Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

૧૦. અમલીકરણ સમિતિની પહેલી મિટિંગ

સ્થળ: ઉમિયા માતાજી સોલા કેમ્પસ, અમદાવાદ

ખાસ નોંધ: આ મિટિંગનો અહેવાલ વિગતવાર તૈયાર કરી અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે, કારણ કે તાકિયાની છૂપી અને ઘાતક ચાલો કેવી રીતે રમીને, ખોટા પક્ષ દ્વારા સાચા પક્ષને હરાવવા જેવા અશક્ય કામને પાર પાડવાની રણનીતિનો ખ્યાલ આવી શકે. સનાતની આગેવાનો ખાસ આ ચાલોને બારીકાઇથી સમજી શકે અને સહેલાઇથી પોતાના મગજમાં ઉતારી શકે એ માટે થોડી લાંબી અને વિગતવાર લેખ તૈયાર કરેલ છે. જેથી કરીને ભવિષ્યની સનાતની આગેવાનો સતપંથ સામેની લડાઈ/સંઘર્ષ માટે ખૂબજ સારી તૈયારીઓ કરી શકે.

બીજી બાજુ એક સ્વાભાવિક વિચાર આવે કે અહીં જણાવેલ જ્ઞાનથી સતપંથવાળાઓ પણ અભ્યાસ કરીને તેઓ વધુ છૂપા પ્રહારો કરવાની તૈયારી કરી શકશે. આ વાત સાચી છે. પણ તેનાથી વધારે ફાયદો સનાતનીઓને થશે. કારણ કે સનાતનીઓમાં આ જ્ઞાનનો ફેલાવો જેટલો થશે, એટલો સનાતનીઓ પોતાનો બચાવ વધુ મજબૂતીથી કરી શકશે. સતપંથીઓ જાણતે અજાણતે તાકિયાતો પાળે છેજ. માટે તેઓ આ જ્ઞાનથી વાકેફ છે. સનાતનીઓને વાકેફ કરવાથી તેમના આગેવાનો મક્કમતાથી સતપંથ સામેની સંઘર્ષ/લડાઈ લડી શકશે અને સનાતન સમાજનો બચાવ પણ કરી શકશે, એવો હેતુ છે. આ પુસ્તક તૈયાર કરવાનો મૂળ હેતુ પણ એ જ છે.

 

1.    અમલીકરણ ટીમની પૂર્વ તૈયારી (તા.૦૫જાન્યુઆરી૨૦૧૮)

તા. ૦૫ થી ૦૭ જાન્યુઆરી ૨૦૧૮ના ગાંધીનગર ખાતે પહેલું ગ્લોબલ પાટીદાર બીસનેસ સમિટ ૨૦૧૮” (Global Patidar Business Summit) નું આયોજન હતું. તે સમિટમાં હાજરી આપવા સનાતન સમાજના આગેવાનો ભેગા થયા હતા. એટલે સનાતની સમાજના આ વિષયના ચુનંદા લોકોએ તા. ૦૫જાન્યુવારી૨૦૧૮ના સાંજના એક અનૌપચારિક બેઠક કરી. સ્થળ હતું ઉમિયા માતાજી મંદિર, ગાંધીનગર રૂમ ક્રમ ૧૦૪.

અમલીકરણ સમિતિમાં કેન્દ્રીય સમાજ તરફથી જે રજૂઆત કરવાની હતી તેની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી. તે બેઠકમાં શ્રી અબજીભાઈ કાનાણી, હિંમતભાઈ ખેતાણી, હંસરાજ ધોળું, ચંદ્રકાંત છાભૈયા, વસંત ધોળું, જયંતીભાઈ લાકડાવાળા, મોહન ધોળું – મહામંત્રી યુવા સંઘ, CA હરસુખ રામાણી -અમદાવાદ અને ભગવાન રવાણી – અમદાવાદ હાજર હતા. તે બેઠકમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી.

1.1.    સનાતની ટીમમાં સિનિયર શ્રી હંસરાજભાઈ ધોળુ હતા એટલે તેમને સનાતની ટીમના લીડર તરીકે જવાબદારી આપવામાં આવી.

1.2.    હંસરાજભાઈએ રજૂઆત કરી કે સીદસરવાળા જેરામભાઈ કહે છે કે હંસરાજભાઈ અમલીકરણ સમિતિમાં પંચ તરીકે ભાગ લે, ના કે સનાતન તરફથી આવનાર ૫ (પાંચ) સભ્યોમાંના એક સભ્ય. આ વાત તેવો પહેલાં પણ કહી ચૂક્યા હતા. ત્યારે, અબજીભાઈએ કહ્યું કે ઉમિયા માતાજી ઊંઝા તરફથી આપણને આવી વિનંતી લેખિતમાં આવશે ત્યારે આપણે હંસરાજભાઈને આપણી કમિટીમાંથી છૂટા કરીશું. ત્યાં સુધી તો તેઓ આપણા કમિટી વતીથીજ રજૂઆત કરે.

1.3.    હંસરાજભાઈએ સૂચન આપ્યું કે આપણે લવાદ પાસેથી અમલીકરણની દૃષ્ટિએ ભરવા લાયક પગલાંઓની યાદી માંગવી જોઈએ. જેથી મિટિંગમાં કોઈ ખોટો મુદ્દો ન ઉપડે અને અમીલીકરણના મુદ્દા પર આપણે સફળ થઈ શકીએ.

1.4.    વસંત ધોળુએ ધ્યાન દોર્યું કે ઉમિયા માતાજીના આદેશ પ્રમાણે સતપંથ સમાજ તરફથી ચુકાદાનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ નથી. તેમણે સતપંથ સમાજ તરફથી પ્રકાશિત થતા માસિક સમાચાર પત્રિકા “સતપંથ પ્રકાશ” ના ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ૨૦૧૭ મહિનાના અંકો રજૂ કર્યા. અને કહ્યું કે પંચો સમક્ષ આ વાતને રજૂ કરવી જોઈએ.

1.5.    અબજીભાઈએ જાણકારી આપી કે કેન્દ્રીય સમાજ તરફથી ચુકાદાને તેમના મુખ પત્ર, સનાતન પત્રિકામાં અને અન્ય સમાજની પત્રિકાઓ જેવા કે પાટીદાર સંદેશ, ઉમા દર્પણ, પાટીદાર સૌરભ વગેરેમાં પ્રકાશિત કરેલ છે. તેમજ ચુકાદાના પ્રચાર પ્રસાર હેતુ, લોકોને ઉદ્દેશીને પ્રમુખ સ્થાનેથી ત્રણ પત્રો લખવામાં આવેલ છે. જે તા. ૧૦-ઓક્ટોબર-૨૦૧૭, તા. ૦૧-નવેમ્બર-૨૦૧૭ અને તા. ૨૧-નવેમ્બર-૨૦૧૭ ના હતા. આ ત્રણે પત્રોને સનાતન પત્રિકામાં છાપવામાં આવેલ છે, તે તરફ ધ્યાન દોર્યું.

1.6.    અબજીભાઈએ બીજી જાણકારી આપી કે સતપંથ સમાજના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી સાથે તેમની મિટિંગ (ચુકાદા આવવાના ૧ મહિના અંદર મુંબઈ ખાતે) થઇ છે. એ મિટિંગમાં દેવજીભાઈએ એવી રજૂઆત કરેલ કે ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણના જે બે મુદ્દાઓ છે એને છોડીને અન્ય મુદ્દાઓ ઉપર વિચારણા કરીએ. ત્યારે અબજીભાઈએ કહેલ હતું કે આમ કરી નહિ શકાય. કારણ કે એ બે મુદ્દાઓજ મહત્ત્વના છે. એટલે એ મિટિંગ ત્યાંજ પૂરી થઇ ગઈ. એ મિટિંગમાં કોઈ બીજી ચર્ચા ન કરવામાં આવી.

1.7.    કોર્ટ કેસના મુદ્દા ઉપર જયંતીભાઈ લાકડાવાલાએ જાણકારી આપી. જાણકારી વિસ્તૃત હોવાથી તેમને વિનંતી કરવામાં આવી કે આપ આ મિટિંગના સ્થળે હાજર રહોજો. પણ તેઓએ કહ્યું કે આ પહેલી મિટિંગ છે માટે તેમણે એ જરૂરી લાગતું નથી. માટે એ વાત પડતી મૂકી દેવામાં આવી.

1.8.    ચંદ્રકાંત છાભૈયાએ વાત કરી કે અમલીકરણ મિટિંગની તૈયારી રૂપે આપણી સોચ કેવી હોવી જોઈએ, એવા પર ચર્ચા કરવી જોઈ. આપણા તરફથી વાત એવી હોવી જોઈએ કે સંપૂર્ણ ચુકાદાને વાંચીને ચુકાદાના મર્મ કે હાર્દને ધ્યાનમાં રાખીને અમલીકરણના પગલાં નક્કી કરવાં જોઈએ. ચુકાદા તૈયાર કરવા પાછળનો જે ભાવ છે, એ ભાવ (Letter and Spirit)ને કેન્દ્રમાં રાખીને ચુકાદાને અમલમાં મૂકવો જોઈએ. સતપંથીઓ ચુકાદાને બદલાવવાના પ્રયત્નો કરશે, એવા અંદર ખાનેથી સમાચાર મળેલ છે. સતપંથીઓને ચુકાદાની છટક બારીઓ (Loop Holes)નો ઉપયોગ કરવા દેવો નહિ. એવું પણ બનશે કે સતપંથીઓ કોઈક નાનું મોટું બહાનું કાઢીને, ચુકાદાનો અમલ ન થવા પાછળનો તમામ દોષ સનાતનીઓ નાખવાનો પ્રયત્ન કદાચ કરે. જેમાં તેમને સફળ ન થવા દેવા જોઈએ. એવું સાવચેતી ભર્યું સૂચન પણ ચંદ્રકાંતભાઈએ કરેલ હતું.

1.9.    ત્યાર બાદ ચંદ્રકાંતભાઈએ નીચે જણાવેલ મુદ્દાઓ વિસ્તૃત રીતે રજૂ કર્યા. જે મૂળમાં સતપંથીઓ શું કરી શકે તેનો આછો ચિતાર હતો. અને તેનો સામનો અને વળતો જવાબ સનાતનીઓ કેવી રીતે આપી શકે, એ જણાવ્યું.

1)     સમય પસાર કરવાની રણનીતિ: અમલીકરણની પ્રક્રિયાને ઢીલી પાડવા માટે સતપંથીઓ યેન કેન પ્રકારે સમય પસાર કરવાની રણનીતિ (Delaying Tactics) અપનાવી શકે છે. પાટીદારોની એકતા, પ્રગતિ, મોટા કામો કરવા છે, ગરીબો માટે કામ કરવા છે, મેડીકલ હૉસ્પિટલ, કેળવણી માટે સ્કૂલો બાંધવી છે, રાજકીય રીતે આપણી તાકાત ઊભી કરવી છે, વગેર વગેરે. તેવીજ રીતે આપણામાં એકતા હશે તો આ બધું થશે, સમાજ અને ધર્મ જુદા છે, એવી વાતો પણ કરી શકે. ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા રાતો રાત ન બદલાય, માટે સમય લાગશે. ધીરે-ધીરે સુધારો થશે, તમે ખોટી જલદી કરો છો. આમ કહી પોતાનું સતપંથ ધર્મ સાથેનું કનેક્શન (સંપર્ક) ટકાવી રાખશે. સમય પસાર થાય એટલે બધા પોતપોતાના કામમાં લાગી જાય. એટલે મુદ્દો ઠંડા બક્સામાં ચાલ્યો જાય. ત્યાર બાદ અગર કોઈ પાછળથી આ મુદ્દો ઉપાડવાની કોશિશ કરે તો કહેવામાં આવે કે બધું બરાબર ચાલે છે, તો તમે શા માટે જૂની વાતો ઉખાડો છો? સમાજમાં ખોટા ઝગડાઓ ઊભા કરીને સમાજને તોડો છો. એટલે સમય જતાં આ વાત સંપૂર્ણ રીતે ભુલાઈ જાય.

2)     ચુકાદામાં ફેરફાર: ચુકાદામાં ફેરફાર કરાવી તેને સતપંથના દૃષ્ટિથી ઢીલો કરવાનો પ્રયત્ન કરી શકે છે. ચુકાદામાં અમુક મુદ્દા ઉપર ચોખવટ જોઈ છે, અમુક મુદ્દા ઉપર અર્થગઠન બરાબર કરવું પડશે. આવી વાતો કરીને ચુકાદામાં કોઈક કમી છે એવું વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયત્ન થઇ શકે. જે સનાતનીઓ માટે સારું નહીં હોય. માટે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કીમતે ચુકાદામાં કોઈ પણ ફેરફાર કરવા દેવો નહીં.

3)     ચુકાદાનું ખોટું અર્થગઠન: જો ચુકાદામાં ફેરફાર કરવામાં સફળ નહીં થાય, તો ચુકાદાનું ખોટું અથવા નબળું અર્થગઠન કરી, પોતાને સગવડ પડે એવી રીતે અમલ કરાવશે. જેથી ઊંઝાનો ચુકાદો છેવટે મજાકમાં/રમતમાં ખપી જાય અને સતપંથનું અસ્તિત્વ ટકી રહે.

4)     પીરાણાનું સંચાલન: ભલે ચુકાદામાં કહ્યું છે કે પીરાણાનું સંચાલન આપણી માતૃ સંસ્થા એટલે કેન્દ્રીય સમાજ ઉર્ફે સનાતન સમાજ પાસે જવું જોઈએ. પણ પીરાણાનું સંચાલન કોઈ પણ સંજોગોમાં સતપંથીઓ પાસેથી છૂટી ન જાય, તેનાં માટે સાચી ખોટી દલીલો થશે. આવા સંજોગોમાં આપણે પગ પાછા નથી નાખવાના. માટે જરૂર જણાય તો કેન્દ્રીય સમાજ તેનું સંચાલન પોતાના હસ્તક લેવા તૈયાર છે અને સંપૂર્ણ રીતે સક્ષમ છે, એવી દલીલ કરવી પડશે. કોઈ પણ સંજોગોમાં સતપંથીઓ પાસે સંચાલન રહે એવી વાત ને ટેકો આપવો નહિ, તેનાં બદલામાં એવી વાતનો વિરોધ કરવો પડશે.

5)     મુદ્દાથી ભટકાવાની કોશિશો: તાકિયાની એક ચાલ છે મુખ્ય મુદ્દાથી ભટકાવી દેવાની (Diversionary Tactics). આપણે ચર્ચામાં ધ્યાન રાખવું કે ગમે તેવી ઉશ્કેરામણી ભર્યું વર્તન આપણા સામે કરે તોય પણ આપણે આપણો મુદ્દો છોડવો નહીં. આપણામાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એકબીજાની વાત કાપવી નહિ અને ઈશારાઓથી સમજી જવાનું. ઈશારો આવે અને જરૂર પડે તો ચૂપ પણ થઇ જવું.

6)     વિચારો ભ્રષ્ટ કરવા: દિમાગ (વિચારો) ભ્રષ્ટ કરવાના પ્રયત્ન કરવામાં આવી શકે (Corrupting Minds). સતપંથીઓ યુક્તિ પૂર્વક એવી વાત મૂકી દેશે કે આપણે તેમની વાતમાં આવી જઈએ. દાખલા તરીકે નખત્રાણાનું બૉર્ડિંગ બન્યું ત્યારે સતપંથીઓ દ્વારા એવી વાત વહેતી કરવામાં આવી હતી કે અમો પણ સનાતનમાં આવી જશું. અમારા વડીલો જીવે છે ત્યાં સુધી માત્ર અમોને થોડી છૂટ આપો. શ્રદ્ધાનો વિષય છે એટલા માટે. વડીલો ગુજરી જશે એટલે અમે સનાતનમાં આવી જશું. આ વાતમાં આવીને સનાતનીઓએ સતપંથીઓ ઉપર ભરોસો રાખી તેમના સાથે સંબંધ રાખ્યા. પણ સતપંથીઓએ આખરે શું કર્યું? તેવો સતપંથને તો છોડ્યું નહીં. પણ સનાતન સમાજમાં રહીને હિંદુ ઓળખ મેળવી લીધી અને અંદર ખાને સતપંથને મજબૂત કરતા ગયા.

7)     ભાવાત્મક ચાલ: તેવીજ રીતે દીકરીઓનું શું વાંક છે? આપણેજ તેમનું કન્યાદાન કર્યું છે. દીકરીઓને રડાવીને આપણે સુખી નહીં થઈએ, વગેરે વગેરે. આવી ભાવાત્મક વાતોમાં આપણે આંજી દે અથવા તો ખોટી રીતે સમય પસાર કરશે અને અમલવારી રોકી રાખશે.

8)     નિર્ણય લેવા નહિ દે: અગર મિટિંગનું વાતાવરણ સતપંથના વિરુદ્ધનું થાય તો તેવા સંજોગોમાં કોઈ પણ નિર્ણય ન આવે તે માટે તેવો મિટિંગને ખોરવી નાખવા માટે ખોટા ઝગડાઓ કરવા માટે આપણે ઉશ્કેરી શકે. ત્યારે આપણે સર્વે એક બીજાનું ધ્યાન રાખીને યુક્તિ પૂર્વક સંયમ રાખવો પડશે.

9)     હાવી થવાની કોશિશ: સતપંથવાળા આપણા પર વ્યક્તિગત રીતે માનસિક પ્રહાર કરી શકે. આડકતરી રીતે આપણા વ્યક્તિગત સ્વમાન પર પ્રહાર કદાચ કરે. આપણી નૈતિક હિંમત તોડવા માટે આપણા સામે રૂબાબ ઠોકશે. પોતે ખૂબજ મોટા છે તેવી છબી ઊભી કરે. તાકિયામાં જણાવેલ વિરોધીની હિમ્મત નબળી કરવાની આ ચાલ છે. જેથી આપણા વિચારો આપણે સમય પર રજૂ ન કરી શકીએ. ઘણી વખત આપણે જોતા હોઈએ કે મિટિંગ પતિ જાય પછી લોકો બોલે કે આ બરાબર નથી કે તે બરાબર નથી. પણ મિટિંગમાં નથી બોલી શકતા. તેની પાછળનું આ કારણ છે. માટે આનું આપણને ધ્યાન રાખવાનું રહેશે. અને આ લોકોથી કોઈ પણ સંજોગોમાં દબાઈ ન જઈએ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

10)  એક વ્યક્તિને ટાર્ગેટ બનાવશે: આપણામાંથી કોઈ પણ એક સભ્યને ખાસ ટાર્ગેટ કરવામાં કદાચ આવે. એ વ્યક્તિ ઉપર બધાજ સતપંથીઓ વારાફરતી શાબ્દિક વાર કરે, જેથી એમનું મનોબળ ભાંગી જાય. સ્વર્ગીય ગંગારામબાપા સાથે આવું ખાસ થતું, પણ ગંગારામબાપા હિમાલય જેવા મજબૂત હતા એટલે એમને મચક ન આપતા. હાલની પરિસ્થિતિમાં આ ટાર્ગેટ હંસરાજભાઈ હોઈ શકે. કારણકે એ રજૂઆત કરનાર સનાતની ટીમના સિનિયર સભ્ય છે. હંસરાજભાઈએ પોતાના અંગત સ્વાર્થ માટે કાવત્રાઓ, રમતો કર્યા છે એવું કહીને તેમને હલકા ચીતરવાની કોશીશ કરવામાં આવી શકે. જેથી સમસ્ત સનાતની ટીમને ઊંઝાના પંચો સામે નીચું જોવું પડે અને આપણે આપણી વાત કહેવામાં ખૂબજ સંકોચ અનુભવીએ. કારણ આવા સંજોગોમાં આપણું દિમાગ સમય ઉપર કામ ન કરે. ઊંઝાના પંચોને પણ એવું લાગે કે સનાતની ટીમ ખોટી છે, માટે તેમની વાત ઉપર વધારે ભરોસો કરાય નહીં. પંચોમાં જે લોકો સતપંથ તરફી હોય, એ લોકો આપણી નબળી માનસિકતાનો લાભ લઇ, આપણને વધારે દબાવી શકે. આવી પરિસ્થિતિ ઊભી થાય તો માનસિક રીતે આપણે આ લડાઈ ત્યાંજ હારી જઈએ. જે આપણે કોઈ પણ કીમતે થવા નહીં દેવું જોઈએ.

11)  પંચો સામે એકલામાં રજૂઆત કરવી: છેલ્લે આપણે પંચો સાથે અલગથી બસવું જોઈએ. સતપંથીઓની હાજરીમાં બેસવું નહીં. જેથી કરીને આપણી મજબૂત રજૂઆત થતી હોય ત્યારે કોઈને પણ વિક્ષેપ પાડવાનો મોકો ન મળે.

1.10. આ બેઠકની અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બીજા દિવસે એટલે કે તા. ૦૬-જાન્યુઆરી-૨૦૧૮ના હંસરાજભાઈ ધોળુ એ સીદસરવાળા જયરામભાઇ વાંસજાળિયાનો (પંચમાંના એક સભ્ય) સંપર્ક કરશે અને મિટિંગમાં બન્ને પક્ષોને અલગ અલગ સાંભળવામાં આવે એવી વિનંતી કરશે.

1.11. તા. ૦૬-જાન્યુઆરી-૨૦૧૮ના ગ્લોબલ પાટીદાર બીસનેસ સમિટ ચાલતો હતો ત્યારે બપોરના સમયમાં શ્રી હંસરાજભાઈ ધોળુ, શ્રી અબજીભાઈ કાનાણી અને શ્રી હિંમતભાઈ ખેતાણી ભેગા થઇને શ્રી જેરામભાઈને મળ્યા. હંસરાજભાઈની રજૂઆતને જેરામભાઈએ સ્વીકારી લીધી. પણ હિંમતભાઈ પોતાના તરફથી કોઈક વાત કરવા જઈ રહ્યા હતા ત્યારે હિંમતભાઈનું અપમાન કરીને તેમણે કહ્યું કે તમે નેગેટીવ માણસ છો, મારે તમારા સાથે કોઈ વાત કરવી નથી. આ અપમાન હિંમતભાઈનું નહોતું પણ સનાતની સમાજની ટીમના સભ્યોનું મોરલ (નૈતિક હિમ્મત) ઉપર વાર હતો. આવા પ્રહારો બાબતે આગલા દિવસેજ સનાતની ટીમમાં ચર્ચા થઇ ગઈ હોવાથી સનાતની ટીમ જરાય પણ દબાણી નહીં. યોગ્ય સમયે મક્કમતાથી મજબૂત રજૂઆત કરવા માટે ટીમ કટિબદ્ધ થઇ.

1.12. તો આ હતી સનાતની ટીમની તૈયારીઓનું ઉચ્ચ સ્તર અને સંતુલિત માનસિકતાનું વિવરણ. ઉપર જણાવેલ મુદ્દાઓ સિવાયના અમુક મહત્ત્વ મુદ્દાઓ પર પણ તૈયારી હતી. જેણે હાલ આ પુસ્તકમાં જાહેર કરી શકાય એમ નથી.

2.    તા. ૦૭જાન્યુઆરી૨૦૧૮ની પહેલી મિટિંગ:

મિટિંગનું સ્થળ ઉમિયા માતાજી સોલા કેમ્પસ, અમદાવાદમાં નક્કી કરવામાં આવેલ હતું. સમય હતો બપોરે ૩ વાગે.

2.1.    હંસરાજભાઈ ધોળુ મિટિંગમાં પહોંચવા માટે પોતાની રીતે સમયથી પણ પહેલાં નીકળી ગયા હતા. બાકીના ચાર સનાતની સભ્યો લગભગ ૩ વાગે ઊંઝા કેમ્પસમાં પહોંચ્યા.

2.2.    અમે જયારે ત્યાં પહોંચ્યા ત્યારે જેરામભાઈ વાંસજાળિયા, જયંતીભાઈ કાલરીયા, હંસરાજભાઈ ધોળુ સિવાય, સતપંથની અમલીકરણ ટીમમાં સતપંથના મહામંત્રી ચંદુભાઈ પટેલ હાજર હતા. તે ઉપરાંત વસતા કેશરા નાકરાણી, મોરબીથી હાજર હતા. વસતા કેશરા અને જેરામભાઈ વાંસજાળિયાની મોરબીની ટાઈલ્સ ફેક્ટરીઓ એક બીજાને લાગીને છે. બન્નેની સહિયારી બાઉન્ડ્રી છે. પણ એ કોની તરફથી આવ્યા હતા? સતપંથ કે સનાતન તરફથી? આમ તો પોતાને સનાતન સમાજમાં ગણાવે છે, પણ સનાતન સમાજ તરફથી તેમનું નામ નહોતું. વ્યક્તિગત રીતે જોઈએ તો હંમેશાં સતપંથીઓને સનાતન સમાજમાં સાથે રાખવાની વાત કરનાર માણસ તરીકે તેમની સમાજમાં છબી છે.

2.3.    ઊંઝાથી પંચના સભ્યો આવવાના બાકી હતા. એટલે મિટિંગ ચાલુ કરી શકાય તેમ નહોતી. માટે જેરામભાઈ અને જયંતીભાઈએ તેમના વિસ્તારમાં વાંકાનેર પાસે વસતા કડવા પાટીદારો જે આજે સંપૂર્ણ રીતે મુસલમાન થઇ ગયા છે, તેની વાત છેડી. જેરામભાઈએ જણાવ્યું કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તે સમાજ એટલે જેણે મુમના સમાજ કહેવાય છે, તે મુમના સમાજની એક સભા બોલાવવામાં આવી. તેમાં તેઓએ ઠરાવ કર્યો કે હવે આપણે હિંદુ બની જવું. પણ દુર્ભાગ્યવશ તે વખતના હિંદુ ધર્મ ગુરુઓએ એ વાત સ્વીકારી નહીં. હિંદુ ધર્મગુરુઓની આ ભૂલ હતી, જેણે કારણે આજે તેવો સંપૂર્ણ મુસલમાન બની ગયા છે. વાચક મિત્રોને વિનંતીકે આ વાતની ખાસ નોંધ લેશો. કારણ આગળ આના સંદર્ભમાં સતપંથીઓ માટે વાત કરવામાં આવી છે, જેને જયંતીભાઈ કાલરીયાએ સ્વીકારેલ હતી.

2.4.    વધુમાં જેરામભાઈએ એવું કહ્યું કે વાંકાનેરના મુમના સમાજના આગેવાનોને તેઓ જ્યારે મળ્યા અને તેમનું ધ્યાન દોરાવ્યું કે જુઓ કેવી રીતે તમે પાછળ રહી ગયા છો. આર્થિક રીતે, સામાજિક રીતે વગેરે વગેરે. આજે વાંકાનેર મોરબીમાં કડવા પાટીદારોની ૯૦% થી વધારે સેરામિક ટાઈલસની ફેકટરીઓ છે. વિદ્યાર્થીઓ માટે મોટી હોસ્ટેલો છે. મુમના સમાજ પાસે કંઈ નથી. તો તમે હિંદુ બનીને અમારા સમાજમાં કેમ નથી આવી જતા? ત્યારે એ મુમના સમાજના આગેવાનોએ કહ્યું કે મુમના સમાજના ધર્મગુરુ સૈય્યદ છે. તેની વાત બધા માનશે. સૈય્યદ આદેશ આપશે તો બધા હિંદુ થશે. આમ કહી પોતાની અસમર્થતા બતાવી. આ વાતને પણ ધ્યાને રાખશો. આગળની ચર્ચામાં આનો સંદર્ભ લઇને સતપંથીઓ માટે મુદ્દો રજૂ કરેલ છે.

2.5.    વધુ માહિતી આપતા તેમણે પોતાના અનુભવો જણાવ્યા કે કેવી રીતે પીર સૈય્યદની ઘર પધરામણી થાય ત્યારે એક મોટી ચાદર પાથરવામાં આવે અને લોકો એ ચાદરમાં પૈસા નાખે અને એ પૈસા એ પીર સૈય્યદ લઇ જાય.

2.6.    ત્યાં થોડી વારમાંજ ઊંઝાથી વડીલો આવી પહોંચ્યા. ઊંઝાથી આવનાર લોકોમાં ઊંઝાના કાર્યકારી પ્રમુખ પ્રહ્‌લાદભાઈ પટેલ – (કામેશ્વર) અમદાવાદવાળા, મણીભાઈ મમી, દિલીપભાઈ નેતાજી – ઊંઝાના મહામંત્રી, પ્રહ્‌લાદભાઈ – મહેસાણાવાળા – પૂર્વ મહામંત્રી, સુરેશ કે પટેલ – મંત્રી અને અન્ય ૨ થી ૩ જણ હતા.

2.7.    ત્યાર બાદ સ્વ-ઓળખવિધિથી કરવામાં આવી અને મંત્રીશ્રી દિલીપભાઈ દ્વારા મિટિંગનો ઉદ્દેશ જણાવવામાં આવ્યો, જે ચુકાદાનું અક્ષરે અક્ષર પાલન કરવાની વાત હતી.

2.8.    ત્યાર બાદ જેરામભાઈએ જણાવ્યું કે બન્ને પક્ષોના આગેવાનો તેમણે મળેલ હતા. સતપંથ તરફથી ૧૫ વખત લોકો તેમણે મળેલ હતા અને સનાતન તરફથી પ્રમુખ અબજીભાઈ, હંસરાજભાઈ અને અન્ય લોકો તેમને ગઈ કાલે મળેલ હતા. તેમને જણાવ્યું કે બન્ને પક્ષો ચાહે છે કે પંચો તેમણે પહેલાં અલગ અલગ સાંભળે અને પછી જરૂર જણાય તો સાથે બેસાડે.

2.9.    આવી રજૂઆત સાંભળતાજ શ્રી મણીભાઈ મમીએ, મોટી ઉંમર હોવા છતાં, ઊભા થઇને પૂછ્યું કે ચુકાદો આવી ગયા પછી શું સાંભળવાનું? કોઈને સાંભળવાની જરૂર નથી. મણીભાઈએ ચોખ્ખે ચોખ્ખું અને કડક શબ્દોમાં જણાવ્યું કે ચુકાદામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે એવું પણ કહ્યું કે કોઈએ જૂની વાત કાઢવી નહીં. આ વાતને પ્રહ્‌લાદભાઈ મહેસાણા, દિલીપભાઈ મહામંત્રી અને અન્ય ઊંઝાથી આવેલ લોકોએ ટેકો આપ્યો. સનાતની ટીમે પણ આ વાતને સહર્ષ ટેકો આપ્યો. પણ જેરામભાઈએ ધીમા અવાજમાં કહ્યું કે ચુકાદામાં અમુક સ્પષ્ટતાની જરૂર છે. પણ કોઈએ તેમની વાતને ટેકો ન આપ્યો. જયંતીભાઈ કાલરીયાએ કોઈ વિચાર રજૂ ન કર્યો. સતપંથી ભાઈઓ એકદમ ચૂપ રહ્યા. સનાતની ટીમની આ મુદ્દા પરનું પ્લાન્નીંગ કામ કરી ગયું. પુનઃ સનાતની ટીમે એકજ અવાજે મક્કમતાથી મણીભાઈ મમીના પ્રસ્તાવને સ્વીકારી લેવાની વાત કરી. એટલે અંતે આ વાત નક્કી કરવામાં આવી કે ચુકાદામાં કોઈ પણ ફેરફાર નહિ થાય અને રજૂઆતમાં કોઈએ જૂની વાતો કાઢવી નહીં.

નોંધ: ચુકાદામાં ફેરફાર કરાવવાનો પ્રયાસ હાલપૂરતો નિષ્ફળ થયો.

2.10. જેરામભાઈ સ્વભાવે સામે વાળા ઉપર હાવિ થનાર અને ખૂબ આક્રમક શૈલીથી પોતાની વાત રજૂ કરનાર વ્યક્તિ હોવાથી ઉપર જણાવેલ વાત તેમને પસંદ નથી પડી, એવું લાગ્યું. જેરામભાઈની શૈલી ઉપર નજર કરીએ તો તેવો જ્યાં-જ્યાં જાય ત્યાં મિટિંગ કે સભામાં છવાઈ જવાની તેમની વૃત્તિ હોય એવું જોવા મળતું હોય છે. મોટા અવાજથી જોરદાર રજૂઆત કરવી અને વિરોધીનું મનોબળ ભાંગી નાખવું એ તેમની રણનીતિ હોય એવું જાણવા મળતું હોય છે. વધારામાં આ બેઠકના આગલાજ દિવસે હિંમતભાઈ ખેતાણીનું જે રીતે અપમાન કર્યું અને તેમની રજૂઆત સાંભળી પણ નહીં, એ પણ બતાવે છે કે જેરામભાઈની વિરોધીઓને બોલવા ન દઈ, પોતાનો કક્કો ખરો કરવાની તેમની શૈલી છે. આ દિવસ સુધી સનાતની ટીમવાળાએ જેરામભાઈને ખૂબ માન, સન્માન આપ્યું હતું. વાણીમાં ખૂબજ સંયમ રાખીને અને નીચા અવાજે તેમની સાથે વાત કરેલ હતી.

2.11. આવી પરિસ્થિતિમાં જેરામભાઈએ પૂછ્યું કે તમારા (સનાતની સમાજના) પ્રમુખશ્રી અબજીભાઈ ક્યાંય છે? તે કેમ નથી આવ્યા? ત્યારે તેમને જવાબ મળ્યો કે મિટિંગનું તેમણે આમંત્રણ નથી એટલે તેઓ નથી આવ્યા. ત્યારે તેમણે સૂચન આપ્યું કે અબજીભાઈને ગાંધીનગરમાંજ છે, તો તેમને બોલવામાં આવે. તે પ્રમાણે અબજીભાઈને ફોન મારફતે બોલવામાં આવ્યા. ત્યાર બાદ જેરામભાઈએ પોતાનો સ્વભાવ પ્રમાણે કહ્યું કે તમે (સનાતની ટીમ) ઊંઝા ચુકાદા વિષે જાહેર પત્રો શા માટે લખ્યા છે? પ્રમુખશ્રી દ્વારા લખેલ તા. ૦૧-નવેમ્બર-૨૦૧૭ ના પત્રે કેટલો ખોટી અને ઊંધી અસર નાખી છે, શું તમને ખબર છે? ત્યાં તો સતપંથ તરફથી મણીભાઈ મેઘજી ઊભા થયા અને કહ્યું કે ઊંઝાના ચુકાદા પછી તેઓએ પીરાણામાં મિટિંગ લીધી અને સમર્થન કરેલ હતું. પણ પ્રમુખશ્રીના તા. ૦૧-નવેમ્બર-૨૦૧૭ના પત્રના લીધે “માહોલ” બગડી ગયો. અને એના કારણે અમે આગળ વધી નથી શક્ય. બીજો પત્ર તા. ૨૧-નવેમ્બર-૨૦૧૭નો સારો છે, પણ તા. ૦૧-નવેમ્બર-૨૦૧૭નો પત્ર ખૂબજ ખરાબ છે. આવી વાત તો કરી, પણ મણીભાઈ મેઘજી એ પત્રમાં શું ખોટું લખ્યું છે તે જણાવી ન શક્યા. તેવીજ રીતે કયા મુદ્દા ઉપર માહોલ બગડ્યો, તેની પણ જાણકારી ન આપી. એટલે એવું લાગ્યું કે તેઓએ માત્ર ગોળગોળ વાતો કરીને દોષનો ટોપલો સનાતની સમાજ ઉપર નાખીને છટકી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નોંધ: સનાતનીઓના દૃષ્ટિથી અહીં બે ચાલો હતી. એક તો મુખ્ય મુદ્દાથી મિટિંગને ભટકાવી દેવાની. જેથી તેમના વિરુધનો કોઈ નિર્ણય ન આવે. અને બીજી ચાલ હતી કે સતપંથના કરતાહરતાઓ પોતાના માટે છટક બારી તૈયાર કરતા હતા. આ ચાલના દમ ઉપર સતપંથીઓ એવી ભ્રામક વાત કરી શકતા હતા કે અમે તો સમજીએ છીએ કે સતપંથ આપણા લાયક નથી. અમારા પર વિશ્વાસ રાખો અમે પણ તમારા મતના જ છીએ. અમે અંદર રહીને તમારુંજ કામ કરીએ છીએ. પણ અમારામાં અમુક કટ્ટરવાદી માથાભારે લોકો છે, જે આ વાત માનતા નથી. એટલે અમોને થોડો સમય આપો. અમે તેમની સાથે રહીને ધીરે-ધીરે તેમને તૈયાર કરીશું. આવી સમય કાઢીને મુદ્દાને ઠંડા બક્સામાં નાખી, પહેલાં જેમ ચાલતું હતું, તે પ્રમાણે સતપંથ ચલાવતા રહેવું. (વર્ષો જૂની રણનીતિ – પણ નવા રૂપમાં હાલમાં બહાર આવી)

2.12. મણીભાઈ મેઘજીની આ વાતથી જેરામભાઈના ગુસ્સાને હવા મળી. તેઓએ ભડકી જવાનો “ડોળ” કર્યો. “ડોળ” શબ્દ એટલા માટે વાપરું છું કે આગળ ખબર પડશે કે સનાતની અવાજને દબાવવા માટે તેવોએ સંપૂર્ણ મિટિંગમાં કેવા કેવા હથકંડાઓ અપનાવ્યા. જેનાથી તેમના એકતરફી વલણની નોંધ મિટિંગમાં હાજર રહેલા સર્વે લવાદ પંચો તેમજ અન્ય સભ્યોએ લીધી.

2.13. ત્યારે પત્ર બાબતે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે આનો જવાબ અમારી પાસે છે. જ્યારે અમારી સાથે તમે અલગ બેસો ત્યારે અમો તેનો જવાબ આપીશું.

2.14. જેરામભાઈ વધુ ઉગ્ર બન્યા અને કહ્યું કે તમારા પ્રમુખશ્રી સાથે ગઈ કાલે મારી વાત થઇ ચૂકી છે. પ્રમુખશ્રીએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી છે. જવાબમાં સનાતની ટીમે કહ્યું કે એ વાત માની શકાય તેમ નથી. હંસરાજભાઈએ કહ્યું કે પ્રમુખશ્રી હમણાંજ આવી જશે, તો તેમણે પૂછી લેશું કે વાત શું છે? પણ જેરામભાઈ વધુ ઉગ્ર થયા. તેમણે દબાણ પૂર્વક કહ્યું કે તમે તમારી ભૂલ કબૂલ કરો. આવું સાંભળતાંજ ચંદ્રકાંતભાઈએ કહ્યું કે પહેલાં તમારે અમારી વાત સાંભળવી જોઈએ. પછી અમારી ભૂલ હશે તો અમે કબૂલ કરીશું. આવું સાંભળતાજ જાણે જેરામભાઈના અહમ્‌ને ઠેસ પહોંચી હોય. તે વધુ ઉગ્ર થયા. તેઓએ સવાલ કર્યો કે પત્ર લખવાથી પહેલાં અમોને પૂછ્યું હતું? અમોને ડ્રાફ્ટ મોકલેલ હતો? તો પછી અમો તમારી વાત શા માટે સાંભળીએ? ચંદ્રકાંતભાઈએ કહ્યું કે તેનો જવાબ અમારા પાસે છે. ત્યારે વસંત ધોળુએ મોટાં અવાજથી કહ્યું કે અમારી વાત સાંભળ્યા વગર તમે કેમ અમોને ગુનેગાર ઠરાવો છો? વસંતભાઈને દબાવવા જેરામભાઈ પણ મોટા અવાજથી બોલ્યા કે તમારી ભૂલ છે, પ્રમુખશ્રીએ પોતાની ભૂલ કબૂલ કરેલ છે, તો તમે શા માટે ના પાડો છો? ત્યારે પ્રેમજીભાઈ કેશરાણીએ કહ્યું કે જ્યારે અમારા પ્રમુખ અહીં હાજર નથી તો પછી તમે તેમની વાત શા માટે કરો છો? આવું સાંભળીને તેમનો પિત્તો છટક્યો. ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે પહેલાં તમે અમારી વાત સાંભળો પછી જો અમારી ભૂલ હશે, તો અમે કબૂલ કરીશું. ત્યારે જેરામભાઈએ કહ્યું કે મારે તમારી વાત સાંભળવીજ નથી. એટલે ચંદ્રકાંતભાઈએ મક્કમ અવાજમાં કહ્યું કે તમારે અમારી વાત સાંભળવીજ પડશે, એ તમારી ફરજમાં આવે છે અને અમારી વાત રજૂ કરવાનો અમારો હક્ક છે.

નોંધ: આ જે ચકમક થઇ, એ હતી સનાતનીઓ ઉપર માનસિક રીતે હાવિ થઇ જવાની. પણ સનાતનીઓનું પૂર્વ તૈયારીના કારણે આ પરિસ્થિતિનો બરાબર સામનો કરી શક્યા.

2.15. જેરામભાઈના બચાવમાં, દેવજી કરસન ભાવાણીએ કહ્યું કે જુઓ પંચો સામે આ લોકો મોટેથી બોલે છે તો વિચાર કરો અમને આ લોકો કેવી રીતે બોલવા દેતા હશે. આમ કહીને વાતને અવળા રસ્તે ચડાવવાનો પ્રયત્ન કર્યો. પણ સનાતની ટીમ આ વિષે એકદમ જાગૃત હતી. સનાતની ટીમના પ્લાન્નીંગના કારણે, દેવજીભાઈની ચાલ ઓળખાઈ ગઈ. હંસરાજભાઈએ તરતજ કહ્યું કે એ વાત જુદી છે તેની ચર્ચા અત્યારે નથી કરવી. આવી રીતે મુદ્દાથી ભાકાવવાની (Diversionary Tactics) ચાલ નિષ્ફળ કરી નાખી.

2.16. ત્યારે સતપંથ તરફથી સુરેશ વકીલ ઊભા થયા અને બોલ્યા કે પ્રમુખશ્રીએ ભૂલ કબૂલ કરી છે, તો તમે કેમ તમારી ભૂલ કબૂલ કરતા નથી? તો તરતજ ચંદ્રકાંતભાઈએ તેમણે જવાબ આપ્યો કે પહેલાં અમારી વાત સાંભળવી તેમની ફરજમાં આવે છે. પહેલાં તેમણે કહો કે અમારી વાત સાંભળે. આવું સાંભળીને સુરેશ વકીલ પણ બેસી ગયા.

2.17. ત્યારે જાણે પોતાના ગુસ્સા પર કાબૂ ન હોય એવી રીતે જેરામભાઈની આંખો લાલ થઇ ગઈ હતી. ગુસ્સામાં આગ બબુલા થઇ ગયા અને કહ્યું કે ગમે તે થાય, અમે તમારી વાત નહિજ સાંભળીએ. ત્યારે પ્રહ્‌લાદભાઈ મહેસાણાવાળાએ સનાતનીઓને કહ્યું કે તમારી વાત સાંભળશું. જ્યારે આપણે અલગ બેસીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. જેરામભાઈ ત્યારે પ્રહ્‌લાદભાઈની વાત કાપીને બોલ્યા કે કોઈની વાત સાંભળવી નથી. આવું સંભાળતાજ ચંદ્રકાંતભાઈએ, મજબૂત અવાજમાં ખૂબજ મક્કમતાથી કહ્યું કે જેરામભાઈ તમારી આ વાત બરાબર નથી. તમે કેમ એક પક્ષની વાત સાંભળીને અમને ગુનેગાર ઠરાવો છો? તમારે બન્ને પક્ષોને સાંભળવા જોઈએ. પછી જેનો વાંક હોય તેને કહેવું જોઈએ. પંચે નિષ્પક્ષ રીતે વર્તન કરવું જોઈએ. તમારું આ નિષ્પક્ષ વર્તન નથી. જયંતીભાઈ કાલરીયા ચંદ્રકાંતભાઈની વાત સમજી ગયા અને નિર્ણય આપ્યો કે આપણે બધાને સાંભળશું.

2.18. જેરામભાઈના સ્વભાવના કારણે માહોલ ખૂબજ ખરાબ થઇ ગયો હતો. એટલે મણીભાઈ મમીએ કહ્યું કે આપણે બધાને સાંભળીશું. પહેલાં સતપંથના ભાઈઓને સાંભળી લઇએ. પછી સનાતની ભાઈઓને સાંભળશું. આમ કહીને અમોને વિનંતી કરવામાં આવી કે તમે થોડી વાર માટે બહાર બેસો.

 

સતપંથના ભાઈઓને પહેલાં સાંભળવામાં આવ્યા

2.19. સતપંથીઓને જ્યારે પંચો રૂમમાં સાંભળતા હતા જ્યારે રૂમની બહાર સનાતનીઓ આપસમાં ચર્ચા કરવા લાગ્યા. તા. ૦૧-નવેમ્બર-૨૦૧૭ના પત્ર ઉપર હંસરાજભાઈ, ડો શાંતિલાલ સેંઘાણી, ચંદ્રકાંતભાઈ, પ્રેમજીભાઈ અને વસંતભાઈ ચર્ચા કરવા લાગ્યા. હંસરાજભાઈએ કહ્યું કે અબજીભાઈએ આવો પત્ર લખવો નહોતો જોઈતો. જ્યારે ૬૦ દિવસમાં કેસ પાછા ખેંચી લેવાની મુદ્દત આપી હતી, ત્યારે ૬૦ દિવસ પૂરા થવા દેવા જોઈતા હતા. તેમનું મંતવ્ય હતું કે પ્રમુખશ્રીએ ઉતાવળ કરી છે. માહોલ બગડે તેવો પત્ર ન લખવો જોઈએ. ત્યારે વસંતભાઈએ ધ્યાન દોર્યું કે સતપંથી લોકો ચુકાદાનું ખોટું અર્થઘટન કરી WhatsApp (વોટ્સએપ) પર મેસેજ મૂકતા હતા, તેના સામે જેરામભાઈ કંઈ કેમ નથી બોલતા?

2.20. ત્યારે ચંદ્રકાંતભાઈએ ખુલાસો કર્યો કે સોસિયલ મીડિયામાં સતપંથી દ્વારા ચુકાદો તેમના તરફેણમાં આવ્યો છે એવી ખોટી વાતો ફેલાવતા હતા. દાખલા તરીકે એવો ખોટો મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે સતપંથ હિંદુ ધર્મ છે એવું ઉમિયા માતાજીએ સ્વીકારી લીધું છે. આવા ખોટા મેસેજથી સનાતનીઓ ગેર માર્ગે ન દોરાઈ જાય, તે માટે ખુલાસો કરવા હેતુથી પ્રમુખશ્રી અબજીભાઈએ આ પત્ર લખેલ હતો.

2.21. વસંતભાઈને વધુ એક દાખલો આપતા જણાવ્યું કે નખત્રાણના ખાના (નિષ્કલંકી મંદિર)માં સતપંથીઓની બેઠક થઇ, જેમાં સતપંથ ધર્મને ગમે તે ભોગે ટકાવી રાખવાની રજૂઆતો થઇ છે. એ વાતની ઓડીઓ રેકોર્ડીંગ ફોનમાં શોધીને તૈયાર કરી રાખવી જોઈએ, જેથી અંદર મિટિંગમાં સંભળાવી શકાય.

2.22. પ્રેમજીભાઈએ પોતાના ફોનના વોટ્સએપમાં બતાવ્યું કે તેઓએ સતપંથીઓ દ્વારા મોકલેલ બધાજ ગેર માર્ગે દોરનારા મેસેજસને તેઓએ ઊંઝાના આગેવાનો અને ખાસ દિલીપભાઈને મોકલી આપેલ છે.

2.23. ત્યારે ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે તેઓએ પણ આ બધાજ મેસેજ દિલીપભાઈ અને અન્ય ઊંઝાના આગેવાનોને મોકલેલ હતા. અને દિલીપભાઈ, મણીભાઈ મમી, વિક્રમ દાદા, સુરેશ એન્જિનિયર વગેરેને ફોન કરીને વિનંતી કરેલ હતી કે સોસીઅલ મીડિયા પર થતા અપ-પ્રચાર સામે ઉમિયા માતાજી યોગ્ય ખુલાસો કરે. તેના જવાબમાં દિલીપભાઈએ કહેલ હતું કે સતપંથીઓને આપણે રોકી શકતા નથી. તો તમે તમારા રીતે ખુલાસો કરી લોકોને સાચી વાત સમજાવો.

2.24. આવી વાતો થઇ એટલે સર્વે લોકોને હિંમત આવી કે પ્રમુખસાહેબે સાવ ખોટું તો નથી કર્યું.

2.25. ત્યારે ત્યાં પ્રમુખશ્રી અબજીભાઈ, હિંમતભાઈ ખેતાણી, જયંતીભાઈ રામાણી (લાકડાવાલા), CA હરસુખભાઈ રામાણી અને ભગવાનભાઈ રવાણી આવી પહોંચ્યા.

2.26. અમે લોકો સોલા કેમ્પસની ઑફિસમાં બેઠા અને જેરામભાઈ સાથે થયેલ આક્રમક ચકમકની વાત બધાની વચ્ચે કરી. ત્યારે અબજીભાઈએ કહ્યું કે જેરામભાઈ પાસે મેં કોઈ ભૂલ કબૂલ કરેલ નથી. જેરામભાઈને એ વાત તદ્દન ખોટી છે. જેરામભાઈએ અબજીભાઈ સાથે પત્રની વાત કરેલ, પણ અબજીભાઈએ પૂછેલ કે તે પત્રમાં ખોટું શું લખ્યું છે તે જણાવો? પણ જેરામભાઈ પાસે એનો કોઈ જવાબ નહોતો. આ વાત સાંભળીને હંસરાજભાઈએ એ પત્રની કોપી મંગાવી કે હું પણ વાંચું કે પત્રમાં શું છે?

2.27. પત્ર વાંચીને હંસરાજભાઈ બોલ્યા કે પત્રમાં તો કંઈ ખોટું છેજ નહિ. ઊલટું પત્રના અંતમાં કલ્હ્યું છે કે સતપંથના ભાઈઓને પૂરા સન્માન પૂર્વક સનાતન સમાજમાં સ્વીકારો. માટે આ મુદ્દા ઉપર જેરામભાઈ ખોટા છે.

2.28. ત્યાર બાદ વાત નીકળી CA બી. કે પટેલ (ભાઈલાલભાઈ કે પટેલ) અને સુરેશ વકીલના નામો ઉપરની. આ બન્ને ભાઈ મૂળ ૧૧ સભ્યોની સમિતિમાંથી નથી. તો તેમણે કેમ હાલની ૫ (પાંચ) સભ્યોની સમિતમાં લીધા છે? તેનો વિરોધ કરવો અને તેમનું નામ રદ્દ કરાવવું એવું નક્કી થયું.

2.29. તેવીજ રીતે સતપંથ તરફથી ૫ સભ્યોની જગ્યા એક વધારાના સભ્યો કેમ આવવા દીધા છે? ચંદુભાઈ, સતપંથના મહામંત્રી પણ આવેલ હતા. એટલે તેનો પણ વિરોધ કરવો એવું નક્કી થયું.

2.30. બીજી બાજુ વાત બગડે નહિ, તે માટે આપણે ફક્ત એટલી રજૂઆત કરવી કે સનાતન સમાજ અને સતપંથ સમાજ શું કરે તેની યાદી આપો, જેથી કરીને માત્ર મુદ્દા ઉપર ચર્ચા કેન્દ્રિત રહે.

2.31. સતપંથી ભાઈઓ સાથે પંચોની શું વાત થઇ એ પ્રત્યક્ષ રીતે અમોને જાણ નથી, એટલે એના પર અહીં કઈ વિશેષ કહીં ન શકાય, પણ સનાતનીઓ સાથે વાતચીતમાં જે જાણ પંચો દ્વારા કરવામાં તે સામેલ છે.

સનાતનના ભાઈઓને સાંભળવામાં આવ્યા

2.32. હવે સનાતનીઓની વાત સાંભળવાનો વારો હતો. શરૂઆતમાં જેરામભાઈ બોલ્યા કે સમિતિના ૫ સભ્યો સિવાય માત્ર પ્રમુખને બોલવામાં આવ્યા હતા, તો પછી પ્રમુખ સિવાય બાકી બધા બહાર જાય. તો તરતજ તેના વિરોધમાં સનાતનીઓએ કહ્યું કે આ નિયમ માત્ર અમારા માટે કેમ? જ્યારે સતપંથના વધારાના સભ્યો હતા, ત્યારે કેમ ચલાવી લીધું? તો પછી અમારા સામે આ ભેદભાવ શા માટે? ત્યાં ખુલાસો કરવામાં આવ્યો કે સતપંથ તરફથી ૬ (છ) જાણ આવ્યા હતા. એટલે અંતે એવું નક્કી થયું કે આવતી મિટિંગથી માત્ર સમિતિના સભ્યોજ હાજર રહે, બીજું કોઈ નહીં.

2.33. ત્યાર બાદ તરતજ પ્રેમજીભાઈએ સતપંથ તરફથી CA ભાઈલાલ પટેલ અને સુરેશ વકીલના નામોને કેમ ચલાવી લેવામાં આવ્યા, જ્યારે તેઓ મૂળ ૧૧ જણાની સતપંથની સમિતિમાં નહોતા? જો સતપંથવાળાઓ વકીલ લાવતા હોય, તો અમારા પાસે પણ વકીલો છે. તો અમો પણ શું વકીલો મોકલીએ? મારો ૨૩ વર્ષનો જુવાન દીકરો છે, તેને મગજનું કેન્સર (Brain Cancer) જેવી ભયાનક બીમારી છે, એવી કપરી પરિસ્થિતિ હોવા છતાં હું માતાજીની ગરિમા અને આદેશને માન આપવા આવ્યો છું.

હંસરાજભાઈએ જણાવ્યું કે અગાઉ વાત થયા પ્રમાણે મૂળ ૧૧ ની સમિતિમાંથીજ ૫ (પાંચ) જણને આ અમલીકરણ સમિતિમાં લેવું એ નિર્ણય પાછળનો હેતુ હતો કે આથી અગાઉ શું કાર્યવાહી થઇ છે તેની જણ હોય તો અમલીકરણ સહેલું થાય. તો તે પ્રમાણે આ લોકોએ મૂળ ૧૧ જણની સમિતિમાં નહોતા. તો તેઓ અહીં ન હોવા જોઈએ. માટે યાદી તપાસતાં જણાયું કે આ બન્ને જણના નામો મૂળ ૧૧ જણની સમિતિમાં નથી. અંતે એવો નિર્ણય કરવામાં આયો કે આ લોકોના નામો રદ્દ કરવા અને મૂળ ૧૧ જણની સમિતિમાંથીજ નામ લેવાં. જે આવતી મિટિંગથી અમલમાં આવશે.

2.34. જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે સતપંથ તરફથી એવી રજૂઆત આવી છે કે સતપંથમાં ૧૦ લાખ લોકો છે, અમો તો માત્ર ૩૫ હજાર જેટલા છીએ (હકીકતમાં આ આંકડો પણ ખોટો છે. હાલમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથીઓની સંખ્યા અંદાજે ૧૨-૧૫ હજાર જેટલી છે). એટલે અમે બધાને માનવી નહિ શકીએ. માટે કંઈ રસ્તો કાઢો. (મતલબ કે છૂટછાટ આપો જેથી પોતાનું ઇસ્લામ સાથેનું સંબંધ ટકાવી શકે). આના જવાબમાં પંચોએ સતપંથીઓને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે પીરાણામાં અન્ય જ્ઞાતિના લોકો સાથે તેમને કોઈ સંબંધ નથી. આ ચુકાદો માત્ર કડવા પાટીદારો માટે છે. એટલે બાકીના ૯.૬૫ લાખ જેટલા લોકો પીરાણા જતા હોય તો ભલે જાય. તેમને જે કરવું હોય તે કરે. તેની વાત નથી. અહીં આપના કડવા પાટીદાર સનાતન ધર્મમાં કેવી રીતે પાછા ફરે તેની વાત કરો.

નોંધ: ચુકાદાને ઢીલો પાડવાની ચાલ નિષ્ફળ થઇ.

2.35. સનાતનીઓના મુદ્દાઓની રજૂઆતની શરૂઆત કરતાં શ્રી હંસરાજભાઈ ધોળુએ કહ્યું કે પહેલાં સેશનમાં જેરામભાઈ ગુસ્સે થઇ ગયા હતા. આપણે શાંતિથી ચર્ચા કરવી જોઈ. મેં મારી ટીમને સૂચન આપેલ છે કે આપણે સર્વે શાંતિથી ચર્ચાઓ કરીએ અને આગળ વધીએ.

2.36. શરૂઆતમાંજ જેરામભાઈ દ્વારા ઊભો કરેલ મુદ્દા ઉપર વાત ચાલી કે પ્રમુખશ્રી અબજીભાઈ દ્વારા બહાર પડેલ તા. ૦૧-નવેમ્બર-૨૦૧૭ના પત્રના કારણે સતપંથ સમાજમાં ચુકાદા અંગે માહોલ બગડ્યો છે. મૂળમાં જે તદ્દન ખોટો આક્ષેપ હતો એ વાત ઉપર ચર્ચા ચાલી. પ્રમુખશ્રી અબજીભાઈએ ખુલાસો કર્યો કે સતપંથ તરફથી સોસિયલ મીડિયા ઉપર ચલાવેલ ગેર-માર્ગે દોરતા અને થતા અપ-પ્રચારથી સમાજમાં અને સમાજની વિવિધ ઝોનમાં ખોટી અસર પડતી હતી. એટલે આ પત્ર લખવાની ફરજ પડેલ છે. જેરામભાઈ સામે મેં મારી ભૂલ કબૂલ કરી હોય તેવી વાતજ નથી. કારણને કોઈ ભૂલજ નથી. પત્રમાં ઉમિયા માતાજીના ચુકાદા બહારની કોઈ વાત નથી લખી. આ પત્રમાં ખોટું શું લખાયું છે એ જેરામભાઈ મને બતાવી નથી શક્યા.

2.37. ત્યારે વસંતભાઈએ સતપંથ તરફથી બહાર પાડેલ વોટ્સએપ પરના મેસેજ બતાવ્યો જેમાં “સતપંથ હિંદુ ધર્મ છે તેવું ઉમિયા માતાજી ઊંઝાએ સ્વીકારી લીધેલ છે” લખેલ છે. પ્રેમજીભાઈ કેશરાણીએ નખત્રાણાના ખાનામાં (જેણે સતપંથવાળા નિષ્કલંકી મંદિર કહે છે), તેમાં થયેલ સભામાં કરવામાં આવેલ ભાષણની ઓડીઓ રેકોર્ડીંગ ફોનમાં સંભળાવી. અને ધ્યાન દોર્યું કે આ મિટિંગમાં પ્રેમદાસ બાપુ, જે સતપંથ તરફથી ઊંઝામાં ચુકાદો સ્વીકારવા આવેલ હતા અને પોતાનું પ્રતિભાવ આપતા વક્તવ્યમાં ચુકાદાનું પાલન કરવાની બાંહેધરી આપેલ હતી, એજ માણસ નખત્રાણામાં પોતાના ભાષાણમાં સતપંથીઓને આવાહન કરે છે કે ગમે તેમ કરીને સતપંથ ધર્મને ટકાવી રાખવાની ફરજ આપણા સર્વેની છે.

2.38. ત્યાર બાદ ચંદ્રકાંતભાઈ છાભૈયાએ એવી રજૂઆત કરી કે જેમ-જેમ સતપંથ તરફી લોકો દ્વારા સોસિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતા મેસેજો આવતા હતા, તેમ-તેમ અમો એ મેસેજને દિલીપભાઈ નેતાજી, સુરેશભાઈ એન્જિનિયર, વસંત ચોકસી, નારાયણ લાલુ વગેરેને મોકલતા હતા. દિલીપભાઈને ખાસ ફોન ઉપર વિનંતી કરેલ હતી કે આપ આ ખોટા મેસેજોના કારણે લોકો ગેરમાર્ગે ન દોરાય એ માટે ઊંઝા સંસ્થા વતીથી જાહેર ખુલાસો બહાર પાડો. પણ દિલીપભાઈએ જવાબમાં એમ કહ્યું કે ઉમિયા માતાજીએ ચુકાદો આપી દીધો છે. સતપંથના લોકો જે ખોટું લખે છે તેનો ખુલાસો આપ આપના હિસાબે આપી દો. ચંદ્રકાંતભાઈની વાતને સુરેશભાઈ એન્જિનિયરએ ટેકો આપ્યો. જયંતીભાઈ કાલરીયાએ પૂછ્યું કે શું દિલીપભાઈએ આ પત્ર લખાવ્યો હતો? તો તેના જવાબમાં ખુલાસો કર્યો કે દિલીપભાઈએ પત્ર નહોતો લખાવ્યો. પણ દિલીપભાઈએ સતપંથના ગેરમાર્ગે દોરતા પ્રચાર સામે સનાતનીઓને પોતાના હિસાબે ખુલાસો કરવાનું કહેલ હતું. એટલે એ પત્ર બનાવ્યો અને તેની કોપી દિલીપભાઈને વોટ્સઅપ પર તરતજ મોકલી આપેલ હતી. ત્યાર બાદ જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે સોસિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ ફરતા હોય, તો તેના સામે ખુલાસો એજ કરી શકે કે જે નિર્ણય આપનાર હોય. બીજા ન કરી શકે. માટે દિલીપભાઈને સૂચન કર્યું કે આ અંગે હવે પછી ધ્યાન રાખવામાં આવે. અને સનાતનીઓને કહ્યું કે આવું ભવિષ્યમાં થાય તો તેમના ધ્યાને વાત લાવવા વિનંતી કરેલ.

2.39. બીજી બાજુ જયંતીભાઈ લાકડાવાળાએ એમ કહ્યું કે પત્રમાં ખોટું શું છે, તે તપાસોને? કંઈજ ખોટું નથી. બલકે સતપંથીઓને આવકાર આપેલ છે. આવા મેસેજથી સમાજમાં ઘણો સારો માહોલ થયો છે. જયંતીભાઈની આ રજૂઆતનો કોઈએ વિરોધ ન કર્યો એટલે વાત ત્યાં પૂરી થઇ.

નોંધ: જેથી પુરવાર થયું કે સતપંથી તરફી લોકોએ ચુકાદાના પાલનથી બચવા માટે અને મૂળ મુદ્દાથી વાતને ભટકાવવા માટે ખોટો હોબાળો કર્યો હતો.

2.40. આ રીતે મુખ્ય મુદ્દાથી મિટિંગને ભટકાવવાની મુખ્ય ચાલ નિષ્ફળ થઇ. કારણ કે હવે સાબિત થયું કે આ મુદ્દો ઉપાડતી વખતે જૂઠનો સહારો લેવામાં આવેલ હતો. જુઠ એ હતું કે પ્રમુખશ્રીએ ભૂલ સ્વીકારી લીધેલ છે. આવી વાત કરી સનાતનીઓને બેકફૂટ (દબાણ)માં મૂકવાની કોશિશ હોય, એવું દેખાતું હતું. આખા પ્રકરણમાં સોસિયલ મીડિયા ઉપર ભ્રામક મેસેજ મૂકવાનો વાંક તો સતપંથીઓનો જ નીકળ્યો. સનાતનીઓનો ક્યાંય વાંક દેખાયો નહીં.

2.41. ત્યાર બાદ હંસરાજભાઈએ જણાવ્યું કે આપના સૂચન પ્રમાણે મેં વાંઢાય ખાતે પાટીદારઓનું સંમેલન બોલાવેલ હતું. તેવીજ રીતે પંચોના આદેશ પ્રમાણે સનાતનીઓએ ચુકાદાનો સમાજના તમામ સમાચાર પત્રિકાઓમાં બહોળો પ્રચાર કરેલ છે. તો હવે અમારે વધારાનું શું કામ કરવું તે આપ જણાવશો?

2.42. ત્યારે વસંતભાઈ ધોળુએ ધ્યાન દોર્યું કે પંચનો આદેશ હોવા છતાં, સતપંથ તરફથી આ ચુકાદાનો કોઈ પણ પ્રકારે સકારાત્મક પ્રચાર કરવામાં આવેલ નથી. ચુકાદા પછી, આજ સુધી, સતપંથ સમાજની સમાચાર પત્રિકા એટલે સતપંથ પ્રકાશના બહાર પડેલ ત્રણએ અંકોમાં, ચુકાદાના પાલન વિષે કોઈ પણ સમાચાર છાપવામાં આવેલ નથી. જેની ગંભીર નોંધ સર્વેએ લીધી.

2.43. પ્રેમજીભાઈએ જણાવ્યું કે ચુકાદા આવ્યા બાદ થોડા દિવસોમાંજ સતપંથ તરફથી ૧૧ લોકોમાંના શ્રી મણીભાઈ શામજી પટેલ વડાગામવાળા, કે જેમણે ચુકાદાનું પાલન કરવાનું વચન આપેલ હતું, તેણે તેમના પરિજનના દેહાંત પછી તેમણે દેશલપર (વાંઢાય) માં આવેલ સતપંથીઓની દાદા-દાદી વાડીમાં દફનાવ્યા હતા. જે હિંદુ શાસ્ત્ર પ્રમાણે નથી. ત્યારે જેરામભાઈ સતપંથના બચાવમાં કહ્યું કે આપણે દફનાવવામાં કોઈ રોક નથી લગાડી. ત્યારે તરતજ બધા બોલ્યા કે હિંદુ શાસ્ત્રો અને હિંદુ રીતરિવાજ પાળવા એવું ચોખ્ખે ચોખ્ખું આદેશમાં જણાવેલ છે. માટે દફનાવવું એ યોગ્ય નથી. ત્યારે જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે વાત સાચી છે, પણ વિનંતી કરી કે એકદમ ઝડપથી આદેશનો અમલીકરણ થાય તેવો આગ્રહ ન રાખીએ. ધીરે-ધીરે આ લોકોને હિંદુ સમાજમાં ભેળવશું.

2.44. ત્યાર બાદ જેરામભાઈ કહ્યું કે સમાજમાં સતપંથની સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલે છે. સતપંથના ભાઈઓ ૧૫ વખત તેમને મળેલ છે. જેરામભાઈ જ્યાં-જ્યાં ગયા, ત્યાં લોકો સતપંથની સમસ્યાનું નિવારણ લાવવા માટે રજૂઆત કરતા હોય છે. માત્ર મોરબીમાં નહિ, પણ ઘણી જગ્યાના લોકો આવી વાતો કરે છે. તેમણે એક દાખલો આપ્યો નાસિકનો. ત્યાં કોઈ કાર્યક્રમ પછી અમુક મહિલાઓ, જેમાં સનાતન સમાજની મહિલાઓ પણ હતી, (જે ગળે ઉતરે એવી વાત નથી, કારણ કે નાસિકની સનાતન સમાજ મજબૂત છે. સતપંથના કાર્યક્રમમાં સનાતની મહિલાઓ જાય નહિ) તેમની સતપંથ અંગે રજૂઆત કરેલ હતી. જેરામભાઈએ જણાવ્યું કે આ સમસ્યા વિકટ છે. માટે ધીરે-ધીરે આનો ઉકેલ આવશે. સતપંથીઓ સાથે નજીક આવશું તો બધુજ સારું થશે. કેશરા પરમેશ્વરાના સમય કાળને આજે લગભગ ૨૫૦ વર્ષ થયા છે. ધીરે ધીરે તમે શૂન્યમાંથી ૯૦% થી પણ વધારે થઇ ગયા છો. તો પછી ચિંતા ન કરો સતપંથમાં બાકી રહી ગયેલ પણ આવી જશે.

2.45. વાત આગળ વધારવા માટે હંસરાજભાઈ ધોળુએ કહ્યું કે અમારે શું કરવાનું છે તે કહો. લિસ્ટ બનાવી આપો તો અમે આગળ વધીએ. તેવીજ રીતે સતપંથીઓને લિસ્ટ બનાવી આપો, જેના પ્રમાણે એ લોકો આગળ વધે.

2.46. આના જવાબમાં જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ (Stepbystep) એટલે તબક્કા વાર કામ કરીએ. તેમને કહ્યું કે સતપંથીઓએ જણાવેલ છે કે તેમના દ્વારા કેન્દ્રીય સમાજ (અ.ભા.ક.ક.પા. સમાજ) ઉપર કરેલ હાલ ચાર (૪) કેસ કોર્ટમાં ચાલુ છે. માંડવી હોસ્ટેલ કાંડમાં તેમનો કોઈ હાથ નથી. વધારામાં તેઓએ એવું કહ્યું કે માંડવી હોસ્ટેલનું નામ બદલી કરતા હતા એટલે અમુક લોકોએ કેસ કરેલ છે. ત્યારે અબજીભાઈએ ચોખવટ કરી કે નામ બદલવાની કોઈ વાતજ નથી. હંસરાજભાઈએ કહ્યું કે હોસ્ટેલ મારા દાદાના નામે છે. અને કેન્દ્રીય સમાજે આ વિવાદ ઉકેલવા માટે એક પંચ નીમ્યો છે. જેનો હું અધ્યક્ષ છું. માંડવી હોસ્ટેલ કાંડમાં સીધી રીતે તેઓ ભલે નથી પણ કૌભાંડીઓ પાછળ સંપૂર્ણ હાથ તેમનો જ છે. આ વાતનું અનુમોદન જયંતીભાઈ લાકડાવાળા અને પ્રેમજીભાઈ કેશરાણીએ કર્યું.

2.47. ત્યાર બાદ જયંતીભાઈ કાલરીયાએ પૂછ્યું કે આના સિવાય કોઈ બીજા કેસો છે? તો તેના જવાબમાં પ્રમુખશ્રીએ કહ્યું કે વ્યક્તિગત કેસો છે. ચંદ્રકાંતભાઈએ કહ્યું કે ઘટક સમાજોમાં એટલે ગામડાઓમાં ઘણા કેસો છે. ડો. શાંતિલાલ સેંઘાણીએ પણ આ વાતનું અનુમોદન કર્યું. ત્યારે જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે આપણે તબક્કા વાર આગળ વધીએ. પહેલાં કેન્દ્રીય સમાજ ઉપર જે કેસો છે, તેને પાછા ખેંચાવડાવી લઈએ. જેરામભાઈએ કહ્યું કે પહેલાં કેન્દ્રીય સમાજ ઉપરના કેસો પાછા ખેચાઇ જાય એટલે ધીરે-ધીરે વ્યક્તિગત અને અન્ય સંસ્થાઓમાં થયેલ કેસો પણ પાછા ખેંચાવડાવી લઈએ.

2.48. જયંતીભાઈ કાલરીયાએ પૂછ્યું કે તમારા પ્રમાણે કેટલા કેસો છે? તેની જાણકારી અમોને આપશો. હંસરાજભાઈએ પ્રસ્તાવ મુક્યો કે આપણે ૧૫ દિવસનું ટાઇમ આપીએ અને બધા કેસના પેપર્સ ભેગા કરી લઈએ. અમોએ દરેક સમાજોમાં પત્ર લખી સતપંથ પ્રેરિત કેસોની વિગતો માંગેલ છે. માટે વિગતો આવવામાં થોડો સમય લાગશે. જયંતીભાઈએ આ વાત સ્વીકારી લીધી અને કહ્યું કે કેન્દ્રીય સમાજસામે કરેલ કેસોના પેપર્સ મને મોકલી આપો. જેથી હું તેનો અભ્યાસ કરી કેસ કેવી રીતે પાછા ખેંચવા તેના પર નિર્ણય કરી શકું. (પોતે જયંતીભાઈ કાલરીયા વકીલ છે).

2.49. ત્યાર બાદ જયંતીભાઈ કાલરીયાએ વધુ ખુલાસો કર્યો કે આપણે તબક્કા વાર કામ આગળ વધારીએ. કેન્દ્રીય સમાજ ઉપર કેસો પાછા ખેચાવડાવીએ અને સમાજમાં સતપંથીઓનું સભ્ય પદ જે રદ્દ થયેલ છે તેને પાછું પ્રસ્થાપિત કરીએ. સતપંથીઓની માંગ છે કે તેઓને કેન્દ્રીય સમાજમાં હોદ્દાઓ મળવા જોઈએ.

નોંધ: ક્રિકેટની ભાષામાં કહીએ તો આ હતી સતપંથની ગુગલી. આને ગાજર અને લાકડી વાળી પોલીસી પણ કહી શકાય. એક બાજુ કોર્ટ કેસ પાછા ખેંચવાની લાલચ આપે, જેથી કરીને આપણે લાલચમાં આંધળા થઇ જઈએ તો બીજી બાજુ સતપંથીઓ સનાતન સમાજમાં ઘૂસી જાય. સનાતનીઓ ભરોસામાં રહે કે આજ નહિ તો કાલે સતપંથવાળા સુધરી જશે, પણ અંતે એવું ન થાય. અમુક વર્ષો પછી સતપંથવાળા પોતાનો પગ એટલો મજબૂત કરી નાખે કે સનાતનીઓને પોતાનીજ સંસ્થાથી દૂર થવું પડે, અથવા સતપંથનો સ્વીકાર કરવો પડે. સતપંથ અને સનાતનમાં આપસમાં એટલા લગ્ન સંબંધો જોડાઈ જાય, કે પછી સતપંથીઓને સમાજમાંથી કાઢવા અશક્ય બને. કોઈ કોશિશ કરે એટલે તેને દબાવવા ખોટા કોર્ટ અને પોલીસ કેસો કરવામાં આવે. સનાતની સમાજનો અનુભવ અને ઈતિહાસ કહે છે કે સતપંથ છોડ્યા વગર અગર તેમને સનાતન સમાજના સભ્ય બનાવી નાખ્યા તો એ લોકો પછી ક્યારે સતપંથ સમાજ છોડતા નથી. બન્ને સમાજોમાં સભ્ય તરીકે રહે છે. સનાતની સમાજના કારણે તેમને હિંદુ ઓળખ મળે છે અને સતપંથનું અસ્તિત્વ ટકાવી રાખે છે. સનાતન સમાજના ભોગે સતપંથ સમાજને મજબૂત કરતા જાય. સતપંથવાળા સનાતન સમાજના સભ્ય બની જાય એટલે સનાતન સમાજમાં ધીરે ધીરે સતપંથ ધર્મનો અધિકારિત રીતે પ્રચાર પ્રસાર કરવા લાગે. પરિણામે જે સતપંથ ધર્મ લુપ્ત થઇને નષ્ટ થવાની અણીએ પહોંચ્યો છે એ પાછો ફળતો ફૂલતો થાય.

2.50. આના જવાબમાં ચંદ્રકાંતભાઈએ કહ્યું કે સતપંથીઓને અમો હમેશાં સ્વીકારતા આવ્યા છીએ. પણ સતપંથ સંપૂર્ણ રીતે છોડીને આવે તો. અહીં હંસરાજભાઈ બેઠા છે, જે એક સમયે સતપંથી હતા. જયંતીભાઈ લાકડાવાળા બેઠા છે, એ પણ સતપંથી હતા. પણ તેમને સતપંથ છોડીને ખુલ્લા મનથી સનાતન ધર્મનો સ્વીકાર્ય કર્યો છે. હંસરાજભાઈ આજે વાંઢાય ઉમિયા માતાજીના પ્રમુખ પદ જેવો ખૂબજ મોટો હોદ્દો સંભાળે છે. જયંતીભાઈ લાકડાવાલા યુવાસંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. જેની જેવી લાયકાત હોય, તે પ્રમાણે તેમને હોદ્દો મળે છે. આમે સતપંથીઓને પૂરા માન સન્માનથી સ્વીકારીએ છીએ.

2.51. ત્યારે વસંત ધોળુએ હાલના ચુકાદા આવ્યા પછી જે સતપંથી લોકો સનાતનમાં આવેલ હતા, તેનો ફોટો બતાવી જાણકારી આપી. નખત્રાણાની બોર્ડીંગમાં સમાજના અગ્રણીઓ વચ્ચે સંપૂર્ણ માન સન્માન ભેર સતપંથીઓને અમો સ્વીકારેલ છે. એટલે અમોને સતપંથીઓને સ્વીકારવાનું સૂચન આપવાની જરૂર નથી. કારણ કે અમો આવું કરતાજ આવ્યા છીએ અને કરતા રહીશું. પણ શરત એટલીજ કે સતપંથને સદાય માટે છોડીને આવે તો.

2.52. જયંતીભાઈ કાલરીયાએ વાતની નોંધ લીધી અને કહ્યું કે કોર્ટ કેસ પાછા ખેંચાવીએ અને તેવીજ રીતે ધીરે ધીરે સતપંથીઓ સાથે લગ્ન સંબંધો કે જેના પર રોક છે, તેને પાછા શરુ કરીએ. એવી રીતે વ્યક્તિગત કેસો કે અન્ય સંસ્થાઓ ઉપર થયેલ કેસોને પાછા ખેંચાવડાવીએ.

2.53. વ્યક્તિગત લગ્ન સંબંધો એટલે કે બેટી વ્યવહાર શરુ કરવાનું સાંભળી સનાતની ટીમ ચોંકી ગઈ. સનાતનીઓ માટે આ સતપંથવાળાની ચાલ હતી. એક વખત યેન કેન પ્રકારે બેટી વ્યવહાર ચાલુ થઇ જાય, તો તેમનું ગાડું ચાલવા લાગે. સનાતનીઓનો અનુભવ છે કે સતપંથનું એક વખત કામ પૂરું થઇ જશે તો એ લોકો કોઈને ઓળખશે પણ નહિ. આ વાત સનાતનીઓ માટે ઘાતક છે. જયંતીભાઈ કાલરીયાના આ વિચારને અહીંજ રોકવાની જરૂર હતી.

2.54. માટે ચંદ્રકાંતભાઈ પોતાની જગ્યાપર ઊભા થઇ ગયા. અને મજબૂત રજૂઆત કરવાનું શરુ કર્યું. શરૂઆત કરી કેસરા પરમેશ્વરાથી. કહ્યું કે કેસરા પરમેશ્વરાએ ભલે સુધારાની શરૂઆત કરી હતી, પણ માત્ર થોડાજ એટલે ૫-૭ ગામો સિવાય તેમને કંઈ વિશેષ સફળતા મળેલ નહોતી. જ્ઞાતિ ઉપર સતપંથની પકડ કેશરા બાપા તોડી શક્યા નહોતા. ત્યાર બાદ લગભગ આજથી ૧૦૦ વર્ષ પહેલાં નારાયણ રામજી લીંબાણીએ લોકોને જાગૃત કર્યા. નારાયણ રામજી લીંબાણીએ એક પુસ્તક લખ્યું “પીરાણા સતપંથની પોલ”. જેનાથી દુનિયાની સામે સતપંથની છૂપી ઓળખ ખુલ્લી થઇ. તેમજ સતપંથની છૂપી ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓ ખુલ્લી કરી. સતપંથ ઉપર પહેલી વાર પદ્ધતિ સર સંશોધન કરનાર રસિયાના વ્લાદમીર ઈવાનોવએ આ વાતનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં કરેલ છે. તેઓએ જણાવેલ છે કે સતપંથનું સંપૂર્ણ છુપાયેલું સત્ય દુનિયા સામે ખુલ્લું કરનાર અગર પહેલું પુસ્તક કોઈ હોય તો એ પીરાણા સતપંથની પોલ છે. એ પુસ્તક વાંચશો તો તમને ખબર પડશે કે કેવી રીતે અમારા વડીલોને સતપંથના પ્રચારકોએ હિંદુ ધર્મના નામે બેવકૂફ બનાવેલ છે. પણ ત્યાર બાદ નારાયણ રામજી લીંબાણીને પણ સફળતા ન મળી. કારણકે જે-જે ભાઈઓ સતપંથને ત્યાગતા, તેમને સતપંથીઓ જ્ઞાત બહાર તરતજ મૂકી દેતા. તેમનું અને તેમના પરિવારનું જીવન એટલું કઠણ કરી દેવામાં આવતું કે ગામના કૂવાઓમાંથી પાણી પણ ભરી ન શકતા. શરૂઆતના સનાતનીઓએ ગાડાંઓ નીચે રહીને દિવસો કાઢ્યા છે. પરિવાર અને સગાસંબંધીઓને પણ એટલો ત્રાસ આપવામાં આવતો કે સનાતની બનેલો માણસ છેલ્લે કંટાળીને સતપંથમાં પાછો ચાલ્યો જાય. આવી પરિસ્થિતિમાં વડીલ રતનશી ખીમજી ખેતાણી અને સંત શ્રી ઓધવરામ મહારાજ આવ્યા અને આજના સનાતન સમાજને ઊભો કર્યો છે. સતપંથના પ્રહારો સામે ટકી રહેવાનો યુક્તિ પૂર્વકનો સાચો રસ્તો બતાવ્યો. રતનશી બાપા એજ છે, જે અહીં બેઠેલા હિંમતભાઈના પિતાજી છે. સંત ઓધવરામ મહારાજ અને રતનશીબાપાની ટીમે સંપૂર્ણ જ્ઞાતિને સનાતની બનાવી. તેમને વાંઢાય ખાતેનું ઉમિયા માતાજીનું કચ્છનું પહેલું મંદિર બનાવ્યું. ગામો ગામ લક્ષ્મીનારાયણ મંદિર બંધાવ્યા. લોકોએ સતપંથના ખાનાઓને લક્ષ્મીનારાયણ મંદિરમાં ફેરવી નાખ્યા. વર્ષ ૧૯૩૭-૩૮માં હાલની કેન્દ્રીય સમાજની રચના કરી. સનાતનીઓની આ પહેલો સમાજ હતો. એ સમયમાં પણ પદ્ધતિ સર બંધારણ પ્રમાણે સમાજ ઊભો કરેલ અને એ પ્રમાણે ચલવવામાં આવતી હતી. આ સમાજને વર્ષ ૧૯૬૦માં કાયદા પ્રમાણે રજિસ્ટર કરવામાં આવી. એક સમયે સતપંથ ધર્મ નામક, મુસલમાન ધર્મમાં ફસાયેલા લોકો દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને હિત રક્ષણ માટે મહા પરિશ્રમે સનાતન સમાજ ઊભો કરેલ છે, તેની કદર કરવી જોઈએ.

2.55. આવા ભગીરથ કામોના કારણે સતપંથનો મોટો પ્રવાહ સનાતન સમાજમાં ભળતો ગયો. અમારો સમાજ ખૂબ મજબૂત થતો ગયો. સતપંથની સંખ્યા દિવસે દિવસ ઘટતી ગઈ. પીરાણાની સંસ્થા ઉપર દેવું થઇ ગયું. અમારી જ્ઞાતિમાં કોઈ પીરાણા જવા તૈયાર નહોતું. આવું લગભગ ૧૯૮૫ સુધી ચાલ્યું. ત્યારે કરસન કાકા ગાદી પર આવ્યા. અને ઇસ્લામી તાકિયાના પ્રયોગથી સતપંથનું બાહ્ય હિંદુ કરણ કર્યું.

2.56. ૧૯૮૫માં પીરાણા સતપંથના ગાદીપતિ જેણે બંધારણ પ્રમાણે કાકા કહેવામાં આવે છે, એ હતા શ્રી શવજી કાકા. જે પ્રેમજીભાઈ કેશરાણીના ગામ નાના-અંગિયાના હતા. પ્રેમજીભાઈ સામે હાથથી ઈશારો કરીને કહ્યું. તે સમય સતપંથના ધર્મ ગુરુ સૈય્યદ શમશુદ્દીન અહમદ અલી ખાકી હતા. આજે પણ સતપંથના ધર્મ ગુરુ સૈય્યદ સમાજથીજ છે. આજે શામ્શુદ્ધીનના દીકરા સલ્લાહુદ્દીન ખાકી તેમના ધર્મ ગુરુ છે. પણ છેલ્લા અમુક દાયકાઓથી આ વાત જાહેરમાં કહેવામાં આવતી નથી. તેમની રજા વગર પીરાણામાં કંઈ ન થાય. શમશુદ્દીન ખાકીની દસોન્દની આવક ઓછી થઇ હોવાના કારણે ૧૯૮૫ની આસપાસ તેમને પીરાણામાં એક બેઠક બોલાવી.

2.57. આ અંગેની બેઠકમાં શવજી કાકાએ કહ્યું કે અમારી જ્ઞાતિ એટલે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને ખબર પડી ગઈ છે કે સતપંથ ધર્મ એ મુસ્લિમ ધર્મ છે, જેના કારણે સતપંથને કોઈ સ્વીકારવા તૈયાર નથી. લોકો આવતા નથી એટલે કોઈ દાન આપતું નથી. પણ કોઈ રસ્તો કાઢવો જરૂરી હતું. ત્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે આપ અમારા ધર્મ ગુરુ છો, માટે આપજ આનો રસ્તો કાઢો. ત્યારે શમશુદ્દીન અહમદ અલી ખાકીએ કહ્યું કે સતપંથને લોકો મુસલમાન સમજીને નથી આવતા, તો પછી જે મારા પૂર્વજ એટલે ઈમામશાહ બાવાએ જે કરેલ છે તે કામને તમે વધુ જોરથી કરો. તો ઈમામશાહએ શું કરેલ? સૈય્યદ ઈમામશાહ બાવા અને તેમના દાદા પીર સદૃદ્દીન દ્વારા જે રીતે સતપંથનું હિંદુ કરણ કરેલ હતું, તે વધુ જોરથી કરવામાં આવે, એવું સૂચન આવ્યું. સ્વાભાવિક છે કે આ અંગે પ્રત્યક્ષ દસ્તાવેજી પુરાવાઓ ન હોય. પણ ત્યાર પછી બનેલ ઘટનાઓના સંદર્ભમાં જોશો, તો લોકો દ્વારા મોઢે કહેવામાં આવતી આ વાત તમને સાચી લાગશે. અમુક સંશોધનકારો દ્વારા પણ આ અંગે ઉલ્લેખ કરેલ છે.

2.58. પણ શવજી કાકા આ વાતથી સહમત ન થયા. તેમનું કહેવું હતું કે સતપંથના કલમાઓમાંથી ઇસ્લામી તત્ત્વ નીકળી જાય તો સતપંથમાં શું બચે? કંઈ નહિ. બેઠક ત્યાં નિષ્ફળ ગઈ. પણ એ બેઠકમાં બેઠેલા એક ભાઈએ બીજા દિવસે સૈય્યદને મળીને રજા લીધી કે હું આ કામ પૂરું કરી આપીશ. તે પ્રમાણ તેઓ શવજી કાકાને મળ્યા. એક બાજુ રાજીનામું આપવા માટે કાગળ અને પેન રાખી અને બીજી બાજુ બંદૂક રાખી, એવી વાતો સાંભળવા મળેલ છે. સ્વાભાવિક છે શવજી કાકાએ પોતાનું રાજીનામું આપી દીધું.

2.59. આમતો પીરાણાનું બંધારણ અને પરંપરા પ્રમાણે હમેશાં કાકા આજીવન માટે હોય છે. જ્યાં સુધી કાકાનું મૃત્યુ ન થાય અથવા તો તેઓ રાજીનામું ન આપે, ત્યાં સુધી તેઓ ગાદી પર બેઠા હોય છે. શવજી કાકાને વચ્ચેથી રાજીનામું આપવું પડ્યું. એક ફ્રેંચ (French) પુસ્તકમાં લખ્યું છે કે શવજી કાકાના રાજીનામાં પછી શંકાસ્પદ રીતે શવજી કાકાનું મૃત્યુ થયેલ છે. મોઢાની જાણકારી પ્રમાણે તેમનું ખૂન થયેલ છે, પણ કોઈ પાકા સબૂત મળેલ નથી.

2.60. શવજી કાકાના મૃત્યુ પછી, કરસન કાકાને ગાદી પર બેસાડવામાં આવ્યા. સતપંથના બંધારણ પ્રમાણે કાકાની જગ્યા ખાલી થાય ત્યારે પેટા કાકાઓમાંથી કોઈ એકને ગાદી પર બેસાડવામાં આવે છે. તેને બેડીઓ પહેરાવાની વિધિ કરવામાં આવે છે. અમુક પગલાં ભરતાં જ જો પગની બેડી ખૂલી જાય, તો ઈમામશાહની રજા છે, તેવું માનવામાં આવે છે. ત્યાર બાદ મુસલમાન સૈય્યદોના હાથે તેમની ધાર્મિક વિધિ કરાવ્યા બાદ તેમને ગાદી પર બેસાડવામાં આવે છે. અટકળ એવી છે કે તેમનું સુન્નત કરવામાં આવે છે, પણ પાકા દસ્તાવેજી પુરાવા નથી. પણ ઈસ્લામી નામકરણ થાય છે. એ પ્રમાણે કરસન કાકાનું સતપંથી નામ પીર કરીમ રાખવામાં આવ્યું હતું.

2.61. મુદ્દો એ છે કે શિવજી કાકાનું રાજીનામું લઇને કરસન કાકાને ગાદી પર કેમ બેસાડ્યા? સંશોધનકારો જણાવે છે કે કરસન કાકા ખાસ મુરીદ (શિષ્ય) હતા પીરાણાના આદ્ય ગુરુ સૈય્યદ શમશુદ્દીન અહમદ અલી ખાકીના. કરસન કાકાને ગાદી ઉપર બેસાડી તેમનું મુસલમાની નામ પીર કરીમ રાખવામાં આવ્યું. સ્વભાવે સામેવાળા ઉપર હાવિ થઇ જવાની તેમની વૃત્તિ હતી જેના કારણે કોઈ તેમની સામે બોલી ન શકતું. આવા માણસને સીધા કાકા બનાવી દીધા. બેડીઓ પહેરાવી અને સૈય્યદોના હાથે વિધિ કરાવી નાખી.

2.62. હવે કરસન કાકા ગાદી ઉપર આવ્યા એટલે તેમને સતપંથનો બાહ્ય દેખાવને બદલવાનું શરુ કર્યું. તેમને સૌપ્રથમ સતપંથના શાસ્ત્રોમાં ફેરફાર કર્યો. તેમના શાસ્ત્રોમાં જ્યાં-જ્યાં અરબી અને ઇસ્લામી શબ્દો હતા, ત્યાં તેમની જગ્યાએ ગુજરાતી, હિન્દી કે ભારતીય સમાનાર્થી શબ્દો મૂકી દીધા. બદલેલા પુસ્તકોને જોવાથી પહેલી નજરે એવું લાગશે કે આ પુસ્તકો હિંદુ ધર્મના જ છે. સતપંથના આરાધ્ય દેવ, હઝરત મૌલા અલીનું નામ બદલીને નિષ્કલંકી નારાયણ રાખીને કેવું સરસ હિંદુ દેવ જેવું ગોઠવી નાખ્યું. અમારા વડીલો પણ આવી છેતરામણીમાં ફસાઈ ગયા હતા.

2.63. નિષ્કલંકી નારાયણ હકીકતમાં કોણ છે? સતપંથના આરાધ્ય દેવનું સાચું નામ હઝરત મૌલા અલી છે. જે મુહંમદ પૈગંબરના જમાઈ છે અને શિયા મુસલમાનોના સર્વોચ્ચ દેવ છે. બધાજ શિયાઓ હઝરત મૌલા અલીને માને છે. બ્રિટીશ સરકારના વર્ષ ૧૮૯૯ના ગઝેટીઅરમાં સતપંથની આ પોલ ખુલ્લી થયેલ છે. સતપંથમાં એવી ગોઠવણ કરવામાં આવી છે કે “બાહ્ય” હિંદુ રૂપ રાખીને, (બાહ્ય શબ્દને ખાસ ધ્યાનમાં રાખજો) અંદરથી ઇસ્લામનો સંદેશ આપવામાં આવ્યો છે. કેવી રીતે હિંદુ દેવી દેવતાઓ જેવા કે રામ, કૃષ્ણ વગેરેના મોઢે ઇસ્લામનો સંદેશ આપેલ છે, તે બધુંજ આ ગઝેટીઅરમાં જણાવેલ છે. ઘણા અન્ય ગઝેટીઅરોમાં પણ આવી વાતો લખી છે. ગઝેટીઅરમાં જણાવેલ છે કે હઝરત મૌલા અલીને હિંદુઓમાં સ્વીકાર્ય બનાવવા માટે તેમને ભારતીય નામ એટલે કે હિંદુ નામ આપવામાં આવ્યું છે, જે નિષ્કલંકી નારાયણ છે. કેવું ભ્રામક નામ છે! ઈમામશાહનાં પત્નીને આદ્ય શક્તિ કહેવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં તેમના શાસ્ત્રોમાં તેમનું નામ ફાતિમા બીબી છે.

2.64. પુસ્તકો સિવાય, કરસન કાકાએ હિંદુ સાધુ સંમેલનો આયોજિત કર્યા. વી.એચ.પી (VHP), અર.એસ.એસ. (RSS), ભાજપ (BJP) જેવી હિંદુ સંગઠનો દ્વારા કહેડાવ્યું કે સતપંથ હિંદુ ધર્મ છે. આના કારણે આમરા સમાજમાં બહુ ખોટી અસર પડી. લોકોમાં એવો સંદેશો ગયો કે સતપંથ હિંદુ ધર્મ છે. આવા પ્રચારના કારણે મુસલામની સતપંથ ધર્મ છોડીને સનાતની બની ચૂકેલા લોકો પાછા સતપંથમાં જવા લાગ્યા. સનાતન સમાજવાળા વિરોધ કરતા, તો અમને કહેવામાં આવતું કે તમે સાચા કે આ સાધુઓ અને હિંદુ સંગઠનોવાળા સાચા. સાધુ સંતો ખોટું ન બોલો. માટે કોઈ પણ અમારી વાત સાંભળતું નહોતું. આમાં સાધુઓનો કોઈ વાંક નથી. કારણ કે સુધારેલ સતપંથના શાસ્ત્રો તેમની સામે મૂકવામાં આવતા. ઊંડાણ પૂર્વક કોઈએ અભ્યાસ કર્યો નહિ. બીજી બાજુ તેમને એમ કહેવામાં આવતું કે પીરાણામાં જતા લોકોને મુસલમાન થવાથી રોકીને તેમને હિંદુ કરવામાં આવે છે. એટલે હિંદુ સાધુઓ અને સગંઠનોના લોકો સતપંથને સહયોગ કરી બેઠા. આવી રીતે હિંદુ સંગઠનો સાથે આજે પણ છેતરામણી થઇ રહ્યો છે. વિટંબણા એ છે કે આ લોકોને ખબર પણ નથી અને ખુશી ખુશી સામે ચાલીને છેતરાઈ રહ્યા છે.

2.65. આ બધું ચાલતું હતું ત્યારે બીજી બાજુ અમો સતપંથીઓને સાચા હૃદયથી સ્વીકારતા ગયા. જેમ તમે, જેરામભાઈ અને જયંતીભાઈ સામે જોઈને કહ્યું, જે પ્રમાણે આજની મિટિંગની શરૂઆતમાં અગાઉ કહેતા હતા કે, હિંદુ ધર્મ ગુરુઓએ જે મુસલમાન પાછા હિંદુ બનવા માંગતા હતા તે લોકોને સ્વીકાર્યા નહિ, તે મોટી ભૂલ હતી, તે ભૂલ અમારા સમાજમાં ન થાય, તે માટે આવનાર બધાજ સતપંથીઓને અમો ખુલ્લા મનથી સ્વીકારતા ગયા. કોઈ પણ જાતની શંકા કુશંકા ન કરી. અમોને એવું લાગતું હતું કે ધીરે-ધીરે તે લોકો સંપૂર્ણ રીતે હિંદુ બની જશે. પણ આવું ન થયું. અમારા સાથે દગો થયો. પરિણામ શું મળ્યું?

2.66. શું થયું અમારી સાથે? સતપંથી ભાઈઓને સમાજમાં અમોએ સભ્ય બનાવ્યા. તે લોકો ધીરે ધીરે સભ્ય બનતા ગયા અને હોદ્દા પર પણ આવ્યા. તે લોકોને હિંદુ ઓળખ મળી ગઈ અને હિંદુ ઓળખના દમ ઉપર પોતાનું ઇસ્લામી અસ્તિત્વ ટકાવી રાખું. અન્ય હિંદુ સમાજોમાં તે લોકો હિંદુ તરીકે સ્વીકાર્ય થઇ ગયા. કોઈએ તેમના પર શંકા ન કરી. અમુક લોકો અમારી ઉચ્ચ સંસ્થામાં મંત્રી પણ બની ગયા. અમોએ કોઈ શંકા ન કરી. સત્તા પર આવ્યા બાદ સનાતની કાર્યક્રમોને અટકાવવા લાગ્યા. સતપંથ તરફી કાર્યક્રમ હોય સુખરૂપે બધું સારું થાય. પરિસ્થિતિ એટલી વિકટ થઇ ગઈ હતી કે અમો અમારી સમાજમાં સનાતન ધર્મની જય પણ બોલાવી નહોતા શકતા. કોઈ સનાતન ધર્મની જય બોલાવે તો તરતજ સતપંથની જય, ઈમામશાહ બાવાની જય, નિષ્કલંકી નારાયણની જય બોલાવાતી. સનાતની લોકો આ વાતને કેવી રીતે સહન કરી શકે. સનાતનીઓની દૃષ્ટિએ ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી.

2.67. આવી પરિસ્થિતિમાં તા. ૦૭-ઓગસ્ટ-૨૦૦૯ના અહીં બેઠેલા હિંમતભાઈએ ઐતિહાસિક ભાષણ કરીને સમાજની સનાતન ધર્મની જ્યોતનું રક્ષણ કર્યું. સમાજનો દરેક સભ્ય જાગૃત થયો. અમે લોકોએ સતપંથ વિષે અભ્યાસ કરવાનું શરુ કર્યું. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચારે શંકરાચાર્યોએ (કોઈ ડુપ્લીકેટ – Duplicate શંકરાચાર્ય નહીં) સતપંથને મુસ્લિમ હોવાનું પ્રમાણ પત્ર આપ્યું. ગઝેટીઅરોનો અભ્યાસ કર્યો, કોર્ટના કેસો જોયા, યુનિવર્સિટીમાં થયેલ રીસર્ચના દસ્તાવેજો જોયા. દેશ-વિદેશના સંશોધનકારોનો પુસ્તકો વાંચ્યા. બગડતી પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટે અમોએ અસંખ્ય પગલાઓ ભર્યાં.

2.68. ત્યારે જેરામભાઈ અને જયંતીભાઈ કાલરીયા સામે જોઇને સવાલ કર્યો કે તમે વિચાર કર્યો છે કે સતપંથવાળા તમારા પાસે કેમ આવ્યા છે? કોઈને દાદ ન આપનાર લોકો આજે ઊંઝા સામે શા માટે આવ્યા છે? વાત આગળ ચાલવાથી પહેલાં જેરામભાઈની અંદરની આગ ભડકા રૂપી બહાર આવી ગઈ. તેમનું ધારેલું કામ ન થતા જોઇને તેઓ પોતાના પર કાબૂ ન રાખી શક્યા.

2.69. અપમાન જનક શૈલીમાં તેઓ બોલ્યા કે અમને બધી ખબર છે. સતપંથવાળા તમારા કારણે નથી આવ્યા. સતપંથવાળા મારા પાસે ૧૫ વખત આવ્યા છે. પોતાના મેળે આવેલ છે. પરિસ્થિતિને ઠંડી પાડવા ચંદ્રકાંતભાઈએ કહ્યું કે વાત એ નથી કે મારા લીધે સતપંથવાળા તમારી પાસે આવ્યા છે કે નહિ. વાત કંઇક જુદી છે. પણ જેરામભાઈ કાબૂમાં ન આવ્યા. એ બોલ્યા અમારે તમારી કોઈ વાત સાંભળવી નથી. અમને બધી ખબર છે. ચંદ્રકાંતભાઈએ કહ્યું કે ભાઈ આ વાત જુદી છે, તમે સમજો છો એ વાત નથી, હું જુદી વાત કરવાનો છું. તો તેમ વધુ જોર-જોરથી જેરામભાઈ બોલવા લાગ્યા. અમારે કોઈ વાત સાંભળવી નથી. તમારી બધી વાત સાંભળેલ છે. ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે જ્યારે અમે તા. ૧૩-માર્ચ-૨૦૧૬ના ઊંઝામાં સતપંથ વિષય ઉપર પાવરપોઈન્ટ પ્રેસેન્ટેશન (PPT Presentation) મારફતે રજૂઆત કરી હતી, ત્યારે તમે નહોતા. તો પછી તમે કેમ કહો છો કે તમે અમારી બધી વાત સાંભળેલી છે? જેરામભાઈને વધારે ગુસ્સો આવ્યો અને બોલ્યા કે શું એકલા તેજ (ચંદ્રકાંતભાઈએજ) અભ્યાસ કર્યો છે, અમે કંઈ અભ્યાસ નહિ કર્યો હોય? ત્યારે ચંદ્રકાંતભાઈએ જયંતીભાઈ કાલરીયાએ વિનંતી કરી કે જેરામભાઈને સમજાવોને. વસંત ધોળુ, પ્રેમજીભાઈ કેશરાણી, ડો સેંઘાણી વગેરે પણ ચંદ્રકાંતભાઈને સાથ આપ્યો. જયંતીભાઈએ મને કહ્યું કે ટૂંકમાં કહી દો. પ્રહ્‌લાદભાઈ મહેસાણાવાળાએ પણ કહ્યું કે ટૂંકમાં કહી દો.

નોંધ: સનાતનીઓના દૃષ્ટિથી તેમના પર હાવી થઇ જઈ, તમના મજબૂત મુદ્દાઓ રજૂ ન કરવા દેવાની ચાલ હતી. મિટિંગનો રુખ વિરોધીઓ તરફી બદલી ન જાય, એ માટે, બરાબર સમય આવે એટલે એવો માહોલ ઊભો કરવો કે શ્રોતાઓ મુદ્દો સમજે અને મગજમાં ઉતારે તે પહેલાં ભટકાઈ જાય અને તેમના મગજમાં બીજીજ વાતો ઘુસાડી દેવી. જેથી મુખ્ય મુદ્દો ટળી જાય.

2.70. ત્યાર બાદ ચંદ્રકાંતભાઈ વાત આગળ વધારતા કહ્યું કે સતપંથીઓ સાથે રોટી-બેટીનો વ્યવહાર રાખીને તેમને જેટલા સનાતનમાં લાવી શકતા હતા એ લાવી ચૂક્યા છીએ. તમે કદાચ આજ આ વાત કરો છો, અમારા વડીલોએ આ રસ્તો કેટલાય દાયકાઓ (decades) પહેલાં અજમાવી ચૂક્યા છે. પણ આ રસ્તાનો હવે સતપંથીઓ દુરુપયોગ કરી રહ્યા છે. સનાતનીઓ સાથેના સંબંધોના દમ પર પોતે હિંદુ છે એવું ઓળખ ઊભી કરી, સનાતની બની ચૂકેલા લોકોને પાછા સતપંથ તરફ આકર્ષવા. જેના કારણે હાલની સતપંથ સમસ્યા નિર્માણ થઇ છે.

2.71. અમોએ સતપંથની સમસ્યા પર કાબૂ લાવવા માટે એવું નક્કી કર્યું છે કે સતપંથ સાથે રોટી-બેટીના વ્યવહારો બંધ કરી દેવા. આના કારણે તેઓની હિંદુ ઓળખ ખતરામાં આવી ગઈ છે. બીજી બાજુ સતપથવાળા લઘુમતીમાં છે. તે લોકોનો બેટી વ્યવહારમાં અટકી રહ્યા છે. માટે અત્યારે સતપંથીઓ આપણી સામે જો આવ્યા હોય, તો હિંદુ બનવાના રસ્તા શોધવા માટે નથી, પણ સતપંથમાં રહીંને પોતાનું અસ્તિત્વ ટકવી રાખવાના રસ્તા શોધવા માટેજ આવ્યા છે. સતપંથ સાથે સામાજિક સંબંધ ન રાખવા એ અમારું બહુ મોટું હથિયાર છે. તેને નબળું ન પાડતા. માટે અત્યારે તેમની સાથે સંબંધો જોડવાની કોઈ ભલામણ ન કરશો એવી ભારપૂર્વક વિનંતી કરીએ છીએ. આવું થશે તો આખ્ખો સનાતની સમાજ તૂટી પડશે. જવાબમાં જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે તમારી વાત હું ખૂબ સારી રીતે સમજી ગયો છું.

2.72. ત્યારે જેરામભાઈ પોતાનો કાબૂ ખોઈ બેઠા. અને ચંદ્રકાંતભાઈને ખૂબ અપમાનજનક ભાષામાં કહ્યું અમારે કોઈની વાત સાંભળવી નથી. તું બીજી વખત મિટિંગમાં આવતો નહીં. ગરમા ગરમીનીએ ઘડીમાં ચંદ્રકાંતભાઈને મનમાં એક વખત થયું કે હમણાંજ કહી દઉં કે તમારે ન આવવું હોય તો ન આવતા, પણ હું તો આવીશ જ, તમે મને રોકી નહિ શકો. પણ ઉમિયા માતાજીની કૃપાથી ચંદ્રકાંતભાઈએ માનસિક સંયમ ન છોડ્યો. તેઓને જેરામભાઈને કડક અને મક્કમ તેમજ મોટા અવાજમાં કહ્યું કે “તમારી આ વાત ખોટી છે, તમે આ બોલો છો તે યોગ્ય નથી”. આટલું કહ્યું એટલે અબજીભાઈ, હંસરાજભાઈ, પ્રેમજીભાઈ, વસંતભાઈ, ડો શાંતિભાઈ અને બીજા સનાતની ભાઈઓ ઉપડી પડ્યા. ચંદ્રકાંતભાઈ પોતાની જગ્યા પર બેસી ગયા. ઊંઝાના વડીલો અને જયંતીભાઈ કાલરીયાએ પણ ચંદ્રકાંતભાઈને ટેકો આપ્યો.

2.73. વાત આગળ વધારતાં ચંદ્રકાંતભાઈએ કહ્યું કે અમોએ સતપંથ સાથે થયેલ સંબંધો તોડવાની કોઈ ભલામણ કરેલ નથી. માત્ર નવા સંબંધો ન બાંધવા એવી વાત છે. જે સાંભળીને જયંતીભાઈ કાલરીયાએ કહ્યું કે નવા સંબંધો બાંધવા ન બાંધવા એ વ્યક્તિગત વિષય છે. તેના પર સમાજ કંઈ ન કહી શકે. અબજીભાઈએ કહ્યું કે અમારી ભલામણ પ્રમાણે સતપંથ સાથે થયેલ જૂના સંબંધો વિવેક બુદ્ધિથી ટકાવી રાખવા એવું છે. સંબંધ તોડવાની કોઈ વાત છે જ નથી. જેની નોંધ જયંતીભાઈ કાલરીયાએ લીધી.

2.74. ત્યાર બાદ ઊંઝાના હાલના પ્રમુખ શ્રી પ્રહ્‌લાદભાઈ કામેશ્વર – અમદાવાદવાળા અને સુરેશ એન્જિનિયરે એવી રજૂઆત કરી કે સમાજ અને સંપ્રદાય અલગ રાખો. ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું કે સમાજ અને સંપ્રદાય અલગ છે. અહીં પ્રશ્ન સમાજ અને ધર્મનો છે. હિંદુ સંપ્રદાયવાળા બધાજ સનાતનીઓ સમાજમાં છેજ. કોઈની સાથે ઝગડો નથી, માત્ર સતપંથ સાથે જ કેમ ઝગડો છે? કારણ સતપંથ મુસલમાન ધર્મ છે, હિંદુ ધર્મનો સંપ્રદાય નથી. સમાજ અને ધર્મ જુદા ન રહી શકે. ઊંઝાની સમાજ અને હિંદુ ધર્મ જુદા કરી શકો ખરા? ના. તેવીજ રીતે કચ્છ કડવા પાટીદાર સમાજ અને સનાતન ધર્મ જુદા ન કરી શકાય.

2.75. બીજી બાજુ જેરામભાઈએ પોતાની અસંતોષી વાણી ચાલુજ રાખી હતી. બેઠકનું વાતાવરણ બગાડે નહિ એટલે અમોને વિનંતી કરી કે આપ બહાર બેસો. ત્યાર બાદ સતપંથીઓને બોલાવ્યા. તે પહેલાં જયંતીભાઈ કાલરીયાએ ચંદ્રકાંતભાઈને બોલાવીને કહ્યું કે હું તમારી વાત સમજી ગયો છું. પછી તેમણે પ્રશ્ન કર્યો કે શું પીરાણામાં મુસલમાનો સાથેનું મૂળ ટ્રસ્ટ જુદું પડીને સતપંથીઓએ અલગ ટ્રસ્ટ ઊભું કર્યું છે? ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે કયું અલગ ટ્રસ્ટ? તેમનાં તો ઘણા ટ્રસ્ટો છે. જયંતીભાઈએ કહ્યું કે મેં તે જગ્યા જોઈ નથી પણ સતપંથીઓ કહે છે કે તે લોકો એ અલગ ટ્રસ્ટ કરેલ છે. શું તે સાચું છે? ચંદ્રકાંતભાઈએ કહ્યું ક વાત થોડી સાચી છે, પણ તમને પૂરી વાત સમજાવી પડશે. એટલે તેમને કહ્યું કે તમે મને ફોન કરજો.

2.76. ત્યાર બાદ સતપંથીઓ બેઠકના રૂમમાં આવી ગયા એટલે સનાતનીઓ બહાર નીકળી ગયા. આમ સનાતનીઓ માટે આ મિટિંગ પૂરી થઇ.

2.77. સતપંથ વાળાઓની બેઠકમાં શું વાત થઇ તેની જાણ અમોને કરવામાં આવેલ નથી. પણ પંચો સાથે થયેલ વાતચીત મારફતે જે જાણ અમોને થઈ, તે જણાવેલ છે.

2.78. તા.૦૯-જાન્યુઆરી-૨૦૧૮ ના જયંતીભાઈ કાલરીયાનો પ્રેમજીભાઈ કેશરાણી ઉપર આવેલ ફોન

1)       જયંતીભાઈ કાલરીયાએ પ્રેમજીભાઈ કેશરાણીને તા. ૦૯-જાન્યુઆરી-૨૦૧૮ના ફોન કરેલ હતો. તેમાં તેઓએ જેરામભાઈ દ્વારા કરેલ પંચ તરીકે એકતરફી વર્તનનું ખંડન કરેલ હતું. તેઓએ જણાવેલ કે અન્ય સમિતિના સભ્યોએ પણ જેરામભાઈને ઠપકો પણ આપેલ છે. અને કહ્યું કે સનાતનીઓ એકદમ સાચા રસ્તા પર છો. સનાતની ટીમની રજૂઆત ખૂબજ સારી હતી. પોઈન્ટ ટુ પોઈન્ટ હતી, મુદ્દાઓ ખૂબ સારી રીતે સમજાવ્યા. અમારા મનમાં કંઇક બીજું હતું હવે સાચી વાત સમજમાં આવવા લાગી છે. ટૂંકમાં સનાતની ટીમની રજૂઆતની ખૂબ મોટી અસર જયંતીભાઈ કાલરીયા પર પડી હતી અને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

2)       તેવીજ રીતે થોડા દિવસો પછી દિલીપભાઈ નેતાજી અને મણીભાઈ મમીનો પણ ચંદ્રકાંતભાઈને ફોન આવેલ હતો, જેમાં જેરામભાઈના એક તરફી વ્યવહાર માટે સમસ્ત લવાદ પંચો દ્વારા ઠપકો આપવામાં આવેલ છે, એની જાણ દિલીપભાઈ અને મણીભાઈએ કરી.

Leave a Reply

Share this:

Like this: