અહીં “કડવા પાટીદાર સનાતની સમાજ”ની જાણે જનરલ મીટીંગ જેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. રતનશીભાઈના નેતૃત્વની કળા જાણે અહીં સોળે કળાએ ખીલી હતી.
આ સભામાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા. જેમાં ઓધવરામજી મહારાજે જે સૂચન કર્યું હતું તે સૂચન બરાબર રંગ લાવી રહ્યું હતું: જે કોઈ મનથી સનાતની હોય તે દેહશુદ્ધિ કરાવે કે ન કરાવે કોઈ ફરક પડતો નથી. માત્ર તેમની સાથે સન્માનનો વ્યવહાર રાખવો. “અમે જ ઉચ્ચ છીએ અમે સુધરેલા છીએ અમે તમારી સાથે બેસીને ખાવા-પીવાનો વ્યવહાર ન કરી શકીએ.” વગેરે વગેરે માનસિકતાને તેઓએ દૂર રાખવા માટે સમજાવ્યું હતું, અને એ જ રાહને રતનશીભાઈ અને સાથીઓએ એવી શુદ્ધતાથી અનુસર્યા કે તેઓના મિત્રતા અને પ્રેમના વ્યવહારને કારણે સેંકડો પરિવારો પીરાણાનો સતપંથ છોડીને ખૂલીને સનાતન ધર્મી બનતા ગયા.
સતપંથીઓ સાથે ખાવા-પીવાનો વ્યવહાર બંધ કરવા બાબતે સૌથી મોટી બાબત એ હતી, કે તે સમયે તેઓ જ્યારે પણ કોઈ સનાતન ધર્મીને ખવડાવે ત્યારે તેમાં તેઓ કંઈકને કંઈક માંસાહારની ભેળસેળવાળા દૂષિત પદાર્થો નાખતા. આજે તો વિજ્ઞાન પણ સાબિત કરે છે કે વિપરીત માનસિકતા સાથે બનાવાયેલું કોઈ પણ ભોજન જ્યારે આહાર તરીકે લેવામાં આવે છે, ત્યારે ખાનારની બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના રહેતી નથી.
આમ જો માત્ર ખાવા-પીવામાં શુદ્ધિ ન રાખવામાં આવે, તો અંદર અંદર કુસંપ અને કડવાશ વધી પડે. કદાચ આ જ કારણસર સતપંથીઓની સાથે ખાવા-પીવા અંગેના પ્રતિબંધોને અનુસરવામાં આવતા હતા.
બીજી બાબત હતી, પીરાણાપંથ દ્વારા ચાલતી લગ્નપ્રથાને કાયમી તિલાંજલી આપવાની. હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ બ્રાહ્મણો દ્વારા અગ્નિની સાક્ષીએ જે લગ્નવિધિ કરાવાતી હતી, તેને જ આ ઠરાવ દ્વારા જીવંત કરવા માટે સર્વ સંમતિ સાધવામાં આવી.
આ જ રીતે ત્રીજી વાત મરણ બાદ દફનાવવાની પ્રક્રિયાને જ દફન કરવાની હતી. સૌની સમક્ષ અગ્નિસંસ્કારની વિધિનો સર્વાનુમતે પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. આ માટે જબરદસ્ત ઉત્સાહનું વાતાવરણ મા ઉમિયાની કૃપાથી રચાયું હતું. સેંકડો પાટીદાર ખેડૂતોએ ઉચ્ચ સ્વરે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કર્યો. ભારતભરમાં આજે જે “કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ”નું અસ્તિત્વ ગુંજી રહ્યું છે, તેના મૂળમાં તેના આદ્ય સ્થાપક અને પ્રમુખ રતનશી ખીમજી ખેતાણી હતા.