શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ!
કોને ખબર કેમ, પણ કચ્છની ધરતીનું આકર્ષણ અદ્ભુત, અનન્ય, સ્વાસ્થ્યપ્રદ અને દિવ્ય રહ્યું છે, એ દિવ્ય ધરતીનો સ્પર્શ કર્યા વિના અને એ ભીની વનરાઈઓની હવા શ્વાસમાં લીધા વિના તે દિવ્ય અનુભવની વાછંટ સમજી શકાય તેમ નથી.
બાળપણમાં આપણને જ્યારે જ્યારે કચ્છ વિશે ભણાવવામાં આવ્યું, ત્યારે એટલું જ સાંભળ્યું હતું કે આ ધરતી માત્ર અને માત્ર રણની સૂકી રેતી, ગરમ હવાઓ, થોરની વાડ અને ઊંટનાં પગલાંઓને સાચવતી ધરતી છે.
પરંતુ 2001માં આવેલા ભૂકંપે એ ધરતીને નજીકથી જોવાનો અવસર આપ્યો. એ ધરતીના ઐતિહાસિક પાત્રોની આગોશમાં બેસવા માટે તક આપી. અને સાથે જ એ ધરતીનાં લોકલાડીલાં સંતાનોની દિલાવરી, હિંમત, આત્મવિશ્વાસ, ખુમારી અને જિંદગીનો જંગ લડીને સફળતાનાં શિખરો સર કરવાની લલક નજરે જોઈ, ત્યારે એ પંક્તિનો અર્થ પૂરેપૂરો સમજાઈ ગયો કે કચ્છડો બારે માસ!
હા, એક સમય જરૂર એવો હતો, જ્યારે કચ્છની ધરતી વરસાદના એક એક બુંદ માટે તરસતી. અહીંની પ્રજા આંખે નેજવાં ભરીને કાળઝાળ સૂરજની ગરમીની પેલે પાર મંડાતી, અને એકાદ કાળી વાદળીની આશામાં ને આશામાં કાળી મજૂરી કરીને રોટલા-મરચાંના સહારે જીવનયાપન કરતી હતી. આવી જ એક ખમીરવંતી, ઉત્સાહી, પરિશ્રમી અને જીવન પ્રત્યે આર્ષદૃષ્ટિ રાખનાર પ્રજા એટલે અહીંના કડવા પાટીદારો.
આજે જેમની વાત માંડવાની છે, તે ગામ નખત્રાણાથી માત્ર 4 કિલોમીટરના અંતરે વસેલું છે. એ શૂરવીરોનું ગામ એટલે વિરાણી, અથવા મોટી વિરાણી.
મોટી વિરાણી ગામ અત્યારે તો કુદરતની મહારાણીની ગોદમાં બેઠું હોય, તેવું સુંદર હરિયાળું અને રળિયામણું લાગે છે. પરંતુ 100 વર્ષ પહેલાંનો સમયગાળો એવો હતો કે અહીંથી મોટાભાગના પાટીદાર પરિવારો વતનની ધરતી છોડીને આર્થિક ઉપાર્જન માટે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ખૂણે ખૂણે જઈને વસતા ગયા. આવું જ એક ખોરડું હતું પાટીદાર ખીમજી લખમશી ખેતાણીનું.
વિક્રમ સંવત્ 1944, સન 1888માં તેમના ખોરડે રતનશી નામે પુત્ર રત્નનો જન્મ થયો, ત્યારે સાધારણ પરિવારમાં થાય તેવો જ આનંદ વ્યાપી રહ્યો હતો. ગામડા ગામમાં ભણતરની સુવિધા અંગે તો વિચાર જ થાય તેમ જ ન હતું. બે ઓરડાની ધૂળી નિશાળમાં માસ્તર સોટી લઈને ભણાવવા બેસે, ત્યારે આસપાસ પહેલા ધોરણથી માંડીને પાંચમા ધોરણ સુધીનાં બાળકો 11 થી 18 વર્ષ સુધીના જોવા મળતા.
આવા સમયમાં ભણતરની વિદ્યા ચડે પણ કેવી રીતે? રતનશી પણ ધોરણ ત્રણ સુધી ભણી શક્યા. બીજા દોસ્ત-યારોની સાથે ગામની આસપાસના ખેતરોમાં ગાય-ભેંસ ચરાવ્યાં. બાને ઘરકામમાં નાની-મોટી મદદ પણ કરી. પરંતુ નિશાળનું વાતાવરણ જરા પણ સદે તેમ ન હતું. એમણે ભણતાં ભણતાં જ માત્ર દસ-બાર વર્ષની ઉંમરે વેલજી વંકા કોઠારી નામે લોહાણા વેપારીને ત્યાં મજૂર તરીકેની નોકરી સ્વીકારી લીધી!!
રમવા-ખેલવાની ઉંમરે, લાડ-પ્યાર અને પ્રોત્સાહન પામવાની ઉંમરે તેમણે પરિવાર સહારો બનવા માટે જાણે કમર કસી લીધી. કદાચ એ જ સમય હતો જ્યારે પાટીદારો વતનની ધરતીને અલવિદા કરીને નવી જિંદગીનો આરંભ કરવા ગુજરાત કે ગુજરાતના બહારના પ્રદેશોમાં પોતાનું ભાગ્ય અજમાવવા નીકળી રહ્યા હતા.
સન 1901 ની આસપાસ એટલે કે ૧૩ વર્ષની ઉંમરે રતનશીએ પણ મુંબઈ આવીને મજૂરી કામમાં ઝંપલાવી દીધું…
ક્યાં વતનના ગામની શાંત એકાંત શેરીઓ! ક્યાં વન-વગડામાં ઘૂમતા રહેવાની વિશાળતા ! અને ક્યાં અહીં મસ્જિદ બંદરની નજીક દાણાબંદરનાં ગીચ ગોડાઉનોની ગંદકી વચ્ચે રહીને દિવસ-રાત પરસેવા અને દુર્ગંધની વચ્ચે સંઘર્ષના કાદવમાંથી ખીલી રહેલું કમળપુષ્પ!
બસ, આ નાનકડા તરુણને એ એક જ લગન હતી કે બંને મોટા જોડીયા ભાઈઓ વેલજીભાઈ અને જીવરાજભાઈને અહીં બેઠા બેઠા થોડા ઘણા પૈસા મોકલી શકાય… મોટાં બહેન કેસરબહેનનાં લાડ-પ્યારનાં ઋણ કેમ કરીને ચૂકવવાં, એ જ હતી નાનકડા રતનશીના મનમાં રમતી સંકલ્પની ફુહારો !
પણ પગારના રૂપિયાય મહિને કેટલા મળતા? માત્ર રોકડા 11! એટલા પગારમાંથી વીસી વાળાને જ મહિને 10 રૂપિયા આપી દેવા પડતા. બાકી બચેલો એક રૂપિયો ઘરગથ્થુ ઉપયોગની ચીજોમાં વપરાઈ જતો.
પરંતુ હા, જલ્દીથી કમાઈ લેવા માટે આ કિશોરે અપ્રામાણિકતાનો માર્ગ ક્યારેય પસંદ નહોતો કર્યો. સતત અને સખ્ત પરિશ્રમ સાથે ઊંચી નીતિમત્તાના સંસ્કારો જાણે માતા-પિતાના ખોળેથી જ લઈને આવેલો આ તરુણ જોતજોતામાં શેઠિયાઓની આંખનું રતન બની ગયો!
એકવાર શેઠે બોલાવીને કહ્યું, ‘રતનશી, દેશાવરનું કામ કરીશ?”
સોળેક વર્ષના રતનશીની આંખમાં ચમક આવી ગઈ. કશીક નવી જવાબદારીની વાત થઇ રહી છે, એટલું તો એને સમજાઈ ગયું. છતાં શાંતિથી પૂછ્યું, “કામ તો બધું કરીશ. મને વિગત સમજાવશો?”
“સાંભળ ભાઈ,” શેઠે પ્રેમથી સમજાવ્યું, “આપણે દૂર દેશથી કાચો માલ (કરિયાણું અને મસાલા) મગાવીએ છીએ. તારે માલ તપાસવો, અને ખરીદી કરવા જેવો લાગે તો મોલભાવ નક્કી કરીને અમને જણાવી દેવું.”
નાની ઉંમરે જ નિરીક્ષણ, અવલોકન અને નિર્ણયશક્તિના જોરે રતનશી માલની ગુણવત્તા પારખીને તેના મોલભાવ નક્કી કરે, તેવા સક્ષમ બની ચૂક્યા હતા. તેમણે વિનમ્રતાથી કહ્યું, “શેઠ, આપ જે સોંપો, તે કામ જરૂર પાર પાડીશ.”
હસીને શેઠે કહ્યું, “અમને ભરોસો છે.” અને તેમણે પગાર અંગે એક શબ્દ પણ પૂછ્યો નહીં! બસ, કામ એમનું ધ્યેય હતું. કર્મનિષ્ઠા પાછળ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિની પરંપરા અવશ્ય ચાલતી આવે છે, તેવી કોઈ સમજ એ વખતે પણ એમના અંતરના ખૂણામાં ખીલી રહી હતી કે શું?
કેટલોય માલ ગુણવત્તા વગરનો આવતો, ત્યારે કાચો માલ મોકલનાર શેઠિયાઓ રતનશીને લાલચ આપીને ‘પાસ’ કરી દેવા માટે પણ વિનવતા. પરંતુ અનાજ-કરિયાણાના એ માલમાં જરા પણ ઓછી ગુણવત્તા રતનશીને મંજૂર ન હતી. થોડા જ સમયમાં આ ઈમાનદારી બજારમાં ચર્ચાનો વિષય બની ગઈ. યુવા અવસ્થામાં હજુ તો હમણાં જ કદમ માંડનાર રતનશી પર તેના શેઠિયાઓ વારી ગયા. પગાર સાથે ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને એમણે રતનશીની ઘણી ચિંતા દૂર કરી હતી. હવે તેમણે ઘાટકોપરની લીમડાવાળી ચાલમાં રહેવાની શરૂઆત કરી… હાલ ઘાટકોપર (પૂર્વ) રેલવે સ્ટેશન સામે નીલયોગ સિનેમા છે, તે સ્થળે જ આ લીમડાવાળી ચાલ આવેલ હતી.
અને અચાનક એમણે એક દિવસ ઊઠતાંની સાથે જ નિર્ણય લીધો: આજથી નોકરી બંધ! એ સમયે એમની ઉંમર હતી માત્ર 21 વર્ષ! એમણે નોકરીને એ જ પળે અલવિદા કરી વિભિન્ન વ્યવસાયોમાં પોતાનો પરિશ્રમ રેડવાનો શરૂ કરી દીધો…સાથે સાથે ગુણવત્તા સભર મોટાં મોટાં બિલ્ડીંગ બાંધનાર મોટા ગજાના કોન્ટ્રાક્ટર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરવા માંડી. ઘાટકોપર, ચેમ્બુર અને અન્ય વિસ્તારોમાં ઘણાં બિલ્ડીંગોનાં કામ કરીને સારો એવો નફો મેળવતા. આમ પોતાનું આર્થિક પાસું એમણે ઘણું મજબૂત કરી લીધું.