Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

28. સ્વામિનારાયણના સાધુ દીક્ષા બાબતે સલાહ માંગતો મનજી ભગતનો રતનશી ખીમજીને પત્ર - દિનાંક 12-Mar-1945

          સ્વસ્તિ શ્રી ગામ વિરાણી મધ્યે મહા શુભ સ્થાને શ્રી હરીના લાડીલા પરમ કૃપાળુ પર ઉપકારી સર્વે નાતભાઈના હેત ઈચ્છતા તન, મનથી નાતભાઈઓની સેવા કરો છો તો અમો પણ ઘણા ખુશી થઈએ છીએ. એવા રા.રા.રતનશીભાઈ ખીમજીભાઈ પ્રત્યે અમદાવાદથી લીા.મનજી ભગતના નારાયણ વાંચશોજી.

          વિશેષ લખવાનું કે હાલ આપના સમાચાર ખુશી મજાના નથી તો કુશળતાનો પત્ર લખવા કૃપા કરશોજી. બીજું અમારે સાંભળવામાં આવ્યું છે કે ગામ નખત્રાણામાં શિખરબદ્ધ મંદિર લક્ષ્મીનારાયણનું કરવા માંડ્યું છે તો તે સાંભળીને અતિશય આનંદ થયો છે. બીજું ઠાકોરજીને બેસાડવા માટે સિંહાસન કરવું. તે નીચે ન રાખવું ઉંચે પરથારે લેવું. ભુજમાં સ્વામીનારાયણના મંદિરમાં નરનારાયણ દેવનું સિંહાસન તમોએે જોએલ છે તેવું બનાવશો ને બારણું પણ બાજુમાં મુકવું, પોલું મુકવું કારણ કે દર્શન બરોબર થાય તેટલા માટે. આપને ભલામણ કરવી પડે તેમ નથી પણ સહેજે લખેલ છે. બીજા ગામોમાં પણ મંદિર બંધાવેલ છે તે બહુ જ ઉત્તમ છે ને તમોને ભગવાન મહેનતનું ફળ આપશે. એટલું બધું અવળુ ભરાવેલ કોઈ ઉથાપના કરે જ નહી. આ તો ભગવાને તમારામાં ઐશ્ચર્ય મૂક્યું છે તો જ કરી શકો છો. બીજા જેવા તેવાથી કાંઈપણ બની શકે નહીં ને મોટામાં મોટું પુન્ય નાત ને સુધરાવીને ઊંચે દરજ્જે કેળવણીમાં લેવું તેવું બીજું પુન્ય નથી ને આટલી બધી મહેનત કરે કોણ. આળસઊંઘનો ત્યાગ કરીને મહેનત કરો છો તે અમો તો તમારો મોટો ઉપકાર માનીએ છીએ. બીજું અમારી દીક્ષા બાબતની વાતચીત ચાલે છે તે આજદીન સુધી કાંઈપણ ખુલાસો કરતા નથી. ને ભુજના સાધુના અભિપ્રાયો મંગાવ્યા તેને તો “ના”નો મોકલ્યો છે. તેની તમોને નકલ મોકલેલ છે તે વાંચવાથી માલુમ પડશે. જેવો તમો અભિપ્રાય   આપો તેમ કરીએ બીજું અત્રે હિન્દુ મહાસભાના વડા ગંગારામે પણ મુલાકાત કરી હતી. તેને કીધું કે તમોને જરૂર ન્યાય આપવો પડશે. તેવા કાગળથી સમાચાર મંગાવે છે પણ મેં તમારી પાસે વાત કરેલ તે તમારું કહેવું થયું કે કચ્છમાં જઈને પછી કઈશ. તો જેમ તમો કહો તેમ કરવા તૈયાર છીએ. પહેલાં પણ તમારું ને નારાયણભાઈ રામજીભાઈનું કશું ના માન્યું તેનું આ પરિણામ છે. સાધુના વિશ્વાસે રહ્યા તો છેવટે આ પરિણામ ભોગવવા પડ્યાં. હવે છેવટ શું કરવું તે તમો બીજા આપણા ભાઈઓને પૂછીને જરૂર લખવા કૃપા કરશોજી. ભુલશો નહીં એ જ વિનંતી છે. વિવાહ પ્રસંગ છે તો બધા ભાઈઓ ત્યાં જ છે ને આપના સમાચાર આવ્યા બાદ વિચાર કરશું. તે બાબતની આપને ચિંતા છે ને બીજાથી તો નજર પહોચે તેમ નથી. માટે તે સલાહ તમારી લેવાની જરૂર છે. એ જ…

સં.૨૦૦૨ના ચૈત્ર સુદ ૧૧ શુક્રવાર તા.૧૨—૩—૪૫ દા.પોતે

સરનામું : ઠેકાણું : સ્વામીનારાયણના મંદિરમાં, ગુજરાત ભુજવાળા મનજી ભગતને પહોંચે.

Leave a Reply