નખત્રાણા, અબડાસા, ભુજ અને અન્ય અનેક તાલુકાઓના અનેક ગામોમાં વિચરણનો અવિરત દોર તેમણે શરૂ કર્યો.
મૂળ સનાતન ધર્મી જ્ઞાતિજનોને વચગાળામાં સતપંથીઓએ જે રીતે ભોળવ્યા હતા, તેમને ‘ઘર વાપસી’ કરાવવાનું શ્રેય રતનશી ખીમજીના ચરણે એટલા માટે આપવામાં આવે છે, કે તેમણે તે સમયે અત્યંત કઠિન અને જટિલ કાર્યવાહીને યોગ્ય પરિણામ સુધી પહોંચાડી હતી. આજના તબક્કે તો “સતપંથ છોડી દો” એમ કહેવું સરળ છે. પરંતુ તે સમયે ગેઢેરાઓ અને મુખીઓનું જ્ઞાતિ ઉપરનું વર્ચસ્વ સાણસા જેવી પકડવાળું હતું. એટલું જ નહીં, સામાજિક દબાણ પણ એટલું ભયાનક રહેતું કે કેટલાંય ગામોમાં સત્યની સમજૂતી સાંભળવા માટે પણ કોઈ તૈયાર ન થતું. તેને માટે સાધારણ બોલાચાલી નહીં, પરંતુ મારવા કે મારી નાખવા સુધીનાં ષડયંત્રો થતાં. ક્યારેક તો વિરોધીઓએ મારવા માટે લાકડીઓ પણ ઉઠાવી. મૂર્તિપ્રતિષ્ઠાની વાત આવતી, તે સ્થળને અપવિત્ર કરવા શૌચ જઈને કે અભક્ષ્ય પદાર્થો નાખીને બગાડવામાં આવતું, વસ્તુઓની તોડફોડ કરવામાં આવતી. જ્યારે રતનશીભાઈ પોતાના સાથીઓ સાથે પ્રચાર કાર્યમાં ગામોગામ જતા, ત્યારે સતપંથીઓએ છૂટા હાથે પથ્થર મારો કરીને પણ વેર વાળ્યા હતાં. ક્યાંક એમના શરીર પર ઘા લાગ્યા, ને ક્યાંક તો અપમાન સહીને અડીખમ પણ રહેવું પડ્યું.
એક વૃદ્ધ માતાજીએ આ બાબતે એકવાર જાતે કહ્યું હતું કે મથલ પાસે ટોડીયા ગામે સંત ઓધવરામજી મહારાજ અને રતનશીભાઈ સભા કરતા હતા, ત્યારે વિરોધીઓએ જબરદસ્ત પથ્થરબાજી કરી. એ તે દી’ બહુ મોટો ડખો કર્યો હતો. તેને મેં નજરે જોયેલું. પણ ધન્ય છે કે ઈવડા ઈ અને બધાય સાથીદારો ! સભા છોડીને એ ક્યારેય ભાગ્યા નો’તા.
જ્ઞાતિના વડીલો તો આજે પણ જૂની વાતો યાદ કરતાં કહે છે કે જ્યારે સંત ઓધવરામજી મહારાજ પણ સનાતનધર્મનો પ્રચાર પ્રસાર કરવા ગામમાં પધારતા, ત્યારે સતપંથના અનુયાયી અને આપણી જ જ્ઞાતિના લોકોના બાળકો તેમની ઉપર પથ્થરબાજી કરતા ! ભૂતકાળમાં માનકૂવા અને ટોડીયામાં આવા કિસ્સા સાંભળવા મળે છે કે એવા પથરાવને કારણે ઓધવરામજી મહારાજને પણ માથા પર પથ્થરથી ભારે ઈજા થઈ હતી ! તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા, છતાં તેઓએ પણ રતનશી ખેતાણી જેવા સમર્પિત યુવકોના ઉત્સાહને વધારવા, તથા હજારો જ્ઞાતિજનોને સનાતન ધર્મમાં જોડવા ભારે ધીરજ રાખી. અને સનાતન ધર્મી બની ચૂકેલા જ્ઞાતિજનોનું મનોબળ ટકાવી રાખ્યું. ઓધવરામજી મહારાજશ્રીની આજ્ઞાથી સંત દયાલરામજી મહારાજે પણ રતનશી ખીમજી તથા તેમના સાથીવૃંદ સાથે માત્ર કચ્છ જ નહીં, પરંતુ સાબરકાંઠાના કંપા વિસ્તારોમાં જાતે જઈને ગામોગામ ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રચાર-પ્રસાર કર્યો અને પોતાના માર્ગદર્શન હેઠળ અનેક ગામો અને ગુજરાતના કંપાઓમાં ભગવાન લક્ષ્મીનારાયણનાં મંદિરોના નિર્માણ કર્યા.
પોતાનો ધીકતો ધંધો નોકરો કે દૂરના સ્વજનોના ભરોસે છોડીને તેઓ મહિનાઓ સુધી સતત કચ્છ અને ગુજરાતમાં ફરતા રહ્યા હતા, અને ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રચાર કરતા રહ્યા હતા. લોકોએ કેવળ અપમાન જ નહોતાં કર્યાં, બદનામીઓ અને ખોટા આક્ષેપો પણ કર્યા હતા. જો રાત્રે મુસાફરી કરવાની થાય, તો એક ગામથી બીજે ગામે જતા મારપીટનો પણ ભય રહેતો. તે સમયમાં નાનાં ઘર અને ખુલ્લી ચાલી, આંગણું કે ઓસરીમાં જ સૂવાની વ્યવસ્થા હોય. કયો સતપંથી ક્યારે કોનું બલિદાન લઈ લે, તેની આજે તો કલ્પનાય આવી શકે તેમ નથી. આથી જ રતનશીભાઈના જીવ પર રાત્રિના સમયે એટલો ખતરો રહેતો, કે આખી રાત સુરક્ષા માટે શિવજીબાપા (શિવગણ લાલજી નાકરાણી) સતત જાગતા રહેતા.
રતનશીભાઈની સાથે સ્વયંસેવકોની એક ટીમ સતત સુરક્ષા માટે રહેતી. કારણ કે અણધારી પરિસ્થિતિમાં ક્યાંયથી પણ કોઈપણ પ્રકારનો હુમલો થવાની સંભાવનાઓ રહેતી. આવા સમયે ઓધવરામજી મહારાજને આટલા ભયંકર વિરોધની જાણ થઈ ત્યારે તેમણે રતનશીભાઈ સાથે કેટલાક સક્ષમ યુવકોને સુરક્ષા માટે મોકલવાની શરૂઆત કરી. રતનશીભાઈના અંગરક્ષક તરીકે પડછાયાની જેમ સાથે રહેતા શિવગણ લાલજી પટેલ (નાકરાણી)ને આજે કેવી રીતે ભૂલી શકાય?
જ્ઞાતિને સનાતન ધર્મપથ પર પ્રેરવા માટે, એમણે જે રીતે લોઢાના ચણા ચાવ્યા હતા, અથવા તો ભયંકર સમયનો અને વધુમાં વધુ સંકટોનો સામનો કર્યો હતો, તે અનન્ય હતો. વિધર્મીઓના ગુપ્ત છતાં ભયંકર તોફાનોમાંથી એમણે અને સાથીઓએ આપણી જ્ઞાતિની નાવને બહાર કાઢી, તે માટે જ્ઞાતિજનો તેમનો જેટલો પણ ઉપકાર માને એટલો ઓછો છે..
એકલપંડે આ મહાનકાર્યનો હિમાલય સર કરવો અસંભવ હતો. સંત ઓધવરામજી મહારાજ અને તેમના શિષ્ય દયાળદાસજી મહારાજના આશીર્વાદ જ નહીં, પરંતુ સતત માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું રહેવું, તે જ્ઞાતિજનો માટે પરમાત્માની કૃપા સિવાય બીજું કશું જ કહી શકાય નહીં.
મહારાજશ્રીએ શિષ્ય દયાળદાસજી મહારાજને આજ્ઞા આપી હતી કે આ લોકો કચ્છમાં કામ કરે છે, તમે ગુજરાતના કંપાઓમાં જઈને પ્રચાર શરૂ કરો. તેમણે પણ ગુરુનો આદેશ શિર પર ચડાવ્યો, અને શરૂઆતના કચ્છનાં 65 જેટલા ગામો તથા કંપા વગેરેમાં લક્ષ્મીનારાયણ મંદિર રચવાની શરૂઆત કરી દીધી. અને તેમની ઉપાસના-ભક્તિનો ગામોગામ પ્રચાર કર્યો. વિક્રમ સંવત 2000, સને 1944 સુધીમાં અનેક વિરોધોની વચ્ચે 65 ગામોમાં “શ્રી લક્ષ્મીનારાયણ મંદિરો”ની પૂજા,આરતી અને ઉપાસના પદ્ધતિથી પાવન થવા લાગ્યા. ચોતરફ સનાતની સમાજનો જયકાર ગુંજવા લાગ્યો. લક્ષ્મીનારાયણ મંદિરના તેમના અભિયાનના ભાગરૂપે 65 જેટલાં મંદિરોનું નિર્માણ કરવામાં તેમનું યોગદાન અભૂતપૂર્વ હતું. મંદિર નિર્માણ માટે મળેલી જમીનથી માંડી તેના શિખર અને પ્રતિષ્ઠા થઈ જાય, ત્યાં સુધી કાર્ય ઉપર નજર રાખવાની, ખર્ચ વગેરે ઉપર કંટ્રોલ કરવો, અને દાનવીરોને આ મહાઅભિયાનમાં જોડવા વગેરે માટે તેઓ જેવી જરૂર, તે મુજબ સમય ફાળવીને રતનશીભાઈ પોતાના પરિશ્રમ દ્વારા સનાતન ધર્મનો પરચમ લહેરાવતા રહ્યા હતા.
આ દરેક ગામનાં મંદિર દીઠ એક સ્વતંત્ર, અદ્ભુત અને અનન્ય સમર્પણ ગાથા છે. રતનશીભાઈએ 1918થી શરીર ચાલ્યું ત્યાં સુધી “પગ વાળીને બેસવું જ નથી” તેવી ટેક પાળી બતાવી હતી. સંતના આદેશથી શરૂ થયેલી આ ઝુંબેશ સફળતાનું આસમાન સ્પર્શી રહી હતી.