Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 11: એક ડગલું પીછેહઠ

લક્ષ્મીનારાયણ દેવને આરાધ્યદેવ તરીકે સ્વીકારીને અને આદ્યશક્તિ મા ઉમિયાને કુળદેવી તરીકે સ્વીકારીને હવે સનાતન ધર્મની કેડી પર ચાલનારો પાટીદાર સમુદાય ભાવિપેઢી માટે એક અદ્ભુત રાજમાર્ગનું નિર્માણ કરી રહ્યો હતો, અને તેના બીજ નખાયાં આટલી સાર્થક ચર્ચાથી.

ઓધવરામજી મહારાજે હવે પોતાના શિષ્ય દયાળદાસજીને આદેશ આપ્યો કે તમારે રતનશીભાઈની સાથે રહેવું, ગામોગામ એમના પ્રચાર અને પ્રસારકાર્યમાં એટલો સહયોગ આપવો કે કચ્છનાં ગામોગામ કડવા પાટીદાર સમાજમાં નવી જ ક્રાંતિનો જન્મ થાય.

એટલું જ નહીં, દરેક ગામના લક્ષ્મીનારાયણ મંદિરોમાં સવાર-સાંજ આરતીની એ ઘંટડીઓ વાગતી રહે કે જેનાથી અજ્ઞાન અને પૂર્વગ્રહોનો શોર આથમતો જાય, એ મંદિરોમાંથી એવો શંખનાદ ફૂંકાતો રહે, જેનાથી અજ્ઞાનના પડળ ફાટીને ધૂળ ભેગા ધૂળ થાય…

બસ, આ જ કાર્ય હવે મંદિરનિર્માણની પરંપરામાં પરિવર્તિત થતું ગયું. જ્યોતથી જ્યોત પ્રગટતી ગઈ. ઓધવરામજી મહારાજની આજ્ઞા હતી કે લક્ષ્મીનારાયણ મંદિરોની સ્થાપના કરીને સનાતન ધર્મના પ્રવર્તનકાર્યને પૂરી હિંમત, ધીરજ અને પૂરા સમર્પણથી વેગ આપવો. એમણે વિચારી લીધું કે જો લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના કરવી હોય, તો શા માટે મારા ગામ વિરાણીથી જ તેની શરૂઆત ન કરું?

તેમણે એક રાત્રે ગામના મિત્રોની મંડળી વચ્ચે બધી રીતે વિચારીને ધીરેથી આ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈઓ, શું આપણા ગામમાં જ આપણે લક્ષ્મીનારાયણ મંદિર ન બનાવી શકાય?

કોઈએ કહ્યું પણ ખરું કે શા માટે ન બનાવાય? પણ મુદ્દાની વાત એ છે કે બનાવવું ક્યાં?

રતનશીભાઈની આંખો અંધારામાં પણ ચમકી ઊઠી. તેમણે દૃઢતાથી રજૂઆત કરી કે ગામમાં ઇમામશાનું જમાતખાનું ચાલુ જ છે. ખાનાપંથીઓ વિરોધ જરૂર કરશે, પણ આપણી દૃઢતા હશે, અને સનાતન ધર્મનું ખમીર બતાવવાનું થાય, તો જમાતખાનાને જ દૂર કરીને ત્યાં જ મૂર્તિસ્થાપન કરી દેવી જોઈએ!

બધા જ મિત્રોએ આ પ્રસ્તાવ પૂરા હર્ષ સાથે વધાવી લીધો. રતનશીભાઈએ મુંબઈ પત્ર લખીને જણાવી દીધું કે “સુંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા (પાનમૂર્તિ) તૈયાર કરાવીને વિરાણી ખાતે મોકલી આપો.”

મુંબઈમાં આ પત્ર પહોંચતા થોડા લોકોમાં તર્ક વિતર્ક જરૂર થયા, કે લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના કરવાની કાર્યવાહી આટલા વેગપૂર્વક શરૂ થઈ કેવી રીતે?

સમાજ માટે ઓધવરામજી મહારાજે આપેલો આદેશ “કચ્છ કડવા પાટીદાર સમાજ” માટે અમૃતનો અસલ માર્ગ સાબિત થવાનો હતો. છતાં નારાયણભાઈ અને તેઓના કેટલાક સાથીદારો ઉપરાંત વિરાણી ગામના જ હજુ બાકી રહી ગયેલા ખાનાપંથી એટલે કે સતપંથીઓ દ્વારા રતનશીભાઈ અને તેમના સાથીદારોનો પ્રચંડ વિરોધ શરૂ થયો. સારા કામમાં સો વિઘ્ન ! નિશ્ચિત કરેલી મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ અને સમય વહી ગયો. છેલ્લી ઘડીએ વિરોધ પક્ષ દ્વારા એવો વિવાદ શરૂ કરવામાં આવ્યો કે આખી બાબત કોર્ટ સુધી ખેંચાઈ ગઈ.

રતનશીભાઈએ સમય પારખીને એક ડગલું પીછેહઠ કરી, તે પણ તેઓની વ્યૂહરચનાનો જ એક ભાગ બની રહ્યો. તેમણે વિચારી લીધું કે ભલે મોટી વિરાણીનો ક્રમ પછી આવે, કોઈ ચિંતા નથી. જો સનાતન ધર્મની આલબેલ પોકારવી છે, તો તેને માટે કોઈ સ્થાન પોતાનું-પારકું, નાનું કે મોટું, કે મોડું-વહેલું નથી! સનાતન ધર્મ બધા માટે છે, અને બધે જ તેના સ્થાનકની અનિવાર્યતા છે. 

Leave a Reply

Share this:

Like this: