એ સમયે હશે આશરે 1938નો. કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજનું સંગઠન શરૂ થયું રતનશી ખીમજી ખેતાણી અને નથુ નાનજી કેસરાણીની આગેવાનીમાં. જ્ઞાતિના સનાતનીઓ માટે આ માતૃસમાજ અથવા કેન્દ્રીય સમાજની રચના કરવામાં આવી હતી, તે સમયે 60 ગામોના સનાતન જ્ઞાતિબંધુઓ એકત્ર થયા, અને કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના સ્થાપક પ્રમુખ તરીકે રતનશી ખીમજી ખેતાણીએ અને સ્થાપક મહામંત્રી તરીકે નથુ નાનજી કેસરાણીએ સુકાન સંભાળી લીધું હતું.
આશ્ચર્ય તો એ હતું કે છેક સંવત 1832 (સને 1775-76)માં ઠરાવ કરીને સૈયદ તથા કાકાઓના સહકારથી વહીવંચાઓને કોઈપણ પ્રકારનું લખાણ ન કરવા અથવા જ્ઞાતિજનો સુધી ન પહોંચાડવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. તે પ્રતિબંધ રતનશીભાઈ ખેતાણી તથા તત્કાલીન કેન્દ્રીય સમાજના અગ્રણીઓ દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યો. અને તે વહીવંચાની પુન: નિમણૂંક કરવામાં આવી. વહીવંચાઓ જ્ઞાતિના ઘરે-ઘરે પહોંચવા લાગ્યા, અને તેમની વંશાવલી લખવાનું કાર્ય ઝડપભેર શરૂ થયું. જે કાર્યવાહી આજ સુધી ચાલતી રહી છે.
રતનશીભાઈ તથા નથુભાઈ કેસરાણી વગેરેના સહયોગમાં હવે એક, બે નહીં, અનેક યુવકો યુવકમંડળોની સ્થાપના માટે થનગની રહ્યા હતા.
નખત્રાણામાં લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની સ્થાપના પછી તે કાર્ય સંત ઓધવરામજી મહારાજ અને તેમના શિષ્ય દયાલરામજી મહારાજની નિશ્રામાં ઝડપભેર સંપન્ન કરવામાં આવતું. આવા અનેક કાર્યક્રમની સતત હારમાળા સતત ચાલુ રહી, તેથી જે ગેઢેરાઓ સામાજિક અને પારિવારિક પ્રશ્નોના ઉકેલ લાવવાના નિમિત્તે અન્યાય, અત્યાચાર કે સતપંથનો પ્રચાર કરતા, તેમની કમર તૂટવા લાગી. યુવકમંડળ તેમજ કેન્દ્રીય સમાજના અસ્તિત્વને કારણે કોઈપણ પરિવારને અન્યાય કરતા પહેલાં તે 100 વાર વિચાર કરતા થઈ ગયા. કારણ કે તમામ યુવક મંડળો કેન્દ્રીય સમાજ સાથે જોડાયા હતાં.
જ્યાં લોકતાંત્રિક પદ્ધતિથી અનેકવિધ પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન થવા લાગ્યા હતા. આમ એક સમયે સતપંથની સત્તાઓ જેમના હાથમાં હતી, તે ગેઢેરાઓ પ્રભાવહીન થતા ગયા, તેથી જ સતપંથ પીરાણાની સત્તા પણ નેસ્તનાબૂદ થવાની અણી ઉપર આવીને ઊભી રહી.
સનાતન ધર્મમાં વાપસી કરવાના આ સમયગાળામાં કેન્દ્રીય સમાજની સ્થાપના એ આ મહાઅભિયાનનો મુખ્ય પડાવ સાબિત થયો. જે ગામોમાં કડવા પાટીદાર જ્ઞાતિના લોકો છૂટાછવાયા રહેતા, અથવા તેમની સંખ્યા લઘુમતીમાં રહેતી, ત્યાં પણ ગેઢેરાઓ વગેરે દ્વારા અત્યાચારો ન થાય, તે માટે જ જાણે આ ખાસ સનાતની સંગઠન ઊભું થયું હોય, તેવી સૌને પ્રતીતિ થતી હતી.
રતનશીભાઈના આ પ્રયાસે સનાતનીઓએ પોતાની અલગ જ્ઞાતિના અસ્તિત્વનું ગૌરવ અનુભવવાનું શરૂ કર્યું. આ જ કારણસર સનાતનીઓ હંમેશાં ગેઢેરાઓ અને સતપંથીઓથી અલગ રહીને પોતાના સમાજના હિત અંગેના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવા લાગ્યા. સતપંથના કોઈપણ નીતિ-નિયમો કે આદેશના પાલનની તેમને જરૂર ન રહી. અંતે પીરાણા સતપંથીઓએ સ્વત: સ્વીકારી લીધું કે હવે પછી સનાતની જ્ઞાતિ ઉપર અમારું કોઈ પણ વર્ચસ્વ ચાલી શકે તેમ નથી. કારણ કે તેઓએ હવે પોતાની જ્ઞાતિ અલગ સિદ્ધાંત અને અલગ માન્યતાઓ સાથે પગભર ઊભી કરી લીધી છે.
કેન્દ્રીય સમાજના અગ્રણીઓએ રતનશીભાઈ તથા નથુ નાનજી કેસરાણીના નેતૃત્વ હેઠળ અનેક લક્ષ્મીનારાયણ મંદિરોના નિર્માણનું કાર્ય સુપેરે આગળ ધપાવ્યું, અને આમ સનાતન ધર્મપ્રચારના કાર્યને જબરદસ્ત ગતિ પ્રાપ્ત થઈ. આ અભિયાનના મુખ્ય સેના નાયકો હતા ભીમજી કેસરા લીંબાણી (કોટડા જડોદર), પરબત લખુ પોકાર (મથલ), રાજારામ શામજી ધોળુ (માનકુવા), ખીમજી નાગજી લીંબાણી (મથલ), શિવદાસ કાનજી નાકરાણી (વિરાણી મોટી), કરસનદાસ ઉકેડા (દેશલપર), માવજી ધનજી જબુવાણી, નારાયણ શિવજી નાકરાણી (મોટી વિરાણી) આ તમામ યુવકો માટે ઇતિહાસના અનેક અલગ પૃષ્ઠો રિઝર્વ રાખવા પડે, તેવું અનન્ય તેઓનું યોગદાન છે…
સને 1937, 38 અને 39ની સાલ સુધીનો સમય રતનશીભાઈ તથા સુધારક મંડળ માટે સરળ ન હતો. કારણ કે નારાયણભાઈ અને તેમના સહયોગીઓ રતનશીભાઈ સાથે નફરતની ભાવનાથી અનેક પ્રકારનો દુષ્પ્રચાર પણ કરતા રહેતા. અત્યાર સુધીમાં કચ્છના ઘણા ખરા કડવા પાટીદારોના ગામોમાં કાં તો ‘લક્ષ્મીનારાયણ મંદિર’ નિર્માણની અને શિક્ષાધામોના સર્જનની પ્રવૃત્તિ શરૂ થઈ હતી, કાં તો જમાતખાનામાં જનારાઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો.
ઓધવરામજી મહારાજ જેવાની સંતકૃપા સાથે રતનશીભાઈની સનાતન ધર્મની સાચી અસ્મિતાને કારણે આ ફલશ્રુતિ પ્રાપ્ત થઈ રહી હતી. બીજી તરફ છેલ્લાં બે વર્ષથી પક્ષઘાતને કારણે ખૂબ પીડા ભોગવતા નારાયણભાઈનું સને 1942માં અવસાન થયું…
રતનશીભાઈ પણ ખૂબ દુ:ખી થયા. પરંતુ એમણે સનાતન સમાજની સેવામાં મન વાળી લીધું હતું.