સંત ઓધવરામજી મહારાજ, રતનશીભાઈ અને કેન્દ્રીય સમાજનું તે સમયે એક વિશેષ લક્ષ્ય હતું, લાલરામ મહારાજનું સાહિત્ય વિષયક સ્વપ્ન પૂર્ણ કરવાનું. તેઓએ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માટે એક ઉત્તમ માર્ગદર્શક ગ્રંથની રચના થાય તેવો શુભ સંકલ્પ કર્યો હતો. આથી જ પોતાના ગુરુનો મનોરથ પૂર્ણ કરવા સંત ઓધવરામજી મહારાજએ “ઈશ્વર વિહારી વિલાસ ગ્રંથ”ની રચના કરી. જે તા. 22 નવેમ્બર, 1942ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો.
જેના એક પ્રકરણમાં કડવા પાટીદાર ભાઈઓએ પાળવા યોગ્ય નિયમો વિગતવાર દર્શાવ્યા છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મુસ્લિમ પરંપરાના આચરણ અને રીતિ-રિવાજોમાંથી જ્ઞાતિને મુક્ત કરવા માટે જ આ નિયમો આપવામાં આવ્યા છે. જેમાં પાવળ ન પીવું, મંડપ-ચોરી બાંધીને જ લગ્ન કરવાં, મૃત્યુ બાદ જ્ઞાતિના કોઈપણ વ્યક્તિના શરીરનો અગ્નિસંસ્કાર જ કરવો… વગેરે 23 નિયમો વિગતવાર જણાવવામાં આવ્યા છે.
જેના અંતિમ નિયમોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સતપંથીઓ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં તથા સનાતન ધર્મના 16 સંસ્કાર મુજબ સમયે સમયે વ્યક્તિએ તેનું પાલન કરતા રહેવું.
આ પછી તા. 16 ડિસેમ્બર 1943ના દિવસે માગશર વદ પાંચમ, વિક્રમ સંવત 2000ના રોજ ‘બોરડીટીંબા વિજય મંડળ કડવા પાટીદાર સનાતની સંમેલન અને બંધારણ’ નો અહેવાલ રજૂ થયો. રતનશીભાઈ અને નથુભાઈ સંત દયાળજીમહારાજના માર્ગદર્શન અને સહયોગથી સાબરકાંઠા જિલ્લાના કંપા વિસ્તારોમાં દિવસો સુધી ભગીરથ વિચરણ કરીને પુરુષાર્થ કરી રહ્યા હતા. બોરડીટીંબા, મોતીસરી કંપા, રામપુરા કંપા વગેરે ગામોમાં લક્ષ્મીનારાયણ મંદિરોના પ્રચાર-પ્રસાર અને નિર્માણ અંગે તેઓ સક્રિય પ્રયાસો કરી રહ્યા હતા. તા. 26 નવેમ્બર, 1943ના રોજ જ્ઞાતિ સુધારક અગ્રણીઓ દ્વારા બોરડીટીંબામાં જ્ઞાતિના તમામ પરિવારો માટે જાહેરસભાનું આયોજન ગોઠવવામાં આવ્યું. જેમાં જ્ઞાતિના ધારા ધોરણ તથા રીતિ રિવાજો નિશ્ચિત કરવામાં આવ્યા. તે પછીના જ મહિને તા. 15 થી 18 ડિસેમ્બર,1943માં જ્ઞાતિજનોના તમામ અગ્રણીઓની એક વિશિષ્ટ સભા બોલાવવામાં આવી. જેમાં સર્વાનુમતે એક માસ પહેલા ઘડવામાં આવેલા રીતિ રિવાજોને સંમતિ આપવામાં આવી.
તે દિવસે સંત ઓધવરામજી મહારાજની ભલામણના આધારે સતપંથીઓ સાથે ખાવા-પીવાનો વ્યવહાર બંધ કરવાનો ઠરાવ પણ નિશ્ચિત કરવામાં આવ્યો.
જ્યારે મોતીસરી કંપાના હરિભાઈ કરમશી ભાવાણીએ જ્ઞાતિના રિવાજો વગેરેના ઠરાવોને સર્વ સંમતિથી પસાર થતા જોયા, ત્યારે તેઓ ગદગદિત બની ગયા. પ્રફુલ્લિત હૃદયે તેમણે ઓધવરામજી મહારાજના શિષ્ય સંત શ્રી દયાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં પોતાનો નિશ્ચય ત્યાં જ જાહેર કર્યો કે જો જ્ઞાતિજનો માટેના ઠરાવો સર્વાનુમતે નિર્વિઘ્ને પસાર થઈ જાય, તો આપણે સંત શ્રી ઓધવરામજી મહારાજની કર્મભૂમિ, ઉદ્ધવ આશ્રમ, વાંઢાય ખાતે કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ કરીએ તો એક શાશ્વત તીર્થ ધામની કચ્છની ધરતીને ભેટ મળે.. અને તેમાં એક હજાર એક રૂપિયા આપીને મારે કુળદેવીની સેવાનો લાભ પ્રાપ્ત કરવો. અને મોતીસરી વાળા હરિભાઈ કરમશી ભાવાણીનો આ પ્રસ્તાવ સૌએ હર્ષભેર વધાવી લીધો. ઓધવરામજી મહારાજે પણ આ અંગે સંમતિ આપી, આમ અનાયાસે વાંઢાય ખાતે ઉમિયા માતાજીના મંદિરના શ્રી ગણેશ થયા. સંત ઓધવરામજી મહારાજની આજ્ઞાથી જ ઈશ્વરનગર, વાંઢાયના આશ્રમની અંદર જ માતાજીનું સુંદર મંદિર બાંધવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું.
હરિભાઈએ પોતે જ પોતા તરફથી રૂપિયા 1,001ના દાનથી સમર્પણની સરવાણી વહેતી કરી તેથી બીજી સેવાઓ પણ આવવાની શરુ થઇ. વસંતપંચમીના શુભ દિવસે સનાતની સમાજના મુખ્ય આગેવાનો રતનશીભાઈ, રાજારામભાઈ (માનકૂવા), કરસનભાઈ ઉકેડા (દેશલપર), વસ્તાભાઈ (માનકૂવા), જીવરાજ હીરજી ઉકાણી (માનકૂવા) વગેરેએ ઓધવરામજી મહારાજના સાંનિધ્યમાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું.
મંદિરનિર્માણની આ પ્રવૃત્તિમાં અનેક ગામોના પાટીદાર ભાઈઓએ આર્થિક સમર્પણની અલખ જગાવી. ભલે આ પ્રતિષ્ઠા કચ્છ ખાતે થઈ હતી, પરંતુ તેમાં સાબરકાંઠા જિલ્લાના કંપા વિસ્તારોમાં રહેતા જ્ઞાતિજનોનું આર્થિક યોગદાન અનન્ય હતું. બે વર્ષના સમયગાળામાં આ મંદિરનું નિર્માણ સંપન્ન થયું, વિક્રમ સંવત 2000ના રામનવમીના શુભ દિવસે વાંઢાય ખાતે ઉમિયા માતાજીની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રતિષ્ઠા પંડિત શ્રી ગોવિંદજી મહારાજ (ગઢશીશા) અને પંડિત શ્રી કાશીરામજી મહારાજ (આસંબિયા) દ્વારા સંપન્ન થઈ.
મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે સનાતની સમાજની સભાના પ્રમુખસ્થાનેથી રતનશીભાઈએ 601 કોરી મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે તથા 401 કોરી ધ્વજારોહણ નિમિત્તે અર્પણ કરીને અમર સમર્પણની મિસાલ સ્થાપી. મૂર્તિપ્રતિષ્ઠાની માંગલિક ક્રિયા માટે જ્ઞાતિને સમર્પિત અને સનાતન ધર્મના જીવંત જ્યોતિર્ધર રતનશી ખીમજી ખેતાણી તથા તેઓના ધર્મપત્ની મેઘબાઈને નિમંત્રિત કરી આ બંને મહત્ત્વની ક્રિયાઓ આ પુનિત દંપતીના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવી.
આજે ઊંઝાથી ઉમિયા માતાજીની જ્યોત લાવીને સંતોની પાવન ભૂમિ વાંઢાય ખાતે સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિને એક નેજા હેઠળ લાવવાના ઉદ્દેશ્યથી, સનાતન સમાજના કડવા પાટીદારોએ ઉમિયા માતા મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું હતું.