Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– શ્રી કેશવલાલ દામજી લીંબાણી
મુલુંડ
સુષુપ્ત બની ગયેલ સનાતની ચળવળને જોમવંતી બનાવનાર પરિવર્તનનું મુખ્ય બિંદુ જો કોઈ હોય તો તે શ્રી રમેશભાઈ વાઘડીયાની નખત્રાણા ખાતે ફેબ્રુઆરી ૨૦૦૯ માં થયેલ ધરપકડ હતી. આજ કારણે મુંબઈ ઝોનની ઘાટકોપર પાટીદાર વાડી ખાતે મળેલ જંગી સભામાં સનાતની જ્ઞાતીજનોએ માર્ચ ૨૦૦૯ માં “શ્વેતપત્ર” બહાર પાડવા શ્રી સમાજને જાગૃત કરેલ અને શ્રી સમાજે “શ્વેતપત્ર“ બહાર પાડેલ. વર્ષ ૨૦૧૦ માં ઉજવાયેલ શ્રી સમાજનો સુવર્ણ જયંતી કાર્યક્રમ આ કારણે જ ચેતનવંતો બની ગયેલ.
ઓગસ્ટ ૨૦૧૧માં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના પ્રમુખ પદે વડીલ શ્રી ગંગારામ ભાઈ સાંખલાની વરણી થયા બાદ હોદ્દાની રુએ તેઓશ્રી માંડવી હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ. ત્યારે માંડવી વિસ્તારના સનાતની જવાબદાર ભાઈઓની હાજરીમાં ઉપસ્થિત સતપંથી ભાઈઓ દ્વારા અપમાનજનક ટીપ્પણીઓ કરવામાં આવેલ. જેને કારણે કંઠી વિભાગના અમુક આગેવાન સનાતની ભાઈઓના દિલને ઠેશ પહોંચી. જે માંડવી તાલુકાના કંઠી વિભાગમા સનાતની ચળવળની જાગૃતિનું પરિવર્તન બિંદુ બનેલ. આજ કારણથી “શ્રી કંઠી વિભાગ ક. ક. પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ” અસ્તિત્વમાં આવેલ. કંઠી વિભાગે સનાતની ચળવળમાં એવું જોમ ભરી દીધું કે તેનો ડંકો અખિલ ભારતીય લેવલે વાગ્યો. કંઠી વિભાગ સમુહલગ્ન સમિતિની પ્રથમ બેઠક તારીખ ૦૯‑૧૧‑૨૦૧૧ ના માંડવી હોસ્ટેલ ખાતે સમિતિના પ્રમુખ શ્રી કેશવલાલ દામજી લીંબાણીના અધ્યક્ષ સ્થાને મળેલ. તેમાં કંઠી વિભાગના આગેવાન વડીલો ઉપસ્થિત રહેલ અને સનાતની માર્ગદર્શન આપેલ.
કંઠી વિભાગમાં અગાઉ પણ સમૂહલગ્ન સમિતિ હતી. જેમાં સતપંથના ભાઈઓ સાથે મળી કાર્ય કરતા હતા. એપ્રિલ ૨૦૧૨ના અખાત્રીજના લગ્નકાર્ય માટે બંને સમિતિ કાર્યરત થયેલ. લક્ષ્મીનારાયણ સમિતિના સમૂહલગ્નમાં ૭૫ જોડી અને જૂની સમિતિમાં ૫ જોડીના લગ્ન નોંધાયેલ. માંડવી હોસ્ટેલ કઈ સમિતિને ફાળવવી આ બાબતમાં હોસ્ટેલ નિર્માણ સમિતિને પ્રશ્ન ઉભો થયેલ. લક્ષ્મીનારાયણ સમૂહલગ્ન સમિતિએ પ્રશ્નનો ઉકેલ આપતા જણાવેલ કે આપણી પાસે બે હોસ્ટેલ છે, કુમાર હોસ્ટેલ ૭૫ જોડી વાળાઓને આપો અને કન્યા હોસ્ટેલ ૫ જોડી વાળાઓને આપો. પરંતુ હોસ્ટેલ નિર્માણ સમિતિના આગેવાનો સતપંથી ભાઈઓના દબાણ હેઠળ આવી જતા હોસ્ટેલો કોઈને પણ ફાળવી નહિ. લક્ષ્મીનારાયણ સમિતિના આગેવાનો અને યુવાનો મક્કમ હોવાથી તા. ૨૫‑૦૩‑૨૦૧૨ ના બિદડા સમાજવાડી ખાતે આયોજિત સામાજિક સભામાં અંદાજે ૪૫૦૦ થી ૫૦૦૦ ની સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિગંગાની હાજરીમાં શ્રી સમાજના પ્રમુખ શ્રી ગંગારામ સાંખલાની હાજરીમાં આગેવાનો દ્વારા સતપંથ અને સનાતન અંગેનો સચોટ ઈતિહાસ રજુ કરવામાં આવેલ. જેને જ્ઞાતિગંગાએ ઉમળકાભેર વધાવી લીધેલ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તેમજ કુળદેવી મા ઉમીયાના આશીર્વાદથી સમૂહલગ્ન કોડાયપુલ સ્વામીનારાયણ ગુરુકુળમાં આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી.
કંઠીવિભાગના જ્ઞાતિજનોમાં આવેલ ધાર્મિક જાગૃતિ તેમજ સનાતની ચળવળને કારણે માંડવી તાલુકાના અમુક નબળી માનસિકતા વાળા સનાતની અને સતપંથી ભાઈઓ ભેગા થઈ માંડવી હોસ્ટેલ નિર્માણ સમિતિ દ્વારા ઠરાવ કરી હોસ્ટેલની મિલકત બારોબર (સમાજને અંધારામાં રાખી) પાટીદાર સર્વોદય ટ્રસ્ટના નામે તબદીલ કરવાની પ્રક્રિયા કરેલ. જેની જાણ શ્રી સમાજને જુલાઈ/ઓગસ્ટ ૨૦૧૨ માં થયેલ.
પાટીદાર સર્વોદય ટ્રસ્ટના મોટાભાગના આગેવાન જવાબદાર ભાઈઓ મુંબઈના હતા. એટલે મુંબઈ ઝોને આ બાબત દખલ દેતા તા. ૦૧‑૧૨‑૨૦૧૨ (01-Dec-2012) ના ઘાટકોપર વાડી મધ્યે સભા બોલાવેલ. જેમાં કેન્દ્રીય સમાજના હોદ્દેદારશ્રીઓ તેમજ અન્ય આગેવાનોને આમંત્રિત કરેલ. શ્રી સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલાને સ્થાનિક સર્વોદય સમર્થક સનાતની ભાઈઓ તેમજ સતપંથી ભાઈઓએ વિરોધ કરી સભામાં બોલવા ન દીધા. લધાભાઈ વિશ્રામ પોકાર (LV)ના શ્રી સમાજના ટ્રસ્ટી પદને લઈ ખોટી દલીલો કરેલ. જેને કારણે ઉપસ્થિત આમ જનતા સામસામે આવી ગયેલ. સતપંથ તરફી ભાઈઓ મારહાણ પર ઉતરી આવેલ, જેના કારણે આ સભા કલંકિત થયેલ. છેલ્લે પ્રમુખશ્રી ગંગારામ ભાઈએ ટૂંકમાં બોલતા જણાવેલ કે અત્યારે તમો મારી વાત સાંભળવાની સ્થિતિમાં નથી એટલે મારે જે સંદેશ આપવો છે તે તમોને પત્ર દ્વારા લખી મોકલાવીશ. આ સંદર્ભે પ્રમુખશ્રી ગંગારામભાઈએ તા. ૨૫‑૧૨‑૨૦૧૨ના લખેલ પત્ર મુંબઈમાં વસતા દરેક પાટીદાર ભાઈઓના ઘરે મોકલવામાં આવેલ. આ પત્ર મળતાંજ જાગૃત જ્ઞાતિજનો માંડવી હોસ્ટેલ પ્રકરણમાં સામેલ મુંબઈના આગેવાનોના કરતુતથી વાકેફ થયા.
આ પ્રસંગ મુંબઈ ખાતે સનાતની ચળવળ માટે પરિવર્તનનું કેન્દ્ર બનેલ. આ સભા નજરોનજર જોનાર આગેવાન અરુણભાઈ નાકરાણી તેમજ કેશવલાલ લીંબાણી અને યુવાનો પ્રકાશ માવાણી, કીર્તિ દીવાણી, ગૌતમ કેશરાણી અને મહેન્દ્ર સેંઘાણી તા. ૦૬.૧૨.૨૦૧૨ના અરુણભાઈની ઘાટકોપર ઓફિસે મળ્યા અને મનોમંથનના ફળ સ્વરૂપે મુંબઈ ખાતે લક્ષ્મીનારાયણ સમાજ બનાવવાના બીજારોપણ થયેલ.
આજ સંદર્ભે તા. ૦૮‑૧૨‑૨૦૧૨ના શ્રી હિંમત ભાઈ ખેતાણીના નિવાસ સ્થાને એક બેઠક યોજાઈ. જેમાં ઉપરોક્ત ૬ ભાઈઓ સહીત ૨૪ આગેવાનો હાજર રહેલ અને ચર્ચા વિચારણાના અંતે મુંબઈ ખાતે “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, મુંબઈ”ની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો. ઉપસ્થિત સભ્યોની એડ હોક સમિતિની રચના કરવામાં આવેલ અને અન્ય ૨૦ નામો ફોન દ્વારા સહમતી મેળવી જોડવામાં આવેલ. ઉપરાંત બંધારણ સમિતિની નીચે મુજબ સર્વાનુમતે નિમણુક કરવામાં આવી. ૧) રતિભાઈ મણીલાલ રામાણી (ઘાટકોપર), ૨) ચંદુલાલ ભવાનજી નાકરાણી (થાણા), ૩) હિંમતભાઈ રતનશી ખેતાણી (ઘાટકોપર), ૪) અરુણભાઈ હંસરાજ નાકરાણી (ઘાટકોપર), ૫) ભવાનભાઈ હરિભાઈ લીંબાણી (અંધેરી), ૬) કેશવલાલ દામજી લીંબાણી (મુલુંડ) અને ૭) ગૌતમ મણીલાલ કેશરાણી (મુલુંડ).
ત્યારબાદ વિસ્તારિત એડ હોક સમિતિની સભા તા. ૨૩.૦૧.૨૦૧૩ ના મળેલ જેમાં સંયોજક તરીકે વડીલશ્રી ધનજીભાઈ શિવગણ રૂડાણી (મુલુંડ/જીયાપર)ની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવેલ અને સહસંયોજકની જવાબદારી શ્રી અરુણભાઈ નાકરાણી તેમજ કેશવલાલ લીંબાણીને સોપવામાં આવેલ. ત્યારબાદ બંધારણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણને આજની સભામાં શ્રી ભવાનભાઈ લીંબાણી દ્વારા વાંચન કરી રજુ કરવામાં આવેલ. મુળ બંધારણ અંગ્રેજીમાં તૈયાર કરેલ હોવાથી ગુજરાતીમાં અનુવાદ કરી રજુ કરેલ. ઉપસ્થિત સભ્યોના આવેલ સુચનોની નોંધ લેવામાં આવેલ. આવેલ સૂચનોને ધ્યાનમાં લઈ જરૂરી અને આવશ્યક ફેરફાર કરવાની સત્તા બંધારણ સમિતિ અને સંયોજકશ્રીઓને આપવામાં આવેલ. ત્યારબાદ બંધારણને હાજર સર્વે સભ્યોએ સર્વાનુમતે બહાલી આપેલ. આપણી જ્ઞાતિને ધાર્મિક અંધકારમાંથી બહાર લાવનાર પૂજ્ય સંતશ્રી ઓધવરામજી મહારાજની નિર્વાણ તિથીના દિને તેમની પ્રેરણા અને કૃપાથી તેમના બતાવેલ માર્ગ પર ચાલીને લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સ્થાપનાને મૂર્ત સ્વરૂપ આપવામાં આવેલ.
મુંબઈમાં સનાતનનો વાયરો એવો ફુંકાયો કે સર્વે અબાલ વૃદ્ધ સમાજની રચનામાં જોડાઈ ગયા. સંસ્કારધામ દેસલપરથી નીકળેલ ભગવાન લક્ષ્મીનારાયણનો રથ દક્ષિણ મહારાષ્ટ્રનો પ્રવાસ કરી પાછા ફરતા જાણે કે સાક્ષાત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી મા ઉમિયા આશીર્વાદ આપવા આવ્યા હોય તેમ પનવેલ/ખારઘર/કામોઠા ખાતે રોકાણ કર્યું અને સંતો પૂનમ ભરવા કચ્છમાં ગયા. આ સમયગાળા દરમ્યાન નવી મુંબઈ વાસીઓને ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ અને મા ઉમીયાની સેવા આરતી કરવાનો લાભ મળ્યો.
મુંબઈ સમાજ રચનાના કાર્યને અંતિમ સ્વરૂપ આપવા તા. ૩૦/૩૧ માર્ચ-૨૦૧૩ નિર્ધારિત કરેલ. ડોમ્બિવલી પાટીદાર વાડી ખાતે તા. ૩૧.૦૩.૨૦૧૩ ના સમાજ રચના અંગેની સામાજિક સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સંસ્કારધામથી પધારેલ સંતો તેમજ પ્રમુખશ્રી જેઠાબાપા હાજર રહેલ. આ સભામાં શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, મુંબઈના પ્રથમ પ્રમુખ તરીકે વડીલ શ્રી ધનજીભાઈ શિવગણ રૂડાણીની સર્વાનુમતે નિમણુંક થયેલ અને એડહોક સમિતિ દ્વારા પ્રથમ કારોબારી સમિતિ જાહેર કરવામાં આવેલ. સમાજ રચના થયાના ટૂંક સમયમાં જ 10,000 થી વધુ આજીવન સભ્યો બની ગયેલ. અત્યાર સુધીમાં લગભગ 2600 પરીવાર એટલે 13,000થી વધુ લોકો સમાજ સાથે જોડાઈ ગયા છે. સમાજના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન ૨૦૧૪ માં થએલ. ત્યારબાદ, લોક માંગણીને ધ્યાનમાં લઈ મુંબઈ ખાતે મીની સંસ્કારધામ ઉભું કરવાના ભાવથી જમીન સંપાદનનું કાર્ય ઓગસ્ટ ૨૦૧૫ના હાથ ધરવામાં આવેલ. થાણા ઘોડબંદર રોડ પર કાસાર વડવલી ગામ ખાતે અંદાજે ૬૮૦૦ ચો.મી. જમીન પર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તેમજ કુળદેવી મા ઉમીયાના ભાવ મંદિરની સ્થાપના ૧૯‑૦૨‑૨૦૧૭ના રોજ કરવામાં આવેલ. જેનું નામકરણ “શ્રી લક્ષ્મીનારાયણ – ઉમાધામ“ કરવામાં આવેલ.
કચ્છના આપણા દરેક ગામેગામ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો છે. છતાંપણ મુંબઈમાં લક્ષ્મીનારાયણ સમાજનો, પાટીદાર સર્વોદય ટ્રસ્ટના આગેવાનો અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવેલ. આ વિરોધની અસર મુંબઈ જ્ઞાતી ટ્રસ્ટ ફંડની ૨૦૧૪ની ચૂટણીમાં દેખાઈ આવેલ. લક્ષ્મીનારાયણ પેનલે ટ્રસ્ટ ફંડમાં પોતાનું માનભેર સ્થાન મેળવેલ. ત્યારબાદ ૨૦૧૭ની ચૂટણીમાં સતપંથી સમર્થક પેનલને હરાવી સંપૂર્ણ લક્ષ્મીનારાયણ પેનલ ચૂંટાઈ આવેલ.
આવી રીતે મુંબઈના સનાતની ચળવળનું કેન્દ્ર બિંદુ હાલ લક્ષ્મીનારાયણ સમાજ બનેલ છે. એમના પગલે આગળ ચાલતા, બંધારણમાં સુધારા કરીને મુંબઈ યુવક મંડળ સંપૂર્ણ સનાતની બની ગયું છે. મુંબઈ મહિલા મંડળ પણ સંપૂર્ણ સનાતની બની ગયું છે અને બંધારણ સુધારાનું કામ ચાલી રહ્યું છે.