Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 9: સંઘર્ષના સાથીઓ

વિરાણી ગામમાં મુખ્ય સડકને અડીને જ આવેલા પોતાના નાના ઘરની ડેલીની ઉપર જ એમણે નાનકડી મેડી બંધાવી હતી. નાનું ટેબલ, પુરાણી શૈલીના બે સોફાઓ, સતપંથ અને સનાતન ધર્મનાં પુસ્તકોથી ખીચોખીચ ભરેલાં કબાટો અને સતત અધ્યયનની નિરાંત, આ હતી તેમની સાચી મૂડી.

ક્યારેક નીચે ડેલી પાસે આવે, ત્યારે જુએ કે અનેક ગરીબ-ગુરબાઓ કે પછી જરૂરતના માર્યા ભીખ માંગવા ચડી ગયેલા સારા ઘરના માણસો ડેલીની આસપાસ આંટા મારે છે. તેમણે તે બધા સાથે વાતચીત કરવા માંડી, અને પછી તો એ ક્રમ બની ગયો.

રોજ સવારે અનાજની ગુણ બાજુમાં લઈને બેસતા. જે કોઈ અભ્યાગત, ભિક્ષુક, સાધુ-સંન્યાસી કે જરૂરતવાળા આવે તેને પ્રેમથી પાલી-પાલી અનાજ આપવાનો તેમનો નિત્યક્રમ બની ગયો. પરંતુ આવી નાની સેવા માટે ભગવાને તેમનું સર્જન નહોતું કર્યું. સુધારક મંડળના મંત્રી તરીકે અને કુશળ વક્તા તરીકે સમાજમાં તેમની જે છાપ ઊભી થઈ હતી, તેથી અનેક સનાતન ધર્મીઓની આશા હતી કે રતનશી નામનું રતન ક્યાંક ચીંથરામાં વીંટાઈને પડી ન રહે…

ઓધવરામજી મહારાજને પણ આ જ દહેશત હતી કે આઘાતનો માર્યો સમાજનો આ સિંહ ક્યાંક સંપૂર્ણપણે નિષ્ક્રિય ન થઈ જાય! અને એક દિવસ તેઓ સવારના પહોરમાં મોટી વિરાણી આવી પહોંચ્યા !!

આ વખતે મહારાજશ્રીનો હેતુ સ્પષ્ટ હતો કે કચ્છના વિભિન્ન તાલુકાઓમાં વસી રહેલા નાનાં નાનાં ગામડાંઓમાં જ્યાં જ્યાં સતપંથ દ્વારા વર્ષો જૂનાં જમાતખાનાં શરૂ થયાં છે, તેને દૂર કરીને હિન્દુ-સનાતન ધર્મનો પરચમ લહેરાવવો, અને તેને માટે રતનશીભાઈ જેવું પાત્ર શાંત થઈને બેસી રહે, તે કોઈ પણ કારણસર પોષાય તેમ ન હતું.

ઓધવરામજી મહારાજને મોટી વિરાણીમાં જોઈને રતનશીભાઈનું અંતર ભાવવિભોર થઈ ગયું. મહારાજશ્રીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો કે “હવે અહીં શો વિચાર છે?”

રતનશીભાઈ બોલી ઊઠ્યા: “મહારાજ, ઘણુંય કરવાનું મન છે, પણ માર્ગ જડતો નથી.”

મહારાજે કહ્યું: “હવે ગામોગામ ફરવાની જરૂર છે. તમે તમારા વર્તનથી અને વાણીથી સમાજના ઇસ્લામીકરણને રોકીને, તેમનું સાચા માર્ગે પરિવર્તન કરવા લાગો, એ જ રીતે તેમને ફરીથી સાચા હિન્દુ બનાવી શકશો.”

“મહારાજ, ગામડામાં ફરવામાં મને કંઈ વાંધો નથી,” રતનશીભાઈએ અવરોધના પડછાયા જોતા હોય તેમ કહ્યું: “પણ સમાજના ગેઢેરાઓનું જોર કેટલું છે, તે તમે ક્યાં નથી જાણતા? તેમને કારણે જ ગામડાં ગામોમાં આવું અજ્ઞાન પથરાયેલું જોવા મળે છે.”

“તો શું એ જ કારણે આવું ભગીરથ કામ અટકાવી દેવું જોઈએ?” ઓધવરામજી મહારાજે કહ્યું: “રતનશીભાઈ, જો તમારું વર્તન વિરોધને બદલે વહાલનું હશે, અપમાનની સામે તિરસ્કાર કરવાને બદલે સહનશીલતાનું હશે, તો જે કામ છ મહિનામાં થવાનું હશે, તેને બદલે તમે માત્ર બે મહિનામાં લોકોને શુદ્ધીકરણ માટે તૈયાર કરી શકશો.” પછી આંખોમાં આંખો પરોવી દૃઢતા સાથે કહ્યું: “મને તમારી એ ક્ષમતા પર વિશ્વાસ છે.”

બસ, આ વેણ પર જ જાણે રતનશીભાઈએ ઓધવરામજી મહારાજના આશીર્વાદનું કવચ ધારણ કરી લીધું. બે ત્રણ વર્ષના સમયગાળામાં સને 1925-26થી જ્ઞાતિજનો વચ્ચે પણ એ મતભેદ જાહેરમાં આવવા લાગ્યા, કે રતનશી ખીમજી અને નારાયણ રામજી એક જ વિચારથી જ્ઞાતિ-સુધારણાના કાર્યમાં સંમેલિત નથી. પણ ધીરે ધીરે રતનશીભાઈએ પોતાના વિચારો સાથે સહમત લોકોનું એક મોટું જૂથ તૈયાર કરવાનો આરંભ કરી દીધો.

ટૂંક સમયમાં જ તેઓને એવા જ સક્ષમ મિત્રનો ભેટો પણ થઈ ગયો, જેમણે રતનશીભાઈની સાથે રહીને આસપાસનાં અનેક ગામોમાં વિચરણ કરી કરીને, નાની મોટી મીટીંગો અને સભાઓ કરીને, ઘરોઘર મુલાકાતોનો દોર ચાલુ રાખીને, વિરોધીઓનાં પથરાવ કે ગાળો સહન કરીને પણ સનાતન ધર્મનો પરચમ લહેરાવવામાં એક કદમ પણ પાછી પાની નહોતી કરી..

સંઘર્ષનો સમય જેમ જેમ પરવાન ચઢતો હતો, તેમ તેમ સનાતન ધર્મ તરફની સફળતાનો પ્રવાહ પણ એટલો જ ધોધમાર વહી રહ્યો હતો. ઓધવરામજી મહારાજ દૂર રહ્યા છતાં પણ આ સમર્પિત બેલડીના પરિશ્રમ અને તેના દ્વારા મળેલા પરિણામોથી જરા પણ અજ્ઞાત ન હતા.

મનોમન તેમને સંતોષની લાગણી ઊભરાઈ રહી હતી, કે ગુરુ લાલરામજી મહારાજની આજ્ઞાનું અક્ષરશ: પાલન થઈ રહ્યું છે, સતપંથના ઈસ્લામીકરણમાંથી મહદ્ અંશે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો જાગૃતિની ધરોહર દ્વારા ફરી સનાતન ધર્મના મુખ્ય પ્રવાહ તરફ આવી રહ્યા છે.

 

જો કે મેદાને ચડેલાને જ ખરાખરીના સંઘર્ષની ખબર હોય. રતનશીભાઈને એવા જ કંટક માર્ગનો જાતઅનુભવ હતો. ગામોગામના ગેઢેરાઓની માનસિકતાને એમણે નજીકથી નિહાળી હતી. 

Leave a Reply

Share this:

Like this: