Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 21: નવી પેઢી માટે શિક્ષણ વિકાસની ગંગોત્રી

પરંતુ સને 1947માં રતનશીભાઈએ સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે પ્રમુખ તરીકેની જવાબદારી ભીમજી કેસરા લીંબાણીને આપી. તે સમયે કોટડા જડોદરમાં ભીમજી કેસરાના ઘરે જ કેન્દ્રીય સમાજનું કાર્યાલય આવી ગયું હોય તે વાત નકારી શકાય તેમ નથી. પરંતુ તે પછી પણ એટલા જ જોશ અને ઉત્સાહથી રતનશીભાઈએ સમાજની સેવાઓમાં પોતાનું યોગદાન શરૂ જ રાખ્યું હતું.

 

વિરાણીમાં સરકારી પ્રાથમિક શાળા

વતનના ગામ વિરાણીમાં સરકારી પ્રાથમિક શાળા શરૂ કરાવવા માટે પણ તેમનો પુરુષાર્થ નોંધનીય હતો. માત્ર ગામના જ નહીં પરંતુ જિલ્લાના અગ્રેસરો, નેતાઓ કે અધિકારીઓ સાથેના તેમના સંબંધો સાચે જ આત્મીય હતા. પરંતુ અંગત સ્વાર્થ માટે તેનો તેમણે ક્યારેય ઉપયોગ કર્યો નહીં. માત્ર અને માત્ર સમાજ અને ગામના ઉદ્ધાર માટેનાં કાર્યો અંગે જ તેઓ પોતાના એ સંબંધોનો ઉપયોગ કરતા રહ્યા હતા.

વિરાણીના ગ્રામજનોની ઇચ્છા હતી કે ગામમાં એક સુંદર વિદ્યાલય શરૂ થાય. આથી જ વર્ષો પહેલાં આશરે 1940ના દાયકામાં તેઓએ કચ્છની નખત્રાણા કચેરીમાં 7200 કોરી અરજીના ભાગરૂપે ભરી આવ્યા હતા. પરંતુ તે સમયની રાજકીય અને અન્ય પરિસ્થિતિઓને કારણે વિરાણીમાં શાળા ભવન બની શકયું નહીં. માત્ર જૂની નાનકડી શાળામાં પ્રાથમિક કેળવણી આપવામાં આવતી.

ગામના લોકો તો ગામમાં અંગ્રેજી વર્ગ ચાલુ કરવાની પણ ઇચ્છા ધરાવતા. આ માટે નારાયણભાઈ શિવજી નાકરાણીએ 6500 રૂપિયા ભરીને ગામમાં શાળા ભવન લાવવાની કવાયત શરૂ કરી. છેક 1945માં વિરાણીનાં બાળકોને અંગ્રેજી ધોરણ ત્રણ સુધી ભણવા માટેની વ્યવસ્થા થઈ! પરંતુ શાળાનાં પોતાનાં મકાનનો જ અભાવ! હવે કરવું શું? એવામાં દેશના સંજોગો પલટાયા, અને 1947માં આઝાદી મળી. ગામવાસીઓની ઈચ્છાઓ હવે પ્રબળ બની, કે ભારત સરકારની યોજનાઓ હેઠળ આપણા ગામમાં પણ લાભ પ્રાપ્ત થશે…

ગામના ધનિકો, શિક્ષિત યુવાનો, અને વેપારીઓ શાળાભવન માટે પૂરી લાગણીથી મહેનત કરી રહ્યા હતા. આ શુભ કાર્યનો આરંભ નારાયણભાઈ શિવજીભાઈ નાકરાણી અને મનજીભાઈ નારાયણભાઈ લુહારે કર્યો હતો. તેમના ઉત્સાહ અને પ્રયત્નોને કારણે અન્ય ગામલોકો પણ ઉત્સાહપૂર્વક જોડાવા લાગ્યા. રાજ્યના પ્રોજેક્ટ ઓફિસર જેઠીજી સાહેબના પ્રયત્નો અને સહકાર પણ આ અંગે પ્રાપ્ત થયો. અને કલેક્ટર સાહેબે મકાનના બાંધકામ માટે નિઃશુલ્ક જમીન ફાળવી આપી…

પરંતુ બાંધકામ માટે નાણાંની સમસ્યા તો યથાવત્ જ હતી. જો કે જમીન સંપાદિત થઈ હોવાને કારણે, ગામ લોકોમાં વિદ્યાદાન માટેનું એક વાતાવરણ એવું બની ગયું, કે સૌએ ઉત્સાહપૂર્વક વિદ્યાલયના બાંધકામ માટે માત્ર ધનબળ નહીં, શ્રમબળ પણ આપવાની શરૂઆત કરી. અને આમ ચાર વર્ષના સમયગાળામાં શાળાના મકાનનું કાર્ય પૂર્ણ થયું.

તા. 6 સપ્ટેમ્બર 1953નો શાળાના ઉદ્ઘાટનનો એ દિવસ વિરાણી ગામના ઇતિહાસમાં અમૂલ્ય બની ગયો…

આખું ગામ અને ખાસ કરીને બાળકો આનંદવિભોર હતાં. સમારંભના પ્રારંભે જ સ્વાગત પ્રમુખ રતનશીભાઈએ મહેમાનો અને ગ્રામજનોનો હર્ષભર્યો સત્કાર કરતાં જણાવ્યું કે “વિરાણી ગામ આજે સંતોષ અને ગૌરવ અનુભવે છે. કારણ કે તેણે પોતાના આંગણે પોતાના બાળકો માટે શાળાનું સ્વતંત્ર મકાન બંધાવ્યું. આ કામ ગામના એકે એક માણસનું પોતાનું હતું, અને સૌએ સાથે મળીને તે કર્યું છે, આથી આમાં કોણ કોનો ઉપકાર માને ? છતાં જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે જે જે ગામવાસીઓ અને રાજ્ય કર્મચારીઓએ અમને સલાહ અને સહકાર દ્વારા જે પ્રોત્સાહન આપ્યું છે, તે ભુલાય તેમ નથી.”

“જેઠીજી સાહેબે વખતો વખત પોતાનો સમય અને શક્તિનો ભોગ આપ્યો છે, અને અમને કામમાં સહાયતા કરી છે. ઘાટગે સાહેબની મમતા પણ ઓછી નથી. અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમને થંભાવીને વિરાણીના ઉત્સાહ અને શ્રમની કદર કરી, આજે આ પ્રસંગે ખાસ તેઓએ હાજરી આપી છે. માટે સૌના વતી આ તકે હું તેમનો પણ આભાર માનું છું. વળી આજના સમારંભના માનનીય પ્રમુખ શ્રી ભવાનજીભાઈએ પણ મારી વિનંતી હર્ષભેર સ્વીકાર કરી, અને પોતાની દિલ્હીની મુસાફરી બંધ રાખી, આજના સમારંભનું પ્રમુખ સ્થાન લેવા કબૂલ કર્યું, તે આપણા માટે ગૌરવની વાત છે. તેમનો આભાર ભુલાય તેમ નથી.”

“શ્રી શિવદાસભાઈ કાનજીએ પોતાના ધંધાનાં કેટલાંક ખાસ કામોને અળગાં મૂકીને મારી સાથે નાગપુર જેટલે દૂર વસતા વિરાણીના ભાઈઓની રૂબરૂ જઈને મુલાકાત કરી. નાણાંકીય સહાયતા માટે જે મહેનત કરી છે, તેમનો ઉપકાર માનવાની પણ તક લઉં છું…”

આ પછી સ્વાગત પ્રમુખશ્રી રતનશીભાઈએ જેમણે જેમણે નાણાંકીય સહાય કરી હતી તેમનાં નામોની યાદી હર્ષ અને ઉત્સાહ સાથે રજૂ કરી. સમારંભના પ્રમુખશ્રી ભવાનજીભાઈએ પણ સંગઠન અને સેવાભાવની પ્રત્યક્ષ પ્રશંસા કરી, સૌને અભિનંદન આપ્યા.

કચ્છના સલાહકાર પ્રેમજી ભવાનજીએ આ સુંદર શાળા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે આખા વિરાણી ગામને ધન્યવાદ આપ્યા, તથા આસપાસનાં અન્ય ગામોને પણ વિરાણીના પગલે પગલે ચાલવા ભલામણ કરી. તે પછી નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તુલસીદાસ ઠક્કર, જુગતરામ રાવળ, મનસુખભાઈ ગઢવી, શિવદાસભાઈ કાનજી વગેરેએ પણ પ્રસંગોચિત સંબોધનો કર્યાં.

ગામજનોના પુરુષાર્થથી ઉદ્ઘાટિત થયેલા આ શાળા ભવનની સાથે સાથે જ દવાખાનું, પુસ્તકાલય, કન્યાશાળા વગેરે મકાનોનો પણ સરકાર દ્વારા તે જ હેતુ માટે ઉપયોગ થાય, તેવી ભલામણ કરવામાં આવી.

સાથે સાથે રતનશીભાઈ, મનજીભાઈ નારાયણજી લુહાર વગેરેએ પ્રજાજનોને એ પણ વિનંતી કરી કે “સંઘબળ અને ઉત્સાહથી આવાં મહાન કાર્યો સરળ બની જાય છે, તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. એ જ રીતે કાર્ય સવેળા અને સરળતાપૂર્વક પણ થઈ શકે છે. આ કાર્ય પછી પણ હજુ આપણી સામે ખૂબ કામ પડ્યાં છે. વિરાણીને આપણે આદર્શ ગામ બનાવવા માંગીએ છીએ. શાળાનું મકાન તે તેની શુભ શરૂઆત છે. દવાખાનું, પુસ્તકાલય, સ્વચ્છ અને પાકા રસ્તાઓ, આ બધું જ વિરાણી ગામમાં હોવું જોઈએ. દવાખાનું અને પુસ્તકાલયનાં મકાન તો તૈયાર છે, તેમાં આપણે સાધનો પણ વસાવવાનાં થશે.”

“વિરાણી-નખત્રાણાના રસ્તાનું કામ પણ થોડા વખતમાં શરૂ કરવાનું છે. મોટરના સ્ટેન્ડ માટે પણ આયોજન નક્કી થયું છે. આ બધું જ કરવા માટે આપણે જ પુરુષાર્થ કરવો પડશે. આપણે એ જોઈ લીધું છે કે આપણી પાસે કામ કરવાની ધગશ વાળા માણસો છે, અને તેમનું નેતૃત્વ સંભાળી લે તેવા અનુભવીઓ પણ છે. આપણે આ બધા જ કામ શાળાનું ભવન જેમ પૂર્ણ કર્યું, તેટલા જ ઉત્સાહથી પૂર્ણ કરીશું. અને ત્યારે વિરાણી ગામને આદર્શ બનાવવાનું આપણું સ્વપ્ન પણ સફળ થશે, આ વાત ભૂલશો નહીં.”

રતનશીભાઈના દરેક શબ્દોમાં દૂરંદેશિતા હતી, નેતૃત્વનો રણકાર હતો, પ્રામાણિકતાનું ગૌરવ હતું, અને ગ્રામજનોની સુખ સુવિધા માટેની ચિંતા હતી. અને આથી જ તેમણે ગ્રામજનોને પોતાના જ વિકાસ માટેની જવાબદારી પોતાના ખભે ઉપાડી લેવા માટે આહ્વાન કર્યું હતું..

પછીના સમયમાં વાંઢાય ખાતે જ્ઞાતિના બાળકો માટે સંત ઓધવરામજી મહારાજે નાના પાયા પર વિશિષ્ટ બોર્ડિંગની સ્થાપના કરી જેના નિર્માણમાં રતનશીભાઈનું યોગદાન અનન્ય હતું.

ત્યારબાદ તા. 15 એપ્રિલ 1954ના હીરાપુર કંપામાં એક જ્ઞાતિ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રતનશી ખીમજી, શિવદાસ કાનજી, નથુ નાનજી જેવા જ્ઞાતિસુધારકોએ સૌને સતત સનાતનને વફાદાર રહેવાની પ્રેરણાઓ આપી.

આ અધિવેશન દરમિયાન બે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા કે ૧. ગુજરાતમાં કોઈ મુખ્ય સ્થાન પર પાટીદાર સમાજની બોર્ડિંગ હોસ્ટેલ બનાવવી તથા ૨. કચ્છમાં સમસ્ત જ્ઞાતિનું વિશાળ અધિવેશનનું આયોજન કરવું.

‘કચ્છ કડવા પાટીદાર સનાતનની સમાજ’ ઉપર સંત ઓધવરામજી મહારાજની અતિ અપાર કૃપા એ હતી કે તેમણે આ અધિવેશન દરમિયાન અચાનક એક પગે ઊભા રહીને કહ્યું હતું કે બોર્ડિંગમાં વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિકાસ માટે જ્યાં સુધી સમાજમાંથી રૂપિયા 60,000 જેટલા ભેગા નહીં થાય, ત્યાં સુધી હું બેસીશ જ નહીં! અને લોકોએ તરત જ યથાશક્તિ યોગદાન આપ્યું. અંતે રૂ. ૬૦૧૭૫ની રકમનું યોગદાન ઉપસ્થિત જનમેદનીમાંથી ઉત્સાહ પૂર્વક પ્રાપ્ત થયું….

 

એક સાથે અનેક ક્ષેત્રોમાં સમાજ સેવાનાં કાર્યોને સતત કરતા રહેવાનું એમનું જોશ, માત્ર ઈશ્વરીય વરદાનનો જાણે આવિર્ભાવ હતો. જ્ઞાતિજનો માટે આ સંસ્થાનો નવી પેઢીના શિક્ષણ વિકાસની ગંગોત્રી સમાન સાબિત થયાં. 

Leave a Reply

Share this:

Like this: