યા નહોતા.

8.    કેન્દ્રીય સમાજના મોવડીઓની સનાતન શબ્દ પ્રત્યે નીરસતા: પ્રમુખશ્રી વાલજીભાઈ વાડિયાના વખતમાં સતપંથના ભાઈઓનો પગપેસારો કેન્દ્રીય સમાજમાં ખૂબ વધી ગયો હતો. શ્રી વાલજીભાઈ વાડિયાએ ધનસુરા સનાતન સમાજના મોવડીઓને એમ કહી દીધું કે ધનસુરા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજનું જે નામ વરસો પહેલાં વડીલોએ નાખ્યું છે તેમાંથી “સનાતન” શબ્દને કાઢી નાખો. શા માટે ભાઈ? શું તેમને સનાતન શબ્દ પ્રત્યે સૂગ હતી કે પછી તમે પીરાણા સતપંથ સંસ્થાના હાથની કઠપૂતળી બની ગયા હતા? કંઈ સમજાતું નહોતું. કારણ કે તેમની સનાતન સમાજ પ્રત્યે અને સનાતનીઓ પ્રત્યે વફાદારી જાહેરમાં દેખાતી નહોતી.

9.    કેન્દ્રીય સમાજને ધર્મ સાથે કંઈજ લેવા-દેવા નથી: તત્કાલીન પ્રમુખો, હોદ્દેદારો, મોવડી મંડળના સદસ્યો એમ કહેવા લાગી ગયા હતા કે કેન્દ્રીય સમાજને ધર્મ સાથે કંઈ લેવા-દેવા નથી. આ સમાજ એક ધર્મ નિરપેક્ષતાવાળો સમાજ છે. અરે એટલે સુધી એમની જો હુકમી થઇ ગઈ હતી કે સમાજની કોઈપણ સભામાં અથવા તો કોઈ પણ જાતના મેળાવામાં સનાતન ધર્મનો જય ઘોષ કે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો જયઘોષ પણ બોલાવી શકતા નહોતા.

10. કેન્દ્રીય સમાજના મોવડીઓની સતપંથના કાર્યક્રમોમાં હાજરી: ઈમામશાહ બાવા અને પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી એવું સુધારક વડીલોને લાગ્યું હતું. એટલા માટેજ તો આપણા સુધારક વડીલોએ આપણી કેન્દ્રીય સમાજની સ્થાપન છેક ૧૯૩૮ માં કરી હતી અને તેના પછી ૧૯૪૫માં તેજ સમાજે વાંઢાયમાં આપણા કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિરની સ્થાપના કરી હતી. પણ તેજ સંસ્થાના તત્કાલીન અને માજી પ્રમુખો અને મોવડીઓ સતપંથ સમાજ દ્વારા ઊભા થતા ઈમામાંશાહ અને નિષ્કલંકી નારાયણના મંદિરોના ઉદ્‍ઘાટન પ્રસંગોમાં જવાની નૈતિક મનાઈ હોવા છતાં ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરવા જતા હોય, તો તેનાંથી સનાતનીઓની લાગણી તો દુભાયને? તેમને પોતાના સમાજ પ્રત્યે ચિંતા તો થાય ને?

11. કેન્દ્રીય સમાજના મોવડીઓનું પક્ષપાતી વલણ અને સનાતન ધર્મ પ્રત્યે દુર્લક્ષતા: સતપંથના ભાઈઓને જરા સરખી પણ સનાતનીઓ તરફથી ખરોજ પાડવામાં આવે ત્યારે સતપંથ સમાજ અને પીરાણું આખું તે ભાઈના પડખે ઊભું હોય છે. બીજી બાજુ કેન્દ્રીય સમાજના પોતાના જ સનાતન ભાઈઓને સતપંથ તરફથી કંઈક કનડગત થાય તો તે કેન્દ્રીય સમાજમાં ફરિયાદ કરે ત્યારે કેન્દ્રીય સમાજનું તત્કાલીન મોવડી મંડળ આંખ આડા કાન કરે, તો તેને કેટલી હદ સુધી ચલાવી લેવાય?

12. સતપંથના ભાઈઓ એમ માનવા લાગી ગયા હતા કે “મારું એ મારું અને તારું મારું સહિયારું”: કેન્દ્રીય સમાજના તત્કાલીન મોવડીઓનું સતપંથ તરફી વલણ એટલું બધું કૂણું થઇ ગયું હતું કે સતપંથના ભાઈઓ એમજ માનવા લાગી ગયા હતા કે કેન્દ્રીય સમાજમાં તેઓ પૂરેપૂરો હક્ક ધરાવે છે. સતપંથના ભાઈઓ એમ કહેવા લાગી ગયા હતા કે “મારું એ મારું અને તારું મારું સહિયારું”. આ ક્યાંનો ન્યાય કહેવાય?

13. કેન્દ્રીય સમાજ દ્વારા સનાતનીઓના ભોગે સતપંથ તરફી થતા કહેવાતા સમાધાનો: સનાતની ભાઈઓ અને સતપંથના ભાઈઓ વચ્ચે થતા ઝઘડાઓના મૂળમાં તો સતપંથ ધર્મ જ હોય છે. પછી બહારથી ભલે તે સામાજિક ઝઘડો લાગતો હોય પણ તેના મૂળમાં તો બાવા ઈમામાશાહ પ્રેરિત પીરાણા સતપંથ ધર્મ જ હોય છે. આવા ઝઘડાઓના ઉકેલનો વિષય જ્યારે કેન્દ્રીય સમાજ પાસે આવે ત્યારે જે સમાધાનો થતા તે મોટા ભાગે સતપંથને ખોટી રીતે છાવરવા સતપંથના ભાઈઓ તરફીજ થતા. ભોગવવાનુંતો સનાતન પક્ષને જ આવતું.

14. જન આક્રોશ: ઉપરોક્ત જણાવેલા કારણોને લઈને કેન્દ્રીય સમાજના સનાતની ભાઈઓમાં કેન્દ્રીય સમાજના મોવડીઓ પ્રત્યે પ્રચંડ આક્રોશ હતો. અમે લોકોએ જ્યારે ભારતભરના ઘટક સમાજોમાં જઈને સનાતન ધર્મ અને સમાજ જાગૃતિની અનેક સભાઓ કરી, ત્યારે એ જન આક્રોશને લોકોના મુખારવિંદ ઉપર દેખાતો હતો. અને આગળ જતાં તે એક જન આંદોલનમાં પરિવર્તિત થઇ ગયો.

તારીખ ૦૨-ઓગસ્ટ-૨૦૦૯ સંસ્કારધામ મધ્યે સનાતની ભાઈઓનું અનાયાસપણે મળવાનું થયું

આજના દિવસે સંસ્કારધામ દેસલપર મુકામે સમદુઃખિયા લોકો ભેગા થયા હતા. સમદુઃખિયા લોકો એટલે કે જે લોકો ઉપર સતપંથના ભાઈઓએ તદ્દન ખોટા કોર્ટ કેસો કર્યા હતા અથવા તો જે લોકોને સતપંથના ભાઈઓએ એક યા બીજા કારણોને લઈને હેરાન પરેશાન કર્યા હતા. એવા લોકો સંસ્કાર ધામમાં ભેગા થયા હતા. સનાતની ભાઈઓમાં એક જબરજસ્ત આક્રોશ હતો. આક્રોશ એ વાતનો હતો કે આપણી માતૃ સંસ્થા (કેન્દ્રીય સમાજ)ની સતપંથ બાબતે બેવડી નીતિ અખત્યાર થઇ રહી હતી. સતપંથના લોકોને થાબડ થોબડ કરવી અને સનાતનીઓના ભોગે સતપંથના લોકો સાથે ધાર્મિક અને સામાજિક પ્રશ્નો બાબતે સમાધાનો કરવા. કેન્દ્રીય સમાજના તત્કાલીન હોદેદ્દારોને એ પણ જ્ઞાન (ભાન) નહોતું કે સનાતની ઓળખ ધરાવતો કેન્દ્રીય સમાજ ધાર્મિક બાબતે સતપંથના ભાઈઓ જોડે કોઈ પણ જાતનું બાંધ-છોડ ન કરી શકે. તેઓ આ વાત પણ ભૂલી ગયા હતા કે પીરાણા સતપંથની ઓળખ એક મુસ્લિમ ધર્મ તરીકે થતી હોવાથી આપણા સુધારક વડીલોએ તે સતપંથનો અને સતપંથ સમાજનો કાયમને માટે ત્યાગ કરીને શુદ્ધ સનાતનીઓ માટે એક સનાતન સમાજ ઊભો કર્યો હતો. અને એ સમાજ એટલે આજનો આપણો કેન્દ્રીય સમાજ છે. એજ સનાતની કેન્દ્રીય સમાજના તત્કાલીન હોદ્દેદારો સતપંથના લોકોને થાબડ થોબડ કરી છાવરવા લાગ્યા હતા.

જેમ આઝાદી પછી કોન્ગ્રેસની સરકારોએ ભારતમાં બહુમત હિંદુ પ્રજાને ભૂલી જઈને લઘુમતી મુસલમાન પ્રજાને થાબડ થોબડ કરી વોટ બેન્ક ઊભી કરી હતી. કાંઇક એવુંજ આપણા કેન્દ્રીય સમાજમાં બની રહ્યું હતું. કેન્દ્રીય સમાજની સ્થાપનાના મૂળભૂત ઉદ્દેશો અને હેતુઓને તેઓ સાવજ ભૂલી ગયા હતા. તેઓને સનાતની ભાઈઓના કલ્યાણની કોઈજ ચિંતા ન હતી. મારી ભાષામાં કહું તો સમાજના કહેવાતા હોદ્દેદારો અને અગ્રણીઓ સનાતની ભાઈઓ તરફે આંખ આડા કાન કરવા લાગી ગયા હતા. તેઓના મતે કેન્દ્રીય સમાજને ધર્મ બાબતે (સનાતન ધર્મ બાબતે) કંઈ જ લેવા દેવા નથી. બીજી બાજુ કેન્દ્રીય સમાજનો બહોળો સનાતની વર્ગ એમ સમજતો હતો કે સતપંથ ધર્મીઓ માટે તેમના માઈ-બાપ સમાન પીરાણા સંસ્થા હતી. અને સનાતનીઓ માટે તેના માઈ-બાપ સમાન સંસ્થા હતી તો તે એક માત્ર આપણો કેન્દ્રીય સમાજ. પણ અફસોસ એ વાતનો હતો કે કેન્દ્રીય સમાજના તત્કાલીન હોદ્દેદારો તે વાતને સાવજ ભૂલી ગયા હતા. તેઓને ફક્ત ચિંતા હતી તો પોતાની ખુરસીઓ બચાવવાની. આ બાબતનો સમાજના સનાતની ભાઈઓમાં ભયંકર આક્રોશ હતો.

સંસ્કારધામમાં તા. ૦૨-ઓગસ્ટ-૨૦૦૯ના ભેગા થવામાં સનાતનીઓનું કોઈ પૂર્વ આયોજન ન હતું: કારણ ફક્ત એજ હતું કે આગામી અંદાજે બે વર્ષમાં સંસ્કાર ધામમાં ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાબતે સનાતની ભાઈઓ અનાયાસે ભેગા થયા હતા. અને ત્યારે સૌ સનાતનીઓના મનમાં એક વાતતો ચોક્કસ હતી કે સતપંથ બાબતે કેન્દ્રીય સમાજ નક્કર પગલાં ન ભરતું હોય તો આપણું શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સનાતનીઓના ધાર્મિક અને સામાજિક હક્કો માટે કેન્દ્રીય સમાજ વિરુદ્ધ લડાઈ લડી શકે એમ છે. સનાતનીઓને એમ લાગી રહ્યું હતું કે કેન્દ્રીય સમાજ જો અમારી ફરિયાદ ન સાંભળતી હોય તો શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન તો આપણનું – સનાતનીઓનું આઉઘું જ છે જ. તે આપણી વાત જરૂર સાંભળશે. પણ સનાતનીઓની તે આશા પણ આજ દિવસ સુધી ઠગારીજ નીવડી છે. આ વાતને લઈને તે દિવસની સાંજે હાજર સૌ સનાતનીઓ સંસ્કારધામમાં વાળુ (રાત્રી ભોજન) કરીને ભેગા થયા અને તેના મુખ્ય સૂત્રધાર હતા પ્રખર સનાતની ભાઈ શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણી અને શ્રી રમેશભાઈ વાગડિયા. ત્યાં નક્કી કરવામાં આવ્યું કે આવતી કાલે કેન્દ્રીય સમાજનું મોવડી મંડળ વાંઢાય આવવાનું છે ત્યારે તેઓને સંસ્કારધામમાં બોલાવીને સનાતનીઓના હક્કો બાબતે અને સતપંથના ભાઈઓ દ્વારા થતા ખોટા કોર્ટ કેસો બાબતે ફરિયાદ કરવી.

કેન્દ્રીય સમાજને લેખિત ફરિયાદ કરવી એવો સુઝાવ: ઉપરોક્ત ચર્ચાઓ ચાલતી હતી ત્યારે સનાતની ભાઈ શ્રી રમેશભાઈ વાગડિયાએ સુઝાવ આપ્યો હતો કે આપણે સતપંથ બાબતે જે કંઈ તકલીફો થઇ છે તેનો વિસ્તારપૂર્વક લખાણ કરીને એક પત્ર બનાવવામાં આવે અને તે પત્ર આપણે કેન્દ્રીય સમાજના મોવડીઓને આવતી કાલે સુપરત કરીએ. પણ માત્ર પત્ર લખવાથી કંઈજ નહિ વળે. જે કંઈ કહેવું હોય તે આપણે મૌખિક કહેશું પડશે, મોઢા-મોઢ કહેશું. એવો સૂર આવ્યો એટલે પત્ર લખવાનું ટાળવામાં આવ્યું.

તા. ૦૩ -ઓગસ્ટ-૨૦૦૯ ના દિવસે કેન્દ્રીય સમાજના મોવડીઓ સાથે મુલાકાત: આ દિવસે કેન્દ્રીય સમાજના મોવડીઓ બપોર પછી ૩.૦૦ વાગે સંસ્કાર ધામની મુલાકાતે આવ્યા ત્યારે સનાતની ભાઈઓ જોડે એક બેઠક યોજાઈ હતી. ત્યારે એક બાજુ કેન્દ્રીય સમાજના પ્રમુખ અને અન્ય મોવડીઓ હતા અને બીજી બાજુ હિંમતભાઈ ખેતાણી, રમેશભાઈ વાગડિયા અને ગુજરાત કંપાથી આવેલા વસંતભાઈ લીંબાણી, પુનમભાઈ ધોળુ જેવા અનેક સનાતની ભાઈઓ ઉપસ્થિત હતા. સતપંથના ભાઈઓની જે કનડગત થતી હતી તેની સનાતની ભાઈઓ તરફથી વિસ્તારપૂર્વક અને જુસ્સાભેર જોરદાર રજૂઆત કરવામાં આવી. તે વખતે કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશી નાકરાણીએ બધું સાંભળી લીધા પછી અંતે એવું જણાવ્યું કે તમારી જે તકલીફ હોય તે વિગતવાર લખીને કેન્દ્રીય સમાજમાં મોકલાવો. જે ભાવતું હતું તે વૈધે બતાવ્યું અને તે પત્ર લખવાની જવાબદારી સોંપવામાં આવી શ્રી રમેશભાઈ માવજીભાઈ વાગડીયાને.

તા. ૦૪-ઓગસ્ટ-૨૦૦૯ના રમેશભાઈ વાગડીયાએ પત્રનું લખાણ કર્યું: આ દિવસે તે ઐતિહાસિક પત્ર લખાણો. પત્ર લખવાનું બીડું ઝડપ્યું સનાતની ભાઈ શ્રી રમેશભાઈ વાગડિયાએ. ત્યાં હાજર સૌ સનાતની ભાઈઓની સતપંથ બાબતે જે કંઈ સમસ્યાઓ હતી તેનો અભ્યાસ કર્યો અને તેનું લખાણ કર્યું. આ પત્ર કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રીને ઉદ્દેશીને લખવામાં આવ્યો. પણ પ્રશ્ન એ હતો કે આ પત્ર કઈ સંસ્થા લખે. તેમાં મોકલનારાનું સરનામું કોનું આપવું? સનાતનીઓ માટે મૂંઝવણ ઊભી થઇ. ગળે ઘંટ બાંધવા કોઈ તૈયાર નહોતું. કારણને એ પત્ર લખનાર ઉપર દુનિયાભરના દબાણો આવવાના હતા. સંસ્કાર ધામને અત્યારે અલિપ્ત રાખવાનું નક્કી થયું. અત્યારે તે પત્ર કોઈ એક સનાતનીના સરનામેથી લખવો અને તેમાં સૌ સનાતનીઓ સહી કરે એમ નક્કી થયું. અને તે પત્ર ઉપર સહીઓ લેવાનું ચાલુ કર્યું. નવાઈની વાત તો જુઓ કે એ પત્ર ઉપર વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાનના તે વખતના પ્રમુખ શ્રી રવિલાલ કેશરા રામજીયાણીએ ભાવશૂન્ય થઇને સહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી. સંસ્કારધામના પ્રમુખ શ્રી જેઠાલાલ ચોપડાએ પણ સહી કરવાની ના પાડી દીધી. જુઓ તો ખરા સતપંથ ધર્મનો સંપૂર્ણ પણે ત્યાગ કરીને સનાતન ધર્મનો અંગીકાર કરી ચૂકેલા વડીલોએ ઊભી કરેલી સંસ્થાઓના આજના હોદ્દેદારો (પ્રમુખો) સનાતનીઓના હક્કો માટે લખવામાં આવેલ ફરિયાદી પત્ર ઉપર સહીઓ કરવામાં ગભરાતા હતા. આવી હતી સનાતનીઓની પરિસ્થિતિ. તેઓ સનાતની ભાઈઓનો શું ઉદ્ધાર કરશે, એવો ભાવ લોકોના મનમાં આવતો હતો. સનાતનીઓને તો હવે પોતાના હાથે જ પોતાના હક્કો માટે લડાઈ લડાવી પડે એમ હતું. ચારે દિશામાં તેમને લડવું પડે એમ હતું. એક બાજુ પીરાણા સતપંથ સામે, બીજી બાજુ કેન્દ્રીય સમાજ સામે, ત્રીજી બાજુ વાંઢાય અને ચોથી બાજુ સંસ્કાર ધામ દેસલપર (વાંઢાય) સંસ્થાની સામે. આપણે સુવિદિત છીએ કે પાછળના દિવસોમાં પણ આ બે વ્યક્તિઓ કે જેઓ તે પત્ર ઉપર સહી કરવા માટે ગભરાતા હતા તેઓનો સતપંથ તરફી કૂણું વલણ તો રહ્યું જ અને તેના માઠા પરિણામો આપણી ત્રણે સંસ્થાઓને ભોગવવા પડયાં, જેની ચર્ચા આપણે અત્યારે નથી કરવી. પણ હકીકત તો હકીકત જ રહેવાની છે. કંઈક નવી કેડી કંડારવી હોય તો હિંમત જોઈએ. હિંમત કરવામાં ભલભલા છુપાતા ફરતા હોય છે. ભલભલાની પેન્ટ ઢીલી થઇ જતી હોય છે. ઘણા ઓછા હિંમતવાન લોકો જ સહી કરવાની હિંમત બતાવતા હોય છે. કોઈ બિલાડીને ગળે ઘંટ બાંધવા તૈયાર થતું નથી.

તા. ૦૪-ઓગસ્ટ-૨૦૦૯ના દિવસે સાંજે ૪.૩૦ વાગે એ ઐતિહાસિક પત્રની કેન્દ્રીય સમાજને સોંપણી: આ દિવસે લગભગ ૩૬ જેટલા હિંમતવાન ભાઈઓની સહીઓથી તે ઐતિહાસિક પત્ર કેન્દ્રીય સમાજને સોંપવામાં આવ્યો. કેન્દ્રીય સમાજને વર્ષ ૨૦૧૦માં સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવવાનો હતો, તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. અને બીજી બાજુ સનાતનીઓનો આક્રોશ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. અને તેમ કરવા માટે કુદરત પણ અમુક ઘટનાઓને આકાર આપી રહી હતી. આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પણ ચિંતા હતી કે એક બાજુ કેન્દ્રીય સમાજનો સુવર્ણ જયંતી મહોત્સવ છે અને તેના બીજાજ વર્ષે સંસ્કાર ધામમાં તેનો (ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો) પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ છે. એટલા માટે થઈને ભગવાન પણ એમ ઈચ્છતા હશે કે અમુક ઘટનાઓને તો અંજામ આપવો પડશે કે જેથી સનાતનીઓમાં જાગૃતિ આવે જેથી આવનારા પ્રસંગોમાં માનવ મહેરામણ ભેગું થાય.

તા. ૦૫-ઓગસ્ટ-૨૦૦૯ ના દિવસે રાત્રે કેન્દ્રીય સમાજના મોવડીઓ સાથે સનાતની ભાઈઓની મિટિંગ: પત્ર આપવાના બીજા દિવસે સનાતની ભાઈઓની કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી-હોદ્દેદારો સાથે બંધ બારણે મિટિંગ ગોઠવાઈ. સનાતની ભાઈઓ તરફથી મુખ્ય વ્યક્તિઓ હતી:

1.    શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણી             – મુંબઈ

2.    શ્રી રમેશભાઈ માવજી વાગડિયા             – બેંગલોર

3.    શ્રી પુનમભાઈ ખીમજી ધોળુ                  – મોડાસા

4.    શ્રી પ્રેમજીભાઈ ભાણજી કેસરાણી           – મુંબઈ

5.    શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી            – મુંબઈ

6.    શ્રી માવજીભાઈ કેશરા રામાણી              – નખત્રાણા

ખુલ્લે આમ વિસ્તૃત ચર્ચા થઈ. સનાતની ભાઈઓ તરફથી સમાજને પૂછવામાં આવ્યું કે સનાતની ઓળખ ધરાવતો આપણો કેન્દ્રીય સમાજમાં પીરાણા સતપંથ સમાજના ભાઈઓને શા માટે છાવરવામાં આવે છે? સતપંથ સનાતન બાબતે ચર્ચાઓ થઇ, પણ અંતે કોઈ નિષ્કર્ષ પર સમાજના મોવડીઓ આવ્યા નહિ. આવે પણ કેમ? છેલ્લા ૨૦-૨૫ વરસથી આમનેઆમ લોલમલોલ કુટાતું હતું. ન તો સમાજના હોદ્દેદારોને સમાજના ઈતિહાસનું જ્ઞાન હતું અને ન તો જ્ઞાતિના ઈતિહાસનું જ્ઞાન. તેમને કોઈ પૂછવાવાળુ નહોતું.

કેન્દ્રીય સમાજના હોદ્દેદારોની નિષ્ક્રિયતા અને ખોટી માન્યતાઓ: સમાજના તે વખતના હોદ્દેદારો અને અન્ય આગેવાનો સનાતન ધર્મ પ્રત્યે સાવ જ નિષ્ક્રિય અને બે જવાબદાર થઇ ગયા હતા. સમાજના સુધારક વડીલોએ પીરાણા સતપંથ ધર્મનો સદન્તરે ત્યાગ કરી આપણો મૂળ સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કર્યો હતો. કરછ ગામડાંના “ખાના” (“જમાતખાના”નું અપભ્રંશ)ની મિલકતોની આશા રાખ્યા વગર પોતાના માટે સનાતન સમાજો ઊભા કરીને સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રીય સમાજની સ્થાપના કરી હતી. સમાજના તત્કાલીન આગેવાનો પણ ભૂલી ગયા હતા કે કેન્દ્રીય સમાજને વર્ષ ૧૯૬૦માં રજિસ્ટર કર્યા પહેલાં એ સમાજની સ્થાપના છેક ૧૯૩૭-૩૮માં કરવામાં આવી હતી. ત્યારે આપણી સમાજનું નામ હતું “કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ” હતું અને તેના પ્રથમ પ્રમુખ હતા વિરાણી મોટી ગામના નરવીર વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણી. આ સમાજનું વિધિવત્ બંધારણ હતું અને ગામેગામની સમાજો સાથે સંકળાયલું હતું. તેઓએ પ્રમુખ તરીકે સેવા સન ૧૯૬૦ સુધી આપી હતી. કેન્દ્રીય સમાજની સ્થાપના ફક્ત અને ફક્ત સનાતનીઓના હિતની રક્ષા કરવા માટે થઇ હતી. આ સત્ય હકીકતોથી તત્કાલીન આગેવાનો સાવ આજાણ હતા. તે વખતે તેમના ગળે આ વાત ઉતારવી અત્યંત કઠિન અને લોઢાના ચણા ચાવવા જેવું હતું. છતાં પણ ત્યાં ઉપસ્થિત સનાતની ભાઈઓએ ખાસ કરીને રમેશભાઈ માવજી વાગડિયાએ અને હિંમતભાઈ રતનશી ખેતાણીએ નિર્ધાર કર્યો કે સમાજમાં ધાર્મિક બાબતે કંઈ ને કંઈ નીવડો લાવીને જ જંપીશું. કાર્ય અતિ મુશ્કેલી ભર્યું હતું. પણ દૃઢ સંકલ્પથી અશક્ય કાર્ય પણ શક્ય બની જતું હોય છે. મેં અને હિંમત ભાઈ ખેતાણીએ વિચાર્યું કે જો આપણે મક્કમતાથી લડશું તો સુધારક વડીલોએ જે ઉદ્દેશો અને હેતુઓથી કેન્દ્રીય સમાજની સ્થાપના કરી હતી તેને પુન:સ્થાપિત કરી શકીશું.

 

તા. ૦૬-ઓગસ્ટ-૨૦૦૯ની કારોબારી સભામાં આ ઐતિહાસિક પત્રનું વાંચન: આ ઐતિહાસિક પત્રનું વાંચન તા.૬.૮.૨૦૦૯ની સમાજની કારોબારી સભામાં કરવામાં આવ્યું. આ બાબતને સમાજના હોદ્દેદારોએ ટાળવાની અને વિષયને નેવે ચડાવવાની પૂરેપૂરી કોશિશ કરી. આ બાબતે તેમની બદ-દાનત દેખાતી હતી. સભામાં આ પત્રનું વાંચન થયું પણ તે વિષય ઉપર અમોને ચર્ચા કરવા દેવામાં આવી નહિ. કદાચ હું તે વખતે કારોબારી સદસ્ય નહતો એટલે મને બોલવા ન આપે એ બનવા જોગ છે. પણ હિંમતભાઈ ખેતાણી તો કારોબારી સભ્ય હતાજ. ત્યારે કારોબારીમાં ઉપસ્થિત માત્ર બે ભાઈઓને એ પત્ર ઉપર વિચારો રજૂ કરવા પરવાનગી દેવામાં આવી. તેમાંના એક હતા સાયરાવાળા સનાતની ભાઈ શ્રી ચંદુભાઈ. તેમણે તેમના ગામમાં સતપંથના ભાઈઓ દ્વારા ચાલી રહેલી આડોડાઈની વાતો કરીને સભાને વાકેફ કર્યા કે સતપંથના ભાઈઓ કેવી રીતે સનાતનીઓને હેરાન કરી રહ્યા છે. તેમાં કેન્દ્રીય સમાજ આપણને કંઈ જ મદદ કરતી નથી. કારણ કે આગેવાનો એમ માને છે કે તે એમનું કામ નથી.

 

નોંધ: અવાજ કારણોને લઇને મારા ઉપર (એટલે રમેશ માવજી વાગડિયા), મારા દાદા ઉપર અને મારા પિતા ઉપર સતપંથના ભાઈ મણીલાલ કાનજી છાભૈયાએ (પીરાણાના કરસન કાકાના ભત્રીજાએ) કરેલો તદ્દન ખોટો મારપીટનો ક્રિમીનલ કોર્ટ કેસનો પત્ર જ્યારે મેં કેન્દ્રીય સમાજને લખ્યો હતો ત્યારે કેન્દ્રીય સમાજે મને પ્રત્યુતર આપતાં લખ્યું હતું કે “……આ સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળતી હોય તો તેમાં કોઈને કંઈ વાંધો હોવો જોઈએ નહી”. આનો સીધો અર્થ એ થાય છે કે આ સમાજ સતપંથ ધર્મને પણ માન્યતા આપે છે. અને તેનો કોઈ પણ સભ્યને પીર ઈમામાંશાહ પ્રેરિત પીરાણા સતપંથ ધર્મ પાળવાની છૂટ છે. તે જવાબ આપતી વખતે પ્રમુખ તરીકે શ્રી વાલજીભાઈ વાડિયા હતા અને મહામંત્રી તરીકે હતા વાલજીભાઈ કેસરા મોરબીવાળા હતા. આનો સીધો અર્થ એ પણ થાય છે કે આ બન્ને હોદ્દેદારોને કેન્દ્રીય સમાજના અને જ્ઞાતિના ઈતિહાસનું જ્ઞાન નહોતું. જો હોત તો આવો પત્ર ન લખત.

તા. ૦૭-ઓગસ્ટ-૨૦૦૯ની ઐતિહાસિક સામાન્ય સભા: આ સભામાં બીજા નંબરનો અજેંડા હતો ‘આવેલ પત્રોનું વાંચન” પણ હોદ્દેદારોની મથરાવટી મેલી હતી. તેઓ જાણી જોઇને આ વિષયને સભાના બપોર પછીના બીજા સત્રમાં લઈ ગયા. હું અને હિંમતભાઈ ખેતાણી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે કયારે અમારા આપેલ પત્રનું વાંચન થાય અને તેના ઉપર ચર્ચા કરવામાં આવે. પણ હોદેદ્દારોની મથરાવટી મેલી હતી. તેમને એમ હશે કે બપોરપછી એ પત્રનું વાંચન કરીએ જેથી સામાન્ય રીતે જમ્યા બાદ લોકો સભામાં ઓછા થઇ જાય અને સભામાં હોબાળો ઓછો થાય (એટલે અશાંતિ ન ફેલાય). તે પત્ર ઉપર સનાતનીઓને ચર્ચા કરવાનો મોકો ઓછો મળે અને તે વિષય ભીનો સંકેલાઈ જાય (વિષયને ન્યાય આપ્યા વગર બંધ કરી દેવો). બપોર પછીનું સત્ર ચાલુ થયું. મારા પત્રનું વાંચન મંત્રી શ્રી વાલજીભાઈ ચૌહાણ દહાણુવાળા તરફથી કરવામાં આવ્યું. સનાતનીઓ જે મોકાની રાહ જોઇને બેઠા હતા તે સમય આવી ગયો. સૌ પ્રથમ અમોએ વસંતભાઈ રાજા લીંબાણીને દલીલ માટે મોકલ્યા. તેમના મંતવ્યો પછી કોણ જાણે કેમ બીજો કોઈ વિષયને લઈને બેંગલોરવાળાં શીલાબેન બાબુલાલ ભગત ઊઠ્યાં. પણ લોકોએ એમને બેસાડી દીધા કે પત્રવાળા વિષય ઉપરજ ચર્ચા કરો અન્યથા બેસી જાઓ.

સનાતની ભાઈ શ્રી રમેશભાઈ માવજી વાગડિયાનું ભાષણ: ત્યાર પછી શ્રી હિંમતભાઈ ખેતાણીએ મને ભાષણ આપવા માટે રીતસરનો ધકેલ્યો કે જા હવે તું તારા મંતવ્યો આપી આવ. હું ડઘાઈ ગયેલ હાલતમાં ઊભો થયો અને પહોંચ્યો માઈક પાસે. ઉતાવળમાં અને ઉતાવળમાં મને મારા મંતવ્યોને ફોનમાં રેકોર્ડીંગ કરવા હતા તે ના થયાં.

સ્મરણો: આ સમયે મને મારા દાદા શ્રી રતનશી નારાયણ વાગડિયાએ કરેલી વાત યાદ આવી ગઈ. તેઓ જ્યારે ૨૩ વરસના યુવાન હતા ત્યારે ગામ વિરાણી મોટીના લક્ષ્મીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે હાજરી આપી હતી. અત્યારની જેમ હિંમતભાઈએ મને ભાષણ આપવા માટે ધકેલ્યો, બિલકુલ તેવીજ રીતે ત્યારે તે સભામાં હિમ્મતભાઈના બાપુજી રતનશી ખીમજી ખેતાણીએ પણ મારા દાદાને સભામાં ભાષણ આપવા માટે ખૂટતી હિંમત આપીને મંચ ઉપર ધકેલ્યા હતા. સમાજના આગેવાનો ઈતિહાસ ભૂલી ગયા હતા એટલે ક્યાંક ઈતિહાસનું ફરીથી પુનરાવર્તન થતું હતું, એવો ભાવ મારા મનમાં જાગ્યો.

સભામાં એકદમ શાંતિ પ્રસરાયેલી હતી. લોકોને સતપંથ સનાતન વિષય ઉપર ચર્ચા સાંભળવાની કુતૂહલ પૂર્વકની આતુરતા હતી. મેં (રમેશભાઈ વાગડિયાએ) પોતાના મંતવ્ય આપતાં જણાવ્યું હતું કે આ સમાજની સ્થાપના એવા વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેઓએ પીરાણા સતપંથ ધર્મનો સદન્તરે ત્યાગ કરીને મૂળ સનાતન હિંદુ ધર્મને પુન: અપનાવ્યો હતો. તેથી કરીને આ સમાજની (કેન્દ્રીય સમાજની) મૂળ ઓળખ સનાતની સમાજ તરીકેની છે અને તેનો ધર્મ એક માત્ર સનાતન હિંદુ ધર્મ છે, જેમાં સતપંથ ધર્મ સામેલ નથી. અત્યારે આ સમાજના આગેવાનો સનાતન ધર્મ બાબતે ઈતિહાસ ભૂલી ગયા છે. આ સમાજ જો ઈચ્છા કરત તો આ જ સ્થળ ઉપર કુળદેવી મા ઉમિયા અને ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બનાવી શક્યો હોત. શ્રદ્ધાનું કેન્દ્ર અહીંજ ઊભું કરી શક્યું હોત. જો એમ થયું હોત તો આર્થિક ક્ષેત્રે પણ આ સમાજ સદ્ધર થયો હોત. પૈસા માટે બીજાની પાસે હાથ લંબાવવો પડ્યો ન હોત. જ્ઞાતિ રીતિરિવાજોની ૧૮મી કલમ ઉપર પણ પ્રકાશ પાડ્યો. મારા મંતવ્યમાં ખલેલ પહોંચાડવા હેતુથી હું જે કંઈ બોલી રહ્યો હતો તેનું મારા પાછળ પાછળ હલકાઈ ભર્યું “રીપીટેસન” (પુનરાવર્તન) સતપંથી ભાઈ રતનશી લાલજી વેલાણી કરી રહ્યો હતો. જે બિલકુલ માઈકની સામેજ બેઠેલો હતો.

લક્ષ્મીબેન દીવાણી ભીવંડીવાળાંનું ભાષણ: ત્યાર પછી બીજા એક બહેન ઊઠ્યાં જેથી અમ સનાતનીઓને પાછી દહેશત થઇ કે આ બહેન પણ આ પહેલાં વચ્ચે ઊભા થયેલ શીલાબેનની જેમ વિષયથી પર જઈને અન્ય વિષય ઉપર ચર્ચા કરશે, તો વિષય ફંટાઈ જશે અને પકડ ઢીલી પડી જશે. પણ આ બહેને માઈક પાસે આવીને જુસ્સામાં જણાવ્યું કે હું આ વિષય ઉપરજ ચર્ચા કરવા માંગુ છું. આ બહેન પોતાના મંતવ્ય આપતા જણાવ્યું કે “જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે મુસલમાનોને છાવરીને જે ભૂલ ગાંધીજીએ કરી હતી તેવીજ ભૂલ અત્યારે આપણી સમાજમાં અત્યારના આપણા આગેવાનો સતપંથના ભાઈઓને છાવરીને કરી રહ્યા છે.” તેમાં સુધારો નહિ આવે તો તેના માઠા પરિણામો આપણને આવતા પાંચ – દસ વરસમાં ભોગવવાં પડશે. ખરેખર આ બહેનની હિંમતને દાદ દેવી પડે. આ બહેને પોતાના મંતવ્યમાં આગળએ પણ કહ્યું કે હું જ્યારે પરણીને ટોડીયા ગામમાં આવી ત્યારે મારા દાદાજી પાસે ખોંભડીથી એક પાગડીવાળા રતનશીબાપા આવતા. તેઓ પણ સતપંથ બાબતે મારા દાદાજી સાથે વાતો કરતા. ત્યારે આ પેલા રમેશભાઈએ જે આવેશમાં આવી જઈને લાલધૂમ ચહેરે ભાષણ કર્યું તેવીજ રીતે એ બાપા મારા દાદાજી સસરા સાથે વાતો કરતા. તે બાપા રમેશભાઈને શું થતા તે મને ખબર નથી પણ તે બન્નેના હાવભાવમાં મોટી સામ્યતા હું જોઈ રહી છું. (ભાષણ પછી મારા પિતાશ્રી માવજીભાઈ રતનશી વાગડિયાએ આ બહેન ને રૂ.૧૦૦ની મોકલામણી આપી હતી).

તે સામાન્ય સભામાં સનાતની ભાઈ શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણીનું ઐતિહાસિક ભાષણ: હિંમતભાઈ પોતાના મંતવ્ય આપતા જે રજૂઆત કરી એવી સ્પષ્ટ રજૂઆત સમાજના છેલ્લા ૫૦ વરસના ઈતિહાસમાં સતપંથ સનાતનના મુદ્દે કોઈએ ભાગ્યેજ કરી હશે. મેં તેમના ભાષણનું રીકોર્ડીંગ મારા ફોનમાં કર્યું હતું. હિંમતભાઈએ પોતાના મંતવ્યમાં જુસ્સાભેર જણાવ્યું હતું કે અત્યારના પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણીએ હોદ્દાની રુએ કોટડા જડોદર રસ્તા ઉપર આવેલું સતપંથના ભાઈઓનું મીની પીરાણામાં બાવા ઈમામશાહના કહેવાતા મંદિર તેમજ નિષ્કલંકી નારાયણના કહેવાતા મંદિરના ઉદ્‍ઘાટનમાં જઈને સમાજના રીતિરિવાજોની ૧૮મી કલમનો ભંગ કર્યો છે. રામજીભાઈ મારા ગામના છે. સવાયા (વિશેષ) સનાતની છે પણ ઉપર બેઠેલા ભવાઈયાઓએ ભવાઈ કરી તેમનું માથું ભ્રમિત કરી નાખ્યું. સતપંથ બાબતે અત્યારે જે ચાલી રહ્યું છે તે કેન્દ્રીય સમાજ અને તેના આગેવાનો માટે શોભાસ્પદ નથી. પણ કોઈ જ પૂછવાવાળુ નથી. સમાજના રીતિરિવાજોની કલમ ૧૮ અને ૧૯નો ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો છે, કોઈ પૂછવાવાળું નથી. આપણા પૂર્વજોએ આપણને સુધારીને ઘણી મોટી ભૂલ કરી છે. આપણને ન સુધાર્યા હોત તો આજે આપણે મુમના મુસલમાન બની ગયા હોત. ગાંડ વાંકી કરીને બાંગ પોકારતા થઇ ગયા હોત. સરકારી લાભો લેતા થઇ ગયા હોત. આપણા ડોહાઓએ (વડીલોએ) આપણને હેરાન કરી નાખ્યા (કટાક્ષમાં). કારણ કે આપણે એમના રાહે ચાલવું નથી. આ ભાષણની ઓડીઓ કલીપ ભારતભરના લોકોમાં પ્રખ્યાત અને પ્રચલિત (વાયરલ) થઇ ગઈ. જેની સમાજના સનાતનીઓમાં ખૂબ અસરકારક રીતે વ્યાપક અસર થઇ.

સનાતની ભાઈ શ્રી પ્રેમજીભાઈ કેશરાણીનું ભાષણ: પ્રેમજીભાઈ કેશરાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે વૈદિક સનાતન હિંદુ ધર્મ શું છે તે ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાલથી આવેલો ધર્મ છે. અને તેની અત્યારે આપણા સમાજને કેટલી જરૂર છે તે જણાવ્યું.

ઉપસંહાર: સભાના અંતે ખાસ કંઈ થયું નહીં. સમાજના આગેવાનોએ ઉપરોક્ત દલીલો ઉપર પોતાના તરફથી કોઈજ વિચારો જણાવ્યા નહીં. વિષયને પૂરો કરતા પ્રમુખ શ્રી રામજી કરમશીએ સનાતનીઓને આશ્વાસન આપ્યું કે સનાતની ભાઈઓના પ્રશ્નો અંગે સમાજ એક સમાધાન સમિતિનું ગઠબંધન કરશે અને તે સમિતિ તેનો ઉકેલ જલદીથી લઈ આવશે.

સભા પૂરી થયા પછી ઘણી બધી વ્યક્તિઓએ મને અને હિંમતભાઈને અભિનંદન આપવા રૂબરૂ આવ્યા. તેમાંની નોંધનીય વ્યક્તિઓ હતી યુવાસંઘના તત્કાલીન પ્રમુખ શ્રી જયંતીભાઈ રામાણી, ગામ લક્ષ્મીપર નેત્રાવાળા હાલે અમદાવાદ. તેવીજ રીતે ઇસ્લામપુર રહેતા ભાઈ શ્રી પુરષોત્તમભાઈ અને ભુજવાળાં પ્રભાબેન.

સમાધાન સમિતિ શા માટે? સનાતની ભાઈઓએ ઉઠાવેલ સવાલ

ઉપર જણાવેલ તા. ૦૭-ઓગસ્ટ-૨૦૦૯ની સામાન્ય સભામાં જે મુદ્દાઓ સનાતની ભાઈઓ તરફથી ઉપાડવામાં આવેલ હતા તે સમાજની સ્થાપનાના મૂળ ઉદ્દેશ્યોને સામે લાવી સમાજને એ રસ્તા પર ચાલતી કરવાના હતા. અહીં પ્રશ્ન સમાધાનનો ન હતો. અહીં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ ઉપર સવાલો હતા. જેનો ઉલ્લેખ તા.૦૪-ઓગસ્ટ-૨૦૦૯ની કેન્દ્રીય સમાજને લખેલ પત્રમાં સ્પષ્ટ રીતે આલેખાયેલ હતા. તે ત્રણ મુદ્દાઓ નીચે મુજબના હતા.

 

૧. સમાજના જ્ઞાતિ રીતિરિવાજોની કલમ ૧૯નો ખુલ્લે આમાં થતો ભંગ.

૨. આ સમાજની ઓળખ એક સનાતની સમાજની હોવા છતાં તેના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ સતપંથના કાર્યક્રમોમાં શામાટે જઈને તેમને પ્રોત્સાહિત કરે છે?

૩. સમાજના રીતિરિવાજોની કલમ ૧૮નો ખુલ્લે આમ થતો ભંગ.

 

ઉપર જણાવેલ મુદ્દાઓમાં સમાધાન શેનું હોય? આમાં સમાધાન કરવાનું ન હોય પણ ન્યાય કરવાનો હોય. એ માટે અમ સનાતનીઓને સમાધાન નથી જોઈતું પણ ન્યાય જોઈએ છે. અમે લોકોએ સમાધાન માટે ફરિયાદ નથી કરી, સાચા ન્યાય મેળવવા માટે પત્ર લખ્યો છે. હદ તો ત્યારે થઇ કહેવાય કે સમાધાન સમિતિના ચેયરમેન એવા વ્યક્તિને બનાવાય છે કે જેના ઉપર સનાતનીઓએ ગુનો દર્જ કર્યો છે. સ્પષ્ટતાથી વાત કરું તો તે પત્ર મારફતે સનાતનીઓએ સમાજના પ્રમુખ શ્રી રામજી કરમશી નાકરાણી તેમજ સમાજના તાત્કાલિક પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઈ વાડિયા તેમજ ટ્રસ્ટી શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયા અને અન્ય સહયોગીઓ ઉપર આરોપ લગાવેલ છે કે સતપંથ સમાજ દ્વારા બાવા ઈમામશાહના નામે ઊભા થતા કહેવાતા મંદિરોના ઉદ્‍ઘાટનના કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા જવું એ પીરાણા સતપંથ ધર્મને પ્રોત્સાહન આપવા બરાબર છે અને તે કલમ ૧૮ની રૂએ ગુનેગારને પાત્ર ઠરે છે. આવા ગુનેગારો પૈકી સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રીમાન શ્રી શીવદાસભાઈ ગોવિંદ છાભૈયા એક હતા. અગર ગુનેગારજ સમાધાન સમિતિના પ્રમુખ ન્યાયાધીશ બનાવતા હોય, તો તે કેવો ન્યાય આપે? સમાજે બનાવેલી ન્યાય સમિતિ તો અસ્તિત્વમાં હતીજ, તો પછી આ સમાધાન સમિતિની શું જરૂરત પડે તે અમોને સમજાતું નહોતું.

 

ભારતભરમાં જાગૃતિ અભિયાન

તા. ૦૮-ઓગસ્ટ-૨૦૦૯ના સંસ્કારધામ દેસલપર ખાતે મળેલ સનાતની ભાઈઓની એક મિટિંગ: કેન્દ્રીય સમાજની સામાન્ય સભાના બીજા દિવસે સનાતની ભાઈઓની નાના પાયે એક અનૌપચારિક સભા મળેલ હતી. તે સભાનો એક માત્ર અજેંડા હતો કે સતપંથ સનાતન મુદ્દે આગળની રણનીતિ કેવી તૈયાર કરવી કે જેથી લોકોમાં જાગૃતિની સાથે સાથે કેન્દ્રીય સમાજને પણ તેની સનાતનીઓ પ્રત્યેની જવાબદારીઓથી વાકેફ કરી શકાય. આ સભામાં નીચેની વ્યક્તિઓએ હાજરી આપી હતી.

૧. શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણી          – વિરાણી મોટી

૨. શ્રી રમેશભાઈ માવજી વાગડિયા          – ખોંભડી

૩. શ્રી અરવિંદભાઈ કરસન લીંબાણી        – કોટડા જડોદર

૪. શ્રી માવજીભાઈ કેશરા રામાણી           – નખત્રાણા

૫. શ્રી જેઠાલાલ લાલજી ચોપડા             – રાજપર

૬. શ્રી કરસનભાઈ પ્રેમજી મેઘાણી           – અંગિયા મોટા

૭. શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુ            – દુર્ગાપુર નવાવાસ.

 

આ મિટિંગમાં હવે પછી શું વ્યૂહ ઘડવો? સનાતની ભાઈઓએ શું વ્યૂહરચના (strategy) અપનાવવી? તે બાબતે ઊંડાણથી ચર્ચાઓ કરવામાં આવી. મુરબ્બી ભાઈ શ્રી રમેશભાઈ માવજી વાગડિયાએ જણાવ્યું કે જે આપણે કેન્દ્રીય સમાજને તા. ૦૪-ઓગસ્ટ-૨૦૦૯ ના પત્ર લખેલ છે, તે પત્રને કોઈ સારી પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવી ભારતભરની તમામ કચ્છ કડવા પાટીદાર સમાજોમાં મોકલાવવી જોઈએ. રમેશભાઈએ એ પણ સુઝાવ આપ્યો કે ભારતભરની સમાજોમાં જઈને સનાતન ધર્મ અને સનાતન સમાજ બાબતનું જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. મુરબ્બી શ્રી હંસરાજ દેવજી ધોળુએ જણાવ્યું કે સમાજમાં જાગૃતિ આણવી હશે તો મીડિયાનો પણ સાથ જોઇશે. તે માટે આપણને પ્રયત્નો કરવા જોઈએ. અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે તા. ૦૪-ઓગસ્ટ-૨૦૦૯ વાળા પત્રની નકલો છપાવી ભારતભરના તમામ સમાજોમાં મોકલાવવામાં આવે. પણ પ્રશ્ન અહીં એ હતો કે કોના સરનામેથી તે પત્ર મોકલાવવો? આખરે રમેશભાઈએ તે બીડું ઝડપ્યું. તે પત્રને છપાવીને આઠ જણાનાં નામ અને ટેલીફોન નંબર પણ છપાવ્યા. તે આઠ સનાતની વ્યક્તિઓના નામ નીચે પ્રમાણેનાં છે.

૧. શ્રી હિંમત ભાઈ રતનશી ખેતાણી         – વિરાણી મોટી   – ૯૮૨૧૧ ૧૯૧૧૬

૨. શ્રી રમેશભાઈ માવજી વાગડિયા          – ખોંભડી         – ૯૮૪૫૩ ૭૫૫૭૭

૩. શ્રી પુનમભાઈ ખીમજી ધોળુ              – મોડાસા         – ૯૪૨૭૬ ૯૩૫૫૦

૪. શ્રી ડાયાભાઇ જીવરાજ ગોરાણી         – મોડાસા         – ૯૪૨૬૩ ૮૦૭૩૬

૫. શ્રી વસંતભાઈ રાજા ધોળુ                – મોડાસા         – ૯૪૨૬૩ ૬૧૪૩૧

૬. ડો. પ્રેમજીભાઈ રામજી ગોગારી           – ગાંધીધામ       – ૯૮૨૫૫ ૪૬૨૩૬

૭. શ્રી અમૃત રતનશી રામાણી               – ધનસુરા         – ૯૯૭૯૧ ૨૩૪૪૪

૮. શ્રી કરસનભાઈ પ્રેમજી મેઘાણી           – અંગિયા નાના – ૯૪૨૮૭ ૪૯૬૦૭

 

સનાતન ધર્મ જાગૃતિ સમિતિનું ગઠન – ધનસુરા સભા

સનાતની ભાઈઓની ધનસુરા મુકામે સભા તા. ૦૪-ઓક્ટોબર-૨૦૦૯: તા.૦૭-ઓગસ્ટ-૨૦૦૯ની સમાજની સામાન્ય સભા પછી અમોને (હિંમતભાઈને અને રમેશભાઈ વાગડીયાને) લાગ્યું હતું કે એક સનાતન ધર્મ જાગૃતિ સમિતિનું ગઠન થાય અને તે મારફત સનાતન ધર્મ જાગૃતિ અભિયાન ભારતભરના સમાજોમાં ચલાવવામાં આવે, તો ખૂબ સારું પાયાનું કામ થાય. સામે સમાજનો સ્વર્ણિમ મહોત્સવ આવતો હોવાથી ભારતભરના સમાજોના ભાઈઓને સમાજનો સાચો ઈતિહાસ બતાવવો અત્યંત જરૂરી છે એવી પ્રતીતિ સતત થયા કરતી હતી. કહેવાય છે કે નિઃસ્વાર્થ ભાવનાથી કરેલા તીવ્ર વિચારોમાં ગજબની શક્તિ હોય છે. તે પ્રમાણે ધનસુરા સનાતન સમાજના પ્રમુખશ્રી શિવદાસભાઈ રતનાભાઈ માવાણી, અમૃતભાઈ રતનશીભાઈ રામાણી, વસંતભાઈ રાજાભાઈ લીંબાણી, ઝોનના પ્રમુખ પુનમભાઈ ખીમજી ધોળુ અને મંત્રી શ્રી અશોકભાઈ જયંતીભાઈ ભાવાણીના પ્રયાસોના પરિણામે અમોને આમંત્રણ મળ્યું કે તા. ૦૪-ઓક્ટોબર-૨૦૦૯ના સનાતની ભાઈઓની એક સભા રાખવામાં આવી છે અને તેમાં હિંમતભાઈનું અને રમેશભાઈ વાગડિયાનું ભાષણ નિયોજિત કરવામાં આવ્યું છે. તે અન્વયે ત્યાં સનાતનીઓની સભા યોજવામાં આવી હિંમતભાઈ ખેતાણી, પ્રેમજીભાઈ કેશરાણી, રમેશભાઈ વાગડિયા, પ્રિન્સીપાલ રતિભાઈ છાભૈયા, રમણભાઈ શામજી, ડૉ. પ્રેમજીભાઈ ઘોઘારી, મણીભાઈ ગોવિંદ ઘોઘારી, અબજીભાઈ વિશ્રામ કાનાણી, રામજીભાઈ ડાયાણી અને કરસન પ્રેમજી મેઘાણી (બન્ને સંસ્કાર ધામના ઉપપ્રમુખ), ધનસુખ માવજી રંગાણી  અને અન્ય દિગ્ગજોના ભાષણો થયા. અંતમાં એ સભામાં ઐતિહાસિક ઠરાવો પસાર કરવામાં આવ્યા. આ ઠરાવો કેન્દ્રીય સમાજ ઉપર દબાણ લઈ આવવા માટે પસાર કરવામાં આવ્યા હતા. ધનસુરા સનાતન સમાજના કાર્યકર્તાઓ ધન્યવાદને પાત્ર છે, તેમાં બેમત નથી. આ હતી સનાતન ધર્મ જાગૃતિ અભિયાનની પહેલી સભા.

આ સભામાં કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશી નાકરાણીને અને સમાજના અન્ય હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ તેઓ ત્યાં હાજર રહ્યા ન હતા.

આ સભામાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન ધર્મ જાગૃતિ સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં શરૂઆતમાં નીચે મુજબના ભાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

૧. શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણી          – વિરાણી મોટી -મુંબઈ

૨. શ્રી રમેશભાઈ માવજી વાગડિયા          – ખોંભડી -બેંગલોર

૩. શ્રી પ્રેમજીભાઈ ભાણજી કેસરાણી       – અંગિયા નાના -મુંબઈ ખારગર

૪. શ્રી પુનમભાઈ ખીમજી ધોળુ              – મોડાસા

૫. શ્રી વસંતભાઈ લીંબાણી મોડાસા         – નખત્રાણા

૬. શ્રી ડાયાભાઇ જીવરાજ ગોરાણી         – વિગોડી -મોડાસા

આ સમિતિનું મુખ્ય કામ ભારતભરના સમાજોમાં સનાતન ધર્મ જાગૃતિ અભિયાન સભાઓ યોજી જ્ઞાતિનો સાચો ઈતિહાસ અને કેન્દ્રીય સમાજનો સાચો ઈતિહાસ બતાવવો. સાથે સાથે અત્યારે કેન્દ્રીય સમાજમાં સનાતન ધર્મ બાબતે ચાલી રહેલ દુર્લક્ષતા બાબતે લોકોને જાણકારી આપવી. કેન્દ્રીય સમાજના આગેવાનો દ્વારા સનાતનીઓ પ્રત્યે નરોવા-કુંજરોવા જેવી બેધારી અસ્પષ્ટ નીતિઓ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવી, એવું ઠરાવવામાં આવ્યું હતું.

સનાતની સમાજમાં સનાતન ધર્મ બાબતે ચળવળ એ એક અજાયબી

સનાતની ઓળખ ધરાવતી સમાજમાં સનાતની ચળવળ ચલાવવી પડે એ એક અજાયબી જ ગણી શકાય. એ માનવામાં ન આવે એવી વાત છે, પણ એ હકીકત છે. જેવી રીતે ભારતની મૂળ ઓળખતો હિન્દુરાષ્ટ્ર તરીકેનીજ છે પણ તે રાષ્ટ્રમાં હિંદુઓ જે રીતે સોફ્ટ ટાર્ગેટ છે, બરાબર તેજ પ્રમાણે આપણો કેન્દ્રીય સમાજ પણ સનાતનીભાઈઓએ બનાવેલ, સનાતનીઓના હિતોની રક્ષા માટે બનાવેલ, સનાતનીભાઈઓ માટે બનાવેલ. ધર્મના મુદ્દા ઉપર સતપંથીઓ અને તેમના એજન્ટો દ્વારા ફેલાવેલ ભ્રમણાઓના શિકાર બનીને સનાતન સમાજમાં તત્કાલીન હોદ્દેદારો એવા અક્કડ થઈ ગયા હતા કે સનાતન ધર્મ પ્રત્યે આ લોકોને રીતસરની સૂગ થઈ ગઈ હતી. સતપંથના ભાઈઓને સમાજમાં વિના રોક ટોક પ્રવેશ દેવાનો, તેમની થાબડ થોબડ કરવાની અને પોતાનો અજેંડા ચાલુ રાખવો, એ એમનો નિયમ થઈ ગયો હતો.

સનાતન ધર્મ બાબતની કોઈ પણ વાત આવે તો આ મોવડીઓ પોતાના કપડાં ખંખેરી નાખતા. આ લોકોને સમાજના ઈતિહાસની પણ ખબર નહોતી. અરે સતપંથી ભાઈઓને ખરાબ લાગશે એટલે સમાજના કોઈ પણ કાર્યક્રમમાં હિન્દુ સનાતન ધર્મના કોઈ સ્વામી પંડિત કે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવતું નહીં. આ મોવડીઓ એટલી બધી લાચારી ભોગવતા કે જો સનાતન હિન્દુ ધર્મના કોઈ સાધુ સંતોને તેડાવશું તો પીરાણાના કહેવાતા વડા કાકાને પણ અહીં આમંત્રણ આપવું પડશે.

સનાતની સમાજના મોવડીઓના મગજમાં એક ખોટી વાતને મક્કમતાથી સતપંથીઓ અને તેમના દલાલો દ્વારા બેસાડી દેવામાં આવી હતી કે આ સમાજ એક ધર્મ નિરપેક્ષ સમાજ છે અને ધર્મ સાથે સમાજને કોઈજ લેવા દેવા નથી. જતે દહાડે સમાજના પ્રમુખોના ચુનાવમાં પણ પીરાણાના કાકાનો પણ પરોક્ષ હસ્તક્ષેપ થવા લાગી ગયો હતો, એવું જોવા મળતું હતું. પીરાણા સતપંથ સંસ્થાની એક છૂપી કાર્યસૂચી પણ સમાજના ચુનાવ વખતે રહેતી કે પ્રમુખ એવો ચૂંટવામાં આવે કે જે મવાળ હોય. જે પીરાણા સતપંથ ધર્મના લોકોની યેનકેન પ્રકારે તરફેણ કરતો હોય. પછી ભલે તે જાહેરમાં ખુલ્લો ન થતો હોય, તો પણ ચાલશે. આવી રીતે સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી વાલજીભાઈ શિવજી વાડિયાના સમય કાળમાં પીરાણા સતપંથ સંસ્થાનો પૂરેપૂરો હસ્તક્ષેપ થતો હતો.

 
બીજી વાત હું તમોને અહીં યાદ અપાવું તો તે છે કે પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશી નાકરાણીના સમયકાળમાં પૂર્વ પ્રમુખ તરીકે શ્રી વાલજીભાઈ વાડિયા હતા. અને આ જ વાલજીભાઈ વાડિયા તે વખતના પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશી નાકરાણીને કોટડા અને નખત્રાણા વચ્ચે સતપંથીઓએ નવું બનાવેલ ઇમામશાહ બાવા અને નિષ્કલંકી નારાયણના કહેવાતા મંદિરમાં શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે લઈ ગયા હતા. ત્યારે કેન્દ્રીય સમાજના સનાતની ભાઈઓમાં ખૂબ રોષ હતો. તે વખતે હિંમતભાઈ રતનશી ખેતાણીએ પ્રમુખશ્રીને અનેક વિનંતીઓ કરી હતી કે બાપા તમે પ્રમુખ થઈને પીરાણા સતપંથના કોઈ પણ કર્યક્રમમાં હાજરી આપશો તો સમાજમાં એક નવો ચીલો પડશે, તે સમાજના સનાતની ભાઈઓ કોઈ દિવસ સાંખી નહીં લે. ગણા બધા સનાતની ભાઈની ના હોવા છતાં પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશી નાકરાણી એ કાર્યક્રમની શોભા વધારવા ગયા, જેના કારણે પાછળથી પ્રમુખશ્રીને ખૂબ સાંભળવું પડ્યું હતું. પ્રખર સનાતની હિંમતભાઈ રતનશી ખેતાણીએ થોડા દિવસ માટે પ્રમુખશ્રીની જોડે બોલવાના અને રામરામ કરવાના સબંધો પણ કાપી નાખ્યા હતા. ત્યાર બાદના સમયમાં સનાતની ચળવળકારોની આ વાત ચળવળમાં એક મુખ્ય પ્રચારનો વિષય બની ગયો હતો.

ટૂંકમાં કહીએ તો પરિસ્થિતિ “પાણીના પ્રવાહ વિરુદ્ધ તરવા” જેવી હતી.

 

સમાજ અને ધર્મ જુદા હોઈજ ન શકે

આગામી તા. ૧૪-ફેબ્રુઆરી-૨૦૧૦ના દિવસે સ્વર્ણિમ મહોત્સવ બાબતે ચડાવા લેવાનું નક્કી રાખવામાં આવ્યું હતું. સવારના પહોરમાં લગભગ ૯.૩૦ કલાકે સામાન્ય સભાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તે સભામાં ચડાવાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ સમાજના મોવડીઓને એક ડર હતો કે જો સનાતની ચળવળકારો આ સભામાં પોતાનું મંતવ્ય આપશે તો બાજી બગડી શકે એવી પૂરેપૂરી સંભાવના છે. એટલે બે-ત્રણ દિવસ અગાઉથી જ તેઓ આમારી સાથે વાટાઘાટો કરવા તૈયાર થઈ ગયા હતા. તેઓનું કહેવાનું હતું કે જુઓ, તમારી સનાતન ધર્મવાળી વાત અમે માનવા તૈયાર છીએ પણ સમાજના બંધારણમાં સનાતન ધર્મનો ઉલ્લેખજ કરવામાં આવ્યો નથી. એટલે અમારા હાથ બંધાયેલા છે અને તે બાબતે અમે કંઈ કરી શકીએ એમ નથી.

અમે કહ્યું કે તમે એમ હાથ ઊંચા કરી નાખશો તો પછી જોઈ લેજો તમે સ્વર્ણિમ મહોત્સવ કેવી રીતે ઊજવો છો. દરેક વસ્તુ બંધારણમાં ઉલ્લેખ ન પણ કરાયો હોય પણ તમે જો સમાજની સ્થાપના વખતેના સંદર્ભોની કડીઓ જોડશો તો ખબર પડી જશે કે આ સમાજ કોણે બનાવ્યો, કોના માટે બનાવ્યો અને કયા હેતુથી બનાવ્યો. આ સર્વે સંદર્ભોની કડીઓ જોડશો તો તમને ચોખ્ખું દેખાઈ આવશે કે આ કેન્દ્રીય સમાજ સનાતનીભાઈઓએ બનાવ્યો છે, સનાતની ભાઈઓ માટે બનાવ્યો છે અને સનાતનીભાઈઓના હિતોની રક્ષા માટે બનાવ્યો છે. પીરાણા સતપંથ ધર્મને કાયમ માટે ત્યાગનાર લોકો દ્વારા નિર્મિત સનાતન સમાજમાં સનાતન હિન્દુ ધર્મ લોકોમાં દ્રઢ થાય તે હેતુથી આ સમાજની સ્થાપના કરવામાં આવી છે. તેથી આ સમાજમાં ઇમામશાહ પ્રેરિત પીરાણા સતપંથ ધર્મ પાળતા હોય એવા લોકોનો પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ અને એ કથિત ધર્મ પાળતા હોય તેવા લોકોના પ્રસંગોમાં અથવા તો કાર્યક્રમોમાં આ સમાજના મોવડીઓએ હાજરી પણ આપવી ન જોઈએ. તેવીજ રીતે આ સમાજના કોઈ પણ ધાર્મિક અથવાતો સામાજિક પ્રસંગોમાં તેવા લોકોને આમંત્રણ ન આપવું જોઈએ.

પરદેશ તથા કચ્છના ગામડાની સમાજોમાં કરેલી ક્રમબદ્ધ મિટિંગોના પરિણામે કેન્દ્રીય સમાજને ભારતભરના સમાજોમાંથી અનેક પત્રો આવ્યા હતા અને તે પત્રોમાં એકજ વાત લખવામાં આવી હતી કે આપણી કેન્દ્રીય સમાજ એવા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે કે જેઓએ સતપંથ ધર્મ અને સતપંથ સમાજને સદાયને માટે તિલાંજલિ આપી દઈ અને આ સનાતન (કેન્દ્રીય સમાજ)ની સ્થાપના કરી છે. એટલા માટે સ્વર્ણિમ મહોત્સવ ઉજવવો હોય તો માત્ર સનાતનીભાઈઓ જ ઉજવવો જોઈએ, એમાં સતપંથના ભાઈઓનો સમાવેશ કરવામાં ન આવવો જોઈએ. આવા પત્રોના કારણે પણ કેન્દ્રીય સમાજના આગેવાનો દબાણમાં હતા. 


અમે લોકો ભારતભરની મિટિંગોમાં લોકોને સમજાવતા હતા કે સમાજ અને ધર્મ કોઈ દિવસ જુદા કરી શકાય જ નહિ. ધર્મ વગરની સમાજ હોયજ નહિ. ધર્મ વગર સમાજનું અસ્તિત્વજ ન હોય શકે. ગુજરાતી લેક્સીકોન ડોટ કોમ જે ગુજરાતી ભાષાની એક વિખ્યાત સંસ્થા છે તેને આપેલી સમાજની વ્યાખ્યા મુજબ “સમાજ એટલે એક વ્યવસ્થિત લોકોનો જન સમૂહ કે જ્યાં એ જન સમૂહના લોકો એકજ ધર્મ પાળતા હોય, એકજ આચાર વિચારને વરેલા હોય અને એકજ રીતિરિવાજો પાળતા હોય“. 


આ વ્યાખ્યા મુજબ અમે સમાજના મોવડીઓને પ્રશ્ન પૂછતા કે આપણી સમાજના લોકો શું એકજ ધર્મ પાળે છે? શું એકજ વિચારધારાને વરેલા છે? શું એકજ રીતિરિવાજો પાળે છે? જો આનો એક પણ પ્રશ્નનો ઉત્તર જો ના માં આવે તો તેને સમાજ કહેવાય જ નહિ. તેને તમે સંઘ કે એસોસિએશન કહી શકો પણ સમાજ તો ન જ કહી શકો. પણ આપણી કેન્દ્રીય સમાજ એક સમાજ તરીકે બોમ્બે ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ સમાજ છે અને ત્યાં એકજ ધર્મ પળાતો હોવો જોઈએ, ત્યાં એકજ રિતિરિવાજ પાળતા લોકો હોવા જોઈએ અને એ સમાજના લોકો એકજ આચારવિચારને વરેલા હોવા જોઈએ. એટલે તે વાત અહીં પુરવાર થાય છે કે આ સમાજમાં ઇમામશાહ પ્રેરિત મુસ્લિમ સતપંથ ધર્મ પાળતા લોકોનો અથવા તો સનાતન હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મના લોકોનો સમાવેશ કરી શકાયજ નહીં. પણ અફસોસ એ વાતનો હતો કે તત્કાલીન સમાજના મોવડીઓ વિના રોકટોક પીરાણા સતપંથ ધર્મ પાળતા લોકોને આ સમાજમાં ખોટી રીતે પ્રવેશ આપવાનું ચાલુ કરી દીધું હતું. 

 

કેન્દ્રીય સમાજમાં સતપંથીઓને કોઈ સ્થાન નથી – ફરીથી સાબિત કરવામાં આવ્યું

સનાતની ચળવળકારોની સ્વર્ણિમ મહોત્સવ પહેલાં ભારતભરના સમાજોમાં ક્રમબદ્ધ અને નિયમબધ્ધ સનાતની સભાઓના યશસ્વી આયોજનના કારણે સમાજમાં એક મોટો જુવાળ પેદા થઈ ગયો કે જેણે નજર અંદાજ કરવું કેન્દ્રીય સમાજના મોવડીઓને મુશ્કેલ હતું. લોક-જુવાળ પુરેપુરો સનાતની ચળવળકારોની તરફેણનો હતો. એટલા માટે સમાજના તત્કાલીન મોવડીઓને હવે એમ લાગતું હતું કે અગર તેઓ સનાતની ચળવળકારોની વાતને ધ્યાન નહિ આપે તો આગામી સમાજનો સ્વર્ણિમ મહોત્સવ નિષ્ફળ થઇ જશે. કાર્યક્રમના ખર્ચ માટે ચડાવાઓ અને ફાળાઓ મારફત લોકો પાસેથી પૈસા ઉઘરાવી નહીં શકે. તે દરમ્યાન તેઓએ દિલ્લીવાળા પ્રખર સનાતની વડીલ શ્રી ગંગારામભાઈ સાંખલાની આગેવાનીમાં ચળવળકારોને મળીને કંઇક રસ્તો કાઢવાનું વિચાર્યું. સમાજના મોવડીઓમાં ચિંતા અને ડર નિર્માણ થયો. તેઓને લાગ્યું હશે કે આ ચળવળકારો સાથે વાટાઘાટો કરીને કોઈ રસ્તો કાઢશું તોજ આપણા કામમાં પાર પડશું. નહીં તો વચ્ચેજ અણધારી આફતો આવી પડશે.


શ્રી ગંગારામભાઈ સાંખલા સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ હતા. અને તેઓ મોવડીઓમાંના એક માત્ર એવા વ્યક્તિ હતા કે જેઓ સનાતની ચળવળકારો સાથે કોઈ પણ જાતની વાટાઘાટો માટે બેસવા હંમેશા તત્પર રહેતા. તેઓ શુદ્ધ સનાતની હતા સાથે સાથે સનાતની વિચારધારાને ચુસ્ત પણે વરેલા હતા. અને તેથીજ તેઓ હંમેશા સનાતની ચળવળકારો જોડે સતત સંપર્કમાં રહેતા હતા.

તા.૧૩-ફેબ્રુઆરી-૨૦૧૦ના રાત્રે ૧૦.૦૦ વાગે સમાજના ટ્રસ્ટી હોદ્દેદારો તેમજ સનાતન ધર્મ જાગૃતિ સમિતીના સભ્યો વચ્ચે મિટિંગ

આપણી મૂળ વાત એ હતી કે સમાજના મોવડીઓની દલીલ હતી કે સમાજના બંધારણમાં સનાતન ધર્મનો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, એટલે અમારા હાથ બંધાયેલા છે અને કેન્દ્રીય સમાજને અમે સનાતની સમાજ છે એમ ઘોષિત કરી શકતા નથી. એટલે અમે લોકોએ (સનાતન ધર્મ જાગૃતિ સમિતિએ) સમાજના મોવડીઓને પડકાર ફેંક્યો કે તમે બંધારણને લઈને અમારી સાથે બેસો અને અમે પુરવાર કરી આપશું કે આપણો કેન્દ્રીય સમાજ સનાતની ઓળખ ધરાવતો સમાજ છે. 


આ પડકારને જીલવા માટે એક મિટિંગ લેવામાં આવે અને તેમાં સમાજ તરફથી સર્વે ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો હાજર રહે એ જરૂરી હતું. તે પ્રમાણે સનાતન ધર્મ જાગૃતિ સમિતિ વતીથી શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણીએ તા. ૧૩-ફેબ્રુઆરી-૨૦૧૦ની રાત્રે ભેગા કરવાનું મહામત્રી શ્રી મોહનભાઈ ધોળુને જણાવ્યું. તે પ્રમાણે સમાજના ડાઇનિંગ હોલના ઉપરના હોલમાં મિટિંગ બોલાવવામાં આવી.


આ સભા સનાતન ધર્મ જાગૃતિ સમિતિ માટે બહુજ અગત્યની હતી. અમારી આબરૂ અને ઈજ્જતનો સવાલ હતો. મને અને હિંમતભાઈને લાગતું હતું કે જો આપણે ટ્રસ્ટી હોદ્દેદારોને સમજાવવામાં નિષ્ફળ નીવડ્શું તો અત્યારની જે સનાતન ધર્મ બાબતે સમાજ વિરુદ્ધ લડત છે એ ખોરંભાઈ જશે. માટે તે અહમ્‌ સભાની પૂર્વ તૈયારી રૂપે અમે બન્ને જણા રાતભર વિરાણી મોટીવાળા સૂર્યકાંતભાઈ ધનાણીના ઘરે, જ્યાં અમારો કાયમી ઉતારો હોય છે, ત્યાં જાગરણ કરીને રીતસરની રિહર્સલ કરતા હતા. જ્યારે મિટિંગનો દિવસ આવ્યો ત્યારે મેં હિંમતભાઈને કહ્યું કે મિટિંગમાં આની દલીલ હું કરીશ. અને મિટિંગમાં હું દલીલ કરું ત્યારે મારી કઈંક ભૂલ ચૂક થાય ત્યારે મને ટકોર કરજો. એવું અમારી બન્ને વચ્ચે નક્કી થયું.


પહેલેથી નક્કી થયેલ પ્રમાણે તે દિવસે રાત્રે ૧૦.૦૦ વાગે સમાજના ડાઇનિંગ હોલ ઉપરના હોલમાં બન્ને પક્ષો ભેગા થયા. આ મિટિંગ અનૌપચારિક મિટિંગ હતી પણ ઘણી જ અગત્યની મિટિંગ હતી. તે મિટિંગની સફળતા અને નિષ્ફળતા ઉપર સમાજની સનાતની સમાજ તરીકેની ઓળખનો પૂરેપૂરો મદાર હતો. 

 

સભાની શરુઆત થઇ. સભા બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો:

1.    આપણા કેન્દ્રીય સમાજનો ધર્મ કયો છે?

2.    આ સમાજની સ્થાપના કેવા અને કયા વડીલો દ્વારા કરવામાં આવી હતી?

3.    એ વડીલો સતપંથ ધર્મને સદન્તરે ત્યાગ કર્યા પછી કયો ધર્મ પાળવાનું ચાલુ કર્યું હતું?

4.    એ વડીલોએ આ સમાજની સ્થાપના કયા અને કેવા હાલતમાં અને કેવા સંદર્ભોને ટાંકીને કરી હતી?

5.    આ સમાજની સ્થાપના કોના માટે અને કોના હિતોની રક્ષા કરવા માટે કરી હતી?

6.    આ સમાજની સ્થાપના વખતેના મૂળભૂત હેતુઓ અને ઉદ્દેશો શું હતા?

7.    આ સમાજની ધાર્મિક ઓળખ શું હતી અને અત્યારે શું છે?

8.    સમાજના અત્યારના બંધારણમાં સનાતન ધર્મનો ઉલ્લેખ નથી તો કયા સંદર્ભોથી એ પ્રતીતિ કરી શકાય કે આ સમાજનો ધર્મ સનાતન હિંદુ ધર્મ જ છે.

ઉપરોક્ત વિષયોને લઈને સનાતન જાગૃતિ સમિતિવાળાએ ઠોસ રજૂઆતો કરી. પણ કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી હોદ્દેદારોની દલીલ એ હતી કે આ સમાજનો કોઈજ ધર્મ નથી અને આ સમાજને ધર્મ સાથે કંઈજ લેવા દેવા નથી. આ એક ધર્મ નિરપેક્ષતાવાળો સમાજ છે. એટલે આ સમાજમાં કોઈ વ્યક્તિ સનાતન ધર્મ પાળતો હોય તે પણ સભ્ય બની શકે છે અને સતપંથ ધર્મ પાળતો હોય તે પણ સભ્ય બની શકે છે. તેમનું કહેવાનું એ હતું કે આ સમાજમાં કોઈ પણ સભ્ય કોઈ પણ ધર્મ પાળતો હોય તેમાં કોઈને કંઈ વાંધો હોવો જોઈએ નહી. આ બાબતે એ લોકોની દલીલો એવી હતી કે ન તો સમાજના નામમાં અને ન તો સમાજના બંધારણમાં સનાતન ધર્મ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અમારા હાથ બંધાયેલા છે અને સનાતન જાગૃતિ સમિતિની દલીલને અમે માન્ય રાખી શકીએ એમ નથી. અગાઉ નક્કી કરેલ પ્રમાણે, તે વખતે દલીલનો દોર મેં (રમેશભાઈ વાગડિયાએ) હાથમાં લીધો અને તે સભામાં ઉપસ્થિત સર્વે ટ્રસ્ટી હોદ્દેદારોને કહ્યું કે બધા લોકો હવે સમાજનું બંધારણ હાથમાં લો અને પેજ નંબર ૪ ખોલો. તેમાં ફકરા નંબર ૪ “ઉદ્દેશો અને હેતુઓ”: આ સમાજ નીચે મુજબના ઉદ્દેશો તેમજ હેતુઓ પાર પાડવા માટે સ્થાપવામાં આવેલ છે. તે મથાળા હેઠળ ઉદ્દેશ નંબર વાંચો.

શ્રી મનસુખભાઈ રૂડાણીએ બધા સાંભળે એમ ૬ઠો ઉદ્દેશ વાંચ્યો “સમાજમાં નૈતિક, ધાર્મિક તેમજ રાષ્ટ્રીય ભાવના વધે તેવા પ્રયત્નો આ સમાજે કરવા.” તો શું આમાં તો સનાતન ધર્મ એમ લખ્યું નથી. એવી વાત મનસુખભાઈએ અમોને (સમિતિને) કરી. ત્યારે મેં કહ્યું મનસુખભાઈ હવે મારી વાત સાંભળો. હું બોલતો હોઈશ કે દલીલ કરતો હોઈશ ત્યારે મહેરબાની કરીને કોઈ વચ્ચે બોલતા નહી. હું તમારી પાસે જવાબ માંગીશ ત્યારે હા અથવા ના માં જવાબ આપજો. મારી વાતમાં બધાએ હા માં માથું ધુણાવ્યું.

મેં દલીલ કરી કે ઉદ્દેશ નંબર ૬ માં જે લખ્યું છે નૈતિક ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવના વધે તેવા પ્રયત્નો આ સમાજે કરવા જોઈએ. હવે આપણે નૈતિકતાને પછી લેશું. ધાર્મિકતાને પછી લેશું. સૌથી પહેલાં રાષ્ટ્રીય ભાવનાને લેશું. મારે તમોને પ્રશ્ન પૂછવો છે કે આ સમાજે કયા રાષ્ટ્રની ભાવના વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ? રાષ્ટ્રનું નામતો બંધારણમાં લખ્યું નથી. ત્યારે સમાજ તરફથી દલીલનો દોર મનસુખભાઈ ના હાથમાં હતો. તેમણે કહ્યું કે એમાં પૂછવાનું શું છે? એતો નિશ્ચિતપણે ભારતરાષ્ટ્રની ભાવના વધે તેવા પ્રયત્નો આ સમાજે કરવા જોઈએ. ત્યારે તરતજ મેં સામો સવાલ કર્યો કે આ સમાજના બંધારણમાં ભારત શબ્દતો લખ્યો નથી તો પછી ભારત રાષ્ટ્રની ભાવના વધે તેવા પ્રયત્નો આ સમાજ કેમ કરી શકે? કોઈ અન્ય રાષ્ટ્રની ભાવના વધે એવા પ્રયત્નો ન કરી શકે? મનસુખભાઈએ વળતી દલીલ કરી કે એતો સમજવાની વાત છે, આમાં કંઈ પૂછવાનું થોડું હોય. મેં વળતી દલીલ કરી કે ચાલો માની લઈએ કે આ સમાજને ભારત રાષ્ટ્રની ભાવના વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે મારો પ્રશ્ન એ છે કે આ સમાજ ભારત રાષ્ટ્રની સાથે સાથે પાકિસ્તાન રાષ્ટ્રની ભાવના વધે એવા પ્રયત્નો કરી શકે? બીજા શબ્દોમાં પૂછું છું કે આ સમાજ બે રાષ્ટ્રોની ભાવના વધે તેવા પ્રયત્નો કરી શકે? તરતજ દેવજી રામજી ભાવાણી બોલી ઊઠ્યા કે એમ કંઈ પૂછાતું હશે? એ તો સમજવાની વાત છે કે આ સમાજ એક જ ભારત રાષ્ટ્રની ભાવના વધે એવાજ પ્રયત્નો કરી શકે. મેં તરતજ વાત પકડી લીધી અને ત્યાં બેઠેલા તમામ સભ્યોને કહ્યું કે આ જવાબને બરાબર નોંધી લેજો. આ થઇ રાષ્ટ્રીય ભાવના બાબતની ચર્ચા.

હવે મારે ૬ઠા ઉદ્દેશની ધાર્મિક બાબતે ચર્ચા કરવી છે. ફરી પાછો મેં સવાલ કર્યો કે આ સમાજ કયા ધર્મની ભાવના વધે તેવા પ્રયત્નો કરી શકે? ભારતમાં મુખ્યત્વે ત્રણ ધર્મો પળાય છે. હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી. હવે ટ્રસ્ટી–હોદ્દેદારોને લાગી રહ્યું હતું કે પાણી તેમના પગ તળે આવી રહ્યું છે. બે ઘડી સભામાં સોંપો પડી ગયો. મુંઝાતા મનથી મનસુખભાઈ બોલ્યા કે આ સમાજે સનાતન હિંદુ ધર્મની ભવના વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. મેં વળતો બીજો પ્રશ્ન કર્યો કે બંધારણમાં તો એવું લખ્યું નથી, તો તમે કેમ કહી શકો કે આ સમાજે સનાતન હિંદુ ધર્મની ભાવના વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. અને બીજું એ કે આ સમાજે સનાતન હિંદુ ધર્મની સાથે સાથે મુસ્લિમ ધર્મની ભાવના વધે એવા પ્રયત્નો કરી શકે અથવા તો બે ધર્મની ભાવના વધે એવા પ્રયત્નો કરી શકે? સભામાં ટ્રસ્ટી-હોદ્દેદારોની કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઇ ગઈ હતી. ફરી પાછા મનસુખભાઈ બોલ્યા કે આ સમાજ ફક્ત અને ફક્ત સનાતન હિંદુ ધર્મની ભાવના વધે તેવાજ પ્રયત્નો કરી શકે.

આ વાતજ પુરવાર કરે છે કે આ સમાજની મૂળ ઓળખ એક સનાતની સમાજની છે અને આ સમાજ બંધારણીય ધોરણે પણ એકજ ધર્મ સનાતન હિંદુ ધર્મની ભાવના વધે એવાજ પ્રયત્નો કરી શકે. અન્ય કોઈ ધર્મની નહિ. ત્યારે ધર્મ જાગૃતિ સમિતિએ વળતો પ્રશ્ન કર્યો કે અગર તમે કહો તો અમે એ પણ અત્યારે પુરવાર કરી શકીએ એમ છીએ કે ઈમામશાહ બાવા પ્રેરિત પીરાણા સતપંથ ધર્મ એક ઇસ્લામ ધર્મનો ફાંટો છે. અને સતપંથ ધર્મને પાળતા લોકોને આ સમાજમાં સભ્ય બનવા પુરવાર કરે છે કે આ સમાજમાં બે ધર્મના લોકોનો તમે સમાવેશ કરી રહ્યા છો. તે સમાજના બંધારણ વિરુદ્ધની વાત છે. કારણકે સમાજ એનેજ કહેવાય જ્યાં વ્યવસ્થિત લોકોનો જન સમૂહ એકજ ધર્મ પાળતો હોય, એકજ આચાર વિચારને વરેલો હોય અને એકજ રીતિરિવાજ પાળતો હોય. અને બીજી વાત એ છે કે પીરાણા સતપંથ ધર્મ પાળતા સતપંથના ભાઈઓ દ્વારા આયોજિત કોઈ પણ કાર્યક્રમમાં આ સમાજના કોઈ પણ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ કે પછી સામાન્ય સભ્યો ભાગ લઈને ત્યાંની શોભામાં અભિવૃદ્ધિ કરવા જવું અથવા તો ભાગ લેવો એ તે ધર્મની ભાવના વધે એવા પ્રયત્નો કરવા બરાબર છે. માટે જે હોદ્દેદારો અથવા તો ભાઈઓએ સતપંથના કાર્યક્રમમાં ભાગ લીધો હશે તે બંધારણીય રીતે આ સમાજના ગુનેગાર ઠરે છે. જે વાતને નિર્વિરોધ સર્વે સ્વીકારી લીધી.

મુખ્યત્વે ઉપરોક્ત ચર્ચાની સાથે ખુલ્લા મનથી અન્ય ચર્ચાઓ પણ થઇ જે નીચે પ્રમાણે છે.

1.    આપણો કેન્દ્રીય સમાજ મૂળ વૈદિક સનાતન હિંદુ ધર્મની ઓળખ ધરાવતો સમાજ છે

2.    કેન્દ્રીય સમાજના હાલના બંધારણમાં પણ તે વાત પુરવાર થાય છે.

3.    કેન્દ્રીય સમાજનું સભ્યપદ મેળવવા માટેની હાલની પદ્દાતિઓમાં રહેલ ત્રૂટીઓ સુધારવાની જરૂર છે.

4.    કેન્દ્રીય સમાજનો આગામી સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી બાબત ચર્ચા થઇ.

5.    સતપંથીઓ દ્વારા કરવામાં આવતા તદ્દન ખોટા કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદો બાબત ચર્ચા થઇ.

6.    સમાજના પદાધિકારીઓ દ્વારા આપતા જૂઠા નિવેદનો સદંતર રીતે બંધ કરવા નક્કી થયું.

ઉપરોક્ત મુદ્દાઓ પર ઊંડાણથી ચર્ચાઓ થયા પછી સર્વ સહમતીથી વિવિધ છણાવટોની સાથે સાથે ૭ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેને અહીં પ્રકાશિત કરવામાં આવેલ છે.

તા. ૧૪.૦૨.૨૦૧૦ સ્વર્ણિમ મહોત્સવના ચડાવાઓ માટે સભા: ચાલુ સભાએ પ્રમુખ શ્રી રામજી કરમશી અને ટ્રસ્ટી શ્રી ગંગારામ ભાઈ હીરાલાલ સાંખલાની ઉપરોક્ત મિટિંગની મીનીટસ ઉપર સહીઓ લેવામાં આવી. સાથે સાથે જાગૃતિ સમિતિના હિંમતભાઈ ખેતાણી અને રમેશભાઈ વાગડીયાએ પણ સહી કરી.

સનાતન ધર્મ જાગૃતિ સમિતિ દ્વારા સભાઓનું સારું પરિણામ

સનાતન ધર્મ જાગૃતિ સમિતિ દ્વારા ભારતભરમાં ભ્રમણ કરીને લોકોને કેન્દ્રીય સમાજ, સનાતન ધર્મ અને સતપંથ ધર્મ અંગે જ્ઞાતિનો ધાર્મિક ઈતિહાસની ધારદાર રજૂઆતો કરવામાં આવતી. ધનસુરાથી શરુ થયેલ સભાઓનો સીસીલો ખૂબ લાંબો ચાલ્યો. જે યાદીમાં નીચે જણાવેલ ગામોમાં કરવામાં આવેલ સભાઓમાંના અમુક નામો  સામેલ છે.

ક્ર.

વિગત

 

ક્ર.

વિગત

1.

ઈન્દોર, મધ્ય પ્રદેશ

 

21.

રાયપુર

2.

હૈદરાબાદ, આન્ધ્રપ્રદેશ

 

22.

નાગપુર

3.

બેંગલોર, કર્નાટક

 

23.

દેસલપર સંસ્કારધામ ખાતે એક વિશાલ સભા.

4.

દાવણગેરે, કર્ણાટક

 

24.

હિંમતનગર સભા (સમજે પાટીદાર)

5.

હુબલી, કર્ણાટક

 

25.

ધનપુરા કમ્પા

6.

તુમકુર, કર્ણાટક

 

26.

દહેગામ

7.

મદુરાઈ, તમિલનાડુ

 

27.

બેલગામ

8.

સુરેન્દ્રનગર – જોરાવરનગર

 

28.

મડગાંવ, ગોવા

9.

દેસલપર- સંસ્કાર ધામ

 

29.

રત્નાગીરી

10.

વિરાણી – મોટી

 

30.

સાંગલી

11.

નખત્રાણા મધ્ય સમાજ

 

31.

કોપરગાવ

12.

પુના

 

32.

ઔરંગાબાદ

13.

નખત્રાણા કેન્દ્રીય સમાજના પ્રાંગણ માં

 

33.

ચીંચવડ-પુના

14.

દેસલપર – સંસ્કારધામ

 

34.

દેસલપર સંસ્કારધામ સભા

15.

મુંબઈ ઝોન પ્રસ્તાવિત શ્વેત પત્ર

 

35.

જલગાંવ

16.

કલકતા

 

36.

હરદા

17.

ભુવનેશ્વર

 

37.

જબલપુર

18.

રાંચી

 

38.

નાગપુર દ્વિતિય સભા

19.

આસનસોલ

 

39.

મંગવાણા

20.

રાજનંદગાંવ

 

40.

બીદડા

ભારતભરમાં કરવામાં આવેલ સભાઓના પરિણામે કેન્દ્રીય સમાજનું સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ અને દેસલપર વાંઢાય ખાતે ભગવાન લક્ષ્મીનારાયણના કેન્દ્ર સ્થાન ઉર્ફે સંસ્કાર ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે સંખ્યામાં લોકો ઊમટી આવ્યા.

 

કેન્દ્રિય સમાજના આગેવાનો તરફથી મળેલ સુચનના વિરુદ્ધમાં જઈને આમારી સભાનું આયોજન કરવા, તેનો ખર્ચ ઉપાડવા તેમજ લોકોને પ્રેરિત કરીને ભેગા કરવામાં ઘણા નામી અનામી લોકોનો અમોને બહુજ મોટો સહયોગ મળેલ છે. સ્થાનિક સમાજના આગેવાનો હોય અને યુવાસંઘના આગેવાનોનો ખાસ આભાર માનવો રહ્યો. સમાજના આદેશનિ અવગણના કરી સનાતન ધર્મ પ્રચારના ભગીરથ ભર્યા કામમાં સાથ આપવા બદ્દલ આ સર્વે લોકોનું ઋણ આમારા પર છે અને તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, જે આ પ્રસંગે સનાતન ધર્મ પ્રચાર સમિતિ સર્વે લોકોને ધન્યવાદ આપે છે.

Leave a Reply