ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં નખત્રાણા થી ભુજ જતા ધોરીમાર્ગથી 4 કિલોમીટર ઉગમણી બાજુ પરમ પૂજ્ય સંત શિરોમણી ખેતાબાપાનું સ્થાનક વિથોણ ગામ આવેલું છે.મનકુવાથી સંત શ્રી ગોપાલ બાપાના સુપુત્ર શિવજી બાપા અને પૌત્ર સંત શ્રી ખેતાબાપા સાથે ભડલી અને થરાવડા થઈને સવંત 1666ની (ઈ. સ. 1609-10) સાલમાં ગામનું તોરણ બાંધ્યું, જ્યાં આજુબાજુના ગામોના વથાણ હોવાથી વિથોણ એવું ગામનું નામ પડ્યું, સંત અને સુરાનું આ ગામ શૂરવીરતા અને ભક્તિભાવથી છલોછલ હતું, એવું કહેવાય છે કે અગાઉના સમયમાં પારિવારિક કે સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે સૌપ્રથમ સમસ્યાથી પીડિત બે ગામો ભેગા મળતા અને એમાં નિરાકરણ ના મળતા ત્યારબાદ 11 ગામ ભેગા મળતા અને તેમાંથી પણ સમસ્યાનો ઉકેલ ન મળે તો ત્રણ પાંચાડાના ગામો ભેગા મળી અને વિથોણ મધ્યે નિર્ણય લેતા. આવી રીતે એ લેવાયેલ નિર્ણયોમાં કોઈપણ મીન અને મેખ ના થાય એવી આ ગામની તાસીર અને આજુબાજુના વડીલોની શાખ હતી.
હાલ જ્યાં બેંક છે તે મકાન ઉપર પહેલાં નળિયા વાળો મેડો હતો જ્યાં તમામ ગામોની સમસ્યાના નિવારણ થતાં. તે વખતે સમાજ વાડીની મોટી જગ્યા અને મેડા વાળું ડબલ માળનું મકાન હતું. ખૂબ સારી વ્યવસ્થાના કારણે પીરાણાથી કાકાઓ કચ્છની મુલાકાતે આવતા તો પ્રથમ ઉતારો વિથોણ મધ્યે જ કરતા. ત્યારબાદ, કચ્છના બીજા ગામોની મુલાકાત લેતા. મોટા વડીલો સાથે ચર્ચા કરતા એવું જાણવા મળ્યું કે આપણા કણબી ભાઈઓના દસોંદ અને વિશોંદથી અમદાવાદમાં એક ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. જેને કાકાના ડેલા તરીકે ઓળખ આપવામાં આવી.જ્યારે આપણા ભાઈઓ બહેનો પીરાણે જતા ત્યારે ત્યાં ઉતરતા અને રાતવાસો કરતા. સમયાંતરે એ જગ્યા માટે સૈયદોએ કેસ કર્યો જે કેસ આપણા ભાઈઓ હારી ગયા અને આપણા ભાઈઓ દ્વારા બનાવેલ કાકાનો ડેલો સૈયદોના હાથમાં ચાલ્યો ગયો.
ગેઢેરાઓની બીકથી અને નાત બહાર થઈ જવાના ભયથી લોકો બધું સહન કરી લેતા, કંઈ પણ બોલતા નહીં. પરંતુ ધીરે ધીરે અમુક જાગૃત વડીલોના મનમાં સુધારાનો વાયરો ફૂંકાયો. જેથી જેને પ્રથમ ખાનું અને ત્યાર પછી જગ્યા અને ત્યારબાદ જ્યોતિષ ધામ કહેવામાં આવ્યું અને ત્યારબાદ નિષ્કલંકી નારાયણ મંદિર એવી રીતે સમયાંતરે બાહ્ય રીતે બદલાવ થતો આવ્યો.
ગામના વડીલ શ્રી શાંતિલાલ વાલજી પોકારે મુંબઈ મધ્યે પૂજ્ય નારાયણજી બાપા લીંબાણી સાથે જનોઈ ધારણ કરી અને ગામમાં સનાતનની ચળવળની શરૂઆત કરી. વિથોણ મધ્યે અમુક પરિવારો દ્વારા ઈ. સ. 1946 માં લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના કરાઈ. જેમાં ભગવાન લક્ષ્મીનારાયણ નારાયણની પાનમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ પાનમૂર્તિ વડીલ શ્રી શિવદાસભાઈ કરમશીભાઈ નાયાણીના ઘરેથી મળી. જેનું મંદિરમાં સ્થાપન આપવામાં આવ્યું. જે હાલ પણ લક્ષ્મીનારાયણ મંદિરમાં ઉપલબ્ધ છે. કંઈક નવસર્જન થાય તો વિરોધ થાય જ. પરંતુ સંતોના ગુણોવાળા આ ગામમાં સામાન્ય વિરોધ બાદ ઈ. સ. 1956માં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેમાં સમગ્ર પાટીદાર સમાજે સાથે મળીને ત્રણ દિવસનું ભોજન પણ લીધેલ અને લક્ષ્મીનારાયણ ધર્મ સિવાયના ભાઈઓ દ્વારા રૂપિયા 501/-ની ભેટ પણ આપવામાં આવેલ.
સમજદાર વડીલોની હાજરીના કારણે આ ગામ હંમેશા વિવાદોથી દૂર જ રહેલ. કેન્દ્રીય સમાજના પ્રમુખ અને ગામના વડીલ શ્રી પ્રેમજી પુંજા વાસાણી બાકી રહેલ પરિવારોને કેવી રીતે સનાતની વિચારધારામાં જોડવા તેના માટે કાયમ ચિંતિત રહેતા. તેમની પાસે અમુક વડીલો સૂચન કરતાં ત્યારે પ્રેમજી બાપા કહેતા ભલે થોડું મોડું થાય પણ હવે આમૂલ પરિવર્તન કરવું છે. વર્ષ 1963ની નાગપાંચમની મિટિંગમાં વડીલ શ્રી રૈયાભાઇ શામજીભાઈ નરસિંગાણીએ રજૂઆત કરી કે હવે અમારો પરિવાર લક્ષ્મીનારાયણમાં જશે. જેને વાલજી બાપા નાકરાણીએ પણ ટેકો આપ્યો. ત્યારે પણ પ્રેમજી બાપાએ જણાવ્યું કે આપણે સંપૂર્ણ પરિવર્તન ઈચ્છીએ છીએ. થોડાક પરિવારો રહી જશે તેના કરતાં થોડોક સમય રાહ જોઈ સંપૂર્ણ પરિવર્તનના પ્રયત્નો કરીએ. આમ, પ્રેમજીબાપની સમજદારી અને દૂરદર્શીતાના કારણે વિથોણમાં બાકી રહેલ પરિવારોએ વર્ષ 1965માં સંપૂર્ણ સનાતની વિચારધારામાં જોડાવાનું નક્કી કર્યું. પણ જગ્યા ઉપર રહેલ ધજાને ઉતારવાની કોઈપણ હિંમત કરતું ન હતું. પરંતુ, વડીલ શ્રી કરમશી પ્રેમજી પદમાણી દ્વારા આ જ્યોતિષધામ (જગયાં/ખાના) ની ધજાને ઉતારવામાં આવી અને ત્યારબાદ નળિયાવાળા મકાનમાં ભગવાન શ્રી સત્યનારાયણની પાનમૂર્તિની સ્થાપના કરી અને સમગ્ર ગામ સનાતનની માળામાં પરોવાઈ ગયું.
વર્ષ 1973માં આ નળિયાવાળા મકાનને જમીન દોસ્ત કરી સમસ્ત ગ્રામજનો દ્વારા જાત મહેનત કરી બે માળના શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી સત્યનારાયણ મંદિર સમાજના પ્રથમ પ્રમુખ એવા વડીલ શ્રી પ્રેમજી પુંજા વાસાણી રહેલ અને તેઓ લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિના સ્થાપક પ્રમુખ પણ રહેલ. ગામો ગામ જઈને લક્ષ્મીનારાયણ ધર્મની આલેખ જગાવી. લોકોના મનમાં રહેલ સતપંથની વિચારધારાને ધીરે ધીરે સમજાવીને જડમૂળથી કાઢી નાંખી. હાલમાં વિથોણમાં બે સમાજો હોવા છતાં પણ ગામનો યુવક મંડળ અને મહિલા મંડળ સંયુક્ત રીતે એક જ છે. ગામના દરેક ઉત્સવો સાથે મળીને ઉજવાય છે. જે આ વિથોણ ગામની પ્રગતિ માટેખૂબજપ્રેરકછે.