Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

19. હૃદયોદગાર પત્રિકા ક્રમ 6 - વર્ષ 1934ના અરસામાં

હૃદયોદ્‌ગાર

 

આગેવાનોની જાલીમ સત્તાથી યુવાનો સાવધાન

 

          ઓ વહાલા કચ્છી કડવા પાટીદારો ? તમે આજે અજ્ઞાનતાના અંધારામાં અથડાઈભીરૂતાના ભસ્મિભુત કુંડમાં ભરાઈકડવા પાટીદારના ઉચ્ચઓજસ્વી અને ગૌ શાહી ઈતિહાસને કલંક લગાડી મૃતઃ પ્રાય સ્થિતિ આપવા અને ઉચ્ચ ગૌરવને હણી નાખવા આજ તમે શા શાં પગલા ભરી રહ્યા છો,તમે પોતે કોણ છો અને ક્યે માર્ગે ગહન કરી રહ્યા છો તેનું પણ ભાન રાખો છો?

          આજ લગભગ પચીસેક વરસો થયાં કેટલાએક જ્ઞાતિ દાઝ જાણનાર સુધારક ભાઈઓએ પીરાણાના પ્રપંચી પંથ રૂપી અંધકારનો પછેડો ઉંચો કરી આપણને આપણું મુળ સ્વરૂપ બતાવી ખરા ધર્મનું રહસ્ય સમજાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે જેને તમે નિંદા સમજી ન ગણકારતા મુઢની જેમ એ પ્રપંચી કાકા અને સૈયદોના કમાઉ દીકરા બની બેઠેલા સ્વાર્થી અને લાંચીયા આગેવાન પટેલોની આપ ખુદી સત્તા નીચે દબાઈ મેંઢાની જેમ દોરાઈ પોતાના ધર્મને ભૂલી જ્ઞાતિના ઉચ્ચ ગૌરવને હણી રહ્યા છો તેનું પણ ભાન રાખો છો?

          હે ગુર્જર ધરાના વહાલા સંતાનો ! આજ ફક્ત પાંચશો વરસ થયાં આપણા વડીલોએ પીર ઈમામશાહના અર્ધ દગ્ધ ગપ પંથને ગ્રહણ કરી પાટીદારના શુદ્ધ વંશને કલંક લગાડી કચ્છમાં આવી વસ્યા. છતાં પણ એ વડીલોએ હિન્દુ રીતરિવાજો તેમજ સંસ્કાર આદિ વેદ વિધિ અનુસાર થતી ક્રિયાઓ છોડી ન હતી અને વંશપરંપરાથી વંશાવળી લખનાર ઈતિહાસકાર ભાટનો બહિષ્કાર
કર્યો ન હતો.

          એ પાછળથી એટલે આજની ૨૫૮ વર્ષ પહેલાં કપટી કાકા પ્રાગજી અને પ્રપંચી સૈયદ વલીમીંયાએ આપણને હંમેશને માટે પોતાના શિકાર બનાવવા અને પાથરેલી જાળમાંથી છટકી ન જાય તેમજ આગળ ઉપર પૂરેપુરી બાજી ખેલવામાં એટલે મુસલમાન બનાવવામાં વધારે તકલીફ ન પડે તેમજ પોતાના વંશપરંપરાની આજીવિકામાં હકકત ઉભી ન થાય તે માટે એ બ્રાહ્મણો હસ્તક થતી ક્રિયાઓ બંધ કરાવી અને મુખીઓ પાસે ક્યાંથી કપોળ કલમાઓ પઢાવીને ધાર્મિક ક્રિયાઓ કરાવવા લાગ્યા. મરણ પછી શબને અગ્નિ સંસ્કાર કરવાને બદલે મુસલમાનની પૃથા મુજબ દફનાવવા લાગ્યા અને મુળ સ્વરૂપને ભૂલી જવા માટે વંશાવળી લખાવતા બંધ કરાવી ભાટને હંમેશને માટે તિલાંજલી અપાવી. તેમજ છોકરાંઓને ન ભણાવવાની ધર્મના બહાને મનાઈ કરી આપણને હંમેશને માટે અજ્ઞાનતાના અંધારામાં ગોથાં ખવરાવી આપણા હિન્દુ રીતરિવાજનું પતન કરી યવનોને યોગ્ય રીતરિવાજો દાખલ કરાવી પોતાની સ્વાર્થી લુંટ ચાલુ રાખીપાટીદારના ઉચ્ચ ગૌરવને કલંક લગાડી હિન્દુ જ્ઞાતિમાં હલકું પાડ્યું.

          આ બધું આપણે અજ્ઞાનતાએ અંધ શ્રધ્ધાએ અને ભીરૂતાએ સ્વાર્થી લાંચીયા આગેવાન પટેલોની અધમતાની ખોટી આપખુદી સત્તા નીચે દબાઈ ખોટી મૂર્ખતાએ અજાણતાથી સહન કર્યું પરંતુ હજી પણ તમો જાણવા છતાં તે અધમ આગેવાન પટેલોની સત્તાથી ડરી તેમની રાહે ચાલ્યા કરો છો અને તેમને તમે ખરા અંતઃકરણથી પૂજ્ય ભાવે જ્ઞાતિના સ્તંભ રૂપ સમજી બેઠા છો અને તેમના હાથમાં નાતનો સર્વ દોર સોંપી આદર્શમય કાર્યની આશા રાખી બેઠા છો તો તે તમારી મૂર્ખતા નહિ તો બીજું શું?

          હે યુવાનો આજ આગેવાનો નાતના પૈસાને કોઈ સુમાર્ગે વાપરવાને બદલે પોતે પોતાના કરી સ્વછંદ પણે વાપરી રહ્યા છે. એ ઉપરાંત એ નાણામાંથી ચોરી કરવાનું પણ ભૂલતા નથી. જે ગામ શ્રી નખત્રાણાના મુખી વીરજી અબજી રામાણીએ વિવાના ધર્માદા લાગાની ભેગી કરેલી કોરીઓ મજૂસમાં નાખતાં નાખતાં અગિયાર પાંચીયા પોતાના પગ નીચે છુપાવી દીધા. આ ચોરી વિશ્રામ પુંજા જબુવાણીએ પકડી પાડી અને તેને પંચ આગળ રજુ કરી તેને પાંચીયા ચોરવાનું કારણ સખ્તાઈથી પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને શીવજી જેઠા પટેલ અને અબજી નાથાણીએ રાખવાનું કહ્યું હતું આથી યુવાનો એકદમ ઉશ્કેરાઈ ગયા પણ શીવજી પટેલ તે વખતે ત્યાં હાજર ન હતા જેથી બીજે દિવસે યુવાનોએ આખા ગામના માણસોને ભેગા કર્યા પણ શીવજી પટેલ આવ્યા નહિ તેને બે—ત્રણ માણસો ઘેર તેડવા ગયા તો પણ આવ્યા નહિ જેથી યુવાનોને નિષ્ફળ થઈ ઉઠી જવું પડ્યું તે પછી પણ બે—ત્રણ વખત ભેગા કર્યાં પણ પટેલ આવતા નહિ જેથી તેમાંનું કાંઈ પણ થયું નહિ ને આજ દિવસ સુધી તે કેસનો કાંઈ પણ ખુલાસો થયો નહિ.

          એ ઉપરાંત એ મુખી વીરજી અબજી પાસે નાતની સીલકની કોરી લગભગ (૩૦૦૦) ત્રણ હજારને આશરે છે જેની પાકે ચોપડે નોંધ સરખી પણ નથી કે જેથી તેમાંથી હજમ કરવી સહેલ થાય. આ ઉપરાંત એ ગેઢેરા મનાતા અબજી નાથાણી પાસે પણ (૨૦૦૦) બે હજાર લગભગ કોરીઓ હતી જેની પણ નોંધ ન હોવાનું સંભળાય છે તે જો આ વાત સત્ય હોય તો આવા દિલ્હીના સફેદ ઠગોની પાસેથી હિસાબ લેવાની ખાસ જરૂર છે.

          આ ઉપરાંત દરબારી કેટલાએક ખર્ચાઓ કે જે ખાસ ખેડૂતોએ આપવાના છે તે પણ ધર્માદા નાણામાંથી એ અગ્રગણ્ય આગેવાનો પોતાની સત્તાએ આપતા જાય છે તેની પણ તપાસ કરવાની ખાસ જરૂ  છે.

          હે બંધુઓ આ આગેવાનો છુટાછેડા કરવામાં પણ તેટલી જ શુરવીરતા દાખવે છે. દીન   ળાઓના વિના અપરાધે અને તેની મરજી વિરુદ્ધ છુટાછેડા કરી પોતાના ફક્ત ખીસ્સા ભર ના ધંધાને પોતાનું ધ્યેય સમજી રહ્યા છે તે નખત્રાણાના મનજી સાંખલાના છોકરાની વહુના થયેલ છુટાછેડાના દાખલા ઉપરથી જો તે બહેને એ આગેવાનો આગળ આવીને પોતાના બળતા  હૃદયે તે આગેવાનોને કેવા કેવા શ્રાપો આપતી ગઈ તે હાજર રહેનાર ભાઈઓ જાણે છે પણ એ બદમાસોને અસર થઈ નહીં.

          હે યુવાન હજી પણ તું બીકણ બની આ બધું છતી આંખે જોવા છતાં સહન કરી રહ્યો છે હવે તો તે કાર્યને તારે શીર પર લઈ તારી નાત પ્રત્યે અને ગામ પ્રત્યેની ફરજ સમજી તકલીફ ઉઠાવવાની ખાસ જરૂર છે. આમ અર્ધ નિદ્રામાં જાગૃત રહી કેટલા દિવસ ગરીબોના દુઃખી હૃદયોની કળકળાટભરી ચિસો સાંભળીશ અને આવા ઠગોને કેટલા દિવસ સ્વતંત્રપણે લુંડવા દઈશ.

          હે યુવાનો જાગો જાગો અને નીડર બનો. સામી છાતીએ એ આગેવાનો સાથે લડી નિરાધાર બહેનો તેમજ સનાતન ધર્મ તથા ધર્માદા નાણાનું રક્ષણ કરી પાપી પીરાણા પંથને છિન્ન ભિન્ન કરી નાખી તમારા નામને દિપાવો.

          હે યુવાનો એવા એ આગેવાનો ફક્ત પૈસા લુંટવામાં જેટલી બહાદુરી વાપરે છે તેથી પણ વિશેષ બહાદુરી ધર્મનું ખંડન કરવામાં હિન્દુત્વનો નાશ કરવામાં વાપરી પોતાની આપખુદી સત્તા ચલાવી ગરીબોને હેરાન કરી રહ્યા છે તેનો તાજેતરમાં ગામશ્રી માનકુવામાં બનેલોદાખલો આપું છું તે વાંચીને વિચારો, કચ્છી સંવત ૧૯૯૦ના માસ અષાઢ સુદ ૫ને બુધવારે {VSA: 28-Jun-1933} ગામશ્રી માનકુવાના કણબીઓના અહોભાગ્યે કે દુષ્ટ ભાગ્યે ગામશ્રી મંગવાણામાંથી ખૂબ માનપાન આદી પામીને વિદાય થયેલો પીરાણાવાળો સૈયદ મહમદઅલી મીરૂમીંયાના પાપી પગલા ગામશ્રી માનકુવામાં દાખલ થયા અને તેવી જ મજુર ભાઈઓએ તેને પરબા  વિદાયગીરી આપવાની તૈયારી કરી. આ સનસનાટીથી આગેવાનોની આપખુદી સત્તામાં કાંઈક વિક્ષેપ પડ્યો અને તેને માનસર મેડા ઉપર ઉતારો દેવાને બદલે ભોંય તળીયે એક ઓરડીમાં ઉતારો દેવામાં આવ્યો તે સૈયદની સાથે તેનો એક નોકર ડાડા કારા હતો જે ગામશ્રી દરશડીનો મુસલમાન કુંભાર છે જે બે વર્ષ થયાં તે સૈયદ પાસે નોકરી કરે છે.

          આ નીચે એકાંત ઓરડામાં આપેલો ઉતારો તેને અપમાનકારક થઈ પડ્યોજેથી તેણે તે અપમાનના માઠા સમાચાર મંગવાણાના પટેલ હીરા ખીમાને મોકલ્યા, આ સમાચારથી હીરા પટેલનું હૃદય કંપી ઉઠ્યું અને બીજિ દિવસે સવારમાં જ અશ્વારૂઢ થઈ માનકુવે આવ્યો અને પરબારો સૈયદના ઉતારામાં જઈ ત્યાંથી તેનો ઉતારો પોતાને હાથે ઉપાડી કેમ જાણે પોતાને ઘેર તેડી જતો ન હોય તેમ મેડા ઉપર કોઈને પુછ રછ કર્યાં વગર તેડી ગયા અને ત્યાં બેસાડયો. આ સમાચારથી સૈયદ પ્રિય ખેડૂતો અને અધમ આગેવાનો ત્યાં ભેગા થઈ ગયા અને હીરા પટેલના વખાણ કરવા લાગ્યા અને પોતાનો પક્ષ મજબૂત થયો જાણી ખુશ થયા.

          આ સમયે સૈયદ મહમદઅલીએ હીરા પટેલના માનની ખાતર અને આવેલ હરામ ખાઉ  ટેલીયાને ચાપાણી આપી પોતાના પક્ષના કરી લેવા અને તેમને નીચું જોવડાવવા તેમણે કુંભાર ડાડા કારાને ચા, બનાવવાનો હુકમ કર્યો તે જ વખતે ડાડો ચા બનાવવા તત્પર  યો અને સૈયદ ભક્ત કે ચા ભક્ત કા. કરમશી રતના ચા દુધ સાકર લાવી આપવામાં મદદ કરવા લાગ્યો. ચા થોડીવારમાં તૈયાર થઈ રહેતાં ખાનામાંથી લાણ ખાવાના (રાંધેલો પ્રસાદ ખાવાનાં) કબરીયા વાટકા લઈ આવ્યા અને એ જુઠાં (એઠાં) વાટકામાં કુંભાર ડાડાના હાથે ચા, ઠારવામાં આવી. તે ચા ત્યાં બેઠેલા બધાએ વગર સંકોચે સૈયદનો પ્રસાદ માની ઢચઢચાવી ગયા. તેણે એટલો પણ વિચાર ન કર્યો જે આમ વર્તવાથી અમો અભડાશું.

          આ રીતે હીરા પટેલ પોતે વટલાઇ પોતાના ગામમાં પણ તેવી જ રીતે વટલાવ્યા હશે. તેથી પણ સંતોષ ન પામતાં તે માનકુવે આવીને પણ પોતાનું કાળું મોઢું કર્યું. શાબાશ છે હીરા પટેલ તમને જે આવા હીચકારા કામ કરી માતા પિતાના નામને બોળો છો. નાત જેને છોડવા માગે છે, નાત જેને ધિક્કારે છે તે યુવાન મલેચ્છોને તમે માન આપી રહ્યા છો તેના ખુશામતીયા પાંગતીયા બની રહ્યા છો, તેના કાવત્રાની કપટ જાળમાં નાતને સપડાવવામાં તમો તેના મદદગાર બની રહ્યા છો તે આવી રીતે ચા પીતાં અને બીજાને પીવરાવતાં શરમાઓ.

          એ તમારા ભાઈઓને સપડાવીને, કુટુંબ દ્રોહી, ઔરંગઝેબ જેવા કસાઈ કાવત્રાખોર ન બનો. વળી એવા કાવત્રાં રમવાથી પણ ઈમામશાહના દીકરા નહિ બનો અને કદાચ બનશો તો પણ સ્વર્ગની હુરાંને નહિ વરો.

          આ ઉપરોક્ત વાતની જ્યારે ગામના યુવાનોને ખબર પડી કે તરત જ તેઓ એકત્ર થઈ તે ચા પીનારાઓ સાથે અસહકાર કર્યો અને સાતમ ઉપર લીયાણીમાં તેમની સાથે ભાગ ન લેવા ઠરાવ કર્યો.

         

          

Leave a Reply