આપણી શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં પહેલેથી જ વડીલોને સન્માન અને નિયાણી (દીકરીઓ)ના પૂજનની પ્રથા રહેલી છે. તેથી જ આપણા માવતર પરિવાર માટે ભગવાન સમાન ભૂમિકામાં છે. આપણા પિતૃઓ કે જેઓએ આપણને સંસ્કારનો વારસો આપ્યો છે, આપણી ઉન્નતિ માટે કાળી મજૂરી કરી છે, પરિવારને એક જૂથ રાખી સૌના વિકાસમાં પરિવારના વિકાસને અગ્ર ગણ્યો છે તેવા પૂજનીય પિતૃઓ માટે આજે પણ દરેક પરિવારમાં તેમની તિથિ ભાવપૂર્વક ઉજવાઇ રહી છે. આપણા વડીલોએ બેન દીકરીઓના કે ગાયોના રખોપા કરવા માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું છે. તેઓના સ્થાનક (પાળિયા) આજે પણ ડાડા (દાદા) તરીકે પૂજાય છે. પરિવારમાં નવ આગંતુકના કેશ મુંડન વિધિ બને ત્યાં સુધી ત્યાં જ કરાવીએ છીએ કે લટ આપીએ છીએ.
આપણા બાવન ગોત્રના ઋષિઓ અને દાદાના સ્થાનક આપણી માતૃભૂમિ એવા કચ્છના વિવિધ ગામોમાં આવેલા છે. અષાઢી બીજનો પવિત્ર ઉત્સવ જ્ઞાતિના સર્વેજનોએ વડીલોને સમર્પિત કરેલ છે. તે દિવસે અચૂક વડીલોને નમન કરવા કચ્છ જઈએ છીએ કાંતો પોતાના ઘરે તેમના નામની સુખડી અને નારિયેળ વધેરવા, દીકરીને કે નિયાણીને જમાડવી અને ભેટ આપવાની અનોખી રીત ફક્ત આપણી જ્ઞાતિમાં જ જોવા મળે છે.
આમ, ઋષિઓએ આપેલ સાંસ્કૃતિક – આધ્યાત્મિક વારસાને જાળવી રાખવાનું પવિત્ર કાર્ય પણ જે તે ગોત્રના સઘળા જ્ઞાતિજનો “ગોત્રીય પરિવાર”ના નામે સંગઠિત થઈ કરી રહ્યા છે. ગામ કે સમાજની જેમ પરિવારો પણ ધીરે-ધીરે સંસ્થાકીય સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. પરિવારોના સમયાંતરે મિલનો યોજાઈ રહ્યા છે, જેમાં ઋષિઓના યોગદાનને નવીન પેઢીમાં સ્થાપિત કરી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નીયાણીઓને દાનપુણ્ય આપવાનો મહિમા અગ્રીમ સ્થાને છે. પરિવારના માધ્યમથી યુવાઓ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. જે સમાજના સંગઠન માટે સારી નિશાની છે.
અત્યાર સુધી આપણે સનાતની અને સતપંથી સાથે રહી પરિવારના કાર્યક્રમ યોજતા રહ્યા છીએ. સતપંથ સમાજ જુદા આચાર-વિચાર ધરાવતી હોવા છતાંય તેઓ પાછલા બારણે આપણા સનાતની સંગઠનમાં ઘૂસીને પોતાની મૂળ વિધર્મીની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરિવાર અને નિયાણીના બહાના હેઠળ તાકીયા શસ્ત્ર દ્વારા સૌ સનતાનીઓને છેતરી રહ્યા છે.
2010માં કેન્દ્રીય સમાજ દ્વારા શ્વેત પત્ર જાહેર કરાયા પછી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (કેન્દ્રીય સમાજ) સનાતનીઓ ની જ બનેલી છે. તેવું જાહેર થયા બાદ દરેક ગામ વિસ્તાર અને ઝોનની સમાજોએ પૂર્ણ સનાતની સ્વરૂપ ધારણ કર્યુ. ગામે-ગામ પીરાણાપંથી મિત્રોને સનાતનના મોટા પ્રવાહમાં ભળી જવા ઉમિયા માતાજી સંસ્થા, ઊંઝાના લવાદે પણ આહવાન કરતો ચુકાદો આપ્યો.
શ્રી સમાજના આ સનાતની અભિગમને અનુમોદન આપવા માટે સૌપ્રથમ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર છાભૈયા પરિવાર સનાતની જાહેર થયો. ત્યારબાદ નાકરાણી, રૂડાણી, હળપાણી, રામાણી જેવા અનેક પરિવારો સનાતની જાહેર થયા. બીજા તમામ પરિવારો પણ આ દિશામાં ગંભીરતાથી વિચારણા કરી સનાતની અભિગમને અગ્રિમતા આપવા મક્કમ થયા છે.
આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારત સહિત પુરા વિશ્વમાં સનાતન સંસ્કૃતિના જતન સાથે ઋષિઓએ આપેલ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા યુવા પેઢીને શૌર્યવાન અને તેજસ્વી બનાવવાના હેતુસર વિવિધ ઋષિના જીવન સંદેશ સાથે મંદિરોનો પુનરોદ્ધાર કરી રહ્યા છે. જેથી આજે આપણા ઋષિઓએ માનવ જીવન માટે આપેલ વિવિધ પધ્ધતિઓ, સંશોધનો, પરંપરાઓ અને જ્ઞાનને પામવા આખાય જગતની ભારત પર મીટ મંડાઈ છે.
આ ઋષિ પરંપરાને આપણા સમાજમાં પણ પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્રીય સમાજ દ્વારા આયોજિત “સનાતની શતાબ્દી મહોત્સવ” અને “પહેલા પૂર્ણ સનાતની અધિવેશન” સાથે “ઋષિ મંદિર” બનાવવાનું સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલ છે. જેમાં આપણા 52 ગોત્રીય ઋષિઓના એક જ સાથે જ્ઞાનસભર સાંસ્કૃતિક મંદિર નિર્માણ કરવામાં આવનાર છે. આ ઋષિ મંદિર દરેક પરિવારની આવનાર યુવા પેઢી માટે “જ્ઞાન પિપાસાની પરબ” સમાન સાબિત થશે.
હાલમાં જ કેન્દ્રીય સમાજે તમામ પરિવારોના મુખ્ય હોદ્દેદારોને નખત્રાણા કાર્યાલય ખાતે મીટીંગ યોજીને સૌને પરિવારમાં પણ ચોખાઈ કરી સનાતનની પરિવારનું નિર્માણ કરવા આગ્રહ ભરી વિનંતી કરતા સૌએ સમાજના સનાતની અભિગમને આવકારી સમાજનું સંગઠન મજબૂત કરવાની ખાતરી આપી છે. આશા રાખીએ કે સૌ સતપંથીઓ ઘરવાપસીના અભિયાનમાં જોડાઈને વર્ષોના સંઘર્ષને પૂર્ણ કરી નવીન સનાતની ક્રાંતિના વાહક બને. સૌ એક બને.. સૌ નેક બને..