Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 4: કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ અને તેના ઇસ્લામીકરણનો સંક્ષિપ્ત ઇતિહાસ

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઈસ્લામી કરણના ઇતિહાસમાં પ્રવેશીએ તે પહેલાં ટૂંકમાં એ જોઈ લઈએ કે પાટીદારોનો પ્રાચીન ઇતિહાસ શું કહે છે?

બ્રહ્માજીના દસ પુત્રોમાં એક ઋષિ થઈ ગયા: મરીચિ. તેમના પુત્ર કશ્યપથી તમામ પ્રજા ઉત્પન્ન થઈ. જેમાં કુર્મ અને કશ્યપ એક જ શક્તિ અને વ્યક્તિ ગણાય છે.

કૂર્મીની વ્યાખ્યા કરતાં વેદોના વિખ્યાત ભાષ્યકાર સાયણે કહ્યું હતું કે કૂર્મીનો અર્થ છે: પરમ વીર પુરુષ, જે યુદ્ધમાં દુર્લભથીયે દુર્લભ કુશળતા દર્શાવી શકે.

સંસ્કૃતમાં આ શબ્દ “કુમ્બ” તરીકે પણ જોવા મળે છે. ડો. જ્હોન વિલિયમ કુંબ, કુરમી, કુનબી, કણબી વગેરેને એક જ મૂળમાંથી ઉત્પન્ન થયેલા શબ્દો માને છે. અને તેને આધારિત પ્રજા કૃષિ સાથે જોડાયેલી હોવાનાં અનેક ઉદાહરણો મહાભારતકાલીન ઇતિહાસથી માંડી ભારતના વિભિન્ન રાજ્યોના જુદા જુદા ઇતિહાસકારોના ગ્રંથોમાં જોવા મળે છે.

કૂર્મ પુરાણમાં ઉલ્લેખ થયા મુજબ પ્રાચીન કૂર્મીઓ શિવપૂજકો હતા. મા ઉમા અને શિવભક્ત હોવાથી તેઓ મા ઉમિયાને કુળદેવી તરીકે સ્વીકારીને ભક્તિ-ભાવપૂર્વક તેમનું પૂજન કરતા. આજે પણ આ આરાધના પરંપરાગત રીતે જોવા મળે છે.

ભારતમાં પંજાબ અને તે પછી ગુજરાત, કૂર્મી જમીનદારોનો મોટો પ્રદેશ હોવાનાં પ્રમાણો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસમાં જોવા મળે છે. મોટાભાગે કૂર્મીઓ જમીનદાર, જાગીરદાર, તાલુકાદાર, અમીન, મુખી વગેરે વિશેષણ ધારણ કરતા હતા.

જેમને સન્ 1906માં આયોજિત થયેલા કૂર્મી જ્ઞાતિના વિશાળ સંમેલનમાં અનેક સંશોધનો રજૂ કરીને ક્ષત્રિય તરીકે પ્રસ્થાપિત થવાનો નિર્ણય જાહેર થયો હતો. તત્કાલીન શંકરાચાર્યજી દ્વારા વાંસવાડામાં 50થી વધુ પંડિતોની ઉપસ્થિતિમાં કૂર્મી ક્ષત્રિય એટલે કે કડવા પાટીદારોને યજ્ઞોપવીત સંસ્કાર કરીને આ જાહેરાત કરવામાં આવી હતી કે કૂર્મીઓ, મૂલત: ક્ષત્રિય જ છે.

મુસ્લિમ શાસકોના સમયમાં આ કૂર્મીઓને પટ્ટા પર ખેતી કરવા માટે જમીન ફાળવવામાં આવી. મહંમદ બેગડાએ “વાંટા” પદ્ધતિ દાખલ કરી. જમીનના આ નવા માલિકોને પટ્ટેદાર કહેવાતા. તેમાંથી પાટીદાર શબ્દ પ્રચલિત થવા લાગ્યો.

ઈ.સ. પૂર્વે 600 થી સન 200 સુધીમાં કૂર્મીઓ પંજાબ છોડીને સમગ્ર ભારતમાં ફેલાતા ગયા. જેમાં ઈ.સ. પૂર્વે 300ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયે પંજાબમાંથી કૂર્મી ક્ષત્રિયોના ખૂબ મોટા સમૂહ ગુજરાતમાં પ્રવેશ્યા હોય, તેવું અનુમાન છે.

ડૉ. મંગુભાઈ પટેલે કૂર્મીઓ એટલે કે કચ્છી પાટીદારો માટે જે નિરીક્ષણ નોંધ્યું છે, તે સચોટ અને ગૌરવપ્રેરક છે. તેમણે લખ્યું કે “કચ્છ કડવા પાટીદારો પોતાની ભાતીગળ સંસ્કૃતિને કારણે અનેક સદગુણોથી અલંકૃત છે. એમનું હૃદય સાગર જેવું ગંભીર અને વિશાળ છે. અંતઃકરણ ઉદાર અને નિર્મળ છે. મન શુદ્ધ અને સરળ છે. તેમનામાં વટ અને વિવેક છે. જીવન રસિક અને સંસ્કારી છે. સ્વભાવે સ્વતંત્ર અને અભિમાની છે. તેનામાં વીરતા અને સ્થિરતા છે. તે નીડર અને સાહસિક છે. તેનું શરીર પહાડ જેવું છે, એમાં સિંહનું બળ છે, અને એ બળનો ઉપયોગ હંમેશાં સમાજની સુરક્ષા કરવામાં જ કરે છે.”

ગુજરાતમાં ઊંઝા, મહેસાણા વગેરે પ્રદેશોમાં રહેતા જ્ઞાતિના તત્કાલીન વડવાઓને ખ્યાલ આવ્યો કે અમારામાંથી અનેક પરિવારો ઇમામશાના પ્રભાવ હેઠળ “સતપંથ” સ્વીકારી મુસલમાન થયા છે, ત્યારે તેમણે સનાતન ધર્મ અપનાવવા માટે હાલના કચ્છ કડવા પાટીદારોના પૂર્વજોને ખૂબ જ સમજાવ્યા હતા. પરંતુ તેમણે “સતપંથ” કોઈપણ ભોગે ન છોડવાનું વલણ અપનાવ્યું હતું, આથી જ ઊંઝા વગેરે તરફ રહેતા તત્કાલીન વડવાઓએ તેમને નાત બહાર અને ગામ બહાર કર્યા. માત્ર ખેતીકામ જાણતા એ લોકોને હવે ક્યાં જવું તેની દિશા સૂઝતી ન હતી. તેમણે ઇમામશાને જણાવ્યું કે અમારી આ તકલીફ છે. સતપંથને અપનાવ્યા પછી અમારો બહિષ્કાર થયો છે. ઇમામશાના તે સમયે કચ્છના રાજા સાથે સારા સંબંધો હતા, અને રાજાને પણ કચ્છની વિશાળ ધરતી પર ખેતી કરે તેવી પ્રજાની જરૂર હતી. તેથી કચ્છના રાજાએ “સતપંથી” હોવા છતાં તત્કાલીન કડવા પાટીદારોના પૂર્વજોને અનેક ગામોમાં વસવાટ આપ્યો, અને ખેતીની જમીન પણ આપી. આમ સતપંથી કડવા પાટીદારો ધીરે ધીરે કચ્છમાં આવીને વસતા ગયા. જેમાં કચ્છમાં માનકૂવા, વિરાણી, અંગિયા, શિકરા, કોટડા, નખત્રાણા, નેત્રા, વિથોણ, કરબોઈ, મથલ, ઘડાણી, ખોંભડી, દરશડી વગેરે સ્થળોએ આવતા ગયા, અને ગામ વસાવતા ગયા અથવા જે ગામ વસ્યાં હતાં તે ગામોનો વિસ્તાર કરતા ગયા.

સદીઓ સુધી આ કૂર્મીઓની એટલે કે પાટીદારોની આધ્યાત્મિક-ધાર્મિક માન્યતા, મા ઉમિયાની ભક્તિ અને આરાધના સાથે જ વણાયેલી હતી. એ સમયે આશરે સને 1449માં હેતુપૂર્વક પાટીદારો તથા અન્ય હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવાની જ મહત્ત્વાકાંક્ષા સાથે ચૌદમી સદીમાં ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈયદનાં પૂર્વજો ઈરાનથી ભારત આવ્યા હતા. થોડા જ સમયમાં એ ઇસ્લામના પ્રચારકોએ સ્થાનિક અને સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સનાતન ધર્મની રચના અનુસાર નકલી સાહિત્ય તૈયાર કરવા માંડ્યું. ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈયદ ઉચ, પાકિસ્તાનમાં જન્મ્યો. તેના પિતા પીર કબીરુદ્દીન હતા, અને દાદા પીર સદૃદ્દીન (સદરુદીન) હતા. ગુજરાત આવીને અમદાવાદ પાસેના ગીરમથા ગામની સીમમાં “પીરાણા” (પીર કા આના )આવીને સ્થાયી થયો હતો.

ધીરે ધીરે તેના કથિત પરચાઓ ફેલાવા લાગ્યા, અને તે તરફના પાટીદારોએ તેની માનતા કરવાની શરૂઆત કરી. પટેલોની તે માનતા ધીરે ધીરે આસ્થામાં ફેરવાઈ અને પીર ઈમામશાહના હુકમથી સંવત્ 1580માં વેલા પટેલ વગેરે એ શિકરા ગામ વસાવ્યું. ધીરે ધીરે તેમના વંશ-વારસો અને તેમના સગા-સ્વજનો પણ પીર ઈમામશાહને સ્વીકારીને સનાતન ધર્મની પરંપરા છોડવા લાગ્યા.

તે ૬૩ વર્ષે ગુજરી ગયો, પછી તેના પુત્ર નૂર મહમ્મદને ગાદીનો ઉત્તરાધિકારી જાહેર કરાયો. જેમાં હાલનું ચરોતર, આણંદ, અમદાવાદ, મહેસાણા વગેરે ગામો-શહેરોમાં તે સમયે વસેલા કૂર્મી ક્ષત્રિયોએ ધીરે ધીરે પીરનો ધર્મ કબૂલ કરવાની શરૂઆત કરી દીધી હતી. આમ 500 વર્ષ સુધીમાં મોટાભાગનો ‘કચ્છ કડવા પાટીદાર સમાજ’ સન 1524 પછી તો મોટા પ્રમાણમાં પીરાણા ગાદીપતિઓના પેઢીગત સંપર્કને કારણે પ્રચ્છન્ન ઈસ્લામી પરંપરાના આરાધકો બની ગયા!

 આ જ કારણે પટેલોની સામાજિક જીવનશૈલી, આધ્યાત્મિક અને ધાર્મિક માન્યતાઓ, મૃત્યુ પછી અગ્નિસંસ્કાર વગેરેની પરંપરા, પ્રાતઃકાળ અને દિવસ દરમિયાન થતી આરતી વગેરે આરાધનાઓ બધું જ ધીરે ધીરે બદલાવવાની શરૂઆત થઈ.

મોડી રાતની બંદગી સહિત અગ્નિસંસ્કારને બદલે મૃતદેહને દફનાવવાની પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી. પીરાણાના સંચાલક ઇમામશાહ અને તેની ગાદી પર ત્યાર પછી આવનાર તમામ સૈયદો, ગુપ્તપણે ઇસ્લામની પરંપરા રાખીને હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવાનો જ મેલો આશય રાખતા. પરંતુ ઉપરનો અંચળો માત્ર સનાતન ધર્મનો છે, તેવો દેખાવ કરતા ગયા.

તેના ભાગરૂપે જ તેમણે પીરાણા પંથને “સતપંથ” નામ આપીને ભોળી પ્રજાને ભરમાવવાની શરૂઆત કરી.

કેસરા પરમેશ્વરા (કેસરા મુખી)

ખરેખર તો ધર્મ તેમજ ભારતીય પરંપરાઓથી ભોળપણ અને અજ્ઞાનવશ ભટકી ગયેલી જ્ઞાતિને એક તેજસ્વી જ્યોતિર્ધર અને પથદર્શકની જરૂર હતી. તેવા સમયમાં નેત્રા ગામે જન્મેલા તેજસ્વી સમાજસુધારક કેસરા મુખી ભગવાન સ્વામિનારાયણના સંતોના સંપર્કમાં આવ્યા. આ બે વરિષ્ઠ સંતો હતા: સ્વામી મુક્તાનંદજી અને સ્વામી સ્વરૂપાનંદજી.

આ બંને સાથે કેસરા મુખી તથા તેમના કુટુંબી ભાઈ નાથા મુખીની ઘણી ગહન ચર્ચા થઇ. જ્ઞાનગોષ્ઠિ અને સત્સંગ બાદ, સંતોના આચરણ અને વિદ્વત્તાનો અનુભવ થયા બાદ તેમને દીવા જેટલું સ્પષ્ટ થઈ ગયું, કે ઇમામ શાહના પીરાણા પંથ દ્વારા આખી જ્ઞાતિને ખોટા ચમત્કારો બતાવી, મૂર્ખ બનાવીને હિન્દુ ધર્મથી વિપરીત માર્ગ પર દોરી જવામાં આવ્યો છે. તેમણે આ જાણતાં જ લોકજાગૃતિની મશાલ પ્રગટાવવાની શરૂઆત કરી. અને માત્ર પોતાના પરિવાર સુધી જ નહીં, પરંતુ સગા-સ્વજનો-મિત્રો અને આસપાસના ગામો સુધી જઈ જઈને એમણે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સનાતન ધાર્મિક મૂલ્યોનો ઉત્સાહપૂર્વક પ્રચાર કર્યો.

આજે પણ એમના પ્રયાસોને કારણે નેત્રા અને તેની આસપાસનાં ગામોના સેંકડો પરિવારો સનાતન ધર્મની મૂળ પરંપરા સાથે જોડાયેલા મળી આવે છે, તેના મૂળમાં સમાજસુધારક અને ધર્મજાગરણ કરનાર કેસરા મુખીનું પ્રદાન અનન્ય છે.

તેઓએ એ સમયે જ સનાતન ધર્મ પરંપરાના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ મંદિર, નેત્રાનું નિર્માણ કર્યું. આમ 110 વર્ષના લાંબા જીવનકાળ દરમિયાન કેસરા પરમેશ્વરાએ કડવા પાટીદાર જ્ઞાતિના માર્ગ ભૂલેલા અનેક પરિવારોના ભાઈ-બહેનોને શુદ્ધ સનાતન ધર્મના સાચા રાહ પર લાવવામાં જબરદસ્ત કામિયાબી હાંસિલ કરી.

જો કે આ બધું કાર્ય તો માત્ર શરૂઆત જ હતી. હજુયે ઘણું મોટું કામ બાકી રહી જતું હતું. કેમ કે જ્ઞાતિના હજારો પરિવારો દેશભરમાં દૂર દૂર સુધી આર્થિક કારણોસર વહેંચાઈ ચૂક્યા હતા, અને તેઓ ધાર્મિક માન્યતાઓનાં ભાગરૂપે એ જ પાખંડમય પીરાણા પંથને અનુસરી રહ્યા હતા.

જ્ઞાતિજનો પર તે સમયના ‘ગેઢેરા’ એટલે કે આગેવાનો તેમજ મુખીઓ એક સરમુખત્યારની કાર્યશૈલી અનુસરતા. કેસરા પરમેશ્વરાએ આથી જ તેમને બહુ સ્પષ્ટપણે અને જાહેરમાં કહ્યું હતું કે “તમે સર્વસત્તાધીશ બનીને આખી જ્ઞાતિ અને સમાજ પર ઔરંગઝેબ જેવી જોહુકમી ચલાવો છો, તે તમારો નર્યો સિતમ છે. આવા ભયંકર અન્યાય સામે અમે મરતા સુધી પણ અમારાં માથાં ઝૂકાવવાના નથી.”

કડવા પાટીદાર જ્ઞાતિ સાચે જ યુગો સુધી કેસરા પરમેશ્વરાના મહાન સુધારક-કાર્યની ઋણી રહેશે.

Leave a Reply

Share this:

Like this: