Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– શ્રી કાંતિભાઈ લખમશી લીંબાણી
થાણા
માનવીની વિકાસગાથા એ ઈતિહાસ છે. માણસો ભૂલો કરે છે અને માણસો જ સુધારે છે. આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ પણ એમાંની જ એક છે. આપણા વડીલો ગુજરાતમાંથી કચ્છ વાગડમાં શિકરા ગામે આવ્યા. એને આજે લગભગ 500 વર્ષ થયા. આપણા વડીલો નિરક્ષરતા નિર્ધનતા અને ગરીબાઈના લીધે પોતાના જીવનને ઉન્નત બનાવી શક્યા નહીં. કદાચ આ કારણોને લીધે બધા પોતે શુદ્ધ હિન્દુ હોવા છતાં તે વખતની વિધર્મીય ધર્માન્ધ શક્તિઓના ભોગ બન્યા હશે. પરિણામે પોતાના સાચો ધર્મ ભૂલી પીરાણા સતપંથની કપટી અને ખતરનાક ચાલનો અજાણતા શિકાર બન્યા. પણ કહેવાય છે કે અતિની ગતિ નથી હોતી. પરમ કૃપાળુ પરમાત્માએ યોગ્ય સમયે આપણને સાચા ધર્મનો રસ્તો બતાવ્યો અને આપણે આપણા મૂળધર્મમાં પાછા આવી ગયા.
આજથી લગભગ 75 થી 100 વર્ષ પહેલા આપણી સમાજમાં લગ્નના રીત રિવાજો તથા જન્માષ્ટમીના તહેવારો કેવા હતા અને આજે કેવા છે? તેના વિશે થોડી વાત કરવી છે.
12 વર્ષમાં એક જ વખત લગ્ન થતાં: જુના જમાનામાં બાળ લગ્ન થતા હતા. તેવી જ રીતે આપણી સમાજમાં પણ સામૂહિક બાળ લગ્ન થતા દર 12 વર્ષમાં એક વાર. 15 માસથી 12 વર્ષના દીકરા દીકરીને પરણાવી દેવામાં આવતા હતા. છેલ્લા 12 વર્ષીય લગ્ન સંવત 2002 ઈ.સ.1946 માં થયા હતા. ત્યારબાદ સરકારી નિયંત્રણોના કારણે દર 12 વર્ષીય સામુહિક લગ્ન બંધ થયા.
એ જમાનામાં પારણામાં ઝૂલતાં નાના બાળકોના વેવિશાળ સાથે લગ્ન કરવામાં લોકો ગૌરવ અનુભવતા. પાંચાડાના ગેઢેરાઓ લગ્નની જે તિથિ કાઢતા તે દિવસે બધા ગામોમાં લગ્ન કરવામાં આવતા. લગ્ન વિધિ ગામના મુખી દ્વારા કરવામાં આવતી. બધા લગ્ન 12 વર્ષના ગાળામાં એક જ દિવસે થતા હોવાથી નાના નાના બાળકોને (કાંખમાં) તેડીને લગ્નના ફેરા ફરાવવામાં આવતા અને ચાલતા શીખી ગયા હોય તે બાળકો પોતે લગ્નના ફેરા ફરતા .
એ પ્રથાની અનોખી સમસ્યાઓ: અમુક પરિવારો તો દીકરો છ માસનો હોય અને દીકરી ત્રણ ચાર વર્ષની ઉંમરની હોય તો પણ બન્નેના લગ્ન કરાવી નાખવામાં આવતા. પરિણામે કજોડા થવાથી ઘર સંસાર ઝેર જેવો બની જતો. એ જમાનામાં જાનમાં વધારે માણસો આવતા નહીં. કારણ કે એક ઘરમાં ત્રણ-ચાર નાના બાળકો હોય અને એ બધાને એક જ દિવસે પરણાવવાના હોવાથી બાપ દીકરાને પરણાવવા ગયા હોય અને મા દીકરીને પરણાવવા ઘરે રહી હોય. બીજા ભાઈ બહેનોને કાકા – કાકી, મામા – મામી, વગેરે પરણાવવામાં મદદ કરતા અને એને તેડીને જાન લઈ જતા. અમુક પરિવારમાં તો ચાર ચાર જાનો લઈ જવાની રહેતી અને દીકરીઓ હોય તો ચાર ચાર જાનું ઘેર આવતી. આ લગ્ન લગભગ વૈશાખ મહિનામાં જ થતા.
આણા પ્રથા: બાળવયમાં લગ્ન થયેલ હોવાથી દીકરીઓ જ્યારે લગભગ 15 વર્ષની થાય ત્યારે સાસરા પક્ષ વાળા આણું લઈને તેડવા આવતા. પ્રથમ આણાં વખતે દીકરી લગભગ 15 થી 20 દિવસ સાસરાંના ઘરે રોકાઈને જેઠ મહિનાના પ્રથમ રવિવારના દિવસે દિતવાર (રવિવાર) રમવા જતી. બીજો દિતવાર એ જેઠ મહિનાના બીજા રવિવારે થતો.
વૈશાખ માસમાં આણાંની પ્રથા હતી. જે દીકરીના માવતર પૈસાદાર હોય કે ખાધેપીધે સુખી હોય તેઓ બીજા વર્ષે બીજું આણું અને ત્રીજા વર્ષે ત્રીજું આણું પણ કરતા. જે દીકરીના માવતરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેઓ પ્રથમ આણાં વખતે જ દીકરીને મોકલાવતા અને બીજુ આણું કરતા નહીં.
બીજા આણાં બાદ દીકરીઓ વધારે દિવસ સાસરાના ઘરે રોકાતી. વૈશાખ માસમાં બીજું આણું આવે ત્યારબાદ જન્માષ્ટમી પછી તરત જ સાસરાવાળા વધુને (વહુને) તેડવા આવતા. ત્યારબાદ દીકરી સાસરાના ઘરે જ રોકાતી.
મામા-માસીને મળવા જવું: દિવાળી બાદ શિયાળામાં દીકરી મોટું પરબ કરવા માવતરના ઘરે જતી. ત્યારે સગા સંબંધીઓના ઘરે દિકરી મોટું મળણ કરવા જતી. જેમાં ફઈના ઘરે, માસીના ઘરે, મામાના ઘરે મોટું મળણ કરવા જતી. આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાં પણ આ રિવાજ હતો. ક્યાંક આજે પણ આ રિવાજ ચાલુ છે.
છૂટક લગ્ન શરૂ થયાં: સમાજમાં સામાજિક અને ધાર્મિક ક્રાંતિ થવાથી અને સરકારી નિયંત્રણો આવવાથી સંવત 2002 ઈ.સ.1946 પછી છૂટક લગ્ન થવા લાગ્યા. સરકારી નિયમ મુજબ તે વખતે લગ્ન કરતા દીકરાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને દીકરીની ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવેલ હતી. પણ અંદરખાને ચોરી છુપેથી વયમર્યાદા કરતા નાની ઉંમરે કોઈ-કોઈ લગ્નો થતા હતા. તેની સરકારી અમલદારો કે પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈ જાણ કરતું તો તે લોકો લગ્ન અટકાવવા આવતા. પણ સમજૂતી કરીને ચાલ્યા જતા.
કરૂણ પરિસ્થિતિનું નિર્માણ: લગ્ન કરવાની વય મર્યાદામાં સરકારી નિયંત્રણ આવવાથી આપણી સમાજમાં બહુ મોટી કરુણતા સર્જાણી. કારણ કે સંવત 2002 સુધી સરખી ઉંમરના દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા હતા. ત્યાર પછીના બાળકો 16 વર્ષના થાય ત્યારે લગ્ન થાય એમ હતું.
દીકરીની ઉંમર જ્યારે 16 વર્ષની થાય ત્યારે એના મા બાપ યોગ્ય છોકરો શોધીને દીકરીના લગ્ન કરે એ સ્વાભાવિક છે. પણ સામા પક્ષે દીકરાની ઉંમર પણ 16 વર્ષની જ હતી એટલે દીકરાના લગ્ન થઈ શકતા ન હતા. સાથે સાથે એ જમાનામાં દીકરાઓએ વધારે ભણવાની શરૂઆત કરી હોવાથી એમના મા-બાપ એમના લગ્ન મોડેથી કરાવવા લાગ્યા.
આ બાજુ દીકરીની ઉંમર વધતી જતી હતી તેથી તેઓના મા બાપને ચિંતા થવા લાગી. એટલે ઈ. સ. 1965 થી 1980ના સમયગાળા દરમ્યાન આપણા સમાજમાં ઘણી દીકરીઓને ના છુટકે ગુજરાતમાં પરણાવી પડી. આપણી દીકરીઓને ગુજરાતમાં પરણાવવવાનું ખરું કારણ આ છે. એ સમયે કાંઈ દીકરીઓ વધારે ન હતી પણ ઉંમરનો બે ત્રણ વર્ષનો જે તફાવત હતો તેના કારણે આપણને દુષ્પરિણામો ભોગવવા પડ્યા. આજે સરકારી નિયમ મુજબ દીકરાની ઉંમર 21 વર્ષ અને દીકરીની ઉંમર 18 વર્ષ છે.
સાતમ-આઠમ તહેવાર: આપણા વડીલો ભલે અભણ અને ભોળા હતા પણ એક વાતનું આપણે ગર્વ લઈ શકીએ છીએ કે એ લોકો પીરાણા સતપંથમાં હતા છતાં પણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાનું ચાલુ રાખ્યું હતું. એટલે કહી શકાય કે આપણે વિધર્મમાં જવાથી બચી ગયા. સતપંથ ધર્મમાં હોવા છતાં આપણા વડીલો સાતમ આઠમનો તહેવાર ધૂમધામથી ઉજવતા હતા.
કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની ક. ક. પા. જ્ઞાતિની વિશેષ રીત: કૃષ્ણ જન્માષ્ટમી સમસ્ત હિન્દુ સમાજ મનાવે છે, પણ કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ તહેવાર કઇંક અલગ જ રીતે અને અલગ જ જોમથી ઉજવાતો હોય છે. આપણી સમાજમાં છુટક લગ્નની શરૂઆત થયા બાદ લગભગ વૈશાખ માસમાં છૂટક લગ્ન થતાં. પૂરા વૈશાખ માસમાં ગામો ગામ લગ્ન થતા. એ વખતે ઈલેક્ટ્રીક લાઈટ ન હોવાથી પેટ્રોમેક્સ (ગેસ બત્તી) ના અજવાળે રાત્રે લગ્ન થતાં. જાન એક રાત અને બે દિવસ રોકાતી. બીજે દિવસે બપોર પછી જાનને વિદાય આપવામાં આવતી. લગ્નનું મેન્યુ પણ સાવ સાધારણ રહેતું. લગ્ન બાદ દીકરી પક્ષવાળા 20 થી 25 માણસો વેવાઈના ઘરે આણું લઈને દીકરીને તેડવા જતા. આણાં વખતે જમાઈને પણ સાથે લાવતા બે ચાર દિવસ રોકાઈને દીકરીને (વહુને) સાથે લઈ જતા.
ત્યાર પછી જેઠ મહિનાનો પ્રથમ રવિવાર આવે ત્યારે દીકરી માવતરના ઘરે દિતવાર (રવિવાર) રમવા જાય. દિતવારના દિવસે સવારના ભાગમાં વાડીએ રમવા જાય. જ્યાં લીમડો, પીપળો કે આમલીના ઝાડ ઉપર હિંચકો બાંધીને રમતો રમે. વાડીએ પાણીના ટાંકામાં સ્નાન કરે અને બપોર બાદ નદીની રેતીમાં રમતો રમવા જાય.
ત્યારબાદ શ્રાવણ માસના સાતમ આઠમનું પરબ આવે એટલે જન્માષ્ટમીથી એક માસ પહેલા માવતરના ઘરે પરબ રમવા જાય. જન્માષ્ટમીના સાતમ આઠમ તહેવાર આવે એના પહેલા ગામની દીકરીઓ એક માસ અગાઉથી સાતમ આઠમના ગીતો ગાય. પ્રથમ 15 દિવસ બેઠા બેઠા ગીતો ગાય અને બીજા 15 દિવસ ફરતા-ફરતા ગીતો ગાય. આ ગીતો ગાવાનો રિવાજ આજે પણ અનેક ગામમાં ચાલુ છે. આજે પણ નવીન લગ્ન થયેલ હોય એ દીકરીઓ સાતમ આઠમ રમવા માવતરના ઘરે જાય છે. કૃષ્ણ ભગવાનનું ગોકુળિયું તૈયાર કરે છે અને જન્માષ્ટમીનો તહેવાર મનાવે છે.
જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયા બાદ સાસરા પક્ષવાળા વહુને તેડવા આવે છે. ત્યારબાદ દિવાળી સુધી દીકરી સાસરે રહે છે. અને દિવાળીનો તહેવાર સાસરે ઉજવીને શિયાળાનું મોટું મળણ કરવા દીકરી માવતરના ઘરે જાય છે. આજે પણ આ રીત રિવાજો ચાલુ છે.
નોંધ: આ લેખ સંવત 2002 ની સાલમાં જેમના બાળવયમાં લગ્ન થયા હતા, એવા જીવિત (હયાત) વડીલોના મુખેથી સાંભળેલ વાતો ઉપરથી તૈયાર કરેલ છે. આમાં અલગ અલગ વિસ્તારના રીત રિવાજોમાં થોડોક ઘણો ફેરફાર હોઈ શકે છે.
આ લેખ માધ્યમથી, સમયાંતરે, તહેવાર ઉજવવાની (મનાવવાની) પદ્ધતિમાં થતા ફેરફારોની નોંધ લેવાની નાનકડી કોશિશ છે.