Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 16: સમાજ શિલ્પીનું સર્વસ્વ સમર્પણ ...

હા, તે વાતને એક વર્ષ વીત્યું હશે, સન 1943માં સ્વ. નારાયણભાઈના એક ચાહકે એક પુસ્તક પ્રકાશિત કર્યું ‘કર્તવ્ય પંથે’. દેખીતી રીતે તો તેમાં નારાયણભાઈના જીવન અને કાર્યની નોંધ હતી. પરંતુ તેનો ગુપ્ત ઉદ્દેશ્ય એ હતો કે રતનશીભાઈ અને તેમના કાર્યનો ગૌરવભંગ કરવો. તેમનું બને તેટલી હદે નીચું દેખાડવું.

રતનશીભાઈ દ્વારા શરૂ થયેલા ‘લક્ષ્મીનારાયણ મંદિર નિર્માણ’ના સફળ અભિયાનની નિંદા માટે જ જાણે આ પુસ્તક લખ્યું હોય, તેવું દરેક તટસ્થ વ્યક્તિને પણ સમજાઈ રહ્યું હતું.

પરંતુ એક તરફ લક્ષ્મીનારાયણ દેવ અને મા ઉમિયાના આશીર્વાદ હતા, ઓધવરામજી મહારાજ જેવા સંતવર્યનું પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન હતું, તથા સુધારક વિચારધારા વાળા સમાજના સેંકડો યુવાનોનો તન-મનથી ટેકો હતો,આથી જ એમણે ક્યારેય આ અદ્ભુત અભિયાન માટે પાછી પાની ન કરી. ગામોગામ સ્વખર્ચે પ્રચાર, ટ્રાવેલિંગ, પત્રવ્યવહાર, દાન-સંયોજન વગેરેમાં એમના દિનરાત વીતી રહ્યા હતા.

તેઓ એટલી હદે સનાતન ધર્મને સમર્પિત હતા, કે મુંબઈનો બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તરીકેનો, હાર્ડવેર અને લાકડાના મોટા વેપારી તરીકેનો પોતે જ વિકસાવેલો વિશાળ ધંધો પોતાના જમાઈ દેવજી સાંખલા, ખીમજી કચરા અને ભાણેજ વાલજીભાઈના હાથમાં સોંપી દીધો હતો.

માત્ર ઈશ્વર પર ભરોસો અને આ ત્રણ કુટુંબીઓ ઉપર આંધળો વિશ્વાસ રાખીને તેમણે તન, મન અને ધન સનાતન ધર્મની સેવામાં સમર્પિત કરી દીધું હતું. આસપાસનાં ગામોમાં વિચરણ કરીને આવે, ત્યારે તેમના મન પર એ જ વિચાર ચાલતો રહેતો કે ફલાણા ગામમાં પૈસાની અગવડ છે, ફલાણા ગામમાં માલ લાવવા કે કડિયા-મજૂરોને માટે પૈસાની વ્યવસ્થા કરવી અઘરી છે… જ્યારે તેમને લાગતું કે કોઈ જગ્યાએથી ફંડ મળી શકે તેમ નથી, ત્યારે તેઓ સમાજના એ કામ પૂર્ણ કરવા માટે મુંબઈ પોતાના ધંધાના થડા પર પત્ર લખતા. જ્યાં ખીમજી કચરા પૈસાનો વ્યવહાર સંભાળતા.

રતનશીભાઈ લખતા: “ભાઈ ખીમજીને માલુમ થાય કે અહીં બિલકુલ પૈસા નથી. તું રૂપિયા મનીઓર્ડર કરજે.”

ખીમજીભાઈ પણ ધંધામાંથી ખેંચી-તાણીને માંડ માંડ થોડા પૈસા મોકલે, ત્યાં તો રતનશીભાઈનો બીજો પત્ર આવી ગયો હોય કે “ભાઈ ખીમજી, તમે મોકલેલા પૈસા મળેલ છે, પણ તેમાં મંદિરનું કામ પૂરું થાય તેમ નથી. તો થોડા બીજા પૈસાની વ્યવસ્થા કરીને મોકલજે…”

ખીમજીભાઈ આ સમર્પણને અંદરથી બિરદાવતા, પણ બહારથી થાકી જતા. છેવટે તેમણે રતનશીભાઈને લખી દીધું કે હવે ધંધામાંથી એક પૈસો પણ કાઢીને મોકલી શકાય તેવી કોઈ ગુંજાઈશ નથી. હવે તો મિલકતો પડી છે, તે વેચવી હોય તો કહેજો!! તે વેચીને સમાજને ધર્મમાં લાવવા સેવા કરી શકાશે…

રતનશીભાઈ પણ ખીમજીભાઈનો ઈશારો સમજી ચૂક્યા હતા. ધંધામાંથી આવતી આવકને જો ફરીથી ધંધાના વિકાસ માટે તેમાં જ નાખવામાં ન આવે, તો વ્યવહાર અને વ્યવસાયનું ચક્ર તૂટી પડે તેમ હતું. તેઓ ખીમજીભાઈનો પત્ર મળતા જ મુંબઈ પહોંચી ગયા…

જમાઈ દેવજીભાઈ ખીમજીભાઈને સાથે રાખીને ઘાટકોપરથી માટુંગા પહોંચ્યા, ત્યારે બે મોટાં મકાનો રતનશીભાઈએ ખરીદી રાખ્યા હતાં, ખાલસા કોલેજની બાજુમાં આવેલા ‘પટેલ મેન્શન’ જેવા મોટા મકાનના માલિક રતનશી ખેતાણી પોતે હતા! આવું જ એક માટુંગાના મુખ્ય માર્ગ ઉપરનું ખૂણાનું વિશાળ મકાન રતનશીભાઈની વ્યવહાર-કુશળતાની સાક્ષી પૂરતું અડીખમ ઊભું હતું.

માત્ર 15 જ દિવસના સમયગાળામાં જ આ બંને વિશાળ મકાનો થોડા સસ્તામાં વેચીને તેમણે એ પૈસા સમાજની ઝોળીમાં સમર્પિત કરી દીધા. હજુ પૈસાની ખોટ વર્તાતી હતી. તેઓએ છેવટે એ નિર્ણય પણ લઈ લીધો કે ચાર આને વારમાં લીધેલી અને એરવેઝ હોટલની બાજુમાં આવેલી પાટીદાર વાડીની નજીક વિશાળ પટ્ટે ફેલાયેલી જમીનનો વિશાળ પ્લોટ બિલકુલ કોરો છે, ચાલ, તે પણ વેચી નાખું…!!

રતનશીભાઈના મન-હૃદયમાં ઘુઘવતો સમર્પણનો મહાસાગર આજે જાણે બધું જ લૂંટાવી દેવા તત્પર બન્યો હતો. આજે રતનશીભાઈ જાણે પોતાનું સર્વસ્વ સમાજને ચરણે લુંટાવી દેવા તત્પર બન્યા હતા. એમણે એ જમીનનો સોદો તાત્કાલિક કરી દીધો… રતનશીભાઈને આ બધી વાતમાં કોઈ રસ ન હતો. તેમણે એ જમીનનો તાત્કાલિક સોદો કરી લીધો, અને લક્ષ્મીનારાયણ દેવનાં મંદિરો માટે પોતાની વિશાળ અને કિંમતી મિલકતોને આરાધ્ય દેવ લક્ષ્મીનારાયણના ચરણોમાં વહાવી દીધી!!

જે જે ગામોમાં મંદિર નિર્માણનું કાર્ય કરવામાં આવતું, ત્યાં ત્યાં વિઘ્ન સંતોષીઓએ સનાતન ધર્મની પ્રચાર પ્રસારની ચળવળને નબળી પાડવા માટે અનેક કોર્ટ કેસ અને ખોટી પોલીસ-ફરિયાદો પણ કરી હતી. વારે વારે થતી આવી ઘટનાઓ કે કિસ્સાઓની જાણે કોઈ નવાઈ જ ન હતી. આવા કેસ થાય તેનાથી નાસીપાસ થઈને રતનશીભાઈ અને તેમની સનાતની ટીમ ક્યારે પરાજયનું મોં જોયું ન હતું.

જો કે રસલીયા ખાતે સનાતની જ્ઞાતિબંધુઓના દીકરાઓના કે દીકરીઓના સગપણ તોડવા માટે સતપંથીઓએ જબરદસ્ત પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત ખેડોઈ, દેશલપર, કંઠી, નખત્રાણા, લખપત તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ જાગૃત જ્ઞાતિજનોની સંખ્યા વધી રહી હતી, પરંતુ તે જ સમયે દેશનું વિભાજન થયું, અને કરાંચીમાં વસતા જ્ઞાતિજનો ભારતમાં આવી ગયા. આવા વિપરીત સમયે પણ સંતશ્રીઓના માર્ગદર્શન સાથે અનેક પડકારો અને ઝંઝાવાતો સામે રતનશીભાઈ અને સાથીઓએ અત્યંત સફળ પ્રયત્નો કરીને જ્ઞાતિનું ગૌરવ મધ્યાહ્નમાં તપતા સૂર્ય જેવું તેજસ્વી બનાવી દીધું હતું.

સનાતનનાં એ અભિયાનને સફળ બનાવવા માટે રતનશીભાઈ અને તેમની સાથે જોડાયેલા યુવકોએ અનેક પ્રકારનાં શારીરિક, આર્થિક બલિદાનો આપ્યાં છે. પાણીની જેમ પોતાના અંગત પૈસા વહાવ્યા છે. આજનો માપદંડ ગણો, તો તે સમયે હજારો-લાખોની પોતાની અંગત મિલકત વેચીને પણ તેઓએ જ્ઞાતિની સુધારણા માટે લક્ષ્મીનારાયણ મંદિરોનું નિર્માણ થાય, તેને માટે આર્થિક સમર્પણની ચરમ સીમા સિદ્ધ કરી છે.

 

જે ગામોમાં તેઓના અને સાથીઓના પ્રચંડ પુરુષાર્થ અને સમર્પણથી લક્ષ્મીનારાયણ મંદિરો બન્યાં, તે સાથે જ સતપંથના ‘જમાતખાના’નું ઉત્થાપન કરી વિસર્જન કરી દેવામાં આવ્યું. રતનશીભાઈ તથા તેમના સહયોગી સાથીદારોના અવિરત પ્રયાસોનાં પરિણામ ઇસવીસન 1970 પછી સ્પષ્ટ રૂપે દેખાતા ગયાં, અને એક અંદાજ મુજબ આજે ૯૫% પાટીદાર જ્ઞાતિજનો શ્રી લક્ષ્મીનારાયણ દેવને આરાધ્ય અને મા ઉમિયાને કુળદેવી તરીકે સ્વીકારતા થયા. આ એમના અનન્ય પ્રયાસ અને અનોખા વ્યક્તિત્વની ફલશ્રુતિ હતી. 

Leave a Reply

Share this:

Like this: