જો સાર રૂપે કહીએ તો રતનશીભાઈ અને જ્ઞાતિ-સુધારક ટીમ દ્વારા નીચેનાં કાર્યો સફળતાનાં શિખરો સુધી પહોંચી ચૂક્યાં હતાં.
૧. ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે સ્થાપિને હિંદુ ધર્મના મૂળ સાથે જ્ઞાતિને જોડી અને સંગઠિત કરવા માટે સનાતની કેન્દ્રીય સમાજની વ્યવસ્થા ઊભી કરી.
૨. સમાજ અને યુવક મંડળોની વ્યવસ્થા સર્જીને ગેઢેરાઓના જુલમી શાસન અને અધિકારો ઉપર અંકુશ લાવ્યા. જેના કારણે પીરાણા સતપંથની સત્તા નિર્મૂળ થઈ.
૩. ઉમિયા માતાજી, વાંઢાયનું મંદિર નિર્માણ કરાવીને જ્ઞાતિને ઊંઝાના કડવા પાટીદારો સાથે કાયમી સંકલિત કર્યા, અને ક્ષત્રિય કુળની ઓળખ સાથે અન્ય હિન્દુ જ્ઞાતિ પણ તેને સહેલાઈથી સ્વીકારવા લાગી.
૪. શિક્ષણ ક્ષેત્રમાં બોર્ડિંગ/ હોસ્ટેલની શરૂઆત વાંઢાય અને ધનસુરા ખાતે આરંભ કરાવી.
૫. દશોંદ અને લાગાઓ જેવા ફરજિયાત ધાર્મિક કરથી જે જ્ઞાતિ પાયમાલ થઈ હતી, તેને આર્થિક શોષણથી મુક્ત કરાવીને જ્ઞાતિની આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો કર્યો.
૬. જ્ઞાતિમાં અનેક હિન્દુ રીત રિવાજો શરૂ કરાવીને લોકોને એક તાંતણે બાંધ્યા. સમાજ વ્યવસ્થા અને પરિવાર વ્યવસ્થાને મજબૂત કરી. સતપંથી રીતિ-રિવાજોને કારણે જ્ઞાતિ તૂટીને અસ્તવ્યસ્ત ન બને, કે વિધર્મમાં ભટકી ન જાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આમ જ્ઞાતિજનોમાં જ્ઞાતિ ગૌરવ નું પ્રસ્થાપન કર્યું.
૭. સનાતન ધર્મમાં આવી ગયા પછી તે પરિવર્તન ટકી રહે, તેવી વ્યવસ્થા ગોઠવી. ઉપરોક્ત સુધારાઓ એટલી મજબૂતીથી થયા કે ભલે રતનશીભાઈના “ઘર વાપસી અભિયાન” દરમિયાન બધા લોકોએ સતપંથનો ત્યાગ ન કર્યો, પરંતુ જે પ્રકારે સનાતનધર્મમાં જ્ઞાતિજનોનો પ્રવાહ શરૂ થયો તે એટલો જબરદસ્ત રહ્યો, કે જે લોકો બાકી રહી ગયા છે, તેમને પણ આ માર્ગ સ્વીકાર્યા વિના છૂટકો નહીં રહે.
૮. શિક્ષણ અંગે પ્રગતિ કરવા માટે જ્ઞાતિમાં એવું વાતાવરણ નિર્માણ થયું કે જ્ઞાતિના તમામ બાળકો ઉત્તમ અને ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરે. તેના વગર પ્રગતિ નથી.
૯. આ ઉપરાંત સનાતન ધર્મના આ અભિયાનને કારણે સામાજિક વ્યવહારો ઉપર ખૂબ જ પ્રભાવક અસર થઈ. સતપંથના શાસ્ત્રો અને રીતિ રિવાજોને દૂર કરવામાં આવ્યા, તેથી જ્ઞાતિજનોના તમામ સામાજિક વ્યવહારો હિન્દુ રીત મુજબ જ ઉજવાવા લાગ્યા, અને સૌને તેનું ગૌરવ પણ અનુભવાયું. સાથે અન્ય હિન્દુ સમાજ પણ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિજનોને હિન્દુ તરીકે જોતા અને સ્વીકારતા થયા.
૧૦. લોકતાંત્રિક પદ્ધતિથી ‘કચ્છ કડવા પાટીદાર સનાતનની કેન્દ્રીય સમાજ’ની વ્યવસ્થા દાખલ થઈ, તેથી સતપંથી ગેઢેરાઓની કમર તૂટી અને જ્ઞાતિજનોમાં સ્વતંત્રતાનો આનંદ ફેલાવા લાગ્યો. જેમ જેમ ગેઢેરાઓની સત્તા શિથિલ થતી ગઈ, તેમ તેમ સમાજના આંતરિક કાયદાઓ અને વ્યવસ્થાઓ કેન્દ્રીય સમાજના મજબૂત અને સક્ષમ હાથોમાં આવતા ગયા. જેને કારણે કોઈ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરુપયોગ કરી શકતો નહીં.
૧૧. જ્ઞાતિ સુધારકોના હાથમાં જે નેતૃત્વ હતું, તે પણ ધીરે ધીરે સમાજ વ્યવસ્થાના ભાગરૂપે લોકતાંત્રિક પદ્ધતિથી પસંદગીના લોકોના હાથમાં આવતું ગયું, જેઓ જ્ઞાતિના ઉત્કર્ષ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેતા હોય!
૧૨. દશોંદ અને લાગાઓના પૈસા એકત્ર કરીને દર વર્ષે ગેઢેરાઓ કે કાકાઓ પીરાણા મોકલી આપતા, આમ સનાતન સમાજનું આર્થિક શોષણ કરવામાં આવતું, તે સનાતન ધર્મ થવાના કારણે બંધ થયું. અને લોકો પોતાની મરજી મુજબ આર્થિક દાન એકત્ર કરી પોતાના મંડળ કે ગામ કે જ્ઞાતિજનોની ઉન્નતિ માટે ઉપયોગમાં લેતા થયા.
પરિણામ આવ્યું કે સંવત 1832 ના ઠરાવના માધ્યમથી જ્ઞાતિ- ઉદ્ધારક તરીકે જાતે જ પ્રસ્થાપિત થઈ ગયેલા પીરાણાના ગાદીપતિ કાકા અને સૈયદોને સનાતનની સમાજમાંથી સંપૂર્ણ રીતે બહિષ્કૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત સમાજના અનેકવિધ સમાચારો એકબીજા સુધી પહોંચે, તે માટે પત્રકારત્વ ક્ષેત્રે પણ કેટલુંક કાર્ય કરવામાં આવ્યું. જોકે તે અંગે હજુ પણ ઘણું મોટું કાર્ય સંભવિત છે.