થરાવડા ગામ નખત્રાણાથી ૨૦ કિ.મી. પૂર્વમાં આવેલું છે. જ્યાં પાટીદારો અને આહિરની મુખ્ય વસ્તી છે. આહિર જ્ઞાતિ પહેલાંથી જ કૃષ્ણ ભક્તિમાં માને છે. પરંતુ પાટીદારોનો સમુહ જ્યોતિધામને માનતો હતો. ૧૯૬૫માં સનાતની જુવાળ થરાવડા ગામને સ્પર્શી ગઈ. એકાએક પાટીદારો જાગૃત બન્યા અને સનાતન ધર્મ તરફ વળ્યા.
થરાવડાના સ્વ.વસ્તાભાઈ નાગજી ભાવાણીએ ધર્મ પરિવર્તનનું બીડું ઝડપ્યું અને સતપંથ છોડીને લક્ષ્મીનારાયણ (સનાતન) ધર્મનો ખેસ ધારણ કર્યો. ઈમામશાનો પાટ ઉઠાવ્યો, ધજા ઉતારી અને લક્ષ્મીનારાયણની ધજા ફરકાવીને વસ્તાબાપાએ ધર્મ જાગૃતિનું રણશીગું ફુંક્યું હતું. યોગાનુયોગ વસ્તાભાઈ નાનજી ભાવાણીને પક્ષપાત (લકવા)ની અસર થઈ હતી. ત્યારે ખાનાપંથીઓએ અફવા ફેલાવી કે જુવો પરિણામ ભોગવવા પડે છે. તેવો બેહુદો પ્રચાર પણ કર્યો હતો.
માંડવી તાલુકાના લાયજા ગામના રહેવાસી મુળ શંકરભાઈ સેવાનો ભેખ લઈને સનાતની ચળવળના સાધુ બન્યા. તાલુકાના અનેક ગામોમાં જેમણે ભાગવત કથાના માધ્યમથી સતપંથમાં માનતી પાટીદાર જ્ઞાતિને ૫૦ વર્ષ પહેલાં જાગૃત કરવાનું બીડું ઝડપ્યું હતું. ગામેગામ સતપંથના પાટોને ઉપાડીને ત્યાં ભગવાન લક્ષ્મીનારાયણની પતાકા લહેરાવી હતી.
આ સનાતની જુવાળથી અનેક ગામોમાં જાગૃતતા આવી અને જ્ઞાતિનો મોટો વર્ગ સનાતનમાં જોડાઈ ગયો. જેમાં તાલુકાના વિથોણ, આણંદસર, દેવપર, ધાવડા, થરાવડા, ભડલી, લક્ષ્મીપર, આણંદપર, પલીવાડ અને મંજલ (નવી) જેવા ગામોનો સમાવેશ થાય છે. ત્યારથી લોકો મુળશંકર સાધુને ભગવાનનંદ (સ્વામીજી) તરીકે ઓળખવા લાગ્યા હતા. તેમણે કથાઓ યોજી જાગૃતિ લાવી હતી. આ દિવ્ય આત્માની સમાધિ થરાવડાની ભાગોળે આવેલી છે.
આપણી જ્ઞાતિના ધર્મધુરંધરોનું અધુરું કામ કરવા અનેક સનાતન વીરપુરુષો આગળ આવ્યા અને સમાજને સાચી દિશા પ્રદાન કરી હતી. તેમ છતાં ભડલી ગામે સંપ્રદાયના નામે લાંબો વિવાદ ચાલ્યો હતો. અમુક જડ વિચારધારાવાળાં પરિવારો ઈમામશાહ પંથને છોડવા તૈયાર ન હતા. ત્યારે સમાજજનો દ્વારા તેમના બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમણે સમાજમાં આવવાનું ઓછું કર્યું પણ ઈમામશાને વળગી રહ્યા. પરંતુ પાટીદારના વિરોધથી જ્યોતિધામમાં પુંજા પાઠ બંધ થયા અને અંતે તાળા લાગી ગયા. પણ જગ્યા છોડવા હજુ પણ તૈયાર નથી.
ભડલી ઉપરાંત કલ્યાણપર, માધાપર, જીયાપર, મોમાયમોરા, દેવપર, કાદિયા, નાના અંગીયા જેવા કેટલાક ગામોમાં સતપંથની જગ્યાઓ કાર્યરત છે. તો કેટલાક ગામોમાં પુજાહિન ખંડર પડ્યા છે અને મોટી સંખ્યામાં તાલુકાના ગામો સંપૂર્ણ સનાતની છે. જેમાં થરાવડા, વેસલપર, ખીરસરા, સાંગનારા, નાગલપર, આણંદસર (વિ.) જેવા અનેક ગામોમાં ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર સિવાય કોઈ અન્ય ધાર્મિક સ્થાનો નથી રહ્યા.
વર્ષ ૧૯૬૦ પછી ધર્મ બાબતે પાટીદાર જ્ઞાતિમાં સનાતની ક્રાંતિનો સૂર્ય ઉદય થયો છે. આપણા ક્રાંતિવીરોને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. આપણા વડીલો રતનશીબાપા, નારણજીબાપા, કેશરાબાપા, ઓધવરામજી બાપા જેવા નરબંકાને સત્ સત્ વંદન છે. આવી દિવંગત આત્માઓ પાટીદાર સનાતની રંગમંચના પ્રેરણા શ્રોત છે. જેમના બલિદાનને જો ભૂલી જઈએ તો આપણે નગુણા કહેવાઈએ.
હિન્દુ સનાતન વિરુદ્ધના આચરણ કે આડંબર કરનાર વ્યક્તિ હિન્દુઓ માટે નિશાચર કહેવાય. સનાતન ધર્મનો મુખોટો પહેરવાથી સનાતની બની શકાય નહિ. માટે આચરણો પણ સુધારવા જરૂરી છે. આખા ભારતમાં સમાજ અને યુવાસંઘે સનાતનનું રણશિંગું ફુંક્યું છે. જેને ચારે તરફથી જબ્બર પ્રતિસાદ સાંપડ્યો. ત્યારે આપણા બનવાનો ઢોંગ કરતા આપણા કહેવાતા લોકો આપણા ઉપર કાયદાનું શસ્ત્ર ઉપાડીને આપણને હેરાન કરનાર લોકો ક્યારેય આપણા બની શકે નહિ.
એક વાત દરેક સમાજજનોને સ્વીકારવી પડશે કે આપણા સુરધનોમાં મોટે ભાગે ભેળસેળ ચાલે છે. લગભગ દરેક જગ્યાએ સુરધનોના કાર્યક્રમોમાં સનાતન અને સતપંથનું એકીકરણ જોવા મળે છે. આપણી સંસ્થાઓ અને સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળે છે. પરંતુ અગમ્ય કારણોસર બધા જ લોકો ખામોશ રહે છે. આ એક ચિંતાનો વિષય તો છે જ. પરંતુ ચિંતન કરવાનો પણ વિષય છે. જો શક્ય હોય તો આ વિષય ઉપર આપણા સમાજના તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવે, એવું મારું માનવું છે. ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાય અને વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાનું ધ્યાન રાખવામાં આવે તેવી અભ્યર્થના.