Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 13: કર્મના પૂજારી

રતનશીભાઈનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેઓ નાના-મોટા દરેકની સાથે હળી-ભળી શકતા. ગામડાના અભણ ખેડૂઓની સાથે બેસીને તેમને પણ સનાતન ધર્મની અસ્મિતાની વાત ગળે ઉતારી શકતા, તો સાથે સાથે કચ્છ ભુજના મહારાજ, ખેંગારજી રાવ જેવા રાજવી સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધ હતા.

બ્રિટિશ કલેક્ટર સાથે રાજનૈતિક સંબંધો પણ એ જ સ્તરે જાળવી શકતા, તો વેલજી આણંદજી જેવી મોટી વ્યાપારી પેઢી સાથેના તેમના સંબંધો હર હંમેશ તાજા રહેતા, પરંતુ આ કોઈપણ સંબંધોનો ઉપયોગ તેમણે અંગત કામ માટે ક્યારેય કર્યો નહીં. માત્ર અને માત્ર લક્ષ્મીનારાયણ દેવનાં મંદિરો હોય, સમાજની ઉન્નતિના કે શિક્ષણ અંગેનાં કાર્યો હોય, તે સમયે તેમણે પૂરી સૈદ્ધાંતિક સ્પષ્ટતા સાથે સમાજના આ વરિષ્ઠ મહાનુભાવો સાથેના સંબંધોનો સહયોગ લીધો હતો.આમ જોતાં, સફળતાનો પરચમ ધાર્યા કરતાં તો ઘણા ઊંચે ગગન લહેરાઈ રહ્યો હતો.

પરંતુ હવે જ ધર્મજાગૃતિના કાર્ય માટે સુવ્યવસ્થિત સંગઠનની આવશ્યકતા ઊભી થઈ હતી. રતનશીભાઈના નેતૃત્વમાં હવે મહદ્ અંશે અનેક ગામના લોકોને ભરોસો બેઠો હતો. આથી જ આ બેલડીએ સુધારાવાદી વિચારધારાવાળા યુવાનો-વડીલોને સંગઠિત કરવા માટે બહુ ઝડપથી “કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ” નામની કેન્દ્રીય સંસ્થાની સ્થાપના કરી. જો કે તે અંગે કાયદાકીય રજીસ્ટ્રેશન કે સંસ્થાનું બંધારણ વગેરે વિધિ ઔપચારિકતા સંપૂર્ણત: બાકી જ હતી. પરંતુ આ સંગઠનના પ્રયાસથી કચ્છનાં ગામોગામ જાગૃતિનું કાર્ય ગતિશીલ બનતું ગયું.

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ બે-બે મહાન સંતોના સતત પ્રયાસને કારણે સનાતન ધર્મી તો બની જ, પરંતુ તેમની છત્રછાયામાં રતનશીભાઈ અને તેમના સાથીઓએ પણ ઘર વાપસીના અભિયાનમાં અનેરું યોગદાન આપ્યું. રતનશીભાઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. તેઓ વાસ્તવમાં કર્મના પૂજારી હતા.

આ મંદિરોનાં નિર્માણ આપણે ધારીએ છીએ તેટલા સરળ ન હતાં, પછી કચ્છ અને અન્ય કંપાઓમાં સંત ઓધવરામજી મહારાજના માર્ગદર્શન હેઠળ રતનશીભાઈ તથા સાથી યુવકોના અપાર પરિશ્રમથી મંદિરોના નિર્માણનું કાર્ય ગતિશીલ થઈ રહ્યું હતું.

 

નખત્રાણામાં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ

મોટી વિરાણીમાં સ્થપાયેલા ‘લક્ષ્મીનારાયણ મંદિર’ પછી નખત્રાણા ખાતે નવાવાસમાં બીજા મંદિરનું નિર્માણ થયા વચ્ચે સાત વર્ષનો વિશાળ સમયગાળો વહી ચૂક્યો હતો. નખત્રાણામાં જ્યારે લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ આકાર લેવા લાગ્યું, ત્યારે સમાજના સનાતની સુધારક મંડળનો ઉત્સાહ આસમાન પર હતો.

સને ૧૯૩૭માં યોજાયેલા આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં આખી જ્ઞાતિ નખત્રાણા આવી પહોંચી હતી.

 

તે સમયે નારાયણભાઈ તથા તેમના સમર્થકો રતનશીભાઈનું નીચું દેખાડવા કાવતરાંઓ ઘડી રહ્યા હતા, જ્યારે જ્ઞાતિના હજારો લોકો વચ્ચે રતનશીભાઈએ સ્પષ્ટ રીતે, વિનમ્રતાપૂર્વક છતાં પૂર્ણ દૃઢતાથી ખુલાસો કર્યો કે શા માટે મારા અને નારાયણભાઈના વિચારો અલગ પડ્યા? અને શા માટે મારે અલગ નીતિ અનુસરીને સનાતન સમાજની સેવા કરવા માટેની તૈયારી કરવી પડી! આ ઉપરાંત સનાતનીઓ સાથે ખાવા-પીવાનો વ્યવહાર કેવા સંજોગોમાં રાખવો જોઈએ તથા કઈ શરતોથી રાખવો જોઈએ તે અંગે પણ રતનશીભાઈએ ખૂબ વિસ્તારપૂર્વક અને સ્પષ્ટતાથી છણાવટ કરી. 

Leave a Reply

Share this:

Like this: