Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
કેટલાય પાટીદાર પરિવારો આ યુવાનોની પ્રશંસા કરતા થાકતા નહીં, કે આપણા સમાજના ઉદ્ધારનું કામ, ઇસ્લામી માનસિકતામાંથી પાછા વાળવાનું કામ, અને સનાતન ધર્મ તરફ દોરવાનું કામ કરનાર આ યુવાનોએ આપણા સમાજનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉદ્ધાર કરવાનું પ્રણ લીધું છે…
આવા પ્રતિભાવો સાંભળી મહારાજ શ્રી મનોમન પ્રસન્ન થતા. સંતપ્રકૃતિના છતાં વિચક્ષણ, અને માનવ મનોવિજ્ઞાનના જ્ઞાતા, વળી સામાજિક સમસ્યાઓના હલ માટેના અનુભવી ઓધવરામજી મહારાજના દિલમાં પણ એ વાત હતી જ, કે સનાતન ધર્મની પુષ્ટિ માટે આ આ જ્ઞાતિ માટે સક્રિય થવું. પોતાના ગુરુના દેહાવસાન સમયે એમણે તેઓને વચન આપ્યું હતું કે ‘કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મની રાહ પર લાવવાનું કે આપનું જે સ્વપ્ન છે, તે પૂર્ણ કરવા હું આજીવન, પૂર્ણ સમર્પણ સાથે પ્રયત્ન કરતો રહીશ…’
અચાનક એક દિવસ સહજ જ એમની મુલાકાત રતનશી ખીમજી ખેતાણી સાથે થઈ ગઈ….
કોને ખબર હતી કે આ એક ઐતિહાસિક મુલાકાતનો દિવસ છે?
કોને ખબર હતી કે રતનશીભાઈની કાર્યશૈલી આ એક જ મુલાકાતથી સમન્વયનો રાહ લેશે ?
અને કોને ખબર હતી કે આ એક જ વાર્તાલાપ રતનશીભાઈને અંતઃકરણના ઊંડાણમાં ડૂબકી મારવા માટે મજબૂર બનાવશે…
સંત-સંગતની એ જ તો વિશેષતા હોય છે, પરંતુ તે દિવસનો રતનશીભાઈનો મિજાજ કંઈક જુદો હતો.
સન 1920–21, વિ.સં. 1977માં એમણે ગુરુગાદી સંભાળી, તે પછીના થોડા જ સમયની આ વાત છે…
મુંબઈમાં અચાનક રતનશીભાઈને ભેગા થઇ ગયા. મહારાજશ્રીને જોતાં જ રતનશીભાઈએ હાથ જોડીને પ્રણામ કર્યા. કહ્યું: “હરિહર, મહારાજશ્રી…”
“હરિહર, હરિહર, રતનશીભાઈ.” ઓધવરામજી મહારાજે કહ્યું: “કેટલાક સમયથી આપ સૌ વિરાણીના યુવાનોની ઘણી વાતો સાંભળી છે, કે તમે સનાતન ધર્મની જાગૃતિ માટે જ્ઞાતિમાં બહુ જ સારું કાર્ય કરી રહ્યા છો… આ બાબતે થોડી વિગતે વાત કરો.”
રતનશીભાઈને પોતાના કાર્યને મળેલી સફળતાનું ગુમાન હતું. એમણે વિગતવાર માહિતી આપવાની શરુ કરી. દરેક સમયે તેમનું ગુમાન એ વાતોમાં છલકાઈ રહ્યું હતું. જરા ઘમંડ છલકાતી વાણીમાં એમણે કહ્યું: “જુઓ મહારાજ, અમે બધા નારાયણભાઈની સાથે રહીને આખી જ્ઞાતિમાં સનાતન ધર્મની જાગૃતિ માટેનું કામ કરી રહ્યા છીએ. દરેકને સમજાવીએ છીએ કે પીરાણા પંથ છોડે, દેહશુદ્ધિ કરે અને ફરીથી સનાતન ધર્મ અંગીકાર કરે…”
“બહુ સરસ.” ઓધવરામજી મહારાજે પ્રોત્સાહન આપતાં કહ્યું: “મને ખરેખર ખૂબ આનંદ થાય છે કે તમે જ્ઞાતિ-સુધારક મંડળ રચીને આવું સુંદર કાર્ય કરો છો. ભગવાન જરૂર તમને પૂરો યશ આપશે.”
રતનશીભાઈ પોરસાયા. ત્યાં જ ઓધવરામજી મહારાજે કહ્યું: “ તમે જ્ઞાતિને સનાતનમાં પાછી વાળવાનું કામ કરી રહ્યા છો, તે કેવી રીતે થાય છે, એ વિસ્તારથી જણાવો.”
રતનશીભાઈના અવાજમાં હજુ એ જ વટ ને એ જ ગુમાન છલકાતું હતું. તેમણે કહ્યું કે “સીધી જ વાત છે, મહારાજ, જ્યાં સુધી જ્ઞાતિના લોકો પોતાની દેહશુદ્ધિ ન કરાવે, અને યજ્ઞોપવીત ધારણ ન કરે, ત્યાં સુધી અમે તેમની સાથે ખાવા-પીવા જેવા વ્યવહાર પણ રાખતા નથી, શું સમજ્યા?”
ઓધવરામજી મહારાજ આ સાંભળતાં જ વિચારમાં પડી ગયા. અને ધીરેથી બોલ્યા: “ઓહો એમ છે…” પછી મંદ સ્વરે પૂછ્યું: “રતનશીભાઈ, એ જણાવશો, કે તમારા ઘરે પરિવારમાં કોણ કોણ છે? અને એ બધા કુશળ-મંગળ તો છે ને?”
રતનશીભાઈએ તરત કહ્યું: : “એ બધાની વાત છોડો, હું તો મારી વાત કરું છું. હું અને મારા ઘરવાળાં દેહશુદ્ધિ કરાવીને સુખેથી સનાતન ધર્મમાં જોડાઈને સારી રીતે રહીએ છીએ.”
“બીજા બધાની વાત છોડો, એટલે?” મહારાજશ્રીને આશ્ચર્ય લાગ્યું. એમણે કહ્યું: “કોને છોડવાની વાત છે, રતનશીભાઈ?”
“કોની વાત તે? અરે, અમારા ભાઈ-ભાંડુઓનાં પરિવારની વાત છે.” રતનશીભાઈએ ફરીથી એ જ ખુમારીમાં કહ્યું.
“તો કહો, એ બધાના પરિવારમાં કોણ કોણ છે?” મહારાજશ્રીએ આગળ પૂછ્યું.
રતનશીભાઈ હવે જરા ભારપૂર્વક કહેવા લાગ્યા: “જે હોય તે! અમે અમારા ભાઈઓની સાથે વાત જ કરતા નથી. અરે, કોઈ વહેવાર પણ નથી. સમજ્યા? અને એક વાત કહી દઉં કે એ સનાતની તો થઈ જ ગયા છે, પણ એમણે દેહશુદ્ધિ કરાવી નથી, એટલે અમારા ને એમના ખાવા-પીવાના વ્યવહારો સાથે થાય જ કેવી રીતે ?” અને સાંભળો મારી વાત.” એમની વેગભરી વાણીમાં ક્યાંક આક્રોશની છાંટ ભળેલી દેખાઈ આવતી હતી: “સાચું કહું તો મારા બેય ભાઈઓ અને બેય ભાભીઓ સાવ ચોપાં (એટલે કે ચાર પગ વાળા- જાનવર) છે. કેટલી વાર સતપંથની હકીકત સમજાવી. પણ સમજવું છે જ કોને? એટલે જ એ બધાયથી અમે બેય અલગ રહીએ છીએ. એ ઘરનું પાણી પણ પીતા નથી. સંબંધો પૂરા એટલે પૂરેપૂરા! દેહશુદ્ધિ ન કરાવી હોય, તેવા લોકોનો પડછાયો પણ અમે અમારા ઘરમાં નહીં પડવા દઈએ!” રતનશીભાઈ જુસ્સાથી ધ્રુજી રહ્યા હતા.
રતનશીભાઈનાં શબ્દોમાં જે જોશ હતું તેમાં અહંકારની ખનક હતી. પણ મહારાજશ્રી બહુ શાંતિથી એ ગુમાન ગળી ગયા ને ધીરેથી પૂછ્યું, “પણ ભાઈ, એ લોકો દેહશુદ્ધિ કેમ કરાવતા નથી? જરા તેમને પણ સમજાવીને દેહશુદ્ધિ કરાવીને તમારી સાથે રાખો ને!”
“એ બનવાનું જ નથી!” રતનશીભાઈ જરા અકળાઈને બોલી ઊઠ્યા, “તમે શું માનો છો? અમે એમને સમજાવ્યા નહીં હોય ? પણ એ લોકો સમજવા તૈયાર જ નથી. થાકી ગયા એ બધાને સમજાવતા સમજાવતા ! એવું નથી કે એ લોકોને સમજણ નથી. પણ સાચું કહું તો એમની દેહશુદ્ધિ કરાવવાની હિંમત નથી.”
હવે ઓધવરામજી મહારાજ ધીરે ધીરે મુખ્ય વિચારધારા તરફ વાતનો વળાંક લઈ રહ્યા હતા. એમણે બહુ વિનમ્રતાથી પૂછી લીધું: “કેમ? શા માટે એમને આવી હિંમત થતી નથી રતનશીભાઈ?”
ઓધવરામજી મહારાજ વાતો કરતાં કરતાં સમસ્યાનાં મૂળ સુધી પહોંચવા મથી રહ્યા છે, તેનો ખ્યાલ હવે રતનશીભાઈને પણ આવી રહ્યો હતો.
તેમણે તરત જ કહ્યું: “મહારાજ, જે લોકો નારાયણભાઈની વાત માનીને દેહશુદ્ધિ કરાવે છે, એ લોકોની જ્ઞાતિના ગેઢેરાઓ શી દશા કરે છે, તેની તમને શી ખબર? અરે, એમને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવે છે! એમની સાથેના બધા જ સંબંધ અને સગપણ તોડી નાખવામાં આવે છે! એવાં એવાં ફરમાન આપવામાં આવે છે, કે બહેન કે દીકરીના સંબંધ હોય, પતિ કે પત્ની હોય, સગા બે ભાઈઓ હોય, કે પછી બાપ-દીકરાના પણ સંબંધ હોય… આ બધા જ તોડી નાખો! એટલું જ નહીં રોજબરોજના જીવનમાં પણ તે લોકો ડગલે ને પગલે દેહશુદ્ધિ કરાવનાર ઉપર, કે પછી તેમના આખા પરિવાર ઉપર જુલમ અને ત્રાસ ગુજારવાનો એક પણ મોકો છોડતા નથી…”
ઓધવરામજી મહારાજ કોઈ ઊંડા ચિંતનમાં ઊતરી ગયા હતા. તેઓની આંખમાં આંખ માંડીને રતનશીભાઈએ આગળ કહ્યું: “ભલે એ લોકો ગેઢેરાઓના જુલમથી ડરતા હોય પણ હું ડરતો નથી. એટલે જ તો જુઓને, હું અને મારી પત્ની અલગ રહીએ છીએ. છોડી દીધા છે, એ બધાને એમના કરમ પર…!”
રતનશીભાઈના શબ્દોમાં એટલો તીવ્ર આક્રોશ હતો કે જ્યારે તેઓની વાણી થંભી, ત્યારે વાતાવરણમાં એક પ્રકારનો દર્દભર્યો સન્નાટો છવાયેલો હતો. સંત ઓધવરામજી મહારાજ કદાચ આવી જ પળની પ્રતિક્ષા કરી રહ્યા હતા.. ચહેરા પર ચિંતાનાં વાદળો તરી રહ્યા હતા, અને મનમાં આ સમસ્યાનો સચોટ ઉકેલ આકાર લઇ રહ્યો હતો…
થોડીવાર સુધી બંને મૌન રહ્યા. છેવટે ખૂબ ધીમા સ્વરે અને પૂરી સાવધાની છતાં મક્કમતાથી બોલતા હોય તેમ ઓધવરામજી મહારાજે વાતની શરૂઆત કરી: “રતનશીભાઈ, તમે જે વાત કરી, તે મેં બરાબર સાંભળી છે. પણ જો તમે ખોટું ન લગાડો તો એક વાત કહું.”
રતનશીભાઈનાં વટ અને ખુમારી ધીરે ધીરે ઓછાં થતાં જતાં હતાં. તેમણે જરા નમ્ર સ્વરે કહ્યું: “જી, કહો. મહારાજ.”
મહારાજે વાતની શરૂઆત કરી: “ભાઈ, તમને લાગે છે, કે જો તમે તમારા ભાઈઓને સમજાવી શકતા નથી, તો તમે આખી જ્ઞાતિને સમજાવી શકશો?”
તેઓ પળભર અટક્યા. આ વેધક પ્રશ્નની પૂરી અસર થવા દીધી. પછી કહ્યું : “મને તો લાગે છે કે આ રીતે તો તમારો ધ્યેય છે કે આખી જ્ઞાતિને સનાતની બનાવવી, પણ તેમાં સફળતા મેળવવી બહુ કઠિન લાગી રહ્યું છે.” રતનશીભાઈનું ગુમાન ક્યારનું ઓગળી રહ્યું હતું. પરંતુ ઓધવરામજી મહારાજના આ એક જ પ્રશ્નથી તેઓ સંપૂર્ણ પરાસ્ત થઈ ગયા.
એક સંતના મુખેથી વહી રહેલી અમૃતવાણીનો પ્રભાવ તેમના સમગ્ર વ્યક્તિત્વ ઉપર છવાઈ રહ્યો હતો. ઊંડાણથી વિચારીને તેઓ ધીરેથી એટલું બોલી શક્યા: “તો પછી મહારાજ, ધ્યેયને પહોંચવાનો રસ્તો શું? અમારે શું કરવું જોઈએ?”
ઓધવરામજી મહારાજ રતનશીભાઈનાં પરિવર્તનથી ખૂબ પ્રસન્ન થયા. તેમણે સમન્વય અને સંબંધનો માર્ગ ઉજાગર કરતા હોય તેમ સ્પષ્ટપણે અને ધીરે-ધીરે એક અદ્ભુત અને મનોવૈજ્ઞાનિક સમાધાન આપવાની શરૂઆત કરી : “રતનશીભાઈ, આપણો સનાતન ધર્મનો માર્ગ જ સમન્વયનો છે. સદ્ભાવનો છે, અને તમે હાલ જે રસ્તો અપનાવ્યો છે, તે તો સનાતની-સનાતની વચ્ચેના ભેદભાવને જ હવા આપી રહ્યો છે. મહત્ત્વનું એ નથી કે જ્ઞાતિના લોકોએ દેહશુદ્ધિ નથી કરાવી, મહત્ત્વનું તો એ છે, કે શું તેમણે પીરાણાનો સતપંથ છોડ્યો છે? શું તેમણે ઇમામશા બાવાનો ત્યાગ કર્યો છે? શું તેમણે પાવળ પીવાનું બંધ કર્યું છે? જો તેમણે ઈમામશા બાવાને તન ને મનથી મૂકી દીધો હોય, અને એ રીતે માણસ સનાતની બની જતો હોય, તો દેહશુદ્ધિ કરવાની કોઈ જરૂર નથી! કારણ એટલું જ છે, કે જો તમે તેની સાથે છૂત-અછૂત જેવું વર્તન કરશો, તો આવનારા સમયમાં તમારી સાથે કોણ અને કેટલા લોકો જોડાશે? મને તો લાગે છે કે તેનાથી તો ઉલટા તમારી સાથે ઘૃણા રાખીને સનાતનમાં વળેલા લોકો પણ ફરીથી સતપંથીઓ સાથે ભળવા લાગશે.”
રતનશીભાઈનો આત્મા ઓધવરામજી મહારાજના એક એક શબ્દને ગ્રહણ કરી રહ્યો હતો. તેમણે ફરીથી પૂછ્યું: “તો મહારાજ, મારે કરવું શું?”
“રતનશીભાઈ,” મહારાજશ્રીએ કહ્યું: ‘”સૌથી પહેલાં તો તમે તમારા બંને મોટા ભાઈઓના ઘરે સામેથી જાઓ. બંનેની માફી માંગો. આમ પણ એ બંને સનાતની છે, તો એમની સાથે ભળી જાઓ. આજથી જ તેમની સાથે ખાવા-પીવાના વ્યવહારો શરૂ કરો. અને યાદ રાખો, મેં એવું કહ્યું જ નથી કે તમે સતપંથી ભાઈઓ સાથે આવા વ્યવહાર શરૂ કરો. માત્ર સનાતની ભાઈઓ સાથે જ એ શરૂ કરવાની વાત કરી રહ્યો છું…”
રતનશીભાઈ આટલી સ્પષ્ટતા પછી પણ દ્વિધામાં હતા. તેમણે ફરી પૂછ્યું: “મહારાજ, એકલા એવા વ્યવહારો રાખવાથી શું થશે? શું એ લોકો અમારી સાથે જોડાશે? શું એ લોકો સતપંથીઓ સાથેના વ્યવહારો બંધ કરશે?”
ઓધવરામજી મહારાજની આંખો કોઈ દિવ્ય તેજથી ચમકી ઊઠી, તેમણે પ્રસન્ન સ્મિત સાથે કહ્યું : “હા, એમ જ થશે, અને જરૂર થશે રતનશીભાઈ, જો જો, ભગવાન જરૂર ચમત્કાર કરશે…”
સંતવાણીની તાકાત એવી હતી કે રતનશીભાઈના હૃદય ઉપર અદ્ભુત પ્રભાવ પડ્યો હતો. તેઓ અંદર સુધી હચમચી ગયા હતા. ઓધવરામજી મહારાજની વાણીમાં સંત હૃદયની આર્દ્રતા હતી, માનવ માત્ર માટેની કરુણા હતી, છતાં અસરકારક ધાર પણ હતી. તેમની આંખોમાંથી સમાજ માટે આત્મીયતાની ધારા વહી રહી હતી. જો કે રતનશીભાઈ સૂનમૂન થઈ ગયા. હવે શું કરવું? પારોઠનાં પગલાં ભરવાં કે પછી જે કાર્યશૈલી પકડી છે તે જ ચાલુ રાખવી? કે પછી કાર્યશૈલીમાં કોઈ બદલાવ કરવો જોઈએ? અને કરવો, તો કયો બદલાવ કરવો? રતનશીભાઈના મનમાં જબરદસ્ત ઘમાસાણ ચાલી રહ્યું હતું.
ઓધવરામજી મહારાજ આ સિંહને ભોંઠો પડી ગયેલો જોઈ ન શક્યા. તેમણે જરા નજીક આવી રતનશીભાઈના હાથ પર હાથ મૂકતાં કહ્યું: “ભાઈ, મુંઝાઓ મા. શાંતિથી વિચાર કરજો. જે પણ કામ કરો, ને મારી જ્યાં પણ જરૂર પડે, તો જરા પણ અચકાયા વિના જણાવજો. હું સમાજનાં બધાં જ કામ કરવા તૈયાર છું. પણ આ જે વાત કરી તેમાં ખોટું લાગ્યું હોય તો માફ કરજો. આ તો મને જે લાગ્યું તે કહ્યું…”
રતનશીભાઈના સ્વરમાં હવે પૂરી વિનમ્રતા હતી. એમની આંખોની ભીનાશ એમના શુદ્ધ અંત:કરણને પ્રગટ કરી રહી હતી.
પૂરી દૃઢતા સાથે ઓધવરામજી મહારાજે ફરી યાદ કરાવ્યું કે “હમણાં તો તમે તમારા બંને ભાઈઓના પરિવાર પાસે જાઓ. તમારા ભાઈ અને ભાભીને કહો કે મને પરિવારમાં ભેળવી દો…”
રતનશીભાઈ દિગ્મૂઢ હતા. આ શૂરવીરના કપાળ પર પરસેવો બાઝી ગયો. હાથ-પગમાં ધ્રુજારી આવીને પસાર થઈ ગઈ. પરંતુ હવે પોતે વચનબદ્ધ હતા. તેમણે હાથ જોડીને કાંપતાં સ્વરે કહ્યું: “મહારાજ, આ મારી ઘનઘોર કસોટી છે. હિમાલય ઉપાડવા જેવી વાત છે. પણ તમારું વચન નીચે નહીં પડવા દઉં.”
તેઓ નીચે નમ્યા, મહારાજે એમને ચરણસ્પર્શ કરતા રોકી લીધા, બંનેના હોઠો પર સ્મિત હતું. આજથી સમાજને નવી શૈલીથી સનાતની કરવાનો જાણે વિશેષ શંખનાદ થશે…
મહારાજના અંતરમાં આનંદ અને પ્રસન્નતાનો સમંદર ઘૂઘવતો હતો…
“મને તમારામાં ભેળવી દ્યો..”
રતનશીભાઈ અહીંથી સીધા જ ભાઈના ઘરે પહોંચ્યા. બારણાની સાંકળ ખખડાવી. ભાભીએ નજર કરી ત્યાં તો આશ્ચર્યચકિત થઈ ગયાં: અરે રતનશી?!
“ભાઈ છે?” રતનશીભાઈએ પૂછ્યું. ત્યાં તો આખો પરિવાર એકત્ર થઈ ગયો. રતનશીભાઈએ ધીરા પગલે ઘરમાં પ્રવેશ કર્યો. બંને ભાઈઓના આશ્ચર્યનો પાર ન હતો. આજે તેઓ રતનશીનું સાવ અલગ જ સ્વરૂપ જોઈ રહ્યા હતા. બધાયના મોંમાંથી સહજ નીકળી ગયું: “આવ રતનશી…”
અને રતનશીભાઈએ સીધા જ બંને ભાઈઓના પગે પડીને એ જ શબ્દો કહ્યા, જે ઓધવરામજી મહારાજે કહ્યા હતા: “મને માફ કરો, ભાઈ, બહુ દિવસોનો ભટક્યો આજે ઘરે આવ્યો છું. મને માફ કરો, ને તમારામાં ભેળવી દ્યો..!”
બંને ભાઈ-ભાભીઓની આંખોમાંથી હેત અને વાત્સલ્યની અશ્રુધારા શરૂ થઈ ગઈ હતી. ભાઈએ બાથમાં ઘાલીને રતનશીભાઈને વધાવી લીધા. આખા ઘરમાં જાણે પર્વ-ઉત્સવનું વાતાવરણ હિલ્લોળ લેવા લાગ્યું. એ દિવસે જાણે ઘરમાં બીજી દિવાળી મનાવાઈ રહી હતી. લાપસીનાં આંધણ મુકાયાં અને પરિવારના એકેએક સભ્યના અંતરમાં આનંદ અને પ્રસન્નતાનાં દીવડા ઝળહળવા લાગ્યા…
હવે શું કરવું? રતનશીભાઈનું મન આગળની વ્યૂહરચના પર અટકી ગયું હતું. એમનું હૈયું કહેતું હતું કે ઓધવરામજી મહારાજની આ વિચારધારા અપનાવીને મેં ખરેખર તેની સફળતાને નજીકથી સમજી લીધી છે.
કાપવાથી નહીં, સંબંધ તો હંમેશાં વધાવવાથી ખીલે છે. એટલું જ નહીં, મનની ગાંઠો પણ હેત ભરેલા સ્વીકાર સાથે ઓગળતી જાય છે. ધીરે ધીરે સતપંથની ઇસ્લામી માનસિકતાને દૂર કરીને સનાતન ધર્મની સીડી ચડવાનું કામ આ જ રીતે સરળ બનતું હોય, તો તેમ કરવામાં વાંધો શું? કારણ કે એમના ભાઈઓએ પણ થોડા જ સમયમાં સનાતની પરંપરાને દિલ અને દિમાગથી સમજવાની શરૂઆત કરી દીધી. એ પરિવારજનો દેહશુદ્ધિ કરાવવા માટે તૈયાર થઈ ગયા. તા. 16 જુલાઈ, 1923નો એ શુભ દિવસ હતો, જ્યારે સૌએ દેહશુદ્ધિ કરાવી વિધિવત્ સનાતન ધર્મ અંગીકાર કર્યો. રતનશીભાઈ માટે પરિવારજનોનું આ પરિવર્તન મહાન આશ્ચર્યથી જરા પણ ઓછું ન હતું. જે વિરોધથી ન થયું, તે વહાલથી શક્ય બની રહ્યું હતું. અને આ એમનો જાતનો અને ઘરનો જ અનુભવ હતો…તેમને ઓધવરામજી મહારાજના સૂચનમાં જબરદસ્ત વજૂદ જણાયું. તેમણે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ જ વિચારોને સાથે રાખીને જ્ઞાતિ સુધારણાના કામને ગતિ આપવાનો નિર્ધાર કરી લીધો.
હવે મન-હૃદયની પૂરી સ્પષ્ટતા સાથે તેઓ નારાયણભાઈ લીંબાણીના દરવાજે પહોંચી ગયા…થોડો સમય વહી ચૂક્યો હતો, અને તેમ થવું જરૂરી પણ હતું…