Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

36. ધનસુરા વિવાદનો ચુકાદો - દિનાંક 19-Jan-1979

શ્રી ઉમિયા માતા કી જય

 

સાબરકાંઠા વિભાગમાં વસતા શ્રી કચ્છી

ક.પાટીદાર જ્ઞાતિનાં બે જુથો વચ્ચે ચાલતા

સંઘર્ષ અંગે

 

 

શ્રી ઉમિયામાતા પ્રસન્નોસ્તુ

ચુકાદો આપ્યા તારીખ                

૧૯—૧—૧૯૭૯  શુક્રવાર             

 

વિ. સંવત

ર૦૩પ

 

 

લવાદ પંચનો ચુકાદો

          ગુજરાતમાં વસતા કચ્છી કડવા પાટીદાર ભાઈઓ વચ્ચેધનસુરા મધ્યે શ્રી ક.ક. પાટીદાર સનાતન સમાજના નામે ચાલતી સંસ્થાના સભ્યપદના પ્રશ્ને એક જોરદાર વિવાદ ઊભો થયો. જેના પરિણામે અલગ અલગ માન્યાતાઓ વાળાં બે જુથો અમુક વ્યક્તિઓની આડમાં એકબીજા સામે સંઘર્ષમાં ઉતરી કોર્ટે ચડયાં. એકે આરોપ્યું કે જે સનાતની નથી તેને સંસ્થાના સભ્ય થવાનો કોઈ હક્ક નથી જ્યારે બીજાએ કહ્યું કે અમે સનાતની છીએ અને સભ્ય ફી ભરી છે. તેથી અમે સભ્ય છીએ અને અમને ગેર—બંધારણીય રીતે સભ્ય તરીકે રદ ગણવામાં આવ્યા છે. આ મુદ્દાને લઈને મોડાસા કોર્ટમાં તેમજ અરસપરસ દબાવ ખાતર બીજી કોર્ટોમાં પણ વ્યક્તિઓના આશ્રયે પક્ષકાર ખટલાઓ શરૂ કરવામાં આવ્યા.

          આ ઘર્ષણના આવા સમાચાર આડકતરી રીતે તેમજ પક્ષકારો દ્વારા જાણવા મળતાં ગુજરાત બહાર વસતા ક. ક. પાટીદાર જ્ઞાતિજનોને દુઃખ થયું અને સમાધાન માટેના પ્રયાસો થવા લાગ્યા. સ્થાનિક ક્ષેત્રે પણ ઈતર કોમોમાં આ વિવાદ અંગે કુતુહલ જાગ્યુ અને પ્રતિષ્ઠિત કચ્છી પાટીદારો પ્રત્યે વિસ્મયકારક પ્રશ્નો રજૂ થવા લાગ્યા. “ માનહાની એ બહુમાનીને મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખકર હોય છે. ” તે ન્યાયે પક્ષકારોમાં પણ સમાધાન માટેની વૃત્તિ જાગવા માંડી. કોર્ટ બહાર નિરાકરણ માટે લવાદપંચની આવશ્યકતા જણાઈ અને બંને પક્ષકારોએ શ્રી ક. ક. પાટીદાર સમાજ — મુંબઈનો સંપર્ક સાધ્યો. અલગ અલગ જઈને અને પરિણામે તા. ૧પ—૧—૭૯ ના રોજ મુંબઈથી (૧) શ્રી મણીલાલભાઈ પુંજાભાઈ (ર) શ્રી માવજીભાઈ પેથાભાઈ પોકાર (૩) શ્રી વિશ્રામભાઈ હંસરાજભાઈ (૪) શ્રી પ્રેમજીભાઈ શિવગણભાઈ (પ) શ્રી શિવદાસભાઈ લાલજીભાઈ તથા (૬) શ્રી લખમશીભાઈ લધાભાઈ તેમજ અમદાવાદથી શ્રી જેઠાભાઈ પુંજાભાઈ તથા વડોદરાથી શ્રી રતનશીભાઈ નારાયણભાઈ તથા જબલપુરથી શ્રી રામજીભાઈ શામજીભાઈ એમ નવ જ્ઞાતિ ભાઈઓનું એક મંડળ સમાધાનના આશયથી આવ્યું અને બંને પક્ષોનો સંપર્ક સાધવાથી તા. ૧ર—૧—૧૯૭૯ના રોજ બંને એ તે મંડળની મૌખિક લવાદપંચ તરીકેની નિમણૂંક કરી અને પોતપોતાના પક્ષોમાંથી જવાબદાર અગ્રગણ્ય ભાઈઓની એક એક સમિતિ પંચના સતત સંપર્કમાં રહેવા નક્કી કરી. તદુપરાંત બંને પક્ષોએ પોતપોતાની માગણીઓની વિશદ ચર્ચા કર્યા બાદલેખિત રજૂઆત કરી. ત્યારબાદ લવાદપંચની સૂચનાનુસાર બંને પક્ષોએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપી લવાદીનો રીતસરનો અધિકાર આપ્યો અને સોમવાર તા. ૧પ—૧—૭૯ના રોજ કોર્ટમાં ચાલુ રહેલા અરસપરસના બધા જ ખટલા તથા ચેરીટી કમિશ્નર સમક્ષની અરજી વગેરે પાછા ખેંચી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને લવાદપંચે કામગીરી ચાલુ કરી.

          પંચની સમક્ષ નીચે જણાવેલ મુદ્‌ાઓ તપાસ અને નિર્ણય માટે રજૂ થયા હતા.

(૧)

શ્રી નાનજીભાઈ કાનજીભાઈ સાથેનો હિસાબ અને લેણાની વસુલી
અને ખટલાઓ પાછા ખેંચવા બાબત

(ર)

સમાજનું સભ્યપદ, માન્યતા અને અમાન્યતા તથા બંધારણમાં ફેરફાર કરવા બાબત

(૩)

કારોબારી અને પ્રતિનિધિત્વ.

(૪)

ભવિષ્ય માટેનો વ્યવહાર સરળ થવા બાબત.

         

ઉપર્યુક્ત મુદ્‌ાઓની તપાસ લવાદપંચે શરૂ કરી અને જે નિર્ણયો કરવામાં આવ્યા તે નીચે મુજબ છે.

          સમાજ અને નાનજીભાઈ કાનજીભાઈ તથા બીજા ભાઈઓ વચ્ચે કોર્ટોમાં ચાલતા તમામ કેસો લવાદપંચની સૂચના અનુસાર બંને પક્ષો તરફથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને ચેરીટી કમિશ્નર સમક્ષ કરવામાં આવેલી અરજી પણ પાછી ખેંચી લેવામાં આવી છે. એટલે બધા જ ખટલાઓનો અંત લાવવામાં આવ્યો અને બંને પક્ષો તરફથી સમાજના વિવાદોનો નિર્ણય સમાજના જ ભાઈઓ દ્વારા લાવવાની નીતિ અપનાવી છે તે પ્રશંસનીય છે.

          સમાજ તથા શ્રી નાનજીભાઈ કાનજીભાઈ વચ્ચે હિસાબ અંગેના વિવાદને હાથ ધરતાં બેન પાર્વતીબેનના ભરણપોષણ નિમિત્તેના અમાનત રખાયેલા રૂા. ૧૦૦૦૦/ તથા લવાદપંચે નક્કી કરેલ વ્યાજના રૂા. ર૦૦૦/ મળીને કુલ રૂા. ૧ર,૦૦૦/— અક્ષરે રૂપિયા બાર હજાર પુરા રોકડા બેન પાર્વતીબેનને તેના ભાઈશ્રી કાન્તિલાલ કરસનભાઈની હાજરીમાં નાનજીભાઈ કાનજીભાઈ તરફથી ચૂકવી આપવામાં આવ્યા છે જેની પહોંચ પણ મેળવવામાં આવી છે.

          સમાજની લેતીદેતી બારામાં હિસાબ કરતાં શ્રી નાનજીભાઈ કાનજીભાઈ ખાતે નીકળતા રૂા. ૧પ,૮૦૦/— પંચની સમક્ષ સમાજને ચૂકવી આપવામાં આવ્યા છે જેમની પહોંચ પણ લેવામાં આવી છે. અને રૂા. ૧ર,પપ૪/— નો હિસાબ શ્રી નાનજીભાઈ કાનજીભાઈ તરફથી સમાજના મંત્રીશ્રી બેચરભાઈ મુળજીભાઈને તા. ૮—૬—૧૯૭૮ના રોજે સમજાવી અને ચૂકવી આપ્યો હતો અને તે બાબતની ચોખવટ પણ કરવામાં આવી હતી એટલે સમાજના કોઈ હિસાબની લેતીદેતી શ્રી નાનજીભાઈ કાનજીભાઈ હસ્તે હવે આજ સુધીની બાકી રહેતી નથી.

          જાગૃતિ કાર્યાલયના કુલ્લે રૂા. ૩૪,૦૦૦/— સમાજના કાર્યકર ભાઈઓ જણ સાત પાસે વ્યાજે મુકવામાં
આવેલ છે તે પૈકીના રૂા. પપ૦૦/— શ્રી નાનજીભાઈ કાનજીભાઈ પાસે પણ રહે છે. તો તે રકમ જ્યારે કાર્યાલય બધા ભાઈઓ પાસે માગણી કરે ત્યારે શ્રી નાનજીભાઈ કાનજીભાઈએ પણ ચૂકવવાના રહેશે. આથી આ સિવાય સમાજનો જાગૃતિ કાર્યાલય અંગેનો પણ કોઈ હિસાબ શ્રી નાનજીભાઈ કાનજીભાઈ હસ્તક રહેતો નથી.

          આમ સમાજ તથા શ્રી નાનજીભાઈ વચ્ચે હિસાબ પંચ સમક્ષ પૂર્ણ થયો છે અને પંચને આ બારામાં સુખદ અંત લાવવામાં સહકાર બંને પક્ષોએ સારો આપ્યો છે.

          શ્રી વાલજીભાઈ કાનજીભાઈ તથા શ્રી નાનજીભાઈએ સમાજને લાંબા સમય સુધી ખૂબ સેવા આપી છે પરંતુ હાલના સંજોગોના સંદર્ભમાં શ્રી નાનજીભાઈએ સમાજને સક્રિય સેવા આપવાની લેખિત નાખુશી જણાવી છે. આશા છે કે સમાજ તેની શક્તિનો લાભ લેશે.

          આ તબક્કે એ બાબતની નોંધ લેવી પડે છે કે સમાજના અગ્રણી જેવા શ્રી નાનજીભાઈ સમાજના હિતને હાનિકર્તા પ્રવૃત્તિમાં સહભાગી થયા જે યોગ્ય થયું નથી. પરંતુ હવે તે વિવાદનો અંત આવ્યો છે અને આશા છે કે તેઓ સમાજ હિતાર્થે પોતાની શક્તિનો સદુપયોગ કરતા રહેશે.

          સમાજ તરફથી તા. ૯—૬—૧૯૭૮ના રોજ મળેલી કારોબારી સભાએ જે સભ્યોને અમાન્ય કર્યાછે. તે બાબતમાં પંચે બંને પક્ષો સાથે લંબાણથી ચર્ચા કરી છે અને પંચ નીચે મુજબના  નિર્ણય ઉપર સર્વાનુમતે આવ્યો છે.

          સમાજના નામ અંગે “ ક. ક. પા. સનાતન સમાજધનસુરા ” આ નામની સંસ્થા ચાલે છે અને તે બંધારણીય સંસ્થા છે અને જેનું બંધારણ સન ૧૯૭રમાં રજીસ્ટર કરવામાં આવ્યું છે અને સમાજના નામમાં ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.

          સભ્યપદનો પ્રશ્ન ખાસ અગત્યનો હોવાથી બંને પક્ષકારોની પ્રતિનિધિ સમિતિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ચર્ચામાં હકીકતો રજૂ થઈ કે સભ્યપદ માટેની ફી લઈને સભ્ય બનાવ્યા બાદ બંધારણીય રીતે રદ કરી શકાય નહિં અને અમાન્ય કરાયેલા બધા જ સભ્યો સનાતની નથી એમ કહી શકાય નહીં એટલે સમગ્ર રીતે એક જ સિદ્ધાંત પળાયો નથી અને જે સભ્યો બનાવાયા છે તે સનાતન સમાજના બંધારણ અનુસાર બનાવવામાં આવ્યા છે. અને અ.ભા.ક.ક. પાટીદાર સમાજના રીતરીવાજો અને ધારાધોરણને માન્ય રાખીને સભ્ય બન્યા છે તો કયા સભ્યો સનાતની નથી તેનો વિવાદ ઊભો ન કરતાં હાલના તબક્કે જે સભ્યો બનાવવામાં આવ્યા છે તેમને માન્યતા આપવી અને તેવા સભ્યોએ સમાજના બંધારણ અને અ.ભા.ક.ક. પાટીદાર સમાજના રીતરિવાજો અને ધારાધોરણ પ્રમાણે વર્તવાનું રહેશે. અને તે મુજબ વર્તન કરવાની રજૂઆત કરવામાં આવી છે તો સમાજે જે ભાઈઓ સનાતન સમાજના સભ્ય બનતા હોય અને જ્ઞાતિના રીતરિવાજો અને ધારાધોરણ અનુસાર વર્તવા માગતા હોય તો તેને આવકારવા જોઈએ એટલે હાલના તબક્કે નોંધાયેલા સભ્યોને માન્ય કરવામાં આવે છે અને સર્વ ભાઈઓ સમાજમાં કેળવણી અને સામાજિક એકતા અંગે સાથ સહકાર અને ભાવનાથી કાર્ય કરશે તેવી આશા છે.

          સમાજના બંધારણ અનુસાર તા. ર—૧—૧૯૭રના રોજે સમાજની જનરલ સભાએ કારોબારી સમિતિની ચૂંટણી કરી છે અને તે કારોબારીએ સન ૧૯૭૭ સુધી વહીવટ ચલાવ્યો છે. અને ત્યારબાદ ૩—૯—૭૭ની સામાન્ય સભાએ નવી કારોબારીની ચૂંટણી કરી છે દરમ્યાનમાં એક પણ જનરલ સભા મળી નથી અને બહુજ લાંબા સમય બાદ કારોબારી સમિતિની ચૂંટણી કરવામાં આવી છે. તો સમાજના કાર્યકર ભાઈઓએ સમાજના બંધારણ અનુસાર કાર્ય કરવામાં ચુસ્ત રહેવું જોઈએ અને બંધારણ અનુસાર કાર્ય કરવું જોઈએ એ કાર્યકર્તાઓની ફરજ છે. તા. ૩—૯—૭૭ના રોજ ચૂંટાયેલી કારોબારી સમિતિની મુદત બંધારણ અનુસાર પૂરી થઈ નથી તો મુદત પૂરી થયે જનરલ સભા બોલાવવી અને કા. સમિતિની ચૂંટણી કરવી. અને તે દરમ્યાન હાલની ચૂંટાયેલી કારોબારી સમિતિએ કાર્ય કરવું. ચાલુ ચૂંટાયેલી કારોબારી સમિતિને જો યોગ્ય જણાય અને કારોબારીમાં ફેરફાર કરવા ઈચ્છે તો સક્રિય કાર્યકરોને લઈને કરી શકશે. સમાજના કાર્યકર ભાઈઓને ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કે એક બીજા પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને અનુકુળ વાતાવરણ સર્જવું જોઈએ.

          ઉપરની બધી જ હકીકતોની નજરે લવાદપંચ એવો નિર્ણય કરે છે કે શ્રી ક. ક. પાટીદાર સનાતન સમાજ, ધનસુરા વતી જે સભ્યોને અમાન્ય રખાયા છે તેમને આથી માન્યતા આપવામાં આવે છે અને સભ્યો અખિલ ક. ક. પાટીદાર સમાજે ઘડેલા અને છાપીને પ્રગટ કરેલા રીતરિવાજો અને ધારાધોરણનું ચુસ્ત પાલન કરશે અને તો જ આ સમાજના સભ્ય તરીકે ચાલુ રહી શકશે.

          કારોબારીની ચૂંટણી બંધારણના નિયમ અનુસાર થવી જોઈએ. બંધારણની કલમોમાં પણ ફેરફાર તેની રૂએ જ કરી શકાશે.

          ઉપર મુજબનો નિર્ણય અમો લવાદપંચના સભ્યોએ ઈશ્વરની સાક્ષીએ નિષ્પક્ષપણે અને જ્ઞાતિના હિતને ધ્યાનમાં રાખીને કરેલ છે.

                                      લવાદપંચ

ધનસુરા,

તા. ૧૯મી જાન્યુઆરી ૧૯૭૯,

વાર શુક્રવાર

(૧) મણીલાલ પુંજાભાઈ પટેલ

(ર) માવજીભાઈ પેથાભાઈ પોકાર

(૩) વિશ્રામ હંસરાજ પટેલ

(૪) પ્રેમજી શવગણ પટેલ

(પ) શવદાસ લાલજી માવાણી

(૬) લખમશી લધા પટેલ

(૭) જેઠાભાઈ પુંજાભાઈ પટેલ

(૮) રતનશી નારણભાઈ પટેલ

(૯) રામજી શામજી પટેલ (જબલપુર)

 

 

 

 

 

 

 

          

Leave a Reply