Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
રતનશીભાઈ અને સમગ્ર જ્ઞાતિ સુધારકમંડળનાં યુવકો અંતઃકરણપૂર્વક માનતા કે સનાતન ધર્મના આપણા અભિયાનમાં સંતના આશીર્વાદ તથા તેમના માર્ગદર્શનનું જે યોગદાન છે, તે ઋણ ઉતારી શકાય તેવું નથી. જો કે આશીર્વાદ તેના ઉપર જ ફળે છે, જે પુરુષાર્થ સાથે સફળતાના બુનિયાદી સિદ્ધાંતોને અપનાવે! એ દૃષ્ટિએ જોતાં સનાતન ધર્મમાં ઘર વાપસીની સફળતા કયા સિદ્ધાંતોના આધારે મળી તે મુખ્ય મુદ્દાઓને સ્પર્શવું પણ એટલું જ અનિવાર્ય છે..
સકારાત્મક કાર્યશૈલી
જે જે લોકો સતપંથની માન્યતા ધરાવતા, તેવા લોકોએ હરહંમેશ રતનશી ખીમજી તથા તેમના સાથી યુવકવૃંદને બદનામ કરવામાં કે નકારાત્મક પ્રચાર ફેલાવવામાં કશું બાકી રાખ્યું ન હતું. પરંતુ રતનશીભાઈનો એકમાત્ર સિદ્ધાંત એ હતો, કે કોઈપણ નકારાત્મકતાનો જવાબ માત્ર સકારાત્મક જ્ઞાતિસેવાના કાર્યથી જ હોવો જોઈએ. આથી જ તેમણે કોઈ પણ વિવાદિત બયાન કે બદનક્ષીને પોતાના માથે લીધા વિના માત્ર અભિયાનની સફળતાને જ પોતાનું ધ્યેય માન્યું હતું, અને તેમના સાથી યુવકોને પણ તેઓ હરહંમેશ આ જ બાબત જણાવતા રહેતા.
સખત પરિશ્રમ
જ્ઞાતિ સુધારણાનું કામ આજે દેખાય છે, તેટલું તે સમયે સહેલું ન હતું. ક્યાંય પણ સનાતન ધર્મની વાત કરવા જવાનું થાય, ત્યારે માન-અપમાન સહન કરવાની વાત તો હતી જ, પરંતુ આર્થિક યોગદાન પણ મેળવવું અઘરું થઈ પડતું. આ માટે એક પછી એક ગામોમાં જ્ઞાતિજનોના ઘરે ઘરે વ્યક્તિગત રીતે ફરવાનું, ટ્રાન્સપોર્ટના કોઈ સાધન નહીં, છતાંય પોતાના ખર્ચે મુંબઈથી કચ્છ સુધી અને કચ્છથી સાબરકાંઠાના કંપાઓ સુધી દોડતા રહેવાનું કાર્ય જરા પણ સરળ ન હતું. તેમાં રતનશીભાઈનો પરિશ્રમ આખી જ્ઞાતિની આંખે ચઢી રહ્યો હતો. તેમના સાથી યુવાનોના ઉત્સાહ અને સખત મહેનતને જોતાં આ અભિયાન 100% સફળ થશે, તેવો વિશ્વાસ સેંકડો પરિવારોને આવી રહ્યો હતો.
અભિયાનની સફળતા માટેનું સાતત્ય
નારાયણભાઈ રામજી સાથે વૈચારિક મતભેદો લોકોને આંખો સામે દેખાઈ રહ્યા હતા, અને ક્યાંક નારાયણભાઈ રામજી દ્વારા ચલાવવામાં આવેલી મુહિમ પણ શિથિલ થઈ જતી દેખાઈ રહી હતી. સૌને ડર હતો કે આ કારણે દેહશુદ્ધિ કરાવી લેનાર લોકો પણ સતપંથમાં પાછા વળશે! કારણ કે તેમની પાસે તે સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેવા સમયે સંત ઓધવરામજી મહારાજ અને રતનશીભાઈની જોડીએ જે કમાલ કરી, તેને કારણે ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાને ઇષ્ટદેવ તથા કુળદેવી તરીકે સ્થાપીને સુધારણાની ક્રાંતિ મશાલ પ્રજ્વલિત થઇ. તેને સતત પ્રકાશિત રાખવામાં સમગ્ર યુવાવૃંદનું ધૈર્યપૂર્ણ યોગદાન એવું હતું, કે આજે પણ સમગ્ર જ્ઞાતિજનો તેમના ઋણનો સવંદન સ્વીકાર કરે છે.
યુવાવૃંદની એકતા
ટીમવર્ક વિના જ્ઞાતિ-સુધારણાનું મહાન કાર્ય અસંભવ હતું. શરૂઆત તો સંત ઓધવરામજી મહારાજ અને રતનશીભાઈએ એકલાએ જ કરી હતી, પરંતુ ધીરે ધીરે તેમના હેતુની સ્પષ્ટતા, તેમનાં કાર્યોમાંથી પ્રગટતી પ્રામાણિકતા, નિ:સ્વાર્થભાવ, જ્ઞાતિના વિકાસ માટે ઘસાઈ જવાની ઉન્નત ભાવનાઓ વગેરે જોતાં એક પછી એક ગામમાં યુવાનોની ટીમ ઊભી થતી ગઈ. જેમાં દરેક પ્રકારના વ્યક્તિત્વના યુવકો સામેલ હતા. નથુ નાનજી, રાજારામ શામજી, પરબત લખુ, ખીમજી માસ્તર, ભીમજી કેસરા, શિવદાસ કાનજી, માવજી ધનજી વગેરે યુવકો પાસે માત્ર પરિશ્રમ કરવાની જ સૂઝ ન હતી. તેઓ બુદ્ધિશાળી, સારા વક્તા, આર્થિક રીતે મજબૂત અને માનસિક રીતે સક્ષમ તેમજ સંતુલિત હતા. આવા વ્યક્તિત્વોના સામૂહિક પ્રયાસોએ જ્ઞાતિજનોને સનાતન ધર્મના પથ પર ગતિશીલ કરી દીધા.
જટિલ શરતોની તિલાંજલિ
રતનશીભાઈ તથા સુધારક ટીમ અવશ્ય એવું માનતી કે જ્ઞાતિજનો ખૂબ જ ઓછું ભણેલા છે. વળી અનેક પ્રકારની પરંપરાઓને કારણે કાકાઓ કે સૈયદોના પ્રભાવમાં આવેલા છે. તેમને ગુંચવણ ભરેલી જીવનપદ્ધતિ આપવામાં આવશે, તો તેઓ ભાવનાત્મક રીતે જ્ઞાતિ સુધારણાના અભિયાનમાં ટેકો આપી શકશે નહીં.
આથી જ રતનશીભાઈએ સંત ઓધવરામજી મહારાજના આદેશ અનુસાર બહુ સરળ શરતો રાખી હતી કે સતપંથીમાંથી જો સનાતન ધર્મને અપનાવો હોય, તો તેમાં કોઈ ક્રિયા કે વિધિઓ કરવાની જરૂર નથી. માત્ર સતપંથ તથા તેની સંપૂર્ણ જીવનશૈલીને કાયમ માટે અને મજબૂતીથી તિલાંજલિ આપો, અને હૃદયની પવિત્ર નિષ્ઠાથી, તેમજ સાચા હૃદયથી સનાતનને સ્વીકારો. તેમના આ અભિગમે ખૂબ ઝડપથી અને સરળતાથી લોકોને સનાતન તરફ વાળવા માટે સહજ બનાવ્યા.
વ્યવહારુ ધાર્મિક પદ્ધતિઓ
જ્યારે જ્ઞાતિજનોએ જોયું કે આપણા ઇષ્ટદેવ તરીકે લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયાજીને કુળદેવી તરીકે પ્રસ્થાપિત છે, અને તેમની સેવા, પૂજા, અર્ચના, આરતી વગેરેનું અનુપાલન ખૂબ જ સરળ છે. ત્યારે જ્ઞાતિજનો પણ સહજ રીતે તૈયાર થવા લાગ્યા. રતનશીભાઈ અને યુવાનો હંમેશાં જ્ઞાતિજનોને સમજાવતા, કે તમને સંસ્કૃતના કઠિન શ્લોકો નહીં આવડે, તો પણ ચાલશે અને આવડે તો પણ વાંધો નથી. યજ્ઞ કે કર્મકાંડ કરવા હોય તો જરૂર તે માટે અવકાશ છે. અને જો તેમ ન થઈ શકે, તો સવાર-સાંજ ઘરમાં ઇષ્ટદેવ અને કુળદેવીની પ્રતિમા સામે દીવાબત્તી કે આરતી-ભજન પણ થઈ શકે. આમ સૌને એ વાતની પ્રતીતિ આવતી ગઈ, કે પરમાત્મા સુધી પહોંચવાની યાત્રા માટે સંત ઓધવરામજી મહારાજે આપેલી લક્ષ્મીનારાયણ પરંપરામાં જે બાબતની જરૂર હતી, તે બધું જ આવી જાય છે. આમ વિધર્મના પંથ પર ચડી ગયેલી જ્ઞાતિ ધીરે ધીરે સનાતન ધર્મના રાહ પર આવી રહી હતી, અને તેમની આધ્યાત્મિક, માનસિક, સામાજિક અને ધાર્મિક બધી જ જરૂરતોની પૂર્તિ આ પૂજા પદ્ધતિમાં પ્રાપ્ત થઈ શકતી હતી. આમ જે જે જ્ઞાતિજનો જોડાતા ગયા તેમને પોતીકું વાતાવરણ મળતું ગયું.
મિથ્યા અભિમાનથી દૂર રહેવું
જ્યારે પણ રતનશીભાઈ સાથી યુવાનોને સંબોધતા ત્યારે કહેતા કે ‘મિથ્યા અભિમાનથી દૂર રહેજો. ક્યારેય પણ “અમે સુધરેલા છીએ, અમે કહીએ તે જ બરાબર, અમે તમારાથી ઉચ્ચ છીએ, તમે અમારાથી નીચલા સ્તરના માણસો છો..” આવો ભાવ તમારા હૃદયમાં ક્ષણમાત્ર પણ જાગવો ન જોઈએ. તમારા વાણી અને વર્તનમાં ક્યારેય આવું મિથ્યા અભિમાન છલકાશે, તો જ્ઞાતિજનો ઉપર તેની અવશ્ય ખરાબ અસર ઊભી થશે.” રતનશીભાઈના આ આદેશનું તમામ સાથીઓ દ્વારા ઉત્સાહપૂર્વક પાલન કરવામાં આવતું. જેથી જ્ઞાતિજનોમાં ક્યાંય પણ દ્વેષભર્યું વાતાવરણ ન બન્યું. અને લોકો સુધારક ટીમને આદરભાવથી જોતા થયા
મક્કમતા
સુધારક ટીમ દ્વારા જરૂરિયાત મુજબ તેમજ સંજોગો અને પરિસ્થિતિ અનુસાર કેટલાક નિયમોમાં બાંધછોડ કરીને તેને સરળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ જે પણ નિયમો નિશ્ચિત કરાયા, તેમાં સહુ મક્કમતાપૂર્વક વળગી રહે તે બાબતે સૌએ જ્ઞાતિજનોને ખૂબ જ દૃઢતા કરાવવાની શરૂઆત કરી. માત્ર સતપંથીઓ સાથે જ કોઈપણ પ્રકારના વ્યવહાર કે ખાવા-પીવા અંગે પણ વ્યવહાર ન રાખવા માટેની મક્કમતા રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
જાહેર સમારંભો, પરિષદો અને અધિવેશનો
મોટા પ્રમાણમાં જ્ઞાતિજનોને એક સાથે સનાતન ધર્મમાં જોડવા અને સતપંથમાંથી સંપૂર્ણપણે દૂર કરવા માટે આવા સમારંભો અત્યંત અસરકારક સાબિત થયા. કારણ કે તેમાં ગામોગામ સભાઓ થતી, જાહેરમાં ચર્ચાઓ કરવામાં આવતી, નિર્ણયો પણ જાહેરમાં જ લેવામાં આવતા, તમામ ઉપસ્થિત વડીલોના સૂચનો સ્વીકારવામાં આવતા અને તેને ઝડપથી અમલમાં મૂકવા માટે પણ સહુ કટિબદ્ધ રહેતા. આમ નિર્ણય પ્રક્રિયામાં સમગ્ર જ્ઞાતિજનોના મોટાભાગના લોકોને જોડવામાં આવ્યા, તેથી લોકતાંત્રિક રીતે થતા જાહેર સમારંભોએ મોટી સંખ્યામાં લોકોને જોડવામાં ખૂબ જ મોટી સફળતા અપાવી.
આર્થિક પીઠબળ
પૈસા વિના કોઈપણ અભિયાન સફળ થતું નથી. રતનશીભાઈ ભલે સમૃદ્ધ અને ધનાઢય હતા, પરંતુ તેમનું મન પણ અત્યંત ઉદાર હતું. છૂટે હાથે દાન આપતા તેમને અનેક લોકોએ જોયા છે. તેઓને આશ્ચર્ય થતું કે મુંબઈમાં પોતાનો ધીકતો ધંધો માત્ર નોકરો કે અન્ય દૂરના સ્વજનોના ભરોસે મૂકીને તેમણે જ્ઞાતિની સેવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું. તેઓનો નિવાસ મુંબઈમાં ઓછો અને કચ્છમાં વધારે રહેતો. કચ્છમાં ગામોગામ મંદિરોના નિર્માણ થતાં, તેમાં આર્થિક જરૂરિયાતો ઊભી થતી, તે સમયે તેમણે પહેલાં તો મુંબઈથી પોતાના ભાગના પૈસા મગાવવાના શરૂ કર્યા હતા. પરંતુ તે પણ પર્યાપ્ત ન થતાં ઘાટકોપર સ્થિત પાટીદાર વાડી પાસે આવેલો એક વિશાળ પ્લોટ, માટુંગાનો બે મકાનો અને એ ઉપરાંત પણ એક અન્ય સ્થાવર મિલકત વેચીને જ્ઞાતિ માટે કુરબાની આપી હતી. જો તે મિલકત આજે તેમના પરિવાર પાસે હોત, તો તે મિલકતોની કિંમત કરોડોમાં હોત! આવા જ બીજા એક દાનવીર ભામાશા હતા ભીમજી કેસરા. કલકત્તા તેમના વ્યવસાયનું સ્થળ હતું, તેમના આર્થિક યોગદાનની નોંધ પણ જ્ઞાતિજનોએ અવશ્ય લેવી ઘટે. આવા મોટા તથા અનેક નાના લોકોના આર્થિક યોગદાનને કારણે સનાતન ધર્મનું અભિયાન સફળતાના પરચમ લહેરાવી રહ્યું હતું.
સનાતન બાબતે અવિચલ શ્રદ્ધા
સમગ્ર જ્ઞાતિ-સુધારક ટીમ દ્વારા સતપંથનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સનાતન ધર્મના અનેકવિધ વિશિષ્ટ પાસાંઓ પણ તેમને આત્મસાત્ થયાં હતાં. બંનેનું સંતુલિત અધ્યયન કરતાં તેમને સતપંથમાં જે જે વિકારો અને છળપ્રપંચ દેખાયા, તેની સામે સનાતન ધર્મને અપનાવ્યા પછી પરિવારમાં જે પ્રકારની શાંતિ તથા સુસંવાદિતા રચાઈ, તેના તેઓ પ્રત્યક્ષ અનુભવી તો હતા જ, પરંતુ બધા જ પરિવારોમાં સનાતન બાબતે રેડાયેલી અવિચલ શ્રદ્ધાને કારણે જે શાંતિ અને સંવાદિતા આવી હતી તેના તેઓ પ્રત્યક્ષ સાક્ષી પણ હતા.
આ અવિચલ શ્રદ્ધાને કારણે જ સતપંથ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, કે ‘જ્ઞાતિજનોને પાછા સતપંથી બનાવવા’ પરંતુ તેઓ આ બાબતે સફળ ન થઈ શક્યા, તે જ દર્શાવે છે કે રતનશીભાઈ તથા તેમના સાથી સદસ્યોએ રેડેલી શ્રદ્ધાની અસર કેટલી પ્રભાવક રહી હશે..
અત્યાચારો સામે નીડર વલણ
એકવાર સનાતનના માર્ગ પર અગ્રેસર થયા પછી સામે આવતા કોઈપણ પડકારો કે અત્યાચારો ગૌણ બની જાય છે. રતનશીભાઈ અને સાથીઓએ ચલાવેલી આ મુહિમ એટલા માટે જ સફળ રહી હતી, કે પીરાણા સતપંથીઓ દ્વારા ગમે તેટલા અત્યાચારો કરવામાં આવ્યા, તે સમયે તેનો નીડરતાપૂર્વક સામનો કરવામાં કોઈએ પાછું વળીને ન જોયું. સતપંથીઓની માનસિકતા જ એવી હતી કે જો કોઈ સતપંથ છોડી સનાતનમાં જાય તો તે જ્યાં સુધી પરત ન આવે, ત્યાં સુધી તેઓ અત્યાચારો શરૂ રાખતા. પરંતુ સુધારક યુવક મંડળ પણ એટલું જ સક્ષમ હતું. જો કદાચ કોઈ જ્ઞાતિજન અપવાદરૂપે પણ સતપંથમાં ચાલ્યો ગયો હોય, તો જ્યાં સુધી તે સનાતનધર્મી ન બને, ત્યાં સુધી તેઓ શાંતિનો શ્વાસ લેતા નહીં.
વડીલો તો કહે જ છે પરંતુ જૂના દસ્તાવેજોમાં પણ આ બાબત નોંધવામાં આવી છે કે સનાતનધર્મી જ્ઞાતિજનો લક્ષ્મીનારાયણ મંદિરો બાંધતા, તો તેને રોકવા માટે હેરાનગતિ કરતા. મંદિરના ખોદાયેલા પાયાના ખાડા પૂરી નાખવામાં આવતા. બંધાયેલું બાંધકામ તોડી નાખવામાં આવતું. પશુઓના હાડકાં કે માંસ જેવા દૂષિત પદાર્થો નાખી ભૂમિને મલિન બનાવવાના પ્રયત્નો થતા. થયેલા સગપણ તોડી નાખવામાં આવતાં. ગામના કૂવા કે તળાવમાંથી પાણી ભરવા દેતા નહીં. મરણ સમયે મૃતદેહ ઉપાડવા માટે સગપણ ધરાવતા પરિવારજનોને સહાય માટે આવવા દેવાતા નહીં. એકલો સનાતની કેવી રીતે આવા પ્રસંગને ઉકેલી શકે?
સનાતન ધર્મીને વાડીમાં મજૂરી કામ માટે રાખતા નહીં, અને જ્ઞાતિ બહાર કરી દેવામાં આવતા. જે ચૂલા ઉપર રસોઈ કરવામાં આવતી, તે ચૂલો પ્રગટાવવા કોલસાનો દેવતા આપવામાં આવતો નહીં, ગામના મોચીઓ, વાળંદો, સુથારો વગેરે ઈતર જ્ઞાતિને પણ ફરમાન કરવામાં આવતું કે સનાતનીઓને કોઈએ સહયોગ આપવો નહીં. આર્થિક રીતે નબળા પરિવાર હોય, તો તેમને દૂધ કે છાસ પણ આપતા નહીં. લગ્ન, મરણ જેવા પ્રસંગ સમયે સમાજના સહિયારા વાસણ ગાદલાં ગોદડાં જેવી વસ્તુઓ ન આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો! સતપંથી પરિવારના બાળકોને સનાતની પરિવારના બાળકો સાથે રમવા દેવામાં આવતા નહીં, ઊલટું સનાતનીને સ્પર્શ કરવાની પણ તે બાળકોને મનાઈ ફરમાવવામાં આવી હતી! જ્યારે પણ સનાતનીઓ દ્વારા મેળાવડા કે જાહેર કાર્યક્રમો થાય, ત્યારે તેમાં આવીને રસોઈ કેવી રીતે બગડે તેના પેંતરા કરવામાં આવતા. ખાવામાં વધારે મીઠું નાખી દેવું, ભાતમાં રેતી નાખી દેવી, પાણીનો સપ્લાય બંધ કરવો, વીજળી ગુલ કરી દેવી… વગેરે પરેશાની હરહંમેશ કરવામાં આવતી. આથી જ સનાતની સ્વયંસેવકોની ખાસ સુરક્ષા-ટુકડી રાખવામાં આવતી, જે નજર – નિગરાની રાખતી કે તેનાથી કાર્યક્રમમાં કે ભોજનમાં કોઈ વિઘ્ન ન આવી જાય…
આવા તો અનેક પ્રકારના અત્યાચારો રહેતા. જેમણે જેમણે તે અત્યાચારો ભોગવ્યા છે, અને તે છતાં સનાતન ધર્મની નિશ્રામાં પોતાનું સમર્પિત આયખું વિતાવ્યું છે, તેવા રતનશીભાઈ તથા અન્ય જ્ઞાતિ-સુધારક મંડળના અનેક યુવકોનું ઋણ જેટલું મસ્તક પર ચઢાવીએ તેટલું ઓછું છે.
જો કે કેટલાક કાર્ય હંમેશા પ્રકૃતિને આધીન હોય છે.
શિક્ષણક્ષેત્રમાં જ્ઞાતિજનો પ્રગતિ કરે, તે માટે કચ્છ ખાતે જે છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને કોઈ કારણસર અમલમાં લાવી શકાયું નહીં.
વળી એક ગેરસમજ એ પણ ઊભી થઈ હતી, કે “જેમણે દેહશુદ્ધિ ન કરાવી હોય, તેવા સનાતનીઓ સાથે ખાવા-પીવાની છૂટ છે” આ વિધાનનો અવળો અર્થ કાઢીને કેટલાક લોકોએ એવું પણ માની લીધું, કે સતપંથીઓ સાથે પણ ખાવા પીવાના વ્યવહારોમાં છૂટ છે! જેને કારણે સનાતન ધર્મી અભિયાનમાં થોડી રુકાવટ આવી હતી.
સાથે જ જ્યાં જ્યાં ધાર્મિક કેન્દ્રો બન્યાં. ત્યાં સતપંથીઓના અત્યાચારોથી સનાતનીઓની રક્ષા કરવા અંગે પણ આર્થિક, કાયદાકીય કે સરકારી સહયોગ મેળવવા માટે કોઈ કાયમી વ્યવસ્થા ઊભી કરી શકાઈ ન હતી.
આ ઉપરાંત ગામોગામ સનાતનીઓને સંગઠિત કરવા યુવક મંડળો અને સમાજનું સંગઠન ઊભું થયું, પરંતુ તે સંગઠનોમાં પણ સતપંથીઓ કોઈકને કોઈક કારણસર અધિકૃત પદ પર રાખવામાં આવ્યા, જે આગળ જતા વિઘ્નરૂપ બન્યા, અને સનાતનની સમાજને તે જ કારણસર અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો.
વળી રતનશીભાઈ જેવા આગેવાનોએ પોતાના ઉદાર સહયોગથી આર્થિક યોગદાન ઘણું આપ્યું, અને અપાવ્યું. પરંતુ પ્રતિવર્ષ જ્ઞાતિજનો નિયમિત રીતે પોતાની અંગત જવાબદારીનો ખ્યાલ રાખીને, યથાશક્તિ સમર્પણ કરતા રહે તેવી કોઈ પરંપરા ઊભી કરવામાં ન આવી. તેને કારણે પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો…
ક્યાંક એવું પણ થયું, કે પીરાણા સતપંથની દમનકારી નીતિઓ અને અત્યાચારી કાયદાઓને કારણે જે પ્રજા સ્વતંત્રતા માટે તડપતી હતી, તે જ્ઞાતિને સનાતન સમાજમાં ખુલ્લી છૂટ મળી. પરંતુ તે છૂટ અથવા આઝાદીને લોકોએ વધુ પડતી છૂટ માની લીધી અને સનાતન ધર્મના રીતી રિવાજો, ક્રિયા-કર્મ, શાસ્ત્ર અધ્યયન, ઘરમાં પાળવામાં આવતા આચાર વ્યવહારો વગેરે માટે તેવા પરિવારોમાં ઉદાસીનતા રહેવા લાગી, અને ધર્મના મૂલ્યની પકડ મહદ અંશે શિથિલ થઈ.
આ બધું હોવા છતાં સાર રૂપે એટલું જરૂર કહી શકાય, કે રતનશી ખીમજીનો હાથ પકડીને સંત ઓધવરામજી મહારાજ દ્વારા જે માર્ગદર્શન, પ્રભાવ અને ભાવિ યોજનાઓ માટેનું અકલ્પનીય કાર્ય થયું, તે જ્ઞાતિજનો માટે ન ભૂતો ન ભવિષ્યતિ હતું.