Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
1. જિજ્ઞાસાનું કારણ: સતપંથ મુસ્લિમ ધર્મ છે, એવું અમારા વડીલો પાસેથી ઊડતી ઊડતી વાતો નાનપણમાં સાંભળેલ. પણ ઘણા વર્ષોના અંતરાલ પછી, આપણી કચ્છ કડવા પાટીદાર (ક.ક.પા.) જ્ઞાતિના સતપંથીઓ મહત્ત્વના ફેરફારો કરીને હિંદુ બનવા માટે ઘણા સકારાત્મક પગલાં ભરી રહ્યા છે, એવું લોકો પાસે સાંભળવા મળતું. એટલે વિચાર આવતો કે આ લોકોને તો સહયોગ આપવો જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ. સાંભળવામાં આવતું કે પીરાણામાં મુસલમાની તત્ત્વોને હટાવી દેવામાં આવેલ છે. હિંદુ “ૐ”ને દીવાલો પર અલગ અલગ જગ્યા ઉપર રંગવામાં આવેલ છે. ભગવાન વિષ્ણુના દસ અવતારોને દીવાલો અને છત ઉપર દોરવામાં આવ્યા છે. સતપંથના લોકોએ હિંદુ બનવા માટે ઘણાં ફેરફારો કરેલ છે. સ્વ–ઈચ્છાથી કોઈ હિંદુ બનવા માંગતો હોય, તો દરેક હિંદુની ફરજ છે કે હિંદુ બનનાર વ્યક્તિને યોગ્ય મદદ કરે. ઈતિહાસમાં જોઈએ તો એવા કિસ્સાઓ છે કે અગર કોઈ હિંદુ ભૂલ કે મજબૂરીથી મુસલમાન બની ગયો હોય અને એ વ્યક્તિ પાછા હિંદુ બનવા માંગતો હોય ત્યારે એને હિંદુ ધર્મના આગેવાનોએ સ્વીકાર્યો નહીં. તેનાં કારણે એ લોકો મુસલમાન ધર્મમાં રહી ગયા અને ભારતમાં મુસલમાનોની સંખ્યા વધતી ગઈ. આવા કિસ્સાઓમાં થયેલ ભૂલનું પુનરાવર્તન ન થાય, કોઈ મુસલમાન હિંદુ બનવા માંગતો હોય તો તેને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ એવા દૃઢ વિચાર રાખનાર લોકોમાંનો એક હું હતો.
એ સમય ગાળામાં શ્રી હિમ્મતભાઈ રતનશી ખેતાણી અને શ્રી રમેશભાઈ માવજી વાગડીયાની આગવાની હેંઠળ સનાતન ધર્મ જાગૃતિની ટીમ ભારતભરમાં ફરી સનાતન સમાજના ધાર્મિક ઈતિહાસની જાણકારી આપતી સભાઓ કરતા હતા. જે સતપંથ સમાજવાળાને ગમતું નહોતું. સતપંથ સમાજવાળાનો પ્રચાર હતો કે હા ભૂતકાળમાં સતપંથમાં ઈસ્લામીકરણ હતું, પણ હવે ઘણા સુધારાઓ કરી નાખ્યા છે. થોડા બાકી હશે અને છે, તેને પણ ધીરે ધીરે સુધારી નાખશું. હું પણ શરૂઆતમાં સતપંથના આ પ્રચારને સાચો માનતો હતો. જેના લીધે હિમ્મતભાઈ અને તેમની ટીમનું કામ મને પસંદ નહોતું. સનાતન સમાજમાં અમુક લોકોના મોઢે એવું પણ સાંભળવા મળતું કે આ લોકો સમાજ તોડું છે. જેની ગંભીર નોંધ પણ લીધેલ હતી.
આ સમય ગાળામાં શ્રી રમેશભાઈ માવજી વાગડીયાના ભાષણની એક વિડીઓ કલીપ સતપંથ તરફી લોકો દ્વારા અજાણ્યા ઈમેલ આઈડીથી મારા પાસે આવી (તે સમયે સ્માર્ટ ફોન નહોતા, વોટ્સએપ નહોતું, મોબાઈલ ઉપર ઈન્ટરનેટ સુવિધા ખૂબ ઓછી હતી). સાથે લખાણ આવ્યું કે રમેશભાઈ સમાજ તોડી રહ્યા છે. જ્યારે એ વિડીઓ કલીપ મેં સાંભળી ત્યારે મને મને એવું કંઈ ન લાગ્યું. બલકે રમેશભાઈનો સમાજને ધાર્મિક રીતે ચોખ્ખી કરવાનો હેતુ દેખાઈ આવ્યો. લખાણમાં રમેશભાઈને ખોટી રીતે વખોડવામાં પણ આવેલ હતા. જે ઇમેલ આઈડીથી મને ઇમેલ આવેલ હતો, તેની તપાસ કરી તો તે બોગસ/બનાવટી ઇમેલ એડ્રેસ નીકળ્યું.
માટે મારા મનમાં ઉદ્ભવતા આવા અનેક પ્રશ્નો અને અસમંજસનો ઉકેલ શોધવાનું મેં નક્કી કર્યું. મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબો શોધવાની જિજ્ઞાસા અથવા કુતૂહલ મને પીરાણા સતપંથની સચ્ચાઈ અને પુરાવાઓ ભેગા કરવાની અણધારી તૈયારી કરવા તરફ ધકેલ્યો. આજે લગભગ ૧૦ વર્ષના અંતે, હું માનું છું કે કોઈ માણસ યોજનાબદ્ધ રીતે આવું કરવા જાય તો પણ તે ન જ કરી શકે. જરૂર કોઈ દૈવી શક્તિજ આવું કરાવી શકે. જરૂર ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ અને કુળદેવી મા ઉમિયાના આશીર્વાદ અને પ્રેમ હશે, કે તેમની ઈચ્છા પૂર્ણ કરવા તેમણે મને નિમિત્ત બનાવ્યો. અહીંથી સત્ય શોધવાની મારી યાત્રા તા. ૧૨-માર્ચ-૨૦૧૦ થી શરુ થઇ.
2. મુંબઈ ઝોનની સભા અને ડ્રાફ્ટ શ્વેત પત્ર: મારા મનમાં એક સવાલ ઊભો થયો કે અગર સાચ્ચેજ રમેશભાઈ વાગડિયાએ સમાજ વિરોધી ભાષણ કરેલ છે, તો પછી વિડીઓ કલીપ મોકલનાર વ્યક્તિએ શા માટે પોતાની ઓળખ છુપાવા માટે બોગસ ઇમેલ આઈડીથી મને ઇમેલ કર્યો? એનો મતલબ કે આ વિષયમાં ઊંડાણમાં ઊતરવું પડે. એ સમય દરમ્યાન મારું શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ(અ.ભા.ક.ક.પા. ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે શ્રીસમાજ ઉર્ફે સનાતન સમાજ)ના મુંબઈ ઝોનની તા.૧૯–માર્ચ–૨૦૧૦ની ઘાટકોપર સમાજવાડીમાં યોજાયેલ, એક વિશેષ સામાન્ય સભામાં જવાનું થયું. આ સભાનો મુખ્ય વિષય હતો આપણી કેન્દ્રીય સમાજનો આગામી સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ. એ સભામાં મને ખબર પડી કે આપણી કેન્દ્રીય સમાજની કાયદાકીય રીતે રજિસ્ટર કરીને સ્થાપનાને માત્ર પચાસજ વર્ષ થયાં છે. તે પહેલાં આપણી જ્ઞાતિમાં પીરાણા સતપંથ ધર્મ વિરુદ્ધ ખૂબ મોટી ચળવળો ચાલી. મુસલમાન ધર્મના એક ફાંટાવાળો સમાજ એટલે કે સતપંથ સમાજ જ્ઞાતિમાં પ્રચલિત હતો. આ સતપંથ ધર્મથી જુદા પડીને હિંદુ ધર્મ સ્વીકારવાના કારણે જે લોકોને જ્ઞાત બહાર કરવામાં આવેલ હતા એવા જ્ઞાત બહાર થયેલ લોકોએ સનાતની સમાજની સ્થાપના કરી હતી. બપોરે ૩ વાગે ચાલુ થયેલ આ સભા, કોઈ પણ વિરામ વગર, રાતના ૧૨ વાગે સુધી, સતત એક ધારી ચાલી. સામાન્ય રીતે આવી સભાઓમાં માત્ર ૩૦–૪૦ લોકોજ હાજર રહેતા હોય. પણ આ સભામાં લગભગ ૮૦૦ થી ૧૦૦૦ લોકો હાજર હતા. સભાનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. રાતના ૧૨ વાગે સુધી કોઈ સભા છોડવાનું નામ લેતું નહોતું.
આ સભામાં શ્રી હિમ્મતભાઈ રતનશી ખેતાણીએ પીરાણા સતપંથ અંગે જાણકારી આપતું એક જોરદાર ભાષણ આપ્યું. સતપંથ ધર્મનો ઈતિહાસ, આપણી જ્ઞાતિનો ધાર્મિક ઈતિહાસ, સનાતની સમાજની સ્થપના પાછળના કારણો, નિષ્કલંકી નારાયણ એટલે હઝરત મૌલા અલી, પીરાણાના મુખ્ય ગાદીપતિ શ્રી કરસન કાકાનું સતપંથી નામ પીર કરીમ, સતપંથના ધાર્મિક ગુરુ મુસલમાન સૈય્યદો છે, સૈય્યદ ઈમામશાહનું મુખ્ય કામ હિંદુઓને વટલાવી મુસલમાન બનાવવાનું હતું, પીરાણામાં થયેલ બાહ્ય ફેરફારો પાછળની છુપી સચ્ચાઈઓ, જેવી ખૂબ મહત્ત્વની જાણકારીઓ આપી.
તેવીજ રીતે હિંદુ ધર્મ સ્વીકારીને સતપંથમાંથી છૂટા પડેલા ક.ક.પા. જ્ઞાતિના હિંદુ આગેવાનો દ્વારા આપેલ બલિદાનો, સંત શ્રી ઓધવરામ મહારાજ, સંત શ્રી દયાલદાસ મહારાજ જેવા માર્ગદર્શક સંતો કે જેમણે પોતાના જીવનો ક.ક.પા.જ્ઞાતિને હિંદુ બનાવવા માટે ઘસી નાખ્યા, એ જાણવા મળ્યું. સતપંથ ધર્મ છોડીને હિંદુ ધર્મ સ્વીકારનારને સમાજ બહાર કરી નાખવામાં આવતા. જેથી અસહય દબાણ, અસંખ્ય અત્યાચારો અને પીડાઓને સહીને, પોતાના હિંદુ સ્વધર્મ માટે મોટા બલિદાનો અને ત્યાગ કરીને, સનાતન સમાજની સ્થપના કરવા પાછળનો ઈતિહાસ જાણવા મલ્યો. પથ્થર દિલ માણસનું હૃદય પણ પીગળી જાય એવી સચ્ચાઈઓ પહેલી વાર મારા સામે આવી. હિમ્મતભાઈ સિવાય બીજા પણ ઘણા વક્તાઓ બોલ્યા. સતપંથ તરફથી પણ અમુક વક્તાઓ બોલ્યા. પણ હિમ્મતભાઈનું ભાષણ એવી રીતે લોકોના હૃદયને સ્પર્શી ગયું હતું કે લોકોએ આ અંગે એજ સભામાં માંગણી કરી કે આપણો કેન્દ્રીય સમાજ પોતાની ઓળખ અંગે એક “શ્વેત પત્ર” બહાર પાડે. જેનો કાચો મસુદો/નમૂનો (ડ્રાફ્ટ) સર્વાનુમતે તૈયાર કરવામાં આવ્યો. આ કાચા મુસદ્દાના આધાર ઉપર થોડાજ દિવસો પછી કેન્દ્રીય સમાજ એટલે કે શ્રી અ.ભા.ક.ક.પા. સમાજે, થોડા ફેરફારો સાથે, તા. ૨૫-માર્ચ-૨૦૧૦ ના એક અધિકૃત “શ્વેત પત્ર” બહાર પાડ્યું, જે ખૂબજ પ્રખ્યાત થયું.
3. માહિતી ભેગી કરવાની શરૂઆત: થોડા દિવસ સુધી આ સભાની વાતો મનમાંને મનમાં વાગોળતો રહ્યો. પણ વારંવાર મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો, જેનો સંતોષ કારક જવાબ મારા મનને ન મળ્યો. આ પ્રશ્ન હતો કે હિમ્મતભાઈએ ખુલાસો પૂર્વક જણાવેલ વાતો જાણતા હોવા છતાં, પોતાને હિંદુ કહેવડાવતા સતપંથીઓ કેમ હજી સતપંથ ધર્મમાં છે? એક બાજુ પોતાને તેઓ હિંદુ કહેડાવે છે, તો બીજી બાજુ હિંદુઓને ફસાવી મુસલમાન બનાવનાર સૈય્યદ ઈમામશાહ બાવાને આ લોકો કેવી રીતે પૂજી શકે? કોઈ સામાન્ય હિંદુ તો આવું ન જ કરી શકે. જેના પૂર્વજો સાથે ધાર્મિક રીતે છેતરામણી થઇ હોય, એ લોકો ઈમામશાહને પૂજવાનું તો દૂર, તેના માટે એક સામાન્ય માણસ મનમાં ઘૃણાની લાગણી અનુભવે અને પોતાના સમાજના ધાર્મિક ઈતિહાસથી શરમ અનુભવે. અપેક્ષા વિરુદ્ધ સતપંથવાળા પોતાને સતપંથી તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા હતા અને ઈમામશાહનું નામ પૂજનીય ભાવથી લેતા હતા.
લગભગ એજ સમયે ઇન્ટરનેટ ઉપર અને સોસિયલ મીડિયા ઉપર “ઈમેલ વોર” (email war) શરુ થયું. સનાતનીઓ તરફથી એક પછી એક સતપંથ મુસલમાન ધર્મ છે એ અંગેના સજ્જડ પુરાવાઓ રજૂ કરવામાં આવતા. તેનો સતપંથીઓ તરફથી હલકી ભાષામાં, ઉડાઉ, વ્યક્તિગત પ્રહારો કરતા, ક્યારેક ધમકીઓ આપતા જવાબો, જેણે મૂળમાં અસંતોષકારક જવાબો કહી શકાય, એવા જવાબો આવતા. જે લોકો સોસિયલ મીડિયામાં ખુલ્લા થઇને લખતા, તેવા લોકોને સતપંથીઓ તરફથી ફોન કરી તેમને ધમકીઓ આપવાના દાખલાઓ પણ સાંભળવા મળતા. બીજી બાજુ સનાતન ધર્મ જાગૃતિની મોહીમને તોડી પાડવા માટે, ખાસ કરીને હિમ્મતભાઈ ખેતાણી, રમેશભાઈ વાગડીયા અને પ્રેમજીભાઈ કેશરાણીની સામાજિક છબી ખરાબ કરવા માટેના સતપંથીઓ અને મવાળો દ્વારા કરવામાં આવતા પ્રયાસો પણ જોવા મળતા.
સતપંથ મુસલમાન ધર્મ છે એ અંગેના સોસિયલ મીડિયામાં આવેલ પુરાવાઓએ મારી ખૂબ મદદ કરી. ત્યાર બાદ ઈન્ટરનેટથી માહિતી મેળવવાનું શરુ કર્યું. માહિતીઓનો ગહન અભ્યાસ માટે દિવસ રાત મહેનત અને લગનથી કાર્ય શરુ કર્યું.
4. જ્ઞાતિનો ધાર્મિક ઈતિહાસ: વિષયને બરાબર સમજવા હેતુથી જ્ઞાતિના ધાર્મિક ઈતિહાસના દસ્તાવેજોનો અભ્યાસ કર્યો. તેમાં અમુક મુખ્ય દસ્તાવેજો આ પ્રમાણેના હતા.
· જ્ઞાતિના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણી દ્વારા લિખિત “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ”.
· પીરાણા સતપંથની માતૃ સંસ્થા, ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટનું બંધારણ.
· પીરાણાના ચેરમેન સવજી રામજી કાકા દ્વારા લેખિત “ભાંખેલી પૂજા વિધિ તથા જ્ઞાન”.
· ઈમામશાહ બાવા દ્વારા રચિત “સતપંથ દશાવતાર ગ્રંથ”.
· નારાયણ રામજી દ્વારા કરાંચી અને મુંબઈના ભરાયેલ ત્રણ જ્ઞાતિ અધિવેશનોના અહેવાલો.
· કચ્છમાં યોજેલ પ્રસ્તાવિત બીજું અધિવેશન જે ભરાઈ ન શકાયું, એનો અહેવાલ.
· સંત લાલરામ મહારાજની પીડા, સંત ઓધવરામબાપાની પીડા અને એ સંતોએ સતપંથમાંથી જ્ઞાતિને બહાર કાઢવા માટે કેવો માર્ગ કાઢ્યા, તેમની રણનીતિ શું હતી, તેમની તકલીફ શું હતી એનો અભ્યાસ કર્યો.
· દાણા બઝાર, વિરાણી મોટી, કરાચી વગેરે સ્થળોમાં યોજાયેલ સામાન્ય સભાઓ, તેમજ જ્ઞાતિ સુધારક યુવક મંડળની સભાઓના રિપોર્ટ.
· વર્ષ ૧૯૩૭માં સ્થાયેલ નખત્રાણામાં લક્ષ્મીનારાયણ મંદિરનો વિસ્તૃત અહેવાલ.
· વાંઢાયમાં વર્ષ ૧૯૪૫માં થયેલ કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો અહેવાલ.
· વર્ષ ૧૯૩૮માં સ્થપાયેલ કેન્દ્રીય સનાતની સમાજની સ્થાપના વખતનું બંધારણ. આ સમાજ પાછળથી વર્ષ ૧૯૬૦માં નખત્રાણા ખાતે કાયદાકીય રીતે ચેરિટી કમિશ્નરની કચેરીમાં રજિસ્ટર કરવામાં આવેલ. તે વખતનો પણ અહેવાલ.
· એક પ્રસ્તાવિક નિબંધ, કીર્તિ ધ્વજ, અસંખ્ય પેમ્પલેટો, ચોપાનીયા, નાની મોટી પુસ્તિકાઓ.
· સંત ઓધવરામ મહારાજ દ્વારા લેખિત “ઈશ્વર વિહારીવિલાસ, ભાગ ૧ અને ભાગ ૨” પુસ્તક.
· જ્ઞાતિમાં વિવિધ ગામો અને શહરોમાં ઊભા કરવામાં આવતા સમાજો, યુવક મંડળો અને ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરોના અહેવાલો.
· પાટીદાર ઉદય માસિક પત્રિકાના અંકો.
· વર્ષ ૧૯૬૦ પછી કેન્દ્રીય સમાજ દ્વારા યોજાયેલ જ્ઞાતિના પાંચે પાંચ અધિવેશનોના અહેવાલો.
· કચ્છના કડવા પાટીદારોનો ઈતિહાસ પુસ્તક
· કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ અંગેનો ઈતિહાસ.
· સત્ય પ્રકાશ – પીરાણા સતપંથનો ઈતિહાસ અને તેનો હિંદુ ક.ક.પા. જ્ઞાતિ પર પ્રભાવ, પુસ્તક.
· જાગૃતિ માસિક પત્રિકાના અંકો.
· યુવાસંઘની સ્થાપના પાછળના હેતુઓ અને અહેવાલ.
· દેશાલપર (વાંઢાય) માં સંસ્કાર ધામ એટલે ભગવાન લક્ષ્મીનારાયણના કેન્દ્ર સ્થાનની સ્થાપનાનો અહેવાલ.
· કણબી ક્ષત્રિય ઉત્ત્પત્તિ અને ઈતિહાસ પુસ્તક.
· પીરાણા સતપંથના ધર્મ ગુરુ શૈય્યદ શામ્શુદ્ધીન અહમદ અલી ખાકીની સમાચાર પત્રિકામાં છપાયેલ મૃત્યનોંધ
· સતપંથની મૂળ હસ્તલેખિત ધાર્મિક ગ્રંથો અને તેની ઉપર વિશ્વ વિખ્યાત સંશોધનકારો દ્વારા છાપવામાં આવેલ અસંખ્ય પુસ્તકો.
· સતપંથ ઉપર રીસર્ચ કરીને Ph.D. ડોક્ટરની ડીગ્રી મેળવનાર સંશોધનકાર દ્વારા તૈયાર કરેલ રીસર્ચ થીસીસ.
5. કેન્દ્ર સમાજનો ઈતિહાસ: કેન્દ્ર સમાજનો શરૂઆતથી ઈતિહાસનો અભ્યાસ કર્યો. ૧૯૬૦માં કેન્દ્ર સમાજ ચેરિટીમાં રજિસ્ટર કરેલ, પણ તેનાં પહેલાં, કેન્દ્ર સમાજ વર્ષ ૧૯૩૭–૩૮માં સુવ્યવસ્થિત રીતે, બંધારણીય રીતે, ગામ વિરાણી મોટીના શ્રી રતનશી ખીમજી ખેતાણીના પ્રમુખ પદે અને ગામ નખત્રાણાના શ્રી નથુ નાનજી કેશરાણી/છાભૈયાના મહામંત્રી પદે, પહેલવહેલી સ્થાપેલ હતી. કેન્દ્ર સમાજનું શું બંધારણ હતું? શું હેતુઓ હતા, સ્થાપનાના શું ઉદ્દેશો હતા? તેમજ તે સમયના સનાતની કેન્દ્ર સમાજના આગેવાનોની મોહીમથી નિર્મિત ઉમિયા માતાજી વાંઢાયના મંદિરનો અહેવાલ અને તેમ પ્રસંગે થયેલ ભાષણો, સ્થાપનાના ઉદ્દેશો, હેતુઓનો અભ્યાસ કર્યો. આમાં કેટલો ભેળસેળ હતો કે નહોતો, કેટલી બાબતોમાં છૂટછાટ આપી હતી, છૂટછાટનો કેટલો ગેરલાભ લેવામાં આવેલ હતો, તેનો પણ અભ્યાસ કર્યો.
6. જ્ઞાતિમાંથી મેળવેલ દસ્તાવેજો: અભ્યાસના ક્રમમાં આગળ વધારતાં કેન્દ્ર સમાજની ઈતિહાસની ફાઈલો જોઈ. કોટડા (જડોદર) સમાજમાં સાચવેલા કેન્દ્ર સમાજ અંગેના એ સમાજ રજિસ્ટર કર્યા પહેલાંના દસ્તાવેજોનો અભ્યાસ કર્યો. તે સમયે ગતિવિધિનું સેન્ટર કોટડા (જડોદર) હતું. સંશોધનના સમય કાળમાં કોટડા (જડોદર) ગામના તે સમયના પ્રમુખ શ્રી કાંતિભાઈ રામાણીને આ દસ્તાવેજો મારા ધ્યાને લાવવા બદ્દલ આભાર માનવોજ રહ્યો. દસ્તાવેજો ખૂબ ખરાબ હાલતમાં હતા. કાગળોને માત્ર અડવાથી બટકી જતા હતા. પણ કાંતિભાઈએ સમયસર દસ્તાવેજો તરફ મારું ધ્યાન દોર્યું. જેથી એ તમામ દસ્તાવેજોને સ્કેન કરી, તેમને લેમીનીશન કરવામાં આવ્યા છે. આજે કોટડા (જડોદર) સમાજની ઑફિસમાં એક સરસ મજાની વિશેષ નાનો કબાટ તૈયાર કરવામાં આવેલ છે, જ્યાં માત્ર આ દસ્તાવેજો મૂકેલ છે. એ જમાના કયા ગામમાં કેટલા ઘર સનાતની હતા, તેમાં કેટલા લોકો ધંધો કરતા, કેટલા ખેતી કરતા, કેટલા મજૂરી કરતા, કયા ગામમાં ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર છે, કયા ગામમાં નથી, વગેરે મુદ્દાઓનો સંપૂર્ણ રેકોર્ડ છે. ઘરના મુખ્ય વડીલ કર્તાહર્તાના નામોની યાદી પણ છે. કદાચ અન્ય ગામોના મંદિરોની તારીખ વધઘટ હશે, તો આ દસ્તાવેજોમાં સચોટ તારીખો છે. લક્ષ્મીનારાયણ મંદિરના ઉદ્ઘાટનની અને કોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ પણ છે. સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સનાતનીઓની જનસંખ્યા કેટલી હતી, માંડવીથી, ભુજથી, લખપત સુધીની તમામ વસ્તી ગણતરીની વિગતો છે.
ત્યારબાદ વિશેષ ધન્યવાદ માપ્સા, ગોવાના વિનોદભાઈ જાદવાણીને આપવા જેવા છે. વિનોદભાઈ જાદવાણીના પરિવારે સતપંથના હસ્તલેખિત ધાર્મિક પુસ્તકો સાચવી રાખેલ હતા. એ પુસ્તકો રમેશભાઈ વાગડિયાના હસ્તે મારા સુધી પહોંચ્યા. એ અસલ (original) ગ્રંથો બે મોટા થેલાઓ / કોથળાઓમાં ભરેલા હતા. ધન્યવાદ છે વિનોદભાઈના પરિવારજનોને કે જેમણે સતપંથના મૂળ ગ્રંથો સાચવી રાખ્યા અને યોગ્ય સમય ઉપર અભ્યાસ માટે બહાર કાઢ્યા. સામાન્ય રીતે આપણા વડીલો જ્યારે સતપંથ છોડી સનાતનમાં આવ્યા, ત્યારે સતપંથના ધાર્મિક ગ્રંથોને નારાયણ સરોવરમાં તરાવી નાખતા હતા. કારણકે એ સમયમાં એવી ખોટી ગ્રંથી લોકોના મગજમાં બેસી ગઈ હતી કે આ પુસ્તકોને ઘરમાં રાખશું તો અપશકુન થશે. પણ ઈતિહાસ ક્યાંક ભુલાઈ ન જાય તે માટે, ધાર્મિક ગ્રંથો અને પુસ્તકો હશે તો આપણને સચ્ચાઈ ખબર પડશે કે આપણી સાથે કેવી રીતે છેતરામણી થઇ હતી, એવી ભાવનાથી જાદવાણી પરિવારે સતપંથના ધાર્મિક ગ્રંથો સાચવેલા હતા.
પ્રેમજીભાઈ ભાણજી કેશરાણીએ પણ પોતાના જીવનભર સતપંથ વિષય ઉપર ઘણા બધા દસ્તાવેજો, પુસ્તકો, માહિતીઓ વગેરે ભેગી કરેલ હતી. તે મેળવી લીધી. હિંમતભાઈ રતનશી ખેતાણીના ઘરમાં તેમના પિતાજી દ્વારા સાચવવામાં આવેલ ઘણા અમૂલ્ય પુસ્તકો અને દસ્તાવેજો મળી આવ્યા. અમુક પુસ્તકો ઉપર આપણા જ્ઞાતિ સુધારક નારાયણ રામજી લીંબાણીનું નામ લખેલું પણ છે. જેથી ખબર પડે છે કે નારાયણ રામજી લીંબાણી જે પુસ્તકોનો અભ્યાસ કરીને આપણી જ્ઞાતિમાં જાગૃતિ લાવી હતી, તે પુસ્તકો આજે પણ છે. કચ્છ ખાતે જ્ઞાતિનું બીજું અધિવેશન બોલાવાના પ્રયત્ન કરવામાં આવેલ (જે કોઈ કારણ સર છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવેલ) ત્યારે બનાવેલ પોસ્ટરોની અમુક નકલો પણ મળી આવી. સંત ઓધવરામ મહારાજ દ્વારા ખાસ આપણી જ્ઞાતિને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલ ઈશ્વર વિહારી વિલાસ ગ્રંથ પણ મળી આવ્યો. અમુક એવા દસ્તાવેજો પહેલ વહેલ હિંમતભાઈના ઘરથી મળ્યા, જેણે વાંચવાથી જાણ થાય છે કે જ્ઞાતિના ઈતિહાસના અમુક મહત્ત્વના પાનાઓ હજી દબાયેલા છે. સત્ય હકીકત હજી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. તેવીજ રીતે રમેશભાઈ માવજી વાગડીયા પાસેથી પણ દસ્તાવેજો મળ્યા. વડીલ ભીમજી કેશરાના પોત્રા, શ્રી જયંતભાઈ અરવિંદ સલાટ / લીંબાણી, કોટડા જડોદરવાળા પાસેથી પણ બહુ સરસ પુસ્તકો, દસ્તાવેજો, વિગતો મળી. સાબરકાંઠાના કંપાઓમાંથી વડીલ પ્રિન્સીપાલ રતિલાલ છાભૈયા અને ડો વસંત ધોળુંના મારફતે પણ ઘણા બધા પુસ્તકો મળ્યા.
કહેવાય છે ને કે દીવા નીચે અંધારું હોય, એવું થોડું મારા સાથે પણ થયું. ખુદ મારા ઘરમાં ઘણાં પુસ્તકો હતાં, એની જાણ મને પણ નહોતી. મારા દાદા શ્રી મેઘજી પરબત છાભૈયા, કરાચીમાં નારાયણ રામજી લીંબાણીની આગેવાનીમાં સ્થપાયેલ કરાચી યુવાક્સંઘના કારોબારી સભ્ય હતા. એ સમયમાં જે પુસ્તકો, અહેવાલો, દસ્તાવેજો, હેન્ડબીલ વગેરે છપાયેલ હતા, તેને ભેગા કરી તેને Bind (બાંધી) કરીને એક જાડી બુક બનાવીને મૂકી ગયા હતા. જેની જાણ કોઈને નહોતી. મારા પિતાશ્રીના કે મારા મોટા બાપાઓના ધ્યાનમાં પણ આ બુક નહોતી. કચ્છ ખાતેનું અમારું ઘર રીપ્યેર કર્યું ત્યારે આ પુસ્તક હાથે ચડ્યું. કરાચી ખાતેના યુવકસંઘની કારોબારી સભ્યના સંયુક્ત ફોટોગ્રાફ પણ મારા ઘરેથી મળી આવ્યા.
જે જે લોકો original (અસલ/મૂળ) પુસ્તકો અને દસ્તાવેજો આપતા, તેને ખૂબજ કાળજી પૂર્વક, કોઈ નુકસાન ન થાય તેવી રીતે, ઝેરોક્ષ કરી અથવાતો સ્કેન કરીને, તમામ પુસ્તકો/દસ્તાવેજો પાછા આપી દીધેલ છે. સ્કેનીંગનું કામ બહુ વધવા લાગ્યું એટલે જૂના પુસ્તકોને કોઈ નુકસાન કર્યા વગર સહેલાઇથી અને ઝડપી રીતે સ્કેન કરી શકાય એ માટે હાથગડાઉ (જુગાડ) સ્કેનર જાતે તૈયાર કર્યું, જેણે ફોલ્ડ કરી કારમાં પણ લઇ જઈ શકાય એવી સરળતા હતી.
જાગૃતિ માસિક પત્રિકાના અંકોનો અભ્યાસ કર્યો. તેમાં તે સમયની ગતિવિધિઓની ખૂબ સારી માહિતીઓ છે. તેવીજ રીતે પાટીદાર ઉદય માસિક પત્રિકાનો પણ અભ્યાસ કર્યો. અસંખ્ય નાના મોટાં દસ્તાવેજો, પેમ્પલેટો, હેન્ડબીલો, બુકોનો અભ્યાસ કર્યો. રસલીયા, મદનપુરા, દુર્ગાપુર, નેત્રા, રવાપર, નખત્રાણા, વિરાણી મોટી વગેરે ઘણા ગામોમાંથી મળેલ માહિતીઓનો પણ અભ્યાસ કર્યો.
કહેવાનો મતલબ અહીં એ છે કે પૂરે પૂરી, જેટલી મળે એટલી, બધીજ જગ્યાથી માહિતીઓ મેળવેલ છે.
આ બધી માહિતીઓ ભેગી કરતી વખતે ઈતિહાસનું એવું પાનું હાથમાં લાગ્યું કે જે આટલાં વર્ષો સુધી કેમ દબાઈને રહ્યું એની ખબર નથી. પણ આ ઈતિહાસનું એક એવું પાનું છે કે આપણી જ્ઞાતિનો ઈતિહાસ બદલી નાખે એમ છે. આપણા સમાજનો ઈતિહાસ બદલી નાખનાર દસ્તાવેજને જ્યારે સ્વ. ગંગારામબાપાને બતાવ્યો, ત્યારે ગંગારામબાપાના ઉદ્ગારો હતા કે… “તું આ ક્યાંથી કાઢી આવ્યો? આના હિસાબે આપણા સમાજમાં કોઈક બીજાના પૂતળા લાગેલાં હોવા જોઈએ. સંસ્કાર ધામ દેસલ્પારમાં, ઉમિયા માતાજી વાંઢાયમાં કોઈક બીજા વ્યક્તિના પૂતળા હોવા જોઈએ.” ત્યારે મેં બાપાને વિનંતી કરીને હમણાં આપણે આ વિષયમાં ન પડીએ. ભવિષ્યમાં સમય આવશે ત્યારે આપણે આના તરફ ધ્યાન દેશું. પણ હાલમાં આ એક મોકો છે એટલે આ વાત અહીં આપની સામે મૂકેલ છે. જેમ ભારત દેશના ઈતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અન્યાય થયો છે, તેમને ગણકાર્યા નથી, તેમનું અપમાન થયું છે, તેમને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું, તેવી રીતે આપણી સમાજમાં પણ કોઈકની સાથે એવું થયું છે.
7. જ્ઞાતિ બહારથી મેળવેલ સતપંથનો ઈતિહાસના દસ્તાવેજો: આ તબક્કે જ્ઞાતિનો ઈતિહાસ શું છે, એ સારી રીતે ખબર પડી ગઈ હતી. પણ હજી ક્યાંક ખૂટતું હતું. પણ પ્રશ્ન એ હતો કે આમાં ખૂટે શું છે? આટલું જાણ્યા / જણાવ્યા બાદ સતપંથવાળા માનતા નથી. તો શું ખૂટે છે? માટે હજી ઊંડાણમાં ઉતારવાની જરૂર છે, એવું દેખાવા લાગ્યું. સતપંથનું મૂળ શું છે? એના સ્થાપક કોણ છે? એના ઉદ્દેશો શું છે? એનો અભ્યાસ કરવાની જરૂર પડી. આનો અભ્યાસ કરવાનો વારો આવ્યો ત્યારે સમજાયું કે આ માહિતીઓ સ્વતંત્ર રીતે આપણી જ્ઞાતિની બહારથી મોટે પાયે મળી શકે એમ છે.
8. ઇન્ટરનેટ: જ્ઞાતિ બહારની માહિતીઓ મેળવવા માટે ઇન્ટરનેટથી શરૂઆત કરી. ઈન્ટરનેટ ઉપર ખૂબ સારી માહિતીઓ છે. બહુ સરળ ભાષામાં, સહજ સમજાય, સહેલાઇથી મળી જાય, એવી માહિતીઓ છે. એનો અભ્યાસ કરીને પહેલી નજરેની (પ્રથમ દ્રષ્ટિએ) પોતાની સમજને મક્કમ બનાવી. પણ સાથે સાથે લાગ્યું કે આટલાથી પતે નહિ. આપણી પાસે સજ્જડ પુરાવાઓ જોઈએ. કારણ કે આપણી જ્ઞાતિ ધર્મના મુદ્દા ઉપર મહત્ત્વના પડાવ ઉપર આવીને ઊભી છે.
9. મુંબઈ – એશિયાટીક લાઈબ્રેરી: પણ સજ્જડ પુરાવા માટે, શરૂઆત ક્યાંથી કરવી? કોણ આપે? કરવું શું? આમ સવાલોમાં ઘરેલો હતો, ત્યારે મુંબઈની એક વિશ્વ વિખ્યાત લાઈબ્રેરી (ગ્રંથાલય), Asiatic Library (એશિયાટીક લાઈબ્રેરી)માં જવાનું નક્કી કર્યું. તીર કે તુક્કો જે થાય, ચાલો કોશિશ તો કરીએ, એવું સોચી આગળ વધવાનું નક્કી કર્યું. આવી કોઈ લાઈબ્રેરીમાં કોઈ દિવસ ગયેલ હતો નહિ. એટલે ખબર નહોતી કે લાઈબ્રેરીઓ કેમ ચાલતી હોય. ત્યાં ગયો તો જોયું કે બધા પોત પોતાના પુસ્તકોમાં મોઢાં નાખીને, ચૂપચાપ લાગ્યા પડ્યા હતા. કરવું શું? કંઈ ખબર નહીં? એટલે વિચાર કર્યો કે કોઈ અંદર આવતું હોય, તેને દરવાજામાં પકડી લઉં તો ત્યાં વાત થશે. એવી રીતે એક માણસને પકડ્યો. તેમને મેં સમજાવ્યું કે મારે આ વિષય પર રિસર્ચ કરવું છે. માટે પુસ્તકો શોધવામાં મને કોણ મદદ કરશે? કારણ ત્યાં રૂમોને રૂમો પુસ્તકોથી ભરેલ છે. તેમાં ક્યાં પુસ્તકો શોધવા? એમને લાઈબ્રેરીના સ્ટાફ પાસે જવાનું કહ્યું. સ્ટાફને પૂછ્યું કે તમે બુક નંબર / કેટલોગ નંબર આપો તો પુસ્તક શોધી આપીએ. પણ એ નંબર આપણી પાસે ક્યાં થી? એટલે એ ભાઈએ કહ્યું કે તમે મૂંઝાશો નહિ, દરવાજા પાસે કેટલોગનું કેબીનેટ છે, તેમાં તમને જે બુક જોઈએ તેને અનુક્રમણિકા (index) માં શોધો. કેબીનેટ પાસે ગયો, તો ત્યાં લગભગ ૧૫ કબાટ હતાં. ૧૫ કબાટમાંથી ક્યાં શોધવું? કારણ આપણને પુસ્તકનું નામ પણ ખબર નથી, લેખકનું નામ પણ ખબર નથી. શોધવું કેમ?
કોઈકે કહ્યું કે ઑફિસમાં વાત કરો એટલે ઑફિસમાં એક ભાઈને વિનંતી કરી ને કહ્યું કે અમોને કંઈ ખબર નથી, થોડી મદદ કરો. એ ભાઈએ પૂછ્યું કે તમારો વિષય શું છે? તેમને મેં વિષય જણાવ્યો. એટલે પહેલાં ભાઈએ કહ્યું કે તમે અડધો કલાક બેસો, આ વિષયનો એક જૂનો reader/expert (વાચક/વિશેષજ્ઞ), એક વડીલ બાપા આવશે. તમે એમને મળજો, એ જરૂર સહયોગ કરશે. લગભગ કલાક પછી એ વડીલ આવ્યા અને એ બાપાએ મને ૪ થી ૫ પુસ્તકોનાં નામો આપ્યાં. આ ૪ થી ૫ પુસ્તકોમાંથી એક નામ આપ્યું અને કહ્યું કે આનાથી તમે શરૂઆત કરજો.
આ ચોપડીથી મેં શરૂઆત કરી. આ ચોપડી મેં કઢાવી.લગભગ ૨૫૦ થી ૩૦૦ પાનાંની ચોપડી હતી. ચોપડી વાંચી. સારી હતી. પણ આવડી મોટી ચોપડી એક સાથે તો વાંચી લેવાય એ શક્ય નહોતી. ૧ દિવસ, ૨ દિવસ કે ૪ દિવસમાં પણ પૂરી ચોપડી વાંચી લેવું એ શક્યું નહોતું. એટલે વિચાર આવ્યો કે આ પુસ્તકને xerox (ઝેરોક્ષ) / photocopy (ફોટોકોપી) કરાવી લઉં તો સારું/મેળ પડે. ઝેરોક્ષ કરવા ગયો, તો મને કહેવામાં આવ્યું કે ૨૦ પાનાંઓ થી વધારે ઝેરોક્ષ કરી આપવું શક્ય નથી. કારણકે લાઈબ્રેરીનો એવો નિયમ છે. ત્યારે મને લાગ્યું કે આવી રીતે ૨૦-૨૦ પાનાઓને ઝેરોક્ષ કરાવીએ તો આનો અંત ક્યારે આવે? ખૂબ સમય લાગે. એટલે મેં પાછા પેલા ભાઈને કહ્યું કે મને મહત્ત્વના કારણ સર પુસ્તકની ઝેરોક્ષ કરવી છે, તો એ ભાઈએ કહ્યું કે નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય.
પછી મેં એમને આપણી જ્ઞાતિની ધાર્મિક વિટંબણા સમજાવી. આ મહત્ત્વની વાત છે. માટે આવી લાંબી વાત અહીં કરેલ છે. એ ભાઈ Christian / (ઈસાઈ ધર્મી) હતો. એમને કહ્યું કે તમારી જ્ઞાતિ સાથે આવડી મોટી છેતરામણી થઇ છે? હવે તમારી માટે પૂરો સહયોગ કરીશ. તમને ગમે ત્યાંથી આ પુસ્તક અપાવીશ. એ પુસ્તક એમણે મંગાવીતો આપ્યું, પણ એ ભાઈએ નિરાશા પૂર્વક કહ્યું કે આ તો Rare Book/(દુર્લભ પુસ્તક) છે, આનીતો ઝેરોક્ષ કઢાવવાની પણ મનાઈ છે. હવે શું કરવું? મેં કહ્યું કે ભાઈ આનો કંઇક રસ્તો કાઢો. આ મારી જ્ઞાતિનો સવાલ છે, આ મારા સમાજ, મારી મા નો સવાલ છે. ત્યારે તેમણે કહ્યું કે ઠીક છે કે તમે કાલે આવો. હું મારા ઉપલા અધિકારીને વિશ્વાસમાં લઇને કંઇક રસ્તો કાઢી આપું છું.
બીજા દિવસે ગયો, એટલે ઉપલા અધિકારીએ પહેલાં ના જ પાડી દીધી. પછી તેમને પૂરી વાત સમજાવી અને વિનંતી કરી એટલે તેમણે કહ્યું કે ઠીક છે, હું નિયમમાં બાંધ છોડ નહીં કરું. આનો એક રસ્તો છે. તમે આ લાઈબ્રેરીના લાઈફ મેમ્બર થાઓ, તો થાય. એટલે મેં કહ્યું કે ચાલો ઠીક છે, સાદી સીધી મેમ્બરશીપ હશે, લઇ લેશું તો વાત થશે પૂરી. પણ ખબર પડી કે આ મેમ્બરશીપ માટે ૧૫ હજાર રૂપિયા ભરવા પડે. ત્યારે મેં કહ્યું કે આ આપણી જ્ઞાતિનો સવાલ છે. ૧૫ હજાર તો ૧૫ હજાર. એટલે ૧૫ હજાર રૂપિયાના કર્યા કાકા. થયો લાઈફ મેમ્બર. બુક મેળવી અને પછી એ પુસ્તકની ઝેરોક્ષ કરાવી લીધી.
એ પુસ્તક હાલની સતપંથ સામેની ક્રાંતિ/ચળવળ/લડાઈમાં સનાતનીઓને જીત તરફ લઇ જવા માટે Turning Point (વળાંક આપનારી) નીવડી. આ વાત મને તે દિવસે ખબર નહોતી, એ આજે મહેસૂસ થાય છે. ૧૫ હજાર તે દિવસે જે વાવેલા હતા, તે આજે ઊગી આવ્યા.
આ પુસ્તકમાંથી શરુ થઇ ગઈ શૃંખલા બીજા પુસ્તકોને મેળવવાની. આ પુસ્તકમાંથી રેફરેન્સ / સંદર્ભ મળતા ગયા. જ્ઞાતિ, સતપંથ, ઈમામશાહ, એમના દાદા સદૃદ્દીન, આગા ખાન,નિષ્કલંકી નારાયણ વગેરે વગેરે. પીરાણા સતપંથ શું છે? એ કેમ મૂળ સતપંથની એક શાખા / Branch છે. શા માટે બન્ને શા માટે સામ્યતા ધરાવે છે. બન્નેમાં કોઈ ફરક કેમ નથી? કહેવા માટે કહીએતો માત્ર ૦.૦૧% નો જ ફરક આ બન્ને શાખાઓમાં છે. સતપંથમાં જે કંઈ હિંદુકરણ કે હિંદુ દેખાવ છે એ માત્ર “તાકિયા”/Taqiya/Taqiyya/Taqiyyah/Takiya છે. આવી બધી વાતો એ પુસ્તકમાં હતી. આવી રીતે એક સંદર્ભના સહારે બીજો સંદર્ભ, બીજાના સહારે ત્રીજો સંદર્ભ મળતો ગયો અને પુસ્તકો મળતાં ગયાં.
10. અન્ય લાઈબ્રેરીઓ: પછી મુંબઈ યુનિવર્સિટીની ફોર્ટ વિસ્તારમાં આવેલ લાઈબ્રેરીમાં ગયા. તેવીજ રીતે મુંબઈ યુનિવર્સિટીની કલીના કેમ્પસમાં આવેલ સાંતાક્રુઝની લાઈબ્રેરીમાં ગયા. ત્યાં બહુ મોટી લાઈબ્રેરી છે. દુનિયાભરના મોટા મોટા રીસર્ચારો આવે છે ત્યાં. બરોડામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી લાઈબ્રેરીમાં ગયા. ત્યાં ખૂબ સરસ દસ્તાવેજો મળ્યા. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ગયા. પ્રિન્સીપાલ રતિલાલ લધ્ધા છાભૈયા સાહેબ (R L Saheb) તલોદવાળા, એક વખત સાથે ચાલ્યા હતા. આ વડીલનો મને ખૂબ સહયોગ મળ્યો. હું તેમણે જયારે ફોન કરું કે અમદાવાદ આવો ત્યારે વસંત ધોળુ સાથે તલોદથી પહોંચી આવે. ગાંધીનગર નજીક આવેલ સદરા ગામમાં આવેલ અંગ્રેજોના જમાનાની લાઈબ્રેરીની મુલાકાત લેવા સાથે ચાલ્યા હતા. તેવીજ રીતે, શ્રી રતનશી લાલજી દીવાણી, થાણાવાળાએ પણ ખૂબ સહયોગ આપ્યો. જે ઘડીએ આપણી હિમ્મત જવાબ આપવા લાગે એ ઘડીઓમાં જરૂરી હિંમત પૂરી પાડતા અને આપણામાં જોશ પણ ભરી આપતા. સતપંથ અને રીસર્ચ માટે અનેકો જગ્યાએ મુલાકાત લેવામાં તેઓ સાથે રહ્યા. અમુક એવી એવી જગ્યા અમે સાથે ગયા, જે સામાન્ય રીતે અકલ્પનીય છે.
11. Archeological Survey of India (ASI) / ભારતીય પુરાતત્તવ સર્વેક્ષણ ની વડોદરામાં મુખ્ય ઑફિસ છે. ત્યાં પણ એક લાઈબ્રેરી છે. ત્યાં હાલના પ્રમુખશ્રી ખુદ અબજીભાઈ કાનાણી મારી સાથે એક વખત ચાલ્યા હતા. પ્રેમજીભાઈ કેશરાણી ચાલ્યા હતા, રતનશીભાઈ લાલજી દીવાણી, પણ ચાલ્યા હતા. વસંતભાઈની મહેનતથી પાટણ યુનિવર્સિટીમાંથી સતપંથ વિષય ઉપર એક રીસર્ચ થીસીસ મળ્યું. આગા ખાન ફાઉનડેશન, પુનામાં ગયા. જલગાંવ ડીસટ્રીકટ લાઈબ્રેરી, થાણા ડીસટ્રીકટ લાઈબ્રેરી એવી રીતે ઘણી જગ્યાએ ગયા.
12. ઈન્ટરનેટ પર આંતરરાષ્ટ્રીય લાઈબ્રેરીઓ: એક વખત યોગનું યોગ મારી મુલાકાત પ્રોફેસર મોહનભાઈ છગનભાઈ છાભૈયા, આણંદવાળા સાથે થઈ. તેમની સાથે સતપંથને લઇને જ્ઞાતિમાં ચાલતી પ્રવૃત્તિઓ વિષે ચર્ચા થઈ. એમને તો જાણે મને દુનિયા ભરની બધીજ લાઈબ્રેરીઓની ચાવીજ આપી દીધી. મોહનભાઈ પોતે સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટાર (Registrar) પદે હોવાના કારણે તેઓ શૈક્ષણિક જગત સાથે ખૂબ ઊંડાણથી સંકળાયલા છે. વિશ્વની મોટામાં મોટી મહત્ત્વની યુનિવર્સિટીઓની લાઈબ્રેરીઓની પુસ્તકોને ઈન્ટરનેટ મારફતે મેળવી લેવા માટે મને વ્યવસ્થા કરી આપી. આના કારણે મને સતપંથ ઉપર દુનિયાભરની જાણકારીઓ, દસ્તાવેજો અને પુસ્તકો મળ્યા. હવે માત્ર ભારત નહિ, પણ વિદેશોમાંથી પણ જાણકારીઓ મળવા લાગી. આનાથી પહેલાં વ્યક્તિગત રીતે વિદેશોથી માહિતી મંગાવવાના પ્રયત્નો ચાલુજ હતા. વિદેશોથી પુસ્તકો અને દસ્તાવેજો મિત્રો મારફતે તેમજ ઓનલાઈન મંગાવી લેતા. બજારમાંથી પણ પુસ્તકો વેચાતી લેતા. પણ મોહનભાઈના સહયોગના કારણે ઘર બેઠે બેઠે એક બટન દબાવીને માહિતી મળી જતી, એની જે સગવડ મળી ગઈ, એ બહુ જબરદસ્ત હતી. જેના થકી ખૂબ સારું કામ થયું.
13. રીસર્ચ થીસીસ (Research Thesis): ઈન્ટરનેટના સગવડના કારણે વિશ્વની સન્માનનીય યુનિવર્સિટીઓમાં સતપંથ ઉપર થયેલ સંશોધનો અને રીસર્ચ થીસીસઓ આપણા હાથમાં આવી. રીસર્ચ થીસીસનું એક વિશેષ મહત્ત્વ હોય છે. રીસર્ચ થીસીસ એટલે જે વિદ્યાર્થી સતપંથ ઉપર અભ્યાસ કરીને Ph.D (ડોક્ટરેટ) ડીગ્રી લેવા માંગતા હોય, એને યુનિવર્સિટીમાં એવું એક વિશેષ અધ્યયન કરવું પડે, જે આજ સુધી કોઈએ ન કર્યું હોય. આ અધ્યયન તૈયાર કરીને જે દસ્તાવેજ બને, એ દસ્તાવેજને યુનિવર્સિટીમાં આપવામાં આવે. ત્યાર બાદ આ દસ્તાવેજનો અભ્યાસ સતપંથ વિષયના નિષ્ણાંતો કરે અને જ્યારે એમને લાગે કે આ અધ્યયનનો ખરે ખર બરાબર છે તેમજ સતપંથની ઐતિહાસિક જાણકારીઓના અનુરૂપ છે, ત્યારે એને પાસ કરવામાં આવે અને ડીગ્રી આપવામાં આવે. રીસર્ચ થીસીસ તૈયાર કરવી એ બહુજ અઘરું કામ હોય છે અને તેમાં પણ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં આવી રીસર્ચ થીસીસ તૈયાર થયેલ હોય એની તો સ્તર / લેવલજ જુદું હોય છે. આવી રીસર્ચ થીસીસઓ આપણને Harvard University, Oxford University, McGill University, Virginia University, Cambridge University, Yale University, Delhi University, Gujarat University, M S University – Vadodara, Patan University, B J Institute of Learning and Research – Ahmedabad વગેરે વગેરે મહત્ત્વની લગભગ બધીજ યુનિવર્સિટીઓમાંથી મળી.
14. તાકિયા: રીસર્ચ થીસીસનો અભ્યાસ ચાલુ હતો, તે દરમ્યાન સતપંથનું એક મહત્ત્વનું હથિયાર આપણા ધ્યાને આવ્યું. આપણી સતપંથ સામેની લડાઈમાં, સેંકડો વર્ષો નીકળી ગયા હોવા છતાં, આ હથિયારની આપણે જાણ નહોતી. એના કારણે આપણે (સનાતનીઓ) સતત એ હથિયારથી થાપ ખાતા હતા.
હથિયારની જાણ થઇ એ પહેલાં હું પણ મુંઝાતો હતો કે આપણા વડીલો/બાપાઓ આવડી પીડા કરે છે, આવડી મહેનત કરે છે અને સતપંથીઓને સમજાવે છે, છતાં આ લોકો સમજતા કેમ નથી? કેવી રીતે આ લોકો ખુલ્લે આમ બિન્દાસ ખોટું બોલી જાય છે. એવું તો શું છે સરાસર ખોટું બોલી જાય તોય તેમના પેટનું પાણી પણ હાલતું કેમ નથી? ચહેરા પર કોઈ ફરક કેમ નથી આવતો? તેમની આંખોમાં ખોટું કરવાની શરમ કેમ નથી દેખાતી? જવાબ હતો રીસર્ચ થીસીસ તેમજ વિશ્વ વિખ્યાત સંશોધનકોના પુસ્તકોમાં જણાવેલ, ઈસ્લામ ધર્મમાં “તાકિયા” પદ્ધતિ.
આ “તાકિયા” રણનીતિ/પદ્ધતિના કારણે, એ લોકો મુસલમાન હોવા છતાં, એક હિંદુનો “દેખાવ” અપનાવી શકે છે, પોતે હિંદુ છે, એવું છડેચોક ખોટું પણ કહી શકે. ઈસ્લામમાં વર્જિત હોય એવું કોઈ પણ કામ કરી શકે. શરત માત્ર એટલીજ છે કે ફક્ત દિલથી ઈસ્લામ તરફ વફાદાર રહેવું જોઈએ. બાકી બધીજ બાબતોમાં છૂટ આપવામાં આવી છે. એમને ખૂન કરવાની પણ છૂટ છે. આ તાકિયા પદ્ધતિ હળવા (Mild) રૂપમાં (ખૂન વગેરેની સ્તરમાં નહીં), ખાસ દેખાવના સ્તરે સતપંથ વાળા પાળે છે, તેમાય પીરાણા સતપંથ વાળા ખાસ પાળે છે. એવું રીસર્ચ થીસીસો અને દુનિયાભરના સંશોધનકારોએ પોતાના દસ્તાવેજોમાં જણાવેલ છે. આ તબક્કે આપણને આ વાતની સમજણ પડી, જેથી કરીને સતપંથની તમામ વ્યૂહરચનાઓ પાછળની રમત સમજાવા લાગી.
15. સરકારી ગઝેટીયર અને વસ્તી ગણતરી (Gazetteer & Census): પુરાવાઓ (Proofs) ભેગા કરવાનું કામ સાથે સાથે ચાલુજ હતું. ઉપર જણાવેલ મુદ્દાઓ અને આ પુસ્તકમાં અન્ય જગ્યાએ જણાવેલ મુદ્દાઓ ઉપર પુરાવાઓ તો ભેગા કરેલ હતા. એના ઉપરાંત, સરકારી ગઝેટીયરો ભેગા કર્યા. અંગ્રેજ સરકાર દ્વારા પ્રકાશિત The Bombay Presidency Gazetteer Vol IX, Part 2 વર્ષ ૧૮૯૯નું ધ્યાને આવ્યું. નિષ્કલંકી નારાયણ કોણ? તો આ ગઝેટીયરમાં જણાવેલ છે કે એ હઝરત મૌલા અલી છે. હઝરત મૌલા અલી (શિયા મુસલમાન પંથના મુખ્ય કિરદાર અને ઈસ્લામના સ્થાપક મહમ્મદ પૈગંબરના જમાઈ તેમજ કાકાઈ ભાઈ) નું ભારતીય નામ નિષ્કલંકી નારાયણ રાખવામાં આવેલ છે એવું ચોખ્ખું લખ્યું છે. હિંદુઓને વટલાવીને તેમનું ધર્મ પરિવર્તન કરવા માટે ઈસ્લામ ધર્મની એક શાખાનું હિંદુ નામ સતપંથ આપવામાં આવ્યું છે, એ પણ લખ્યું છે. ઈમામશાહનું કામ ભારતમાં આવીને હિંદુઓને વટલાવવાનું હતું. આવા બધાજ દસ્તાવેજો આપણે મેળવ્યા. ત્યાર બાદ મુંબઈ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા વગેરે જગ્યાઓથી ગઝેટીયરો ભેગા કર્યાં. તેવીજ રીતે સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાંથી વસ્તી ગણતરી (Census) ના રેકર્ડ ભેગા કર્યા. કચ્છમાં તે સમયે કેટલી વસ્તી હતી, કયા કોમની અને કયા ધર્મની, એ જાણકારી મળી.
16. વિશ્વકોશ (Encyclopedia): ગુજરાત વિશ્વકોશ, અમદાવાદથી પણ દસ્તાવેજો ભેગા કર્યા. પ્રિન્સિપાલ રતિલાલભાઈ લધ્ધા છાભૈયા, તલોદવાળાનો પણ ફરીથી અહીં સહયોગ મળેલ હતો. ગુજરાત વિશ્વકોષ એટલે ગુજરાતને લાગતાવળગતા વિષયો ઉપર તૈયાર કરેલ Encyclopedia (એન્સયકલોપીડીયા) છે. એમાં ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ છે. ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ તરીકે એક અલાયદી સંસ્થા ચાલે છે, ત્યાં પ્રિન્સિપાલ સાહેબની ઓળખાણ હતી. ત્યાંથી આપણને સતપંથ, ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, પીરાણા વગેરે બધીજ વસ્તુઓ પરના દસ્તાવેજી પુરાવાઓ મળ્યા.
17. જયપુર યુનિવર્સિટી: હવે પછી મુંબઈ અને ગુજરાતથી બહારની વાત કરીએ તો રાજસ્થાન જયપુર યુનિવર્સિટીમાં ગયા. ત્યાં સતપંથ ઉપર રીસર્ચ કરવાવાળા બહુ મોટા પ્રોફેસર મળ્યાં. હિંમતભાઈ ખેતાણી, રતનશીભાઈ દીવાણી, હાલના પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણી, પ્રેમજીભાઈ કેશરાણી પણ ભેગા હતા. જે વસ્તુઓ આપણને સમજાતી નહોતી, જ્યાં આપણે ક્યાંક અટકતા હતા, મુંઝાતા હતા, તેના ઉકેલ ત્યાંથી મળ્યો. ત્યાંના એક પ્રોફેસર બહેન હતાં, તેમણે બધીજ વાતો સમજાવી. એ પ્રોફેસર, અંગિયા (નાના), કાદીયા, પીરાણા, ગુજરાતમાં કમ્પાઓ વગેરે વિસ્તારમાં જાતે ફર્યા અને રીસર્ચ કરી ગયા હતાં. સતપંથના ધાર્મિક ચોપડામાં ફેરફાર થયા હતા, એ કેવી રીતે માત્ર દેખાવ પૂરતા બાહ્ય ફેરફારો હતા, એ એમણે પોતે નિરીક્ષણ કરેલ હતું અને પોતાના કામમાં, પુસ્તકોમાં આ વાત લખી પણ છે. એમના કામની દસ્તાવેજી કોપીઓ આપણને ત્યાંથી પણ મળી.
18. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી: દિલ્હીના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગયા. સતપંથ ઉપર વર્ષ ૧૯૭૬માં પ્રકાશિત એક પુસ્તક આખા ભારતમાંથી ત્યાં છે એવી જાણકારી મળી. પણ ત્યાં પણ મૂળમાં એજ પીડા. કોપી કરવા ન મળે. આપણે દિલ્લી લાંબા સમય સુધી રહી ન શકીએ. ત્યાં પણ માણસને સમજાવ્યો. ત્યાંનો સાહેબ મને કહ્યું કે અત્યારે હું તમારું કામ નહીં કરી શકું. મારો ઉપરી સાહેબની જ્યારે બદલી થશે અને બીજો સારો માણસ આવશે ત્યારે હું જણાવીશ. તમારી પીડાની મને સમજણ છે. એ ભાઈ મુસલમાન હતો. મુસલમાન હોવા છતાં, એ માણસને હિંદુ સમાજની પીડાની સમજણ હતી. એ ભાઈએ ખૂબ સારો સહયોગ આપ્યો. એણે કહ્યું કે હું કહું ત્યારે તમે આવજો. રાતના ફોન આવે કે કાલે પેલા સાહેબ નથી, તમે કાલે આવજો. એટલે રાતો રાત ફ્લાઈટની ટિકીટ કાઢીને દિલ્લી પહોંચી જતો. ૪ થી ૫ ધક્કા પડ્યા, ક્યારેક કામ થયું, ક્યારેક ન થયું. છેવટે એ બુક / પુસ્તકની કોપી મેળવીનેજ રહ્યો.
19. કલકત્તાની નેશનલ આર્કાઈવ્સ (National Archives): આ લાઈબ્રેરીમાંથી પણ પુસ્તકો મેળવ્યાં. ગુજરાતનો જુનો ઈતિહાસ જેટલો ગુજરાતમાં નહીં હોય એટલો કલકત્તામાં છે. સતપંથનો ઈતિહાસ કલકત્તામાં છે, એ આપણા ધ્યાનમાં રહે એટલા માટે જણાવું છું. એ બહુ જૂની લાઈબ્રેરી છે.
20. લંડનની લાઈબ્રેરી: યોગાનુયોગ મારું એક વખત લંડન જવાનું થયું. ત્રણ ચાર દિવસનો ખાલી સમય હતો. બીજા ફરવા જતા હતા, ત્યારે મેં કહ્યું કે મને માફ કરો. મારે લંડનની લાઈબ્રેરીમાં જવું છે. લંડનની લાઈબ્રેરીમાંથી સતપંથમાં પ્રચલિત “તાકિયા” અને “છેતરામણી” ઉપરના દસ્તાવેજો મેળવી લીધા છે.
21. ફ્રેંચ પુસ્તક: ફ્રાંસમાં એક ફ્રેંચ ભાષામાં એક પુસ્તક મળે છે (બીજે પણ મળે છે), જેમાં કરસન કાકાને સતપંથનું અસ્તિત્વ ટકાવી રાખનાર હીરો તરીકે બતાવવામાં આવ્યા છે. એ પુસ્તકમાં વિગતવાર છણાવટ કરેલ છે કે કરસન કાકાએ કેવી રીતે પીરાણા સતપંથની ડૂબતી નૈયાને “તાકિયા”ના મારફતે, હિંદુ દેખાવના મારફતે માત્ર બચાવી નહિ પણ સજીવ કરેલ છે. અને આના માટે એમને શાબાશી પણ આપેલ છે. એ પુસ્તક પણ આપણે કાઢવી લીધેલ છે.
મહત્ત્વની નોંધ લેવા જેવો મુદ્દો અહીં એ છે કે ઘણા હિંદુ સનાતનીઓ એવું માને છે કે કરસન કાકાએ સતપંથને મુસલમાનોના હાથમાં જવાથી અટકાવ્યું છે. જ્યારે વાસ્તવમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સનાતનીઓના દબાણના કારણે બંધ થવાની અણીએ પહોંચેલ પીરાણા સતપંથને ફરીથી ધમધમતું કરવા પાછળ કરસન કાકાનો મોટો ફાળો રહ્યો છે. અગર કરસન કાકા ન હોત, તો કદાચ આજે પીરાણા સતપંથમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના કોઈ ભાઈઓ ન હોત. બધા સનાતની હિંદુ બની ચૂક્યા હોત. કરસન કાકાના કારણે હિન્દુ બનતા બનતા લોકો પાછા મુસલમાની સતપંથ ધર્મ સાથે જોડાયલા રહ્યા.
22. ન્યાયાલય અને કાયદાકીય (કોર્ટ અને લિગલ) દૃષ્ટિકોણ: તમામ પ્રયાસોની સાથે એક એવો વિચાર આવ્યો કે આ મુદ્દા પર કાયદો અને કોર્ટ શું કહે છે, એ પણ જાણવું જરૂરી છે. શરુ કરતાં કરતાં ખબર પડી કે વર્ષ ઈ.સ. ૧૮૬૬માં મુંબઈ હાઈકોર્ટે સતપંથ ઉપર એક મોટો ફેંસલો આપેલ છે. આ કેસને સામાન્ય રીતે “આગા ખાન કેસ”ના નામથી ઓળખવામાં આવે છે. મૂળ વિવાદ હતો કે સતપંથ ધર્મ મૂળમાં કયો ધર્મ છે? હિંદુ, શિયા કે સુન્ની. હિંદુવાદી પક્ષ તરફથી સતપંથનો દશાવતાર ગ્રંથ રાખવામાં આવ્યો અને દલીલ થઇ કે જૂઓ, આમાં રામ, કૃષ્ણ વગેરે હિંદુ દેવતાઓ છે. માટે સતપંથ હિંદુ છે એવી રજૂઆત થઇ. સુન્ની વાળાએ કહ્યું કે સતપંથ સુન્ની પંથનો એક ફાંટો છે. શિયા પક્ષ તરફથી આગા ખાને રજૂઆત કરી કે આ શિયા પંથનો એક ભાગ છે. આ કેસનો ચુકાદો આપણે મેળવી લીધો.
પછી ખબર પડી કે અમેરિકામાં એક રિસર્ચ થયું છે હાર્વર્ડ યુનિવર્સિટીમાં, એ રિસર્ચરનું નામ છે “ટીના પુરોહિત”. એ બહેને એક પુસ્તક લખ્યું છે. એક પુસ્તક અમેરિકાથી મંગાવી લીધું. એ પુસ્તકમાં સતપંથ અને મુંબઈ હાઈ કોર્ટ દ્વારા અપાયેલ આ આગા ખાન કેસ ઉપર ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવેલ છે.
આ ચુકાદામાં છેલ્લે જજ (ન્યાયાધીશ) એમ કહે છે કે તેમણે ચુકાદાનો આખો આધાર સતપંથના દશાવતાર ગ્રંથ ઉપર રાખ્યો છે. એ ચુકાદામાં એવો નિર્ણય આપવામાં આવ્યો કે સતપંથ એ શિયા મુસલમાન ધર્મ છે. કારણ શું? કારણ હતું કે દશાવતાર ગ્રંથમાં પહેલા ૯ (નવ) અવતાર ભલે હિંદુ દેવો જેવા, પણ ૧૦મો (દસમો) અવતાર એટલે નિષ્કલંકી નારાયણ અવતાર એ બીજો કોઈ નહીં, પણ હઝરત મૌલા અલી છે. અને તેમની વારસાગત ગાદી પર બેઠેલા હાલના આગા ખાન એ સતપંથના જીવતા નિષ્કલંકી નારાયણ અવતાર છે. હઝરત અલી એટલે ઈસ્લામ ધર્મના સ્થાપક મુહમ્મદ પૈગંબરના કાકાઈ ભાઈ અને જમાઈ. જેણે શિયાઓ તેમના સર્વોચ્ચ ગણે છે, “અલ્લાહ/ભગવાન” ગણે છે, એ છે નિષ્કલંકી નારાયણનો મૂળ અવતાર. ત્યાર બાદ હઝરત મૌલા અલીના વંશમાં જે વ્યક્તિ એમની ગાદી પર બેસે, તેમને તે સમયના જીવતા નિષ્કલંકી નારાયણ અવતાર તરીકે માનવામાં આવે છે. આ પરંપરા પ્રમાણે હાલે સતપંથના નિષ્કલંકી નારાયણ આગા ખાન છે, એટલે આ સતપંથ જે છે, એ શિયા મુસલમાન ધર્મનો એક ફાંટો છે. એવું કોર્ટે જજમેન્ટ/ચુકાદો આપેલ છે. આ જજમેન્ટ પણ આપણે કાઢી આવ્યા છીએ.
કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને ખૂબ નિકટતાથી લાગેવળગે એવો એક બીજો કેસ મુંબઈ હાઈ કોર્ટનો છે (દેવચંદ તોતારામ કીરાંગે કેસ નં FA 289 of 1928 decided on 15th January 1935, reported in A.I.R. 1935 Bombay 361). મરાઠી લેવા પાટીદાર સમાજનો આ કેસ છે. આ કેસનો ચુકાદો વર્ષ ૧૯૩૫માં આવેલ હતો. લેવા પાટીદાર સમાજે સતપંથને મુસલમાન ધર્મ જાહેર કર્યો હતો. પરિણામે ખાનદેશમાં વસતા જલગાંવ, ફેઝપુર વગેરે વિસ્તારોની આસપાસ રહેતા સતપંથી લેવા પાટીદારોને જ્ઞાત બહાર જાહેર કરેલ હતા. આ અંગે વર્ષ ૧૯૦૬, ૧૯૨૨માં જ્ઞાતિ પંચોએ મહત્ત્વની મિટિંગ બોલાવીને નિર્ણયો લીધેલ હતા. આ નિર્ણયને સતપંથીઓને મુંબઈ હાઇકોર્ટમાં પડકારેલ હતા.
આ કેસના ચુકાદામાં ત્રણ મુખ્ય મુદ્દાઓ સામે આવે છે.
1. અગર સમાજ નક્કી કરે કે મુસલમાન પીરને માનવાવાળા સમાજના સભ્ય ન રહી શકે, તો તે નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહિ.
2. કોઈ વ્યક્તિ સમાજનો ગુન્હો કરતી હોય, ત્યારે એવા વ્યક્તિને સમાજ બહાર કરવાનો અબાધિત અધિકાર સમાજને હોય છે. તેનાં માટે સમાજના નિયમો પ્રમાણે મિટિંગ બોલાવી જોઈએ, નિયમો પ્રમાણે મિટિંગ ચલાવી જોઈએ અને નીયમો પ્રમાણે નિર્ણયની પ્રક્રિયા કરી નિર્ણય લેવા જોઈએ. આવી રીતે લીધેલા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો કોર્ટને કોઈ અધિકાર નથી. અપવાદ રૂપે કોઈને મિટિંગની જાણ ન થઇ હોય કે કોઈ નિર્ણયનો વિરોધ કરે તેનાંથી કોઈ ફરક પડતો નથી.
3. ઉપર જણાવેલ પ્રક્રિયાથી કોઈનું સભ્યપદ રદ્દ થાય, તો તેને સમાજની મિલકતમાંથી ભાગ મળે નહીં. કારણકે સમાજમાં આપેલ દાનની કોઈ વળતર ન હોય. એટલે સતપંથીઓએ દાન આપેલ છે માટે સમાજની મિલકતમાં ભાગના તેઓ હકદાર નથી થતા.
આ ચુકાદાની નકલ પણ આપણે મેળવી લીધી છે.
23. બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત: ઘણા બધા બુદ્ધિ જીવીઓને વ્યક્તિગત મળ્યા, ફોન ઉપર વાતો કરી અને પત્ર વ્યવહાર પણ કર્યો. મંગુભાઈ પટેલ, રામજીભાઈ સાવલિયા, ઇક્બાલ સુરાણી, શફિક વિરાણી, ડોમિનિક સિલા ખાન, ઝવાહિર મોઈર વગેરેનો સંપર્ક કર્યો. કોલેજો અને યુનિવર્સિટીના પ્રોફેસરો પણ મળ્યા. હિંદુ સાધુ સંતો અને હિંદુ સંગઠનોના આગેવાનોને પણ મળ્યા. તેમની સાથે સતપંથ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી.
24. લોકો તરફથી સ્વયંભૂ પ્રતિસાદ: ઘણા બધા લોકોએ સામે ચાલીને માહિતીઓ આપી. એવો એક દાખલો છે ભવાનજીભાઈનો. બારડોલી રહેતા હરેશભાઈ રામાણીના દાદા ગુજરી ગયા હતા, ત્યારે હું (ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા) અને પ્રેમજીભાઈ કેશરાણી એમના ઘરે બેસવા ગયા હતા. ત્યારે એમના ઘરે વડીલ શ્રી ભવાનજીભાઈ લખમશી મૈયાત, રાજ્યપાલમ, તામિલનાડુવાળા હાજર હતા. એ બાપાને દર્દ હતું. એમને ખબર હતી કે હિમ્મતભાઈ, રમેશભાઈ, પ્રેમજીભાઈ અને તેમની ટીમ બહુ મહેનત કરી રહી છે. એટલે તેમને કહ્યું કે ભાઈ હવે હું મોટો થયો છું, ગેઢો થયો છું, એટલે આ વિષય પર મારી પાસે જે દસ્તાવેજ છે, એ હું તમને દેવા માંગું છું. સતપંથનો અસલ “મૂળબંધ” નામનો જે ગ્રંથ છે એ એમને આપ્યો. મૂળબંધનો હવાલો દઈને સતપંથના પ્રચારકો સતપંથના ધાર્મિક પુસ્તકોમાં ધારે ઈ ફેરફારો કરાવી લેતા હોય છે. પણ બીજી બાજુ સાચો મૂળબંધ બહાર લાવતા નથી, છુપાવી રાખેલ છે. તેનાં બદલામાં એક બનાવટી મૂળબંધની ઝેરોક્ષ ફેરવે છે. ખોટો તો ખોટો, પણ એ ખોટો મૂળબંધને પણ છપાવતા નથી. કારણ છાપે તો ક્યાંક બંધાય. ભવાનજીબાપાએ કહ્યું કે ઓરીજીનલ/અસલ હસ્ત લેખિત મૂળબંધ મારી પાસે છે અને એ હું તમને આપીશ. એ વડીલે અમને સતપંથનો ઓરીજીનલ મૂળબંધ ગ્રંથ આપ્યો. એ વડીલ હાલે હયાત નથી, પણ તેમને પણ ધન્યવાદ.
આવી રીતે લોકોએ સામેથી ચાલીને માહિતીઓ અને પુસ્તકો આપેલ છે. એક વખત કેન્દ્રીય સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલાની સાથે હડમતીયા (નવું નામ તખતગઢ કંપા) કંપામાં ગયા હતા. ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં ભેગા થયાં હતા. ત્યાં એક વડીલ હતા, શ્રી કાંતિભાઈ અરજણ ધોળુ (સ્વ. શામજી અરજણ ધોળુ, માજી મામલતદારના ભાઈ). તેમને ખબર પડી કે ગંગારામબાપા અને તેમની ટીમ આવી છે એટલે સતપંથ વિષયની ૫-૬ પુસ્તકો લઇ આવ્યા. કહ્યું કે આ પુસ્તકો તમે લઈ જાઓ ભાઈ અને આનો ઉપયોગ કરો. સામાન્ય જનતા એ ખૂબ સારો પ્રતિસાદ/રેસ્પોન્સ (સહયોગ) આપ્યો. આવી રીતે જે જે બાપાઓ / વડીલો આપણને પુસ્તક આપતા હોય ત્યારે તેમની આંખમાં આંસુ હોય, આંસુ… એ નજરે નજર જોયું છે. તેમના મોઢે શબ્દો હોય કે તમે કામ કરો, માંડ સતપંથીઓ સુધારે.
25. હિંદુ ધર્મના મુખ્ય ચારેય શંકરાચાર્યોના પ્રમાણ પત્રો: હવે વાત આવી, હિંદુ ધર્મના સાધુ–સંતો દ્વારા સતપંથને હિંદુ ધર્મ હોવાના લેખિત પ્રમાણપત્રો આપવાની. અહીં શ્રી રતનશી લાલજી દીવાણી, મૂળ વિરાણી (ગઢવાળી) હાલે થાણામાં રહેતા ભાઈને જેટલો ધન્યવાદ આપીએ એટલો ઓછો છે. હિંદુ સાધુઓ દ્વારા સતપથ હિંદુ ધર્મ છે એવા આપેલ પ્રમાણ પત્રો જ્યારે જોવા મળ્યા, ત્યારે ચિંતા અને ચિંતામાં ઉગ્ર થઈને મને બોલ્યા કે ચંદ્રકાંત આપણે આ ખોટા પ્રમાણપત્રોનું કાંઇક કરવું પડે. કોઈ કંઈ કરતું નથી, આપણે આનો કંઈક જવાબ આપવો પડે. મેં કહ્યું કે વડીલ તમે બોલો શું કરીએ? ત્યારે તેમણે કહ્યું કે આપણે પણ હિંદુ સાધુઓ પાસેથી પ્રમાણપત્રો લઈએ. ત્યારે પ્રશ્ન નીકળ્યો કે આનો ફાયદો શું? આપણે બે પ્રમાણપત્રો લાવીશું, તો બીજા ચાર સામે વાળા લાવશે. એ લોકો રૂપિયાનો ઢગલો કરશે, આપણે ક્યાંથી લાવશું રૂપિયા. આપણે તો વ્યક્તિગત ધોરણે દોડીએ છીએ. કેવી રીતે તેમને પહોંચી શકશું? માટે એવું નક્કી કર્યું કે આપણે હિંદુ ધર્મના સર્વોચ્ચ ચારે શંકરાચાર્યો પાસેથી પ્રમાણપત્રો લઈ આવવા જોઈએ.
એ પ્રમાણે નક્કી થયું. એટલે અમે બન્ને હિમ્મતભાઈ પાસે પુરા જોશમાં ગયા, એમની ઑફિસમાં. પણ હિમ્મતભાઈએ તો અમારી હવાજ કાઢી નાખી. હિમ્મતભાઈએ કહ્યું કે તમે શું કરવા જઈ રહ્યા છો, તેની પૂરી ખબર છે? સામેવાળા તો પૈસાની રેલમછેલ કરશે. આ બાવાઓના શું ભરોસા? સામેવાળા બાવાઓની સામે પૈસાઓના ઢગલા કરી નાખશે, ઢગલાબંદ માણસો લાવી દેશે અને મોટા કાર્યક્રમો યોજશે. તેની સામે તમે શું કરી શકશો? સાધુઓ તમારી વાત માનશે કે સામેવાળાની? એમને કહ્યું કે, આ ન થાય. આમાં પડો નહિ. વડીલની વાતનો જવાબ નહતો અમારી પાસે. એટલે એમની વાત સાંભળીને ત્યાંથી નીકળ્યા તો ખરા. પણ મનમાં દાઝ રહી ગઈ. હિમ્મતભાઈની વાત સાચી હતી, પણ અમારું મન મક્કમ હતું કે આપણે આ કામ કરવું તો છે. રતનશીભાઈએ કહ્યું કે ચંદ્રકાંત આપણે આ કામ કરવું છે. ગમે તે થાય, પણ કંઈક કર. એટલે તૈયારી કરવાનું નક્કી કર્યું. સતપંથ ઉપર અભ્યાસ તો ચાલુ હતોજ. મુખ્ય પુરાવાઓ અને દસ્તાવેજો પણ મોટાં ભાગે મેળવેલ હતા. પુસ્તકોની નકલો પણ તૈયાર હતી. એટલે જરૂર હતી માત્ર એક યોગ્ય તકની.
25.1. શૃંગેરીના શંકરાચાર્ય: યોગનું યોગ અમને તક (chance) તા. ૧૧–મે–૨૦૧૧ના દિવસે મળી જ્યારે શૃંગેરી (કર્નાટક)ના શંકરાચાર્યના મુખ્ય કર્તાહર્તા શ્રી વી.આર. ગૌરીશંકર સાહેબ (ભારત સરકાર દ્વારા “પદ્મશ્રી” એવાર્ડથી સન્માનિત) આપણા સંસ્કાર ધામ દેશલપર (વાંઢાય) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવ્યા ત્યારે. તે સમયે પરિસ્થિતિ એવી હતી કે, મને કોઈ ઓળખતું નહોતું. પણ સનાતન ધર્મ જાગૃતિ સમિતિ જે ખોટી રીતે “સમાજ તોડું” તરીકે ઓળખાતા, એ લોકોને બાજુમાં આવવા કોઈ આગેવાન તૈયાર નહોતા. આવી પરિસ્થતિમાં સંસ્થાઓના કર્તાહર્તાઓની વચ્ચે ઘૂસવું, શ્રી વી.આર. ગૌરીશંકર સુધી પહોંચવું અને તેમને સમય આપવા માટે રાજી કરવા એ પણ બહુ કઠિન કામ હતું. માંડ–માંડ માત્ર ૧૫ મિનિટનો સમય ગૌરીશંકર સાહેબ પાસેથી મળ્યો. ત્યારે મને એવું લાગ્યું કે આવડી લાંબી વાતો કરવી અને માત્ર ૧૫ મિનિટનું સમય, આમાં તો કામ ન થાય. મારું મનોબળ ઢીલું થઈ લાગ્યું. ત્યારે રતનશીભાઈએ છક્કી આપતા કહ્યું કે મૂક…, હાલ…, ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ, આપણે આપણું કામ કરવું છે. રતનશીભાઈની એનર્જી (ઊર્જા) થી આખી ટીમમાં જોશ આવી ગયું.
રતનશીભાઈની વાતથી કામ આગળ વધ્યું. હું, રતનશીભાઈ, હિમ્મતભાઈ, રમેશભાઈ વાગડીયા, મારા મોટા ભાઈ ધનશ્યામભાઈ અને વિરાણી ગઢવાળા ગંગારામભાઈ પોકાર સાથે ગાડીમાં નીકળ્યા. ગૌરીશંકર સાહેબના ઉતારાની સ્થાને ગયા (ગામ સામત્રાની બાજુમાં). ૧૫ મિનિટની, જે સાંજે ૦૫:૩૦ કલાકથી ચાલુ થઈ તે પાણી-પેશાબ જેવા કોઈ પણ જાતના Break/વિરામ વગર રાત્રે ૧૧:૩૦ વાગે સુધી એક ધારી ચાલી. આપણી વાતને એ ભાઈએ દિલથી સાંભળી. અમે તેમને એક Powerpoint Presentation આપ્યું. અમે ક્યાંક જલદીથી વાત આગળ વધારતા, તો અમને રોકીને કહેતા કે ના… પાછા જાવ, પેલી વાત સમજાવો. છેવટે એમના રસોઈયાએ ફાચર નાખી. એને કહ્યું કે મારી છેલ્લી બસનો સમય થઈ ગયો છે. ગૌરીશંકર સાહેબને કહ્યું કે તમે જમી લો, નહીં તો હું ઘરે નહીં જઈ શકું. એટલે રાત્રે ૧૧:૩૦ વાગે અમારી વાત પૂરી કરી. આપણી વાત સમજવા માટે ગૌરીશંકર સાહેબે ખૂબ રસ લીધો એને આપણને આશ્વાસન આપ્યું કે હું તમને સતપંથ અંગે પ્રમાણપત્ર આપીશ. આ સારા કામનું નિમિત્ત સંસ્કાર ધામ બન્યું, એ પણ સારી વાત થઇ.
કામ આગળ તો વધ્યું, પણ હજી કંઇક કઠિનાઈ બાકી હશે. અમે રાજી-રાજી થઈને પોતપોતાના કામે લાગી ગયા. પણ પછી કંઈ હલચલ થઇ નહીં. ફોન કરું તો સાહેબ ક્યાંક વ્યસ્ત હોય. ફોન પર આવે નહિ. મોટા ભાગે માણસ ફોન ઉપાડે. પોતે ફોન ઉપાડે તો આશ્વાસન આપ્યા રાખે કે કરી આપું છું. આવી રીતે અમુક મહિનાઓ નીકળી ગયા. હિમ્મતભાઈ કડક ઉધરાણી કરવા લાગ્યા કે, કેમ થયું ભાઈ?… કેમ થયું? મેં તેમને પરિસ્થિતિથી સંપૂર્ણ રીતે વાકેફ કર્યા. મેં કહ્યું કે હવે મને પણ વિચાર આવે છે કે કેમ થશે. આ દરમ્યાન એક વખત હિમ્મતભાઈના ઘરે અમુક સનાતની મિત્રો ભેગા થયા હતા. સામાજિક વાતો ચાલતી હતી. ત્યાં આ વાત નીકળી. તો કહ્યું કે એક વખત કોશિશ કરો, છેલ્લી કોશિશ કરો. આ છેલ્લી કોશિશમાં ગૌરીશંકર સાહેબે પોતે ફોન ઉપાડ્યો અને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. એમને કહ્યું કે ભાઈ તમે આવો અહીંયા, શૃંગેરી આવો, હું તમારું કામ કરી આપું છું. એટલે રાતોરાત ફરીથી નીકળ્યા. હું, હિમ્મતભાઈ અને રતનશીભાઈ. પણ હજી કંઈક પીડા બાકી હશેને. તે સમયે વરસાદનું સીઝન/મોસમ હતું એટલે વરસાદના કારણે કોંકણ રેલવેની ટ્રેન વચ્ચે રત્નાગીરી સ્ટેશનમાં અટકી ગઈ. આના કારણે એક દિવસ અમારો બગડ્યો. રાતના ૧૨ વાગે અમે ઉડુપી પહોંચ્યા. અમૃતભાઈ ગોરાણી રાતના ૧૨ વાગે અમને ઉતારવા ઉડુપી સ્ટેશન પર લેવા આવ્યા. તેમના ઘરે ઉતારા આપ્યા. બીજા તા. ૧૯-જુલાઈ-૨૦૧૧ના દિવસે એમની ગાડીમાં અમને શૃંગેરી લઈ ગયા. શૃંગેરી ગયા તો, ગૌરીશંકર સાહેબ બેંગ્લોર માટે નીકળી ગયા હતા. પણ અમારી બધીજ વ્યવસ્થા કરી ગયા હતા.
શંકરાચાર્યજીને બધી વાત કરી હતી. શંકરાચાર્યને મળવું હોયને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે. શર્ટ અને ગંજી ઉતારીને મળવા જવું પડે. એ… લાંબી લાઈન હતી, ત્યારે એમને ખબર પડી કે આ લોકો આવ્યા છે, એટલે એ લાઈન અટકાવીને અમોને ૫ મિનિટ સાંભળ્યા. નહીં તો એ માત્ર આશીર્વાદ આપે અને આપણે નીકળીજ જવાનું હોય. એમને વાત વજન વાળી લાગી એટલે કહ્યું કે તમે ઊભા રહો, તમે અહીં બેસો, હું આ લાઈન પૂરી કરીને તમને મળું છું. લાઈન પૂરી કરીને અમને અડધો કલાક સુધી સાંભળ્યા. બધી વિટંબણાઓ સાંભળી, આપણું દર્દ જાણ્યું. શંકરાચાર્યએ કહ્યું કે તમે જે કામ કરી રહ્યા છો એ અમારા કામથી પણ વધારે મહત્ત્વનું કામ છે. તમારું કામ પુણ્યનું કામ છે. શંકરાચાર્ય મહારાજના મહાન આત્માએ અમને આશીર્વાદ આપ્યા કે તમે તમારા કામમાં સફળ થશો.
ત્યાંથી અમે નીકળ્યા અને પાછા મુંબઈ આવી ગયા. ત્યાર બાદ થોડું સંકલન પણ થયું. છતાંય પ્રમાણપત્ર મળ્યું નહિ. કરવું શું? પછી હિમ્મતભાઈ પણ કંટાળી ગયા અને ઉઘરાણી કરવાની બંધ કરી દીધી. પછી બચ્યા અમે બે, હું અને રતનશીભાઈ. હવે કરવું શું? રતનશીભાઈને કહ્યું કે ભાઈ હવે આવડું થયા બાદ પણ કામ ન થાય તો કેમ થાય? પણ અમે મૂક્યું નહીં. કરતા કરતા એક દિવસ પ્રમાણ પત્ર આવી ગયું. આખરે શંકરાચાર્યજી તરફથી તા. ૦૬-સપ્ટેમ્બર-૨૦૧૧ વાળું પ્રમાણપત્ર મારા હાથમાં આવી ગયું. પણ રતનશીભાઈ અને મેં નક્કી કર્યું કે બાકીના ત્રણ પ્રમાણ પત્રો હાથમાં ન આવે, ત્યાં સુધી આ વાત ગુપ્ત રાખવી. નહીં તો આપણા વિરોધીઓ ત્યાં (બાકીના શંકરાચાર્યો પાસે) પહેલાં પહોંચી જશે. રૂપિયા પહોંચાડશે, ઢગલો કરશે, લાલચો આપશે, સાચી ખોટી વાતો કરીને તેમને ભરમાવશે.
25.2. પ્રયાગરાજ (અલાહાબાદ) ના શંકરાચાર્ય: ત્યાર બાદ અમે દિશા પકડી પ્રયાગરાજ (અલાહાબાદ / Allahabad). ઉત્તર ભારતના શંકરાચાર્યનો અલ્લાહાબાદ (પ્રયાગ) માં પણ તેનો આશ્રમ છે. અમારી કોઈ લીંક/ઓળખાણ નહોતી. પણ રતનશીભાઈ એમના સંપર્કમાં રહેલ એવા એક સાધુ (નામ હાલે ગુપ્ત રાખેલ છે) નો સંપર્ક કર્યો. એ સાધુએ અમોને ખૂબ મદદ કરી. સાધુઓમાં એક રિવાજ હોય કે એક સાધુની ત્યાં કોઈ મોટો સાધુ આવે તો આપણામાં નીયાણીને જેમ મોકલામણી આપવી પડે, તેમ સાધુઓમાં પણ મોટાં સાધુને મોક્લામણી આપવી પડે. તેમનું વિશેષ અવગત–સ્વાગત કરવું પડે. આપણી વાત કરવા માટે એ સાધુએ શંકરાચાર્યને પોતાના હરિદ્વારના આશ્રમમાં આપણા માટે બોલાવ્યા. જેથી આપણે નિરાંતે શંકરાચાર્ય સાથે વાત કરી શકીએ. અને એનો સંપૂર્ણ ખર્ચ એ સાધુએ પોતાના ખીસામાંથી આપ્યો. આપણા પાસેથી આજ દિવસ સુધી ૧ રૂપિયો પણ નથી લીધો.
શંકરાચાર્યને આપણી વાત સમજાઈ અને એમને કહ્યું કે તમે અલાહાબાદ આવો, હું તમારું કામ કરી આપીશ. અલાહાબાદ ગયા, ૨-૩ ધક્કાઓ થયા. ૩-૪ દિવસ રોકાવું પડતું. તેમના માણસોને સમજાવતા, બનારસ પણ ગયા અને છેવટે લગભગ દોઢ વર્ષની મહેનતનું ફળ મળ્યું. તા. ૦૯-જુલાઈ-૨૦૧૨ ના અલાહાબાદમાં શંકરાચાર્યજી તરફથી પ્રમાણપત્ર અમોને મળ્યું. કારણકે વગર પૈસે કરવું. વગર સમાજનું બેનર, વગર કોઈ મોટું વિસિટિંગ કાર્ડ, વગર કોઈ મોટી ઓળખાણ, કંઈજ નહીં, માત્ર દિલની દાઝ બતાવીને કામ કરાવવું હતું.
વિશેષ નોંધ: તા. ૧૪ થી ૧૬ નવેમ્બર ૨૦૧૮ના નખત્રાણા ખાતે કોટડા રોડ ઉપર આવેલ સતપંથના ખાના (જેણે હાલમાં નિષ્કલંકી નારાયણનું મંદિર કહેવામાં આવે છે) ની સ્થાપનાને ૧૦ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે એક ત્રણ દિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં અમુક સાધુ સંતોની એક સભા બોલાવવામાં આવેલ હતી. એ કાર્યક્રમ દરમ્યાન તા. ૧૫-નવેમ્બર-૨૦૧૮ના અલાહાબાદ (પ્રયાગરાજ) ના શંકરાચાર્યના દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ મંચ ઉપરથી જાહેરાત કરી કે સનાતનીઓ દ્વારા લાવવામાં આવેલ અલાહાબાદના શંકરાચાર્યનું પ્રમાણ પત્ર બોગસ છે, ખોટું છે.
આ અંગે અમે અલાહાબાદના ગાદીપતિ શંકરાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતીને ફરિયાદ કરતો ફોન રતનશીભાઈ લાલજી દીવાણીએ કર્યો. અમોને અલાહાબાદ બોલવામાં આવ્યા. શંકરાચાર્યજી સ્વામી વાસુદેવાનાદ સરસ્વતીએ અમોને જવાબ આપ્યો કે તેમને તેમના પટ શિષ્ય જીતેન્દ્રનંદ સરસ્વતીને પૂછ્યું કે આ પ્રમાણપત્ર ખોટા નથી અને મારાજ આદેશથી મઠના નિયમ અને પરંપરા પ્રમાણે મઠના મુખ્ય સંચાલક શ્રી શીવાર્ચન શાસ્ત્રીજી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ છે, તો પછી તમે નખત્રાણામાં આવું ખોટું કેમ બોલ્યા? શંકરાચાર્યજીએ અમોને એવું જણાવ્યું કે જીતેન્દ્રનંદજીએ સ્વામી હંસદેવાચાર્ય અને ફેઝપુરવાળા સતપંથના સાધુ શ્રી જનાર્દન મહારાજના કહેવાથી, પૂરતી તપાસ કર્યા વગર, સભામાં આવું કહી દીધું. અખિલ ભારતીય સંત સમિતિમાં મહામંત્રી તરીકે જોડાયલા હોવાથી
કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ વાલજી ભાવાણીને સતપંથ વિષય ઉપર પત્ર આપતા પ્રયાગરાજ (અલ્લાહાબાદ)ના શંકરાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી |
સ્વામી હંસદેવાચાર્ય અને જનાર્દન મહારાજ સાથે નિકટતાનો સંબંધ હોવાથી તેમના પર આંધળો વિશ્વાસ મૂકવાની ભૂલ કરી છે. જેના માટે તેઓએ શંકરાચાર્યજી સામે દિલગીરી વ્યક્ત કરી હતી. પણ લોકો સામે સનાતનીઓ ખોટા છે એવી વાત ફેલાઈ ચૂકી હતી, તેને સુધારવા માટે કંઈ કરવાની જરૂર હતી. માટે શંકરાચાર્યજીએ ફરીથી તા. ૨૧-ફેબ્રુઅરી-૨૦૧૯ના એક લેખિત પત્ર આપવાનું આદેશ આપ્યો, જેમાં તેમના દ્વારા અગાઉ અપાયેલ તા. ૦૯-જુલાઈ-૨૦૧૨ વાળા પ્રમાણપત્રને સાચો જાહેર કર્યું. તે પ્રસંગે એક ફોટો પણ પાડવામાં આવેલ હતો, જેમાં શંકરાચાર્યજી એ પત્ર સમાજના ઉપપ્રમુખ વડીલ ગોપાલભાઈને આપે છે.
શંકરાચાર્ય સાથે થયેલ આ મિટિંગમાં મારા સિવાય, રતનશી લાલજી દીવાણી, સમાજના ઉપપ્રમુખ શ્રી ગોપાલ વાલજી ભાવાણી, મૂળ ગામ નેત્રાના અને હાલે અલાહાબાદમાં રહેતા શ્રી મનોજભાઈ પરબત સાંખલા હાજર હતા. આ મિટિંગમાં શંકરાચાર્યજીએ એવું કહ્યું કે હું પીરાણા ગયો છું અને મેં ત્યાં બધું જોયું છે. પીરાણામાં બધુંજ મુસલમાન ધર્મની છે. હાલમાં ફેઝપુરના જનાર્દન મહારાજ તરફથી એવી વાત આવી છે કે પીરાણાના સતપંથીઓ હિંદુ બનવા માંગે છે. એટલે હિંદુ બનાવવા માટે હું કદાચ પીરાણા જાઉં. આ વાત સાંભળીને શંકરાચાર્યજીને કહ્યું કે સતપંથીઓ હિંદુ બનતા હોય તેમાં અમોને કોઈ વાંધો નથી. પણ ધ્યાન રાખજો કારણ કે આપની પીરાણાની મુલાકાતનો મોટે પાયે દુરુપયોગ થવાની પૂરે પૂરી સંભાવના છે. શંકરાચાર્યજીએ જવાબ આપ્યો કે મને પ્રયત્ન કરવાની એક ઈચ્છા છે. સુધર્યા તો ઠીક, નહીં તો ભલે થાય મુસલમાન.
25.3.
જગન્નાથ પૂરીના શંકરાચાર્ય સ્વામી નીસ્ચલાનંદ સરસ્વતીજી |
પુરીના શંકરાચાર્ય: એના બાદ અમે દિશા પકડી પૂરીની (જગન્નાથ પુરી, ઓડીશા). અલાહાબાદનો અનુભવ હતો એટલે એક વર્ષ અગાઉથી મેં ત્યાંના શંકરાચાર્ય સાથે પત્ર વ્યવહાર ચાલુ કરી દીધો હતો. સાથે સાથે દ્વારકા પણ પત્ર વ્યવહાર ચાલુ કરી દીધો હતો. સંસ્કાર ધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામીજી આવેલ હતા. તેનાં સિવાય બીજી કોઈ જાણકારી નહોતી. પુરીમાં કોઈની એટલે બિલકુલ કોઈની ઓળખાણ નહિ. પ્રયાગરાજ/અલાહાબાદથી પ્રમાણ પત્ર મળી ગયું એટલે. સીધો ફોનજ કર્યો પૂરીના શંકરાચાર્યની ઑફિસમાં. ઓળખાણ આપી. પત્ર વ્યવહાર ચાલુ હતો એટલે કામ સહેલું થઇ ગયું હતું. કાર્યાલયનો ભાઈ ઓળખી ગયો. કહ્યું કે હા હા તમારા પત્રો આવ્યા છે. મેં કહ્યું કે આ કામ માટે મળવું છે. તો એમને કહ્યું કે એક કામ કરો કાલે ફોન કરો. હું શંકરાચાર્ય સાથે તમારી વાત કરીને તમારી માટે સમય લઉં છું. બે દિવસમાં ફોન કરીને તેમની પાસેથી સમય જાણી લીધો. વળી પાછા હું અને રતનશીભાઈ બે ત્રણ થેલાઓ ભરી પુરાવાઓ તેમજ મહત્ત્વના દસ્તાવેજોને હિન્દીમાં ભાષાંતર કરીને લઈ ગયા. ખંભા વજન ન ઉપાડી શકે એટલા વજનદાર થેલાઓ હતા.
પુરીના શંકરાચાર્ય ખૂબ હિંમતવાન નીવડ્યા. તેઓ અભય અને નીડર છે. આ એજ શંકરાચાર્ય છે, જે સંસ્કાર ધામના ઉદ્ઘાટનમાં આવ્યા હતા. સંસ્કાર ધામમાં વેદ મંદિરનું વિમોચન એમને કરેલ હતું. એમની પાસે સતપંથની વાત પહોંચી ગઈ હતી. તેઓએ તા. ૨૬–ઓગસ્ટ–૨૦૧૨ના પ્રમાણપત્ર આપતા કહ્યું કે તમે ચિંતા નહિ કરતા. સતપંથવાળા કદાચ મારા ઉપર કેસ કરશે તો હું એમને પહોંચીવળીશ. તમે મારું આ પ્રમાણપત્ર જાહેરમાં બાંટો, બધાને કહો. કોઈ પણ કેસ થશે તો આપણે બધી રીતે પહોંચી વળશું. દેશના પ્રધાનમંત્રી સાથે મારી સીધી હોટલાઈન છે. હું ગમે ત્યારે ફોન ઉપાડીને પ્રધાનમંત્રીને વાત કરીશ. આપણે ક્યાંય અટક્શું નહીં. આવી રીતે એમનું પ્રમાણપત્ર પણ મળ્યું.
25.4.
દ્વારકા શંકરાચાર્ય ગાદીના દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી પાસેથી સતપંથ ઇસ્લામ ધર્મ હોવાનું પ્રમાણ પત્ર લેતા ૧. શ્રી રતનશી લાલજી દીવાણી અને ૨. શ્રી ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા |
દ્વારકાના શંકરાચાર્ય અને ભારત સાધુ સમાજ: પછી દ્વારકાનો વારો આવ્યા. દ્વારકાના શંકરાચાર્યનો સંપર્ક કરવામાં અમે થોડા ડરતા હતા. કારણકે આ દોડભાગમાં અમારી પાસે એવા ફોટાઓ અને વાતો આવેલ હતી, જેમાં દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદજી ધોળકાના સતપંથ ખાનામાં દર્શન કરવા ગયા હતા. અને એવી વાતો સાંભળી કે દ્વારકાના શંકરાચાર્ય સતપંથને હિંદુ તરીકે માને છે. પુરાવાઓ તરીકે ફોટાઓ દેખાડે એટલે પહેલી નજરે તો વાત સાચી લાગે. માટે વિચાર કર્યો કે જે થવાનું હોય તે ભલે થાય. આપણે કોશિશતો કરીએ, પ્રયત્નતો કરીએ. સફળતા મળે કે ન મળે. ક્યાંકથી રતનશીભાઈને ખબર પડી કે દ્વારકાના દંડી સ્વામી સદાનંદજી સરસ્વતી મુંબઈના ગોરેગાવ વિસ્તારમાં તા. ૦૫–નવેમ્બર–૨૦૧૨ના આવ્યા છે. અડધા કલાકનો સમય મળ્યો છે એટલે આપણે જઈએ પ્રયત્ન કરીએ. એ સ્વામીજીએ જે અડધા કલાકનો સમય આપેલ હતો, તેને અઢી કલાક પહેલાં અમને ઊઠવા ન દીધા. પછી એમની ફ્લાઈટનો સમય થઈ ગયો એટલે એમને કહ્યું કે, વાત અધૂરી રહી જાય છે, મને હજી ઘણું બધું જાણવું છે. તમે એકદમ સાચા છો. એટલે તેમણે કહ્યું કે તમે એક કામ કરો, તમે દ્વારકા આવો. એ સંસ્કાર ધામ આવી ગયા હતા, એટલે બધી ખબર હતી એમને. એમને કહ્યું કે હમણાં હું પૂરી જાઉં છું, થોડા દિવસ પછી દ્વારકા પહોંચીશ. તમે દ્વારકા ફોન કરજો, હું તમને સમય ફાળવીશ. થોડા દિવસ પછી ફોન કર્યો ત્યારે તરતજ ટૂંક સમયમાં દ્વારકામાં મળવાનો સમય આપ્યો. એ દિવસ હતો “કાળીચૌદસ”નો.
જૂનાગઢ સ્થિત ભારત સાધુ સમાજના |
ટૂંકા ગાળામાં અમોને બોલાવેલ હોવાના કારણે રતનશીભાઈ અને હું, રાતોરાત ગાડી લઇને નીકળ્યા. રાતના નીકળ્યા, રાત્રે એક જગ્યાએ રોકાયા અને બીજા આખા દિવસે ગાડી ચલાવીને દ્વારકા રાત્રે પહોંચ્યા. અમારી બધી વ્યવસ્થા ત્યાં કરેલી હતી. ફ્રેશ થઇને ત્યાં એક લાઈબ્રેરી હતી. તેમાં એક મોટો હોલ હતો. અમોને એ હોલમાં હાજર થવા માટે કહ્યું અને કહ્યું કે સ્વામીજી ત્યાં મળશે. અમને એમ કે અમે હોલમાં એકલા છીએ. ત્યાંતો સ્વામીજી દેખાયા. એક ખૂણામાં સ્વામીજી ઊભા ઊભા સતપંથનો અભ્યાસ કરતા હતા. એમની લાઈબ્રેરીમાં સતપંથ વિષયના દસ્તાવેજો અને પુરાવાઓ હતા. એમને અમારી વાતને ક્રોસ ચેક (Cross Check) કરેલ હતી, સ્વતંત્ર રીતે ચકાસેલ હતી. આના કારણે એમને અમારા ઉપર પૂરે પૂરો વિશ્વાસ બેસી ગયો. એમની પાસે જે પુરાવા નહોતા, એ વધારાના પુરાવાની કોપી અમારા પાસેથી મેળવીને એમના સહાયકને આપી. સમય ઘણો વીતી ગયો હતો એટલે એમણે કહ્યું કે કાલે સવારના આપણે વાત કરશું.
એટલે અમે જે થેલાઓ ભરીને પુસ્તકો અને પુરાવાઓ લઈ ગયા હતા તેને સમજાવવા અને તેના બારામાં વાત કરવા બે થી ત્રણ કલાક લાગશે, એવી માનસિકતા અને તૈયારી કરીને બીજા દિવસે સવારે મળવા ગયા. પણ અમને વાત કરવાની જરૂરજ ન પડી. તા. ૧૨-નવેમ્બર-૨૦૧૨ વાળું પ્રમાણપત્ર પહેલાંથીજ તૈયાર હતું. જતાંજ અમને પ્રમાણપત્ર હાથમાં આપી દીધું. માત્ર આટલું નહિ, એમને ભારત સાધુ સમાજ, બીલખા, જૂનાગઢના પ્રમુખ સાધુ ગોપાલાનંદજી પાસે પોતાનો માણસ મોકલીને તેમનું તા. ૧૦-નવેમ્બર-૨૦૧૨નું પ્રમાણપત્ર પણ મંગાવી રાખ્યું હતું. એ પણ અમને વગર માંગે આપ્યું. એમને કહ્યું કે આ પત્ર તમે લઇ જાવ, સાધુ સમાજનું પ્રમાણપત્ર તમને કામ લાગશે.
25.5.
રતડીયા (માંડવી) સ્થિત જૂના અખાડાના |
જૂના અખાડા: દ્વારકાથી અમે નીકળ્યા. રસ્તામાં હતા ત્યારે, રતનશીભાઈની ઓળખાણવાળા જે સાધુએ આપણી મદદ કરી હતી, અલાહાબાદના શંકરાચાર્ય પાસેથી પ્રમાણપત્ર મેળવવા, એ સાધુને પહેલો ધન્યવાદ આપવો જોઈએ એવું અમને લાગ્યું. કારણ કે અલાહાબાદનું પ્રમાણપત્ર અમને ન મળ્યું હોત, તો અમે કદાચ આગળ ન વધ્યા હોત. એમને ધન્યવાદ માટે અમે ફોન કર્યો. ખૂબજ ખુશ થયા. એમને કહ્યું કે તમે આવડું બધું કરી લીધું છે તો તમે એક કામ કરો. તમે જૂના અખાડાને કેમ છોડી દો છો? સાધુઓનું સહુથી મોટું સંગઠન, જૂનું, પ્રાચીન, એટલે જૂના અખાડા, હરિદ્વાર. ત્યાંના મહામંત્રી હાલે કચ્છમાં છે. એમને કહ્યું કે તમે કચ્છમાં જાઓ, મેં વાત કરી રાખી છે, તમારું કામ થશે.
એટલે દ્વારકાથી ગાડી વાળી સીધી કચ્છ તરફ. એ મહામંત્રી શ્રી ગીરીજાશંકર મહારાજ, પણ રતનશીભાઈના સંપર્કમાં હતા. રાતના ૧૧ વાગે અમે રતડીયા (માંડવી) સ્થિતિ આશ્રમમાં પહોંચ્યા. એ સાધુ મોટી ઉંમરના હતા. થોડા ચતરા (હોંશિયાર) હતા. એમને એવું લાગ્યું હશે કે આ છોકરાનો ભરોસો કેમ કરવો? પણ જેમ ભારત સાધુ સમાજના બીલખાવાળા ગોપાલાનંદજીની વાત નીકળી એટલે સાધુ બાપા સજાગ થઈ ગયા. બાપાએ કહ્યું કે આમનું નામ છે, તો વાતમાં કંઇક વજૂદ છે. એમને અમારી સામે ગોપાલાનંદજીને ફોન કર્યો. ગોપાલાનંદજીએ સામે શું કહ્યું એ ખબર નથી, પણ આ સાધુ બાપાએ એમ કહ્યું કે ઠીક હૈ, ઠીક હૈ, મૈં અભી દે દેતા હૂં. બેઠે બેઠે તેજ ઘડીએ અમને તા.૧૨-નવેમ્બર-૨૦૧૨ વાળું પ્રમાણપત્ર આપી દીધું, રાતના જ.
25.6. સમાજને જાણ: ત્યાંથી એજ ઘડીએ અમે નીકળ્યા. બે ત્રણ દિવસથી સતત ડ્રાયવીંગ કરીને ખૂબ થાકી ગયા હતા. હવે ગાડી ચલાવી શકાય એવું હતું નહીં. આ દિવાળીના દિવસની ઊગતી સવારવાળી રાત હતી. રાતના હાઇવે પર એક ધાબામાં ગાડી પાર્ક કરી, હું અને રતનશીભાઈ ગાડીમાંજ સીટ પર બેઠા બેઠા સૂઈ ગયા. અમને દ્વારકાના દંડી સ્વામીએ વિનંતી કરેલ હતી કે તમે બીલખના ગોપાલાનંદજી સ્વામી, જે ત્યારે ૧૦૮વર્ષના હતા, તેમના આશીર્વાદ લેતા જજો. માટે આશીર્વાદ લઇને સાંજે મુંબઈ ઘરે પહોંચી જવું હતું, કારણને દિવાળી જેવો આપણો સહુથી મહત્ત્વનો તહેવાર હતો. પરિવાર સાથે આ શુભ દિવસે રહીએ એવી બધાની ઈચ્છા હોય.
૨-૩ કલાક આરામ કરી, બંદૂકની ગોલીના જેમ ગાડી ચાલી અને બીલખા દિવસ ઊગતાં પહોંચી ગયા. એ ૧૦૮ વર્ષના સાધુનો પાવર જોઈએ તો આપણને લાગે કે આપણે હજી ઘણા કાચા છીએ. એ સાધુએ કહ્યું કે છોડતા નહીં આ લોકોને. મેં આ અંગે સ્થાનિક સમાચાર પત્રમાં ખબર છપાવી દીધી છેજ.પછી જૂનાગઢમાં બીજા એમના ચેલા સાધુને, RSS ના એક ભાઈ તેમજ પત્રકાર વગેરેને પણ મળવાનું થયું. બપોરે જમીને ત્યાંયથી નીકળ્યા અને પછી અમે નક્કી કર્યું કે હવે (રસ્તામાં હતા ત્યારેજ) આપણને જોઈતા બધાજ પ્રમાણપત્રો મળી ગયા છે તો હવે શંકરાચાર્યોના પ્રમાણ પત્રોની જાણ આપણે સમાજના આગેવાનોને કરીએ.
એટલે પહેલો વહેલો ફોન અમે રસ્તામાંથી હિમ્મતભાઈને કર્યો. અશક્ય કામ શક્ય બને ત્યારે આપણું મન થોડી વાર માને નહીં, તેવી રીતે, હિમ્મતભાઈ માનવાજ તૈયાર નહીં. પણ ખૂબ રાજી થયા. ખુશ થઇને બોલ્યા, શું વાત કરો છો? તરત ગંગારામબાપાને દિલ્લી ફોન કર્યો. અને ત્યાર બાદ વાત ઝડપે ફેલાણી. હંસરાજભાઈ ધોળુને પણ ફોન કર્યો. રસ્તામાં અમે હતા, ત્યારે અમે સુરત/કડોદરા પાર કરતા હતા, ત્યારે ગૌરાંગભાઈ ધનાણીને ખબર પડી કે આ લોકો આવી રીતે આવી રહ્યા છે, ત્યારે તેમને અમોને ઊભા રખાવ્યા જેથી કરીને અમોને થોડો આરામ પણ મળી જાય. એમને અમોને રસ્તામાં કલાક જેટલા સમય માટે વિરામ કરાવડાવ્યો. નાસ્તો કરાવ્યો, ત્યાં એક એક પત્રકારને બોલાવ્યો અને અમારી પાસે વાત સમજી લીધી. દામોદરભાઈ ભાવાણી (દામોદર કચ્છી) સુરતવાળાએ આ ખબર પ્રકાશિત કરવા માટે સહયોગ આપ્યો અને ત્યાર બાદ આ ખબર સર્વેને જાણ થઈ.
આવી રીતે સર્વે શંકરાચાર્યોએ આપણને સહયોગ આપેલ છે. એક પણ રૂપિયો લીધા વગર શંકરાચાર્યો અને સાધુઓએ આપણને પ્રમાણપત્રો આપેલ છે. આના પરથી એમના મનમાં હિંદુ ધર્મ માટે દાઝ કેટલી હશે એ દેખાઈ આવે છે. આપણે સર્વેને ગૌરવ થશે કે બધા હિંદુ સાધુઓ કંઈ પૈસાથી નથી વહેંચાતા. સાચી વાતના પક્ષમાં ઊભા રહેવા વાળા માણસો છે. આપણી વાત સાચી હોવી જોઈએ. વ્યક્તિગત સ્વાર્થ લઈને વાત કરીએ તો એને ઓળખી જતા હોય છે.
25.7. કોલ્હાપુરના શંકરાચાર્ય: શૃંગેરી શંકરાચાર્ય મઠની એક શાખા છે કોલ્હાપુરમાં, જેનું નામ છે “કરવીર પીઠ”. કોલ્હાપુરના શંકરાચાર્યએ આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં તા. ૨૫–એપ્રિલ–૧૯૩૧ના સતપંથ મુસલમાન ધર્મ છે, એવું પ્રમાણપત્ર આપ્યું હતું. એ પ્રમાણ પત્ર આ કાર્યમાં આપણા હાથમાં આવ્યું. ખાનદેશ, જલગાંવની આસ પાસ રહેતા, લેવા પાટીદાર સમાજ, મહારાષ્ટ્રમાં જે સતપંથ પ્રત્યે જાગૃતતા આવેલ હતી, તે સમયમાં અને તે લોકોએ સતપંથીઓને ઈ.સ.૧૯૦૬ અને ૧૯૨૨માં નાત બહાર કરેલા હતા. જ્ઞાત બહાર કરવાના દસ્તાવેજોમાં જોતાં ખબર પડી કે કોલ્હાપુરના શંકરાચાર્યએ સતપંથને મુસલમાન ધર્મ જાહેર કરેલ છે. આ પ્રમાણપત્ર બહુ જૂનું હતું એટલે આપણને એમ લાગ્યું કે આપણે હાલના શંકરાચાર્ય સાથે વાત કરીતો જોઈએ, તેમને આ વિષય ઉપર કેટલી જાણકારી છે. હાલના શંકરાચાર્યને આ બધી વાતની ખબર હતીજ નહિ. પણ ફોન ઉપર કહેતા કે તમે અહીં આવો, આપણે ચર્ચા કરીશું. ઘણા સમય સુધી આવી વાતો
કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્ય શ્રી વિદ્યાનૃસિંહ ભારતી સ્વામી (વર્ષ ૨૦૦૪માં ગાદી પર બિરાજેલ) ની સતપંથ વિષે જાણકારી આપવા લીધેલ મુલાકાત ડાબેથી: ૧) ધનશ્યામ કાંતિલાલ છાભૈયા, મુંબઈ ૨) પ્રેમજી ભાણજી કેશરાણી, ખારઘર – નવી મુંબઈ ૩) મોહનભાઈ હરીભાઈ દીવાણી, ઇચલકરંજી ૪) હરિભાઈ માવજી વાગડિયા, કોલ્હાપુર ૫) રમેશભાઈ માવજી વાગડિયા, બેંગ્લોર શંકરાચાર્યની બાજુમાં ઉભા: ૬) ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા, મુંબઈ ૭) રતનશી લાલજી દીવાણી, થાણા ૮) શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી, ખારઘર – નવી મુંબઈ અને ૯) વાલજીભાઈ જીવરાજ દીવાણી, ઇચલકરંજી |
ચાલતી હતી. પણ કોઈ સારા સંજોગો આવતા નહોતા.
આવામાં એક વખત મારા મોટા ભાઈ ધનશ્યામભાઈ કોલ્હાપુર બીજા કોઈ કામ સર ગયા હતા. એ કામ પતાવીને તેમની પાસે સમય હતો એટલે કોલ્હાપુરવાળા એ શંકરાચાર્યને એમના આશ્રમમાં જઈને મળ્યા અને વાત કરી. શંકરાચાર્યએ કહ્યું કે તમે આવો, હું તમારું કામ કરી આપીશ.
કોલ્હાપુર એટલે તે સમયના સતપંથના પ્રમુખનું ગઢ હતું. સિંહના મોઢામાંથી દાંત કાઢી લાવવા જેવું કામ હતું. પાછી ખબર ન પડવી જોઈએ. માટે, અમે એટલે હું, પ્રમુખશ્રી અબજીભાઈ, રમેશભાઈ, રતનશીભાઈ, ધનશ્યામભાઈ, પ્રેમજીભાઈ આ બધા નીકળ્યા. અને હરિભાઈ માવજી વાગડિયાનો સંપર્ક કર્યો. તેમને કહ્યું કે તમે આવો, તમારા આવવાના બારમાં કોઈને ખબર પડવા નહીં દઈએ. શંકરાચાર્યને મળીને માંડીને બધી વાત કરી. જેથી શંકરાચાર્યને સંપૂર્ણ રીતે ખાતરી થઈ ગઈ એટલે એમને પ્રમાણ પત્ર આપવાનું આશ્વાસન આપ્યું. અને પાછળથી થોડા દિવસ પછી તા. ૦૧-જુલાઈ-૨૦૧૬ના પ્રમાણપત્ર આપ્યું. અને એ લેવા ગયા ત્યારે હિમ્મતભાઈ અને કોલ્હાપુરના સી.એ. દયારામભાઈ ભાદાણી પણ સાથે હતા. આ પ્રમાણપત્રમાં આપણી સતપંથની રણનીતિને ખૂબ સારી રીતે ખુલાસા પૂર્વક સમજાવેલ છે. તે પત્રમાં જણાવેલ છે કે ભલે ગમે તેટલું બાહ્ય હિંદુ દેખાવ કેમ ન કર્યું હોય, સતપંથ આખરે મુસલમાન ધર્મ છે.
વિનંતી: મારી વિનંતી છે જ્ઞાતિ જનોને કે જ્ઞાતિએ શંકરાચાર્યનું ઋણ સ્વીકારનું કંઇક કરવું જોઈએ. આપણી જ્ઞાતિનું બહુ મોટું કામ થયું છે. કમસે કમ એક ડેલીગેશન જાય, ચારે જગ્યાએ. એમની સભા બોલાવીએ તો બહુજ સારું થાય. સંસ્કાર ધામ કે ઉમિયા માતાજી વાંઢાય આ અંગે યોગ્ય રીતે આગળ વધે.
26. અન્ય સ્ત્રોતો: શાળાઓના પાઠ્ય પુસ્તકો (ધોરણ ૧૨) માં આપેલ વિગતો મેળવી. અમદાવાદની નાની નાની ગલીઓમાં ફરી, ધર્મની જૂની જૂની ચોપડીઓ વહેંચાતી હોય તે લીધી. જ્યાં આવી ચોપડીઓ છપાતી હોય, એવી પ્રિન્ટીંગ પ્રેસ ગોતી કાઢી અને ત્યાંથી પણ માહિતીઓ ભેગી કરી. પુસ્તક મેળાઓ અને પ્રદર્શનીઓમાં પણ ગયા અને ચોપડીઓ ભેગી કરી. આ લેખમાં જણાવેલ પુરાવાઓ માત્ર દાખલા રૂપ અહીં જણાવેલ છે. ઘણા સ્ત્રોતો(sources)થી સારા સારા પુરાવાઓ મહા મહેનતે મેળવેળ છે.
પુરાવા ભેગા કરવાના ઘણા સ્ત્રોતોને આ પુસ્તકમાં જાહેર નથી કરવામાં આવ્યા. માહિતી આપનાર લોકોની સુરક્ષા અને પુરાવાઓને કોઈ નુકસાન ન થાય એ હેતુથી, અમારા દ્વારા માહિતી ભેગી કરવા માટે લીધેલ અમુક મુલાકાતોની પણ ચર્ચા આ પુસ્તકમાં નથી કરવામાં આવી. પણ મારી પાસે આ તમામ જાણકારીને અલગથી વ્યવસ્થિત રીતે નોંધેલ છે. ભવિષ્યમાં યોગ્ય સમયમાં મોકો મળશે તો આ સંસ્મરણો વિષે એક અલગ પુસ્તક બહાર પાડવાનો પ્રયત્ન કરીશ અને તેમાં તમામ વિગતો આવરી લેવાની કોશિશ કરીશ. જે જે લોકોએ અમોને સહયોગ આપ્યો છે એમના નામો, ઘટનાઓની તારીખ વાર વિગતો, આંતરિક ચર્ચાઓ, વિચારો, રણનીતિઓ, આવી પડેલ મુશ્કેલીઓ, માનસિક પરિસ્થિતિઓનું વિવરણ સામેલ હશે. તમામ કાચી નોંધો સમય સમય ઉપર વ્યવસ્થિત રીતે કરેલ છે. માત્ર તેમને પાકી કરીને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની જરૂર છે. મારા ખાલી સમયમાં આ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ.
27. ઊંઝામાં રજૂઆત: આવડી મહેનતના આધારે આપણે (સનાતન સમાજવાળાએ) ઊંઝામાં રજૂઆત કરી. આપણે એટલા બધા પુરાવાઓ ભેગા કરેલ છેને કે એક આખો ટેમ્પો ભરાય. ટેમ્પો ભરાય એટલા ચોપડા બધે સાથે લઈ ન જઈ શકાય. તેમજ પુસ્તકોના બધા પાનાઓ પણ કામના ન હોય. પણ એ બધા પાનાઓ વાંચ્યા અને તેમાંથી કામના પાનાઓનો નીચોડ કાઢ્યો. વિવિધ પુસ્તકો અને દસ્તાવેજોમાંથી મહત્ત્વના પાનાઓને ભેગા કરી એક દળદાર ૬૫૦ પાનાનો “સતપંથ સમસ્યા” નામનો ગ્રંથ તૈયાર કર્યો.
આ પુસ્તકમાં શરુઆતમાં એક પાવર પોઈન્ટ પ્રેસેન્ટેશન મૂકવામાં આવ્યું છે. એમાં આપણા બધાજ મુદ્દાઓ સામેલ કરેલ છે. સ્લાઈડમાં જણાવેલ મુદ્દાઓનો જે-જે પુરાવાઓ હોય તેની નકલ જોડી છે. તેને સીરીઅલ નંબર આપીને, પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા અને પુરાવાઓને એકબીજા સાથે લીંક/જોડેલ કરેલ છે. આવી રીતે તૈયાર કરીને આ “સતપંથ સમસ્યા” નામનું પુસ્તક ઊંઝાના પંચોને આપ્યું. આ પુસ્તક જોઇને ઊંઝાના વડીલોને ગળાડૂબ ખાતરી થઈ ગઈ અને આપણા માટે પ્રશ્નોજ બંધ કરી દીધા. તેમને પૂરી ખાતરી થઇ ગઈ કે સતપંથ ઇસ્લામ ધર્મ છે, ભલે તેનો ગમે તેટલો બાહ્ય હિંદુ દેખાવ કેમ ન હોય. કહ્યું કે હવે અમને કંઈ નથી જોઈતું તમારા તરફથી.
આ પુસ્તકની બે નકલો ઊંઝાવાળાએ સતપંથવાળાને આપી અને કહ્યું કે આની અંદર જણાવેલ મુદ્દાઓનો તમે જવાબ તૈયાર કરીને લાવો. વિરોધ કરવો હોય તો વિરોધ કરો. પુસ્તકમાં કોઈ ભૂલ હોય કે ખોટું હોય તો કહો. તમને સર્વેને આનંદ થશે કે આ પુસ્તકમાં સતપંથવાળા નાનો કે મોટો કોઈ પણ જાતનો વાંધો કાઢી શક્યા નથી. પ્રેમજીભાઈ કેશરાણી તરફથી મને એક વાતની જાણ કરવા ફોન આવ્યો કે સતપંથના હાલના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી આ (સતપંથ સમસ્યા) ચોપડીનું અધ્યયન કરતા હશે, ત્યારે બહુ ઉગ્ર થઇ ગયા અને પ્રેમજીભાઈને કહ્યું કે તમે તો અમને “મુસલમાન” પુરવાર કરી દીધા.
આ ચોપડી તૈયાર કરતી વખતે માત્ર કેન્દ્ર સમાજ નહીં, પણ ઉમિયા માતાજી વાંઢાય અને સંસ્કાર ધામ, દેસલપર (વાંઢાય)ને પણ વિશ્વાસમાં લીધેલ છે. આના માટે મારા સાથે, હિમ્મતભાઈ ખેતાણી, રતનશીભાઈ દીવાણી અને અબજીભાઈ કાનાણીની એક ટીમ હંસરાજભાઈ ધોળુને એમની ભુજની ઑફિસમાં મળી. રતિલાલભાઈ પોકાર, સંસ્કાર ધામના મહામંત્રી,ને પણ બોલાવ્યા હતા. અને એક એક મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી. એના પુરાવાઓની ચર્ચા કરી અને વડીલોને વિશ્વાસમાં લીધા. એટલે આપણી જ્ઞાતિની ત્રણે પાંખનું સહિયારું આ પુસ્તક છે.
તેવીજ રીતે Internal File Note પુસ્તક (જુઓ પેજ ક્ર ૧૨૦) અને સતપંથ સમસ્યા પુસ્તકને વિલય (merge) કરીને, વ્યવસ્થિત રીતે માહિતી મળે એ રીતે આ આ પુસ્તકના Section 2 ( પેજ ક્ર ૧૧૦) માં પ્રકાશિત કરવામાં આવેલ છે.