ક. ક. પા. જ્ઞાતિમાં એક અનોખી પ્રથા ચાલે છે, જેણે “સુરધન” કહેવામાં આવે છે. આ પ્રથા અનોખી એટલા માટે છે કે આ પ્રથા કચ્છની અન્ય જ્ઞાતિઓમાં નથી, તેમજ કચ્છની બહાર વસતા મૂળ કડવા પાટીદાર જ્ઞાતિમાં પણ નથી. બીજી એક વાત જોવા મળી છે કે સુરધનોની શરૂઆત લગભગ આ સમય કાળમાં થઈ હોય એવું પહેલી નજરે દેખાય છે. આમાં હજુ સંશોધનને અવકાશ છે, પણ લગભગ સુરધન થવાનો ઈતિહાસ આ સમયકાળનો જાણવા મળે છે.
આ વિશેના ઘણા બૌદ્ધિકોનું એવું માનવું છે કે જ્યારે કણબી કચ્છમાં આવ્યા ત્યારે પોતાની સાથે હિન્દુ મંદિરો કે દેવો લાવ્યા નહોતા. એમના ધર્મનું સ્થાનક તો ખાનું હતું. જેમાં માત્ર ઈમામશાહનો એક પાટ હોય અને એના ઉપર ધર્મ ગ્રંથ મુકેલ હોય. ઈમામશાહનો પાટ કોઈ ભગવાન કે દેવ નથી, કે એની માન્યતા (માનતા) લોકો રાખે.
માણસને પોતાના ખરાબ સમયમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને માન્યતા (માનતા) રાખવાની ટેવ હોય છે, ખાસ હિન્દુ ધર્મમાં આ પ્રથા બહુજ જૂની છે. સંવત 1832ના ઠરાવ પછી હિન્દુ મંદિર કે હિન્દુ ભગવાન ઉપર બંધી મૂકી દેવામાં આવી, એટલે કોઈ વિકલ્પની જરૂર પડી હોય, એવું અનુમાન લગાડવામાં આવે છે.
પીરાણાની માનતા રાખ્યા બાદ એને ઉતારવા કચ્છથી પીરાણા જવું બહુ મુશ્કેલી વાળું હતું.. એ જમાનામાં કચ્છથી ચાલીને કે ગાડા પર બેસીને પીરાણા સુધી જવું અને એના ખર્ચાઓ ઉપાડવા, બધા માટે હર સમયે શક્ય નહોતું. એટલે કોઈક એવો ઉપાય જોઈતો હતો જે સ્થાનિક હોય અને સહેલો હોય.
વિકલ્પની શોધમાં એક એવી વ્યવસ્થાની જરૂર હતી કે લોકો હિન્દુ મંદિરોથી દૂર રહે, એમની માનતા કરી શકે અને ઈસ્લામ ધર્મ સાથે સુસંગત પણ હોય. એટલે સુરધન પ્રથા અહીં ફિટ બેસે છે. હિન્દુ દેવોની જગ્યાએ પોતાના પૂર્વજો (કે જેઓ સતપંથી હતા)ને સુરધન બતાવ્યા. એમની માનતા રાખવા લોકોને પ્રોત્સાહિત કર્યા. નવ દંપત્તિની લગ્ન પછી છેડાછેડી[B] છોડવા માટે સુરધન પાસે લોકો જવા લાગ્યા. બાળક જન્મે એટલે વાળની લટ પણ આપવાની પ્રથા શરૂ થઈ.
પણ આ બધુ કયાં કરવું? એટલે જે જગ્યાએ સુરધનનું મૃત્ય થયું હોય, એ જગ્યાને પસંદ કરવામાં આવી. કદાચ (પૂરી ખાતરીથી કહેવું મુશ્કેલ છે અને કોઈને આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા વગર) કહીએ તો ઇસ્લામમાં જે રીતે મૃતકની કબર ઉપર દરગાહ હોય અને ત્યાં પૂજાઓ થતી હોય, તેવું કદાચ સુરધન પૂજામાં સામ્યતા દેખાતી હોવાથી સતપંથના મુખી, કાકા અને સૈયદોએ પણ પ્રોત્સાહિત કર્યા હશે, એવું પહેલી નજરે ઘણા બૌદ્ધિકોને લાગી રહ્યું છે.
આ સમજણને સમાજમાં બનતી ઘટનાઓ સાથે સરખાવીને જોશું તો પણ ઘણો ખુલાસો મળશે. આપણે ઇતિહાસમાં જોતા આવ્યા છીએ કે ભગવાન લક્ષ્મીનારાયણ કે ભગવાન સ્વામિનારાયણના મંદિરો બનતા ત્યારે સતપંથીઓ એનો વિરોધ કરતા અને એને તોડી પાડવા કે કામ અટકાવવા અનેકો પ્રયાસો કરતા. પણ સુરધન વિષે આવો કોઈ વિરોધ કે પ્રયાસ થયો હોય એવું જાણવા નથી મળ્યું.
જ્ઞાતિમાં સ્વામિનારાયણ સંપ્રદાય વાળા અને આર્ય સમાજ સંપ્રદાય વાળા સુરધન પ્રથાને નથી માનતા. એ લોકો છેડાછેડી છોડાવા, તેમજ નાના બાળકના વાળની લટ સુરધન પાસે નથી ઉતારતા. આ જગ જાહેર વાત છે.
ક. ક. પા. જ્ઞાતિનું સનાતન ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવનાર પરમ પૂજ્ય ઓધવરામ મહારાજે સ્વયં લખેલ “ઈશ્વર વિહારી વિલાસ” પુસ્તકના ભાગ 2માં હિન્દુઓ માટે 16 પ્રકારના સંસ્કારની જાણકારી આપી છે. તેમ 7માં સંસ્કારમાં બાળકના ઝંડા એટલે વાળ પ્રભુ મંદિરે ઉતારવાનું કહ્યું છે. તેમજ વર-કન્યાની છેડાછેડી કુળદેવીના સ્થાનકે છોડવાનું કહ્યું છે.
બીજી બાજુ એક સારી વાત એ છે કે આ સુરધનોના સ્થાનકો મોટે ભાગે સનાતની લોકોના હાથમાં છે અને એમાં લગભગ બધીજ જગ્યાએ સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે વિધિઓ થાય છે. ઘણા સ્થાનકોમાં તો સતપંથીઓને માત્ર દર્શન કરવાની અનુમતિ છે. સંગઠનમાંથી એમને દૂર કરી દેવામાં આવ્યા છે. આનું ખરું કારણ એ છે કે જ્ઞાતિમાં આવેલ સનાતન ધર્મ બાબતે ધાર્મિક જાગૃતિ, એમા બે મત નથી.
એક વાત અત્રે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સુરધનને માનવું કે એમની પૂજા કરવી કે ન કરવી એના પર અમે કોઈ વિચાર કે ટિપ્પણી નથી કરવા માંગતા. એ દરેક વ્યક્તિની વિવેક બુદ્ધિ પર નિર્ભર છે. કોઈની લાગણી દુભાવવા કે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો કરવો નથી. જ્યારે ઇતિહાસ લખી રહ્યા છીએ, ત્યારે ઇતિહાસકાર તરીકે અમારી ફરજ છે કે જે વાતો અમારા ધ્યાને આવી હોય, એ તમારા સામે મૂકવી જોઈએ.
ઘણા સમજુ બૌદ્ધિક લોકોના પ્રશ્નોના ઉત્તર અમારી પાસે નથી, એ પણ તમારી સમક્ષ મૂક્યા. તેવી જ રીતે જ્ઞાતિનો સ્વામિનારાયણ સંપ્રદાય, આર્ય સમાજ સંપ્રદાય અને સંત ઓધવરામ મહારાજના વિચારો પણ તમારી સામે મૂક્યા. આ બાબતે અમે ઇતિહાસ જેમ છે, તેમ તમારી સમક્ષ મૂક્યો.