પૂજ્ય ઓધવરામજી મહારાજ તથા શ્રી રતનશીભાઈનો આભાર માનતાં કાનજીભાઈ અબજી નાથાણી તથા રાજારામભાઈએ સહુને ટકોર કરી કે આજે આપણને જે માર્ગદર્શન મળ્યું છે, તેને આવનારા સમયમાં આપણે જરૂર અનુસરીશું.
રાજારામભાઈએ તો સહુને ત્યાં સુધી જણાવ્યું કે “રતનશીભાઈ વગેરે સુધારક ભાઈઓ આપણી જ્ઞાતિના જ છે, અને જે પણ કંઈ કરી રહ્યા છે, તે માત્ર આપણા પરમ પવિત્ર હિન્દુ સનાતન ધર્મમય ભાવથી આપણી જ્ઞાતિને પીરાણા પંથના પ્રપંચમાંથી બચાવી જ્ઞાતિના ગૌરવને વધારવા સારું પરિશ્રમ કરી રહેલા છે. તો પછી તેનો વિરોધ કરવો, તે આપણી કેટલી ભૂલ કહેવાય!”
તેમણે યુવકોને વોલીન્ટિયર અર્થાત્ ‘સ્વયંસેવક’ બનીને જ્ઞાતિની સેવામાં ભાગ લેવા ભલામણ કરી, અને જણાવ્યું હતું કે તમામ સ્વયંસેવકોને ઓળખ માટે ચિહ્ન આપવામાં આવશે, અને તે અંગે કેવી રીતે ફરજ બજાવવી, તે અંગે રતનશીભાઈ માર્ગદર્શન આપશે.
આ પછી રતનશીભાઈએ કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના યુવાનોને પ્રેરક સંદેશ આપતાં કહ્યું કે “મને મુરબ્બી શ્રી રાજારામભાઈએ સ્વયંસેવકની ફરજ આપ સૌને જણાવવા કહ્યું છે, તે બાબતે કહેવાનું કે સ્વયંસેવક જરા પણ બદલાની આશા રાખ્યા વિના, જ્ઞાતિ ઉપયોગી કાર્યોમાં ભાગ લે. શાંતિ, ધીરજ તેમજ સહનશીલતાથી વ્યવસ્થિત પદ્ધતિથી સેવા કરે, તેમની કામગીરીમાં તન અને મનથી કામ કરવું જોઈએ. કારણ કે ઈશ્વરે આપણને આવો અલભ્ય સેવાનો અવસર આપ્યો છે. તો સ્વયંસેવક તરીકે કામ કરવા માંગતા હોઈએ તો જ્યાં સુધી સેવાકાર્ય ચાલે, ત્યાં સુધી તમારા અંગત ગમે તેવાં કામ હોય, તો પણ તેની દરકાર નહીં કરવાની તમારી ફરજ છે.
“સ્વયંસેવકના ચિહ્ન તરીકે ચાંદ-પટ્ટા ધારણ કરીને સમારંભ કે સભાની વ્યવસ્થામાં પૂરતો કાબુ શાંતિથી જાળવવો જોઈએ. તેમજ સમારંભની કોઈપણ સામગ્રી ગેરવલ્લે ન થાય તે જોવાની તમારી ફરજ છે.
“આવનાર તમામ જ્ઞાતિભાઈઓને પણ અંગત તકલીફ ન થાય, તે બાબતે પણ ખાસ ધ્યાન આપવું. એ બધા કાર્યોની દોરવણી કરનાર તરીકે તમારામાંથી કેપ્ટનની ચૂંટણી કરવામાં આવશે, અને નિયુક્ત કરેલા કેપ્ટનની આજ્ઞા મુજબ દરેક સ્વયંસેવકે વર્તવાનું છે. આ ફરજો જાણ્યા પછી જેમની ઇચ્છા હોય તે ભાઈઓ પોતાના નામ વોલિન્ટિયર તરીકે નોંધાવે.”
રતનશીભાઈના આ ટૂંકા સંબોધનમાં તેમની સંગઠનશક્તિ તથા દૂરંદેશી કાર્ય પદ્ધતિનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા વિના રહેતો નથી.
તેઓ સાચે જ એક જમીની કાર્યકર્તા હતા. નાનામાં નાના કાર્યકર્તા સાથે તેમનું આત્મીય જોડાણ એટલું અસરકારક હતું કે સાથીઓની તકલીફ કે મુશ્કેલીઓને પોતાની સમજતા. તેની સચોટ જાણકારી રાખતા, અને સમયે સમયે તેમને તે મુશ્કેલીઓમાંથી તમામ પ્રકારની સહાય કરીને નિશ્ચિંત કરતા. નેતૃત્વની તેઓની આ વિલક્ષણતા સાચે જ અનન્ય હતી. જ્ઞાતિવિકાસના કાર્યોમાં યુવાનોને નાની-નાની સેવામાં જોડીને આવનારી પેઢી માટેના તેના સૂત્રધારો અને જ્ઞાતિના નેતાઓ તૈયાર કરવા માટેની તેઓની આર્ષદૃષ્ટિએ ‘કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ’ને સાચા અર્થમાં સંગઠનની નવી ઊંચાઈ તો આપી જ, પરંતુ પરસ્પર આત્મીયતા અને સહયોગથી હર્યોભર્યો જ્ઞાતિસમૂહ આપીને જ્ઞાતિને અમર યોગદાન આપ્યું છે.