Book: સનાતની ક્રાંતિરત્ન (Sanatani Krantiratna)

Index

સોપાન 10: લક્ષ્મીનારાયણ મંદિરોની આલબેલ

તે દિવસો દરમિયાન ફરી એકવાર ઓધવરામજી મહારાજ સાથે રતનશીભાઈની મુલાકાત સહજ જ થઈ ગઈ. મહારાજશ્રીના મુખ પર પ્રસન્નતાની લહેર વર્તાઈ રહી હતી.

રતનશીભાઈએ પ્રણામ કરતાં કહ્યું: “મહારાજ, આપે બતાવેલા માર્ગે ચાલતા કામ તો ઘણું થઈ રહ્યું છે, પરંતુ હજુય લાગે છે કે ઘણું કરવાનું બાકી છે, અને એ મુશ્કેલ પણ છે.”

જો કે મહારાજશ્રી પણ જાણતા હતા કે આપણે તલવારની ધાર ઉપર ચાલી રહ્યા છીએ. જો સનાતન તરફ વળેલા જ્ઞાતિજનોને યોગ્ય અને સરળ ઉપાય નહીં અપાય તો કરેલી બધી મહેનત પાણીમાં જશે, લોકો પુનઃ સતપંથ તરફ દોટ મૂકશે. એમણે વાતનો તાગ લેવા પૂછ્યું: “શી તકલીફ પડે છે, રતનશીભાઈ?”

રતનશીભાઈનું હૈયું જાણે ખૂલી ગયું હતું. એકશ્વાસે એમણે વાતની માંડણી કરી : “મહારાજ, એક તો અભણ પ્રજા છે. બીજું સતપંથના જમાતખાને બેસી રહેલા ‘કાકા’ (પીરાણા દ્વારા નિયુક્ત વડીલ સૈયદ, જે ઇસ્લામીકરણની પ્રક્રિયાને વેગ આપતા હતા) ગામ લોકોને પીરાણાપંથની વાતોમાં ભોળવતા રહે છે. એમની અનર્ગળ પ્રલાપ જેવી વાતોમાં આવી જનારા કેટલાય ગામોના વડીલો એવા છે કે જૂની બેડીઓ તોડવા તૈયાર નથી. એટલે જ ક્યારેક તો અમારે પથ્થરો ખાવા પડ્યા છે. અપમાનો સહન કરવા પડ્યા છે. અરે! અમને ગામમાંય પેસવા દેતા નથી. આવા સંજોગોમાં કામ કરવું કેવી રીતે?”

એમણે આગળ કહ્યું: “ભલે સારી એવી સંખ્યામાં જ્ઞાતિના લોકો ભલે સનાતન ધર્મી બની રહ્યા હોય, પરંતુ ગેઢેરાઓનો ત્રાસ, સંસ્કૃત વેદમંત્રો વગેરે ધાર્મિક કર્મકાંડ આદિમાં પડતી તકલીફ, સંસ્કૃતના કઠિન શ્લોકો અને તે મુજબ માટેની ક્રિયાઓ કરવા માટે ખૂબ ઓછું ભણેલા પરિવારો જલદીથી અનુકૂલન સાધી નથી શકતા, અને તે સ્વાભાવિક પણ છે. હવે સનાતન ધર્મી બની જતા પરિવારો માટે સરળ ઉપાસના પદ્ધતિ આપવી જરૂરી છે…”

ઓધવરામજી મહારાજની અમીદૃષ્ટિ આ સંઘર્ષના શૂરવીર સામે વરસી રહી. એમણે રતનશીભાઈને ફરી એકવાર વિશ્વાસ બંધાવતાં કહ્યું: “ચિંતા ન કરો રતનશીભાઈ. હું મદદમાં તમારી સાથે છું. શુદ્ધિ કરાવતા જાઓ, અને સતપંથ મુકાવતા જાઓ. બસ, એ પછી જ ખરી કામગીરીની જરૂર છે.”

“એ કઈ?” રતનશીભાઈએ પૂછ્યું.

મહારાજે કહ્યું: “તેમને કાયમ માટે સનાતનમાં સાચવવાની, અને ફરીથી સતપંથમાં પ્રવેશ ન કરી લે તેને માટેની કામગીરીની વાત છે, રતનશીભાઈ. હવે તો એ વિચાર કરવાનો છે.”

“જરા સ્પષ્ટ કરો તો વાતની ખબર પડે.” રતનશીભાઈએ કહ્યું:

ઓધવરામજી મહારાજે કહ્યું: “તમારા પ્રયાસોથી શુદ્ધીકરણ કરીને અનેક પરિવારોએ સનાતન ધર્મનો આશરો તો લઈ લીધો, પણ હવે તેમને કોની સાધના ને કોની ઉપાસના કરવી? કયા સિદ્ધાંતને અને કયા ઇષ્ટદેવને અનુસરવું, તેની સમજ આવતી નથી. સૌ સનાતન ધર્મ સાથે જ પોતાનો જીવન-નિર્વાહ અને જીવન-સાધના કરી શકે, તે પદ્ધતિઓ સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્ત્વની બાબત છે. જેથી અન્ય કોઈ સંન્યાસીઓ, બાવાઓ કે પછી સતપંથીઓ આ ભોળી જ્ઞાતિને અવળા માર્ગ ઉપર ચડાવી ન દે. આ માટે ફરીથી સનાતન ધર્મમાં પ્રવેશ કરનાર પરિવારો માટે એ સ્પષ્ટતા કરવાની શરૂ કરો, કે તમે સનાતન ધર્મી તો થયા, પણ ભજશો કોને?”

“જી મહારાજ! એ વિચાર તો અમને આવ્યો જ નથી.” રતનશીભાઈએ કહ્યું: “હવે આપ જ કહો કે શું કરવું?”

મહારાજશ્રીએ કહ્યું: “સાંભળો, રતનશીભાઈ, સનાતન ધર્મ વેદ અને ઉપનિષદોના સિદ્ધાંતોમાં જીવી રહ્યો છે. પરંતુ એ શાસ્ત્રો સરળ નથી. વળી એ પણ વિચાર કરવો જોઈએ કે જે પાટીદાર સમાજ 500500 વર્ષથી સનાતન ધર્મની અનેકવિધ પૂજન રીતિ, ઉપાસનાવિધિ અને ભારતીય પરંપરાઓ છોડીને બેઠો હતો, તેમને જલ્દીથી સનાતન ધર્મની સરળ પરંપરામાં ઢાળવો કેવી રીતે?”

રતનશીભાઈએ કહ્યું: “હા મહારાજ, એ મોટી સમસ્યા છે.”

ઓધવરામજી મહારાજે હવે બહુ ચોખ્ખી વાત કરી: “ દરેક સમસ્યાને કોઈને કોઈ સમાધાન પણ હોયને ! જુઓ, સમાજની બાળબુદ્ધિ છે, તેમની પાસેથી એક બાબત જ્યારે તમે છોડાવી છે, ત્યારે તે સૌને તેના કરતા વધુ સક્ષમ વિકલ્પ આપીને સાધનાનો પંથ બતાવવો અનિવાર્ય છે.”

“તો મહારાજ, એ બતાવો એ ઉપાસનાનો પંથ કયો છે? અમારે કોને ભજવા અને શુદ્ધિ કરીને આવેલા પાટીદારોને કયા માર્ગે વાળવા?”

“સાંભળો રતનશીભાઈ,” ઓધવરામજી મહારાજે ધીરજપૂર્વક સ્પષ્ટતા કરવા માંડી:

 “સનાતન ધર્મના મૂળ આરાધ્ય દેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને પાટીદાર સમાજ રહ્યો આખી દુનિયાનો પાલક અને પોષક ખેડૂત સમાજ. તમે વિષ્ણુનારાયણ એટલે કે લક્ષ્મીજી સહિત નારાયણની ઉપાસનાની વાત પાટીદાર સમાજમાં ફેલાવવાની શરૂ કરો. કેમ કે નથી લક્ષ્મીનારાયણના પૂજનમાં કોઈ વિશેષ વિધિની આવશ્યકતા, કે નથી આ આદ્ય દેવોને સ્થાપન કરનાર કોઈ લૌકિક વ્યક્તિ. મને લાગે છે કે એ મૂળ અવતારની ઉપાસનાનું પ્રવર્તન શરૂ કરો. આમ પણ ઉમા સહિત મહાદેવ, સીતા સહિત રામ, રાધા સહિત કૃષ્ણ, એમ ભક્તરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી એ વૈદિક રીતે પણ સ્વીકાર્ય છે. લક્ષ્મી સહિત નારાયણની ઉપાસના સરળ બને, તે માટે જ્યાં જ્યાં અનુકૂળતા હોય, ત્યાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરોનું નિર્માણ કરવાનું શરૂ કરો…”

આજે મહારાજશ્રીની વાણી ગંગાની ધારાની જેમ વહી રહી હતી, “ રતનશીભાઈ, ખેતી કે વેપાર કરતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લોકો માટે આ સૌથી સહેલો છતાં મજબૂત માર્ગ છે. ઇષ્ટદેવ તરીકે લક્ષ્મીનારાયણ ભગવાનને મંદિરોમાં સ્થાપીને જ્ઞાતિજનોને તેમની પૂજા, અર્ચના તથા સાધના કરવાનો માર્ગ આપો. પરંપરાગત રીતે કુળદેવી મા ઉમિયાની ભક્તિ તથા વ્રત ઉપવાસની પરંપરાઓ પ્રત્યેક પરિવારમાં પ્રસ્થાપિત થાય તે માટે પ્રયાસો કરો. બસ, આપણી એક જ શરત રહે કે તમામ જ્ઞાતિજનો મન-હૃદયથી ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યે શુદ્ધ ભક્તિભાવથી જોડાય. કોઈ વાડામાં ફસાય નહીં, સનાતન ધર્મના મૂળ પાયા સાથે જોડાઈ રહે. જેથી સનાતન હિન્દુ ધર્મના વિશાળ વટવૃક્ષની છાયા જ્ઞાતિજનો ઉપર કાયમ માટે છવાયેલી રહે.”

ઓધવરામજી મહારાજ એ ઉપાય સૂચવી રહ્યા હતા કે જ્ઞાતિ ભવિષ્યમાં ફરીથી એવા ખાડામાં ન પડી જાય, જેમ જ્ઞાતિએ સિકરાના વિશ્રામબાપા નાકરાણીને કૃષ્ણ જન્માષ્ટમીએ ગોકુળિયું મનાવવાનું વચન આપ્યું હતું તેમ, કોઈએ પોતાની શ્રદ્ધાને ફેરવવી જ ન પડે, એવા ઉપાય તરફ તેઓનો નિર્દેશ હતો.

એમણે કહ્યું પણ ખરું કે સનાતન ધર્મની આ એવી શાખા છે, કે જેનો કોઈ માલિક નથી, કે પછી કોઈ સ્થાપક નથી. માંડ માંડ ઈમામશાહ જેવા ગુરુથી જ્ઞાતિને છોડાવી છે, તો પછી ફરીથી જ્ઞાતિને કોઈ અન્ય ગુરુના પંથે નથી ચડાવવી. સૌને સનાતન ધર્મના મૂળમાં જોડવી એ જ એમનું લક્ષ્ય હતું.

તેઓએ ઈચ્છયું હોત તો આખી જ્ઞાતિને પોતાની “હરિહર પરંપરા”માં વાળી શક્યા હોત, પણ એ ખરા અર્થમાં સંત હતા. એમણે સતપંથથી જુદી પડ્યા બાદ ક. ક. પા. સનાતની જ્ઞાતિ પોતાના પગ ઉપર સ્વમાનભેર ઊભી રહે એ માટે તેને આર્થિક શોષણથી મુક્ત કરી. જ્ઞાતિને ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાઓ વગેરેને નવેસરથી ઊભા કરવા અમૂલ્ય માર્ગદર્શન કર્યું.

ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે સ્વીકારવાની સલાહ એમણે એટલા માટે જ આપી, કે સનાતન ધર્મમાં, પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ ભગવાન લક્ષ્મીનારાયણ છે. એ સ્વરૂપનું કોઈ સ્થાપક નથી, અને એ પરંપરાને ચલાવવા એકાધિકાર રાખતી કોઈ વ્યક્તિ પણ નથી. જ્ઞાતિ નારાયણના મૂળ સ્વરૂપને મા લક્ષ્મી સહિત ઉપાસે તેવું માર્ગદર્શન આપતાં આજે એમને ખૂબ હર્ષ હતો.

રતનશીભાઈનો આત્મા આ બધી જ સૈદ્ધાંતિક વાતો કબૂલ કરી રહ્યો હતો. એમણે હાથ જોડીને કહ્યું: “જી મહારાજ, આપની આ વૈદિક અને સૈદ્ધાંતિક આજ્ઞા અમે શિર પર ચડાવીએ છીએ. અને આપના જ આદેશથી અમે સમાજમાં જુસ્સાભેર એ વાતનું પ્રતિપાદન કરવામાં રાત-દિવસ એક કરીશું, કે મહારાજશ્રીએ આપણને ચીંધેલો માર્ગ છે: લક્ષ્મીનારાયણ દેવ, એ આપણા આરાધ્ય દેવ, અને મા ઉમિયા, એ આપણા કુળદેવી…”

ઓધવરામજી મહારાજે પ્રસન્નતાપૂર્વક ‘લક્ષ્મીનારાયણ દેવ’ની જય બોલાવી, અને રતનશીભાઈના મસ્તક પર હાથ મૂક્યો. સ્મિત કરતાં કહ્યું: “હું તમારાથી અળગો નથી. તમારી આ ઝુંબેશમાં હું કાયમ ભેગો છું. જાઓ, ગામોગામ જાઓ, સૌના દિલ પ્રેમથી જીતો. એકતા, સંપ અને પરસ્પર પ્રેમ રાખજો. પ્રચારકાર્ય અટકાવશો નહીં. લોકોને જો સવળા માર્ગે લઈ આવશું, તો એમાંથી જ તમને કામ કરનાર તમારા હાથ, પગ અને હૈયા જેવા માણસો મળતા રહેશે…”

 

રતનશીભાઈ અને ઓધવરામજી મહારાજના આટલા વાર્તાલાપમાં જાણે સમગ્ર “કચ્છ કડવા પાટીદાર સમાજ”ની નિયતિ લખાઈ ચૂકી હતી. અને સમાજના અધ્યાત્મ ઉત્કર્ષની બુનિયાદ નખાઈ ચૂકી હતી. 

Leave a Reply

Share this:

Like this: