એ દરમિયાન ઘટના બની મેઘા મા સાથેનાં તેમનાં લગ્નની…
દંપતીએ સતત અને સખત પરિશ્રમની એ શૃંખલા શરૂ કરી, જેમાં રતનશીભાઈ ઘાટકોપરની ચાલવાળી ખોલીમાંથી (ઓરડીમાંથી) થોડે દૂર આવીને વખાર જેવી નાનકડી દુકાનમાં બેસતા, અને સવારથી સાંજ સુધી કોલસાનો વેપાર કરતા રહેતા.
ધંધાની બરકત માપે આવી, ત્યાં તો તેમણે લાકડાંના ખરીદ-વેચાણ સાથેના અંબિકા સો મિલના વ્યવસાયમાં નસીબ અજમાવ્યું. થોડા સમય પછી તેમાં હાર્ડવેર, પેઈન્ટ અને અન્ય સાધનો સાથેનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવવાનું શરૂ કરી દીધું તેમજ સાથે સાથે બિલ્ડીંગ બાંધનાર કોન્ટ્રાકટર તરીકે પણ ખ્યાતી મેળવી. ઘાટકોપર, ચેમ્બુર અને અન્ય વિસ્તારોમાં અનેક બિલ્ડીંગોનાં કામો કરીને એમને સારો નફો મેળવી આર્થિક પાસું પણ મજબૂત કર્યું હતું .
સન 1925 આવતાં એમને એક તરફ ધીરે ધીરે લક્ષ્મીજીની કૃપા વરસવા માંડી, તો બીજી તરફ એ ચિંતા મન-હૃદયને સતત કોરી રહી હતી, અને તે હતી, પરિવારને ઉજાળનાર કુલદીપકની…
વાત એમ હતી કે મેઘા મા કોટડા ગામથી પોતાનો છાભૈયા પરિવાર છોડીને રતનશીભાઈની ભક્તિમતી ભાર્યા બનીને તો આવ્યાં હતાં, પરંતુ સ્વાસ્થ્ય સુવિધાના અભાવે કહો, કે પછી કુદરતની બલિહારી કહો, તેઓના એક પછી એક નવ સંતાનો પ્રભુને પ્યારા થઈ ગયાં…
રતનશીભાઈ અને મેઘામાનો ખોળો ખાલી અને ખાલી રહ્યો. હવે તો રતનશીભાઈએ પણ એ બાબતે મન વાળી જ લીધું હતું, કે ઈશ્વરની જેવી ઈચ્છા! હવે પછીની જિંદગી પરિવાર જ નહીં, પૂરા સમાજની સેવામાં વિતાવી દેવી! પરંતુ મેઘામાને વારસદાર વિનાનો પરિવાર બહુ ખટકતો.
એ બહાદુર અને દૂરંદેશી મા નું મન માત્ર વિચારે જ નહીં, પરંતુ આયોજનની ઊંચાઈ ઉપર પણ વિહરવા લાગતું. એકવાર તેમણે રતનશીભાઈને કહ્યું: “સાંભળ્યું? આપણા ઘરમાં બાળકની કિલકારી તો ગુંજવી જોઈએ. શું કહો છો તમે?”
વેદનાભર્યા વિસ્મયથી રતનશીભાઈ પોતાની નિર્દોષ પત્નીને તાકી રહ્યા. ધીરેથી કહ્યું, “મેં તો બધું ઈશ્વરના હાથમાં મૂકી દીધું છે. જેમણે નવ નવ વાર શેર શેર માટી આપીને પાછી બોલાવી લીધી, તેમને આપણા ઘરે બાલગોપાલ ખેલે તેવી ઈચ્છા નહીં જ હોય ને…!”
મેઘામાની આંખોમાં જાણે ઝાંકળ બાઝ્યાં. ભરાયેલા સ્વરે એમણે એક ડગલું નજીક આવીને કહ્યું, “એમ કેમ માની લીધું? મારી ઈચ્છા છે કે ખોળાનો ખૂંદનાર તો લાવવો જ!”
“પણ….એ કેવી રીતે? આપણે ત્યાં કોઈ જીવતું જ …”
“એ વાત છોડો. મને એક બીજો જ વિચાર આવે છે…”
“એ કયો?”
“પણ તમે ના નહીં કહો….બોલો, વચન દ્યો…”
“અરે, પણ જાણ્યા વિના?”
“મારા પર ભરોસો રાખો. ને હા કહો..”
“ઠીક છે કહો…”
અને મેઘામાની આંખોમાંથી જગત્ જનનીનું તેજ ખરવા લાગ્યું. પૂરા દૃઢ સ્વરે એમણે કહ્યું: ‘તમે વંશવેલા માટે બીજું ઘર માંડો, બસ, બીજું કાઈ માંગતી નથી…”
રતનશીભાઈ આઘાત અને આશ્ચર્યથી જાણે બેસૂધ થઇ ગયા: “આ શું બોલે છે? તને ખબર છે? આખો સમાજ આપણને ફટ કહેશે, ગાંડી…”
“એ હું કાંઈ ન જાણું…”
રતનશીભાઈએ પૂરી મક્કમતા સાથે કહી દીધું કે “મારે કોઈપણ ભોગે બીજું ઘર માંડવું નથી. હું ઈશ્વરની ઈચ્છામાં ખુશ છું, અને સમાજની સેવા માટે સમર્પિત છું.” પછી તો મેઘા માએ પણ ગાંઠ વાળી લીધી. અને આખરે સન ૧૯૪૭-૪૮ના એ સમયગાળામાં એમણે સંત શ્રી ઓધવરામજી મહારાજને આ વાત કરી. એમની સમજાવટથી અને મહિનાઓના પ્રયાસને અંતે રતનશીભાઈ સંમત થયા, અને બીજાં લગ્નમાં જેઓ એમનાં જીવનસંગિની બન્યાં, એ કન્યાનું પુનિત નામ હતું, પાર્વતી…
આ એ સમય હતો જ્યારે રતનશીભાઈની પ્રગતિ જોઈ ન શકતા લોકોએ અદેખાઈને મૂળ મંત્ર બનાવ્યો હતો, અને વિરોધને પોતાની મુખ્ય પ્રવૃત્તિ બનાવી દીધી હતી. તેમણે તેમના આખા પરિવારને ધમકીઓ આપવાની શરૂઆત કરી દીધી.
વિરોધીઓ અંદર અંદર તો એવા શબ્દો પણ બોલતા કે “એક પત્ની છે, ને બીજી કરી, તો આની પર કેસ કરીને જરૂર જેલ ભેગો કરવો છે!”
બજારમાંથી ઊડતી ઊડતી આ વાત રતનશીભાઈના કાને આવી, અને એમની ઊંઘ ઊડી ગઈ. મેઘા માને એકાંતમાં બોલાવીને તેમણે કહ્યું, “તને કાંઈ ખ્યાલ છે? આપણા વિશેની શું વાતો થાય છે?”
મેઘા માને આ બાબતે ખરેખર કોઈ અણસાર ન હતો. તેમણે કહ્યું પણ ખરું કે “હું છેલ્લા 15 દિવસથી જોતી આવું છું, કે તમે ઉદાસ રહ્યા કરો છો… મને ફોડ પાડીને કહો, કારણ શું છે?”
રતનશીભાઈએ ધીરેથી જણાવ્યું: “સાંભળ, મને ફરીથી પરણાવવાનો તારો જ આગ્રહ હતો ને, પણ મને લાગે છે કે વિરોધીઓ કોઈકને કોઈક પેંતરા જરૂર કરશે, ને મને જરૂર જેલ કરાવશે…”
મેઘા મા આ સાંભળી નિ:શબ્દ થઈ ગયાં. લોકોની આ કેવી હીન માનસિકતા, કે બીજાના પરિવારમાં દખલ કરતા રહેવું, અને તે પણ આ હદે! તેઓ એ જ પળે ઘરમંદિરમાં પહોંચ્યાં. માથે ઓઢીને મા ઉમિયાને હાથ જોડ્યા: “મા, અત્યારે મને તારી જ સહાયની જરૂર છે.. મને હવે જે રસ્તો સૂઝે છે, તે માર્ગે ચાલવાની મને હિંમત આપજે, બસ…”
રતનશીભાઈ પણ સમજી શકતા ન હતા કે પત્નીનાં મનમાં શું ચાલે છે. તેમણે પોતાના કામમાં મન પરોવ્યું, અને આ તરફ મેઘામાએ જાતે જ અદાલતના એક લહિયાને (writerને) પોતાની પાસે બોલાવી લીધો ! પોતાને તો લખતા આવડતું નહીં, તેથી બોલતા ગયા, કે “હું કહું તેમ લખતો જા.”
માની સાથે સાથે કોર્ટના લહિયાની આંખો પણ ભીંજાઈ રહી હતી. અને મેઘા મા પૂરી દૃઢતા સાથે લખાવી રહ્યા હતા કે “આથી હું મેઘબાઈ રતનશી ખેતાણી, આજથી જાહેર કરું છું, કે મેં મારા પોતાના કારણસર મારા ધણી સાથે કાયદેસર રીતે ફારગતી લઈ લીધી છે…”
કાગળ હાથમાં લઈ એમણે કહ્યું, “જા,લઈ જા. એમની સહી કરાવતો આવજે.”
અને કોર્ટનો એ કારકુન રતનશીભાઈ પાસે સહી કરાવવા અને અંગૂઠાની છાપ માટે પહોંચ્યો, ત્યારે કાગળ વાંચતાં એમના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.. તેમની આંખો આશ્ચર્યથી ફાટી રહી. પરિવારનો વંશ રાખવા માટેનું મેઘા માનું આ તે કેવું અપ્રતિમ સમર્પણ!
રતનશીભાઈની સાથે સાથે મા પાર્વતીબાની આંખો પણ કૃતજ્ઞતાની ધારાઓ વરસાવવા લાગી.. આત્મીય પરિવારજનો વિચારી રહ્યા આ તે કેવી મહાનતા! આખો વિરોધી બેડો એક જ ચોટમાં અસહાય કરી મૂક્યો, મેઘામાના આ સાહસભર્યા નિર્ણયે!
હા, મેઘા મા એ જ ઘરમાં સાથે રહેતાં. પોતાનાથી નાની ઉંમરના પાર્વતી બાને પરિવાર ચલાવવાની તાલીમ આપતાં. એ સમયગાળામાં કચ્છ કડવા પાટીદાર સમાજના ગુરુપદે સ્થાન શોભાવી રહ્યા હતા: ઓધવરામજી મહારાજ. પર્વતીમાં ઓધવરામજી મહારાજના માર્ગદર્શન હેઠળ દેશલપર (વાંઢાયની) શાળામાં બે ચોપડી અભ્યાસ પૂર્ણ કરેલ, તેથી તેઓ વાંચી અને લખી શકતા.
મેઘા માના સમર્પણની આ ગાથા જાણીને ઓધવરામજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે ભગવાનના આશીર્વાદથી તમારો ખોળો જરૂર ભરાશે. અને ઈશ્વરની ઈચ્છાથી ખોળાના ખૂંદનારાઓ જરૂર આવી મળશે…
બસ, સમય પસાર થવા લાગ્યો અને પાર્વતી માના ખોળે હિંમતભાઈ, કનુભાઈ અને ચંદ્રકાંતભાઈ આમ ત્રણ ત્રણ દીકરાઓ અને એક પુત્રી હેમલતાનો જન્મ થઈ ગયો.
પરિવારમાં જાણે ખુશીના ઓઘ વળ્યા. પાર્વતી માને પ્રથમ સંતાન હિંમતના જન્મ સાથે જ જાણે મન-હૃદયમાં નિરાંત વળી ગઈ. બે વર્ષ પછી બીજા પુત્ર કનુભાઈનો જન્મ થયો. પરંતુ અચાનક સને 1956માં મેઘામાનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે કમળો તો થયો જ હતો, પરંતુ હવે કમળી થઈ હોવાથી સારવાર પછી પણ કોઈ આશા રહી ન હતી. બીજા ધોરણમાં ભણતા હિંમતને માથે હાથ મૂકીને આશીર્વાદ આપતાં આપતાં તેમણે પરમ તૃપ્તિ સાથે પરમાત્માના ચરણોમાં રહેવા ચિર પ્રસ્થાન કરી લીધું.
આજે પણ પરિવારજનો મેઘા માના આ સમર્પણની દાસ્તાન સાંભળીને મન-હૃદય સાથે આંસુ છલકાવી તેમનાં ચરણોમાં નતમસ્તક બને છે…