Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 18: હે સનાતનીઓ! હવે તમે સિંહ થાઓ!

હવે જ્યારે સમાજનું સંગઠન બીજા ચરણ સુધી પહોંચવા લાગ્યું, ત્યારે સમાજ માટે એક વ્યવસ્થિત બંધારણની આવશ્યકતા ઊભી થઈ. આથી નિષ્ણાતોના સહયોગ વડે તથા જ્ઞાતિજનોની પરંપરાઓ તેમ જ સનાતનધર્મની વિલક્ષણતાઓને ખ્યાલમાં રાખીને તા. 15 નવેમ્બર, 1945ના રોજ વ્યવસ્થિત બંધારણ ઘડાઈને અમલમાં મૂકવાનો આરંભ થયો.

વિક્રમ સંવત 2001, આસો વદ ચૌદશ, તા. 14-09-1945ના રોજ વાંઢાય મુકામે વિશાલ સંખ્યામાં હજારો સનાતની ભાઈઓ એકત્ર થયા. એ સમયનું વાતાવરણ માતાજીના આશીર્વાદથી માત્ર ઉત્સવનું જ નહીં, જાણે ક્રાંતિકારીઓની સેના જેવું જોમવંતું બની ગયું હતું.

દરેકની નજર રતનશીભાઈના હવે પછી આવનાર આદેશ પર અટકી હતી. સનાતની સમુદાયની સામાન્ય સભામાં સમાજના પ્રમુખ તરીકે રતનશીભાઈ, ઉપપ્રમુખ તરીકે ગંગદાસભાઈ વિશ્રામ ઉગેડીવાળા, મંત્રી તરીકે નથુભાઈ નાનજી કેસરાણી અને ખજાનચી તરીકે ભીમજી કેસરા લીંબાણી વગેરે મહાનુભાવો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દૃઢતાપૂર્વક અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા. જેમાં-

-પીરાણા પંથ દ્વારા ચાલતી લગ્ન પ્રથાને તિલાંજલિ,

-બ્રાહ્મણો દ્વારા અગ્નિની સાક્ષીએ લગ્નવિધિ,

-મરણ બાદ અગ્નિસંસ્કાર કરીને અંત્યેષ્ઠી કરવી, તે ઠરાવ જાહેર કરાયા.

આ ઉપરાંત લગ્ન સંબંધી, છૂટાછેડા સંબંધી, પુનર્લગ્ન સંબંધી, આણાં સંબંધી, પુત્રીના જન્મ સમયે અપાતા વીઆતર સંબંધી, શ્રાદ્ધ-ધર્માદા-ઉજમણી-વગેરે સંબંધી ઠરાવો પણ જાહેર કરાયા.

અહીં એ વાત પણ પૂરી દૃઢતા સાથે મૂકવામાં આવી કે આજ સુધી કડવા પાટીદારો પીરાણાપંથ સ્વીકારીને કચ્છમાં આવ્યા હોવા છતાં શ્રાવણી સાતમ-આઠમ અને કૃષ્ણ જન્મોત્સવની પરંપરા જાળવી રાખી હતી, તો આપણે સનાતન ધર્મને અનુસરનાર સાચા ધર્મનિષ્ઠ સૈનિકો છીએ. આથી કૃષ્ણ જન્મોત્સવની પરંપરાને ક્યારેય શિથિલ નહીં થવા દઈએ, પણ વધુને વધુ ધામધૂમપૂર્વક એ ચાલુ રાખીશું.

આ પુનિત દિવસે ઓધવરામજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે-

“આજે મોટામાં મોટો આશીર્વાદ વીર સુધારકોને હોઈ શકે. કારણ કે યુવક મંડળના યુવાનો આ જ્ઞાતિની સેવા કરવા તૈયાર ન હોત, તો મંદિર એક બાજુએ રહે, અને ખાનામાં જાવસા કુટાત. (અર્થાત્ મોહરમમાં તાજીયા કાઢતી વખતે “યા હુસેન યા હુસેન” બોલતાં છાતી પીટવી). સ્વાર્થી લોકોએ તમને અડધા ખાડામાં નાખી દીધા હતા. પરંતુ 20-20 વર્ષની મહેનતનું ફળ આજે તમે જોઈ શકો છો.

“રતનશીભાઈ આવતીકાલે સભા દરમિયાન 15 નિયમોનું વાંચન સંભળાવશે. સનાતન ધર્મનો ધ્યેય સંગઠન માટે છે. આજે સનાતન ધર્મનું સંગઠન થયું છે, તે જોઈને આનંદ થાય છે.

“માતાઓની સારામાં સારી હાજરી છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જગતમાં મહાપુરુષો માતાઓના સંસ્કારોથી જ થયા હતા. તમારાં જેવાં અંકુરો હશે, તેવા પુત્રમાં થશે. તમારા બચ્ચાને શિવાજી, રાણા પ્રતાપ આદિ જેવા શૂરવીર નીતિમય બનાવવાની જરૂર છે.

“બીજી વાતની ચેતવણી માતાઓને આપું છું કે તમારી પુત્રીને નિંદવા યુક્ત વાણી કહેવાની કુટેવને મૂકી દેજો. દીકરા કે દીકરીને મીઠો ઠપકો આપવો, પરંતુ શાપ આપવા જેવા સ્વરૂપમાં કહેશો નહીં.

“મને અનુભવ છે કે તમારામાંના પીરાણા પંથને માનનાર કેટલાક ભાઈઓ સવારે ઊઠીને કે રાત્રે સૂતી વખતે ‘અલ્લાહ’ કહે છે, ભલે તે ઈશ્વરનું નામ છે. પણ આપણને શોભે નહીં. બાપનું નામ હોય તે જ બોલવું જોઈએ. રામ, કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, પરમેશ્વર, ઈશ્વર વગેરે અનેક નામ છે. તેમાંનાં નામ લેજો. મુસલમાન હિન્દુઓના દેવસ્થાને નાળિયેર લઈને ક્યારેય આવતા નથી. તેમ તમો પણ મુસલમાનના પંથને મૂકી દેજો.

“પ્રસન્નતાની વાત કહું છું કે રતનશીભાઈ, રાજારામભાઈ તેમ જ કરાંચીથી આવેલ શિવજીભાઈએ જે શ્રમ લીધો છે, તે કોમ માટે બહુ જ સારું કર્યું છે. બ્રાહ્મણોમાં ઘણી જ્ઞાતિઓમાં ‘ચોકો વાળીને ખાવું પીવું નહીં’ તેવું કર્યું છે, તે પ્રમાણે રતનશીભાઈએ પણ દસ વર્ષ સુધી અને શિવજીભાઈએ પણ કેટલાંક વર્ષો સુધી ચોકો વાળ્યો હતો. (એટલે કે સનાતની ન હોય તેવા પરિવાર કે જ્ઞાતિબન્ધુઓના ઘરનું પાણી પણ ન પીવું, તેના ઘરનું ક્યારેય ખાવું નહીં, અને જ્ઞાતિસમારંભોમાં કદાચ ભેગા જમવાનો વખત આવી જાય, તો તેમનાથી દૂર બેસીને જમવું, એ રીતિને “ચોકો પાળ્યો” કહેવાતું.) જેથી જ્ઞાતિ ભાઈઓનું કહેવાનું થયું કે તમે કહેશો તે પ્રમાણે કરીશું, પણ અમારી સાથે ખાશો-પીશો નહીં, તો તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે!

“માટે ચોકો માંડી વાળો. ભાઈઓ, જ્ઞાતિની સાથે સંગઠન કરો, ત્યારે જ તમારું પ્રાયશ્ચિત થયું કહેવાય. તમારી જ્ઞાતિનો આહાર સાત્વિક છે, ખરી કમાણીનો છે, જેથી તમારી જ્ઞાતિનો રોટલો ખાતા મને ઠીક લાગે છે. મુંબઈ દોઢ મહિનો હતો, ત્યાં પેટમાં દુ:ખતું અને અહીંયા આવ્યો તે બધું મટી ગયું. જ્ઞાતિ સાથે ખાવાની ના પાડનાર માણસ નથી, એવી મારી માન્યતા છે.

“જે ઝેરીલા વાતાવરણમાં તમારી જ્ઞાતિ સંડોવાઈ, તેમાંથી બહાર નીકળે તેમ ઇચ્છું છું. જે ગામોમાં મંદિર નથી, તે ગામમાં મંદિર સ્થાપવાનાં છે. ખાનાં છે, તેને ઘડીભર મંદિર માની લઈએ, તો પણ તમે સિંહ છો અને બકરીના બચ્ચા જેવા બની ગયા છો, તો તે મટીને ખરા સિંહના સ્વરૂપમાં આવી જાઓ. એટલે ખાનાં છે, ત્યાં મંદિર બની જશે.

“બ્રહ્માના પાઠ તેમજ જ્યોત માનવાનો દાવો કરો છો, તે બધા બ્રહ્માને માને છે, પરંતુ તમારી બોલી-ચાલીથી તો ‘ખાના’ને બદલે તમે ‘જગ્યા’ કહો છો તે ખાનું મટીને ‘જગ્યા’ બની, તેમ ‘જગ્યા’ મિટાવી મંદિર કહો, મંદિર બનાવી દો અને તે પ્રમાણે આચરણ કરો. “ખાના” શબ્દમાં મુસલમાની પ્રયોગ સમાયેલો છે. મુસલમાનીને બદલે હિન્દુઓનાં ચિહ્નો ધારણ કરો. “જગ્યા”માં બ્રહ્માની ગાદી છે, (પાટ) ત્યાં શિખર કે દેરી થાય તેમાં નુકસાન શું છે? નુકસાન કે હાનિ નથી,તો મંદિર કરવું જ જોઈએ, મંદિર હોય ત્યાં દરેક કોમ આવી શકે…

“કરોડો હિન્દુઓ જે તિથિઓને માને છે, તે માનવી. અને શુક્રવાર કે શુક્રવારી બીજને પાળવી નહીં. શબરીએ ભગવાનની સેવા કરી હતી, તેમ તમે પણ ભગવાનની સેવા-પૂજા કરો.”

આ પ્રવચનમાં તેમણે માતાઓને રજસ્વલા ધર્મ પાળી પવિત્ર જીવન જીવવા, તથા તમામ પાટીદારોને ગાય કે બળદ પાળવા માટે પણ હૃદયપૂર્વક અપીલ કરી તથા કુવ્યસનોનો ત્યાગ કરવા માટે પણ આગ્રહ કર્યો. અને કહ્યું કે-

“તમારા બાપ-દાદા બીડી કે ચા જેવી વસ્તુથી અળગા રહેતા હતા. અત્યારે હોમ-હવનને ઠેકાણે જ્યાં જુઓ ત્યાં બીડીઓના ધુમાડાના ગોટેગોટા ઊડતા નજરે ચડે છે. સજ્જનો! તે જોઈને મને બહુ દુઃખ થાય છે. તેનાથી શરીરને નુકસાન પહોંચે છે, સાથે પૈસાની પણ બરબાદી થાય છે, આવું તમારા બાપ-દાદા કરતા નહોતા. તમે સુધારાના નામે કુધારો ઘાલીને બાપદાદાના ઉત્તમ ગુણો છોડીને, બરબાદીના રસ્તે જઈ રહ્યા છો. તેનો દરેક ભાઈ ખ્યાલ કરીને ચા અને બીડી નહીં પીવાનો નિશ્ચય કરી પ્રતિજ્ઞા કરો. લગ્નમાં પણ સનાતન ધર્મ પ્રમાણે ચોરી-ફેરાની પ્રથા દાખલ થઈ છે, તે બહુ જ ઉત્તમ છે. દેખાદેખી વધારે ખર્ચ કરવા નહીં. તેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં. માટે જિંદગીની જરૂરિયાતો ઓછી કરજો.

“મરણ સમયે દાટવાને બદલે અગ્નિસંસ્કાર કરવાનો રિવાજ કર્યો છે, તે પ્રશંસનીય છે. પરંતુ તેવા વખતે લાકડાં ન મળવાથી તમારા માંહેલા કેટલાક ભાઈઓ શંકા ધરાવે છે, તે બાબતમાં તમને સૂચના કરું છું કે લાકડાં મળી શકશે, તે વિશે તમારે જરાય ચિંતા કરવી નહીં, ગામોગામ તમારે લાકડાંનો જથ્થો રાખવો. અને હમણાં રતનશીભાઈએ જણાવ્યું કે કાકા (એટલે કે સૈયદના પ્રતિનિધિ) જે ખાનામાં બેસીને ખાનાનું સંચાલન કરે છે, પીરાણાના એજન્ટ છે, તેના થકી પીરાણાપંથનો નિભાવ થઈ શકે છે, તે વાત કરી છે. પરંતુ કાકાએ પણ તમારી નાતમાં ધાર્મિક દૃષ્ટિએ મુખીઓને હેડ ક્લાર્ક નિમ્યા છે. જે મોઢું બાંધીને ખાનામાં અડધી રાતે પૂજા કરે છે. તથા કાકા આવે ત્યારે ગામના કેટલાક મોઢે ચડેલા આગેવાનોને ખિસ્સામાં રૂપિયા કે કોરીઓ નાખે છે, અને તેઓના ભેગું ઠેકઠેકાણે સારું ખાવાનું મળે, એટલે કાકાના થઈ જાય છે, અને ગામોમાંથી ધર્મના નામે હજારો કોરીઓ વ્યવસ્થિત રીતે ઉઘરાવવામાં આવે, પછી ભલે ગરીબ હોય કે તવંગર હોય, પણ બધાને એક લાકડીએ ઊઠ-બેસ કરાવે છે.

“બિચારાના ઘરમાં ન હોય તો કોઈકને ત્યાંથી લઈને પણ કોરીઓ (પૈસા) આપવી પડે. એવા મુખી અને પટેલોને કહું છું કે જ્ઞાતિભાઈઓ પાસેથી ધર્મના નામે ધતિંગ ચલાવી હજારો, બલકે લાખો કોરીઓ ઉઘરાવીને નીચોવી નાખવાની નીચપ્રથા પોતાના પાપી પેટ ભરવા ખાતર વહેંચી રહ્યા છો, એ જ તમને વિનાશના માર્ગે દોરી જવાનું કૃત્ય છે. આવું જ્ઞાતિદ્રોહી કૃત્ય ન કરતાં, પેટ ભરાતા ન હોય તો એવા પેટને ફાડી નાખવા. જેથી એવા જુલમી કરવેરામાંથી જ્ઞાતિ જલ્દી મુક્ત થાય.”

 વળી તેમણે રતનશીભાઈને યાદ કરીને કહ્યું કે-

“રતનશીભાઈના કહેવા પ્રમાણે લગભગ ત્રીજો ભાગ તો પીરાણા-સતપંથથી મુક્ત થયો છે, અને સુધારકોની વ્યવસ્થિત કાર્યવાહીથી બાકી રહેલાઓ પણ મુક્ત થઈ જશે, તેવું અત્યારના વાતાવરણથી જણાઈ આવે છે. હું કહીશ કે સુધારકો એટલા વહેલા સમજ્યા છે, અને નાતની આપખુદી સત્તાને તોડવામાં કટિબદ્ધ થયા છે, તો તેમને સનાતનીઓ જ એકલા નહીં, પણ હાલમાં “પીરાણા પંથને જેઓ નથી માનતા, તેમજ પીરાણાના લાગા નથી આપતા ને સુધારા તરફ માનની નજરે જુએ છે, અને મંદિરોના ઉત્સવમાં ભાગ લે છે. તો એ બધા પણ સુધારકો જ છે! અને તેવા સદ્ભાવી સુધારક ભાઈઓ તો ત્રીજા ભાગ કરતાં પણ વિશેષ છે. તે બધા એક સંપથી સુધારાનું કામ ઉપાડી લે, તો હું ધારું છું કે પીરાણાપંથ તમારી જ્ઞાતિમાંથી નજીકના ભવિષ્યમાં દૂર થઈ જશે.

“આ રતનશીભાઈ, રાજારામ ભાઈ વગેરે પ્રખર નેતા છે. તેઓનું માન જાળવવાની તમે ફરજ સમજતા હશો. પરંતુ સુધારકો તો પોતાની ફરજ સમજી જ્ઞાતિ સેવાનું કામ કરતા જાય છે. તેઓ તો જ્ઞાતિના સેવક છે. આનંદના ઉદ્ગારો તો આપણે ભોગવીએ છીએ. તેઓ તો નાત આગળ નમવું જોઈએ તેમ નમે છે, આપ સર્વે વડીલો, તેમજ યુવાનોએ તેઓને જ્ઞાતિસુધારાના કામમાં પૂરતો સાથ આપવો જોઈએ. તમારા પ્રાણ એ કામ માટે હોવા જોઈએ, તેથી વિશેષ સેવા બીજી કોઈપણ હોઈ શકે નહીં. ભાષણો થાય ત્યારે તાળીઓ વગાડીએ અને પછી નિયમ-ધર્મ પાળતા હશો તો પાળીશું! પણ રતનશીભાઈ વગેરે ભાઈઓ ગામમાંથી સભા કરી વિદાય થાય, અને તમે આ નિયમો પાળવાનું મૂકી દો, એવું કરતા નહીં.

“જે જે ધારા-ધોરણ કે ઠરાવો ઘડાયા, તે તમારે પાળવાની સૌની ફરજ છે, અને તે પ્રમાણે વર્તશો, ત્યારે જ સેંકડો રૂપિયા ખર્ચી પરદેશથી આવેલા ભાઈઓ, અને હજારો કોરીઓ ખર્ચી બંધાવેલ મંદિર વસૂલ થયા ગણાશે.”

તેમણે જ્ઞાતિજનો પર ભરોસો મૂકતાં જણાવ્યું કે “તમે ધારો તો એક કલાકમાં સંસ્થા ઊભી કરી શકો તેમ છો. તમારામાં સંગઠન થશે, અને તેમ બની શકશે. છેલ્લા દસ વર્ષથી તમારી જ્ઞાતિ ખૂબ જાગૃતિમાં આવી છે.

“કાળી ટીલી કાઢી નાખજો. સનાતન ધર્મી બનજો. મુસલમાનોમાં સંગઠન છે, તેમ સાવધાની પણ છે. તેવી જ રીતે આપણે આપણા હિન્દુ સનાતન ધર્મમાં સંગઠિત અને સાવધાન રહેવું. પોતાનું સંગઠન કરીને હિન્દુ સનાતન ધર્મનું અભિમાન જરૂર રાખજો…”

હૃદયથી બોલાતી આ સંતવાણીનો શીતળ સ્પર્શ આખી જ્ઞાતિને એ રીતે થઈ રહ્યો હતો કે સહુ મંત્રમુગ્ધ હતા અને અંતઃકરણથી બોલાતી વાણીને અનુસરવા માટે પ્રતિબદ્ધ હતા.

વાહન વ્યવહારના ટાંચાં સાધનો હોવા છતાં લખપતથી માંડી કંઠી પટના ગામડાઓનો પ્રવાસ ખેડીને ઠેર ઠેર સભાઓ ભરીને રતનશીભાઈ અને નથુભાઈએ પાટીદાર સમાજમાં જબરદસ્ત સનાતનની ધર્મભાવનાનો જુવાળ ઉભો કર્યો હતો. અનેકવાર ઓધવરામજી મહારાજ અને દયાળરામજી મહારાજ પણ તેમને સહયોગ આપવા સાથે જોડાતા. જે જે ગામોમાં લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના થઈ શકે તેમ ન હતી, તે ગામના પાટીદાર ભાઈઓને રતનશીભાઈ ઘરે જઈને સંકલ્પ કરાવી પ્રતિષ્ઠા મહોત્સવમાં અચૂક હાજરી આપવા સંકલ્પબદ્ધ કર્યા હતા.

આ દિવસ જ એટલો પ્રભાવશાળી હતો કે તે દિવસે ઉપસ્થિત મેદનીમાંથી અનેક લોકોએ સતપંથનો ત્યાગ કરી સનાતન ધર્મ અપનાવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર જ્ઞાતિજનો શિક્ષિત બને, અને નવી પેઢી આધુનિક શિક્ષણ સાથે વધુ તેજસ્વી બને, તે માટે શાળાઓના નિર્માણ માટે પણ આહ્વાન કરવામાં આવ્યું.

 મુખ્ય વક્તા તરીકે સંત ઓધવરામજી મહારાજની સાથે સંત દયાલરામજી મહારાજ, હરિભાઈ કરમશી, રતનશી ખીમજી, પરબત લખુ તથા નથુ નાનજી વગેરે સુધારકોએ પોતાના અસરકારક વિચારોથી જ્ઞાતિજનોને ઉમદા ભવિષ્યનું માર્ગદર્શન કર્યું. આ મંદિર પ્રસિદ્ધ થતાં જ કડવા પાટીદારો જે ‘મુમના’ તરીકે ઓળખ ધરાવતા, તે સંપૂર્ણપણે ધરાશાયી થઈ. હવે તે જ્ઞાતિજનો કચ્છના ‘કડવા પાટીદાર’ તરીકે ઓળખાતા થયા. સાથે જ ધાર્મિક અને સામાજિક રીતે ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મુખ્ય મંદિર સાથે તેમનું જોડાણ સર્વ રીતે સ્વીકૃત બની ગયું.

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ચોથી જનરલ સભાના પ્રમુખ સ્થાનેથી રતનશી ભાઈએ પોતાના પ્રવચનમાં ભાવવિભોર સ્વરે જણાવ્યું હતું કે આપણી જ્ઞાતિમાં સનાતન પ્રકાશને કારણે પાખંડીપંથોનો અંધકાર વધારે ટકી શકે તેમ નથી માટે બંધુઓ આપણી જ્ઞાતિની ઉન્નતી ચાહતા હો તો સુધારાની પવિત્રવેદીમાં ઝંપલાવો અને વૈદિક સનાતન ધર્મનો પ્રચાર કરવા તન મન અને ધનથી કટિબદ્ધ થાઓ આપણી સનાતન સંસ્કૃતિને પવિત્ર રાખવા માટે અસંખ્ય વીરોએ સદીઓથી બલિદાનો આપ્યાં જ છે વીર ક્ષત્રિય એ જુહાર કર્યા છે ગુરુ ગોવિંદસિંહના કુમળાં બાળકો સદેહે દિવાલમાં જડાઈ ગયા છે પણ તેઓએ સ્વધર્મ છોડ્યો નથી માટે આપ સૌ જ્ઞાતિના નવયુવકોને મારી હાકલ છે કે બંધુઓ આપણે પણ હવે કેસરિયા કરીને આસુરી અંધકારનો નાશ કરવા માટે કટિબદ્ધ થઈએ.

રતનશીભાઈ અને નથુભાઈ નાનજીના યુવાન સહયોગીઓ અને સનાતન ધર્મના પ્રચારક ભાઈઓ તરીકે નારાયણ રામજી પાંચાણી (નખત્રાણા),નારાયણ ભાણજી ડોસાણી (કોટડા), પરબત લખુભાઇ પટેલ (મથલ), શિવજીભાઈ મેઘજી પટેલ (ખેડોઈ), શિવજીભાઈ શામજીભાઈ પોકાર (ખેડોઈ કોટડા), હીરજીભાઈ લાલજીભાઈ (માનકૂવા), હરજી લધા રામાણી (લુડવા), વિશ્રામભાઈ હીરજી (ગઢશીસા), લાલજીભાઈ કરસન (દેસલપર), લધાભાઈ પચાણ (કોટડા જ.), રામજીભાઈ લાલજી પટેલ (ગઢશીશા), દેવજીભાઈ કચરા રૈયાણી (નખત્રાણા), માધવજીભાઈ ખીમજી પટેલ (ખોંભડી), અરજણભાઈ ગોપાલ પટેલ (દુર્ગાપુર), રત્નાભાઇ કાનજી પટેલ (તલવાણા), વિશ્રામભાઇ મેઘજી પટેલ(કંડાય), વિશ્રામભાઈ લધા પટેલ (રસલિયા), માવજીભાઈ નાનજી પટેલ ઉખેડા શિવજીભાઈ ભાણજી પટેલ (ઉખેડા), દેવશીભાઈ કાનજી ભગત (દેવપર), કાનજીભાઈ હીરજી પટેલ ( રાયણ), લધાભાઈ ભાણજી પટેલ (રામપર), રતનશી નારાયણ પટેલ (ખોંભડી) જેવા અસંખ્ય ઉત્સાહી જ્ઞાતિબંધુઓ કોઈપણ વિરોધ-અવરોધની પરવા વિના સનાતન ધર્મની જાગૃતિ માટે સતત સેવારત રહ્યા હતા.

 

 રૂઢિચુસ્ત આગેવાનોના પ્રચંડ વિરોધ વચ્ચે પણ આ સૌની કાર્યનિષ્ઠા તથા ધર્મનિષ્ઠા અવિચલ રહી હતી…

Leave a Reply

Share this:

Like this: