બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

ઇતિહાસવિદ સમિતિનું નિવેદન

અસરકારક ઇતિહાસ એ હોય કે જે લોકોના મનમાં હંમેશા રહેલા એવા મૂલ્યો અને આદર્શોને પ્રગટ કરવા મદદ રૂપ થાય કે જેનાથી જ્ઞાતિ સુધારનું કામ સાચી દિશામાં સ્ફુરિત થાય અને તેનો વિકાસ થાય. ઇતિહાસ વડે એવા મૂલ્યો અને આદર્શોનું સિંચન થાય કે એ સામન્ય લોકોના પ્રવૃત્તિઓના માધ્યમથી અભિવ્યક્ત થાય. આવો અસરકારક ઇતિહાસ લખવો એ પ્રગતિશીલ જ્ઞાતિની પહેલી નિશાની હોય છે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો આવો અસરકારક ઇતિહાસ લખવાના ધ્યેય સાથે આ પુસ્તક તૈયાર કરવાનો વિનમ્ર પ્રયત્ન કરેલ છે. આ પુસ્તક જ્ઞાતિના  સમૃદ્ધ સાહિત્યના સંગ્રહનો મુખ્ય ભાગ બનશે, એમાં બે મત નથી. 

ક. ક. પા. જ્ઞાતિની ઐતિહાસિક ઘટનાઓની નોંધને આવરી લેતાં ઘણા પુસ્તકો જોવા મળશે. હવે સમય આવી ગયો છે કે ઇતિહાસનો સાર અને સમજ ઉપર એક પુસ્તક તૈયાર કરવામાં આવે. આ ઐતિહાસિક ઘટનાઓને એક તાંતણે પરોવીને એમાંથી ઇતિહાસનું જે ચિત્ર તૈયાર થાય અને એ ચિત્રમાંથી શિખ અને સમજનો જે સંદેશ આપે એવું કોઈ બીજું પુસ્તક અમારા ધ્યાને આવેલ નથી. આ બાબત ઉપર વધુ પ્રકાશ આ પુસ્તકના ભાગ / ખંડ 1 માં આપેલ “પૃષ્ઠભૂમિ – ઇતિહાસ એક આકલાન” નામનું પ્રકરણ પાડશે.

પીરાણા સતપંથનો સદંતર ત્યાગ કરી સનાતન ધર્મમાં ઘરવાપસીના, 550 વર્ષોના સંઘર્ષની, બીનાને આવરી લેતી ઘટનાઓને જે-તે સમયે નોંધાયેલ દસ્તાવેજો તો ઘણા છે. આ પુસ્તકનો હેતુ ઐતિહાસિક ઘટનાઓના લેખોને ફરીથી લખી એનું પુનરાવર્તન કરવાનું નથી. આ પુસ્તકનો હેતુ ઇતિહાસનું આકલન કરવાનું છે. ઇતિહાસની એ ઘટનાઓ, જે અમારા ધ્યાને આવી હોય, એ તમામ ઘટનાઓનું, શક્તિ અને બુદ્ધિનો અભ્યાસ કરવા યથા યોગ્ય ઉપયોગ કરી, એમાંથી સમજ અને શિખ લોકો સામે સરળ ભાષામાં મૂકવા માટેનો હેતુ છે. આ પુસ્તકમાં આપણે એ ઘટનાઓનું ઝીણવટ ભર્યું, પણ સામાન્ય માણસ સમજી શકે એવી રીતે, આકલન કર્યું છે.

ક. ક. પા. જ્ઞાતિનો જે પ્રકારે ઇતિહાસ છે, એના માટે ઇતિહાસનું આકલન (Analysis) ત્રણ કાળમાં કરવામાં આવ્યું છે.

પહેલા કાળમાં જ્ઞાતિ કોણ છે? અને ક્યાં હતી? એ સમયમાં એવું શું થયું કે જ્ઞાતિ નબળી પડી? એવા કયા પરિબળો હતા કે જેણે જ્ઞાતિને નબળી પાડી?

ત્યાર બાદ, બીજા કાળમાં જોઈશું કે જ્ઞાતિની નબળી પરિસ્થિતિનો લાભ લઈને તેના ઉપર કેવા પ્રહારો થયા. વિધર્મીઓએ કેવા-કેવા પેંતરાઓ અજમાવ્યા કે જેનો શિકાર જ્ઞાતિ થઈ. “વિચારધારાના વિનાશ”ની વિધર્મીઓની ચાલ/રણનીતિ શું હતી. ઇસ્લામના પ્રચારકોની એ રમત શા માટે ઓળખી ન શક્યા. આવા પ્રહારોનો પ્રતિકાર કરવાના બદલે એનો સહયોગ કરવાની મૂર્ખતા કરાવનાર બ્રેનવોશ (brainwash) કેમ થતા કેમ ગયા. કોઈને ખબર પણ ના પડી અને જ્ઞાતિ પોતાનો વહાલો સનાતન ધર્મ ખોઈ બેઠી અને અધોગતિને આમંત્રિત કરી. આ સંપૂર્ણ બીના અને દયનીય પરિસ્થિતિનો ચિતાર આ પુસ્તકમાં વર્ણવેલ છે, જેથી કરીને બીજી વાર આ ભૂલ ન કરે અને અન્ય હિન્દુ જ્ઞાતિઓ પણ આ પુસ્તકથી શિખ લે.

ત્રીજા કાળમાં, અકલ્પનીય પણ અશક્ય કહી શકાય એવી રીતે, મરણ પથારી પર પડેલી જ્ઞાતિને ફરીથી એક રીતે સજીવન કરવાનો ગૌરવશાળી ઇતિહાસ છે. જ્ઞાતિના આગેવાનોએ ઉપાડેલ પગલાં અને લીધેલ નિર્ણયોથી જ્ઞાતિ કેવી રીતે ધીમે-ધીમે ઇસ્લામી ધર્મનો ફાંટો ગણાતો પીરાણા સતપંથ ધર્મને ત્યાગીને સનાતન ધર્મ અંગીકાર કરતી ગઈ, અને જ્ઞાતિની સનાતન ધર્મમાં ઘરવાપસી થઈ. આ તમામ બાબતોને સરળ ભાષામાં અને એકદમ પદ્ધતિસર સમજાવેલ છે. ખાસ નોંધ લેશો કે અહીં વ્યક્તિના ઘરવાપસીની વાત નથી, પણ જ્ઞાતિના ઘર વાપસીની વાત છે.

પણ ખરા અર્થમાં જ્ઞાતિનું ઘરવાપસી ત્યારે થાય કે જ્યારે સનાતની જ્ઞાતિ પોતાના સામાજિક, ધાર્મિક અને અન્ય સંગઠનો તેમજ જ્ઞાતિ માટે જરૂરી પાયાની સુવિધાઓ ઊભી કરે, જેના પર જ્ઞાતિનું અસ્તિત્વ ટકી શકે. પીરાણા સતપંથ ધર્મથી છૂટા પડીને પોતાની અલગ સનાતન જ્ઞાતિને શૂન્યમાંથી ઊભી કરવી એ ઇતિહાસમાં કદાચ બેજોડ હશે.

ખરા અર્થમાં ઘરવાપસીનું કામ પરિપૂર્ણ કરવા માટે પીરાણા સતપંથની માનસિકતાથી જ્ઞાતિ મુક્ત થવી બહુજ જરૂરી હોય છે. એના માટે જ્ઞાતિએ ઇતિહાસમાં પહેલવહેલું માત્ર સનાતનીઓનું જ્ઞાતિ અધિવેશન દિનાંક 11 થી 14‑May‑2023ના બોલાવેલ છે. જેમાં જ્ઞાતિને સતપંથની માનસિકતાથી મુક્ત કરવા જરૂરી મુખ્ય પગલું જેમાં સતપંથીઓ માટે સનાતની જ્ઞાતિના દરવાજા હવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે. જ્ઞાતિને બૌદ્ધિક અને માનસિક રીતે સતપંથથી મુક્ત કરવા માટેની શરૂઆત હશે જેના પરિણામે આગામી અમુક વર્ષો પછી ધીમે-ધીમે જ્ઞાતિની ખરા અર્થમાં ઘરવાપસીનું કામ પૂર્ણ થશે. આ બાબતનું મહત્વ અને અહીં સુધી પહોંચવાનો વ્યવસ્થિત  ઇતિહાસ આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

જ્યારે ઇતિહાસ લખાતો હોય, ત્યારે માત્ર સારી સારી વાતો પૂરતો હોય, તો એ ઇતિહાસ માત્ર અધૂરો નથી  પણ ભાવિ પેઢીને અંધારામાં રાખવાનું પાપ/ગુનો કરનાર છે. ઇતિહાસની કમીઓ અને ખામીઓના પ્રસંગોનું મહત્વ પણ સારી વાતો જેટલું જ હોય છે. કારણ કે આ કમીઓ અને ખામીઓ જ આપણને ભવિષ્યની સાચી દિશા સૂચવતા હોય છે.

આ પુસ્તકમાં જ્ઞાતિનો ઇતિહાસ નથી, પણ જ્ઞાતિના ઘરવાપસીનો ઇતિહાસ છે. બંને વચ્ચેનો ફરક તમે સમજી શકો છો. માટે સામાન્ય રીતે જે જ્ઞાતિનો ઇતિહાસ હોય કે કોણ પ્રમુખ હતું કે કોણ મંત્રી હતા, સંસ્થાઓમાં કોણે શું ભાષણ કર્યું, કોણે કેટલું દાન આપ્યું વગેરે બાબતો આ પુસ્તકમાં નથી. એના માટે જે-તે સમયના અહેવાલો કે રિપોર્ટ છે જ. આ પુસ્તકમાં જ્ઞાતિનું સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવવા કેવાં કેવાં ક્રાંતિકારી પગલાઓ ભર્યાં, કેવા સમયમાં ભર્યાં, કેવી કઠિન પરિસ્થિતિમાં ભર્યાં, કેવો વિરોધ હતો વચ્ચે કેવી યુક્તિ-પ્રયુક્તિઓ અપનાવી, કેટ-કેટલાં બલિદાનો આપ્યા અને અંતે તેના કેવા સારાં-નબળાં પરિણામો આવ્યા, તે અંગેનો ઇતિહાસ છે.

સ્વાભાવિક છે કે આવા લાંબા સમયના ઘરવાપસીના ઇતિહાસમાં અનેક નાયકો છે, કે જેમણે પોતાની શક્તિઓનો સદુપયોગ આ ભગીરથ કામ માટે કર્યો. અમુક લોકોએ તો પોતાના જીવનને એક માત્ર લક્ષ બનાવીને પોતાનું અમૂલ્ય જીવન જ્ઞાતિ હિત માટે ખપાવી દીધું. આવા બધાજ લોકોની વ્યક્તિગત માહિતીઓ કરતા એમના કામોની વાતો આ પુસ્તકમાં લેવામાં આવી છે. જ્ઞાતિની સનાતન ધર્મની ક્રાંતિના મુખ્ય 4 મોજાઓ (waves) એટલે તબક્કાઓ આવ્યા, એ મોજાઓના પ્રણેતા અને ઉપાડો લેનાર મુખ્ય નેતા/લીડરના નામથી એ અભિયાનોને ઓળખાવવા માટે એમનું નામ લેવામાં આવેલ છે. પણ એનો અર્થ એમ નથી કે એમના સમકાલીન બીજા લિડરોનું કામ ઓછું મહત્વનું હતું.

જેવી રીતે ભાવિ પેઢીનો હક્ક છે કે પોતાનો સારો કે ખરાબ પણ બધો જ ઇતિહાસ જાણવો તેવીજ રીતે  આજની પેઢીની ફરજમાં આવે છે કે એમને સાચો ઇતિહાસ જણાવવાનો.

કમીઓ અને ખામીઓ બધામાં હોય જ છે. ઇતિહાસ લખતી વખતે કોઈ માણસ અને મોહિમ તેમજ સંસ્થા અને સંગઠનની ભૂલો કે કમજોરીઓ તરફ ધ્યાન દોરવામાં આવેલ હોય, તો એનો મતલબ એમ ન લેવો કે એ વ્યક્તિ કે સંસ્થાને ઉતારી પાડવાનો પ્રયાસ કે એને બદનામ કરવાના પ્રયાસ છે. આવી વાતો અહીં ઉમેરવાનો માત્ર એકજ મકસદ છે કે એમની ભૂલો અને અનુભવથી જ્ઞાતિજન કઇંક સારું શિખે. તમને જણાવતા ગૌરવ થાય છે કે ભૂલો કરનાર અમુક વડીલોએ ઉદાર મન રાખી, સામેથી અમને સૂચન આપ્યું છે કે આ અમારી ભૂલ હતી, અને એને ઇતિહાસના પુસ્તકમાં જરૂર આવરી લેજો, જેથી કરીને ફરીથી આવી ભૂલોનું કોઈ પુનરાવર્તન ન કરે. આવા વડીલોની હિંમત અને મહાનતાને દાદ આપવી રહી.

ઘરવાપસીના ઇતિહાસની લગભગ બધીજ મહત્વની ઘટનાઓ આવરી લીધી છે. તેમ છતાં કોઈ મહત્વની ઘટના છૂટી ગઈ હોય તો એના બદ્દલ અમને ખેદ છે. આવી છૂટી ગયેલી ઘટનાઓ અમારા ધ્યાને લાવવા વિનંતી, જેથી કરીને ભવિષ્યમાં યોગ્ય કરી શકાય.

ઇતિહાસ આધારભૂત હોય તો જ લોકો એને ખરા અર્થમાં માન્ય રાખી સ્વીકારે. અને આધાર પણ એવા સજ્જડ હોવા જોઈએ કે એ ઘટના સાથે જોડાયેલા હોવા જોઈએ અને સત્ય હોવા જોઈએ. બાકી બનાવટી પુરાવાઓનો ઉપયોગ મોટા ભાગે ચમત્કારોની વાતો સાથે જોડાયેલા હોય. ચમત્કારોની વાતોને ઇતિહાસથી દૂર રાખીને મૂળભૂત પુરાવાઓનો આધાર આ પુસ્તકમાં લેવામાં આવ્યો છે. આના માટે અનેક જગ્યાઓનો પ્રવાસ ખેડ્યો છે અને અનેક લોકોએ વર્ષોથી સાચવેલા અને સજાવેલા પુરાવાઓ આપણી ઇતિહાસવિદ સમિતિને આપ્યા એના બદ્દલ સમિતિ એમની સદાય આભારી રહેશે.

વર્ષો સુધી પુરાવાઓ સાચવવા પાછળની એમની મહેનતને ખરેખર બિરદાવવી જોઈએ. આવા મહત્વના પુરાવાઓ અમારા સુધી પહોંચાડનાર લોકોનો વિશેષ ધ્યાનવાદ માનવો રહ્યો. એમાં મુખ્ય નામો છે;

1

શ્રી અ. ભા. ક. ક. પા. સમાજ

નખત્રાણા

2

કચ્છ કડવા પાટીદાર સમાજ 

કોટડા જાડોદર

3

સ્વ. રતનશી ખીમજી ખેતાણી

વિરાણી મોટી

4

સ્વ. નારાયણ રામજી લીંબાણી

વિરાણી મોટી

5

સ્વ. પ્રેમજી ભણજી કેશરાણી

ખરઘર / માનકુવા

6

અબજીભાઈ વિશ્રામ કાનાણી

વિરાણી મોટી

7

રતનશી લાલજી દિવાણી

વિરાણી ગઢ

8

ડો. વસંત અરજણ ધોળુ

તલોદ

9

પ્રી. રતીભાઈ લધા છાભૈયા

તલોદ

10

સ્વ. મેઘજી પરબત છાભૈયા

કોટડા જાડોદર

11

સ્વ. ડો. મંગુભાઈ પટેલ

અમદાવાદ

12

જયંતભાઈ જવાહર લીંબાણી

કોટડા જાડોદર

13

રમેશ માવજી વાગડિયા

બેંગલોર

14

realpatidar.com

online website

15

કાંતિભાઈ અરજણ ધોળુ

તખતગઢ

16

સતીશ હસમુખ ચોપડા

વડાગામ

17

કિશોર ખીમજી લીંબાણી

કોલકાતા

18

ધીરુભાઈ રાજારામ ધોળુ

મુંબઈ

19

સ્વ. ભવાનજી લખમશી મૈયાત

રાજ્યપાલયમ

20

ભરત પ્રેમજી ભગત

કોટડા જાડોદર

21

જીતુભાઈ હરિભાઇ ધોળુ

વડાલી

22

ગૌરાંગ ખેતાભાઈ ધનાણી

કડોદરા, સુરત

23

કરમશી કાનજી વાસાણી

વિરાણી ગઢ

 

સેંકડો દસ્તાવેજોની દરેક લાઇનને ધ્યાનથી વાંચી એનું મનન કરી તેમાંથી આધારો મેળવીને આ પુસ્તક રચવામાં આવ્યું છે. એમાંથી મહત્વના દસ્તાવેજોને પુસ્તકના Bibliography/ સંદર્ભ સૂચિ પ્રકરણમાં દર્શાવેલ છે. અને આ પુસ્તકના અન્ય પ્રકરણોમાં જ્યાં-જ્યાં સંદર્ભો લખવામાં આવ્યા છે, ત્યાં-ત્યાં એ સંદર્ભ ગ્રંથનો પ્રકાર અને શક્ય હોય ત્યાં પેજ ક્રમ પણ આપેલ છે. એ ઉપરાંત જ્યાં-જ્યાં જરૂરી હતું, ત્યાં ફૂટનોટના માધ્યમથી મુદ્દા ઉપર વધારે છણાવટ કરવામાં આવી છે. જે આપ સમજી શકો છો કે આ બધું ખૂબજ ચીવટ ભર્યું કામ છે અને મહામહેનત  માંગી લે તેવું છે.

જ્ઞાતિના ઇતિહાસમાં, આ પુસ્તકના માધ્યમથી, આ વખતે એક નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. આ પુસ્તક અને તેના દરેક પ્રકરણ (Chapter) ઉપર QR Code આપેલ છે. જેને મોબાઈલ એપથી scan કરવાથી એને online પણ વાંચી શકાસે. ઉપરાંત, એજ QR code મારફતે આ પુસ્તકને અંગ્રેજી (English) ભાષામાં પણ online વાંચી શકાશે. Google Translate જેવી સુવિધાઓથી તમે અન્ય ભાષામાં પણ વાંચી શકસો અને વાંચવામાં તકલીફ હોય તો online screen reader / narrator જેવી સુવિધાઓના માધ્યમથી automatic આ પુસ્તક તમને કોમ્પ્યુટર કે મોબાઈલ વાંચી સંભળાવી શકસે. આ બધી સુવિધાઓ internet ઉપર સામાન્ય રીતે મફત મળતી હોય છે, જેનો લાભ લેવા વિનંતી.

પ્રકાશન થયા બાદ અગર કોઈ ભૂલચૂક અમારા ધ્યાને આવશે, તો આ પુસ્તકના ONLINE આવૃત્તિ (version)માં સુધારો કરવામાં આવશે અને એ સુધારા થવાથી એને online જોઈ શકસો. જેની પણ નોંધ લેવા વિનંતી.

આ પુસ્તકના ભાગ / ખંડ 2 માં એવા લેખોનો સમાવેશ કરેલ છે.

આવડા દસ્તાવેજોનું જીણવટ ભર્યું વાંચન કરવું અને એના પરથી જે ઊંડાઈથી સંદર્ભિત કામ કરવું એ સ્વાભાવિક છે કે ખૂબ સમય માંગી લે એવું કામ છે. ભગવાને જે અમને જ્ઞાતિ સેવાની તક આપી છે એના પર આગળ વધી અમારો જીવ રેડીને અમને મળેલ ખૂબજ અલ્પ સમય ગાળામાં, મા ઉમિયા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણે જે રીતે અમને સુઝાવ્યું એ પ્રમાણે આ પુસ્તક રચવાનું કામ અમે પૂર્ણ કર્યું છે.

અમારી પૂરી કોશિષ હોવા છતાં, કદાચ એવું બન્યું હોય કે કોઈ મહત્વનું ઐતિહાસિક પાસું છૂટી ગયું હોય, તો તેના માટે અમો દિલગીર છીએ. આ પુસ્તકમાં કોઈ પણ ભૂલચૂક રહી ગઈ હોય તો એનો દોષ સમાજ કે જ્ઞાતિનો નથી, પણ એ મારો છે.

અંત પહેલાં હું અમારી ઇતિહાસવિદ્ સમિતિના દરેક સભ્યોનો, કે જેમના પર વિસ્તાર અને વિષય પ્રમાણે જવાબદારીઓ વહેંચેલી હતી એનો ખાસ આભાર વ્યક્ત કરવા માગું છું. એમના સાથ સહકારથી આ કામ દીપી ઊઠયું છે. ઇતિહાસવિદ્ સમિતિના સભ્યોની નામાવલી અલગથી આપેલ છે. એમાં વડીલ શ્રી સૂર્યકાંતભાઈ પરસોત્તમભાઈ ધનાણીનો વિશેષ આભાર માનવો રહ્યો કારણ કે તેઓએ પુસ્તકના દરેક શબ્દોને બાજ નજરથી વાંચીને એમાં શબ્દોની જોડણી અને વ્યાકરણની ભૂલો સુધારવાનું મહા મુશ્કેલ કામ સુપેરે પાર પાડ્યું. દિવસ રાત જોયા વગર, જ્યારે પણ ફોન કરું એટલે તરતજ કામ ઉપાડી ને પૂરું કરવાની એમની ધગસ આજના યુવાનોને શરમાવે એવી છે. એમણે પડદા પાછળ રહીને ખૂબ સંગીન સેવા બજાવી છે.

અંતે ગૌરવભેર એટલું કહીશ કે આ પુસ્તક એક શોષિત, વંચિત, ગરીબ, અભણ અને લાચાર જ્ઞાતિનો, 550 વર્ષથી ચાલતા સ્વબળે-ઘરવાપસીના યશસ્વી સંઘર્ષનો ઇતિહાસ છે. સંઘર્ષ થકી આજે વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના શિખરો આંબતી આ જ્ઞાતિનો ગરિમામય ઇતિહાસનું આ પુસ્તક છે. જેને ખૂબ માનભેર અને ગૌરવ સાથે તમારી સમક્ષ રજૂ કરવાનો ઇતિહાસવિદ સમિતિના સર્વે સભ્યોને ખૂબ હર્ષ અને આનંદ છે.

CA શ્રી પટેલ ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા
કન્વીનર: ઇતિહાસવિદ્ સમિતિ
પહેલું ક. ક. પા. સનાતની જ્ઞાતિ અધિવેશન – 2023 નિમિત્તે

સ્થળ: મુંબઈ
દિનાંક: રામ નવમી – 30-Mar-2023 / વિક્રમ સંવત 2079 ચૈત્ર સુદ 9 / ભારતીય રાષ્ટ્રીય દિનદર્શિકા 9 ચૈત્ર 1945

Leave a Reply

Share this:

Like this: