Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

13. કુટીલોની કુટિલતા ઉપર સર્ચલાઈટ - દિનાંક: 13-Jun-1925

કુટીલોની કુટીલતા ઉપર સર્ચલાઈટ

પીરાણા પંથના કહેવાતા આચાર્યોએ ગંગાજીના નામથી ઉભું કરેલું પાખંડ.

પટેલ નારાયણજીભાઈએ તોડેલી પ્રપંચ જાળ તે જોઈ

સૈયદ બાવાસાહેબે પાડેલી ચીસો અને તેને મળેલો આ જવાબ

          આજના સુધરતા જમાનામાં પણ ધર્મના નામે ધુતીખાનારાઓ સત્યતાને વેગળી મુકી રાત્રી દિવસ પોતાના નીચ કર્તવ્યમાં રચ્યા મચ્યા રહી અભણ અને ભોળા માણસોને ફસાવવા પોતાની કપટબાજીની જાળ પાથરતાં રહે છે ને ફસાવીને પોતે પોતાની નીચતાના ગુણોને લઈ મલકાય છે અને પોતાની રચેલી ઠગબાજીની જાળમાંથી કોઈ પણ છટકી જવા ન પામે એવા પ્રયત્ન કરતા રહે છે. પણ આખરે સત્યનો જ જય થાય છે.

          સતપંથના નામે ઠગીખાતા કાકા તથા સૈયદો માંહેના એક સૈયદ બાબા સાહેબે ઈમામશાહનું બનાવેલું રગસીયું ગાડું ભાંગી પડતું જોઈ પોતાના કર્મ ઉપર અંધાર પછેડો નાખી પીરાણા પંથનો ખોટો બચાવ કરી ભોળા હૃદયના માણસોમાં પોતાને પવિત્ર તેમજ પુણ્યશાળી બતાવવા સારૂં (પોતાની જ્ઞાતિમાં નહીં) અવાર નવાર ખોટા પાયા વગરના લેખો તેમજ હેન્ડબીલો છપાવ્યા જાય છે. કેમ જાણે સૈયદની આખી કોમમાં એવો બીજો કોઈ પણ વિદ્વાન છે જ નહીં. પોતાના કોમના કટી દુશ્મન તેમજ વિરોધી બનેલા છે ને ઘણી વખત હડધુત થયેલા છે. (પીરાણા ગુરૂ મંડળે તેને ઘણી વખત પીરાણા પંથ બાબત હેન્ડબીલો દ્વારા સવાલ જવાબ પુછેલા છેપણ બાવા સાહેબથી તેના સાચા જવાબ આપી શકાણા નથી.) છતાં (“જાનમાં કોઈ જાણે નહીં હું લાડાની ફુઈ”) એવો હિસાબ છે. તો પણ આગળ આગળ થઈ જ્ઞાતિને ઠગવા પોતાની કુટિલ નીતિ  છોડવાનું હજી મન હા કહેતું નથી તેનો દાખલો

          હાલમાં અમારા સુધારક જ્ઞાતિની દાઝ ધરનારા પટેલ નારણજી રામજીભાઈએ “પ્રપંચીઓના પાપ ને કલી મહારાજની લીલા” એ નામનું હેન્ડબીલ છપાવીને બહાર પાડેલ છે. તેના સત્યતા ભરેલા લખાણથી કાકા લક્ષ્મણ કરમશીને પોતાની (બાવા સાહેબની) સીખાડેલી પ્રપંચ લીલા ઉઘાડી પડતી જોઈ બાવા સાહેબથી સાંખી શકાણી નહીં. જેથી પોતે કાકાના દલાલ બની (કારણકે કાકો તો કાળા અક્ષરને કુટી મારે છે.) બચાવ કરવાના બહાને “મહાન ધુર્તબાજની પોળ” એ નામનું એક હેન્ડબીલ છપાવીને બહાર પાડેલ છે. તેમાં સત્યતાને છુપાવી પરનિંદાબિભત્સ તથા જેમ આવડયું તેમ ભસી માર્યું છે. તેમાં નવાઈ શું છે? કહેવત છે “જેવો આહાર તેવો ઓડકાર”,“જાત વીના ભાત પડે નહીં” ઉપરોકત હેન્ડબીલમાં સાચું શું છેતે તો સમજુ અને વિદ્વાન ભાઈઓ પોતે જ સમજશે.

          બાવા સાહેબ આપ આપના હેન્ડબીલમાં કાકાઓ તથા સૈયદોને પવિત્ર અને પુણ્યશાળી કહો છો, તો તમો કેટલા પુણ્યશાળી અને પવિત્ર છો તે જન સમાજથી અજાણ્યું નથી. સૈયદ ઈમામશાહે પાંચસો વરસથી જેમ તેમ થુંક ચોપડી રાખેલો ખીચડીઓ પંથ આજે છીન્નભીન્ન થઈ ગયો છે. તે પણ તમારી અને કાકાઓની પવિત્રતાના પ્રતાપે તમારી ઉભયની આજે એવી દશા થઈ છે કે “ન ત્રણમાં ન તેરમાં ન છપનના મેળમાં” તમોએ તમારા હેન્ડબીલમાં જેમ ફાવે તેમ નીંદા કીધી છે. પણ દીવાની પાછળ અંધારૂં હોય તે પોતાથી જોઈ શકાતું નથી. તમો ઈર્ષાથી અન્ય સાધુઓને ધુર્તો દગાબાજો અને કુકર્મીઓના માન ચાંદો આપો છે. ને તેવાઓના નાટકો ભજવાય છે એમ લખો છો. પણ પોતાના સૈયદોનો વિચાર કરોતમારામાં એવાતો નરબહાદુર પડયા છે કે પોતાનું તેમજ પોતાના બાપનું ને જાતનું પણ નામ બતાવતા નથી. જેમ વર્ણસંકર પેદા થયેલ હોય ને બાપનું નામ છુપાવતો હોય તેમ છુપાવેલ છે. તેનો પુરાવો સાં.૧૯૭૭ ની સાલમાં પોશ મહિના {VSA: Between 10-Jan-1921 and 7-Feb-1921} માં અમુક તારીખે કોઈ ગોરરજાઅલી નામનો સૈયદ કરાંચીમાં કયાંકથી રઝળતો ફુટી નીકળ્યો હતો. તેણે પોતાનું તેમજ બાપનું જુઠું નામ લખાવી જાત બદલી ન હિન્દુ ન મુસલમાન એવો મજકુર સૈયદ હિન્દુનો દીકરો બની પોલીસમાંથી ખોટો પાસ લઈ નામદાર બ્રિટીશ સરકારના અમલદારોને ઠગી બીજા બે ભાડુતી માણસો લઈ રણછોડ લાઈનમાં સનાતની દક્ષીણી બ્રાહ્મણ બની પીરાણા પંથના મતલબનું ગોળમટોળ ભાષણ કરી ભોળા માણસોને ફસાવતો હતો. પણ કુળ હંમેશા છુપું રહી શકતું નથી. જાહેરમાં ભાષણ હતું જેથી કેટલાંએ માણસ ભેગાં થઈ ગયાં ને સવાલ જવાબ કરતા તેની કપટબાજીની જનસમાજને ખબર પડતાં મજકુર સૈયદની શું દશા થઈ ને શું ઈનામ મળ્યું તે તો તે જ જાણે. “રામબાણ” વાગ્યા હોય તે જાણે. બોલો બાવા સાહેબ તમે કહેલા ધુર્તો દંગલબાજો ને કુકર્મીઓ સાધુઓ વધે કે હિન્દુને પોતાનો બાપ બનાવનાર તમારો સૈયદ વધે એ તમારે જ સમજવાનું છે.

          ઈમામશાહના બનાવેલા નુરનામા, બાજનામા, નાદેઅલી, મોરનબુવત તથા ધલધલ ઘોડાના નામથી લલચાવી ભોળવી લુંટ ચલાવતા હતા ને ઠગી ખાતા હતા તે સર્વેના ચમત્કાર આજે કયાં ગયાઆટલા દિવસ તમારા ઈમામશાહે ચલાવેલા સતપંથમાં “નુરની ગોળી” દરેક સારા યા નરશા કામમાં વપરાતી હતી તે “નુરની ગોળી” વિષે અમારી પાટીદાર જ્ઞાતિમાંથી ઘણા માણસોને વહેમ પડવાથી તમોએ પોતાની નીચ યુક્તિ વાપરી કોઈ છટકી જાવા પામે નહીં તે સારૂં પીરાણામાં ગંગાજી પ્રગટ થયેલાં છે એવું ધતીંગ ઉભું કરી માણસોને ઠીક ફસાવવા લાગ્યા છો. પણ તમારે અને ગંગાજીને શું લાગે વળગે હિન્દુઓમાં પવિત્ર મનાતાં ગંગાજીને માનનારા બાવીસ કરોડ હિન્દુઓ હજી હસ્તિ ધરાવે છે. છતાં તેને મુકીને તમારા જેવા ધર્મભ્રષ્ટો,વિશ્વાસઘાતી તથા માંસાહારી સૈયદોને ત્યાં પગલાં કરી પોતાનો અલૌકીક ચમત્કાર બતાવી દર્શન દઈ પવિત્ર કરે એવો તમારામાં કયો દૈવી ગુણ છેપીરાણા પંથના આચાર્યોને ગુરૂઓ તમારી ભુલ થાતી હશે. આજે દુનિયામાં પ્રખ્યાત અને મશહુર જે પતીત પાવની ગંગાજી છે તે નહીં હોય પણ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ વિજય પતાકા નામની ચોપડી જે સંવત ૧૯૭પ સને ૧૯૧૯ની સાલમાં કચ્છ માનકુવાના પટેલ જીવરાજ વસ્તા તથા પેથાભાઈ રામજી ઘોળુ તરફથી પીરાણા પંથનો બચાવ કરવા સારૂ છપાઈને બહાર પડી હતી. તેમાં લખેલ છે કે આગળ એક જગન્નાથ નામના પંડિત હતા. તે વિદ્વાન હતા. તે જ્ઞાતિના કહેવાથી કોઈ એક બાદશાહ પાસે અથર્વવેદ શીખવા ગયા હતા. જ્ઞાતિએ જરૂર પડે તો બાદશાહ સાથે જમવાની છુટ આપી હતી. પણ બાદશાહે હઠ પકડી કે મારી યવની નામની શાહજાદી છે તેની સાથે લગ્ન કરો તો હું શીખવું. આખરે પંડીતે “યવની” સાથે શાદી કરી પછી અથર્વવેદ ભણી “યવની”ને સાથે લઈ પોતાને ગામ આવ્યા. જ્ઞાતિને સર્વે વાત કરી. જ્ઞાતિએ વાંધો લીધો કે તમોએ તેની સાથે લગ્ન કર્યું માટે અમે તમોને જ્ઞાતિમાં રાખી શકીશું નહીં. પંડીતજીતો કાંઈ પણ બોલ્યાં નહીં પણ એક વખત જ્ઞાતિ ભોજન હોવાથી “યવની” પંગતમાં આવી બેઠી. જેથી જ્ઞાતિના માણસો પંડીતજી પાસે ગયા. તેને સમજાવીને “યવની”ને પંગતમાંથી ઉઠાડી. પંડીતજીએ જ્ઞાતિ પાસે માંગણી કરીકે જો ગંગાજી અમોને પોતાના ચમત્કારથી જો નવરાવીને પવિત્ર કરે તો જ્ઞાતિમાં લેશો કે નહીં સર્વેએ હા કહી. બીજે દિવસે પંડીતજી તથા “યવની” ગંગાજીના ઘાટ ઉપર બાવનમે પગથીયે બેઠાં અને દરેક માણસના દેખતાં પંડીતજીએ અથર્વવેદના શ્લોક બોલવા શરૂ કર્યા કે એક એક શ્લોકે એક એક પગથીયું ગંગાજી ઉપર ચડતાં આવ્યા. એવી રીતે બાવનમાં પગથીયાની લગોલગ આવી પહોંચ્યાં. પંડીતજી બાવનમો “યવની” માટેનો શ્લોક બોલતાં જ ગંગાજી પંડીતજીને પવિત્ર કરી સ્નાન કરાવી પોતાને ઠેકાણે બેસી રહ્યા. ને જ્ઞાતિએ પંડીતજીને તથા “યવની”ને પોતાની જ્ઞાતિમાં લીધા. બાવાસાહેબ તે જ તમારા ગંગાજી ન હોય. જેમાં તમોએ ગોળમટોળ કરી મા મુસલમાન અને બાપ હિન્દુથી ઉત્પતિ બતાવી છે. પણ તે વાત માનવામાં આવતી નથી કારણકે તે પુસ્તક વાંચતા જ તમોએ તે પુસ્તક છપાવનાર પટેલ જીવરાજ વસ્તા તથા પેથાભાઈ રામજીને પીરાણે બોલાવી દમદાટી દઈને તે લેખ કેન્સલ(રદ) કરાવ્યો. ઉપરોકત બીના જાણીને તે હકીકત તમોને જ લાગુ પડતી હશે એમ ચોકકસ દેખાઈ આવે છે. ને પોતે પોતાના હાથથી બંધાણા છો એમ જાણી ગયા. જો પોતાની ઉત્પત્તિ કબુલ કરો તો  મારી પેદાશ વર્ણશંકરથી સાબીત થાય અને જો બીજા કોઈ અન્ય મુસલમાનના વાંચવામાં  તે પુસ્ત  આવે તો તમોને જવાબ આપવો ભારી પડી જાય. જેથી તમોએ કાકાઓ તથા કચ્છના આગેવાનોમાંથી તમારા સલાહકાર પટેલોને પીરાણે બોલાવીને મજકુર ધણીને દબાવીને તે પુસ્તક દબાવી મુકયું. તો હવે અમારે બીજા કયા ગંગાજી સમજવા તેનો જન સમાજ આગળ ખુલાસો કરશો.

          યાદ રાખજો  કે હવે એ જમાનો વહી ગયો છે કે અમારા કડવા તથા લેવા પાટીદાર ભાઈઓ તમારી જાળમાં ફસાય તમારી તથા કાકાઓની લુચ્ચાઈ પાટીદારો જાણી ગયા છે. અમદાવાદમાં તમો તથા કાકાઓ કોર્ટોમાં કેસ લડી રહ્યા હતા જેના ઘરમેળે પંચ કચ્છના આગેવાનોમાંથી અમુક પીરાણે આવેલ હશે તે થયા હતા. તેની પાછળથી તે કેસમાં સાક્ષીની જરૂર પડતાં કચ્છ નખત્રાણાની કોર્ટમાં કમીશન ગયું. ત્યાં તપાસ ચાલી પંચ (આમીન) થયેલા માણસોની જુબાનીઓ લેવાણીપીરાણાથી સૈયદ પુંજામીયાં તથા કાકો નથુ પણ આવેલ હતા. જેમાં સૈયદે ખાસ તકરાર લઈ લડત ચલાવી ને કાયદેસર પીરાણા પંથને માનનાર ખાસ ન હિન્દુ કે ન મુસલમાન છે એમ સાબીત કર્યું. તેની પ્રસ્તાવીક નિબંધમાં જુબાનીઓ પણ બહાર પાડેલ છે તેમજ ઘણાં ભાઈઓએ કોર્ટમાં હાજર રહીને સાંભળેલ છે. તે ઉપરાંત ગામ વિથોણના ખાનામાં ત્રણ પાંચડા ભેગા થયાં હતા. જેના રૂબરૂ સ્વર્ગસ્થ નથુકાકાએ (જેમનો આત્મા બાવા ઈમામશાહ પાસે ઈનામ લેવા ગયેલ છે) કહ્યું હતું કે પીરાણા પંથ ભવઈયાની રમતમાં “જંદાના વેશ જેવો છે”. આજે એ જ કાકાઓ અને તમે કોર્ટમાં લડી પાછા બંનેએ પોતાની નીચતા વાપરી કણબી જ્ઞાતિને ઠગવા સારૂ ગંગાજીના નામની ગપ ઉડાડીઅરે પાટીદારો શું એટલું પણ નહીં સમજે કે આ બધો પ્રપંચ છે. જો કદી તમારી વાત સાચી હોય ને ગંગાજી પ્રગટ થયાં હોય તો શું તમારા વડીલ પીરાણા પંથના સ્થાપક ઈમામશાહમાં અકકલ ન હતી કે ખબર ન હતી ? પોતાના પુસ્તકમાં સાફ લખેલ છે કે આખરે અઢી મુંમન રહેશે અને સૈયદો લોટ લઈ જાશે તેને કોઈ રોટલો પણ ઘડી આપશે નહીં. જયારે અમારા પાટીદારોને તથા બીજા ઘણાં માણસોને ફસાવી મારનાર ઈમામશાહને આટલી ખબર હતી ને પોતે લખ્યું છે તો પછી તમારા કહેવાતા ગંગાજીની કેમ ખબર પડી નહીં જો તેણે આગળથી ભાંખ્યું હોત તો હજી પણ થોડા ઘણાં માણસો કબુલ કરત. આતો તમારા ઈમામશાહ કરતાં તમારી અક્કલ વધી ગઈ. હવે કાંતો તમારી ગંગાજી ખોટા ઠરાવો નહીંતો તમારા ઈમામશાહને ખોટા ઠરાવો.

          હિન્દુઓમાં પૂજ્ય અને પવિત્ર મનાતા ગંગાજીનું જળ કોઈ પણ હિન્દુ પાસે હોયને કોઈ બીજો હિન્દુ માગણી કરે તો તે આપવામાં અચકાતો નથી. પણ તમારા જેવાં તમારા શિષ્યો કે ઠગભગતો તમારા દલાલો તમારી કહેવાતી બનાવટી ગંગાજીનું પાણી આપતાં અચકાય છે અને ખોટા બહાના બતાવી આપતાં જ નથી. એ તમારી તેમજ તમારી ગંગાજીની સત્યતા સાબિત કરે છે.

          તમો તમારા હેન્ડબીલમાં પટેલ નારાયણભાઈના લેખનો જવાબ આપવા સારૂં છપાવવા સારૂ પીરાણા પંથના માનનાર કોઈ પણ વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરો છો ! શાબાશ છે ! બાવા સાહેબ ભોળા માણસોને ઠગી ખાવાની ઉસ્તાદી સારી શીખ્યા છો. આ તો સતપંથી પૈસા આપે તો છપાવો. વાહ શી યુક્તિ ! “દાન તુમારા કામ હમારા” એવો તાલ છે. તમારા વડીલ ઈમામશાહે આવો ખજાનો “ઈમીટેશન સોના જેવો” પંથ ચાલુ કરી આપ્યો. સોનાની ખાણ તમારા સારૂં મુકતો ગયો. તેને તમોએ ખૂબ ઉપયોગમાં લીધો. હવે જ્યારે તે પડી ભાંગવા લાગ્યો ને ડગમગી ગયો ત્યારે તેની મરામત કરાવવા સારૂં તમારી પાસે પૈસા નથી. કેટલી શરમની વાત છે ! જયારે તમારાથી આટલી નજીવી રકમ પણ નથી ખરચી શકાતી તો તમારા વડીલ ઉપર ને તેને બનાવેલા પંથ ઉપર તમોને કેવોક પ્રેમ હશે તે દેખાઈ આવે છે.

          હવે કાં તો સત્યતાથી જવાબ આપો ને નહીં તો “ગાજરની તુતુડી વાગી ત્યાં સુધી વાગીનહીં તો ફેંકી દીધી” એવો રસ્તો કરો. કચ્છી કહેવત પ્રમાણે “કુટણ મુઠી ખુણે રુવે” એવો તમારો વખત આવ્યો છે. બાકી હવે તમારૂં ખરાબામાં અથડાયેલું વહાણ પાર ઉતરશે નહીં. કોઈ પણ ઠેકાણે સાચો સત્યતાનો કિનારો જોઈ ઉતરી જાઓ ને ભાંગેલા વહાણને મુકી દો. તેમાં તમારૂં બંનેનું ને અન્યનું પણ શ્રેય છે. નહીં તો બીજાઓનું તો થવાનું હશે તે થશે પણ તમોને વહાણવટીઓની માફક વગર મોતે દરીયામાં ડુબી મરવા જેવો વખત આવશે માટે ચેતો. આખરે સત્યનોજ જય થાય છે ને કુકર્મીઓના કાળા મોંઢા
થાય છે.   (અસ્તુ)

          લી. શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક મંડળના તરફથી  સેક્રેટરી પટેલ શીવજી કાનજી

          રણછોડ લાઇન કરાંચી
તા. ૧૩—૬—રપ

Leave a Reply