વાસ્તવમાં રતનશીભાઈ એક પ્રભાવક અને જબરદસ્ત વક્તા હતા. પોતાની પ્રવાહી વાણીમાં જ્યારે તેઓ પીરાણાના સતપંથીઓ, કાકાઓ, સૈયદો તથા તેમના એજન્ટ તરીકે કામ કરનાર જ્ઞાતિના ગેઢેરાઓ દ્વારા પટેલો પર જે કાંઈ સામાજિક અત્યાચારો થતા, તેની બીનાઓ લોકો સમક્ષ જાહેરમાં મૂકતા, ત્યારે જનમેદની મંત્રમુગ્ધ થઈને સાંભળતી રહેતી. સૌના હૃદય આર્દ્ર બની જતાં. ક્યારેક તો આંખોમાંથી આંસુની ધારા ચાલવા લાગતી.
“સતપંથ શા માટે હિન્દુ ધર્મ નથી, અને મુસલમાન મજહબ છે” તે વાતને દૃષ્ટાંતો, દલીલો અને ઉદાહરણો આપીને સમજાવવાની એમની અદ્ભુત શૈલીને કારણે અનેક જ્ઞાતિજનોએ સનાતન ધર્મ સ્વીકારીને સતપંથને છોડ્યો હતો. પ્રતિષ્ઠાના દિવસે રતનશીભાઈએ પોતાના પ્રવચનમાં મુખ્ય રૂપે નીચે મુજબના મુદ્દાઓ જણાવ્યા:
“આપ સૌ જ્ઞાતિબંધુઓએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાનમૂર્તિ પધરાવવાના સુંદર કામનો આરંભ કર્યો છે, જેનો અમર ઇતિહાસ સુવર્ણ અક્ષરે કોતરાશે, તેવી મારી મજબૂત માન્યતા છે. તમારા અત્યારના પુરુષાર્થનો બદલો પરમાત્મા વ્યાજ સહિત વાળી આપે તેમ ઈચ્છું છું, અને આપણા મહાન ધાર્મિક કાર્ય માટે નખત્રાણાવાળા સર્વે વડીલો, બંધુઓ, માતાઓ અને બહેનોને ખાસ ધન્યવાદ આપું છું.”
વળી તેઓએ જણાવ્યું કે “આપણા પૂર્વજોએ કરેલી ભૂલ કેટલેક અંશે દૂર કરવા માટે અમે ફળીભૂત થયા છીએ, તેનું કારણ વડીલોની મીઠી નજર અને સહાનુભૂતિ છે. મારું માનવું છે કે ધાર્મિક અને સામાજિક પ્રગતિ કરવી હોય તો વિનય, વિવેક, સંપ અને સ્નેહથી કાર્ય કરીશું, તે કાર્ય વિતંડાવાદ, વિખવાદ કે અપમાનિત શબ્દો કે અભાવથી નહીં થઈ શકે.
“તમે જાણી શકો છો કે બીજી જ્ઞાતિનો કોઈ ભાઈ આપણામાંના સતપંથીને પૂછે કે તમે કોને માનો છો? અને તમારો ધર્મ શું છે? ત્યારે ખરી હકીકત જાહેર કરી શકતા નથી, અને પૂછનાર ભાઈને આડું-અવળું સમજાવી જલદીથી ત્યાંથી ગચ્છન્તિ થઈ જાય છે, અને સત્ય હકીકત કહેતા શરમાય છે.
“જેથી આપણે ચોક્કસ માની લેવાનું કે એ પીરાણાનો સતપંથ આપણી જ્ઞાતિને જરા પણ શોભતો નથી. તે પંથ આપણને શરમ, તેમજ કલંકરૂપ છે, તેમ કહેવું જરા પણ ખોટું નથી. તે પંથ આપણી જ્ઞાતિમાંથી નાબૂદ કરવા અત્રે આપણે એકત્ર થયા છીએ, તેનો પ્રત્યક્ષ પુરાવો એટલે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું આ શિખરબદ્ધ મંદિર.
“આવા મંદિરો જ્ઞાતિમાં ગામડે ગામડે બની જાય, તેવી સ્તુત્ય ભાવના દરેકમાં હોવી જોઈએ. તેમ જ તેવો જ પ્રચાર, સંપ અને સલાહ કરવાની આવશ્યકતા છે.
“શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નએ ભ્રાતૃભાવનાને ઐતિહાસિક પ્રમાણ આપ્યું, તેવી રીતે આપણે પણ કુસંપ તજીને, નીતિયુક્ત જીવન અને વિવેક વિધિથી વર્તન કરીશું, ત્યારે આપણી જ્ઞાતિ ઉપર ચોંટેલું પીરાણાપંથ રૂપી કાળું કલંક ભૂંસી શકીશું. અને તે કલંકમાંથી મુક્ત થવાનો યશ પરમેશ્વરે આપ નખત્રાણા વાળા ભાઈઓને આપ્યો છે.
“જેમ પ્રથમ ખાનામાં પીરાણાનાં શાસ્ત્રો વંચાતાં, તેમ રાત્રિના સમયમાં આપણા મંદિરોમાં આપણા ગ્રંથોનું ધાર્મિક વાંચન રાખવું જોઈએ. આ સંબંધમાં એક ઉદાહરણ આપીશ. જ્યારે રામચંદ્રજી પિતાના વચનને માન્ય કરી વનવાસ જવા તૈયાર થયા, ત્યારે સીતાજીએ પ્રાર્થના કરીને કહ્યું કે હું પણ આપની સાથે આવીને મારી ફરજ બજાવી શકું. ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે દેવી, વનમાં જવું બહુ વિકટ છે. તમે અહીં રહી મારા માતા-પિતાની સેવા કરજો. ત્યારે સીતાજી ગદ્ગદ કંઠે પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે આપ કેમ ભૂલો છો, કે લગ્ન સમયે દેવ, બ્રાહ્મણ અગ્નિની સાક્ષીએ માતા-પિતાની સામે સપ્તપદીથી અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લઈને વચન આપ્યું છે, કે ગમે તેવા સુખ-દુઃખમાં દંપતી સાથે રહીને વ્યવહાર ચલાવીશું. જેમ દેહની છાયા દેહથી જુદી ન હોય, તેમ સતી સ્ત્રી પતિથી જુદી ન રહી શકે. પત્ની પતિની અર્ધાંગની છે, એટલું જ નહીં, જેમ આપ આપના માતા-પિતાના વચન પૂર્ણ કરવા બંધાયેલ છો, તેમ મારા માતા-પિતાએ પણ લગ્ન સમયે ફરજ નાખી છે, કે પુત્રી! ગમે તેવા સુખ-દુઃખમાં સ્વામીની સાથે રહી આપણા કુળની ઉજ્જવળ કીર્તિ દીપાવજે. હું પણ વનમાં સાથે ચાલી આપની સેવા કરી જીવન સફળ બનાવીશ…”
વિસ્તારપૂર્વક આ વાત જણાવી રતનશીભાઈએ કહ્યું હતું કે “મને કહેતા ખેદ થાય છે કે જે સાધ્વી બહેનોએ પતિના કાર્યને ઉમંગથી વધાવીને સાથ આપવો જોઈએ, તેને બદલે જે ભાઈ હિન્દુ સનાતન ધર્મ અંગીકાર કરે છે, તેવા પવિત્ર કાર્યમાં કેટલીક બહેનો સહમત ન થતાં કેટલાક બીજાઓના ભરમાવ્યાથી ઘરમાં ક્લેશ કરે છે, અને માવિત્રોના ઘરે ચાલી જાય છે, તે આપણને જરા પણ શોભતું નથી. કદાચ એકબીજાના વિચારો પોતપોતાને અનુકૂળ ન આવે તો પણ ક્લેશ ન કરતાં શાંતિ અને ધીરજથી સમજાવી કામ લેવું જોઈએ.”
રતનશીભાઈની વાણીમાં સ્પષ્ટ દેખાય છે કે આ જ ધારાપ્રવાહથી તેઓએ ગામોગામ સનાતન ધર્મનો ઉત્સાહ વધાર્યો હતો, તથા પીરાણા પંથની અસ્મિતાને તોડી સનાતન ધર્મ સાથે જોડી હતી. સમગ્ર જ્ઞાતિ સમક્ષ અપાયેલું અને નોંધમાં આવેલું આ એક જ પ્રવચન હોવા છતાં તેઓની શબ્દાવલી, દૃષ્ટાંતો આપવાની કુનેહ, તથા વર્તમાન સંદર્ભને મૂલવીને સમસ્યાઓનો ઉકેલ આપવાનું કૌશલ્ય સાચે જ અનન્ય હતું. સનાતનની સમાજના પ્રથમ પ્રમુખ તરીકે તેઓએ પોતાના નેતૃત્વને સાચા અર્થમાં પ્રમાણિત કરી બતાવ્યું હતું.