Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

૩. સનાતની ચળવળ

આપણી કેન્દ્રીય સમાજની સ્થાપનાની પૂર્વ ભૂમિકા અને વર્તમાન સ્થિતિ

– શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી

 

આપણે જાણીએ છીએ કે આપણા પૂર્વજોએ સૈય્યદ ઇમામશાહ બાવાના પ્રભાવમાં આવીને પીરાણા સતપંથ ધર્મનો સ્વીકાર કરવાથી, ઉત્તર ગુજરાત/અમદાવાદના ફળદ્રુપ વિસ્તારઓ છોડી, કચ્છમાં આવવું પડ્યું. ત્યારથી આપણને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની ઓળખ મળી. કચ્છમાં આવ્યા ત્યારે, સૌ પ્રથમ આપણે ભચાઉ નજીક સીકરા નામના ગામમાં આવીને વસ્યા.

હિંદુ ધર્મનું મૂળ ટકાવ્યું

દૂરંદેશી વિચાર શરણી ધરાવનાર આપણા જ્ઞાતિના તે વખતના વડીલ શ્રી વિશ્રામભાઈ નાકરાણીને ખ્યાલ આવી ગયો કે આપણે કોઈક મુસલમાનને ધર્મગુરુ માનીને, વિધર્મના ખોટા રસ્તા પર ચડી ગયા છીએ. પણ અંધશ્રદ્ધા અને સૈય્યદોના પ્રભાવમાં અને તેમના બતાવેલ લાલચમાં ફસાયેલ આ જ્ઞાતિને વાળવી સહેલું નોહ્તું. આગળ જતાં આપણી જ્ઞાતિ હિંદુ ધર્મથી વિમુખ ના થઈ જાય, તે માટે વિશ્રામબાપા ચિંતિત હતા. આપણી જ્ઞાતિનું સૌમ્ય રીતે એટલે કે ધીરે-ધીરે ઇસ્લામી કરણ થતું તેમને દેખાતું હતું, માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે તેમના અંતિમ સમયમાં આપણી જ્ઞાતિ પાસેથી બે વચનો લીધા. પહેલું વચન હતું કે આપણી જ્ઞાતિએ ગોકુળિયું અર્થાત્ કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર ઉજવવાનું કોઈ દિવસ બંધ કરવું નહીં. અને બીજું વચન હતું, કે આપણે કોઈ દિવસ પરમાટી એટલે કે માંસાહાર ખાવો નહીં અને દારુ/મદિરાના વ્યાસનમાં પડવું નહીં. વડીલ શ્રી વિશ્રામભાઈ નાકરાણી જ્ઞાતિમાં ખૂબજ સૌના માનીતા હોવાથી જ્ઞાતિએ વડીલને આપેલ એ બન્ને વચનોના કારણે આપણી જ્ઞાતિનું મૂળ હિંદુ ધર્મ સાથે કાયમી રીતે જોડાઈ રહ્યું. માંસાહાર કરનાર સૈય્યદો દ્વારા, અંધશ્રદ્ધાના દમ પર, એમના એઠાં ને પ્રસાદ સમજીને ખાવાની પ્રથા જ્ઞાતિમાં ઘુસાડેલ હોવા છતાં, આપણે માંસાહાર ન કર્યો. એટલે બીજા શબ્દોમાં ગાયનું માંસ ન ખાધું અને ગાયને પવિત્ર અને પૂજનીય ગણતા રહ્યા. આ રીતે હિંદુ ધર્મના પાયાના મૂલ્યો જળવાઈ રહ્યા.

ઘણાં દાયકાઓ વીત્યા બાદ સવંત ૧૮૩૨નો પ્રાગજી કાકા અને સૈય્યદ વલીમિયાં વાળો ઠરાવ જેના થકી આપણી જ્ઞાતિને હિંદુ મૂળમાંથી કાપી નાખવાનો પ્રયાસ હતો, જેમાં આપણી હિંદુ વંશાવલીની નોંધ રાખતા વહીવંચાઓ તેમજ આપણા જ્ઞાતિના ગોર (એટલે બ્રાહ્મણ) દ્વારા ધાર્મિક ક્રિયા કાંડઓ કરવા ઉપર બંદી કરવામાં આવી. આ ઠરાવના અમલથી આપણા ઉપર ‘મુમના’નું કલંક લાગ્યું. આપણી જ્ઞાતિનું ઇસ્લામીકરણ જાહેરમાં થવા લાગ્યું.

સુધારા-૧: કેશરા પર્મેશ્વરાનો પહેલો બળવો

આપણા સદ્‍ભાગ્યે પ.પૂ. નરવીર કેશરા પરમેશ્વરા (નેત્રા ગામના કેશરા મુખી)એ સં. ૧૮૩૨ના ઇસ્લામીકરણ તરફ દોરનાર ઠરાવના સજ્જડ વિરોધ કરી સ્વામિનારાયણ સંતો સાથે વિચાર વિમર્શ કરી સનાતન ધર્મની રાહ પર ચાલવા સ્વામિનારાયણ સંપ્રદાયનો સહારો લીધો અને તેમની સાથે આપણા કેટલાક જ્ઞાતિજનો જોડાયા. જે આજે સ્વામિનારાયણ સત્સંગ સમાજ તરીકે ઓળખાય છે. અને ચુસ્ત રીતે સનાતન ધર્મનું પાલન કરે છે. આ સુધારાની પહેલ હતી. પરંતુ તે વખતે થોડાક જ જ્ઞાતિજનો આમાં જોડાયા. મોટા ભાગના જ્ઞાતિજનો સતપંથ ધર્મમાંજ રચ્યા પચ્યા રહ્યા અને મુમનાના કલંક સાથે સૈયદો-કાકા-મુખી-ગેઢેરાના આદેશ પ્રમાણે જીવતા હતા.

સુધારા-૨: નારાયણ રામજી લીંબાણી દ્વારા સનાતન ધર્મની જાગૃતિ અભિયાન

આ દયનીય પરિસ્થિતિમાં આપણા આદ્યસુધારક નારાયણજી રામજી લીંબાણી (વિરાણી મોટી)એ સતપંથ સાહિત્યનો ગહન અભ્યાસ કર્યા. પછી પીરાણાની પોલ ખોલતુ પુસ્તક ‘પીરાણાની પોલ યાને સત્યનો પ્રકાશ’ નામનુ દળદાર પુસ્તક પ્રગટ કરી સુધારાની શરૂઆત શુધ્ધિકરણના માધ્યમથી કરી. તેમની આગેવાની હેઠળ કરાંચી-મુંબઇ-કચ્છ વગેરે સ્થળોએ પરિષદો-સભાઓ ભરી. સુધારક મંડળના નેજા હેઠળ સંપૂર્ણ શુધ્ધિકરણની ઝુંબેશ ઉપાડી અને વૈદિક સનાતન ધર્મની જ્યોત જગાવીને સુધારાને વેગવાન બનાવ્યો. આમ વૈદિક સનાતન ધર્મ-આર્ય સમાજની વિચારધારા આપણી જ્ઞાતિમાં આવી. જ્ઞાતિજનો સુધારાની પ્રક્રિયામાં જોડાવા લાગ્યા. આ ચળવળ ચલાવનારને “શુદ્ધિયું” વાળા કહેવામાં આવતા.

આ સુધારાની ઝુંબેશ/પ્રક્રિયાને ખોરંભે પાડવા માટે સતપંથી આગેવાનો-ગઢેરાઓએ શુદ્ધિયું વાળા જ્ઞાતિજનોને અને તેમના કુટુંબીઓ-સગાસબંધીઓને જોહુકમીથી પરેશાન કરવા લાગ્યા. તેથી કેટલાક સુધારાવાદીઓ વૈદિક સનાતન ધર્મ છોડી પાછા ગઢેરાઓના શરણમાં સતપંથમાં પરત આવવા લાગ્યા. પૂ. નારાયણજીબાપાએ પણ શુધ્ધિકરણ સ્વીકારનાર જ્ઞાતિજનો સતપંથમાં પરત જતા નિહાળી ઘણો જ આઘાત લાગ્યો. આમ આવા શુદ્ધિયું વાળાની સંખ્યા સીમીત રહી. ત્યારબાદ નારાયણજીબાપાની તબિયત નાદુરસ્ત થતાં જ્ઞાતિ સુધારાની પ્રક્રિયામાં ઓટ આવી.

સુધારા -૩: સંત શ્રી ઓધવરામ મહારાજ – ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પધરામણી

બીજી બાજુ, આપણી જ્ઞાતિના સુપુત્ર, સંતશ્રી પ.પૂ. લાલરામજી મહારાજ (દેશલપર-ગુંથલીવાળા) આપણી જ્ઞાતિની ધાર્મિક અને આર્થિક દુર્દશા જોઇ મનોમનમાં ખૂબ જ પીડા અનુભવતા હતા. આપણી જ્ઞાતિને સાચા સનાતની રાહે લાવવાની તેમની પ્રબળ ઇચ્છા હોવા છતા શરીરની લાચારીને લીધે તેઓ સુધારાનું કાર્ય કરી શક્યા નહી અને તેમનું આયુષ્ય પણ ટૂંકું હોવાથી મરણ પથારીએ પોતાની જ્ઞાતિને સાચા સનાતની ધર્મને રાહે ન લાવી શકવાની પીડા ભોગવતા હતા. અને આ પીડામાં તેમનો જીવનદીપ બુઝાતો ન હતો.

તેમની આ પીડા તેમના શિષ્ય સંતશ્રી ઓધવરામજી મહારાજે અનુભવી અને તેમને ગુરૂજીને વિનંતી કરી કે આપની પીડા મને જણાવો તો આપના જીવને સદ્‍ગતી મળે. ઓધવરામજીએ તેમના ગુરૂને વચન આપ્યું કે હું આપની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને ઇસ્લામ અને મુમનામાંથી પુનઃ સાચા હિંદુ સનાતની રાહે લાવવા માટે જીવનભર પ્રયત્નશીલ રહીશ. ત્યાર બાદ તેમના ગુરૂજીનો આત્મા પરમતત્વમાં વિલીન થયો.

સંત ઓધવરામજી મહારાજે તેમના ગુરૂજીને આપેલ વચનને પરિપૂર્ણ કરવા માટે વિચારવા લાગ્યા. પરંતુ ક્યાંથી અને કઇ રીતે આગળ વધવું તેની તેમને મુઝવણ હતી. તેઓ ભાનુશાળી કુળના હોવાથી આપણી જ્ઞાતિ સાથેનો વિશેષ પરિચય ન હતો. આવી મુઝવણ વચ્ચે અચાનક તેમનો ભેટો મુંબઇવાળા રતનશી ખીમજી ખેતાણી (વિરાણી વાળા) સાથે થયો. રતનશીબાપા સુધારક મંડળના મંત્રી હતા. તેમની સાથે વાર્તાલાપ કરતા સુધારાની ચાલતી પ્રક્રિયાની માહિતી મેળવી.

નારાયણજીબાપાના માર્ગદર્શન હેઠળ ચાલતી સુધારાની પ્રક્રિયામાં શુદ્ધિયું વાળા સુધારાવાદીઓ ખૂબ જ ચુસ્તપણે નિયમોનું પાલન કરવાની ફરજ હતી. તેમના વિચાર મુજબ સુધારાવાદીઓએ શુધ્ધિકરણ પછી સતપંથીઓ સાથે કોઇપણ રીતનો સબંધ રાખવો નહિ. નજીકના સગાઓ સાથે પણ સબંધો તોડી નાખવા પડતા હતા. આ પરિસ્થિતિ સમજી ઓધવરામજીએ રતનશીબાપાને સ્પષ્ટ જણાવ્યું કે આ રીતે તમોને ધારી સફળતા પ્રાપ્ત નહિ થાય. કારણ કે તમારી જ્ઞાતિમાં સનાતની લોકો બહુજ નાની સંખ્યા એટલે કે ખૂબજ લઘુમતીમાં છો. તેની સામે સતપંથવાળા ખૂબ મોટી સંખ્યામાં છે અને તેમના દ્વારા સનાતની લોકો પર ગુજરેલ અત્યાચારો, જેવા કે જ્ઞાતિ બહાર મૂકી દેવા, સગાં સંબંધી પર અસહ્ય દબાણો લાવવા વિગેરે, જેવા કે માનસિક ત્રાસ અને અત્યાચારો સામે સનાતનીઓ ટકી શકે નહીં. બેટી વ્યવહારો અટકી જશે. જે વાત સાચી હતી. તે સમયે અવાજ કારણોના લીધે ઘણા સુધારવાદીઓ બીકના માર્યા પાછા સતપંથમાં ભળવા લાગ્યા હતા. સુધારવાદીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જતી હતી. સનાતન ચળવળ નિષ્ફળ જવાની અણીએ આવી પહોંચી હતી. તે ઉપરાંત જ્ઞાતિ આર્થિક રીતે ખૂબજ નબળી હતી અને વૈચારિક રીતે પછાત પણ હતી. એટલે નારાયણ બાપા દ્વારા અપનાવેલ રસ્તા મારફતે વૈદિક સનાતન ધર્મના વિચારો અને વ્યવહારો જ્ઞાતિમાં ઉતારવા લગભગ અશક્ય હતાં.

આ વાર્તાલાપથી રતનશીબાપાને ઝાટકો લાગતા તેમણે સુધારા માટે સંતશ્રીની સલાહ માંગી. સંતશ્રીએ જણાવેલ કે તમો તમારા સગાસબંધીઓને સાથે રાખ્યા વગર આગળ વધો છો તો તેઓ તમારો વિશ્ર્વાસ કેમ કરશે? વિશેષમાં સુધારાની પ્રક્રિયા કરવા જ્ઞાતિને કંઇક આપણું અવલંબન પણ જરૂરી છે. રતનશીબાપા અને તેમના ધર્મપત્ની શુદ્ધિયુ વાળા સુધારાવાદી હતા. તેથી તેઓ પણ તેમના બે વડીલ બંધુઓ જેઓ હજુ સતપંથમાં જ હતા તેમના ઘરનું પાણી પણ નહોતા પીતા. તેથી તેમના વડીલો પણ તેનાથી દુર જ રહ્યા. ઓધવરામજીની સલાહથી રતનશીબાપા અને તેમના ધર્મપત્નીએ પોતાના બન્ને વડીલ બંધુઓ અને ભાભીઓ પાસે રૂબરૂ જઇ માફી માંગતા તેઓ બન્ને વડીલ બંધુઓ સુધારાની પ્રક્રિયામાં સામેલ થવા ઇચ્છા દર્શાવી. તેથી રતનશીબાપાને સંતશ્રી ઓધવરામજી ઉપર શ્રધ્ધા બેઠી. તેઓએ ૧૬-૦૭-૧૯૨૩ના શુદ્ધિ કરણ ઘાટકોપરમાં કરાવ્યું અને સુધારાની પ્રક્રિયામાં જોડાયા.

આ અંગે રતનશીબાપા નારાયણજીબાપાને રૂબરૂ મળી બધી વાત કરીને સંતની સલાહ પ્રમાણે આગળ વધવામાં આવશે તો સારૂ પરિણામ આવશે તેવું જણાવ્યુ. પરંતુ નારાયણજીબાપા પોતાના સુધારાવાદી વલણમાં અડગ રહ્યા અને સંતની સલાહ પ્રમાણે આગળ વધવા સહમતી ના આપી. એટલે રતનશીબાપાએ નારાયણજીબાપાને જણાવેલ કે મને સંતશ્રી ઉપર વિશ્ર્વાસ બેસે છે એટલે તેમની સલાહ પ્રમાણે સુધારાની પ્રક્રિયા કરવા પ્રયત્ન કરી લેવા રજા માંગી. તેમાં સફળતા પ્રાપ્ત થશે તો સારું નહિ તો હું આપની સાથે જ છું અને રહીશ.

સંતશ્રી ઓધવરામજીએ રતનશીબાપાને સુધારા પ્રક્રિયા કરવા માટે જણાવ્યું કે જો ઇષ્ટદેવ તરીકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને સ્વીકારી સનાતન ધર્મનો પ્રચાર કરવામાં આવશે, તો જ્ઞાતિની હાલની અવદશા મુજબ સારા પરિણામ મેળવી શકીશુ.

આમ રતનશીબાપાએ સંતશ્રી ઓધવરામજીની સલાહ મુજબ જ્ઞાતિમાં લક્ષ્મીનારાયણ ભગવાનને ઇષ્ટદેવ તરીકે સ્વીકારી તેમના મંદિર બનાવવાનો સંકલ્પ કરી, સાથે સનાતન ધર્મનો પ્રચાર કરવા નિર્ણય લીધો. આ અંગે રતનશીબાપા તેમના સાથીદારો સાથે પણ વિચાર વિમર્શ કરી, સંત ઓધવરામજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન લઇ ગામેગામ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરો બનાવવા સાથે સનાતન ધર્મનો પ્રચાર કરવા લાગી ગયા. આ ચળવળ ચલાવનારને “સુધારાવાદીઓ” કહેવામાં આવતા. રતનશીબાપા પ.પુ. ઓધવરામજી મહારાજની સલાહ મુજબ ધાર્મિક સુધારાની ચળવળ ચલાવી. પરંતુ નારાયણજી બાપાએ સૂચવેલ મૂળ સનાતની સિદ્ધાંતોને રતનશીબાપાએ આજીવન પૂરી નિષ્ઠા થી પાળ્યા. ફરક માત્ર એટલો હતો કે નારાયણ બાપા સતપંથીઓ સાથે સંબંધ કાપી નાખીને પછી તેમને સનાતની બનાવવા માંગતા હતા, ત્યારે રતનશીબાપા સિદ્ધાંતોમાં બાંધ છોડ કર્યા વગર, સતપંથીઓને સહયોગ આપી તેમને સનાતન હિંદુ ધર્મને સ્વીકારવા પ્રોત્સાહિત કરી, તેમને સનાતની બનાવતા હતા. એક વખત સંપૂર્ણ સનાતની બન્યા બાદજ તેમની સાથે ખાવા પીવા જેવા સામાજિક વ્યવહારો કરતા હતા.

સૌ પ્રથમ વિરાણી મોટી મધ્યે લક્ષ્મીનારાયણ ભગવાનની પાનમૂર્તિ બેસાડવા પ્રયત્નશીલ બન્યા. તેની તૈયારીરૂપે પાનમૂર્તિ પણ તૈયાર કરાવી લીધી. પરંતુ ગામમાં થોડાક ખટરાગ થતા વિલંબ થયો. સાબરકાંઠાના બોરડીટીંબા કંપામાં વિરાણીવાસીઓ રહેતા હોવાથી તેઓએ લક્ષ્મીનારાયણ મંદિર બનાવવાનું બીડુ ઝડપ્યું અને વિરાણી માટે બનાવેલ પાનમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બોરડીટીંબામાં સૌ પ્રથમ ઈ.સ. ૧૯૨૬માં કરવામાં આવી. ત્યારબાદ વિરાણી મોટીમાં ઈ.સ. ૧૯૨૮માં લક્ષ્મીનારાયણ ભગવાનની પાનમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.

ત્યારપછી સંતશ્રી ઓધવરામજી અને સંત દયાલદાસજીના માર્ગદર્શન હેઠળ ગામેગામ સનાતન ધર્મનો પ્રચાર થવા લાગ્યો અને ધીરેધીરે ગામેગામ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરોની સ્થાપના થવા લાગી.

સુધારા -૪: કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની સ્થાપના

આ સુધારાની ઝુંબેશ ચાલતી હતી તે વ્યવસ્થિત કરવા તેમજ સુધારાવાદી જ્ઞાતિનું સંગઠન મજબૂત કરવા ઈ.સ. ૧૯૩૮માં શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની રચના કરવામાં આવી. તેમના પ્રથમ પ્રમુખ તરીકે રતનશી ખીમજી ખેતાણી અને મહામંત્રી તરીકે નથુભાઇ નાનજીભાઇ કેશરાણીની વરણી કરવામાં આવી. નખત્રાણાના નથુભાઇ નાનજીભાઇ છાભૈયા/કેશરાણી સુધારાની ચળવળમાં સક્રિય રીતે ઈ.સ.૧૯૩૭માં નખત્રાણા (નવાવાસ)ના (જ્ઞાતિનું ત્રીજું અને કચ્છ ખાતે બીજું) લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સભામાં જોડાણા હોવા છતાં, તેમની ધગશ અને ખંતને ધ્યાને રાખી મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી.

સમાજની રચના પછી તેમના નેજા હેઠળ સનાતન ધર્મનો પ્રચાર ખૂબ જ વેગવાન બન્યો અને ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણના મંદિરોની સ્થાપનામાં કચ્છના ગામો તેમજ સાબરકાંઠાના કંપાઓમાં મંદિર બનવા લાગ્યા અને સનાતન ધર્મમાં જ્ઞાતિજનોનો પરત આવવાનો પ્રવાહ પણ વેગવાન બન્યો.

સુધારા -૫: જ્ઞાતિને પોતાના મૂળ સાથે જોડી રાખવા – ઉમિયા માતાજી વાંઢાયની સ્થાપના

કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝા હોવાથી દર્શન કરવા ઊંઝા સુધી લાંબે જવું પડતું. તેથી કચ્છ અને સાબરકાંઠાના વડીલોએ ઓધવરામજી મહારાજ અને દયાલદાસજી મહારાજ પાસે વિનંતી કરી કે કુળદેવી ઉમિયા માતાજી કચ્છમાં આવે તો જ્ઞાતિજનોને દર્શન સુલભ થાય. સનાતન ધર્મના કાર્યમાં વેગ આવે. ઓધવરામજી મહારાજે વાંઢાયમાં તેઓ જ્યાં “તપસ્યા” કરતા હતા તે સ્થળે માતાજીની પધરામણી થાય તેવી લાગણી વ્યક્ત કરતા સર્વે વડીલો સ્વીકારી ઉમિયા માતાજીની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીમાં લાગી ગયા. કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના નેજા હેઠળ ઈ.સ. ૧૯૪૪માં વાંઢાય કુળદેવી ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન સમાજમાં કેટલાક સુધારવાદી ઠરાવો કરી જૂની પરંપરાને તિલાંજલિ આપવામાં આવી અને સનાતની ચળવળ વેગવાન બની જ્ઞાતિજનો ધીરેધીરે સતપંથને છોડી સનાતન સમાજમાં આવવા લાગ્યા. આથી સતપંથની સંખ્યા ઘટવા લાગી અને સનાતનીઓની સંખ્યા વધવા લાગી.

સુધારા -૬: બૌદ્ધિક વિકાસ માટે કેળવણીનો પાયો

કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની કાયદાકીય રીતે વિધિસર સમાજ રચના કરી ટ્રસ્ટ બનાવવા માટે ઈ.સ. ૧૯૫૭માં એડહોક કમિટીની રચના કરવામાં આવી. તેના પ્રમુખ સ્થાને મથલના પરબત લખુ પોકાર અને મંત્રી તરીકે કરશન શિવદાસ દિવાણી વિરાણીવાળાની નિમણૂંક કરવામાં આવી.

સંત ઓધવરામજીની પ્રેરણા હતી કે જ્ઞાતિમાં/સમાજમાં શિક્ષણ આવશે તો સુધારા સાર્થક થશે. તે મુજબ પહેલાં ધનસુરામાં બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી અને ત્યાર બાદ ઈ.સ. ૧૯૬૦માં નખત્રાણા ખાતે બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી. તે વખતે જ્ઞાતિનું પ્રથમ અધિવેશન/પરિષદ યોજવામાં આવ્યું. તેમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. જેના પ્રથમ પ્રમુખ તરીકે શિવદાસ કાનજી નાકરાણી વિરાણીવાળા અને મહામંત્રી તરીકે ખીમજી નાગજી લીંબાણી મથલવાળાની નિમણૂંક કરવામાં આવી. અને નખત્રાણા બોર્ડિંગ ખાતે તેનુ કાર્યાલય કાર્યરત થયા પછી જ્ઞાતિ રીતરિવાજોમાં સુધારા આવ્યા અને સતપંથી રૂઢિઓથી છુટકારો મળ્યો.

ટ્રસ્ટના અસ્તિત્વ પછી બોર્ડિંગમાં રહી વિદ્યાભ્યાસ કરી જ્ઞાતિજનોએ વિવિધ ક્ષેત્રે સારી પ્રગતિ કરી. સમાજના નેજા હેઠળ નખત્રાણા-માંડવી-ભુજ-ગાંધીધામ-વલ્લભવિદ્યાનગર-સુરત વગેરે સ્થળોએ વિદ્યાધામો/ સમાજવાડીઓ બની. સુવિધાઓ પ્રાપ્ત થઇ.

સમાજની વિધીવત્ સ્થાપના પછી પાંડુરંગ શાસ્ત્રીના સંગમાં આપણા જ્ઞાતિજનો આવ્યા અને સ્વાધ્યાય પ્રવૃત્તિમાં મોટા પ્રમાણમાં જોડાઈ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. તેથી સનાતનીઓ તેમજ સતપંથીઓ પણ સ્વાધ્યાયમાં જોડાયેલ જોવા મળ્યા.

કાળક્રમે સતપંથીઓ સતપંથ છોડી સનાતની પ્રવાહમાં સમાજ સાથે જોડાતા ગયા અને છેલ્લે સતપંથ સમાજની સંખ્યા બહુ ઓછી રહી.

પરંતુ આ દરમ્યાન કેટલાક સતપંથીઓ સનાતન સમાજની ઉદારતાનો ગેરલાભ લઇ, સતપંથ છોડ્યા વગર સનાતન સમાજના સભ્ય બની ગયા અને ધીરેધીરે સતપંથીઓ આપણા કેટલાક સનાતનીઓના સહારે સમાજમાં વિખવાદ ઊભા કરવા પ્રયત્નશીલ થયા. આના કારણે સમાજને તેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવ્યો. આજે પણ આના માઠા પરિણામો આખો સનાતની સમાજ ભોગવી રહ્યો છે. જેને આપણા કેટલાક ઉદારમતવાદી, વિઘ્નસંતોષી, તકસાધુ માણસો, સતપંથીઓને સહકાર આપી મુશ્કેલીઓ ઊભી કરવામાં નિમિત્ત બન્યા છે, તે દુ:ખની વાત છે.

સુધારો -૭: લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિ અને સંસ્કાર ધામની સ્થાપના

સતપંથીઓના સનાતનીઓ ઉપર પ્રહારો ચાલુજ રહ્યા. સતપંથીઓ દ્વારા સનાતની આગેવાનો ઉપર ખોટા પોલિસ/કોર્ટ કેસો કરી પરેશાન કરવા લાગ્યા. જેથી સનાતનીઓ નાસીપાસ થાય, અને સમાજ પર કબજો મેળવવા મેદાન મોકળું થઇ જાય. આ વિટંબણાઓને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સમાજ અને ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયના અગ્રણીઓ વાંઢાય મધ્યે એકત્ર થઇ, સતપંથીઓ સામે મક્કમતાથી લડવા અને સનાતનીઓને પીઠબળ આપવા, તેમજ સનાતન ધર્મ પ્રચાર કરવા વિચારણા કરીને, કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ પુંજાભાઇ વાસાણીના પ્રમુખસ્થાને લક્ષ્મીનારાયણ સનાતન ધર્મપ્રચાર સમિતીની રચના ઈ.સ. ૧૯૯૬માં કરવામાં આવી.

આ ધર્મ પ્રચાર સમિતીએ ગામેગામ સનાતન ધર્મનો પ્રચાર કરી જ્ઞાતિજનોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરેલ. આ સમિતીના નેજા હેઠળ ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણ સનાતન સમાજના નેજા હેઠળ ગામેગામના લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરોને એક સૂત્રે સાંકળી લેવાના હેતુથી ભવ્ય કેન્દ્રસ્થાન સંસ્કારધામ (દેશલપર-વાંઢાય ખાતે) નિર્માણ પામેલ છે. જેના પ્રમુખ સ્થાને વડીલ શ્રી જેઠાભાઇ લાલજી ચોપડા વર્ષોથી સેવા આપે છે.

સુધારા -૮: સતપંથ સમસ્યાના ઉકેલ માટે ઉમિયા માતાજી ઊંઝાનો ચુકાદો

આપણા સનાતની વડીલોએ સનાતની જ્ઞાતિજનોના વિકાસ લાભાર્થે સમાજની રચના કરેલ અને સમાજ દ્રારા વિકાસના કાર્યો કરવામાં આવે છે. સનાતનીઓની ઉદારતાનો લાભ લઇ સતપંથીઓ સતપંથ છોડ્યા વગર સભ્ય બની સમાજમાં વહીવટ જમાવવા પ્રયત્નશીલ થયા. તેઓએ સમાજના પ્રમુખ/ટ્રસ્ટીઓ ઉપર પણ ખોટા કોર્ટ કેસો કરી પરેશાન કરવા સુધીની હદે ગયા છે. તેમ છતાં આપણામાંના કેટલાક સનાતનીઓની સલાહથી સતપંથના જાહેર કાર્યક્રમોમાં આપણી સમાજના આગેવાનો હાજર રહી, સતપંથીઓની પીઠ થાબડવા લાગ્યા. સતપંથીઓએ આપણા મુખ્ય કાર્યાલય નખત્રાણા બોર્ડિંગમાં પોલીસને મોકલી ખોટા પોલીસ કેસમાં સનાતનીની ધરપકડ કરવા પ્રયત્ન કરેલ. આથી સનાતનીઓના જીવ ઊકળી ઊઠતા ફરી સનાતની ચળવળ જાગૃત કરવાની ફરજ પડતાં, હિમંતભાઇ રતનશી ખેતાણીની આગેવાનીમાં ભારતભરમાં સનાતની પ્રચાર વેગવાન બન્યો. અને કેન્દ્રીય સમાજને શ્ર્વેતપત્ર બહાર પાડી સમાજની સનાતની ઓળખ સ્પષ્ટ કરવાની ફરજ પડી. આ શ્વેતપત્રને અસરકારક કરવા માટે સનાતનીઓએ દ્વારા માર્ગદર્શક ઠરાવો પણ બહાર પાડવામાં આવ્યા.

આ સનાતની ચળવળકારોએ ભારતભરમાં સભાઓ યોજી સનાતનીઓને જાગૃત કર્યા. તેના પરિણામે સમાજના સ્વર્ણિમ મહોત્સવ તેમજ લક્ષ્મીનારાયણ સંસ્કારધામ-દેશલપરના ઉદ્‍ઘાટન કાર્યક્રમમાં દેશભરના સનાતનીઓ ખૂબજ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા અને બન્ને મહોત્સવને ભવ્ય સફળતા અપાવી.

સનાતન સતપંથ વિવાદ ઉકેલવા માટે વિશ્વ ભરના કડવા પાટીદારોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝાને ઈ.સ. ૨૦૧૫માં રજૂઆત કરવામાં આવી. ઊંઝા સંસ્થાએ ઊંઝા-સિદસર-સુરત સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરી એક લવાદ પંચની નિમણૂંક કરી. આ લવાદ પંચે બન્ને પક્ષોના ૧૧-૧૧ અધિકૃત પ્રતિનિધિઓને બોલાવી અવારનવાર મળેલ સભાઓમાં મૌખિક-લેખિત રજૂઆતો ધ્યાને લઇ ખૂબ જ ઉંડાણપૂર્વક અભ્યાસ કરી, કુળદેવી ઉમિયા માતાજીએ સુઝાડ્યું તે મુજબ બન્ને પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં માતાજીના સાનિધ્યમાં તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના રોજ ચુકાદો આપ્યો. આ ચુકાદાની કોપી બન્ને પક્ષોને માતાજીની સાક્ષીએ આપવામાં આવી અને લવાદપંચે, બન્ને પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વાંચી સંભળાવવામાં આવેલ. બન્ને પક્ષોએ પાલન કરવા સહમતી આપેલ.

આપણી કેન્દ્રીય સમાજે ચુકાદાને સ્વીકારી તરત જ જ્ઞાતિજનોને તેનો અમલ કરવા ભલામણ કરેલ. પરંતુ સતપંથ સમાજ તરફથી આજ સુધી આ ચુકાદાના અમલ કરવાની સ્પષ્ટ રજૂઆત કરવામાં આવેલ નથી. અને અમલ પણ કરેલ નથી.

પરંતુ તા. ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ આચાર્ય નાનજીકાકા ગુરૂ કરસનકાકાની સહીથી ધી ઇમામશાહ બાબા સંસ્થા કમિટી, પિરાણા તા. દસક્રોઇ, જી. અમદાવાદ દ્રારા જાહેર જનતા જોગ ખુલાસો ‘કચ્છમિત્ર’, “ગુજરાત સમાચાર”, “સંદેશ” વિગેરે દૈનિક પત્રોમાં તા. ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૮ના છપાવી જણાવેલ છે કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની સમાધાન કમિટી દ્રારા જે નિર્ણય તા. ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ લેવાયો છે, તેને અમારી સંસ્થા સખત શબ્દોમાં વખોડી કાઢે છે. વધુમાં જણાવ્યું કે તેમના અનુયાયીઓ પણ ઊંઝાના આ નિર્ણયને સ્વીકારતા નથી.

આ રીતે વિશ્ર્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા અને કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં આપવામાં આવેલ ચુકાદાને વખોડી કાઢી સંસ્થા અને માતાજીનો અનાદર કરવામાં આવેલ છે.

ઉપસંહાર:

આપણે જાણીએ છીએ કે સતપંથ સમાજ વર્ષોથી અસ્તિત્વમાં છે. આપણા વડીલોને ઇમામશાહી સતપંથ ધર્મ યોગ્ય ન લાગતા છોડી સનાતન સમાજની રચના કરેલ છે. આમ બન્ને સમાજ અલગ અસ્તિત્વ ધરાવે છે અને બન્ને સમાજનો ધર્મ પણ અલગ છે. તો સતપંથીઓએ તેમના ઇમામશાહી સતપંથ ધર્મમાં આસ્થા ધરાવતા હોય તો તેમને તેમના ધર્મ મુબારક છે. પરંતુ સતપંથમાં રહી સનાતન સમાજમાં પણ સભ્યપદ મેળવી દખલગીરી કરે છે તે યોગ્ય નથી અને તે ચલાવી લેવાય નહિ.

આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘણી જુદી જુદી ઇતર જ્ઞાતિની સમાજો અસ્તિત્વ ધરાવે છે અને પોતપોતાની સમાજમાં કાર્યરત રહે છે. એકબીજાને નડતા નથી. તો સતપંથ સમાજે આ વાસ્તવિક્તા સ્વીકારી સનાતની સમાજને કનડવાનું બંધ કરવું બધાયના હિતમાં છે.

Leave a Reply

Share this:

Like this: