Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 8: નવો મારગ !

“આવો, આવો, રતનશીભાઈ!” નારાયણભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું.

રતનશીભાઈએ બેઠક લીધી, લાંબી ઔપચારિક ભૂમિકા વિના સરળતાથી સીધી વાતની જ શરૂઆત કરી: “થોડા સમય પહેલાં મારે સાધુ ઓધવરામજી સાથે મળવાનું થયું હતું. તેમની તેજસ્વિતાએ મને ખરેખર પરાસ્ત કરી દીધો, નારાયણભાઈ..”

“હમમ..” નારાયણભાઈ વાતનો તાગ પામવા મથી રહ્યા હતા.

“તેમની સાથે આપણા ધર્મ સુધારક અભિયાન અંગેની વાત પણ નીકળી, ત્યારે તેમણે મને એ જ કહ્યું હતું કે સંબંધો કાપી-કાપીને મોટી જ્ઞાતિ સાથે તમે કેટલુંક વેર કરશો?”

“અચ્છા! પછી?”

પછી તો સંત ઓધવરામજી મહારાજ સાથેની મહત્ત્વની વાતો એમણે વિગતવાર સંભળાવી. એટલું જ નહીં, એમણે જે ઉપાય બતાવ્યો હતો, તે પણ જણાવ્યો. અને કહ્યું: “દેહશુદ્ધિ એટલી મહત્ત્વની નથી નારણભાઈ, મને લાગે છે કે સનાતની વિચારધારા વાળા તમામ જ્ઞાતિબંધુઓની સાથેનો વ્યવહાર શરૂ કરી દેવો જોઈએ. ભલે સતપંથી સાથેનો વ્યવહાર ન રાખીએ, તે તો બરાબર છે, પણ આ બાબત અંગે આપણે જરૂર વિચારવું જોઈએ.”

નારાયણભાઈની આંખો હવે ચમકવા લાગી. તેમણે કહ્યું: “રતનશીભાઈ, આ બધું તમે શું બોલી રહ્યા છો? અરે! આવા તો કેટલાય સાધુઓ ફરતા હોય છે. એ લોકો બોલતા ભલા અને આપણે આપણા રસ્તે ચાલતા ભલા…”

“પણ નારાયણભાઈ,” રતનશીભાઈએ ધીરેથી ફરી પ્રસ્તાવ મૂક્યો: “તમારી વાત પણ અત્યારે તો બરાબર લાગે છે. આપણી જ્ઞાતિને સનાતની બનાવવાનો આપણો ધ્યેય તો આપણે ક્યારેય છોડવાનો જ નથી, પણ એક વાત એ પણ છે, કે ઓધવરામજી મહારાજને મળ્યા પછી મને એટલી વાત નક્કી થઈ, કે એ કોઈ સાધારણ સાધુ નથી. તેમનામાં દૈવી તેજ છે. તેમની વાતોમાં વજન છે, અને આવનારા ભવિષ્યનો વરતારો પણ મને દેખાય છે.”

નારાયણભાઈ રતનશીભાઈની વાતો ઉભડક મનથી સાંભળી રહ્યા હતા, પરંતુ રતનશીભાઈની વાણી આજે સંતહૃદયનાં આશીર્વાદમાં ઝબકોળાઈને આવી રહી હતી. તેમણે જેવી હતી, તેવી જ સ્પષ્ટ વાત ઉચ્ચારી: “જુઓને નારાયણભાઈ, આ આપણી મુહિમ કેટલાય સમયથી ચાલે છે. પરંતુ હજુ સુધી આપણને ધારી સફળતા મળી શકી? અને જે પણ થોડી સફળતા મળી છે, તેમાંય રોજ કોઈકને કોઈક વડીલ તમારી પાસે આવે છે, તમારા ચરણોમાં પાઘડી ઉતારે છે, ને કહે છે, કે નારાયણભાઈ, સનાતન ધર્મની તમારી બધી જ વાતો સાચી. પણ ગેઢેરાઓનો ખોફ છે, અને “અમને જ્ઞાતિ બહાર કરી દેશે તો!” એ ડર છે…હવે કહો, લોકો તમને જ કહે છે કે ભાઈ, અમે સનાતનમાં આ જ કારણે રહી શકતા નથી, ને ન છૂટકે ફરીથી સતપંથમાં ભળવું પડે છે… તો વિચાર કરો નારાયણભાઈ, જ્યારે એવા વડીલો પોતાની પાઘડી તમારા પગ પાસે મૂકે છે, ત્યારે આપણે કંઈ કરી શકીએ છીએ?”

નારાયણભાઈનો અહં રતનશીભાઈના એક એક શબ્દે પળે પળે કપાઈ રહ્યો હતો. પરંતુ કોણ જાણે કેમ આજે રતનશીભાઈની આંખોમાં સંત દ્વારા પ્રાપ્ત થયેલી દિવ્ય તેજસ્વિતા અને સ્પષ્ટતા ઝળકતી હતી.

તેમણે પૂરી વિનમ્રતા છતાં દૃઢતા રાખીને આગળ કહ્યું: “નારાયણભાઈ, સંત ઓધવરામજી મહારાજ ખરેખર ખૂબ જ તેજસ્વી સંત છે. તેમની સલાહ મને તો એકદમ વ્યવહારુ લાગે છે. ખૂબ સંયમ અને ધીર-ગંભીર વ્યવહારથી તેઓ વાતો કરે છે. અને આ કોઈ સામાન્ય સંતની નિશાની નથી લાગતી. મને તો લાગે છે, કે એમણે આપણને ખરેખર ખૂબ જ સાચો અને સરળ રસ્તો બતાવ્યો છે. આપણે તેમના સૂચન ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ…”

હવે નારાયણભાઈની ધીરજનો બાંધ તૂટી ગયો. એ રહી ન શક્યા, તેમની આંખોમાંથી ક્રોધના તણખા ઝરવા લાગ્યા. આખી વાતને સોઈ-ઝાટકીને ઉડાડી મૂકતા હોય, તેમ તેમણે કહ્યું: “અરે ! આવી સલાહો સાંભળવાની ન હોય રતનશીભાઈ, આવી સલાહો આપવાવાળા તો ઘણા આવે છે. તમે કોની કોની વાત માનશો? ગેઢેરાઓ તો આપણી મુહિમ તોડવા જુલમ કરવાના જ છે. એ લોકોએ આવું પહેલાં પણ કર્યું હતું. એનાથી કાંઈ ડરવાનું ન હોય…”

“પણ નારાયણભાઈ…” રતનશીભાઈએ વિનમ્રતાપૂર્વક સંતશ્રીની વાત ફરીથી ઉચ્ચારી: “મને એક પ્રયત્ન તો કરવા દો! જો સફળ થઈશ, તો પણ તમારી સાથે છું અને નિષ્ફળ થઈશ, તો પણ ફરીથી દેહશુદ્ધિ કરાવીને તમારી સાથે જોડાઈ જઈશ..”

હવે નારાયણભાઈનો ગુસ્સો જાણે સાતમા આસમાને હતો, તેમણે પૂરી કડવાશથી કહ્યું: “રતનશીભાઈ, ધર્મનાં કામને તમે ખેલ સમજો છો? અરે! ધર્મનું કામ, કાંઈ રમત વાત નથી. કે આજે દેહશુદ્ધિ કરાવી, કાલે બગાડી, અને ફરીથી મજા આવે ત્યારે દેહશુદ્ધિ કરાવી લીધી! આ શું બાળપણાની રમત ભાળી ગયા છો? અરે, ધર્મનાં કામ કરવા તો અડગ મન અને દૃઢ નિશ્ચય જોઈએ..”

“પણ એ વાતની ગંભીરતા હું ક્યાં નથી સમજતો, નારાયણભાઈ?” રતનશીભાઈએ કહ્યું: “પણ મને લાગે છે કે એ જરૂર જોવું જોઈએ, કે આપણું જડ વલણ જ ક્યાંક આપણા ધ્યેયને મારી ન નાખે! હું આપને ફરીથી કહું છું, કે તમે અમારા માર્ગદર્શક છો, અને આજીવન રહેશો. પણ આપણા લોકો રોજેરોજ પોતાની પાઘડી ઉતારી ઉતારીને, આપણને છોડીને ફરી ફરી સતપંથમાં ભળી જાય છે, તે સમસ્યાનો કોઈક તો ઉપાય કરવો પડશે ને!”

અને આખરે નારાયણભાઈનો ગુસ્સો વિસ્ફોટમાં પરિણમી ગયો. તેમણે ગર્જના કરતા હોય તેમ દરવાજો દેખાડીને રતનશીભાઈને કહી દીધું: “તો તું પણ જતો રહે! છોડી જા આ મુહિમને ! કોઈ જબરજસ્તી નથી… તને જેમ ઠીક લાગે તેમ કર. પણ યાદ રાખજે, ફરીથી મારી પાસે બીજી વાર નહીં આવતો. આજ પછી આપણા બંનેના રસ્તા જુદા છે…”

અને જાણે અચાનક ધરતીકંપ થયો હોય તે રીતે રતનશીભાઈ તદ્દન હતપ્રભ થઈ ગયા. એક તરફ તેજસ્વી અને સત્યનિષ્ઠ સંત ઓધવરામજી મહારાજની ધીરગંભીર પ્રતિભા, ઊંડી સૂઝ અને સર્વહિતની સાથેની સમાવેશી ભલામણ, તો બીજી તરફ નારાયણ રામજી લીંબાણી જેવા મહાન માર્ગદર્શકની છત્રછાયા!

તેઓ અત્યારે સમયના એવા ત્રિભેટે હતા કે નિર્ણય લેવાની સાવધાની જાણે ક્યાંય ઓસરી ચૂકી હતી. તેમણે સ્વભાવથી વિરુદ્ધ જઈને નારાયણભાઈની સામે હાથ જોડ્યા, અને કહ્યું: “નારાયણભાઈ, તમે જે માર્ગ પર ચાલ્યા છો, અને જે કાર્ય કરો છો,તે બધું જ બરાબર છે, પણ હવે મને પણ મારી રીતે સંતશ્રીના સૂચન મુજબ પ્રયત્ન કરવા માટે સંમતિ આપો…હું ફરીથી કહું છું, કે તમે મારા માર્ગદર્શક છો, અને હર હંમેશ રહેશો…” આખરે નીચું મસ્તક રાખીને બેઠેલા નારાયણભાઈને વંદન કરીને રતનશીભાઈ મ્લાન વદને એ ઘરનો ઉંબરો ઊતરી ગયા..

આજથી નારાયણભાઈનો જમણો હાથ કે પછી તેમનું હૃદય, સંપૂર્ણ તૂટી ગયું…

રતનશીભાઈ પણ આટલી જૂની દોસ્તી, અને સિદ્ધાંતના પથ પર તેજગતિથી આગળ વધારનાર અનન્ય મિત્ર નારાયણભાઈથી વિખુટા પડવાનું દર્દ બહુ ઊંડે સુધી અનુભવતા હતા.

 

બીજી તરફ નારાયણભાઈ પણ અંદરથી એટલા ઘવાયા કે સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર કાર્યની શરૂઆત હવે ક્યાંથી અને કેવી રીતે કરવી તે માટે જાણે દિશાશૂન્ય થઇ ગયા હતા. થોડા જ દિવસોમાં રતનશીભાઈ મુંબઈ છોડીને કચ્છને જ કાર્યક્ષેત્ર બનાવવાની નેમથી પોતાને ગામ મોટી વિરાણી આવી પહોંચ્યા…

Leave a Reply

Share this:

Like this: