Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 24: શિરછત્ર ગયું...

સખત પરિશ્રમના અંતે રતનશીભાઈનું શરીર જવાબ દેવા લાગ્યું હતું. છેલ્લાં અનેક વર્ષોથી સતત 1956 સુધી થયેલી દોડધામ પછી તેમના કાર્યને જાણે બ્રેક લાગવા માંડી. સમગ્ર શરીર સંધિવાને કારણે જાણે અક્કડ અને જરઠ બની ગયું હતું. જાતે ચાલવામાં પણ તેમને તકલીફ ઊભી થવા લાગી હતી. તેમને લાગતું કે હજુ શરીર સારું થાય તો દોડી-દોડીને ગામોગામ જઈ લક્ષ્મીનારાયણ દેવનાં મંદિરોનું નિર્માણ ચાલુ કરવું. ખાનાપંથીઓના ‘ખાનાં’ મંદિરોમાં પરિવર્તિત કરવાં, પરંતુ કચ્છમાં સારી સારવાર મેળવવી તે સમયે શક્ય ન હતું. આથી જ સ્વજન-પરિવારના આગ્રહથી તેમણે ફરી મુંબઈ આવીને રહેવાનું નક્કી કરી લીધું.

કોઈ સ્નેહીજન દ્વારા તેમને સમાચાર મળ્યા કે નિત્યાનંદ બાબાના આશ્રમ વજ્રેશ્વરીમાં સૂર્યકુંડ અને ચંદ્રકુંડ આવેલા છે જે ગરમ પાણીના કુંડ છે. ત્યાં જઈને સંતની આજ્ઞા મુજબ કુંડના પાણીથી સારવાર લો, તો સંધિવા ઊભો નહીં રહે. રતનશીભાઈએ તરત ત્યાં જવાનો નિર્ણય કર્યો.

ગરમ પાણી દ્વારા મળેલી સારવારથી ફાયદો તો જરૂર થયો. હવે જાતે જ મેડી ચડી શકે કે ઊતરી શકે તેટલી હદે તો શરીર વળતું થઈ ગયું હતું. જો કે ત્યાં રહ્યા, પણ પત્ર વ્યવહાર દ્વારા તેઓ કચ્છમાં કામ કરી રહેલા સાથીદારોને પુષ્ટિ, પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહેતા.

તેઓ વજ્રેશ્વરીમાં સારવાર હેઠળ હતા, તે દરમિયાન એક દિવસની વાત છે. ખુરશીમાં ગાદી મૂકીને નિરાંતે ટેકો દઈને આંખો મીંચી કશુંક વિચારી રહ્યા હતા, ત્યાં ખખડધજ બુટનો અવાજ તેમના કાને પડ્યો. આંખો ખોલી તેમણે કહ્યું: “એ કોણ? આવો…”

“દાદા,” ટપાલીએ એક પત્ર તેમના હાથમાં મૂક્યો: “લો તમારો કાગળ…તમે જ રતનશી ખેતાણીને?”

“હા, હા..” પત્ર હાથમાં લેતા રતનશીભાઈના હાથ જરા ધ્રુજી રહ્યા હતા. આંખે ચશ્માં માંડીને તેમણે એ પત્ર ખોલ્યો. જોયું તો સ્વયં ઓધવરામજી મહારાજના શિષ્ય દયાળદાસજી મહારાજનો પ્રાસાદિક પત્ર! તેમણે એ પત્ર મસ્તક પર ચડાવ્યો, અને વાંચવાની શરૂઆત કરી, જેમાં લખ્યું હતું…

“ઓધવરામજી મહારાજની આજ્ઞાથી સાધુ દયાળદાસજીના પ્રણામ વાંચશો.

“બીજું જણાવવાનું કે મહારાજશ્રી લખાવે છે કે રતનશીને માલુમ થાય કે મારો સમય નજીક આવી ચૂક્યો છે. મારી વિદાય થોડા સમયમાં જ નક્કી છે, અને મારી તમને પણ ભલામણ છે કે તમે પણ તૈયારી કરી લો. આપણે સાથે જ જવાનું છે…”

ગુરુના આ શબ્દોએ તેમને અંદર સુધી હચમચાવી નાખ્યા. તેમણે અહીં વજ્રેશ્વરીમાં જ પરિવારજનો અને અંગત મિત્રોને બોલાવી દયાળદાસજી દ્વારા લખેલ ઓધવરામજી મહારાજનો પત્ર સૌના હાથમાં મૂક્યો. વાંચીને સૌ કોઈ ચિંતાતુર બની ગયા. ધીરેથી રતનશીભાઈએ મિત્રો અને પરિવારને કહ્યું: “ગુરુનો આદેશ છે. વળી સંતના બોલ કદી ખોટા પડે નહીં. મારે પણ હવે જવાની તૈયારી કરવાની છે, પણ તમને પરિવારજનોને કે મિત્રોને બીજું શું કહું? હજી મારે છોકરાં નાનાં છે, તેને સંભાળી લેજો. હું તો હવે થોડા દિવસનો મહેમાન છું. પણ સંતના બોલ છે, તો વિલ બનાવી લેવાની ઇચ્છા થાય છે…”

મિત્રોએ તેમને સાંત્વન આપ્યું, અને કહ્યું: “એ દિવસને હજુ તો ઘણી વાર છે, અને વિલની વાત કરો છો, તે બધું અમે તૈયારી કરીને પાછા વજ્રેશ્વરી આવી જઈએ, નહીંતર પછી તમે મુંબઈ ચાલો.”

રતનશીભાઈએ વિચારી લીધું કે આપણે જ મુંબઈ જવું યોગ્ય છે.

તેઓએ અહીં આવીને વિલ વગેરેની ગતિવિધિ શરૂ કરી, પણ કચ્છના આશ્રમમાં એક બીજી જ ઘટના આકાર લઇ રહી હતી…

અહીં બિરાજમાન ઓધવરામજી મહારાજને અચાનક વિચાર આવી ગયો, કે આ તો મેં ખોટું કર્યું! હજી તો રતનશીની ઉંમર પણ નાની, ને વળી સમાજમાં પણ તેની જરૂર છે, અને તેનાં છોકરાં પણ ક્યાં મોટા થયાં છે?

તેમણે તરત દયાળદાસજી મહારાજને બોલાવ્યા: “દયાળદાસ, કાગળ પેન લઈ લે.”

“કોઈને પત્ર લખવો છે?

“હા રતનશીને, મુંબઈ..”

“પણ બાપુ, હજુ હમણાં જ તો તેમને લખ્યો છે.”

ઓધવરામજી મહારાજે કહ્યું: “જે લખ્યું છે, તેમાં ફેરફાર કરવાનો છે. માટે જલદી લખ, ને આજેને આજે રવાના કરી દેજે..”

“જી મહારાજ.” દયાળદાસજીએ કહ્યું, “બોલો.” અને ઓધવરામજી મહારાજે ફરી લખાવ્યું કે “પ્રિય ભાઈ રતનશીને માલુમ થાય કે મેં તમને સાથે લઈ જવાની વાત કરી હતી, પણ તે અંગે ફિકર કરશો નહીં. જ્યાં સુધી તમારાં સંતાનો મોટાં નહીં થાય, ત્યાં સુધી તમારો વાળ વાંકો થશે નહીં. મારું તો જવાનું નિશ્ચિત છે. તેમાં ફેર નથી. પણ તમારે હજી ઘણી વાર છે..”

રતનશીભાઈની આંખો ભીની થઈ. જો કે આ પત્ર આવ્યો ત્યારે પરિવારની વ્યવસ્થા તો વિચારી લીધી હતી. સાથે સાથે જ સમાજની સેવા કરવા માટે હજી થોડો સમય છે, તેમ વિચારી તેમનું મન નિરાંત અનુભવવા લાગ્યું. બીજી તરફ એક વલોપાત પણ હતો, અને તે હતો, ઓધવરામજી મહારાજનું શિરછત્ર દૂર થઈ જવાનો!

અને અચાનક સંવત ૨૦૧૩ના પોષ સુદ બારસે, તા. 13-1-1957ના દિવસે બપોરે તેમને હૃદયવિદારક સમાચાર મળ્યા કે આજે ઓધવરામજી મહારાજ હવે સદેહે આપણી વચ્ચે નથી…અંતઃકરણથી તૂટી ગયેલા રતનશીભાઈની આંખોમાંથી જાણે આંસુનો દરિયો રેલાવા લાગ્યો.

તેઓ આંખોમાં આંસુ અને હૃદયમાં દર્દ સાથે જાતે જ વિચારી રહ્યા હતા કે

જો આ સંત ન મળ્યા હોત,

જો તેમની હિંમત, તેમનું માર્ગદર્શન ન હોત,

જો તેમણે આપેલો સૈદ્ધાંતિક માર્ગ, અને સંઘર્ષ દરમિયાન આપેલો સહયોગ ન હોત…

 

તો રતનશી ખીમજી ખેતાણીની શી મજાલ હતી કે આટલા વિરાટ કાર્ય માટે પોતે નિમિત્ત બની જાય!! તેમણે ઓધવરામજી મહારાજના ચરણોમાં દિવસો સુધી અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપ્યે રાખી હતી…

Leave a Reply

Share this:

Like this: