Book: સતપંથ મુક્તિ (Satpanth Mukti)

(For PDF version, see above)

સતપંથ મુક્તિ

સતપંથ થી જજુમતી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની ચળવળ

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની સ્થાપના વર્ષ ૧૯૬૦ માં થઇ. તો શું એથી પહેલાં આપણી સમાજ નહોતી? એનાથી પહેલાં આપણી જ્ઞાતિમાં સમાજ વ્યવસ્થા કેવી હતી? કે નવી સમાજની સ્થાપના કરવી પડી? આના માટે આપણે આપણો ઈતિહાસ જાણવો પડે.

1. કચ્છ કડવા પાટીદાર મૂળમાં સનાતની હિંદુ: કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના વડવાઓ મૂળમાં શુદ્ધ સનાતની હિંદુ હતા. વ્યવસાયે ખેતી કરતા હતા. શિવ પાર્વતીના ઉપાસક હતા. ભોળા સ્વભાવના હતા. અને ભગવાન ઉપર અટુટ શ્રદ્દા અને વિશ્વાસ રાખનારા હતા. આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલાં ઊંઝાની આસપાસના વિસ્તારોમાં ખેતી કરતા હતા.

2. કડવા પાટીદારો સતપંથમાં કેવી રીતે ફસાયા: આપણે મૂળ કચ્છના વતની નથી, ગુજરાતના ફળદ્રુપ પ્રદેશ ઊંઝા, મહેસાણા તેમજ ગીરમથા વિસ્તારમાં રહેતા હતા.

સતપંથનું ધાર્મિક ચિન્હ

વિક્રમ સવંત ૧૫૯૦ (વર્ષ  ૧૫૩૪) માં આપણા પૂર્વજોનો એક સંઘ કાશીએ યાત્રા કરવા જતો હતો. ત્યારે રસ્તામાં ઈરાનથી આવેલ પીર ઈમામુદીન અબ્દુલ રહીમ સૈયદનો અનાયસ ભેટો થઇ ગયો. ત્યારે આપણા પૂર્વજો અભણ, અજ્ઞાની અને નિર્ધન હતા. તેઓને આ ઇલ્મી માણસે ચમત્કારો બતાવીને બરાબરના મોહપાશમાં જક્ડ્યા અને ફસાવ્યા. આપણા પૂર્વજો બરાબર ફસાયા અને વખત જતા એ પીરને ભગવાન સમજવા લાગ્યા. તેથી તેની પૂજા કરવા લાગ્યા. અને સવંત ૧૫૯૨ કારતક સુદ બીજ (૨૯ઓક્ટોબર૧૫૩૫) અને શુક્રવારના રોજે સતપંથ ધર્મ સ્વીકાર્યો.

આપણા પૂર્વજો જે વિસ્તારમાં રહેતા હતા ત્યાંના લોકોને આપણા પૂર્વજોના કરતુતો વિશે જાણ થઇ. તેમને ખબર પડી ગઈ કે આપણાજ ભાઈઓ હિન્દુ થઈને મુસલમાન પીરને પૂજવા લાગ્યા છે તથા તેમના આચરણો પણ બદલવા લાગ્યા છે. તેથી તેઓ આપણા પૂર્વજોને હડધૂત કરવા લાગ્યા. પોતાની અવગણના થયા બાદ પણ આપણા પૂર્વજોએ પીરને ન છોડ્યો તે ન જ છોડ્યો. તેથી ત્યાંના સમાજજનોએ ભેગા મળીને આપણા પૂર્વજોને ખુબ સમજાવ્યા કે આપણે શિવ પાર્વતીના ઉપાસકો છીએ. આપણાથી આ મુસલમાની પીર ફકીર ના રવાડે ન ચડાય અને તેના ઉપાસક ન બનાય. આપણને આ બધું સોભતું પણ નથી. એટલે આ બધું મુકો અને સંપીને અમારી સાથે રહો.

ઊંઝાના વડીલોનું કહેવું માન્યા નહિ તેથી આખી જ્ઞાતિ રવાડે ચડી ગઈ અને ઘણી તકલીફોને નોતરી બેઠી.

3. સતપંથીઓનો સમાજમાંથી બહિષ્કાર: સતપંથીઓ ન સમજતા આખરે ત્યાંના સમાજજનો એ બહિષ્કારનું હથિયાર ઉગામ્યું. તેમણે આદેશ આપ્યો કે આ પીરને મુકો નહીંતર અમો તમને છોડી દઈશું. ત્યારે સતપંથીઓ વિચારીને જવાબ આપીશું એવું કહીને ત્યાંથી નીકળી ગયા. સીધા ગયા પીર ઈમામુદીન પાસે અને પોતાની મુશ્કેલી જણાવી કે બાવા સાહેબ આ મુશ્કેલીમાંથી આપજ ઉગારો અને રસ્તો બતાવો. બાવાએ વિચાર્યું હશે કે જો આ લોકો પીછેહઠ કરશે તો મારી માંડ શરૂ થયેલ દુકાન બંધ થઇ જાય એ ઠીક નહિ. એટલે તે લોકોને સધીઆરો આપતા કહ્યું કે તમે ફિકર ન કરો હું તમારા માટેજ બેઠો છું. હું રસ્તો કાઢી આપીશ. આવી રીતે આપણા ભોળા પૂર્વજોને સધિયારો મળતા જોરમાં આવી ગયા. જોરમાં આવી જવા પછી સતપંથીઓ તરફથી ગોળગોળ જવાબ આપવામાં આવેલ હશે એવું સમજાય છે. ઊંઝાના સમાજજનો એ કહ્યું હશે કે ગોળગોળ જવાબ નહિ ચાલે. તમારે સ્પષ્ટ જણાવવું પડશે કે અમારા ભેગું રહેવું છે કે મુસલમાન પીર ભેગું…? છતાં પણ પાછો ગોળગોળ જવાબ આપ્યો, આખરે ત્યાના સમાજજનો એ આકરો નિર્ણય લીધો કે આજથી આ સમાજમાંથી તમારો બહિષ્કાર કરવામાં આવે છે. આપણા પૂર્વજોનો પોતાના જ સમાજ પરિવારમાંથી બહિષ્કાર થયો. એટલે ત્યાંની સમાજમાં ન રહી શકે તેવી પરિસ્તિતિ ઉભી થઇ. આપણા પૂર્વજોને ખુબ દુઃખ થયું અને પીડા પણ થઇ પણ સાથે સાથે આશા પણ હતી કે બાવા કંઈક રસ્તો કાઢશે. ભેગા થઈને બધા આવ્યા પીર ઈમામુદીન પાસે અને સમાજ દ્વારા લેવાયલો નિર્ણય જણાવ્યો કે અહીની સમાજે અમારો બહિષ્કાર કરી નાખ્યો છે. અમોને જ્ઞાત બહાર કરી નાખ્યા છે.

4. કડવા પાટીદારોનું કચ્છમાં આગમન: તે સમયમાં અમદાવાદમાં મહમદ બેગડાનું સાસન હતું. ઈમામશાહના ખુબ સારા સંબંધ મુહમદ બેગડા સાથે હતા. મુહમ્મદ બેગડાની દીકરીના લગ્ન ઈમામશાહના દીકરા નુર મુહમ્મદ સાથે થયેલ હતા. ઈમામશાહે કચ્છના રાજા પાસે જઈને કડવા પાટીદારોની સારી ખેતીના વખાણ કરી, ગુજરાતથી કચ્છમાં આવનાર એક સારી ખેડૂત પ્રજા માટે કચ્છમાં આવકાર મળે, એવી વ્યવસ્તા ગોઠવી. આથી આપણા પૂર્વજોનું પ્રસ્થાન કચ્છ તરફ થયું. કચ્છમાં પહેલું થાણું અંદાજે સવંત ૧૬૨૫ ના વર્ષમાં “સીકરા” ગામે (ભચાઉની બાજુમાં) સ્થપાયું અને આપણા પૂર્વજો કચ્છના વતની થયા. જેથી આપણી જ્ઞાતિ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ તરીકે ઓળખાવવા લાગી.

5. સતપંથ ધર્મ સ્વીકારવાની ભૂલનો પહેલો અહેસાસ: સમય જતાં વાર નથી લગતી. ઘણી વાર સમયના વેગમાં સાચી વાતની સમજણ પડે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.

આપણા પૂર્વજો સિકરા ગામે વસવાટ કરતા હતા. તે સમયે જ્ઞાતિના ખુબ પ્રિય અગ્રણી વડીલ શ્રી બાપા વિશ્રામ નાકરાણી મરણ પથારીએ હતા. કોઈ અજ્ઞાત કારણે તેમનો જીવ જતો ન હતો. ગામના ભાઈયો એ વિચાર્યું કે બાપાને કોઈક વીટંબણા છે જેથી કરીને જીવ જતો નથી. એટલે ગામના ભાઈયો ભેગા થઈને બાપાની પથારી પાસે બેઠા અને પૂછ્યું કે બાપા તમારી જે કોઈ ઈચ્છા રહી જતી હોય, તે અમને કહો. અમે તમારી ઈચ્છાને પૂરી કરવાની કોશિષ કરશું. તમારા જીવની સદગતી કરો.

ત્યારે બાપા બોલ્યા કે આપણે એક મુસલમાન પીરના ધર્મને માનતા માની લીધો છે. એ આપણી બહુ મોટી ભૂલ થઇ ગઈ છે. પણ હવે પાછું વળવું ખુબ મુશ્કિલ છે. પણ ભવિષ્યમાં આપણી જ્ઞાતિ મુસલમાન ન બની જાય, તેનાં માટે મને બે વચન આપો. એક ગોકળીયું (કૃષ્ણ જન્માષ્ઠામી) ક્યારેય બંધ ન કરશો અને બીજું પરમાટી (નોન-વેજ) ખાશો નહીં. હાજર વડીલોએ આ બે વચન આપ્યા ત્યાર બાદ બાપાનો જીવ છૂટ્યો.

મુસલમાની સતપંથ ધર્મમાં આપણી જ્ઞાતિ આજ સુંધી રચી પચી રહી. આપણને મુસલમાન બનાવવા માટે સતપંથના ધર્મગુરુ સૈયદો, પીરાણાના કાકાઓ અને ગેઢેરાઓએ અનેકો પ્રયાસો કર્યા. આપણામાં નિકાહ અને દફન વિધિ જેવી મુસલમાન રીત રીવાજો પસરી ગઈ. પણ વિશ્રામ બાપાને આપેલ આ બે વચનોના કારણે જ્ઞાતિનો હિંદુ ધર્મ સાથેનો મૂળ કાપવામાં સૈયદો, કાકાઓ અને ગેઢેરાઓ નિષ્ફળ રહ્યા. સતપંથના ખાનાઓમાં મુખી ગોકુળઆઠમ ખાનામાં (જમાત ખાના, જેણે હાલમાં સતપંથ મંદિર કહેવામાં આવે છે) મનાવવા ન આપતા, તો પણ આપણી મહિલાઓ ખાનાની બહાર ચાલીમાં અગવડ ભોગવીને પણ મનાવતી.

આપણે કચ્છના કડવા પાટીદારો સો ટકા સતપંથી થઈને કચ્છમાં આવેલ અને સીકરાથી પ્રસ્થાન કરીને કચ્છના આંતરિક વિસ્તારો જેવાકે માનકુઆ અને નખત્રાણાના આજુબાજુના ગામડાઓમાં વસવાટ કરવા લાગ્યા.

6. ઈતર જ્ઞાતિમાં ઓળખ મુમના કણબી તરીકે: હવે સમય વીતતો ગયો અને મુસલમાની રીતરીવાજોના કારણે ઈતર જ્ઞાતિમાં સતપંથીઓની છાપ મોમના કણબી તરીકે ઉભી થવા લાગી. ઈતર જ્ઞાતિને ખબર પડી ગઈ કે સતપંથ હકીકતમાં એક મુસલમાન ધર્મ છે. કારણકે આચરણો હિંદુઓના ઓછા અને મુસ્લીમોના વધારે હતા. એટલે ઈતર જ્ઞાતિના લોકો  સતપંથીઓથી આભડછેટ રાખતા અને સમય જતા દુરી પણ રાખતા થઇ ગયા.

તે વખતે આપણા પૂર્વજોએ સતપંથ અપનાવ્યો તેને અંદાજે ૨૦૦ વર્ષ જેટલો બહુ લાંબો સમય વીતી ગયો હતો. પરંતુ હજી સતપંથીઓમાંથી હિન્દુત્વ સંપૂર્ણપણે નીકળી નહોતું ગયું.

7. સૈયદો અને પીરાણાના કાકાઓ દ્વારા સતપંથીઓને મુસ્લિમ બનાવવાના કાવા દાવા: બીજી બાજુ સૈયદોને થયું કે જેવી રીતે સતપંથ ધર્મ પાળીને હિંદુ લોહાણા જ્ઞાતિના ઘણા લોકો મુસલમાન બની ગયા, તેવી રીતે કચ્છના કડવા પાટીદારો હજી સૂધી મુસલમાન કેમ ન બન્યા? માટે સૈયદોએ એવું ધીમું ઝેર આપવાનું શરુ કર્યું કે જેનાથી સતપંથીઓ ધીમે ધીમે મુસલમાન બને અને તેમને ખબર પણ ન પડે કે તેઓ મુસલમાન બનવાના રસ્તે જઈ રહ્યા છે. આ ઝેરની અસર ખુબજ ધીમી હોવાથી ધર્મ પરિવર્તનના કાર્યને વેગ આપવા માટે ઝેરનું પ્રમાણ વધારવાનું સૈયદોએ નક્કી કર્યું.

પોતાના કામને બર લાવવા સવંત ૧૮૩૨ ના સતપંથના ધર્મ ગુરુ સૈયદ વલીમિયા અને પીરાણાના તે વખતના કાબ્રસ્થાનની દેખરેખ કરનારા મુઝાવર (જેણે આજે પીરાણાના ગાદીપતી મહારાજ કહેવામાં આવે છે) અને સતપંથીઓ પાસેથી દસોન્દ ભેગી કરી સૈયદોને પહોંચાડનારા શ્રી પ્રાગજીકાકા કચ્છમાં આવ્યા. સવંત ૧૮૩૨ પોષ વદ તેરસના (ઈ.સ.૧૯/૦૧/૧૭૭૬) રોજે નખત્રાણાના ખાનામાં ત્રણેય પાંચાડાની જ્ઞાતના ગેઢેરા ભેગા કર્યા. સૈયદ ઈમામશાહ બાવાના પાટ આગળ ધૂપ કરીને જ્ઞાતિ પાસેથી પ્રણ લેવડાવ્યું કે આજથી વહીવંચો, ભટ્ટ, બ્રાહ્મણ, ચોરી અને અગ્નિદાહને તિલાંજલિ આપવી. વહીવંચા બારોટ ગવરીદાસ સામળદાસ અને ગોર જાનીદયાસંકર ભગવાનજીને રજા આપીએ છીએ. આ નિર્ણય અંગે લખાણ કરીને ફતવો બહાર પડ્યો કે આ હુકમને જે નહિ માને તેને જ્ઞાતનો ગુનેગાર ગણાશે અને તેને જ્ઞાત બહાર મુકવામાં આવશે. 

એ જમાનામાં જ્ઞાત બહાર મુકેલ માણસોના બધા સબંધો સમાજથી કાપી નાખવામાં આવે તો બાળકોના વેવીશાળ પણ ન થાય. તેથી જ્ઞાતબહાર મુકાવાનો ભય હકીકતમાં ખુબ મોટો હોવાથી આ ઠરાવના સામે થવાની કોઈની હિંમત ન ચાલી. અને ચાલી શકે તેમ હતી પણ નહિં. કારણકે ગેઢેરાઓનું એક હથ્થુ શાસન હતું. 

8. સનાતનીઓની પ્રથમ ક્રાંતિ: તે સમયગાળા દરમ્યાન નેત્રાના મુખી કેશરા તેજા સાંખલાએ જ્ઞાતિમાં સતપંથ ધર્મના ત્યાગ કરવાની શરૂઆત વિક્રમ સંવત ૧૮૬૧ ફાગણ વદ ૧૧ (તા. ૨૬-માર્ચ-૧૮૦૫) ના કરી. તેઓએ સ્વામીનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૮૭૧ ભાદરવા વદ ૭ (તા. ૨૫-૦૯-૧૮૧૫) ના કેશરા બાપાએ સતપંથ સામે ખુલ્લે આમ વિરોધ કરવાની શરૂઆત કરી. તેમાય ખાસ કરીને સંવત ૧૮૩૨ના નિર્ણય સામે વિરોધ કરવાની શરૂઆત કરી. કેશરાબાપાએ સંવત ૧૮૩૨ના ફતવા સામે બળવો પોકાર્યો એટલે આજે આપણી સમાજના નરવીર કેશરા પરમેશ્વરા તરીકે જાણીએ છીએ. 

તેઓ સમાજ સામે ખુલ્લા પડીને પોતાના સાથીદારો ૧) નાથા કરમશી સાંખલા, ૨) વસ્તા લખુ વાસાણી, (જેને સવંત ૧૯૦૧માં રવાપર ગામનું તોરણ બાંધી રવાપર વસાવ્યું) ૩) નાયા કરમશી ગોગારી અને ૪) અબજી કરસન ભગત, આ પાંચ ભડવીરો એ તે વખતની જ્ઞાત સામે ખુલ્લો બળવો પોકાર્યો. તે વખતના ગેઢેરાઓથી આ બળવો સહન ન થયો. આવી રીતે આપણી સમાજમાં પ્રથમ સતપંથ વિરુધનું ધર્મયુધ્ધનું મંડાણ થયું.

કેશરા બાપા સામે પગલાં લેવા વિથોણ ગામમાં સંવત ૧૮૭૨ ચિત્ર વદ ૭ (તા. ૨૩-૦૪-૧૮૧૬) ના ત્રણે પાંચાડાની જ્ઞાતને ગેઢેરાઓએ ભેગી કરી. તેમાં કેશરા મુખી તથા તેમના ચાર સાથીદારો ને બોલાવ્યા અને ગેઢેરોઓએ કેશરા મુખીને ઉદ્દેશીને કીધું કે તેં જ્ઞાતનો ગુન્હો કર્યો છે. તો આ જ્ઞાત તને અને તારા સાથીદારોને જ્ઞાત બહાર મુકવાની સજા આપે છે. એટલે મુખીએ સવાલ  કરીને જ્ઞાતને પૂછ્યું કે કોઈ પણ ગુનેગારને એનો બચાવ કરવાનો અધિકાર હોય કે પછી જાણ્યા વગર ગુનેગાર ગણીને સીધી સજા ફટકારી દેવાની? આવા પ્રશ્ન સાંભળીને ગેઢેરાઓ થોડા નરમ પડ્યા. પણ કળવા ન દીધું અને અવાજ ઉંચો કરીને કીધું કે તમે જ્ઞાતનો ગુનો તો કર્યો જ છે. તેથી તમે જ્ઞાતની માફી માંગીલ્યો. તો બધું થાળે પાડી દઈએ. ત્યારે મુખીએ સિંહ ગર્જના કરી કે અમે કોઈ ગુનો કર્યો જ નથી. તો માફી ક્યા ગુનાની માગવી? તમે અમને સમજાવો તો ખરા. આમ કેશરા મુખી અને તેના ચાર સાથીદારોએ જ્ઞાત સામે બરાબરની ટક્કર લીધી અને મુખીને ચોખ્ખું  જણાવી દીધું કે અમે કોઈ ગુનો કર્યો નથી, એટલે માફી માગશું નહિ. તમને અમારા વિરુધ્ધ જે કોઈ નિર્ણય લેવો હોય એ સમજી વિચારીને લેજો. જો તમે અમારા વિરુધ્ધ નિર્ણય લેશો તો મારે ના છુટકે ભુજ દરબારમાં તમારા વિરુધ્ધ ફરિયાદ કરવી પડશે. એટલે સમજી વિચારીને નિર્ણય લેજો. આમ ગેઢેરાઓને જણાવીને ત્યાં થી નીકળી ગયા.

આ બાજુ જ્ઞાતને એમ લાગ્યું કે આ કેશરામુખીના વિરુધ્ધમાં જઈને નકામો દરબારનો ખોફ વહોરવો તેથી. જ્ઞાતે નમતું જોખ્યું અને આ લોકો વીરુધ્ધ બહિષ્કાર કરવાનું રેહવા દીધું. અને બીજા કોઈ કેશરા મુખીને સાથ ન આપે તેવો પાકો બંદોબસ્ત કર્યો. 

કેશરામુખીએ ભુજ દરબારમાં  રાણી સાહેબાને ઘર્મનાં બહેન બનાવેલ હતા. અને દરબાર સાથે બુબ જ ઘરોબો હતો, જેથી કરીને કેશરા બાપાનું પીઠબળ મજબુત હતું. 

9. કચ્છ કડવા પાટીદારોના ગામમાં ભગવાન સ્વામિનારાયણની સ્થાપના: કેશરાબાપાએ સતપંથ છોડીને સ્વામીનારાયણ સંપ્રદાયનો અંગીકાર કર્યો. અને નેત્રા ગામમાં સ્વામીનારાયણ ભગવાનનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. સવંત ૧૯૦૯ મહા સુદ પાંચમ વસંત પંચમી (રવિવાર તા. ૧૩-૦૨-૧૮૫૩) ના શુભ દિવસે ભૂમિ પૂજન કર્યું. સવંત ૧૯૦૯ વૈશાખ સુદ પાંચમ (શુક્રવાર ૧૩-૦૫-૧૮૫૩) ના શુભ દિવસે પ્રાણપ્રતિષ્ઠા પણ થઇ ગઈ. નેત્રા ગામની આજુ બાજુનાં સાતથી આઠ ગામડાં આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને પાળતા લોકો જોવા મળે છે. 

કહેવામાં આટલું સરળ લાગે છે પણ વાસ્તવિકતા બહુ જ ખરાબ હતી. સતપંથીઓ તરફથી ખુબ હેરાન કરવામાં આવ્યા અને પોલીસ રક્ષણમાં મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. એટલે તમે પોતે અંદાજ બાંધી શકો છો કે હેરાન ગતિ કેટલી કરવામાં આવી હશે. 

10. પ્રથમ ક્રાંતિકારી કેશરાબાપનો જીવનદીપ બુજાયો: કેશરાબાપા આખી જિંદગી મરદની જેમ ઝઝુમીને ગૌરવભેર જીવ્યા અને સવંત ૧૯૩૪ અસો વદી ચૌદસ (શુક્રવાર તા. ૨૫-૧૦-૧૮૭૮) ના રાત્રે ૧૦.૦૦ વાગે દેહ છોડ્યો.

આ નરવીરે માતા પદમાવતી અને પિતા તેજા હરજી સાંખાલાના ઘરે સવંત ૧૮૨૪ ચૈત્ર સુદ પુનમ (શનિવાર તા. ૦૨-૦૪-૧૭૬૮), હનુમાન જયંતિના દિવસે નેત્રા ગામમાં જન્મ લીધો હતો. તેઓ ૧૧૦ વર્ષ ૪ માસ ૧૭ (સંવત પ્રમાણે) દિવસનું લાંબુ જીવન જીવ્યા અને આપણી જ્ઞાતીને ધર્મનો સાચો માર્ગ દેખાડતા ગયા. 

11. ક્રાંતિવીર નારાણજી બાપાનો જન્મ: કેશરાબાપાનો દેહવીલય ૧૯૩૪ના થયેલ. તે પછી આપણી જ્ઞાતીમાં પાંચેક વર્ષ પછી સવંત ૧૯૩૯ વૈશાખ સુદ પૂનમ અને મંગળવાર ઈ.સ. તારીખ ૨૨/૫/૧૮૮૩ ના રોજે વિરાણી મોટી મધે માતા રાજબાઈ પિતા રામજીભાઈ ભોજાભાઈ લીંબાણીના ઘરે નારાયણજી બાપાનો જન્મ થયો. આપણી જ્ઞાતિને સુધારવામાં ખુબ મહેનત કરી અને આપણે સૌ જેને જ્ઞાતિ આદ્યસુધારક તરીકે ઓળખીએ છીએ એ જ નારાણજી બાપાનો જન્મ થયો. નારાયણજી બાપાનું પ્રાથમિક ભણતર વિરાણી મધ્યે પાંચ ધોરણ સુધી થયેલ. આગળ ભણવું હોય તો પણ ભણવાની વ્યવસ્થા વિરાણીમાં ન હોવાનાને કારણે ભણવાનું પૂરું કર્યું. તે વખતે પાંચ ધોરણ સુધીની ભણતર વાળા આંગળીના વેઢે ગણાય એટલાજ હતા. 

12. કચ્છ કડવા પાટીદારોમાં સતપંથ વિરુધ બીજી ક્રાંતિના મંડાણ: નારાણજીબાપા ઈ.સ.૧૯૦૨માં ધંધાર્થે મુંબઈ આવ્યા અને બાંધકામ ક્ષેત્રે કન્ટ્રકસનમાં સારી નામના મેળવેલ. ઈ.સ.૧૯૦૮માં ગોપાલજી ભાઈની ભલામણથી શેઠશ્રી કેશવજી દામજીનું વડગાદી ઉપર મકાન બનાવવાનું હતું તેનું કામ નારાણજીબાપાને આપવતી વખતે ગોપાલજીભાઈએ નારાયણજીબાપા વિશે બહુજ ઈમાનદાર માણસ તરીકેની સિફારસ કરી હતી. પરંતુ હસવા હસવામાં આખી જ્ઞાતિની ટીકા કરતા કચ્છી ભાષામાં કહેલ કે

“ઈ ડીસાંજેતા હિન્દુ જેડા પણ ધર્મમે તાં ઈ વડા કાફર અઈ, ન ઈ  હિન્દુ ને ન ઈ મુસલમાન. ઈની જે મે મરે તડેં દટજે, અને પઈણે તડેં દુઆ પેન”.

(ગોપાલભાઈનું કહેવું હતું કે નારાયણભાઈની જ્ઞાત દેખાવામાં હિંદુ જેવી છે, પણ ધર્મમાં તો આ લોકો વિધર્મી છે. ન હિંદુ ન મુસલમાન. આલોકોમાં મરે ત્યારે દાટે અને દુઆ વાંચીને લગ્ન કરાવે.)

આવા વેણ કદાચ ગોપાલભાઈએ હસતા હસતા કહેલ. પરંતુ નારણજી બાપાને હૃદય સોંસરવા આ શબ્દો નીકળી ગયા. નારાયણજી બાપાને લાગ્યું કે અમારી ઉજળીયાત હિંદુ પટેલ જ્ઞાતિને એટલે કે મારી જ્ઞાતિને કોઈ આવું કઈ રીતે કહી શકે? એ દિવસથી સત્ય શું છે, તેને શોધવાનું ચાલુ કર્યું. તેમને “પીરાણાની પોલ અને સત્યનો પ્રકાશ” નામનું દળદાર 552 પાનાનું પુસ્તક પ્રકાશિત કર્યું. તે સતપંથ ઉપર પ્રકાશ પાડતું પ્રથમ પુસ્તક છે. તેમાં સૈયદો દ્વારા કાવાદાવા તેમજ છેતરામણી પદ્ધતિથી હિંદુઓને વટલાવવાનું, દસોન્દ દ્વારા ખુલી લુંટ વિગેરેની જાણકારી લોકો સામે મુકેલ છે. આ પુસ્તક દ્વારા સતપંથની છેતરામણીની પુરેપુરી પોલ ખોલેલ છે.

નારણજી બાપાને ગોપાલજીભાઇના કટાક્ષ ભર્યા વેણથી જે આત્માને જન્જોડ્યો તેનાથી તે પીરાણા સતપંથને પૂરેપૂરો ઓળખવામાં પચ્ચીસ વર્ષની નાની ઉમરમાં જ લાગી ગયા. ત્યારે શરુઆતમાં રાજકોટની બાજુમાં ઢોલરાના મૂળ વતની જ્યોતિષ શાસ્ત્રી રામેશ્વર મોરારજીનો સાત્વિક સમાગમ થયો. તેમની સાથે ધાર્મિક ચર્ચા કરતા તેઓએ જણાવેલ કે ઉપવીત વગર વેદિક સંસ્કારો છોડી દેવાથી તમે બૌધિક રીતે સંકોચાઈ ગયા છો. જ્યાં સુધી ઉપવીત પાછી ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી વેદ સાસ્ત્રનું પઠન પાઠન અથવા કર્મકાંડ તમારાથી થઇ શકે જ નહી અને કરો તો પણ તમને તેનું ફળ મળે નહીં. ત્યારે નારાયણજી બાપાએ પ્રથમ બૌધિક વિકાસ મેળવવા માટે ઉપવીત ધારણ કરીને પાવન થવાનો નિર્ણય કર્યો. અને ખુલ્લા મને રામેશ્વર મહારાજને પોતાના વિચારો જણાવ્યા ત્યારે રામેશ્વર મહારાજે જણાવ્યું કે આવું સાહસ કરવાથી પહેલા બીજા શાસ્ત્રીઓની સલાહ લઈ લેવી સારી. 

એટલે નારાયણજીબાપા અને રામેશ્વર મહારાજ બન્ને ગુજરાત કઠીયાવાડમાં નિત્ય ધાર્મિક પ્રચાર કરનારા નથુરામ શર્માને તેમના જુનાગઢ બિલખાના આશ્રમે મળ્યા અને સગળી હકીકત જણાવી.  તેઓની સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ નારાયણજી બાપાએ દેહ શુધ્ધિ કરીને યજ્ઞોપવીત્ (ઉપવીત/જનોઈ) ધારણ કરવાની ઈચ્છા દર્શાવી, ત્યારે નથુરામ શર્માજીએ જણાવેલ કે તમે એકલાજ આવું પવિત્ર કામ કરશો તો તમને સમાજ તરફથી ઘણી બધી મુશ્કેલી આવી શકેશે. તો તમે એકલાજ નહીં પણ તમારી સાથે પાંચ દશ પરિવારો આ વિધિમાં જોડાય તો  તમોને સધિયારો રહશે. સમાજની સામે પડવામાં હિંમત પણ મળે. આવું નક્કી કર્યા પછી રામેશ્વર મહારાજ અને નારાયણજી બાપા પાછા મુંબઈ આવ્યા. 

13. દેહસુદ્ધી કરાવી યજ્ઞોપવીત ધારણ કરી: નારાયણજી બાપાએ પીરાણા સતપંથનો જાહેરમાં વિરોદ્દ ચાલુ કર્યો. અને વૈદીક ધર્મનો મહિમા સમજાવવા લાગ્યા. તેના ફળસ્વરૂપે

૧) રતનશી કરસન છાભૈયા, રાજપર
૨) રામજીભાઈ જેઠાભાઈ રંગાણી, ગઢસીશા
૩) વિશ્રામ દેવજી નાકરાણી, મોટી વિરાણી
૪) કરસન ભાણજી નાકરાણી, મોટી વિરાણી
૫) નાયાભાઈ શિવજીભાઇ નાકરાણી, મોટી વિરાણી
૬) હરજીભાઈ લધાભાઇ રામાણી, લુડવા વાળા

નારાણજીબાપાના વિચારો સાથે સહમત થયા. આ સાતેય જણાયે સવંત ૧૯૬૪ જેઠ સુદ પાંચમને ગુરુવાર તારીખ ૦૪/૦૬/૧૯૦૮ ના રોજે ત્રમ્બકેશ્વરમાં દેહ સુધી કરીને યજ્ઞોપવીત ધારણ કરી અને મૂળ સનાતન ધર્મમાં પ્રવેશ કર્યો.

14. દેહસુદ્ધી કરાવવાવાળા ઉપર સતપંથી ગેઢેરાઓનો જુલમ અને તેના સામે નીડરતા પૂર્વક મુકાબલો: આ સાતેય જણાના આવા પગલાથી સતપંથી ગેઢેરાઓ આકુળ વ્યાકુળ થઇ ઉઠ્યા. આ સાતેય પરિવારોના આપ્તજનો, કુટુંબીઓ, પિતૃપક્ષ, માતૃપક્ષ, બંધુ વર્ગ, સ્નેહી વર્ગને  તેમજ આ સાતેય કુટુંબ સાથે કોઈ પણ પ્રકારનો સબંધ રાખનારા સૌ કોઈને એક સપાટે જ્ઞાત બહાર કરી દેવાનો નાદિરશાહી હુકુમો બહાર પાડ્યો. તે હુકમની જાણ વાયુવેગે દેશ પરદેશ વસતા સગળા જ્ઞાતિ ભાઈઓને મોકલી આપી. આવી રીતે આ સાતય પરિવારોનો રોષ તેમના સગા સબંધીઓ ઉપર બહિષ્કારનું હથિયાર ઉગામીને કાઢ્યો. તેમના સબંધીઓને સતાવવામાં કોઈ કસર ન રહી જાય તેનો ખાસ ખ્યાલ રાખ્યો. સારા નરસા પ્રસંગોમાં પણ આ સાતેય પરિવારોના પ્રસંગમાં હાજરી ન આપી શકે તેવી પ્રબળ ગોઠવણ ત્યારના ગેઢેરાઓએ કરી.

ત્યારે આ સાતેય પરિવારના સગાસબંધીઓએ આ સાતેય પરિવારને સમજાવ્યા કે આ જનોઈ ઉતારીને જ્ઞાતની માફી માંગી લ્યો. કારણ કે તમારા કારણે અમોને બહુ ત્રાસ આપવામાં આવે છે.  હૃદયથી કાલાવાલા કરવા લાગ્યા. ત્યારે એ વખતે તેઓને ભક્ત પ્રહલાદ અને હરિશ્ચન્દ્ર જેવાની અચળતાની યાદ અપાવી અને તે સાતેય પરિવારોએ પોતાના સગા સબંધીઓને જણાવેલ કે હવે પ્રાણ જાય તો ભલે જાય પણ ધર્મ તો નહિ જ બદલાય. આ સાતેય પરિવારનો આવો અડગ નિશ્ચય જાણીને તેઓના સગાસબંધીઓને પણ અંદરથી શુરાતન જાગ્યું. દેશમાં બેઠા-બેઠા તેઓ સતપંથ વિરુધ્ધ ધીમી પણ મક્ક્મ પ્રગતી અંદર ખાને કરવા લાગ્યા. આમાં ઘણા સબંધીઓને સબંધ કાપી નાખવાની ફરજ સતપંથી ગેઢેરાઓએ પાડી. આ પરિવારોના મનોબળ તોડવાની ભરપુર કોશીસ કરી. પણ આ પરિવારોએ ભીષ્મ પ્રતિજ્ઞા કરેલ કે મરી જશું પણ પાછા સતપંથમાં નહિ જ જઈએ.

15. સુધારાવાદીઓની ચળવળ પુર જોશમાં: સુધારાવાદી ચળવળે જોર પકડ્યું અને જોતજોતામાં ૪૬૧ ભાઈઓ બહેનોએ બે વર્ષમાંજ દેહશુદ્ધિ કરાવી. જેથી સુધારાવાદીઓને બળ મળ્યું.

જન્મ: સં ૧૯૧૩ વૈશાખ સુદ ૨ (૨૬.૦૪.૧૮૫૭) મોક્ષ: સં ૧૯૭૧ મહા વદ ૨ (૦૨.૦૨.૧૯૧૫)

16. કચ્છ કડવા પાટીદારોને ઓધવરામ મહારાજના રૂપમાં ભગવાન મળ્યા: આપણી જ્ઞાતિના હરિહર સંપ્રદાયના ગુંતલી ગામના વેલાણી પરિવારમાં જન્મેલ અને સાધુ બનેલા શ્રી લાલરામજી મહારાજ શુદ્ધ સનાતન ધર્મ વિષે જાણતા હતા. તેઓના દિલમાં ક્યાંક ખટકો હતો કે મારી જે જ્ઞાતિમાં જન્મ થયો છે એ જ્ઞાતિ દુર્ભાગ્યે મુસ્લિમ ઈમામશાહી પીરણા સતપંથના કપટ જાળમાં ફસાએલ છે. તો મારે ગમે તેમ કરીને આ જ્ઞાતિને સતપંથમાંથી છોડાવવી છે, એવું મનોમન થયા કરતુ હતું. પરંતુ તેમનું શરીર સાથ આપે તેમ ન હતું. દિવસો દિવસ શરીર સાથ છોડી રહ્યું હતું અને તેઓ કંઈ કરી શકતા ન હતા, જેથી ભારે ચિંતા હતી, તેમને.

જન્મ: સં ૧૯૪૫ ચિત્ર સુદ ૯ (રામનવમી) (૦૯.૦૪.૧૮૮૯) ::: મોક્ષ: સં ૨૦૧૩ પોસ સુદ ૧૨ (મકર સંક્રાંત) (૧૩.૦૧.૧૯૫૭)

ત્યારે એમના જ પટશિષ્ય શ્રી ઓધવરામજી મહારાજને કાંઈક શક પડ્યો કે મારા ગુરુ મહારાજને અંદરથી કોઈક પીડા છે. એટલે લાલરામ મહારાજને ઓધવરામજી મહારાજે હળવેકથી પુછયું ગુરુ મહારાજ આપને કોઈ તકલીફ હોય તેવું લાગે છે. ત્યારે લાલરામજી મહારાજે કહ્યું, મને મારી ફીકર નથી પણ જે જ્ઞાતિમાંથી મને મારું શરીર મળ્યું છે તે કડવા પાટીદાર જ્ઞાતિ આખી મુસલમાની ઈમામશાહી સતપંથ ધર્મના કપટજાળમાં ફસાઈ છે. જો તું આ જ્ઞાતિને વિધર્મમાંથી છોડાવવાનું મને વચન આપ તો મને થોડી નિરાંત અને શાંતિ થાય. તેના જવાબમાં ઓધવરામજી મહારાજે લાલરામજી મહારાજને કહ્યું કે ગુરુ મહારાજ હું તમને વચન આપું છું કે મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી હું આ કચ્છના કડવા પાટીદારોને ખરા દિલથી વિધર્મમાંથી છોડાવી સનાતન ધર્મમાં લઇ આવવાના પ્રયત્ન કરીશ.

તેઓએ આપેલા વચન પ્રમાણે પ્રથમ કડવા પટેલોમાં કોણ કોણ આગેવાનો આ સુધારા તરફી ચળવળ ચલાવી રહ્યા છે તે જાણવાની કોષિશો કરી. ઈ.સ. ૧૯૨૧ના અરસામાં પોતાના ગુરુને આપેલ વચન પૂરું કરવા માટે શરૂઆત ક્યાંથી કરવી એના માટે વિચારિત કરતા કરતા તેમને જાણ થઇ કે વિરાણી મોટીમાં અમુક ભાઈઓ ખુબ સક્રિય છે.

17. સંત ઓધવરામ મહારાજનો રતનશી ખીમજી ખેતાણી સાથે ભેટો: વિરાણી મોટીમાં સંત ઓધવરામજી મહારાજનો અનાયાસ ભેટો શ્રી રતનશી ખીમજી ખેતાણી સાથે થયો. નારાયણ રામજી લીંબાણીના દોરીસુચન પ્રમાણે ચાલતા જ્ઞાતિ સુધારના કાર્યોની જાણકારી રતનશીબાપાએ આપી. આવા સારા કામની પ્રશંશ ઓધવરામ મહારાજે કરી. ત્યાર બાદ ઓધવરામ મહારાજે રતનશીબાપાના પરિવાર વિષે જાણકારી લેતા, રતનશીભાઈએ કહ્યું કે તેમાં પરિવારમાં તેઓ તેમના ભાઈઓથી અલગ રહે છે, કારણ કે તેમના ભાઈઓ હજી સતપંથ છોડવા તૈયાર નથી.

પછી ઓધવરામજી મહારાજે રતનશીભાઈને હળવેથી કહ્યું કે તમે સમાજ સુધારવા નીકળ્યા છો પણ તમે તમારું ઘર સુધારી શક્યા નથી. જો તમારા નજીકના લોકોને સમજાવી નથી શક્યા તો પછી સમાજને કેવી રીતે સમજાવી શકશો. શરૂઆત તમને તમારા ઘરથી કરવી પડે. તો તમને સફળતા મળે. ત્યારે રતનશી બાપાએ જનોઈ બતાવીને કહ્યું કે મારું ઘર તો સુધરી ગયું છે. ત્યારે મહારાજશ્રીએ કહેલ કે તમારા સગા બે ભાઈઓ વેલજીભાઈ અને જીવરાજભાઈ તો હજી સતપંથમાંજ છે. તેઓ ક્યાં સુધર્યા છે? તેમને સુધારો પછીજ સમાજ સુધારવાના કામમાં સફળતા મળશે. ત્યારે રતનશીબાપા બોલ્યા કે તેઓ સુધરવાના નથી. તેમને ઘણા સમજાવ્યા તોય સતપંથ છોડતા નથી. એટલે અમે અમારા પરિવાર સાથે સંબધ તોડીને શુદ્ધિ કરાવીને અલગ ઘરમાં રહીએ છીએ. ત્યારે મહારાજે કહેલ કે હું કહું તેમ કરો તો તેઓ પણ જલ્દી સુધરી જશે. રતનશીબાપા અને મહારાજ વચ્ચે ઘણોજ વાર્તાલાપ થયો અને છેવટે મહારાજશ્રીની વાતને રતનશીબાપાએ સ્વીકારી.

ત્યારે કચવાતા મને રતનશીબાપાએ હાર સ્વીકારીને કહ્યું કે મારા ભાઈઓ સુધરતા હોય તો તમે કહો તેમ કરવામાં મને વાંધો નથી. તો મહારાજે કીધું કે તમે તમારા ભાઈના ઘરે જાઓ. તે ભાઈઓ તમારાથી મોટા છે તો તેમના ઘરે જઈને પગે લાગો અને માફી માંગો. ત્યારે રતનશીબાપાએ કહ્યું કે મેં દેહ શુધ્ધી કરાવેલી છે તેથી સતપંથના ઘરનું પાણી પણ ન ચાલે અને નારાયણજીભાઈ મને તેની ટીમ માંથી પણ કાઢી મુકશે. ત્યારે ઓધવરામજી મહારાજે કહેલ કે તમે શુદ્ધિકરણ નહોતું કરાવ્યું ત્યારે તમે શું હતા? મારા ઉપર વિશ્વાસ રાખો. જુઓ તમે કબુલાત કરી છે કે હું કહીશ તેમ તમે કરશો. તમારા ભાઈઓ જરૂર સુધરી જશે એક અખતરો તો કરી જુઓ. ન સુધરે તો પછી તમારી દેહશુદ્ધિ કરી નારાયણ બાપા દ્વારા આપેલ નિર્દેશ અનુસાર આગળ વધજો.

ત્યાર બાદ રતનશીબાપાએ આ આખી વાત નારાયણજીબાપાને કરી. નારાયણજીબાપા ખુબ ગુસ્સે થઇ ગયા. કહ્યું કે આવા સાધુઓની વાતમાં ખોટી રીતે ફસાઈ જઈશ અને સિદ્ધાંતોની વિરુદ્ધનું વર્તન ન કરવા માટેનો સ્પષ્ટ આદેશ કર્યો. રતનશીબાપાએ નારાયણ બાપાને વિનંતી કરી કે મને એક અખતરો કરવો દો. જો સફળ નહિ થાઉં તો પાછી દેહશુદ્ધિ કરાવીને તમારા ભેગો જોડાઈ જઈશ. પણ નારાયણ બાપાને આ વાત ગમી નહીં.

એટલે છેવટે રતનશીબાપાએ ઓધવરામજી મહારાજની સલાહ પ્રમાણે આગળ વધવાનો નિશ્ચય કર્યો. રતનશીબાપા તેમના ભાઈઓના ઘરે ગયા. ભાઈઓ અને ભાભીઓના પગે લાગી માફી માંગી. ભાઈઓની જેમ બધાજ મીઠા સંબંધો  શરુ થઇ ગયા. સંત ઓધવરામ મહારાજના સુચન પ્રમાણે વાતો અને વ્યવહાર કરી ધીરે ધીરે રતનશીભાઈએ તેમના તમામ પરિવારજનો નો વિશ્વાસ જીતી લીધો.

ઓધવરામજી મહારાજની ધારણા કરતા વધારે જલ્દી પરિણામ મળ્યું. જોતજોતામાં માત્ર અમુક મહિનાઓમાંજ રતનશીબાપાના તમામ પરિવારજનોએ તા. ૧૬-૦૭-૧૯૨૩ના દેહ શુદ્ધિ કરાવી સનાતની બની ગયા. જેની નોંધ પીરાણાની પોલના પુસ્તકમાં પણ છે.

ઘણી સમજાવટ કરવા છતાં ન સમજનારા રતનશીબાપાના મોટા ભાઈઓ અને પરિવારજનો સંત ઓધવરામ મહારાજ દ્વારા બતાવેલ પ્રેમ પૂર્વક સમજાવટના રસ્તાના કારણે સતપંથ ઇસ્લામિક વિચારધારા છોડીને સનાતન ધર્મમાં આવી ગયા. આના કારણે રતનશીબાપાની ઓધવરામજી મહારાજ ઉપર અતુટ શ્રધ્ધા ભરોસો બંધાણો. ધીરે ધીરે ઓધવરામજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે સમાજ સુધારણાનું કામ રતનશીબાપા ખેતાણી, નાથુ નાનજી, ભીમજી કેશરા, પરબત લખું, રતનશીબાપા વાઘડીયા વગેરેની ટીમેં પૂર જોશથી ચલાવ્યું. તેનાથી બમણા વેગે કામ થવા લાગ્યું. એક બાજુ નારાયણ રામજીની ટીમ સનાતન ધર્મનો પ્રચાર કરતી હતી અને બીજી બાજુ રતનશી ખીમજીની ટીમ બમણા જોરથી સનાતન ધર્મનો પ્રચાર કરતી હતી. પણ દુર્ભાગ્યે નારાણજી બાપાને નાની ઉમરે બીમારીએ જકડી લીધા અને પથારીવશ થયા. સવંત ૧૯૯૭ આસોવદ ૧૪ ને તા.૦૪/૧૦/૧૯૪૧ ના રોજે દેહ છોડ્યો અને પરમાત્માને પામ્યા.

18. ક.ક.પા. જ્ઞાતિમાં સનાતની સમાજની સ્થાપના: જ્ઞાતિ સ્તરે પ્રથમ સનાતની સમાજની સ્થાપના ઈ.સ.૧૯૩૮ માં થઇ. તેના પ્રથમ પ્રમુખ શ્રી રતનશી ખીમજી ખેતાણી (દીવાણી) મોટી વિરાણીવાળા અને મહામંત્રી શ્રી નથુ નાનજી છાભૈયા નખત્રાણા વાળા હતા.

ઉપરોકત સમાજનું કાયદેસરનું રૂપ ઈ.સ.૧૯૬૦ માં આપવામાં આવ્યું. કચ્છ કડવા પાટીદાર સમાજ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ સમાજની સ્થાપના એવા લોકો દ્વારા થયેલ હતી કે જે સતપંથ દ્વારા બહિષ્કૃત કરવામાં આવેલ હતા. આ લોકોને સતપંથીઓ દ્વારા સંપૂર્ણ રીતે તિરસ્કૃત કરીને જ્ઞાત બહાર મુકવામાં આવેલ હતા. સમાજ સુધારકો કોઈ પણ રીતે પીછે હઠ નહોતા કરતા ત્યારે સતપંથના ભાઈઓ દ્વારા ખોટા કેસ કરીને તેઓને ડરાવવાના ખુબ પ્રયત્નો કરવામાં આવતા. પરંતુ લોક જાગૃતિનો જુવાળ ઠંડો પડવાના બદલે દિવસો દિવસ સફળતા મેળવતા ગયા. નવા શિખરો સર કરતાં કરતાં લગભગ ૮૦% ટકા લોકોએ સનાતન વૈદિક ધર્મનો સ્વીકાર કર્યો.

19. કચ્છ કડવા પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાજી માતાજીની વાઢાયમાં સ્થાપના: ઓધવરામજી મહારાજને લાગ્યું કે આ કચ્છના કડવા પાટીદારોમાં મોટો વર્ગ સનાતની બની ગયો છે. તેથી હવે આ લોકોને તેમનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવવું જોઈએ અને તા.૦૨-૦૪-૧૯૪૪ એટલે સવંત ૨૦૦૦ ચિત્ર શુદ ૯ (રામ નવમી)ના ઉમિયા માતાજીનું મંદિર વાઢાય ખાતે બન્યું. મંદિરની સ્થપનાનો અહેવાલ જોતાં જણાય છે કે આ મંદિર શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ઉભું કરવામાં આવેલ છે, તેમાં સંત ઓધવરામ મહારાજ, સંત દયાલદાસ મહારાજ તેમજ બોરડીટીંબાના ભાઈઓ, રતનશી ખીમજી ખેતાણી, નાથુ નાનજી વગેરે આગેવાનોએ મહત્વનો ભાગ ભજવેલ છે.

આ રીતે કચ્છ કડવા પાટીદારોનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીની વાઢાય ખાતે સ્થાપના થયેલ. એ મૂર્તિની સ્થાપના મહારાજશ્રી ઈશ્વરરામજીની તપ/સાધના કરેલ જગ્યા ઉપર સ્થાપિત કરાવવામાં આવેલ હતી. ઉમિયા માતાજીનું મંદિર બનવાથી સનાતન સમાજ સુધારણાનું કામ ઓધાવરામજી મહારાજના સાનિધ્યમાં ખુબ ઝડપ ભેર ચાલી રહ્યું હતું.

પ્રથમ સનાતની સમાજના પ્રથમ પ્રમુખ રતનશીબાપા એ જીવન પર્યન્ત તન મન અને ધનથી સમાજ સેવા કરી અને તેમના સાનિધ્યમાં પાંસઠેક (૬૫) ગામમાં લક્ષ્મીનારાયણના મંદિર બન્યાં અને તા.૨૮/૦૯/૧૯૭૦ ના રોજે પરલોક સિધાવ્યા. જે આપણી જ્ઞાતિને ન પૂરી શકાય તેવી ખોટ હતી.

20. સતપંથ છોડવાના કારણો: આ આપણી જ્ઞાતિંના ૮૦% ટકા લોકોએ સતપંથ છોડવાનું કારણ શું તે વિષે હવે જોઈએ.

સિરાત: અલ મુસ્તકીન (અરબી શબ્દ છે) તેનું હિન્દુ અનુરૂપ નામ “સતપંથ”

તેવીજ રીતે

મૌલાના હજરત અલીનું હિન્દુ અનુરૂપ નામ “નિષ્કલંકી નારાયણ”
જે ફક્ત હિન્દુઓને છેતરવા માટેજ છે. 

જેમાં મૂળબંધ, નુરનામું, બાજનામું, નકલંક ગીતા, ગોરવાણીના જ્ઞાન, ઘૂગરીના જ્ઞાન, અલીની અરજી, ઘટપાટની પૂજા, પીરશાહનો જાપ, મહોર નબુવત, પંચમવેદ કણબી ધર્મે સતપંથી ગોત્ર – ઈમામસાહ, વગેરે જેવા સાસ્ત્રો હોય, તે સનાતન વૈદિક ધર્મ ન હોય.

સતપંથની પૂજા પદ્ધતિ “ફરમાનજી બિસમીલ્લા હરરહેમાન નરરહીમ સતગોર પાત્ર બ્રહ્લાા ઇન્દ્ર ઈમામશાહા આદિવીસનવ નિરંજન નરઅલી મોહમ્મદ શાહ તમારી દુઆ” આ કલમાં/મંત્રથી શરૂ થાય. અને

“સતગોર ઈમામશાહ નરઅલી મહમંદશાહ હક લાએલાહા ઈલ્લલાહો મહમદુર રસુલીલ્લાહે્” કલમા બોલીને પુજા પૂરી થાય. આ રીતે સતપંથના ખાનામાં (જેણે હાલમાં સતપંથ મંદિર પણ કહેવામાં આવે છે) કલમાનું પઠન થતું હોય તે હિન્દુ સનાતન ધર્મ ન જ હોય શકે.

કબ્રસ્તાનમાં અથવા સ્મશાનમાં હિન્દુ અંતીમ વિધી કરવા જાય તો વિધિ પૂરી થાય એટલે પહેલાં સ્નાન કરવું પડે એવી પ્રથા છે. કારણકે કબ્રસ્તાન અને સ્મશાનની જગ્યાને અશુભ માનવામાં આવે છે. પણ સતપંથમાં તો મુખ્ય અને મૂળ પુજાનું સ્થાન પીરાણાના કબ્રસ્તાનમાં જ છે. ઈમામશાહની કબર પીરાણાના કાબ્રસ્થાનમાં છે. આવા કબ્રસ્થાન મુસલમાનોના હોય, એ હિન્દુ સનાતન વૈદિક ધર્મ ન જ હોય. કાબ્રસ્થાનના વહીવટ કરતા તો મુસલમાનજ હોય, પછી ભલે તે હિંદુ હોવાનો ડોળ કરતા હોય, એવું અમારું માનવું છે.

કટ્ટર મુસલમાનોની જેમ સતપંથીઓ પણ ચંન્દ્રને તેમના ધાર્મિક ક્રિયાઓમાં પ્રાધાન્ય આપે છે. હિંદુઓ એકાદશી, નવરાત્રી વગેરેમાં ઉપવાસ કરે. પણ સતપંથીઓ શુક્રવારી બીજ આવે ત્યારે રોઝા રાખે. હા બરાબર…..રોઝાજ રાખે. અને ચંન્દ્રનાં દર્શન કર્યા પછીજ કાંઈ ખાય પીએ, એવી જાણકારી મળે છે.

જયારે આભડછેટનો જમાનો હતો ત્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં એવી માન્યતા હતી કે આ પૃથ્વી ઉપર મુસલમાન જેવા પવિત્ર કોઈ છે જ નથી. જ્યારે ૧૯૬૦ની આજુબાજુ સરકારી સ્કૂલમાં છોકરાં સાથે ભણતાં, જેમ કે પટેલ, વાણીયા, બ્રામ્હાણ, હરીજન વગેરે, તે વખતે આભેડછેટનો જમાનો હતો. ત્યારે સ્કૂલની છુટી પડે ત્યારે પહેલા છાંટ લેવી પડતી પછી ઘરમાં જવા મળતું. ત્યારે પણ જો આપણે કોઈ મુસલમાનને અડી જઈએ તો છાંટ લેવી ન પડે. કોઈની અંતિમ વિધિ કરવા ગયા હોઈએ અને વળતા મુસલમાનને અડી જઈએ તો સ્નાન કરવા વગર  આપણે પવિત્ર થઇ જઈએ, એવી ખોટી માન્યતા ઘુસાડી દેવામાં આવેલ હતી. હવે તમને કહું તો અગ્નિહોત્ર કર્મકાંડી બ્રામ્હાણ કર્મકાંડ ન કરતો હોય તો તેને પણ આપણે પૂજનીય/પવિત્ર નથી માનતા. પણ મુસલમાનોને આપણે પવિત્ર ગણાવવામાં આવતા. હા ગણતા કારણકે સતપંથીઓના ધર્મગુરુ સૈયદો હતા અને આજે પણ છે.

સૈયદો સતપંથીઓના ધર્મગુરુ હતા તેઓ આપણા પૂર્વજોને કહેતા કે છોકરાઓને ભણાવજો નહિ. જો ભણાવશો તો તેઓ વટલાઈ જશે. તેનું કારણ એ હતું કે જો ભણશે તો તેને આ સૈયદોના કુડકપટની જાણકારી મળી જશે. જેથી સતપંથ છોડી દેશે અને જો સતપંથ છોડી દેશે તો આ સૈયદોની દસોન્દવાળી આવક આપતી દુકાન બંધ થઇ જશે. તેવીજ રીતે સતપંથના ખાનામાં બેઠેલા સૈયદોના દલાલ મુખીને ટોટલ આવક માંથી ૨૫% ટકા ભાગ કાયદેસરનો મળે. તો આવક ઘટી જાય, એ ખાનાના મુખીને પણ ન પોસાય. એટલા માટે છોકરાં ભણે એ તેઓ હરગીઝ થવા ન દેવા માંગતા.

21. સતપંથની દુકાન સંકટમાં: આપણી જ્ઞાતિમાં સુધારાનો પવન એવો જોરદાર ચાલ્યો કે સતપંથની દુકાન બંધ થવાની અણી ઉપર આવી ગઈ. સાંભળવા મળ્યું છે તે પ્રમાણે એ સમયના સજ્જાદનશીન સમ્સુદીનબાવા સાહેબ ખાખીએ પીરાણાના ત્યારના શિવજી કાકાને બોલાવીને પૂછ્યું કે દસોન્દની આવક દિવસે દિવસે ઘટતી કેમ જાય છે? ત્યારે શિવજી કાકાએ કહ્યું કે પીરાણા સતપંથના મુખ્ય અનુયાયીઓની જ્ઞાતિ (એટલે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ)માં હવે ખબર પડી ગઈ છે કે સતપંથ હિંદુ ધર્મ નથી, પણ મુસલમાન ધર્મ છે. માટે મુસલમાની સતપંથ ધર્મને કોઈ પાળવા તૈયાર નથી. મને આ બાબતમાં કંઇજ સુજ કે સમજણ પડતી નથી. ત્યારે સમ્સુદીનબાવા સાહેબ ખાખીએ કહેલ કે તમો કાકા છો તો તમે રસ્તો કાઢો. ત્યારે કાકાએ કહેલ કે તમે પીરાણાના માલિક તેમજ ગાદીપતિ છો અને અમારા ધર્મગુરુ પણ છો તો આનો ઉકેલ તમેજ બતાવો. ત્યારે બાવા સાહેબે કહ્યું કે આપણા રૂખેસરો (વફાદાર મુરીદો) ની મીટીંગ બોલાવો એ પ્રમાણે પીરાણામાં મીટીંગ બોલાવવામાં આવી.

નક્કી કરેલા દિવસે રૂખેસર (વફાદાર મુરીદો) ની મીટીંગ મળી અને ઘણી બધી ગડમથલના અંતે એવું નક્કી થયું કે આ ઘટતી આવકનો તોડ બાવા સાહેબે કાઢવો. એટલે બાવા સાહેબ પોતાની લાઈબ્રેરીમાં ગયા અને પહેલેથી જ તૈયાર કરાવેલું પુસ્તક લઇ આવ્યા. જે બાવાસહેબના પિતાજી અહમદ અલી ખાખીએ તૈયાર કરાવેલું હતું. તે મીટીંગમાં હાજર શીવજી કાકાને આપ્યું અને કહ્યું કે હવેથી આ રીતે પૂજા કરાવો. શીવજી કાકાએ તે પુસ્તક જોયું અને વાંચ્યું પછી શીવજી કાકાએ ઘસીને ના પાડી દીધી. પુસ્તકમાં અરબી/ઉર્દુ શબ્દોની જગ્યાએ ભારતીય/હિંદુ/ગુજરાતી શબ્દો બદલીને રાખવામાં આવ્યા હતા. આવું જોઈને શિવજી કાકાએ કહ્યું કે આ પુસ્તકમાંથી કલમા કાઢી નાખ્યાં છે. તેથી જ્યાં સુધી હું કાકા છું ત્યાં સુધી આ કલમા વગરનું પુસ્તક પુજામાં રજુ નહી થવા દઉં. કારણકે કલમા વગરનું પૂજાનું પુસ્તક એટલે દૂધમાંથી માખણ કાઢી લો પછી છાશ વધે તેવું આપણા ધર્મમાં વધશે. એટલે આવું પાપ મારા રહેતા નહિ થવા દઉં. હાજર બધાયે કાકાને ખુબ સમજાવ્યા પણ કાકા ન માન્યા તે ન જ માન્યા.

22. સતપંથને હિન્દુ ધર્મ બતાવવાનું કપટ – તાકીયાનો ઉપયોગ: શિવજી કાકા ન માન્યા એટલે સમ્સુદીનબાવા સાહેબ ખાખીએ પીરાણાના બંધારણને નેવે મૂકી, શીવજી કાકાનું કાવાદાવા કરીને જબરદસ્તીથી રાજીનામું લીધું, એવી વાતો સંભાળવા મળે છે. ત્યાર બાદ બંધારણની બહાર જઈને કરસન અરજણ છાભૈયા મૂળ ખેડોઈનાને નવા કાકા બનાવી દીધા. નવા બનાવેલા કરસનકાકાના હાથે બાહ્ય રીતે હિંદુ રૂપ વાળું કહેવાતું સુધારેલ નવું પુસ્તક પુજામાં મુકાવી દીધું. કરસનકાકા બન્યા પછી પીરાણામાં સાધુ સંમેલન યોજ્યું. હિન્દુઓની આંખમાં ધુળ નાખવા માટે કરસનકાકાને કાકા માંથી દાસ બનાવ્યા અને સતપંથાચાર્યનું બીરુદ અપાવ્યું. આ બધું ઇસ્લામની ધર્મ પરિવર્તનની એક રણનીતિ એટલે તાકિયાના ભાગરૂપે જ કરવામાં આવ્યું હતું. આવી રીતે સતપંથને હિન્દુ સનાતન ધર્મનું લેબલ મેળવી લેવાનો પ્રયત્ન કર્યો. જે આજે પણ સતપંથને સનાતન વૈદિક ધર્મ બતાવવા માટે કુળ કપટ ચાલું જ છે. (સમ્સુદીન ખાખીનું ૧/૭/૧૧ ના રોજે દેહાન્ત થયેલ છે, હવે તેમના મોટા દીકરા સલાઉદીન મુખ્ય છે. ધ્યાને રાખવાની વાત અહીં એ છે કે તાકિયાના કારણે આ બધું ગુપ્ત રાખવામાં આવે છે. જાહેર જનતા સામે બધી વાતો આવશે નહિ. પૂછશોતો જવાબ મળશે કે આ બધું ખોટું છે.)

હવે તમને એક દાખલો આપું છું કે ૭૦ અને ૮૦ ના દાયકામાં આપણા કચ્છમાંથી ઘણા ભાઈઓ મસ્કત દુબઈ ગયા. એમાં બહુ સંખ્યક ભાઈઓ ખેતીવાડી મુકીને ભુજ પણ નહોતા ગયા. એજન્ટ દ્વારા પાસપોર્ટ બનાવ્યા અને દલાલ દ્વારા વીઝા મળી ગઈ. દુનિયા જોઈ નહોતી અને ભાઈ પહેલ વહેલા પ્લેનમાં ઉપડ્યા વિદેશ જવા. પ્લેનમાં એયર હોસ્ટેસ જમવાનું આપવા માટે પૂછવા આવી કે તમે શું લેશો? વેજ કે નોન-વેજ? ત્યારે આ ભાઈ મુઝાયા કે આ બાઇને શું કહેવું. વેજ કે નોન-વેજ કોને કહેવાય તે ખબર જ નહોતી. પોતે શુધ્ધ શાકાહારી જ હતા. એટલે આ ભાઈ એ વિચાર્યું કે સામાન્ય રીતે વિદેશમાં બધા માંસાહાર કરતા હોય છે. એટલે નકારક શબ્દ વાળું ભાણું મંગાવીશ તો શાકાહારી ખાવાનું મળશે. આવો વિચાર કરીને એર હોસ્ટેસ ને નોન-વેજ આપવાનું કહી દીધું. એર હોસ્ટેસે નોનવેજ નું પેકેટ માંગણી પ્રમાણે આપી દીધું. હવે આ ભાઈએ પેકેટ ખોલ્યું અને ન જોઈતું અંદરથી નીકળ્યું. હવે શું થાય? હવે આ ભાઈએ વિચાર્યું કે આ જે હાડકા હાડકા છે તને કાઢી નાખું પછી આ ખાવાનું શુધ્ધ થઇ જશે. એટલે કે શાકાહારી થઇ જશે. અને આ ભાઈએ એજ કર્યું. એટલે હવે આપણે સૌ વિચારીએ કે બાહ્ય રીતે સુધારેલું શું આ ભાણું સુધ શાકાહારી થયું? જવાબ છે ના.

આ સતપંથનું આજ રીતે સમ્સુદીનબાવા સાહેબ ખાખીએ અને કરસનકાકાએ હિન્દુકરણ કર્યું. અને હિન્દુઓને બરાબર છેતર્યા. અને આજે પણ લોકોને છેતરવા માટે સુધારા વધારા ચાલુ જ છે. હાડકાઓ અને માસને કાઢ્યા પછી નોન-વેજના ભાણામાં જે બચેલો રસ્સો, મસાલો અને અન્ય સામગ્રી હોય, તેનાં તરફ ઈશારો કરીને તમને કહે કે વેજ ભાણામાં પણ આજ મસાલો, રસ્સો વગેરે હોય છે. તો પછી આ ભાણું વેજ છે. શું આ વાત તમારા ગળે ઉતરશે? નહીં. તો પછી સતપંથના કર્તાહર્તા જ્યારે કહે છે કે સતપંથમાં સુધારા કર્યા છે, તો સમજી જજો કે ઉપર જણાવેલ નોન-વેજના ભાણા પ્રમાણે, તમને મૂળ મુસલમાન ધર્મજ આપવામાં આવે છે.

23. ત્રીજી ક્રાંતિ દ્વારા સમાજમાં જાગૃતિ: સતપંથ ધર્મમાં મુસલમાની તત્વો કાઢી નાખ્યા છે અને હવે ચોખ્ખે ચોખ્ખો હિંદુ ધર્મ બની ગયો છે, એવું પ્રસ્થાપિત કરવા માટે નવેમ્બર ૨૦૦૮ના નખત્રાણામાં કહેવાતા નિષ્કલંકી નારાયણનું મંદિર બનાવવામાં આવ્યું. નિષ્કલંકી નારાયણ એટલે સતપંથના શાસ્ત્રો પ્રમાણે હઝરત મૌલા અલી. જે ઇસ્લામ ધર્મના સ્થાપક મુહમ્મદ પૈગંબરના કાકાઈ ભાઈ અને જમાઈ પણ છે. સતપંથના શાસ્ત્રો પ્રમાણે અર્બસ્થાનમાં નિષ્કલંકી નારાયણએ જન્મ લીધો છે. અને માત્ર તેમનાજ વંશમાં સતત જન્મ લીધા કરશે. આ વંશનું નામ છે સૈયદ વંશ. સમજવાની વાત એ છે કે ભલે હિંદુઓને છેતરવા હઝરત મૌલા અલીને નિષ્કલંકી નારાયણ જેવું હિંદુ નામ આપવામાં આવ્યું, પણ મૂળમાં વ્યક્તિતો એજ છે ને. વ્યક્તિ બદલતો નથી. એવા કહેવાતા નિષ્કલંકી નારાયણ (હઝરત અલી) નું મંદિર નખત્રાણામાં બનાવવામાં આવ્યું.

આ મંદિરના ઉદ્ઘાટનમાં સનાતની સમાજના પ્રમુખે શોભા વધારવા જવાની જરૂર જ ન હોય. પણ તે ગયા અને નવી એટલે કે ત્રીજી ક્રાંતિનાં મંડાણ થયા. સનાતન સમાજના પહેલાં પ્રમુખ શ્રી રતનશી ખીમજી ખેતાણીના સુપુત્ર હિમતભાઇ દ્વારા આ ક્રાંતિના મંડાણ થયા. તેમને રમેશભાઈ માવજી વાઘડીયા ખોંભડી હાલે બેંગલોર, પ્રેમજી ભાણજી કેશરાણી માનકુઆ હાલે મુંબઈ, અબજી વિશ્રામ કાનાણી વિરાણી મોટી હાલે મુંબઈ, તથા રતનશી લાલજી દિવાણી વિરાણી ગઢસીસા હાલે મુંબઈ, તેમજ ઘણાં ભાઈઓના સાથ સહકારથી દેશભરમાં ઘણી બધી સભાઓ કરી. અને લોકોમાં જાગૃતિ લાવવામાં સફળ થયા. તેમાં ખાસ સોસીઅલ મીડિયામાં હુલામણા નામથી જાણીતા “રીયલ પાટીદાર”, જેની સાચી ઓળખ અજ્ઞાત છે, તેમનું આ લોકજાગૃતિની જુવાળ લાવવામાં જબરો ફાળો રહ્યો.

24. માવાળો દ્વારા છળ કપટ: આ સનાતની ચળવળને અંદાજે ૨૦૦ વર્ષ થયાં છતાં ૧૦૦% સફળતા કેમ નથી મળી? તેનું કારણ છે સનાતનીના રૂપમાં સનાતની સમાજમાં બેઠેલા સતપંથીઓ છે અને તેમના દલાલો છે, જેને આપણે મવાળ કહીએ છીએ.

આ માવાળોને ઓળખવા કેમ?

૧] બહારથી પાકો સનાતની હોવાનો દેખાવ કરતો હોય, અંદરથી સતપંથીજ હોય. તેનું મુખ્ય કામ, સનાતાનીઓની સાથે રહીને સતપંથ વિષય પર સનાતાનીઓમાં ભાગલાં પડાવવા.

૨] એક સનાતન સમાજદ્રોહી વ્યક્તિ, જે સતપંથીઓનો દલાલ/વકીલ/જાસૂસ બની સનાતની સમાજને અંદરથી ઉધઈની જેમ કોરી ખાઈને પાંગળી બનાવી દેવાની દરેક સમયે કોશીસ કરતો હોય.

૩] સતપંથ વિષે કોઈ પણ ચર્ચા કરો તો આ માવાળ કહેશે કે હું પણ તમારા જ મતનો છું. તમે બધા જાહેરમાં કામ કરો છો. હું અંદરો અંદર કામ કરું છું. (પણ તેના અંદરો અંદરના કામનું પરિણામ ગમે તેટલો સમય જાય તો પણ સુન્યજ હોય)

૪] સમાજમાં ધર્મના નામે ઝગડા શા માટે? સમાજમાં ધર્મના નામે ઝગડા ન થવા જોઈએ. હું માનવ ધર્મમાં માનું છું. કોઈ સતપંતથ પાળતો હોય તો આપણને શું વાંધો હોય? આવી ભરમાવતી વાતો કરે.

૫] હવે સતપંથમાં પહેલાં જેવું મુસલમાની નથી રહ્યું. સુધારા થઇ ગયા છે. તેમના ધાર્મિક પુસ્તકો બદલી નાખ્યાં છે. આપણે લક્ષ્મીનારાયણને પૂજીએ, તેઓં નિષ્કલંકી નારાયણને પૂજે છે. તો આપણામાં અને એનામાં કોઈ ફેર નથી. આપણી બેન દીકરીયું દીધેલ છે અને લીધેલ છે. આ નીયાણીઓની લાગણી દુભાવીએ તો મહા પાપ લાગે. એટલે ભાગલાં તો નજ થવા જોઈએ.

૬] સતપંથીઓ આપણાજ ભાઈઓ છે. આપણું લોહી એક છે. એને અલગ કેમ કરાય? આપણે પણ સતપંથી હતા. આપણે સુધરી ગયા, તેઓને સાથે રાખશું તો તેઓ પણ સુધરી જશે.

૭] આપણે બધાએ એકતા રાખવી જોઈએ. આપણામાં એકતા હશે તો આપણો સમાજ કોઈ પણ મુશ્કેલી સામે લડી શકશે. આજના જમાનામાં એકતા બહુ જ જરૂરી છે. આપણે એક મગ અને બે ફાડું છીએ.

૮] સતપંથને વખોડવાનું બંધ કરવા માટે, જેથી સતપંથનો અડકતરી રીતે બચાવ કરવા માટે માવાળો દ્વારા સનાતનીઓને કહેવામાં આવે છે કે હવે સતપંથ વિષે લોકો બધું જ જાણી ગયા છે. તેથી વિરોધ કરવાનું બંધ કરો. આવા વિરુધના કારણે સતપંથીઓ જે દર વર્ષે થોડા થોડા સતપંથ છોડીને સનાતનમાં આવતા હતા તે આવવાના બંધ થઇ ગયા છે. તમારા દ્વારા આ વિરોધનો અગ્નિ ન પેટાવ્યો હોત તો હમણાં સુધી સતપંથ સાફ થઇ ગયો હોત. આવી વાતો કરીને વિરોધના સુરને બંધ કરવામાં આવે. (આ વિરોધની ચિનગારી લાગી તા.૭/૮/૨૦૦૯ નારોજે. પણ આ સતપંથમાં છેતરામણી કરતા સુધારા ૧૯૮૫ પીરાણામાં કરસન કાકાને નીમતી વખતે થયા, ત્યારે ક્યાં વિરોદ્દનો જુવાળ હતો.)

ઉપરોક્ત મુદ્દાઓ ફક્ત નમુના રૂપે છે.  માવાળોની બધીજ વાતો પાછળ એકજ હેતુ હોય છે. અને એ છે કે ગમે તેમ કરીને સનાતનીઓને ટાઢા પાડી તેમને ઢીલા કરી દેવા. સનાતની સમાજમાં પડ્યા પાથર્યા રહીને સનાતની વિચાર ધારાને નબળી પાડવાના નવા નવા કારસા રચતા રહેવું.

સતપંતથીઓ અગર બાવો મુકે તોજ આપણા ભાઈઓ છે, નહીંતર નહીં.

બોલો….

લક્ષ્મીનારાયણ ભગવાન કી જય…
ઉમિયા માત કી જય…
સનાતન ધર્મ કી જય…

લી.

શ્રી રતનશી લાલજી દિવાણી
મુ. વિરાણી (ગઢસીસા) તા. માંડવી,
કચ્છ, ભુજ ૩૭૦ ૪૪૫,
હાલે થાણે, મુંબઈ

પ્રકાશન: ૨૦૧૯

Leave a Reply

Share this:

Like this: