Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 6: સમાજ ઉત્થાનના જ્યોતિર્ધરો: નારાયણ બાપા અને રતનશીભાઈ

જ્યારે “કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ”ની ઘાટકોપર મુંબઈ ખાતે સ્થાપના થઈ, અને ત્યારે તેમાં બંધારણ અંગેની કાયદેસર વિધિ થઈ ન હતી. પરંતુ નારાયણ બાપાની પ્રેરણાથી રતનશીભાઈએ તેમાં સ્થાપક મંત્રી તરીકેની જવાબદારી સહર્ષ ઉપાડી લીધી હતી.

બંને મિત્રોની એક રુચિ, એક વિચાર અને એક સંગઠનની આર્ષદૃષ્ટિ એટલી સ્પષ્ટ હતી કે ધીરે ધીરે જ્ઞાતિમાં ક્યાં અને કેવી રીતે જાગૃતિ લાવવી, તેનું આયોજન પૂરા ખંત અને જુસ્સા સાથે કરી રહ્યા હતા. માત્ર કાગળ પર નહીં, પરંતુ વ્યક્તિગત મુલાકાતો અને નાની-મોટી મીટીંગો દ્વારા આ ઝુંબેશને બન્ને એ સાકાર અને સાર્થક સ્વરૂપ આપવાનું શરુ કરી દીધું હતું.

નારાયણ બાપા અને રતનશીભાઈએ સતપંથની ઈસ્લામી માનસિકતામાંથી સમગ્ર જ્ઞાતિને ફરીથી મૂળ સનાતન ધર્મ તરફ પાછા વાળવાનો જે શંખનાદ ફૂંક્યો હતો, તેમાં સૈદ્ધાંતિક સ્પષ્ટતા હતી, ધર્મની ખુમારી હતી, અને માન-અપમાનથી પર રહીને સત્યની દિશા તરફ જ્ઞાતિને સ્થિરતા આપવા માટેની સ્થિતપ્રજ્ઞતા હતી.

એ સમયે યુવકમંડળ દ્વારા જ ચોપાનિયા છાપવાનો આરંભ થયો હતો. જેનો હેતુ એ હતો, કે સમાજના ઘરે ઘરે સતપંથની કુટિલ નીતિઓનો ખ્યાલ આવતો જાય, સનાતન ધર્મની વિશેષતાઓ સાથે તેમાં પુનઃ આગમન માટેના દરવાજા ખુલ્લા છે, તે સૌ જાણી શકે, અને એ બાબતે કોઈ જ પરિવારને કોઈ જ સંકોચ ન રહે.

સતપંથ છોડીને સનાતન અપનાવનાર પાટીદારો માટે નારાયણભાઈએ શુદ્ધીકરણની ખાસ પ્રક્રિયા તૈયાર કરી હતી. તેઓ, સનાતનમાં આવનાર પરિવારને બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવીતની વિધિ કરાવી પ્રતિજ્ઞા-સંકલ્પ બોલાવતા. યજ્ઞોપવીતધારી પાટીદારનું શુદ્ધીકરણ થયાનું જાહેર કરવામાં આવતું.

જો કે ટૂંક સમયમાં જ એ સમસ્યા વિશાળરૂપ લેવા લાગી, કે સતપંથમાંથી સનાતનધર્મી બનેલા પરિવારો ફરીથી જનોઈ ઉતારીને સતપંથ તરફ વળવા લાગ્યા !!

નારાયણ બાપા માટે આ એક વજ્રાઘાત હતો.

આટઆટલી મહેનત, સમજાવટ, દલીલો અને સત્ય સાથેના આધાર હોવા છતાં આપણા ભાઈઓ ફરીથી ઈસ્લામીકરણના હથકંડાનો શિકાર શા માટે બની રહ્યા છે? આ વ્યથા રતનશીભાઈ નારાયણબાપા પાસે ઠાલવતા, અંતે નિરીક્ષણ અને લોકસંપર્કથી રતનશીભાઈને ખ્યાલ આવ્યો કે સુધારાવાદી સનાતનધર્મી પરિવારને ‘ગેઢેરા’ઓ જુલમ કરીને સમાજની તમામ ગતિવિધિઓથી એકલા પાડી દેતા.

ન તો તેમના દીકરા-દીકરીઓના સગપણ કે સંબંધો થવા દે, કે ન તો તેમના કોઈપણ સામાજિક કે ધાર્મિક મેળાવડાઓમાં ઉપસ્થિત રહેવા દે. આર્થિક અને સામાજિક સ્તરે એટલી હદે લાચાર બનાવી મૂકે કે તેમના માટે આવો સામાજિક અલગાવ તેમને અસહ્ય બની જાય, જીવતર દુષ્કર બને, આખરે શપથ લીધા હોવા છતાં, તે જનોઈ ઉતારીને ફરી સતપંથના ખોળે જવા મજબૂર બની જાય…..

તે સમયે જ્ઞાતિના વડીલોનું અક્ષરજ્ઞાન પણ ઓછું. સાથે જ સતપંથ તરફથી મળતી આર્થિક-સામાજિક લાલચને ‘સાચા અર્થમાં મળી રહેલો સહયોગ’ સમજતા. પરંતુ તેમને એ ખ્યાલ ક્યારેય ન આવ્યો કે આ ‘અલ-તાકિયા’ નો જ એક ક્રિયાકલાપ છે. અને કોઈપણ ભોગે છેતરપિંડી દ્વારા ધર્મપરિવર્તનનો જ હીણપત ભર્યો પ્રયાસ છે…

આવા ‘ગેઢેરા’ઓની સત્તા નિર્મૂળ કરવા નારાયણબાપા સાથે રતનશીભાઈએ હિંમત હાર્યા વગર કામ કરવાની નેમ લીધી હતી. બંને નરબંકાઓનો પ્રચાર અને પ્રસાર એ હદે ગાજવા લાગ્યો કે સંત શ્રી ઓધવરામજી મહારાજના કાને પણ આ વાત આવી પડી…

Leave a Reply

Share this:

Like this: