નારાયણ રામજી લીંબાણી! કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ નામથી કોણ અજાણ્યું હશે? મુંબઈમાં તેમણે કચ્છ છોડીને સને 1902માં નોકરી-ધંધાના ક્ષેત્રમાં પગરણ (step-in) માંડ્યાં, ને તેના આગલા વર્ષે જ સન 1901માં રતનશીભાઈનો મુંબઈમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. બસ, જ્ઞાતિબંધુના સંબંધથી, નોકરી-વ્યવસાયના કાર્યથી, સમાજ માટે કશુંક કરવાની એમની આંતરિક ઝંખનાથી આ બંને યુવાનો ધીરે-ધીરે મિત્રતાનાં તાંતણે બંધાતા ગયા.
નારાયણભાઈએ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયના કોન્ટ્રાક્ટર તરીકે ઊંચી શાન પ્રાપ્ત કરી હતી, તેમના પગલે પગલે રતનશીભાઈએ પણ સો મિલની સાથે સાથે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું જ. .
ઘાટકોપરની કાચાં મકાનો વાળી લાંબી ચાલ ‘લીમડાવાળી ચાલ’ તરીકે પ્રસિદ્ધ હતી. પરિવાર પ્રત્યેનું કર્તવ્ય નિભાવતાં નિભાવતાં રતનશીભાઈએ ઘાટકોપર અને ચેમ્બુરમાં સુંદર અને પાકાં મકાનો બાંધવાના કોન્ટ્રાક્ટ લેવાનું શરૂ કર્યું. આજે પણ ચેમ્બુરમાં ઊભેલી ક્રિશ્ચન કોલોનીના 50% મકાન એ વાતની સાક્ષી પૂરી રહ્યાં છે, કે અમારું નિર્માણ કરનાર ઈમાનદાર કોન્ટ્રાકટર હતા: રતનશી મિસ્ત્રી! વ્યવસાયના ક્ષેત્રમાં હવે તેઓની એટલી સ્થિરતા આવી ચૂકી હતી, કે તેઓ ગણમાન્ય કોન્ટ્રાક્ટર તરીકે સન્માનિત પદ શોભાવી રહ્યા હતા.
મજબૂત બાંધો અને અડગ મનોબળથી ચમકતી એમની આંખો, વળી કપડાના શોખીન રતનશીભાઈ ક્યારેક બ્રિચિસ સાથે ગોળ હેટ પહેરતા, ત્યારે અંગ્રેજ અમલદાર જેવો તેમનો કડપ અલગ પ્રભાવ ઊભો કરતો. બીજી બાજુ નારાયણભાઈ લીંબાણી સાથેનો સહવાસ તેમને “સતપંથના અંધારા ઉલેચવા માટે કટિબદ્ધ થવા” આહ્વાન આપતો.
નારાયણભાઈની સંગત સાથે તેમની પોતાની પણ ગ્રંથ-અધ્યયન તથા અધ્યાત્મના અધ્યયનની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ એટલી તીવ્ર હતી કે તેમણે ‘કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ’ના અનેક પરિવારોને સનાતનધર્મના માર્ગે લઈ જવા માટે ધીમું પણ નક્કર અભિયાન હાથ ધરવાનો નિર્ધાર કરી લીધો હતો.. નારાયણભાઈની સાથે થતી ચર્ચાઓ અને ધર્મ અંગેની મંત્રણાઓએ અજાણતામાં જ તેમના હૃદયમાં જાણે એક વિશાળ સંગઠનનો પાયો નાખ્યો.
આ દરમિયાન રતનશીભાઈએ યુવાવર્ગને આ મહાન કાર્યમાં જોડીને ક્યાં, કેવી રીતે, કયા પ્રકારની જાગૃતિ લાવવી તેનું આયોજન સફળતાપૂર્વક કરવા માંડ્યું.
અહીં આપણે એ પણ જાણી લઈએ કે નારાયણભાઈ અને રતનશીભાઈ જેવા પ્રતિભાશાળી યુવાનોને“કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ”માં એવી કઈ ખામી લાગી કે એમણે ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્ર અંગે જ્ઞાતિમાં જાગૃતિ લાવવા એક પ્રભાવક અભિયાન છેડવાનો નિર્ણય કરી લીધો?
આવો, તેનો ઉત્તર જાણવા જ્ઞાતિનો મહત્ત્વપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં જોઈ લઈએ…