Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

પ્રસ્તાવના

ક્રાંતિકારીઓનો ઇતિહાસ લોકોને હંમેશા આકર્ષિત કરે છે. ક્રાંતિકારીઓની શોર્યતા, નીડરતા, સાહસ અને બલિદાનોએ લોકોમાં પ્રવર્તમાન વિચારધારામાં આમૂલ પરિવર્તન કરવાની પ્રેરણાની સાથે શ્રદ્ધા અને આત્મવિશ્વાસના ઈરાદાને બુલંદ કરે છે. પ્રસ્તુત પુસ્તકમાં આપણે આવા જ એક ક્રાંતિકારી કે જેમને પોતાના અંતરઆત્માના સત્યના અવાજને જાણીપીછાણી નિર્ભયતાથી મક્કમતાપૂર્વક અનેકવિધ પડકારોનો સામનો કરીને પોતાના ઉન્નત વિચારો અને કાર્ય થકી શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક બાબતમાં થયેલ ચળવળના ઉપક્રમ વિશે જાણીશું.

આ પુસ્તકમાં રતનશી ખીમજી ખેતાણીના જીવન યાત્રાના પ્રારંભક કાળના પડકારરૂપ સંઘર્ષમય દિવસોથી લઈને પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજનું સાનિધ્ય અને સામાજિક કાર્યમાં મળેલ સહયોગની સાથે અંગત જીવનમાં મળેલ વિશેષ આશીર્વાદથી ધન્ય થયાની વાતો અને પ્રસંગો આપણે જાણીશું. જ્ઞાતિ સુધારણા માટે કરેલ પરિણામલક્ષી પરિશ્રમથી જ્ઞાતિજનો ધીરેધીરે કેવી રીતે સુધારણાના આ યજ્ઞકાર્યમાં જોડાતા ગયા, તેના વિશે પણ માહિતી મેળવીશું.

પોતાનું બાળપણ વિધર્મમાં નબળી આર્થિક પરિસ્થિતિમાં ગુજર્યું અને યુવાનીમાં કાળી મજૂરી કરી સનાતન ધર્મમાં જ્ઞાતિની પુન: ઘરવાપસી થાય તે માટે સતત ઝઝુંમતા રહ્યા. જ્ઞાતિમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો નિર્માણ થાય તે માટે પોતાની અંગત માલિકીની કીમતી સ્થાવર મિલકત વેચીને પણ સનાતની મોહિમને જરૂરી આર્થિક યોગદાન પૂરું પડ્યું.

કર્મવીર નારાયણજી રામજી લીંબાણી સાથે જ્ઞાતિ સુધારણા કાર્યમાં જોડાઈ એમને ઇસ્લામ ધર્મની એક શાખા ગણાતા પીરાણા સતપંથ ધર્મનું ઊંડું જ્ઞાન મેળવ્યું. જ્ઞાતિના સતપંથના ધર્મગુરુ સૈયદો, ખાનાના મુખીઓ અને પીરાણાના કાકાઓના યોજનાબદ્ધ અત્યાચારોની ઘટનાઓનું સભા સામે જ્યારે વર્ણન કરે ત્યારે હાજર દરેકના આંખમાં આંસુ આવી જતાં અને એમના હૃદય સતપંથ છોડવા માટે સંકલ્પબધ્ધ થઈ જતા.

જેમ-જેમ એમનો પ્રભાવ વધતો ગયો અને લોકો જોડતા ગયા એમ હવે સનતાનીઓનો વર્ગ મોટો થવા લાગ્યો. સતપંથથી જુદા પડેલા સનાતનીઓના પોતાના હિત રક્ષણ માટે અલગ સમાજ વ્યવસ્થા ઊભી કરીને જ્ઞાતિમાં કેન્દ્રીય સનાતની સમાજની સ્થાપના કરી. જેમાં કોઈ એક કહેવાતા ધર્મગુરુની બેરોકટોક સત્તાના બદલે લોકતાંત્રિક પદ્ધતિસર જન-ભાગીદારીવાળો ઉચ્ચ સમાજનો પાયો નાખવામાં આવ્યો. જેનાથી ગેઢેરાઓની જુલ્મી સત્તાની કમર તૂટી, મુખીઓને ઘર ભેગા થવું પડ્યું અને કાકાને મોટે ભાગે તિલાંજલિ આપી દેવામાં આવી.

સનતાનીઓને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા, એમના સગપણો તોડવામાં આવ્યા, માવતરે મળવા ગયેલ બહેનોના ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી છૂટાછેડા કરવાના કાવતરાઓ ઘડવામાં આવ્યા. ગામ બહાર કરીને ગામના તળાવ કે કૂવાથી પાણી ભરવા ઉપર મનાઈ કરવામાં આવતી. ઘરમાં કોઈનો સ્વર્ગવાસ થયો હોય તો લાશ ઉપાડવા કોઈ આગળ ના આવે. આવ્યા અનેકો ત્રાસ આપવામાં આવ્યા. ભલભલેરા ચમરબંદીને પણ ઝૂલ્મીઓના શરણે ઝુકાવી દે એવા અત્યાચારો સામે ઝઝૂમવા લોકોને તૈયાર કરી દીધા અને વિધર્મને કોઈ કાળે મંજૂર નહીં કરવા લોકોને કટિબદ્ધ કરી દીધા, એ રતનશીભાઈના મોહિમના સફળતાનું સૂત્ર બન્યું.

એમના બતાવેલ રસ્તા પર આજે પણ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ પૂરી મક્કમતાથી આગળ વધી રહી છે. એમનો વારસો એટલો જબરદસ્ત છે કે પીરાણા સતપંથ ધર્મના પ્રચારકો દ્વારા એડીચોટીનું જોર લગાડ્યા હોવા છતાં, આજે પણ લોકો સતપંથ છોડી સનાતન ધર્મમાં જોડતા જાય છે. 

આ પુસ્તક એક ક્રાંતિકારીનું જીવનચરિત્ર પૂરતું નથી, પણ એ સાક્ષ્ય છે ઇતિહાસને આકાર આપનાર વિચારોમાં રહેલી અજબ શક્તિઓ અને વ્યક્તિઓમાં છૂપી ક્ષમતાઓનું. સનાતન ધર્મના નામે ચલાવનાર અધર્મ કે વિધર્મને સામે પડકાર આપવા લોકોને આહવાન કરતું આ પુસ્તક છે. 

મહાન ક્રાંતિકારી વડીલ શ્રી રતનશીબાપાના જીવન અને કાર્યોથી લોકોને જરૂર પ્રેરણા મળશે. આ પુસ્તક, સનાતન ધર્મમાં ઘરવાપસીની લડાઈ અને મજબૂત તેમજ ચોખ્ખા સનાતન સમાજના નિર્માણ માટે હિંમત પૂરી પાડનારું અને આશાનું પ્રકાશસ્થંભ રૂપ બનશે, એમાં બે મત નથી.

CA પટેલ ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા

મુંબઈ

 

દિનાંક: 22-Apr-2023 (અક્ષય તૃતીયા)

Leave a Reply

Share this:

Like this: