Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
સ્થળ: ઉમિયા માતાજી સોલા કેમ્પસ, અમદાવાદ
ખાસ નોંધ: અમલીકરણ સમિતિની પહેલી મિટિંગનો અહેવાલ ખૂબ વિસ્તૃત રીતે આપવામાં આવેલ છેજ. ત્યાર બાદ પાછું બીજી મિટિંગનો અહેવાલ એજ લાંબા વિસ્તૃત રીતે આપવામાં આવે તો કદાચ વિષય નીરસ થઇ જઈ શકે એવી શક્યતા છે. આ લેખમાં એવું ન થાય અને વિષય પર વાંચનનો રસ ટકી રહે એ માટે આ મિટિંગનો અહેવાલ માત્ર ટૂંકમાં મુદ્દાસરજ લેવામાં આવેલ છે. અમલીકરણ સમિતિની ૧લી મિટિંગના રિપોર્ટને વિસ્તૃત રીતે આવરી લેવાનો જે હેતુ હતો, તે અહીં કરવાની જરૂર જણાતી નથી. ૧ લી મિટિંગનો અહેવાલ ન વાંચ્યો હોય, તો પહેલાં તેને વાંચવા ખાસ આગ્રહ ભરી વિનંતી છે, જેથી આ લેખનો હાર્દ જલદીથી સમજાય.
1. સતપંથ હિંદુ ધર્મ છે કે નહીં તે માટે સાધુઓનો અભિપ્રાય લેવાના બહાને, ઊંઝાના ચુકાદાને બદલવાની ચાલ.
2. નિષ્કલંકી નારાયણ એ માત્ર ભગવાનનું નામ છે, સતપંથીઓ માને તો કલ્કી અવતારને છે. આવી રીતે વાક્ચાતુર્ય વાપરીને નિષ્કલંકી નારાયણને માન્યતા અપાવવાની ચાલ.
3. ઈમામશાહને છોડવાથી મિલકત મુસલમાનના હાથમાં ચાલી જશે. તેવો ડર ઊભો કરી, એ ડરનો કોઈ ઉકેલ નથી એવો મેસેજ આપીને ઈમામશાહ સાથે જોડાણ ટકાવી રાખવાની ચાલ.
4. બીજી બાજુ કોર્ટ કેસો પાછા ખેંચવાની લાલચ આપીને તેના બદલામાં સનાતન સમાજમાં ઘૂસવાની ચાલ.
5. ટૂંકમાં પીરાણા, સતપંથ, ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ છોડયા વગર સનાતન સમાજમાં ઘૂસવાની ચાલ.
પૂર્વ તૈયારીમાં સનાતની ટીમ દ્વારા વિચારેલ મુદ્દાઓ:
1. જયંતીભાઈ લાકડાવાળા અમલીકરણ સમિતિના સભ્ય ન હોવાના કારણે તેમને બેઠકમાં આમંત્રણ નહોતું. પણ કેન્દ્રીય સમાજ વતીથી કોર્ટ કેસ સંભાળવાની જવાબદારી તેમના શિરે છે. માટે તેમની જરૂર પડે ત્યારે બેઠકમાં હાજર કરાવી લેવાના અને તે અંગે ઊંઝાના આગેવાનો પાસેથી છૂટ લઇ લેવી.
2. સતપંથ તરફથી ગઈ અમલીકરણ સમિતિની બેઠકમાં બે વ્યક્તિઓ ૧. બી.કે. પટેલ અને ૨. સુરેશ વકીલ, એ મૂળ ૧૧–૧૧ જણની સમિતિના સભ્ય ન હોવાના કારણે અમલીકરણ સમિતિના સભ્ય રહી ન શકે. આ વાતનો વાંધો આપણે ઉપાડેલ હતો. આ મિટિંગમાં પાછા આ લોકો ન આવી જાય એનું ધ્યાન રાખવું.
3. કોર્ટ કેસ પાછા ખેંચવાના મુદ્દા ઉપર એક પણ પગલું સતપંથીઓએ ભરેલ નથી. ચુકાદા પ્રમાણે આ પહેલું કામ કરવાનું છે. માટે આ વાત ઉપર આપણે અડીખમ રહેવું.
4. ઊંઝાના ચુકાદાને સતપંથ સમાજ દ્વારા સ્વીકારેલ હોય એવી વાતની જાણકારી ક્યાંયથી પણ આવેલ નથી. એ લોકો ચુકાદાને પોતાના સમાજના સમાચાર પત્રિકામાં કેમ છાપતા નથી?
5. હવે પછી સતપંથીઓની શું રણનીતિ હોઈ શકે? ખાસ કરીને જ્યારે આપણને પૂરે પૂરી ખાતરી છે કે તે લોકો ઊંઝાનો ચુકાદો કોઈ કાળે માનશે નહિ.
6. અગર ઉમિયા માતાજી ઊંઝા આ કિસ્સામાં હાથ ઊંચા કરી નાખે તો? દાખલા તરીકે એમ કહે કે તમે તમારા પરિવારો (નુખ) ના સંગઠનમાં સાથે છો, માત્ર કેન્દ્રીય સમાજમાં વાંધો ઉપાડો છો. અથવાતો આવો કોઈ અન્ય મુદ્દો ઉપાડીને, વાંક સનાતનીઓનો કાઢીને, પોતાના હાથ ઊંચા કરી કેસમાંથી છટકી જાય તો શું કરવું?
7. ચુકાદામાં “સતપંથ” અને “સનાતન” શબ્દનો વપરાશ કરવો નહીં. તે પ્રમાણે આપણે સનાતન શબ્દની વાત કરવા ન આપે તો શું? જવાબ: ચુકાદાના પોઈન્ટ ૬માં લખ્યું છે કે સનાતન હિંદુ ધર્મમાં ભળી જવું.
હાજરી:
ઊંઝા તરફથી હાજર:
1. પ્રહ્લાદભાઈ કામેશ્વર (કાર્યકારી પ્રમુખ) – અમદાવાદ
2. મણીભાઈ મમી –ઊંઝા
3. દિલીપભાઈ નેતાજી – ઊંઝા
4. C K સાહેબ (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન) – અમદાવાદ
5. જેરામભાઈ વાંસજાળિયા (મોરબી)
6. જયંતીભાઈ કાલરીયા (રાજકોટ)
7. પ્રહ્લાદભાઈ (મહેસાણા)
8. વસંત ચોક્સી (ઊંઝા)
9. M A Patel – (અ.ભા.કુર્મી ક્ષત્રિયા મહાસભા) – અમદાવાદ
હાજર સનાતનીઓ:
1. હંસરાજ ધોળુ – ભુજ
2. CA ચંદ્રકાંત છાભૈયા – મુંબઈ
3. Dr. શાંતિલાલ સેંઘાણી – નખત્રાણા
4. Dr. વસંત ધોળુ – તલોદ
5. પ્રેમજી કેશરાણી – મુંબઈ
6. જયંતી રામાણી / લાકડાવાળા – અમદાવાદ
હાજર સતપંથીઓ:
1. દેવજી કરસન ભાવાણી – મુંબઈ –પ્રમુખ સતપંથ સમાજ
2. Adv. સુરેશ વકીલ – અમદાવાદ
3. શાંતિભાઈ ચોપડા – મુંબઈ
4. મોહન કાનજી છાભૈયા – પીરાણા
5. મણીલાલ શામજી – વડાગામ
મિટિંગની કાર્યવાહી તા. ૦૬-જૂન-૨૦૧૮ (માત્ર મુદાસર અહેવાલ)
1. મિટિંગની શુરુઆત લગભગ ૧૧ વાગે, ઉમિયા માતાજી અમદાવાદ સોલા કેમ્પસમાં થઇ.
2. સતપંથ તરફથી સુરેશ વકીલ, જે અમલીકરણ સમિતિના અધિકૃત સભ્ય નથી, એ હજાર હતા. એટલે સનાતની ટીમે તેનો વાંધો લીધો. પણ વાતાવરણ ન બગડે એટલે પ્રેમજીભાઈએ મિટિંગ હોલથી બહાર જઈને દિલીપભાઈ નેતાજીને મોબાઈલ ઉપર ફોન કરીને વિરોધ નોંધાવેલ. દિલીપભાઈએ વિનંતી કરી કે આપણે સતપંથી લોકો પાસેથી કામ કાઢવું છે, એટલે આપણે આ મુદ્દો જતો કરીએ. જેણે સ્વીકારી લેવામાં આવી. દિલીપભાઈએ, બદલામાં સનાતનીઓ તરફથી જયંતીભાઈ લાકડાવાળાને બેઠકમાં હાજર રહેવા અનુમતિ આપી દીધી.
3. ત્યાર બાદ પહેલાં સતપંથવાળાઓને એકલામાં સાંભળવાનું નક્કી થયું. એટલે સનાતનીઓ પોતાના રૂમમાં થોડી વાર માટે બેઠા. સતપંથીઓ સાથે શું વાત થઇ, એ પ્રત્યક્ષ રીતે સનાતનીઓને ખબર નથી. પણ ઊંઝાના વડીલો દ્વારા સનાતનીઓને જે વાતો કરી એ યોગ્ય જગ્યા ઉપર આવરી લીધેલ છે.
4. લગભગ ૪૦ મિનિટ પછી સનાતનીઓને બોલાવવામાં આવ્યા અને સતપંથવાળાઓને તેમના રૂમમાં બેસવાનું કહેવામાં આવ્યું.
5. શુરુઆતમાંજ પંચો વાતીથી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી.કે. સાહેબે પૂછ્યું કે બન્ને પક્ષને પૂછવામાં આવે કે શું તમારે ઉકેલ લાવવો છે? તેનાં જવાબમાં સનાતનીઓને હા પાડી.
6. ત્યાર બાદ પૂછ્યું કે આપણા સામે બે રસ્તાઓ છે. રૂપક ભાષા (metaphorical)માં કહ્યું કે, ગૂમડાને કાપી નાખવાનો રસ્તો છે અને બીજો છે ગૂમડાને મટાડીને સતપંથીઓને સાથે રાખવાનો.
7. પંચો વતીથી સી.કે.સાહેબે જણાવ્યું કે સતપંથવાળા કહે છે કે તેમને સતપંથમાંથી બહાર નીકળવું છે. પણ પીરાણાની મિલકતનો પ્રશ્ન છે. મિલકત મોટી છે અને મુસલમાનોના હાથમાં નથી આપવી. ત્યારે સી.કે સાહેબે તેમને કહી દીધેલ કે પૈસા મહત્ત્વના નથી. ગમે તેટલો મોટો ભોગ આપવો પડે તો આપજો. પણ સતપંથમાંથી બહાર નીકળી જાઓ.
8. પંચોએ જણાવ્યું કે સતપંથ વાળાઓ કોર્ટ કેસ પાછા ખેંચવા તૈયાર થયા છે.
9. કેસના વિગત અંગે ચર્ચા થઇ. તેમાં નીચે પ્રમાણેના કેન્દ્રીય સમાજ લેવલના કેસો છે, જે ધ્યાને આવ્યા.
a. બંધારણ કેસ – હાઈ કોર્ટમાં
b. માંડવી હોસ્ટેલ કેસ – હાઈ કોર્ટમાં
c. ચેરિટીમાં ૩ કેસ
d. ફોજદારી ૧ કેસ
આમાં માંડવી હોસ્ટેલ કેસમાં હંસરાજભાઈ તરફથી રજૂઆત થઇ કે આ કેસ સતપંથ સાથે લાગે વળગે નહીં. આના માટે હંસરાજભાઈની આગેવાની હેઠળ એક લવાદ/પંચ બનેલ છે, જે ચુકાદો આપશે. માટે આ કેસને અમલીકરણ સમિતિ ધ્યાને નહિ લે, એવું નક્કી થયું.
10. પંચો તરફથી જયંતીભાઈ કાલરીયાએ વાત રજૂ કરી કે…
સતપંથવાળાઓની રજૂઆત આ પ્રમાણે છે:
a. સતપંથીઓ તરફથી લેખિતમાં ચુકાદાને સ્વીકાર કરવા બાબત: સતપંથવાળાઓ લેખિતમાં આપવા તૈયાર છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરવા તૈયાર છે. આ પત્રને ઊંઝાવાળા સમાચાર પત્રોમાં છપાવશે. પાટીદાર સંદેશ, પાટીદાર સૌરભ વગેરે વગેરે. સનાતન ધર્મ પત્રિકામાં પણ છાપવાનું રહેશે. સતપંથવાળાએ ફરિયાદ કરી કે સનાતન ધર્મ પત્રિકામાં સતપંથવાળાનું કંઈ છાપવામાં આવતું નથી. ત્યારે જયંતીભાઈ કાલરીયાએ સતપંથીઓને પૂછ્યું કે શું તમે આ પત્ર મોકલેલ છે? જવાબ મળ્યો ના. માટે હવે આ પત્ર છાપવામાં આવે એવી વિનંતી સનાતનીઓને કરવામાં આવી. જે સ્વીકારી.
b. ઈમામશાહને છોડવા બાબત: ઈમામશાહને સતપંથવાળા છોડવા તૈયાર થયા છે. પણ તેમના કહેવા પ્રમાણે રૂપિયા ૧૪૦૦ કરોડની મિલકત છે. ૧૨ લાખ અનુયાયી છે. તો આ બધી મિલકત જતી રહેશે. આનો રસ્તો કાઢો તો અમો ઈમામશાહને છોડવા તૈયાર છીએ.
ચંદ્રકાંત છાભૈયાએ જવાબ આપવાનું શરુ કર્યું એટલે જેરામભાઈએ વાત સાંભળ્યા વગરજ એમને રોકીને કહ્યું કે તમે નહીં, તમારા પ્રમુખ એટલે હંસરાજભાઈ બોલે. જેના વિરોધમાં કડક અવાજમાં ચંદ્રકાંતભાઈએ કહ્યું કે આમ શા માટે? તો કોઈની પાસે જવાબ નહોતો.
ત્યાર બાદ હંસરાજભાઈએ કહ્યુંકે પીરાણાની મિલકતમાં સનાતની વડીલોનો દસોન્દ અને અન્ય લાગાઓ આપેલ છે, માટે તેમનો પણ ભાગ છે. સતપંથ છોડ્યું ત્યારે મિલકતની પરવા ન કરી અને હિંદુ ધર્મ માટે બધું જતું કર્યું. ચંદ્રકાંત છાભૈયાએ કહ્યું કે ચુકાદા પ્રમાણે જણાવ્યું છે કે સતપંથવાળાઓએ સનાતન સમાજની મુખ્ય પ્રવાહમાં ભળી જવાનું છે. એનો અર્થ એમ થાય કે જ્યારે સતપંથવાળા સમાજમાં ભળી જશે, પછી વહીવટ સનાતન સમાજે કરવાનો રહેશે. સનાતન સમાજ વહીવટ કરવા માટે સક્ષમ છે. પીરાણાની મિલકત મુસલમાનોના હાથમાં જવાનો પ્રશ્નજ નથી રહેતો.
ત્યારબાદ વસંતભાઈ ધોળુએ જણાવ્યું કે પીરાણામાં બે ટ્રસ્ટ છે. એક ટ્રસ્ટ જેમાં સૈય્યદો સાથે છે, તેમાં ખાસ મિલકત નથી. એ મિલકત સૈય્યદોની છે. બીજું ટ્રસ્ટ સતપંથવાળાનું છે, તેમાંજ મોટા ભાગની મિલકત છે. અને એ ટ્રસ્ટની મિલકતમાં મુસલમાનો કંઈ ન કરી શકે. પીરાણામાં આવેલ મિલકતનો આંકડો રૂ. ૧૪૦૦ કરોડનો તદ્દન ખોટો છે. પૈસાનો મોટો આંકડો સામે રાખીને લોકોને આંજી દેવાનો પ્રયત્ન છે.
ત્યારબાદ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે સતપંથના અનુયાયીઓની કુલ ૧૨ લાખની સંખ્યાનો જે દાવો છે, તે પણ તદ્દન જૂઠો છે. કારણકે જ્યારે કોર્ટે વર્ષ ૧૯૩૯માં પીરાણાનું બંધારણ બનાવ્યું, ત્યારે કૂલ ૧૧માંથી ૮ ટ્રસ્ટી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના અને ત્રણ ટ્રસ્ટી સૈય્યદોની જ્ઞાતિના બનાવ્યા. આ આકડાઓ વસ્તીના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. પીરાણા સતપંથમાં કચ્છ કડવા પાટીદારોની સંખ્યા માત્ર ૧૨ થી ૧૫ હજાર છે. અગર સતપંથીઓનો ૧૨ લાખવાળો દાવો સાચો હોય તો પછી કોર્ટે ૧૨ લાખમાંથી માત્ર ૧૫ હજાર લોકોનેજ કેવી રીતે ટ્રસ્ટી બનવાનો લાભ આપ્યો? સાચી હકીકત એ છે કે અન્ય જ્ઞાતિના લોકો સતપંથમાં બહુજ ઓછા છે. નિષ્પક્ષ રીતે તપાસીએ તો પણ ખબર પડશે કે પીરાણા સતપંથના કાર્યક્રમોમાં મુખ્ય ભૂમિકા ક.ક.પા.જ્ઞાતિના લોકોજ ભજવે છે, મુખ્ય દાન પણ એજ લોકો આપે છે અને કાર્યક્રમમાં હાજરી આપનાર બહુસંખ્યક લોકો પણ એજ છે. માટે લોકોને ભરમાવવાની આ ચાલને ઓળખો અને આ મુદ્દાને અહીંજ પૂરો કરો.
c. વોટીંગ અધિકાર નહીં મળે: સતપંથવાળા અગર પીરાણાના ટ્રસ્ટમાંથી (ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ) રાજીનામું આપી દેશે, તો વહીવટ કરનાર નવા આગેવાનોને બંધારણ પ્રમાણે વોટીંગ અધિકાર નહિ રહે. માટે સનાતનીઓ વહીવટ નહિ કરી શકે. આનો રસ્તો કાઢો. તેના જવાબમાં ચંદ્રકાંતભાઈએ કહ્યું કે આ વાતના ઘણા રસ્તઓ કાઢી શકાય. સનાતની સમાજ સક્ષમ છે. વહીવટ અંગે ફિકર કરવાની કોઈ જરૂર નથી.
d. સતપંથ અને સનાતન શબ્દો વાપરવા નહીં: ચુકાદામાં “સતપંથ” અને “સનાતન” શબ્દ વાપરવા પર મનાઈ કરવામાં આવી છે. અમો સતપંથ શબ્દ કાઢવા તૈયાર છીએ. સનાતન વાળા આ શબ્દ કાઢવા તૈયાર છે?
સનાતનીઓ: હા પાડી. જો સતપંથવાળા સતપંથ શબ્દ કાઢવા તૈયાર હોય, તો અમને મંજૂર છે.
પંચો: તમારી સનાતન ધર્મ પત્રિકા ચાલે છે, તો તેનું નામ બદલવું પડશે. સનાતનીઓએ કહ્યું કે તો તેમનું સતપંથ પ્રકાશ નામની પત્રિકા ચાલે છે. તો શું તેઓ નામ બદલશે?
પંચો: અમને ખબર નથી, પણ એવું હશે તો તેમને પણ નામ બદલવું પડે.
સનાતનીઓ: અમારા સમાજના નામમાં “સનાતન” શબ્દ છેજ નહીં, એટલે અમારે કંઈ કરવાનું રહેતું નથી. સતપંથની સમાજમાં “સતપંથ” અને “સનાતન” એમ બન્ને નામ છે. આ અંગે આ બન્ને શબ્દોને તેમની સમાજના નામમાંથી કાઢવાના રહેશે.
પંચો: વાત સ્વીકારી લીધી
e. કોર્ટ કેસ વિષે: બંધારણવાળા કેસમાં સતપંથવાળાએ કહ્યું કે કોર્ટમાં સનાતનીઓ ગયા છે. માટે સતપંથવાળાઓ માટે કેસ પાછા ખેંચવાના મુદ્દા પર કઈ કરવાનું રહેતું નથી.
સનાતનીઓ તરફથી જયંતી લાકડાવાળાએ કહ્યું કે હાઈ કોર્ટમાં કેસ પાછા ખેંચીએતો નીચલી કોર્ટનો આદેશ લાગુ પડી જાય, જે અમારા વિરુદ્ધ છે. માટે કેસ એવી રીતે ખેંચીએ કે અમારું મૂળ સુધારેલું બંધારણ પાસ થઇ જાય. એના માટે સતપંથવાળા તરફથી એવું લેખિત મળે કે બંધારણમાં થયેલ ફેરફાર સામે તેમને કોઈ વિરોધ નથી, તો હાઈ કોર્ટમાં બંધારણનો કેસ સનાતન તરફી ચુકાદો આવે.
જયંતી કાલરીયાએ કહ્યું કે બંધારણમાં વિવાદ શું છે? ત્યારે સનાતનીઓએ કહ્યું કે અમોએ એ બંધારણમાં એવી ચોખવટ કરેલ છે કે સનાતન હિંદુ ધર્મ પાળનાર વ્યક્તિજ આ સમાજના સભ્ય બની શકે. તેમાં ખોટું શું છે? સતપંથવાળા પણ એ મિટિંગમાં હજાર હતા. જેમાં ૨૫ હજાર લોકોની હાજરી હતી. તેમાં સર્વાનુમતે આ ઠરાવ પાસ થયો છે.
જયંતી કાલરીયા: તો પછી તમે કેસ કેમ હારી ગયા. જયંતી લાકડાવાળા: અમો કેસ હાર્યા નથી. મતલબ કે તેઓએ મિટિંગ ઉપર સ્ટે લાવ્યા હતા. તેમ છતાં અમોએ મિટિંગ કરી તે ટેકનિકલ કારણથી કેસમાં વાંધો પડ્યો છે.
પ્રેમજી કેશરાણી: જ્ઞાતિ રીત રિવાજના કલમ ૧૮ ના મુદ્દા (મૃત્ય પછી અગ્નિ દાહ કરવો, દફનાવવું નહીં) ઉપર સતપંથના લોકોએ અધિવેશનમાં ખુરસીઓ ઉછાળી, અમારા ઉપર કેસો કર્યા છે. હિંદુ ધર્મના ૧૬ સંસ્કારોમાંનો એક મહત્ત્વનો સંસ્કાર અગ્નિદાહ છે, તેનો વિરોધ સતપંથ વાળા કરે છે. તે બરાબર નથી. આ વિરોધથી એ લોકો પોતાની નિષ્ઠા હિંદુ ધર્મ સાથે નથી, એવો સંદેશ આપે છે.
જયંતી કાલરીયા: હવે જ્યારે સતપંથ વાળા ચુકાદાનું પાલન કરી રહ્યા છે અને સનાતન સમાજમાં ભળી જવા તૈયાર છે, તો પછી સુધારેલું બંધારણને એક બાજુ મૂકી દઈએ અને તેની જગ્યાએ જૂનું બંધારણ હોય તો તેમાં શું વાંધો છે?
ચંદ્રકાંત છાભૈયા: જે પ્રમાણે ચુકાદામાં ચોખ્ખું કહ્યું છે, તે પ્રમાણે સનાતન હિંદુ ધર્મ પાળવાનું છે. તો પછી સતપંથવાળાને પૂછોને કે બંધારણમાં જણાવેલ છે કે દરેકે સનાતન હિંદુ ધર્મ પાળવાનો છે, તો તેમાં તેમને વાંધો શું છે?
સી.કે (VUF): જયંતીભાઈ કાલરીયાને – શું એવું ચુકાદામાં લખ્યું છે? કાલરીયા: ના. ચંદ્રકાંત: હા, લખ્યું છે, કલમ ૬માં. ચુકાદો કાઢીને બતાવ્યો. સી.કે.: બરાબર છે, લખ્યું છે. મૂળ પ્રશ્ન તો એ છે કે સનાતન હિંદુ ધર્મમાં વાંધો શું છે? ઉમિયા માતાજીના સંતાન હોય એટલે સનાતન હિંદુ ધર્મ પાળતો હોય.
જેરામભાઈ અને જયંતી કાલરીયાને વાત પસંદ ન પડી. તે લોકોએ કહ્યું કે તમે અત્યારે જે મળે છે તે લઇ લો. સતપંથવાળા ચુકાદો પાળવાની વાત લેખિતમાં આપવા તૈયાર થયા છે, કોર્ટ કેસો પાછા ખેંચવા તૈયાર છે. માટે સનાતનીઓને સલાહ આપી કે તમે અત્યારે ના ન પાડો. પછી કડક થવું હશે ત્યારે આપણે કડક થશું.
નોંધ: આ તાકિયાની ચાલ હતી. આ એક ગુગલી હતી (ક્રિકેટની ભાષામાં). ભવિષ્યમાં કડક પગલાં લેવાનો ભરોસો અપાયો હતો. સનાતનીઓને આવા ઘણાં અનુભવો થયાં છે, જેમાં આવા ભરોસાઓ અપાય અને પોતાનું કામ કાઢી લેવાય. પછી ભવિષ્યમાં જ્યારે હકીકતમાં પગલાં લેવાની વાત આવે, ત્યારે પહેલાં કોઈ ભેગા પણ ન થાય. અને થાય તો વાત જૂની થઇ ગઈ છે, હવે જવા દો, ઝગડાઓ ન કરો… એવું કહીને મુદ્દાને ડબ્બામાં પૂરી દો.
માંડવી હોસ્ટેલ કાંડના મુદ્દા ઉપર કલેકટર મહેન્દ્રભાઈ પટેલએ પણ આવુંજ કર્યું. જ્યારે પૂર્વ કલેકટરના આદેશ પ્રમાણે બન્ને પક્ષો તરફથી ૫–૫ લોકોની એક સંયુક્ત સંચાલન સમિતિ હોસ્ટેલનું સંચાલન કરતી હતી, ત્યારે સતપંથ તરફી લોકોએ દાદાગીરી કરીને સનાતન તરફી લોકોને બળજબરીથી હોસ્ટેલથી બહાર કાઢી નાખ્યા. આ વાતની શિકાયત જ્યારે કલેકટર મહેન્દ્રભાઈને કરી, ત્યારે મહેન્દ્રભાઈએ કહ્યું કે તમે હમણાં કંઈ કરતા નહીં. હું બેઠો છું બધુંજ ઠીક કરી નાખીશ. સનાતનીઓ કલેકટરને પોતાના સાચા હિતેચ્છુ સમજતા હતા કારણે કે સમાજની સામાન્ય સભામાં આવીને માંડવી હોસ્ટેલ કાંડના આરોપીઓને કડકમાં કડક સજા આપાવીશ એવું મંચ ઉપરથી આશ્વાસન આપતા. જ્યારે સતપંથીઓની બળ જબરી સામે પગલાં લેવાની વાત આવી ત્યારે પણ માત્ર આશ્વાસન આપતા રહ્યા. સનાતનીઓ મહેન્દ્રભાઈના ભરોસે રહ્યા અને છેવટે મહેન્દ્રભાઈની બદલી થઇ ગઈ. હોસ્ટેલ ઉપર જે ૫૦% કબજો સનાતનીઓનો હતો એ પણ ચાલી ગયો. એનું મૂળ કારણ હતું કે તે સમયે સનાતનીઓ મહેન્દ્રભાઈની ગુગલી ઓળખી ન શક્યા. પરિણામે જનતાની મિલકત અમુક વ્યક્તિગત સ્વાર્થી લોકોના હાથમાં ચાલી ગઈ. આ કિસ્સામાં કલેકટર મહેન્દ્રભાઈ પટેલને સનાતની સમાજ ક્યારેય માફ નહીં કરે. કારણકે તેમને કોઈ બીજાએ નહીં પણ પોતાનાએ દગો આપેલ હતો.
ટૂંકમાં સનાતનીઓએ જ્યારે–જ્યારે ભરોસો રાખ્યો છે ત્યારે–ત્યારે તેમની સાથે દગો થયો છે. આ રમતથી સંપૂર્ણ પણે જાણ હોવા છતાં, આગળ કેવી રીતે વધવું એ મહત્ત્વનો પ્રશ્ન હતો. એક બાજુ અગર સનાતનીઓ અટકાવતા હતા, તો તેમનો વાંક કાઢીને દોષનો ટોપલો તેનાં ઉપર નાખવાની સંભાવના હતી. બીજી બાજુ આપણને ખબર છે કે સતપંથવાળા સતપંથ છોડવાની વાત લેખિતમાં આપશે નહિ. પણ જેરામભાઈ અને જયંતીભાઈ કાલરીયાને કદાચ સતપંથની આ ચાલ સમજાતી નહોતી. એટલે સનાતનીઓએ યુક્તિ પૂર્વક કહ્યું કે હાલો હાલ પૂરતા અમે આ વાતનો વિરોધ નથી કરતા. એટલે હવે વાત જેરામભાઈ અને જયંતીભાઈ કાલરીયા પર આવી પડી. તેઓ ઉપર જવાબદારી આવી કે સતપંથીઓ ચુકાદો સ્વીકારે છે અને સતપંથ છોડી દેશે એવું સતપંથ સમાજ પાસેથી લેખિતમાં લેવું.
સનાતનીઓએ વિચાર કર્યો કે જયંતીભાઈ કાલરીયા દ્વારા પ્રસ્તુત આ યોજનાના મૂળમાં જોઈએ તો પહેલ સતપંથવાળાને કરવાની રહે છે. તેઓએ લેખિતમાં પત્ર આપવાનો રહેશે. એટલે હાલ પૂરતું સનાતનીઓને કોઈ નુકસાન થતું નથી.
f. ચેરિટીના કેસો: ચેરિટીમાં જે કેસો છે, તેના અંગે સતપંથવાળાની રજૂઆત હતી કે તેમના અમુક લોકોને કેન્દ્રીય સમાજમાં સ્વીકારી લો, તો પછી કેસ પાછા ખેંચવા તેઓ તૈયાર છે. હંસરાજભાઈએ કહ્યું કે અગાઉ મહેન્દ્રભાઈ કલેકટરની મધ્યસ્થીમાં (ઉપર જણાવેલ માંડવી હોસ્ટેલનો મુદ્દો અને આ મુદ્દો અલગ છે, જેની નોંધ લેશો) આના પર નિર્ણય આવેલ છે (ચુકાદાની વાગતો માટે જુઓ પેજ ૧૧૫, પોઈન્ટ: m). પણ સતપંથવાળા પાળતા નથી. કેન્દ્રીય સમાજે ઠરાવ કર્યો છે કે જો સતપંથ વાળા સતપંથ છોડી દે તો કેન્દ્રીય સમાજ આ લોકોને આમંત્રિત સભ્ય તરીકે લેવા તૈયાર છે. આ ચુકાદો મહેન્દ્રભાઈ પાસે આજે પણ છે.
ત્યારે સી.કે સાહેબે કહ્યું કે આપણે એક MOU બનાવી લઈએ. સતપંથવાળા ચેરિટીમાં કેસ પાછા ખેંચી લે અને ચુકાદાની બધી શરતો પૂરી થાય, ત્યારે કેન્દ્રીય સમાજમાં અમુક લોકોને ભેળવી લેવા.
g. ફોજદારી કેસો: જયંતીભાઈ કાલરીયા કહ્યું કે જે ફોજદારી કેસો છે, તેને સતપંથવાળા તરતજ પાછા ખેંચવા તૈયાર છે. બિન શરતે.
h. સાધુનો અભિપ્રાય: જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે સતપંથવાળાની રજૂઆત છે કે ઈમામશાહ તો માત્ર તેમના સદ્ગુરુ હતા. પણ સતપંથ હિંદુ ધર્મજ છે. માટે સાધુ સંતોનો અભિપ્રાય લેવામાં આવે. પછી તેમાં આગળ વધવામાં આવે.
સનાતનીઓ: હિંદુ ધર્મના ચારે ચાર મુખ્ય શંકરાચાર્યોના લેખિત પ્રમાણ પત્ર આપેલા છેજ. તો પછી સાધુઓનો અભિપ્રાય લેવાની શું ગરજ છે? હિંદુ ધર્મમાં શંકરાચાર્યથી મોટા કોઈ પણ નથી.
જેરામભાઈ: આપણે ખબર છે કે સતપંથ ખોટો છે. આપણે એવાજ સાધુના અભિપ્રાયો લેશું કે જે સતપંથને મુસલમાન કહે. હાલમાં જે તમને મળે છે તે એક વખત લઇ લો. પછી જરૂર પડે ત્યારે જોઈશું.
નોંધ: સનાતનીઓના દૃષ્ટિથી આ મુદ્દામાં એક બહુ મોટું ભય સ્થાન હતું. નિર્ણય કરવાનો અધિકાર ઊંઝાના પંચોથી કાઢીને સતપંથ તરફી લોકો પાસે મૂકવાની આ ઊંડાણ પૂર્વક છૂપું ષડ્યંત્ર હોવાનું દેખાતું હતું. એક વખત સાધુનો અભિપ્રાય લેવાની વાત સ્વીકારાઈ જાય, તો પછી સાધુઓનો જે અભિપ્રાય આવે, તેને માનવો પડે.
હવે જુઓ કે આ એક તીરથી કેટલાં નિશાન સાધી શકવાની સંભાવના હતી:
1. સાધુઓનો અભિપ્રાય લેવાની વાત આવે, તો પહેલો પ્રશ્ન એ આવે કે કયા સાધુઓ પાસેથી અભિપ્રાય લેવા. એટલે સાધુઓ નક્કી કરવાની વાત પર ઝગડો થઇ શકે. એટલે ચુકાદાનું અમલીકરણ ખોરંભે ચડાવી શકાય.
2. બીજું નિશાન એ હોઈ શકે કે બધા સાધુઓ એક મત નહિ થાય. એક સાધુ એક અભિપ્રાય આપશે અને બીજો સાધુ બીજો. એટલે સાધુઓના અભિપ્રાય એક સરખા નથી, એવું કહીને ચુકાદાના અમલીકરણને ઠંડા બસ્તામાં નાખી દઈ શકાય.
3. ત્રીજું નિશાન એ હોઈ શકે કે ઊંઝાવાળાઓએ ચુકાદો આપવાથી પહેલાં પૂરતો અભ્યાસ નથી કર્યો, જેથી કરીને પાછળથી સાધુઓનો અભિપ્રાય લેવો પડ્યો. એટલે અધૂરા અભ્યાસથી આપેલ ચુકાદાનું પાલન કરવું એ યોગ્ય નથી, એવું કહીને અમલીકરણ અટકાવી શકાય.
4. ચોથું નિશાન તો ચોખ્ખે ચોખ્ખું દેખાતું હતું. સતપંથવાળા હિંદુ સાધુઓના સંમેલનો રાખેલ હતા. એટલે ઘણા હિંદુ સાધુઓ, RSS, VHP, BJP વગેરે હિંદુ સંગઠનો તેમના પરિચયમાં હતા. આવા સંગઠનો સામે પીરાણાવાળા પૈસાની રેલમછેલ કરી, તેમને આંજી દે છે, એ બધાને ખબર છે. માટે આવા સંગઠનો પાસેથી સતપંથના હિતમાં અભિપ્રાય મેળવવો એ તેમના માટે ખૂબ સહેલું હતું. એટલે ચુકાદાનું અમલ સતપંથ પક્ષમાં કરાવી શકાય.
ઉપર જણાવેલ ચાલમાં સતપંથવાળાને કંઈ ગુમાવવાનું નહોતું. તેમનું સતપંથ, ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ અને પીરાણા સાથેનું જોડાણ કાયમ રાખીને કોઈ રસ્તો કાઢવાની તેમની કાયમની કોશિશ રહેતી હોય છે. ચુકાદો જોઈએ તો તેઓ સંપૂર્ણ રીતે આ લડાઈમાં હારી ચૂક્યા છે. માટે ચુકાદાનું અમલીકરણ ન થાય એ તેમના હિતમાં હતું. પોતાના મોઢે ચુકાદાનું અમલીકરણ નહીં કરીએ એવું કહે તો જનતામાં તેમનો દોષ દેખાય. માટે એવો રસ્તો કાઢવા માંગતા હતા કે અમલીકરણ અટકાવવાનો દોષ તેમના પર ન આવે. ઉપર જણાવેલ ચાલો આ અંગેની હતી. ભલે અમુક લોકો આ ચાલને ઓળખી નહોતા શક્યા, પણ સદ્ભાગ્યે સનાતન સમાજવાળા આ ચાલની અપેક્ષા કરતા હતા. માટે જેવી ચાલ સામે આવી એટલે તરતજ ઓળખી ગયા. અને સમાજને થનાર નુકસાનથી બચાવી લીધી.
ચંદ્રકાંત છાભૈયા: માની લો કે કદાચ સાધુઓએ કહ્યું કે સતપંથ હિંદુ ધર્મ છે? તો વિચારો માતાજીના ચુકાદાનું શું થાય? જેરામભાઈ વચ્ચે વાત કાપીને એમને બોલવા ન આપ્યું. પણ થોડી વાર રહીને એજ વાત ફરીથી ચંદ્રકાંતભાઈએ સી.કે. સાહેબને કહી. સી.કે સાહેબે વાતની ગંભીરતા સમજી. પણ સી. કે સાહેબની વાતને પણ જેરામભાઈએ દબાવી દીધી. એમ કહીંને કે હમણાં એક વખત આ લોકો પાસેથી લેખિતમાં મળે છે, તે લઇ લો. જેરામભાઈએ આગ્રહ પૂર્વક વાત કરી કે હમણાં હા પાડો.
સનાતનીઓએ છેવટ સુધી આ વાતમાં સહમતી આપી નહીં.
i. જયંતીભાઈ કાલરીયા: સતપંથવાળાઓ સનાતન હિંદુ ધર્મ પાળવા માટે મિટિંગ બોલાવી ઠરાવ પણ કરવા તૈયાર છે. આપણે વાંઢાયમાં એક સભા બોલાવીને ત્યાં ઠરાવ કરીએ. વસંત ધોળુએ ના પાડી. વાંઢાય શા માટે? પીરાણામાં કેમ નહિ? સતપંથવાળાને જે કંઈ નિર્ણય લેવો હોય, તો તે પીરાણામાં મિટિંગ બોલાવીને ત્યાં નિર્ણય લેવો જોઈએ. વાંઢાયમાં મિટિંગ લેવાનો કોઈ અર્થ નથી.
નોંધ: સનાતનીઓની સોચ એ હતી (અનુભવના આધારે) કે સતપંથવાળા આવા પ્રસંગોનો ખોટો મેસેજ ફેલાવી લોકોને ભરમાવેશે કે સતપંથવાળાને સનાતનીઓએ સ્વીકારી લીધા છે. માટે આવો કોઈ મૌકો સતપંથવાળાને ન આપવો જોઈએ. સતપંથવાળાની સભા તેમની જગ્યામાં હોવી જોઈએ અને તેમના લોકોજ ઠરાવ કરવો જોઈએ. આ મિટિંગમાં ઊંઝાના વડીલોએ હાજરી આપવી જોઈએ, જેથી મિટિંગનો સાચો રિપોર્ટ મળી શકે.
j. સોસિયલ મીડિયા: વોટ્સઅપ પર “વસંત પટેલ”ના નામેથી ફરેલ એક મેસેજનો વાંધો સતપંથવાળાઓએ લીધો. કારણ કે તેમના પ્રમાણે આવા મેસેજથી “વાતાવરણ” બગડે છે. માટે જેરામભાઈએ કહ્યું કે સોસિયલ મીડિયા ઉપર કોઈએ મેસેજ કરવો નહીં. આ મેસેજની વિષે વસંત ધોળુ ઉપર આક્ષેપ હોવાની વાત કરી. ત્યારે વસંત ધોળુએ કહ્યું કે એ મેસેજ મેં મોકલેલ નથી. મારું નામ પણ નથી. પછી વસંત ધોળુએ સુરેશ દાઢી (જ્યોતિ સ્કુલ)ના ખોટા મેસેજની વાત કરી અને તે મેસેજને જાહેરમાં વાંચ્યો. છેલ્લે નક્કી થયું કે અમલીકરણ સમિતિના કોઈ પણ સભ્યે સોસિયલ મીડિયા ઉપર મેસેજ મૂકવો નહીં.
11. સતપંથીઓને સનાતન સમાજમાં સમાવી લેવા: ત્યાર બાદ જયંતી કાલરીયા દ્વારા કહેવામાં આવ્યું કે થોડા સતપંથના લોકોને સનાતન સમાજમાં સમાવી લો, એટલે ચેરિટીના પણ કેસો પાછા ખેંચાવી શકાય. જેનો મક્કમ અને મજબૂત વિરોધ સનાતનીઓએ કર્યો. સનાતનીઓએ કહ્યું કે આવું અગાઉ પણ થઇ ચૂક્યું છે અને આ લોકો અંદર ઘૂસીને સમાજ તોડે છે.
ત્યારે જેરામભાઈએ ઉગ્ર થઇને કહ્યું કે મને તો લાગે છે કે તમે (સનાતનીઓ) બધા ખોટા છો. આવું સાંભળ્યું એટલે ચંદ્રકાંતભાઈ અને વસંત ધોળુએ જેરામભાઈનો જોરદાર વિરોધ કર્યો. કારણ કે જેરામભાઈએ સનાતન સમાજનું અપમાન કર્યું હતું. માટે તેઓએ કહ્યું કે જેરામભાઈ તમારી વાત ખોટી છે. ત્યારે ઉગ્રતામાં જેરામભાઈએ કહ્યું કે તમે ખોટા છો. સનાતનીઓએ પણ વળતા જવાબ આપ્યો કે તમારી વાત ખોટી છે. આવો સામસામે ઉગ્ર દોર થોડી વાર ચાલ્યો. થાકીને જેરામભાઈ ગુસ્સે થઇને ઊભા થઇ ગયા અને કહ્યું કે હું પંચમાં નહીં રહું. મારું અપમાન થાય છે. મને મારી જિંદગીમાં કોઈએ ખોટો નથી કહ્યો. પરિસ્થિતિ બગડી ન જાય એટલે સી.કે. સાહેબ અને પ્રહ્લાદભાઈ કામેશ્વર, દિલીપભાઈ નેતાજી, વસંત ચોકસી વગેરે લોકોએ સનાતનીઓને કહ્યું કે તમે શાંત થઇ જાઓ. એટલે સનાતનીઓ શાંત થઇ ગયા. પણ જેરામભાઈ શાંત ન થાય. સી.કે સાહેબે શાંત કર્યા. છતાં શાંત થતા નહોતા. એટલે જેરામભાઈને સારું લગાડવા માટે, સી. કે. સાહેબે ચંદ્રકાંતભાઈને ભલામણ રૂપે કહ્યું કે પંચોનું ક્યાંય અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે જેરામભાઈ છેલ્લી બે મિટિંગથી મને બોલવા આપતા નથી. મારો અવાજ દબાવવાનો સતત પ્રયત્ન કરે છે. આજની મિટિંગની શરૂઆતમાં પણ મને બોલવા ન દીધો. એક પંચ તરીકે તેમને આ શોભતું નથી. તો પહેલાં જેરામભાઈને કહેવામાં આવે કે અમારી સંપૂર્ણ વાત સાંભળવામાં આવે. અમને અમારી વાત રજૂ કરવાનો અધિકાર છે અને તેમને વાત સાંભળવાની ફરજ છે. સી.કે સાહેબે કહ્યું બરાબર છે. આવી રીતે પરિસ્થિતિ કાબૂમાં લાવી.
પ્રેમજીભાઈ: અમો બધા સમાજ વતીથી અધિકૃત વ્યક્તિઓ છીએ. અમે વ્યક્તિગત રજૂઆતો નથી કરવા આવ્યા. અમો ચાર લાખ માણસોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારા ઉપર ખૂબ મોટી જિમ્મેદારી છે. સતપંથ સમસ્યા અંગે રજૂઆત કરવા અમોને અધિકૃત કરવામાં આવ્યા છે. માટે અમારી વાત તમારે સાંભળવી પડે, અમોને રોકી ન શકો.
સી.કે. સાહેબ: સતપંથવાળાને સાથે રાખવામાં ફાયદો છે કે કાપી નાખવામાં? એવો પ્રશ્ન ચંદ્રકાંતભાઈને પૂછ્યો. ત્યારે સર્વે સનાતનીઓએ કહ્યું કે કાપી નાખવામાં ફાયદો છે. સી કે સાહેબ: કેવી રીતે? આના જવાબમાં વાત કરવા ચંદ્રકાંતભાઈ તૈયાર થયા, ત્યારે જેરામભાઈએ મોટા અવાજના દમ પર વાત ચલાવવા ન દીધી અને બીજા મુદ્દા પર વાત ફેરવી નાખી. ફરીથી આ એક દાખલો હતો સનાતનીઓનો અવાજ દબાવવાનો.
12. સતપંથના કાર્યક્રમમાં ભાગ ન લો: મણીભાઈ મમીએ કહ્યું કે તમે તમારા લોકોને સતપંથના કાર્યક્રમમાં જવાથી રોકીને તમારા સમાજને સંભાળતા કેમ નથી? સનાતનીઓએ જવાબ આપ્યો કે એવું કરીને સંભાળીએજ છીએ. પણ ઉમિયા માતાજી ઊંઝા પાસેથી કોઈ ખોટો મેસેજ ન જવો જોઈએ તેની આ પેરવી છે. ભૂતકાળમાં ઉમિયા માતાજી ઊંઝાના આગેવાનો સતપંથના કાર્યક્રમમાં ગયા હતા. તેનાથી અમારા સમાજમાં ગેરસમજણ ફેલાણી કે ઊંઝા સતપંથ ધર્મને સ્વીકારે છે.
13. પરિવારો ચોખ્ખાં કરો: વડીલ મણીભાઈ મમીએ કહ્યું કે તમારા પરિવારોમાં તમે અને સતપંથવાળા સાથે કેમ છો? અને માત્ર સમાજમાંજ ઝગડા કેમ છે? ત્યારે ચંદ્રકાંતભાઈએ જવાબ આપ્યો કે ઘણા પરિવારો ચોખ્ખા થઇ ગયા છે. પ્રક્રીયા ચાલુ છે. ધીરે ધીરે પરિવારો ચોખ્ખા થતા જશે. તમે (ઊંઝાવાળા) અમોને સાથ આપો. સંપૂર્ણ સફાઈ થઇ નથી શકી. આ કામને વેગ મળે, એટલા માટે તો તમારી પાસેથી સહયોગ લેવા આવ્યા છીએ. બધું સમુંસુથરું હોત, તો તમારી પાસે શા માટે આવત?
14. દફન વિધિ: પછી મણીભાઈ મમીએ કહ્યું ચંદ્રકાંતભાઈ મને એક જવાબ આપો. સતપંથવાળા દફન કરે તો તમને ફરક શું પડે છે? જાણે આ વિવાદથી કંટાળીને બોલ્યા હોય, એવું લાગ્યું. જેરામભાઈએ સૂર પુરાવ્યો. હિંદુ સમાજમાં ઘણા જ્ઞાતિઓ છે, જે દફ્નાવે છે. જેમ કે અતીત, હરિજન, બાવા વગેરે. તો પછી આપણને શું વાંધો? સી.કે સાહેબ પણ તેમની વાતમાં આવી ગયા.
નોંધ: આ હંમેશાંથી સતપંથીઓની દલીલ રહી છે. જુઓ ઊંઝાના વડીલોના મગજમાં પણ આ ખોટી વાત ભરાવવામાં સતપંથીઓ થોડી વાર માટે સફળ થઇ ગયા હતા.
પ્રેમજી કેશરાણી: બીજી જ્ઞાતિ શું કરે છે, તે આપણને જોવાની જરૂર નથી. કડવા પાટીદાર જ્ઞાતિમાં આ માન્ય છે? જો ઊંઝા માન્ય કરે તો અમોને વાંધો નથી. સી.કે સાહેબ: સાચી વાત છે. કડવા પાટીદાર જ્ઞાતિમાં અગ્નિ સંસ્કાર છે. દફનાવવાનું ચાલેજ નહીં.
મણીભાઈ મમી: ચંદ્રકાંતભાઈ તમને ફરી પૂછું છું કે દફ્નાવવામાં વાંધો શું છે, તમને?
ચંદ્રકાંતભાઈ: હું જવાબ આપું છું. સાંભળો જવાબ. મને વારે ઘડીએ રજૂઆત કરવાથી રોકવામાં આવી રહ્યો છે. માટે મને બોલવા દો. સવંત ૧૮૩૨ના પીરાણાના પ્રાગજી કાકા અને સૈય્યદ વલી મિયાએ જે ઠરાવો કર્યો અને અમને મુસલમાન બનાવવા માટે અમારા જ્ઞાતિમાં મુસ્લિમ રીત રિવાજો નાખ્યા. તેમાંનો દફનાવવાનો એક રિવાજ છે. અમારા માટે દફનાવું એ એક મુસ્લિમ રિવાજનું પ્રતીક છે. દફનાવવું એટલે મુસલમાન ધર્મને સ્વીકૃત કરવાની વાત છે. દફ્નાવવાની વિધિ સાથે સનાતનીઓની લાગણી દુભાય છે. અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ અમારી માટે ભાવાત્મક લાગણીઓનો વિષય છે. અમે ક્યારેય દફનાવવાનું સ્વીકારશું નહીં.
ચંદ્રકાંતભાઈની આ વાતનો કોઈની પાસે જવાબ નહોતો. બધા પંચોએ આ વાતને માની લીધી.
15. કાયમ માટે સંપૂર્ણ રીતે સતપંથને પહેલાં છોડવું પડશે: પૂર્ણતા તરફ જતા, ચંદ્રકાંતભાઈ ઊભા થઇને સહુને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે સતપંથવાળાને સુધારવા માટે તમે સમય માંગો છો, તેના કરતાં પણ વધારે સમય આપવા તૈયાર છીએ. પણ અમારી માત્ર એકજ શરત છે. કે જ્યાં સુધી સતપંથવાળા સપૂર્ણ રીતે, કાયમ માટે, પહેલાં સતપંથને છોડી નહીં દે, ત્યાં સુધી અમો તેમને સનાતન સમાજમાં નહીં ભેળવીએ.
નોંધ: જેરામભાઈ વાંસજાળીયા અને જયંતીભાઈ કાલરીયાના મનમાં સનાતનીઓ માટે અણગમો ઉત્પન્ન થવાના જોખમે અને વ્યક્તિગત સંબંધો પણ બગડવાના જોખમે માત્ર સમાજના હિતમાં આ વાત કહેવાની જરૂરત હોવાથી હિમ્મત કરીને કહેવી પડી. અમલીકરણનો મામલો ઠંડો પડ્યા પછી આશા છે કે બન્ને વડીલોને સનાતનીઓની આ વાત સમજી શક્યા હશે અને તેમને સનાતન ધર્મ રક્ષા કાજે કરેલ કાર્યની ઊંડી કદર પણ હશે.
16. સંયુક્ત બેઠક: ત્યાર બાદ સતપંથીઓને મિટિંગ રૂમમાં બોલાવવામાં આવ્યા. બન્નેને સાથે બેસાડીને વાતો કરવામાં આવી. આ બેઠક દરમ્યાન સતપંથીઓની બધીજ રમતો ચોખ્ખી રીતે સમજમાં આવી. આ તબક્કે સનાતનીઓને પંચો તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તમે કંઈ પણ બોલતા નહીં. તમને ઉશ્કેરવાનો પ્રયાસ થાય તો પણ બોલતા નહીં. પંચોએ કહ્યું કે અમને આ મેટર સાંભળવા દો. એટલે સનાતનીઓ આ બેઠકમાં કંઈ પણ બોલ્યા નહીં.
a. મણીલાલ શામજી – વડગામ, અને સુરેશ વકીલ – અમદાવાદ વાળા: અમોને બે મુદ્દાઓ સિવાય ચુકાદો મંજૂર છે.
1. ઈમામશાહ નહીં છોડીએ
2. નિષ્કલંકી નારાયણ નહીં છોડીએ
b. સી.કે સાહેબે મજબૂત વિરોધ કર્યો. કહ્યું કે સંપૂર્ણ હિંદુ ધર્મ પ્રમાણે ચાલવું પડશે. તમારી કોઈ પણ શરત માનવામાં નહીં આવે. હિંદુ અને સનાતન ધર્મ એકજ છે. માટે સંપૂર્ણ હિંદુ ધર્મ પ્રમાણે ચાલવાનું રહેશે.
c. મણીલાલ શામજી વડાગામ: વારે ઘડીએ હિંદુ હિંદુ કહો છો તો અહીં મુસલમાન કોણ છે? અમો હિંદુ છીએ. ઉતારો પેન્ટને તપાસ કરી લો. સુરેશ વકીલ અને દેવજી કરસન ભાવાણીએ સાથ આપ્યો. વાતાવરણ ઉગ્ર થયું. ત્યારે સતપંથીઓને સારું લગાડવા માટે સી.કે. સાહેબ બોલ્યા કે તમે આટલા જોશથી હિંદુ છો એવું કહો છો, એટલા માટે અમોને તમારી આ વાત પર ગૌરવ છે.
d. ત્યારે જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે ઈમામશાહના મુદ્દા ઉપર સાધુઓનો અભિપ્રાય લીધા પછી એ મુદ્દા ઉપર આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તેને સમય છે. માટે હમણાં આપણે બીજા મુદ્દા ઉપર આગળ વધીએ. (ખાસ નોંધ: અગાઉ જણાવ્યા પ્રમાણે સનાતનીઓ આ વાતથી સહમત નહોતા, પણ જયંતીભાઈ કાલરીયાએ પોતાના મનસ્વી રીતે વાત કરેલ. માહોલ બગાડે નહીં એટલે સનાતનીઓને પંચો દ્વારા ચૂપ રહેવાના સૂચનના કારણે સનાતનીઓ આ સમયે વિરોધ કર્યો નહીં)
e. જયંતીભાઈ કાલરીયા: મિટિંગને પૂરી કરવા માટે સારાંશ આપતા કહ્યું કે:
1. હિંદુ ધર્મ પ્રમાણે છેલ્લો અવતાર કૃષ્ણ અવતાર છે. કૃષ્ણ અવતાર પછી કોઈ અવતાર થયો નથી. બીજો કોઈ અવતાર નથી. કથા વિધિ, અગ્નિ વિધિ એવી તમામ વિધિઓ હિંદુ ધર્મ પ્રમાણે કરવાની રહેશે.
2. કોર્ટ કેસો પાછા ખેંચવાના રહેશે. બંધારણના કેસમાં સુધારાની જરૂર નથી. માટે સનાતનવાળા કેસ પાછો ખેંચશે. (નોંધ: આમાં પણ સનાતનીઓએ સહમતી આપેલ નહોતી).
3. ચેરિટીના કેસમાં MOU બનાવવામાં આવશે. જેમાં સતપંથવાળાને સમાવવાની પ્રક્રીયા હશે.
4. ફોજદારી કેસો સતપંથવાળાઓએ તરતજ પાછા ખેંચવાના રહેશે.
5. સતપંથવાળાઓને કહ્યું કે તેમને હિંદુ ધર્મને માનવાનું છે, પણ કોઈ શરત નથી. કંઈ ગુમાવવાની જરૂર પડે તો ગુમાવી પણ દેવાનું છે.
6. સોસિયલ મીડિયામાં બન્ને પક્ષે કોઈ મેસેજ કરવા નહિ. – જો થાય તો પંચોને કહેવું.
f. દેવજી કરસન ભાવાણી:
1. ઈમામશાહને છોડવા તૈયાર છીએ પણ મિલકત અને વહીવટ માટેનો રસ્તો કાઢો.
2. અમો કલ્કી અવતારનેજ માનીએ છીએ. પણ ભગવાનનું નામ માત્ર નિષ્કલંકી છે. તેમાં કોઈને વાંધો ન હોવો જોઈએ.
g. જેરામભાઈ: દેવજીભાઈની વાતથી અસંમતી બતાવતાં કહ્યું કે દેવજીભાઈ તમારા સમાજના લેટર પેડમાં પત્ર તૈયાર કરવાનો છો. મુસદ્દો તૈયાર કરી મને (કાલરીયા સાહેબને) બતાવવાનો છે. જેમાં ચુકાદાનું, કોઈ પણ શરત વગર, સંપૂર્ણ રીતે પાલન કરવાનું લખાયેલું હોવું જોઈએ.
h. સી.કે. સાહેબ: તો બધા હાથ ઉપર કરીને, આ પ્રમાણેની વાત સ્વીકાર્ય હોય તો, માતાજીની જય બોલો. ત્યારે મણીલાલ શામજી અને સુરેશ વકીલે અડધા હાથ ઊંચા કર્યા. સી. કે સાહેબે અટકાવીને પૂછ્યું કે હાથ ઊંચા કેમ નથી કરતા? ત્યારે મણીલાલ શામજીએ કહ્યું કે બે શરત સિવાય. એમ કહીને એ બેઠકમાંથી ઊઠીને ચાલ્યા ગયા. કાલરીયા સાહેબે દેવજીભાઈને કહ્યું કે તેમને સમજાવો અને પાછા લઇ આવો. મણીભાઈ પાછા તો આવ્યા પણ તેઓએ મનથી વાત સ્વીકારી નહોતી એવું લાગતું હતું. સુરેશ વકીલે બેઠક બગાડવાનો પ્રયત્ન કર્યો. ઉગ્રતાથી સોસિયલ મીડિયાવાળો મુદ્દો ફરી કાઢ્યો. પણ તેમની સામે કોઈ ઉશ્કેરાયું નહીં.
આવી રીતે, છેલ્લે બેઠક પૂરી થઇ અને જમવા માટે ઊભા થયા. મણીલાલ શામજી અને સુરેશ વકીલ જમ્યા નહીં. બાકી બધાય સાથે બેસીને જમ્યા.
મિટિંગ બાદ: જમ્યા બાદ, સનાતનીઓ જ્યારે સોલા કેમ્પસથી નીકળવા લાગ્યા, ત્યારે જોયું કે ઊંઝાની ટીમ હોલમાં આરામ કરી રહી છે. અમોને જોઇને વડીલોએ અમોને બોલાવ્યા. જેરામભાઈનો સતપંથ તરફી પક્ષપાત ભર્યો વ્યવહારની વાત નીકળી. ત્યારે સનાતનીઓએ કહ્યું કે જેરામભાઈએ પોતાના મોઢે કહે છે કે સતપંથવાળા સાથે તેઓ ૩૦-૩૦ બેઠકો કરેલ છે. ગઈ કાલે સતપંથવાળા તેમના ઘરે ૩-૩ કલાક સુધી બેઠક કરેલ છે. પણ સનાતનીઓની વાત કેમ સાંભળતા નથી? જેરામભાઈ અગર કોઈ રણનીતિ બનાવતા હોય, તો સનાતનીઓને વિશ્વાસમાં કેમ લેતા નથી? કેમ સનાતનીઓ ઉપર પોતાનીજ વાત થોપી દેવાનો પ્રયત્ન સતત કરે છે? આજે ૫૦૦-૫૦૦ વર્ષથી સનાતનીઓ સતપંથ સામે લડે છે અને જીતતા આવ્યા છે. શૂન્યમાં થી ૯૫% પહોંચી ગયા છે, તો કંઇકતો બુદ્ધિ હશેને સનાતનીઓમાં. તેઓનો અનુભવ પણ હશે ને? કેમ એ બધું જાણ્યા વગર સનાતનીઓને અંધારામાં રાખીને માત્ર સતપંથીઓનીજ વાત સાંભળે છે? કેમ મિટિંગમાં સનાતનીઓનો અવાજ દબાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે? તેમનું હેતુ શું છે, કંઈ સમજાતું નથી. ત્યારે મણીભાઈએ કહ્યું કે જેરામભાઈને તેમના મોઢા ઉપર તેમની ભૂલ છે, એવું કહી દેવામાં આવ્યું છે. જેરામભાઈ ઉગ્ર થાય એ બરાબર નથી. પંચ તરીકે તેમને ઉગ્ર થવાનો અધિકાર નથી. પક્ષકારને હોય છે. જેરામભાઈનો વ્યવહાર બરાબર નથી, એવું મણીભાઈ મમીએ કહ્યું.
ત્યાર બાદ ચંદ્રકાંતભાઈએ ઊંઝાના વડીલોને ચેતવતાં કહ્યું કે આપણે એક મોટી ભૂલ કરી રહ્યા છીએ. સાધુઓનો અભિપ્રાય વિષે. સતપંથ તરફી સાધુઓતો સતપંથને હિંદુ ધર્મ છે એવુંજ કહેશે. રાજકોટવાળા પરમાત્માનંદ કેવા સતપંથ તરફી છે, એ બધા જાણેજ છે. પરમાત્માનંદ, હંસદેવાચાર્ય અને અન્ય સતપંથ તરફી સાધુઓને હાથા બનાવી સતપંથ હિંદુ ધર્મ છે, એવો અભિપ્રાય સાધુ પાસેથી લાવવામાં તેઓ સફળ થઇ જાય તો? આવું થશે તો શું કરશો? શું ચુકાદાને તમે બદલશો? ત્યારે પ્રહ્લાદભાઈ અને મણીભાઈએ કહ્યું કે વાત સાચી છે. સાધુઓને પોતાના આશ્રમો ચલાવવાના હોય. અજ્ઞાનતાના કારણે અને બીજી બાજુ સતપંથને મુસલમાનથી બચાવવાની આદર્શવાદી વાતોમાં આવીને અજાણ સાધુઓ પાસેથી ગમે તેવું લખવી લે એ યોગ્ય નથી. માટે આપણે સતપંથના સાધુ નહિ, પણ ઊંઝા નક્કી કરે તે સાધુનો અભિપ્રાય લેશું. સનાતનીઓએ કહ્યું કે શંકરાચાર્યના અભિપ્રાયો છે, પછી શું જરૂર છે? ત્યારે તેમને કહ્યું કે હમણાં આપણે આપણું કામ કઢાવી લઈએ.
નોંધ: સનાતનીઓની ટીમને આ વાત ગમી નહિ. વાતની ગંભીરતાને હજી જોઈએ એટલી ઊંડાણથી બધા સમજી નથી શક્યા, એવું લાગ્યું. એટલે સતત ચિંતા અને ચિંતનમાં રહ્યા. આ વિષેની ચર્ચા માંડીને પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણીને કરી.
મિટિંગમાં ધ્યાને આવેલ સતપંથની ચાલ પાછળના સંભવિત હેતુઓ
આ મિટિંગમાં જે વાચચીત થઇ, તેનાં પરથી સતપંથીઓની ચાલ શું દેખાઈ આવી એ આપણે જોઈએ. સતપંથની ચાલના મુખ્ય બે પહેલું;
1. હિંદુ સમાજમાં ઘૂસી જવા માટે: કોર્ટ કેસો પાછા ખેંચવા માટે શરતો મૂકવી કે અમારા થોડો લોકોને લઇ લો, તો અમે કેસ ખેંચીએ. કોર્ટ કેસમાંથી સમાજને મુક્તિ મળી જાય, એ લાલચમાં આવીને અગર સનાતની કર્તાહર્તા અંજાઈ જાય અને જો આ શરત સ્વીકારી લે તો સતપંથીઓ અધિકૃત રીતે સનાતન સમાજમાં સભ્ય બની જાય. એટલે એક વખત હિંદુ સમાજમાં ઘૂસી જાય અને પછી પોતે હિંદુ છે તેવી ઓળખ ઊભી કરી લે. પછી જેમ મૂળ સતપંથના સ્થાપકો આવી ઓળખના દમ પર હિંદુ લોકોને વટલાવીને આજે ખોજા મુસલમાન બનાવી ગયા, તેમજ પીરાણા સતપંથના પ્રચારકો દ્વારા ધીરે ધીરે ક.ક.પા. હિંદુ સમાજને મુસ્લિમ કરી શકશે. કારણકે ત્યારે આનો વિરોધ કરવા માટે હિંદુઓનું કોઈ મજબૂત સંગઠન બચ્યું નહીં હોય.
સતપંથમાં આજ સુધી કોઈ પાકો મુસ્લિમ આકર્ષિત નથી થયો. હિંદુઓજ આકર્ષિત થાય છે. માટે સતપંથનો વિકાસ કરવો હશે, તો હિંદુ સમાજના લોકોથી જ થશે. માટે કોઈ પણ કીમતે હિંદુ લોકો સાથે કનેક્શન ન તૂટી જાય એ માટે સતપંથની હિંદુ ઓળખ જરૂરી છે. તેનાં માટે સતપંથીઓ હિંદુ સમાજના સભ્ય બને એ જરૂરી છે.
2. બીજી બાજુ સતપંથને ટકાવી રાખવા માટે:
a. સતપંથને ન છોડવા માટે: સતપંથ ધર્મ વિષે સાધુઓનો અભિપ્રાય લઈએ કે સતપંથ હિંદુ ધર્મ છે કે નહીં. આમ કહીને ઊંઝાના ચુકાદાને વિવાદમાં મૂકી દેવાની ચાલ દેખાઈ. કારણ કે સતપંથના સાધુઓ અને સતપંથ તરફી હિંદુ સાધુઓના મારફતે સતપંથ હિંદુ ધર્મ છે એવોજ અભિપ્રાય મળવાનો છે. સનાતનીઓ દ્વારા લાવવામાં આવેલ સાધુઓનો અભિપ્રાય જેમાં સતપંથ મુસ્લિમ ધર્મ છે, એ વાત સામે આવે એટલે એવું કહેવું કે સતપંથ ધર્મ હિંદુ છે કે મુસ્લિમ તેના પર સાધુ સમાજ એક મત નથી. માટે ઊંઝા માતાજીના ચુકાદો ક્યાંક ભૂલ ભર્યો છે, જલદીમાં અપાયેલ છે, અથવા વિવાદિત છે. આના દમ ઉપર અમલીકરણની આખી પ્રક્રિયાને લંબાવી નાખવી. જેથી લોકો લોકોને કંટાળાની પરિસ્થિતિમાં મૂકી દઈને આ અંગે તેમને નીરસ કરી દેવામાં આવે. પરિણામે અંતે કોઈ નિર્ણય ન આવે તો પણ ચાલે કારણ કે પીરાણા સતપંથ તો ચાલુજ છે.
b. નિષ્કલંકી નારાયણને ન છોડવા માટે: સતપંથીઓ દલીલ કરે છે કે “નિષ્કલંક નારાયણ” તો હિંદુ નામ છે ને. તો તેમાં ક્યાં વાંધો છે? અમે માનીએ તો કલ્કી અવતારને જ છીએ, પણ અમારા ભગવાનનું નામ માત્ર નિષ્કલંકી નારાયણ છે. અમો હિંદુ છીએ. નિષ્કલંકી નારાયણતો અમારા ઈષ્ટદેવ છે, વગેરે વગેરે.
આમ કહીને પોતાના ધર્મના શાસ્ત્રો સાથે કનેકશન/જોડાણ ટકાવી રાખશે. જો નિષ્કલંકી નારાયણને સનાતનીઓ સ્વીકાર્ય કરે તો તેનો મતલબ થાય કે તેમના જે ધર્મના ગ્રંથોનો સ્વીકાર કરવો. પછી સતપંથના ગ્રંથોનો વિરોધ ન કરી શકાય. સતપંથ ધર્મના શાસ્ત્રો પ્રમાણે નિષ્કલંકી નારાયણનું મૂળ નામ છે હઝરત મૌલા અલી. પરિણામે હઝરત મૌલા અલી હિંદુ સમાજમાં સ્વીકાર્ય થઇ જાય.
બીજી વાત એમ છે કે નિષ્કલંકી નારાયણનો ઉલ્લેખ કોઈ પણ હિંદુ શાસ્ત્રોમાં નથી. તેનો ઉલ્લેખ માત્ર મુસ્લિમ શાસ્ત્રોમાં છે. આનો અર્થ એમ પણ થાય કે મુસ્લિમ શાસ્ત્રોને આપણે અનુમતિ આપી દીધી.
c. ઈમામશાહને ન છોડવા માટે: ઈમામશાહ મુસ્લિમ નામ છે, માટે તેને કાઢવાનો સીધો વિરોધ સતપંથીઓ ન કરી શકે. આના માટે તેઓએ એવી દલીલ કરે છે કે પીરાણાની મિલકત અને આવક મુસલમાનોના હાથમાં જતી ન રહે, તે માટે અમો કામ કરીએ છીએ. આવા સારા કામમાં તમે અમારી મદદ કરો. આ પ્રકારની ભાવાત્મક અપીલો કરશે. પીરાણાની મિલકત રૂ ૧૪૦૦ કરોડની છે અને સતપંથમાં ૧૨ લાખ અનુયાયી છે એવી મોટી મોટી જૂઠી વાતો કરીને લોકોને આંજી દેવાના પ્રયત્ન કરે છે.
d. ઈમામશાહને ન છોડવા માટે: પીરાણાથી સતપંથીઓને કોઈ કાઢવાની વાત ન કરે, તેનાં માટે બે મુદ્દાઓ સામે મૂકવામાં આવે છે.
1. જો અમો સતપંથ છોડી દેશું, તો બંધારણના વહીવટમાં આવનાર સનાતનીઓને વોટીંગ અધિકાર નહીં મળે. માટે અમારું સતપંથનું સભ્યપદ ટકાવવું જરૂરી છે. આમ કહીને પીરાણાનો વહીવટ સતપંથીઓ પાસેજ રહી જાય.
2. પીરાણામાં ખૂબ મોટાં દાન મળે છે. જો પીરાણાને છોડી દઈએ તો આ રકમ મુસલમાનોને મળે. અને આખરી મુસલમાનો એ રકમ હિંદુઓના વિરુદ્ધમાંજ વાપરશેને? એટલે હિંદુઓનું નુકસાન ન થાય તે માટે અમે પીરાણામાં બેઠા છીએ.
નોંધ ૧: પીરાણાની મિલકતમાં બે ભાગ છે. મુખ્ય સ્થળ જે છે, જ્યાં ઈમામશાહની કબર છે, તે મુસ્લિમ કબ્રસ્તાનમાં આવેલ છે. એ કબ્રસ્તાનમાં મુસલમાનોની ઘણી બધી કબરો છે. એ કબરોની વચ્ચે ઈમામશાહની કબર છે અને તેનાં ઉપર દરગાહ બાંધવામાં આવેલ છે. એ જગ્યાના માલિક સૈય્યદો છે. સૈય્યદોની પરવાનગી સિવાય, ત્યાં કોઈને પણ દફનાવી ન શકાય. બંધારણ પ્રમાણે આ કબ્રસ્તાનનો વહીવટ માત્ર (માલિકી હક્ક નહીં) એક કમિટી (ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ) પાસે છે, જેમાં ૮ કચ્છ કડવા પાટીદારો અને ૩ સૈય્યદો છે. આ મિલકત મુસલમાનોની માલિકીની છે, કડવા પટેલોની માલિકી નથી. એટલે આ મિલકતની ગમે તેટલી કિંમત હોય, તેનાથી આપણને કોઈ ફરક પડે નહીં. વાસ્તવિકતામાં આ મિલકતની કોઈ ખાસ કિંમત નથી.
નોંધ ૨: ઈમામશાહની કબરની બાજુમાં બીજી મિલકતો છે, જેમાં યાત્રીઓ માટે ઉતારા અને ખાવા પીવાની વ્યવસ્થા છે. ઓપન ગ્રાઉન્ડ છે, કરસન કાકાને દફનાવામાં આવેલ એ જગ્યા છે વગેરે વગેરે. આ મિલકત સંપૂર્ણ પણે એક જુદા ટ્રસ્ટમાં છે, એવું સાંભળવા મળેલ છે. આ ટ્રસ્ટના માલિક કડવા પટેલો છે. આ મિલકત કોઈ કાળે મુસલમાનોના હાથમાં જાય તેમ નથી.
નોંધ ૩: આ બન્ને મિલકતો વચ્ચે, એક દરવાજો છે, જેને બંધ કરવા માત્રથી બન્ને મિલકતો જુદી પડી જશે. કબ્રસ્તાનનો મૂળ દરવાજો, જે ઈમામશાહના સમયથી હતો, તે દરવાજો કબ્રસ્તાનના દક્ષિણ ભાગમાં આજે પણ છે. આ દરવાજો ખુલ્લો કરવાની માંગ સૈય્યદો વર્ષોથી કરી રહ્યા છે. માટે આ દરવાજો ખુલ્લો કરવાથી કોઈ વિવાદ ઊભો નહીં થાય. બધા ખુશ થશે અને ઈમામશાહને કાયમ માટે છોડી શકાશે. આવી રીતે પીરાણાની મિલકતો જુદી પાડીને ઊંઝાના ચુકાદાનું અમલીકરણ કરવા માટે પહેલું પગલું ભરી શકાય એમ છે. મુસલમાનોની મિલકત એમને મળી જાય તો એ લોકો પણ રાજી. પીરાણાની હિંદુઓની મિલકત જુદી પડી જાય તો હિંદુઓ રાજી. ઊંઝાના ચુકાદા પ્રમાણે સતપંથીઓ ઈમામશાહને છોડી પણ દે.
પણ સેંકડો વર્ષોના અનુભવના આધારે એવું કહી શકાય કે સતપંથીઓ ઈમામશાહને છોડશે નહીં. જરૂર જણાશે તો ઈમામશાહને ભારતીય અથવા હિંદુ નામ આપી દેશે. તેમણે સદ્ગુરુ તો કહે છે એ આપણને ખ્યાલ છે, પણ ઘણા પુસ્તકોમાં ઈમામશાહને સતપંથમાં બ્રહ્મા કહે છે અને અમુક વખત બ્રહ્માનો અવતાર ગણાવે છે.
e. પીરાણાને ન છોડવા માટે: ઉપર જણાવ્યા પ્રમાણે પીરાણાની મિલકત અને આવક મુસલમાનના હાથમાં જતી ન રહે, એવી વાત કરીને પંચોને અને સનાતનીઓને મનાવવાના પ્રયત્ન થશે. સમયની માંગ છે માટે માત્ર વહીવટ પૂરતા અમારા લોકોને પીરાણાની સંસ્થામાં જોડાઈ રહેવા અનુમતિ આપો. આમ કહીને વહીવટ કરવા અનુમતિ મળી જાય, તો તેમનું સંબંધ ઉર્ફે કનેક્શન પીરાણા / ઈમામ શાહ / નિષ્કલંકી નારાયણ / સતપંથ સાથે ટકી રહેશે.
અગર સતપંથીઓને ખરે ખર ઊંઝાનો ચુકાદાનું પાલન કરવું હોય તો પીરાણામાં થતા તમામ ધાર્મિક કાર્યક્રમો તેમજ કોઈ પણ અન્ય કાર્યક્રમોને બંધ કરી શકે છે. આમ સનાતનીઓ આડા નહીં આવે. તેમજ મુસલમાનો પણ આડા નહીં આવે. પણ સતપંથ છોડવું નથી એટલે આવું નહીં કરે.
આવી રીતે હિંદુ સમાજમાં સભ્ય બની ગયા બાદ, મૂળ સતપંથ ધર્મ સાથે ગમે તેમ કરીને કનેક્શન/સંબંધ/જોડાણ ટકાવી રાખીને પોતાનું અસ્તિત્વનો બચાવ કરવાની આ ચાલ છે. ઊંઝાના વડીલોને આના માટે જૂઠા વાયદાઓ આપીને તેમનો વિશ્વાસ મેળવી લેવાના પ્રયત્નો થશે. સનાતનવાળા જીદ્દી છે, અક્કડ વલણ રાખનાર છે, બાંધછોડ કરતા નથી, સમસ્યાનો ઉકેલ આવતો નથી, તેવી સતત વાતો કરીને ઊંઝાવાળાના મગજમાં સનાતનીઓ માટે ઘૃણા અને પૂર્વગ્રહ નિર્માણ કરવાના પ્રયત્ન થશે. પંચોના મનમાં સનાતનીઓ માટે નફરત પેદા કરી દેવાના પ્રયત્નો થશે. આવું કરવામાં સતપંથીઓ અગર સફળ થઇ જાય તો તેમના માટે ખૂબ સારું થાય. જ્યારે સનાતનીઓ સતપંથીઓની ઉપર જણાવેલ રમતોને ઊંઝાના પંચો સમક્ષ ખુલ્લા કરવાની કોશિશ કરે, ત્યારે ઊંઝાના વડીલોના મગજમાં ભરાયેલ પૂર્વગ્રહના કારણે એ વાત સ્વીકારે જ નહીં. બદલામાં સતપંથના જૂઠા આશ્વાસનો પર વિશ્વાસ મૂકીને ઉપર જણાવ્યા પ્રમાણે હિંદુ સમાજમાં સભ્ય બની, પોતાનો ઇસ્લામી ધર્મ ટકાવી, હિંદુઓને સતપંથમાં આકર્ષિત કરવાનું કામ કરતા રહે. જેથી ભવિષ્યમાં આ લોકોને સંપૂર્ણ રીતે મુસલમાન બનાવી શકાય. સતપંથીઓની આ સંભવિત ચાલ સનાતનીઓના ધ્યાનમાં આવી છે.
સનાતન સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી અને ઊંઝાના…
દિલીપભાઈ નેતાજી (તત્કાલીન મંત્રી) સાથે તા. ૦૮–જૂન–૨૦૧૮ ના ફોન ઉપર થયેલ વાત અને
મણીભાઈ મમી (તત્કાલીન પ્રમુખ) સાથે તા. ૧૧-જૂન-૨૦૧૮ના ફોન ઉપર થયેલ વાત
અબજીભાઈ દ્વારા મુકવામાં આવેલ વાત, જેમાં મણીભાઈ મમી અને દિલીપભાઈ નેતાજી સંપૂર્ણ રીતે સહમત થયા.
પ્રશ્ન રૂપે આ વાતો છે, જેના જવાબો પણ એજ પ્રશ્નોમાં છે.
1. સાધુઓનો અભિપ્રાય લેવાની વાત ક્યાંયથી આવી? તા ૦૪-જુલાઈ-૨૦૧૫ની પહેલી બેઠક, જેમાં ઉકેલ લાવવાની પ્રણાલિકા નક્કી કરવામાં આવી હતી, તે મિટિંગમાં આવી કોઈ પ્રણાલિકા કરવાની વાત નક્કી કરવામાં નહોતી આવી.
2. સાધુઓનો અભિપ્રાય લેવાની વાત આવે છે, તો શું ઉમિયા માતાજીએ બરાબર અભ્યાસ કર્યા વગર ચુકાદો આપેલ છે?
3. જો આવું થાય તો ઉમિયા માતાજીની ગરિમાનું શું થાય?
4. જેરામભાઈનો પક્ષકાર તરીકેનો વ્યવહાર બરાબર નથી. સતપંથવાળા સાથે પોતાના ઘરે વારે ઘડીએ મળે અને રમતો નક્કી કરે એ બરાબર નથી.
5. સનાતન સમાજ તરફથી અમલીકરણ ટીમના દરેકે દરેક સભ્ય સંપૂર્ણ જવાબદારી સાથે આવે છે. સનાતન સમાજ તરફથી બધી વાતો રજૂ કરવાનો તેમને પૂરે પૂરો અધિકાર આપવામાં આવેલ છે. સનાતનીઓને પોતાની રજૂઆત કરવાથી અટકાવવામાં આવે એ વાત બરાબર નથી. સભ્યનું અપમાન પણ ન થવું જોઈએ. દરેકે દરેક સભ્યને સન્માન મળવું જોઈએ. આ અંગે જેરામભાઈનો વ્યવહાર બરાબર નથી.
મણીભાઈ મમી અને દિલીપભાઈએ કબૂલ કર્યું કે સાધુઓનો અભિપ્રાય લેવાની વાત બરાબર નથી. એટલે એમાં આગળ વધવાનું હવે રહેતું નથી. જેરામભાઈનો વ્યવહાર અમોને પણ ઠીક નથી લાગ્યો. તેમને કહી દેવામાં આવ્યું છે કે તમે આ રીતે વ્યવહાર કરો એ બરાબર નથી.