Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
( નારાયણભાઈ રામજીભાઈ લીંબાણી: જ્ઞાતિ–સુધારણાના ક્રાન્તદૃષ્ટા! )
કેસરા મુખીના દેહવિલય પછીના પાંચ જ વર્ષ પછી મોટી વિરાણી, તા. નખત્રાણા ખાતે રામજીભાઈ લીંબાણીના ખોરડે તા. 22-05-1883, સં.૧૯૩૯ ની વૈશાખી પૂનમે એક અન્ય સમાજ સુધારક ક્રાંતિવીરનો જન્મ થયો. એ હતા, નારાયણભાઈ રામજીભાઈ લીંબાણી.
બાળપણથી જ પિતાની આંતરિક વૃત્તિના ઉચ્ચ સંસ્કારનો વારસો પ્રાપ્ત કરનાર નારાયણભાઈએ શાળાના અભ્યાસની સાથે જ પિતા પાસેથી શિલ્પકળા શીખવાની શરૂઆત કરી દીધી. નાની ઉંમરે જ આ વિદ્યામાં પારંગત થવા અને આર્થિક ઉત્કર્ષ માટે પિતાની આજ્ઞાથી મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી.
તરુણ વયે જ એમણે માયાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી. બાંધકામ માટેના કોન્ટ્રાક્ટ લેવાની શરૂઆત તેમણે 1902ના વર્ષમાં માત્ર 19 વર્ષની વયે કરી દીધી હતી. વ્યવસાયિક પ્રતિષ્ઠા જામતી જતી હતી. તેમનો પુરુષાર્થ રંગ લાવી રહ્યો હતો. પરંતુ એક દિવસ તેમની સાથે એક એવી ઘટના બની, કે તે ઘટનાથી તેમનું જીવનધ્યેય સંપૂર્ણ બદલાઈ ગયું …
એ ઘટના હતી, મુંબઈ-વડગાદીમાં શેઠ કેશવજી દામજીના મકાનનિર્માણનો કોન્ટ્રાક્ટ લેવા સમયની. આ કોન્ટ્રાક્ટ નારાયણભાઈને પ્રાપ્ત થાય, તે માટે કચ્છી મિત્ર શ્રીયુત ગોપાલભાઈએ નારાયણભાઈના નામની ભલામણ કરી. સાથે સાથે તેમણે જરા મજાકના સ્વરમાં શેઠ કેશવજી દામજી સામે નારાયણભાઈનો પરિચય આપતાં કચ્છી બોલીમાં જ કહ્યું: “ઈ ડીસાજેતા હિન્દુ જેડા, પણ ધરમમેં તાં ઈ વડા કાફર આઈ! ન ઈ હિંદુ, ને ન ઈ મુસલમાન. ઈનીજેમેં મરે તડેં દટજે, અને પઈણે તડેં ધુવા પોન!”
અર્થાત્ “શેઠજી, નારાયણભાઈ દેખાય છે, હિન્દુ જેવા, પણ ધાર્મિક રીતે મુસ્લિમ કાફર છે. ન તો તેને હિન્દુ કહેવાય, ન તો મુસલમાન. આ લોકોમાં માણસ મરે ત્યારે દફનાવે ને પરણે ત્યારે દુઆ પઢે!”
નારાયણભાઈને આ ઓળખાણ હાડોહાડ લાગી ગઈ. મનોમન તે એક એવા ઝંઝાવાતમાં ફેંકાઈ ગયા કે સતત માનસિક ઘમસાણ મચી રહ્યું, શું હું ખરેખર મુસલમાન છું? અરે, અમે તો કડવા પાટીદાર કણબીઓ! શ્રીરામચંદ્રજીના પ્રતાપી વંશના ક્ષત્રિય! તે છતાં આ લોકો દર વખતે આટલી નિંદા, ઘૃણા ને ઉપેક્ષા શા માટે કરતા હશે? તેમનું મન હંમેશાં ખિન્ન રહેતું કે મારો જ્ઞાતિ સમુદાય પીરાણાના સતપંથ નામે ઇસ્લામી વિચારધારા સાથે સંકળાયેલો છે, તે મારા મહાન વૈદિક ધર્મનું અપમાન છે.
બસ, આ એક જ ઘટનાએ તેમના જીવનનું લક્ષ્ય બદલી નાખ્યું. તેમણે એ જ ક્ષણથી પોતાની વિમાસણનો સચોટ ઉકેલ મેળવવા અનેકવિધ માર્ગદર્શકોની શોધ કરવાની શરૂઆત કરી દીધી…
પોતાની વિચક્ષણ તર્કશક્તિ અને અધ્યયન સાથે એમણે પીરાણા સતપંથના મૂળ સુધી પહોંચવા, તેનાં તમામ ષડયંત્રોને સમજવા, તેનું કથિત સાહિત્ય એમણે તીક્ષ્ણ વિવેકબુદ્ધિથી વાંચવાનું અને ઊંડાણપૂર્વકનું અધ્યયન કરવાનું શરૂ કર્યું.
વિદ્વાનોની સંગત, વિશાળ વાંચન, નામાંકિત સુધારકો સાથેની ચર્ચા વિચારણા, અને ગુજરાતમાંથી “કડવા વિજય” નામે નીકળતા માસિકપત્રનો અભ્યાસ આ બધું જ એકત્ર કર્યું, તેમાં વૈદિકધર્મથી વિરુદ્ધ જતી, વાક્ચાતુરીથી ભરેલી, ભ્રમજાળ સર્જતી અને સાધારણ લોકોની શ્રદ્ધાનો દુરુપયોગ કરતી અનેક પ્રકારની વિપરીત બાબતો નિહાળી.
હા, મુંબઈ રહીને એમણે કમાણી તો સારી જ કરી, પરંતુ જ્ઞાતિજનોને આધ્યાત્મિક અધોગતિ તરફ જતા બચાવી લેવાની, અને શુદ્ધ સનાતન વૈદિકધર્મનો સ્વીકાર કરાવવાની પ્રતિજ્ઞા જ એમની સાચી તાકાત બની ગઈ.
તેઓ હજુ પણ વધુ યોગ્ય માર્ગદર્શન માટે પહોંચ્યા, રાજકોટ નજીક ઢોલરા ગામે. અહીંનાં મૂળ વતની રામેશ્વર મોરારજી વૈદિક વિરાસતના આરાધક હતા. નારાયણભાઈએ તેમના સહવાસથી સતપંથના ગુપ્ત ભેદ-ભરમોની ઊંડી માહિતી મેળવી લીધી. અનેક પ્રકારે પ્રશ્નોત્તરી કરી તેઓ વૈદિક સંસ્કારો આત્મસાત્ કરવા લાગ્યા. બસ, આ જ સ્થળે એમણે સતપંથ પીરાણાનો કાયમ માટે ત્યાગ કરી, સનાતન ધર્મ અંગીકાર કરી યજ્ઞોપવીત ધારણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી…
દેહશુદ્ધિ માટે એમણે નાસિકની બાજુમાં ગોદાવરી નદીના કિનારે આવેલા તીર્થરાજ ત્રંબકેશ્વરનું સ્થાન પસંદ કર્યું. પોતે અને અન્ય છ મિત્રોએ અહીં વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે પોતાની દેહશુદ્ધિ કરાવી. વૈદિક ધર્મને સંપૂર્ણ રીતે અપનાવી લીધો. એ શુભ દિવસ હતો, તા. 4-6-1908, સંવત 1964 જેઠ સુદ પાંચમનો.
“નારાયણભાઈ એ છ મિત્રો સાથે સનાતન ધર્મમાં વિધિવત્ પ્રવેશ કર્યો!” આ સમાચાર સમાજના ગેઢેરાઓ સુધી પહોંચ્યા, કે એ બધાએ સતપંથ, પીરાણા છોડીને સનાતન વૈદિક ધર્મ અપનાવ્યો છે, ત્યાં તો જાણે સમગ્ર કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં જાણે વીજળી જેવો આંચકો આવી ગયો.. સર્વત્ર આઘાતનું એક જબરદસ્ત વાવાઝોડું આવી ગયું. ભય અને ચિંતાનાં વાદળો માત્ર એમના પરિવાર સુધી જ નહીં, પરંતુ પીરાણા સુધી વિસ્તરી ગયાં.
જ્ઞાતિના ગેઢેરાઓએ સૈયદો અને કાકાઓના કહેવાથી નારાયણભાઈ અને તેમના સગા સંબંધીઓના ઘરે ફરમાનો મોકલ્યાં કે આ તમામને માતૃપક્ષ, પિતૃપક્ષ, બંધુવર્ગ, સ્નેહીઓ તમામથી બહિષ્કૃત કરો!! દરેક નિકટ સ્વજનોથી તેમનો સંબંધ અને સંસર્ગ છોડાવી દો!
અને આ હુકમનો તાત્કાલિક ધોરણે અમલ કરાવવામાં આવ્યો. જેને કારણે નારાયણભાઈ અને મિત્રો ઉપર અણધારી આફતનો પહાડ તૂટી પડ્યો. અજ્ઞાની લોકોએ પણ તેમને પરેશાન કરવામાં કોઈ કમી ન રાખી. માંદે-સાજે, મરણ-પરણમાં, સારા કે નરસા પ્રસંગોમાં તેમના ઘરે કોઈપણ જ્ઞાતિબંધુ, સગા કે કુટુંબીઓ પગ મૂકી શકતા નહીં. એટલું જ નહીં, તેમને પોતાના ઘરે આવનારા કોઈ પણ પ્રસંગમાં આમંત્રણ પણ આપી શકતા નહીં. એટલે સુધી કે બંને પક્ષે એકબીજાના પાણીનો છાંટો પણ હરામ થઈ ગયો.
ગેઢેરાઓએ સતપંથ સાથે ભળીને એ હદ સુધી કડકાઈ વાપરી હતી, કે વૈદિક ધર્મ અપનાવનાર કોઈપણ સાથે તેના સગા માતા-પિતા પણ સંબંધ ન રાખી શકે, પત્ની પોતાના પતિ સાથે ન રહી શકે, કાકા, મામા, સાળા કે બહેન-બનેવીઓ સાથે પણ તમામ સંબંધો ઉપર પૂર્ણવિરામ લાદી દેવાયું. જે જે જ્ઞાતિજનો સતપંથ છોડતા અને સનાતન અપનાવતા થયા, તે દરેકની આવી જ અવદશા કરવામાં આવતી. આખરે જ્ઞાતિ સાથેના બધા જ સંબંધો તોડાવીને તેમને અલગ કરી દેવાતા. સગપણ કે વિવાહ જેવા જીવનભરના ગહન સંબંધો તૂટી જવાના ભયાનક પ્રસંગો પણ બનવા લાગ્યા.
આવા સંઘર્ષના સમયે નારાયણજીભાઈ અને રતનશીભાઈએ સનાતન ધર્મના વિસ્તાર, પ્રચાર અને પ્રસારમાં સહયોગી થનાર યુવામિત્રો માટે યુવક મંડળની સ્થાપના કરી, જેના સ્થાપક મંત્રી હતા સિંહ સમાન વ્યક્તિત્વ ધરાવતા : રતનશી ખીમજી ખેતાણી!!
શરૂઆતમાં સૌની દલીલ એ જ હતી કે સૈકાઓથી ચાલી રહેલા પીરાણા સતપંથની હિમાલય જેવી સત્તા આપણા સાહસમાં બહુ જ વિઘ્નરૂપ થઈ પડશે. નારાયણજીભાઈ તે સમયે કહેતા કે વિઘ્નના ડરથી આપણા આત્મા પર સહી ન શકાય, તેવું કલંક રહીને જીવતા રહેવું તે ધિક્કારને પાત્ર છે. આપણા જ્ઞાતિભાઈઓ આજે મહાન વૈદિક ધર્મના ખોળે જવાને બદલે ઇસ્લામમાં પ્રવેશીને મરણતુલ્ય દુર્દશા ભોગવી રહ્યા છે. જો આપણે સાહસિક પગલાં નહીં લઈએ, તો પાખંડીઓ આપણને જ નહીં, આપણી આવનારી પેઢીઓને પણ પીંખી નાખશે.
સુધારક મંડળે શા માટે આટલી જોરશોરથી ‘ઘર વાપસી’ની અર્થાત્ “સનાતનમાં પરત ફરો”ની પ્રવૃત્તિ આદરી હતી, તે જાણવા માટે એટલું જ જાણવું પૂરતું છે કે-
-પીરાણા પંથ સાથે જોડાયેલા પાટીદારો ચોરી-મંડપમાં લગ્ન કરવાને બદલે દુઆ અથવા કલમા પઢીને લગ્ન કરતા થયા હતા.
-મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાને બદલે દફનાવવાની વિધિ કરતા હતા.
-સનાતન ધર્મનું મુખ્ય અંગ દેવો અને ભગવાનની મૂર્તિપૂજાના કેન્દ્રમાં મંદિર છોડીને અથવા છોડાવીને જમાતખાનાનું નિર્માણ કરીને તેમાં માત્ર એક પાટ સ્થાપવા લાગ્યા હતા.
-ત્યાં મધ્યરાત્રીએ નાની મોટી કહેવાતી ધાર્મિક વિધિઓ કરાવતા થયા હતા.
-‘દશાવતાર’ની કથાનું કથિત પુસ્તક તૈયાર કરી તેમાં દસમા અવતાર તરીકે હજરત મૌલા અલીને દર્શાવવાનું અને તેમાં માન્યતા રાખવાનું શરૂ કરી દીધું હતું. જેને તેઓએ છેતરપિંડી ધરાવતું નામ “નિષ્કલંકી નારાયણ” આપ્યું હતું…
-પીરાણાનો ધર્મગુરુ પ્રાગજી કાકો છેક સંવત્ 1832માં સૈયદ વલીમિંયા સાથે કચ્છમાં આવ્યો હતો, આ બંને મહાકાબેલ અને કપટી હતા. તેથી જ પાટીદારોને હિન્દુ ધર્મથી અળગા કરવા અને પીરના શુદ્ધ અનુયાયી બનાવવા એક નવી જ યોજના બનાવી હતી, અને તે એ હતી કે ભાવિપેઢીને ક્યારેય તેમના પૂર્વજો મૂળ હિંદુધર્મના જ હતા, તેનો ખ્યાલ ન આવવો જોઈએ.
આ માટે નખત્રાણામાં આવેલા જમાતખાનામાં મળીને તત્કાલીન જ્ઞાતિના ગેઢેરાઓને સાથે રાખીને બે ઠરાવો કર્યા હતા :
1. પરિવારની કોઈ પણ શુભ કે અશુભ વિધિમાં ગોર એટલે કે બ્રાહ્મણને બોલાવવા નહીં. પરંતુ કાકા એટલે કે જમાતખાનાના ઈસ્લામી સંચાલકને બોલાવવા.
2. જે બારોટો અથવા વહીવંચાઓ પેઢી દર પેઢીની વિગતો નોંધી રાખતા, તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવો.
આ બંને નિર્ણયો પાછળના ભયંકર હેતુઓ એ હતા કે જ્ઞાતિમાં ધર્મકાર્ય અંગે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય. ચોરીમાં થતાં લગ્ન અને અગ્નિસંસ્કાર જેવા મુખ્ય સંસ્કારો બંધ થાય. બ્રાહ્મણોનું ગોરપણું સંપૂર્ણ પ્રતિબંધિત હોવાને કારણે તેના બદલામાં પીરાણાથી મોકલાયેલા સૈયદને ગુરુ કરવામાં આવે, અને તેથી જ્ઞાતિનાં સંતાનોને ભવિષ્યમાં ફરજિયાત મુસલમાન થવું પડે !
વળી બારોટો અથવા વહીવંચાઓ પેઢી દર પેઢીની વિગતો નોંધી રાખતા, તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવાથી જ્ઞાતિના તમામ પરિવારો જોતજોતામાં પોતાના પરિવારના ઇતિહાસથી વંચિત બની જાય, અને લોકોની મૂળ ઓળખ વિસરાતાં ભાવિ પેઢી ક્યારેય હિંદુ ધર્મને પોતાના મૂળ તરીકે કદી ન સ્વીકારે!
આવા ભયંકર હેતુઓ ઉપરાંત પીરાણા-પંથીઓએ એક મંત્ર જેવી પંક્તિ ઘડી હતી, જેમાં સનાતન ધર્મના કેટલાક શબ્દોને ઉમેરીને દુઆ બનાવવામાં આવી હતી:
“ફરમાનજી બિસ્મિલ્લાહ હરરહેમાન નર રહીમ
સતગોર પાત્ર બ્રહ્મા ઇન્દ્ર ઈમામશાહા આદ
વિષ્ણુ નિરંજન નર અલી મહંમદશાહા તમારી દુઆ”
-આવા કોકટેઈલ મંત્ર બોલાવીને પાટીદાર અનુયાયી પર છાંટ નાખવામાં આવતી, અને નૂર અથવા ‘અમીની ગોળી’ જમાતખાનાના મુખી દ્વારા એક વાટકીમાં રાખેલા પાણીમાં રાખવામાં આવી હોય, તે ગોળી ઓગળે તે પાણી મોંમાં મૂકાવીને આદેશ અપાતો કે આવનાર વ્યક્તિએ તે પાણી પી જવું! તેને પાવળ કહેવામાં આવતું. પાવળ પીનાર વ્યક્તિએ “પીરશાહ” એટલું બોલવું પડે. આ વિધિ “છાંટ નાખવાની પ્રક્રિયા” કહેવાતી. છાંટ લેનાર તે જ ઘડીથી હિંદુ મટીને મુસલમાની બની ગયો, કહેવાતો. કચ્છ તથા અન્ય સ્થળો પરથી એકત્ર થતાં જ્ઞાતિ ભાઈઓના પૈસાનો ઉપયોગ સૈયદો પોતાના માટે કરતા.
-કડવા પાટીદાર જ્ઞાતિને ઇસ્લામના કુટિલ પ્રચારકો દ્વારા લોભ, લાલચ, અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસના શિકાર પણ બનાવવામાં આવ્યા. જેમાં એક દુઆ અને કલમા પણ રચવામાં આવી કે તેનાથી તમારી દરેક દુઆ પૂરી થાય! જેમ કે-
સતગોર ઈમામશાહા નરઅલી મહંમદશાહા
હક લાએલાહા ઈલ્લલ્લાહો મહંમદુર રસુલીલ્લાહે
-વળી ઇસ્લામનું એક હથિયાર જ્ઞાતિના ઈસ્લામીકરણ માટે અત્યંત પ્રભાવક રહ્યું. તે હથિયાર એટલે ‘અલ-તાકિયા’ અથવા ‘તાકિયા’.
ઇસ્લામના પ્રચાર માટે તલવાર સિવાયનો બીજો માર્ગ એટલે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા થતા ધર્મપરિવર્તન માટેની આ પ્રક્રિયાને ‘તાકિયા’ કહેવામાં આવે છે.
-શિયા ઇસ્લામના પ્રચારકો હિન્દુ ધર્મના ઉચ્ચ આદર્શો અને મૂલ્યો ઉપરાંત વર્ણ આધારિત સમાજના મજબૂત રક્ષાકવચને ભેદી શકે તેમ ન હતા, તેથી જ તેમણે છળ, કપટ અને યુક્તિ -પ્રયુક્તિઓનો આશરો લઈને હિન્દુ દેવી-દેવતાઓના નામનો દુરુપયોગ કરીને ઇસ્લામને ‘સતપંથ’ જેવા નામના વાઘા પહેરાવ્યા.
-હજરત મૌલા અલી તાલિબ એ ઇસ્લામના સ્થાપક મહંમદ પયગંબરના કાકાના દીકરા ભાઈ ઉપરાંત તેના જમાઈ પણ હતા. તેને જ વિષ્ણુ ભગવાનના અંતિમ અને દસમા અવતાર ‘કલ્કિ’ તરીકે ગોઠવીને નામ આપી દેવામાં આવ્યું: નિષ્કલંકી નારાયણ !આમ અવતારવાદને પણ દૂષિત કરવાનો કારસો રચાયો.
-પીરાણામાં માનનાર પાટીદાર પરિવારોને એ આદેશ પણ કડક રૂપે આપવામાં આવ્યો હતો, કે “સતપંથને એટલે કે પીરાણા પંથને તમારે ગુપ્ત રીતે પાળવો. આ અંગે પરિવારજનો સાથે પણ ચર્ચા ન કરવી. કેમ કે કળિયુગમાં હવે ખૂબ ઓછા દિવસો બાકી છે, અને કળિયુગના અંતે કેટલાક લોકો જ અમરાપુરીમાં જશે, જો તમે સતપંથનું પાલન કરો છો, તે છુપાવી રાખવામાં સફળ રહેશો, તો તમને ‘અમરાપુરી’ એટલે એવું ‘બહિશ્ત’ મળશે, જ્યાં ૭૨ હુરા મળવી….” વગેરે લોભામણી કે ડરામણી બાબતો પણ જણાવવામાં આવી છે.
-જેમ કડવા પાટીદારોને પીરાણાપંથીઓએ તેમના પોતાના પરિવારના ઈતિહાસથી એટલે કે ભૂતકાળથી વંચિત કર્યા, તેમ જ ભવિષ્યમાં તેમનો માનસિક કે બૌદ્ધિક વિકાસ ન થાય તે માટે તેમણે ક્યારેય એકતા અથવા વિકાસની વાત ન કરી. માત્ર અને માત્ર જ્ઞાતિજનોની આર્થિક રીતે શોષણ જ કરતા. જેમાં દશોંદ, લાગાઓ વગેરે અનેક કુરિવાજ પણ કાયમી ધોરણે જ્ઞાતિજનોને પરેશાન કરી રહ્યા હતા.
આવી અનેક પ્રકારની પદ્ધતિઓ હિન્દુ ધર્મથી વિપરીત તો હતી જ, પરંતુ ઇસ્લામ તરફ ઝુકાવ આપનારી હતી. તે સમયે જ્ઞાતિ ઉપર પીરાણાના સૈયદો સાથે જ તત્કાલીન સ્વાર્થી ગેઢેરાઓની પણ લોખંડી પકડ હતી. આવા અનેક પ્રકારના પાખંડમાંથી આખી જ્ઞાતિને છોડાવવાની ટેક લેવી એ કેટલી હદે જોખમકારક હતી, તેનો ખ્યાલ તો ત્યારે આવતો કે જ્યારે સતપંથના સૈયદો અને સ્વાર્થી ગેઢેરાઓ મારફત પોતાના જ ભાઈઓ ઉપર અત્યાચાર અને ત્રાસ વરસાવવામાં આવતા, મારવામાં આવતા કે પછી ગુનેગાર ઠેરવીને આખા કુટુંબ તેમજ સગા સંબંધી સહિત સજા કરવામાં આવતી.
એટલું જ નહીં, પાટીદારોમાં પણ પીરાણાપંથને માનનાર લોકોને સુધારાવાદીઓની સાથે બેસીને જમવા માટેની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. સ્પષ્ટપણે પીરાણા ખાતે ઇમામશાહ અને તેના સૈયદો દ્વારા કહેવામાં આવતું કે આપણો પંથ સતપંથ છે, અમે તમારા હિંદુધર્મને સ્વીકારતા નથી…
આવી અનેક બાબતોને નારાયણભાઈએ “પીરાણા સતપંથની પોલ” ગ્રંથમાં પ્રકાશિત કરી છે. જેમાં સતપંથના પીરાણાસ્થિત સૈયદો દ્વારા કેટલાં ગપ્પાં હાંકવામાં આવ્યાં છે, તથા ચમત્કારોના નામે કેટલું જૂઠ ફેલાવવામાં આવ્યું છે, તે સમાજ સમક્ષ ખુલ્લું મૂકવામાં નારાયણભાઈની હિંમત, મહેનત અને ખર્ચ કરવાની ઉદારતા અદ્ભુત અને અનન્ય હતી.
આમ નારાયણભાઈની સાથે અન્ય સુધારક મંડળના સહયોગીઓએ તેમના વિચારોને સાકાર કરવા હિંમતપૂર્વક કમર કસી હતી. આ માટે અજ્ઞાનવશ કે પરંપરાગત રીતે સતપંથમાં પ્રવેશી ગયેલા પરિવારજનોને સમજાવવા, તેમને દેહશુદ્ધિ માટે તૈયાર કરવા આખી જ્ઞાતિના તમામ પાટીદાર પરિવારોમાં એવો ખળભળાટ ચાલી રહ્યો હતો, કે સતપંથ છોડવો કે ન છોડવો? આ કશ્મકશની બીજી તરફ સનાતનધર્મી બનીને દેહશુદ્ધિ કર્યા પછી પોતાના જ પીરાણાપંથી સગા-વહાલાઓ સાથેના તમામ નાતા સંબંધો, સ્નેહ, વાત્સલ્યને સદા માટે છોડી દેવાના થતા હતા..
સતપંથના અનેક પરિવારો સાથે એમના ઊઠવા-બેસવાના તથા ચર્ચા કરવાના સંબંધો કેળવાઈ ચૂક્યા હતા. આ કાર્યને વધુ ગતિ મળે તે હેતુથી અને “પીરાણાનો સતપંથ મુસ્લિમ મજહબનો જ એક મહત્ત્વનો કટ્ટરપંથી ભાગ છે,” તે બાબતે જાગૃતિ લાવવા એમણે દાણાબંદર ખાતે જાહેર સભાનું આયોજન કર્યું. જેમાં સનાતન ધર્મની પરંપરાઓને અપનાવવા તથા સતપંથનો ત્યાગ કરવા માટે તમામ જ્ઞાતિજનોને જોશભેર આહ્વાન કરવામાં આવ્યું.આ કડવા પાટીદાર જ્ઞાતિની પહેલી જાહેર સભા થઈ, તેના નેતા અને પ્રમુખ પદે ઉપસ્થિત હતા રતનશીભાઈ ખેતાણી.
“વીર જ્ઞાતિસેવક”
તે પછી ટૂંક સમયમાં જ “કચ્છ કડવા પાટીદાર યુવકમંડળ”ની રચના ઘાટકોપર ખાતે 1918માં કરવામાં આવી. તેના પ્રથમ સ્થાપક મહામંત્રી હતા: રતનશીભાઈ ખેતાણી. મંડળની વિશેષતા એ હતી કે ભલે કોઈ જ્ઞાતિબંધુએ દેહશુદ્ધિ ન કરાવી હોય, તો પણ તે “કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ”નો સદસ્ય બની શકતો હતો.
આ દિવસોમાં થયેલા આયોજનોમાં જ રતનશીભાઈ ખીમજીભાઈ ખેતાણીનું નીડર અને તેજસ્વી નેતૃત્વ સહુ જ્ઞાતિજનોની નજરે ચડવા લાગ્યું. નારાયણભાઈની સાથે રહી યુવક મંડળના આરંભકાળથી રતનશીભાઈની સંગીન સેવાઓ તથા સતપંથના ભાઈઓને ધીરે ધીરે સુધારાના માર્ગ પર લાવવાની સમજાવટ અનન્ય હતી. આથી જ સ્વયં નારાયણભાઈએ તેઓને “વીર જ્ઞાતિસેવક” તરીકે બિરદાવ્યા હતા, અને તે સમયથી જ જ્ઞાતિજનોમાં તેઓની વિલક્ષણ પ્રતિભા પ્રસિદ્ધ થવા લાગી. નારાયણભાઈના નેતૃત્વ હેઠળ મોટી વિરાણી, કરાંચી કે ઘાટકોપર ખાતે જેટલી જ્ઞાતિ પરિષદો થઈ, તે તમામ પરિષદોના સંકલનકર્તા તરીકે આ યુવાન સહુની આંખે ચડી જતો. આમ નારાયણભાઈ માટે રતનશી ખીમજી ખેતાણી જાણે જમણો હાથ બની રહ્યા હતા.
મુંબઈમાં સ્થપાયેલા યુવક મંડળનાં સકારાત્મક પરિણામોની હવા હવે તો કરાંચીથી કચ્છનાં ગામડાંઓ સુધી વહેતી થઈ ચૂકી હતી. વિરાણી મોટી અને નખત્રાણામાં પણ એ અરસામાં જ યુવક મંડળોની સ્થાપના કરવામાં આવી.
આ યુવક મંડળોએ નારાયણભાઈ અને રતનશીભાઈના નેતૃત્વ હેઠળ જ્ઞાતિ સુધારણા માટે જબરદસ્ત અભિયાન ચલાવ્યું, જોત જોતામાં આખી જ્ઞાતિમાં જાગૃતિ આવવા લાગી કે સતપંથ એક મોટું ષડયંત્ર છે, અને આપણે મૂળ સનાતન ધર્મી જ હતા! અને માટે જ સતપંથનો ત્યાગ આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે…
તા. 8 થી 11 ઓગસ્ટ, 1920ના રોજ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની પ્રથમ પરિષદનું આયોજન કરાંચી ખાતે કરવામાં આવ્યું. જેમાં સતપંથમાંથી જ્ઞાતિને છોડાવવા માટે ખાસ ઠરાવો કરવામાં આવ્યા. બીજા જ વર્ષે સન્ 1921માં ઈસ્લામી દુઆઓને બદલે વૈદિક વિધિથી સમગ્ર જ્ઞાતિમાં 1200 લગ્નોનું મહાન ક્રાંતિકાર્ય સંપન્ન થયું. તે પછીથી જ્ઞાતિમાં મોટા પાયે હિન્દુ વિધિપૂર્વક લગ્નો થવાની શરૂઆત થઈ ચૂકી હતી.
છેક સંવત્ 1832માં થયેલા જ્ઞાતિના ઠરાવ બાદ પરિવર્તન દર્શાવતું આ પગલું આખી જ્ઞાતિ માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે પ્રમાણિત થયું, સૌનો અંતરાત્મા કબૂલ કરતો હતો કે આ પરિવર્તન નારાયણભાઈ અને રતનશીભાઈના સુદૃઢ પરિશ્રમનું જ અદ્ભુત પરિણામ છે.
બીજા વર્ષે પણ કરાંચી ખાતે તા. 7 થી 9 ઓક્ટોબર, 1922ના દિવસોમાં બીજી જ્ઞાતિ પરિષદનું આયોજન થયું. જેમાં પીરાણા સતપંથનું કાળું કલંક ધોઈ નાખવા, ગેઢેરાઓની ગુલામીમાંથી જ્ઞાતિજનોને મુક્ત કરવા નારાયણભાઈ અને રતનશીભાઈએ હૃદયવેધક અને ગંભીર ઘોષણાઓ કરી. જ્ઞાતિજનોની મોટી હાજરીમાં સૌએ મજબૂત ઠરાવો કર્યા.
નારાયણભાઈએ પરિષદમાં સતપંથના “દશાવતાર” ગ્રંથમાં લખવામાં આવેલા ગપગોળા અને છેતરપિંડી વિષયક અત્યંત અસરકારક પ્રવચન કર્યું. સમગ્ર જ્ઞાતિજનો પર તેનો કાયમી અને ઊંડો પ્રભાવ પડ્યો. હજારો જ્ઞાતિજનોને ખાતરી થઈ કે સતપંથ મુસ્લિમ મજહબનો જ ભાગ છે, અને તે આપણને હિન્દુઓને ધર્માંતરિત કરવા માટે જ યોજવામાં આવેલું ષડયંત્ર છે.
આ પછી નારાયણભાઈના માર્ગદર્શન હેઠળ તા. 18 થી 21 એપ્રિલ 1924ના રોજ ઘાટકોપર, મુંબઈ ખાતે ત્રીજી જ્ઞાતિ પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પરિષદમાં સનાતની વિચારધારા વાળા જ્ઞાતિજનોની સાથે જ કેટલાક મવાળ આગેવાનો પણ ઉપસ્થિત હતા. જેમણે “આપણી જ્ઞાતિ સતપંથથી મુક્ત થાય” તેના મુખ્ય ઠરાવને નિષ્ફળ બનાવવા માટે ગંભીર પ્રયત્નો કર્યા. પરંતુ નારાયણભાઈ, રતનશીભાઈ વગેરે ક્રાન્તદર્શી યુવાનો અને જ્ઞાતિના અન્ય પ્રભાવશાળી મહેમાનોના અસરકારક પ્રવચનોને કારણે તેઓના પ્રયત્નો નિષ્ફળ ગયા. આમ ત્રણેય પરિષદો જ્ઞાતિને સફળતાના નવા મુકામ તરફ ગતિશીલ બનાવી ચૂકી હતી.
થોડા સમય બાદ જ કચ્છના દયાપરના અનેક જ્ઞાતિ પરિવારોએ દેહશુદ્ધિ કરાવી. સાથે પાનેલી ગામની બહેનો દ્વારા પણ આ બાબતે આગેવાની લેવામાં આવી. મુંબઈ, રવાપર અને કરાંચીના પણ પરિવારોએ દેહશુદ્ધિ કરાવી. સૌ જ્ઞાતિ સુધારણાના અભિયાનમાં મજબૂત ટેકો બનીને ઊભા રહી ગયા હતા.
ઇસ્લામમાં ધર્માંતરિત થઈ ગયેલી પોતાની માતા સમાન જ્ઞાતિને અનેક દુઃખ અને પીડાઓથી મુક્ત કરી સનાતન ધર્મનું ગૌરવ અપાવવા, પીરાણા સતપંથ સામે નારાયણભાઈ અને યુવક મંડળે ક્રાંતિનો જબરદસ્ત શંખનાદ કર્યો. ભલે નારાયણભાઈનો શાળાકીય અભ્યાસ માત્ર ધોરણ પાંચ સુધીનો હોય, પરંતુ સતત અધ્યયન, વાંચન, નિરીક્ષણ, વિશ્લેષણ અને સનાતન ધર્મનું અનન્ય ગૌરવ આ બધાં પરિબળો એટલાં પ્રબળ હતાં, કે જ્ઞાતિમાં ઘર કરી ગયેલાં અનેક નકારાત્મક તત્ત્વોને જડમૂળથી ઉખાડી નાખવામાં તેઓ સફળ થયા.
તેમના વ્યક્તિત્વમાં એક વિશેષ તેજસ્વિતા હતી, મુશ્કેલીઓ સામે કદી પણ ન ઝૂકવાની નીડરતા હતી, તેમના નેતૃત્વની આ વિલક્ષણતા એવી હતી કે સતપંથના પ્રચારકોએ ચલાવેલું સનાતન ધર્મના વિરોધનું અભિયાન ધીરે ધીરે કમજોર થવા લાગ્યું. તે સમયની જ્ઞાતિ પરિષદોના અહેવાલો, જાહેર મીટીંગોના રિપોર્ટ્સ, અને નાનાં મોટાં પુસ્તકો- પેમ્પલેટ વગેરે પ્રકાશનોમાં નારાયણભાઈનાં અનેકવિધ કાર્યોની વિલક્ષણતા અને પરિણામોનાં દર્શન સ્પષ્ટ થાય છે. તેમના યોગદાન અંગે ત્રણ પુસ્તકોનો આધાર આજે પણ તેમના કર્તવ્ય-કર્મની સાક્ષી પૂરી રહ્યાં છે.
– “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ”,
– “કર્તવ્ય પંથે”,
-“કચ્છના કડવા પાટીદારો ઇતિહાસ” (પૃષ્ઠ 85 થી 100)
તેઓએ 20 -20 વર્ષ સુધી સતત સતપંથના ગુપ્ત અને હસ્તલેખિત સાહિત્યનું અધ્યયન કર્યું. તેમના પ્રિન્ટ થઈ ચૂકેલા સાહિત્યને પાણીની જેમ પૈસા વેરીને હસ્તગત કર્યાં. છ-છ વર્ષ સતત અધ્યયન કરીને તેમણે “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” પુસ્તક પ્રકાશિત કર્યું. જેને સમાજ “પીરાણાની પોલ” તરીકે ઓળખે છે. આ ઉપરાંત 20થી વધુ નાનાં મોટાં પેમ્પલેટ, પુસ્તિકાઓ કે પ્રકાશનો પોતાની આગવી શૈલીમાં લખીને તૈયાર કરાવ્યાં.
જેમાં “પીરાણા સતપંથ પાટીદાર ભાઈઓને વિનંતી પત્ર”, “સતપંથીઓના સધિયારાને સપાટો”, “સૈયદ અહમદ અલી ખાકીને જવાબ”, “કુટિલોની કુટિલતા ઉપર સર્ચલાઈટ”, “શું સોદાગર નહીં જાગે?”, “કાકા રવજી લક્ષ્મણને ખાસ ચેતવણી” વગેરે પ્રકાશનો એટલાં પ્રભાવક, સક્ષમ અને બળકટ હતાં કે વાંચનાર અવશ્યપણે સતપંથને તજીને સનાતન ધર્મને અપનાવવા તત્પર બની જતો. જો કે મોટાં પ્રકાશનો માટે આર્થિક આવશ્યકતા પણ ઊભી થઈ. અને તેમણે પોતાના સમર્પણ દ્વારા જ તેની પહેલ કરી.
જેમાં તેઓએ ભોળા હિન્દુ જ્ઞાતિજનોને વટલાવવાની સતપંથની પદ્ધતિઓ, સનાતન ધર્મને વૈદિક ક્રિયા-કર્મથી ભ્રષ્ટ કરવાની તેમની મેલી મુરાદો, વેદો, શાસ્ત્રો તેમજ પુરાણો ઉપરથી વિશ્વાસ ઉઠાડી મૂકવા માટે કરવામાં આવતી બેબુનિયાદ દલીલો, તેમજ ગાય-બ્રાહ્મણ તથા જોગી સંન્યાસીઓને ન માનવા માટેના સતપંથના દુરાગ્રહો વિશે ખૂલીને, તર્કબદ્ધ રીતે, તેમજ પ્રમાણિત સંદર્ભો સાથે નીડરતાપૂર્વક ચર્ચા કરી છે. આ ગ્રંથ વાંચનારને નારાયણભાઈની સનાતન ધર્મ પ્રત્યેની અસ્મિતા તથા તેમના અધ્યયનની નિપુણતા વિશે ગર્વ થયા વિના રહેતો નથી.
રતનશીભાઈ પણ નારાયણભાઈના આદેશથી જ્ઞાતિજનો જ્યાં જ્યાં વસતા તેવાં અનેક ગામોમાં ઘૂમી વળ્યા હતા. સનાતનના પ્રચાર અભિયાનમાં તેમના નેતૃત્વનું તેજ હરહંમેશ અસરકારક રહેતું. જાગૃતિની આ મંદ અને શાંત હવાઓ મુંબઈથી કચ્છ-ભુજનાં ગામોથી માંડી દૂર કરાંચી સુધી વહેવા લાગી હતી. જ્ઞાતિ સુધારક મંડળની સ્થાપના બાદ કરાંચી અને મુંબઈમાં સનાતન ધર્મની જાગૃતિ માટે પરિષદો યોજવામાં પણ રતનશીભાઈનું અમૂલ્ય યોગદાન હતું. પરંતુ ક્યારેક તેઓ એ વિચારમાં ચડી જતા કે અમારા અભિયાનમાં એવી કઈ બાબત છે, જેને કારણે અમને જોઈએ તેટલી સફળતા નથી મળતી…
જો કે તેઓ આ વિચારને ગૌણ સમજીને નિરંતર ધ્યેય તરફનો પુરુષાર્થ કરવામાં જ માનતા. એક તરફ સતપંથ તરફથી જ્ઞાતિના ગેઢેરાઓ જ સમસ્યારૂપ હતા, કે જેઓ એ જ પ્રવૃત્તિઓ કરતા કે કોઈપણ પરિવારે જો દેહશુદ્ધિ કરાવી અને તે જો સનાતનધર્મી જાહેર થયા, તો-
-તે લોકોને તે જ દિવસથી જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરી દેવાનું ફરમાન બહાર પાડી દેતા.
-એ લોકોનાં તમામ સગપણો સંબંધો તોડાવી નાખવામાં આવતાં.
-પતિ-પત્નીને બનતું હોવા છતાં ફરજિયાતપણે તેમના છૂટાછેડા કરાવી દેવામાં આવતા.
-ગામનો કોઈપણ પરિવાર કે વ્યક્તિ તેમને સાથ આપે તો તેને પણ જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતો.
આવી તકલીફો ભોગવતા જ્ઞાતિજનો મનથી સનાતની હોવા છતાં દેહશુદ્ધિ નહોતા કરાવતા. પણ નારાયણજીભાઈનું માનવું હતું કે નિશ્ચિત નિયમો બાબતે કોઈપણ બાંધછોડ ન જ કરવી, તેથી છેવટે જ્ઞાતિની સાથે રહેવા, પોતાના સંબંધો સાચવવા અનેક પરિવારો કંટાળીને નારાયણભાઈ દ્વારા કરાવેલી દેહશુદ્ધિ હોવા છતાં ફરીથી સતપંથમાં જોડાવા લાગતા. ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે કે નારાયણભાઈની સાથેના તમામ આર્યસમાજી વિચારક જ્ઞાતિબંધુઓએ નારાયણભાઈનો સંગાથ છોડી દીધો હતો. તેઓના અભિયાન સાથે જોડાયેલા અનેક લોકોને તેઓ કાયમ માટે પોતાની સાથે જોડીને રાખી શક્યા નહીં.
આ સમસ્યાનું સમાધાન કયું હોઈ શકે? તે વિચાર તો રતનશીભાઈના મનમાં પણ ઘોળાતો હતો.
અને આખરે તે સમસ્યાના ઉકેલનો પવિત્ર દિવસ આવી ગયો…
જાણે અણીના સમયે કોઈ તારણહાર મળ્યા…
એક જુદી અને વ્યાપક વિચારધારા સાથે સુધારક મંડળને નવી દિશા આપવા એ સમયે કચ્છના વરિષ્ઠ સંત પૂજ્ય શ્રી ઓધવરામજી મહારાજનું આ સમસ્યા અંતર્ગત પ્રભાવક આગમન થયું…
આ વિચારધારાની મશાલ રતનશી ખીમજી ખેતાણીના હાથમાં આપીને જ્ઞાતિસમાજને એક જુદા જ દિવ્ય પ્રકાશની સહેલ કરાવવાની શરૂઆત તેઓ પોતાની આગવી સંત પ્રતિભાથી કરી ચૂક્યા હતા…