થોડા સમય બાદ ફરી એક વાર રતનશીભાઈનાં શરીરમાં સંધિવાનું અસહ્ય દર્દ શરુ થયું. હવે ઉંમરને કારણે પણ તેઓનું શરીર સક્ષમ રહ્યું ન હતું. સંધિવાની અનહદ પીડાને કારણે તેમના આવનજાવન તો શું, પરંતુ સર્વ પ્રકારે તેઓના હલનચલન ઉપર પણ રૂકાવટ આવી ગઈ હતી. ઘર બહાર દૂર સુધી જવાનું અશક્ય બનતું જતું હતું. તેઓ ઘાટકોપરમાં આવેલી પોતાની દુકાનમાં જ એક પલંગ પર બેસી રહેતા. તેમને મળનાર મુલાકાતીઓનો તાંતો સતત ચાલુને ચાલુ રહેતો. તેમનું માર્ગદર્શન મેળવીને, તેમની ખુમારીભરી વાતો સાંભળીને અનેક લોકોએ સતપંથને અલવિદા કરી હતી.
એમની વિશેષતા જ એ હતી કે જો કોઈ સતપંથ પીરાણાને વળગી રહ્યા હોય તો પણ તેમની સાથે કોઈ દ્વેષ કે અલગાવ ન રાખવો પરંતુ સનાતની જનોની ખુમારી અને મક્કમતા ટકી રહે તેવી ધારદાર શૈલીથી સનાતન ધર્મ તરફ સમજણ કેળવતા જવું.
આમ જોવા જઈએ તો સંત ઓધવરામજી મહારાજની છત્રછાયા ગયા પછી અને સ્વાસ્થ્યની સાનુકૂળતા ન હોવાને કારણે જ્ઞાતિ-સુધારણાના તેઓના કાર્યમાં ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ તેમણે રોપેલાં સનાતન વૈદિક ધર્મની અસ્મિતાનાં બીજ એટલા ઊંડાં હતાં કે તેમણે તૈયાર કરેલ યુવાનેતાઓએ આ ચળવળને ધીરે ધીરે વિશેષ ગતિ આપી. ગાદી પર આવેલા સંત દયાળદાસજી મહારાજનો એટલો પ્રભાવ ન રહ્યો પરંતુ આવાં તમામ પરિબળો હોવા છતાં ધર્મ જાગૃતિનું કાર્ય અવિરત ચાલતું રહ્યું….
તેઓની દુકાન અને બેઠક પણ સનાતન ધર્મના ઉત્કર્ષ માટેનું કેન્દ્રબિંદુ બની રહી હતી. ‘બી.એમ.વાય. 9030’ એમની નાનકડી ‘બેબી હિન્દુસ્તાન’ગાડીનો નંબર. જ્યારે ક્યાંક દૂર જવાનું થાય, ત્યારે આ ગાડીનો તેઓ સહર્ષ ઉપયોગ કરતા.
દૂરથી જ આ ગાડી આવતી જોઈને સનાતન ધર્મી પાટીદારો ઉમળકાભેર તેમને વધાવવા દુકાન કે ઓફિસ છોડીને રસ્તા પર આવી જતા. ત્યાં પણ લથડતી તબિયતે તેઓની સનાતન ધર્મ પ્રચારની મીટીંગો અને પ્રેરણાઓ ચાલુ હતી. સંધિવાની સખત બીમારીને કારણે પથારીવશ થઈ ગયા, છતાં દરરોજ દુકાને આવતા, વ્હીલચેર પર બેસી સવારથી સાંજ સુધી ત્યાં પણ ધ્યાન આપતા.
રતનશીભાઈનું નેતૃત્વ માત્ર તેમના વકૃત્વના કારણે નહીં, પરંતુ તેમના પ્રામાણિક અને નિ:સ્વાર્થ વ્યવહારના કારણે સર્વમાન્ય બની ચૂક્યું હતું, આથી જ તો તેઓ કચ્છ કડવા પાટીદાર સમાજની જવાબદારીની સાથે સાથે જ “ઘાટકોપર વેપારી મંડળ”ના સ્થાપક પ્રમુખ તરીકે પણ લોકમાન્ય બન્યા હતા.
માત્ર સમાજ સેવાના ભાગરૂપે તેમણે “ઘાટકોપર સ્મશાન ગૃહ”ના ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી નિભાવી. જ્યારે પોતે દુકાને હાજર હોય અને કોઈ મૃતકના આપ્તજન ગરીબીને કારણે અગ્નિસંસ્કારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય, તે સહજ ભાવથી રતનશીભાઈ પાસે દોડી આવતા. તેમની વાત ધીરજપૂર્વક સાંભળીને રતનશીભાઈ નાતજાત જોયા વિના તેમની જરૂરત પારખીને તાત્કાલિક નિ:શુલ્ક લાકડાં આપવા માટેની ચિઠ્ઠી પળવારમાં લખી આપતા. અને તે જરૂરતમંદોનું કામ તરત થઈ પણ જતું…
આશ્ચર્યની વાત તો એ હતી કે કચ્છના મોટાભાગના કડવા પાટીદારોનાં ગામોગામ સનાતન ધર્મનો શંખનાદ ફૂંકનાર આ ધર્મના મહારથીએ ધંધો, મકાન, પ્રોપર્ટી, દુકાન કે અન્ય વ્યવહારિક બાબતોને જરા પણ ગૌણ કર્યા વગર, પરિવાર માટે એક મજબૂત બુનિયાદ નાખી દીધી.
આમ અધ્યાત્મ માર્ગે ચાલીને અને હજારોને તે માર્ગ પર ચલાવીને તેમણે મોક્ષમાર્ગ માટે “કચ્છ કડવા પાટીદાર સમાજ”ને સત્યના માર્ગે પ્રશસ્ત કરી દીધો. તો બીજી તરફ પોતાના પરિવારને પણ આગામી સમયમાં કોઈ વ્યવહારિક સંઘર્ષ ન કરવા પડે, તેને માટેની વ્યવસ્થા પણ કરી દીધી.
છેક સને 1956ના અંતે મળેલા ઓધવરામજી મહારાજના આશીર્વાદ પછી તેઓ સન 1970 સુધી સમાજની સેવામાં નિમગ્ન રહ્યા.
તા. 28-9-1970ના રોજ આ સનાતની સિંહે જ્યારે ધરતી પર અંતિમ શ્વાસ લીધો, ત્યારે આખા કડવા પાટીદાર સમાજ પરથી જાણે એક સ્થિર અને શીતળ છત્ર જેવો છાયો વિદાય થઈ ગયાનું દુઃખ એકે એક વ્યક્તિના રુદનમાં પડઘાતું હતું.
નાની એવી જિંદગીમાં વિરાટ કામ કરી જવાનો અવસર તો અનેકને સાંપડે છે, પરંતુ તે અવસરને પારખીને, તે અવસરને ઝીલીને અને તે જ અવસરને સમાજહિત માટે મંગલમય રાજમાર્ગ બનાવી દેવાનું વિરલ વ્યક્તિત્વ પરમાત્મા કોઈક જ મહારથીને સમર્પિત કરે છે.
સંત ઓધવરામજી મહારાજના માર્ગદર્શનથી તેમણે જ્ઞાતિજનોમાં ‘ઘર વાપસી’નો જે શંખનાદ ફૂંક્યો, તે મહાઅભિયાન પ્રતિપળ મજબૂત થતું ગયું. અંદાજે 95% જ્ઞાતિજનોએ ધીરે ધીરે સતપંથની ચુંગાલમાંથી નીકળીને વૈદિક સનાતન ધર્મને અંગીકાર કર્યો હોય, તો તેનો યશ રતનશીભાઈ ખેતાણીને ચરણે જ અર્પણ કરી શકાય. રતનશીભાઈ એ સાચા અર્થમાં એક મહારથી હતા, સમય કરતાં દૂરનું જોનાર મહાન આર્ષદૃષ્ટા હતા. અને “કડવા પાટીદાર સમાજ”નું રતન હતા. એ રતનની ચમકનાં અજવાળાં આજેય સમાજના ખૂણે ખૂણે ફેલાયેલાં જોવા મળી રહ્યાં છે….
સમર્પિત સમાજશિલ્પી એવા આ વિરલ વ્યક્તિત્વના ચરણોમાં કોટી કોટી વંદન…