બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૬૬. કચ્છ યુવાસંઘ - સનાતની હુંકાર

– પ્રવીણ ધોળુ
નાગલપર

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું પાટનગર નખત્રાણા કચ્છ ખાતે આવેલ હો, કોઈપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં, સ્થાનિક વિસ્તારના યુવાનોની ભૂમિકા ખૂબજ અગત્યની હોય છે. સતપંથ-સનાતન મુદ્દે વર્ષોની લડાઈ પછી પીરાણાપંથીઓએ ખોટા કેસ કરેલ અને રમેશભાઈ વાગડિયાની ધરપકડ કરવા માટે પોલીસ નખત્રાણા બોર્ડિંગમાં આવી ત્યારે, આ કચ્છના યુવા મિત્રોને ખબર પડતા માત્ર એક જ કલાકમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોનો કાફલો ભેગો કરી દીધો. રમેશભાઈને અમદાવાદને બદલે દેવાશિષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે, હોળીનો તહેવાર હતો છતાં પણ કચ્છ યુવાસંઘના મિત્રો તે રાત્રે હોસ્પિટલ ઉપર જ હતા. રમેશભાઈએ અમોને નિર્દેશ કર્યો કે હોસુર ખાતે યોજાઈ રહેલ કેન્દ્રીય યુવાસંઘની મિટિંગમાં અચૂક જાઓ અને અહીં ઘટીલ ઘટનાનો અહેવાલ રજૂ કરીને હવે સતપંથને સમાજમાંથી કાયમ માટે કાઢવાનું કાર્ય હાથમાં લેવડાવો.

તે વખતે મારે અને બીજા હોદ્દેદારોએ વડીલ વિમાન યાત્રામાં હરિદ્વાર ખાતે જવાનું હોવા છતાં, એ કામ  છોડીને તે વખતના કચ્છ યુવસંઘ પ્રમુખ દામજી વાસાણી સાથે અમો સીધા હોસુર પહોંચ્યા. તે મિટિંગમાં નખત્રાણા ખાતે રમેશભાઈ વાગડિયાની ધરપકડના બનેલ બનાવની સંપૂર્ણ માહિતી આપી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં સતપંથી યુવાનો હાજર હતા. તેઓ આ રિજીયનના મુખ્ય હોદ્દેદાર પણ હતા અને આ મિટિંગના દાતા પણ સતપંથી હતા. છતાંય, કોઈની સેહ શરમ રાખ્યા વગર આ બાબતો પર ખૂબ ચર્ચા કરવામાં આવી. ઉગ્ર વાતાવરણ વચ્ચે તે વખતના કેન્દ્રીય યુવાસંઘના પ્રમુખ જયંતીભાઈ લાકડાવાળા અને મંત્રી ગૌરાંગભાઈ ધનાણી અને ટીમે નક્કી કર્યુ કે યુવાસંઘ સમાજના આ ધાર્મિક પ્રશ્નમાં જંપલાવશે. આ મીટીંગ પહેલા યુવાસંઘ ક્યારેય સતપંથનો “સ” પણ બોલી શકાતો ન હતો. અમારી રજૂઆતોને ભરતભરના યુવાઓએ સમર્થન આપ્યું અને ચર્ચાને અંતે કેન્દ્રીય યુવાસંઘે સતપંથી યુવાઓને કારોબારીમાંથી દૂર કરવા માટે અને સમાજને અડીખમ ટેકો આપવા માટે “કેસરિયો પત્ર” બહાર પાડ્યો. (સતપંથ છોડો પુસ્તકના પેજ 74માં આ કેશરી પત્ર પ્રકાશિત કરેલ છે.

સમગ્ર કચ્છના યુવાનો નખત્રાણા બોર્ડિંગમાં અમારી રાહ જોઈને બેઠા હતા. તેઓને યુવાસંઘના નિર્ણયની જાણકારી મેળવવાની અતુરતા હતી. તે વખતે સમાજના ઘણા વડીલોમાં પણ છૂપો ભય હતો અને કોઈ વડીલ આ માથાકૂટમાં પડવા માંગતા ન હતા. તેઓના મનમાં એક જ ઈચ્છા હતી કે સતપંથીઓ સાથે રહે અને આપણો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાઈ જાય. પરંતુ, અમો યુવાનોએ નક્કી કરેલ કે સમાજનો સુવર્ણ-જયંતી મહોત્સવ રંગેચંગે ઉજવીશું પરંતુ, એક પણ સતપંથીને તેમાં પ્રવેશ નહીં આપીએ.

રમેશભાઈની ધરપકડ પછીની પ્રથમ મીટીંગ બોર્ડિંગમાં રાખવાનું નક્કી કર્યું. પણ, સમાજના વડીલોએ મંજૂરી ના આપી. જેથી એ મીટીંગને તાત્કાલિક વિરાણી ગામે ગોઠવી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ  હાજરી આપી અને સતપંથીઓ સ્વર્ણિમ મહોત્સવ પહેલા કરેલ કેસો પાછા ન ખેંચે તો તેઓને આ મહોત્સવમાં ભાગ લેવા ન દેવો જોઈએ, તેવી ચર્ચાઓએ જોર પકડયું. થોડા દિવસમાં બીજી સભા સમાજની મંજૂરી વિના બોર્ડિંગમાં યોજી. આ દરમિયાન સનાતનીઓના હિતો માટે અને ભગવાન લક્ષ્મીનારાયણના પ્રચાર પ્રસાર માટે સંસ્કાર ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. સમાજમાં પાછો નવો વાડો થઈ રહ્યો છે તે પ્રકારની ચર્ચાઓને લઈ તેમાં ખૂબ ઓછા લોકો જોડાતા હતા. અમોએ આ ચળવળની કેટલીક મિટિંગો સંસ્કારધામ ખાતે યોજી. સંસ્કારધામનો અમોએ ખૂબ પ્રચાર કર્યો, જેથી અનેક લોકો સંસ્કારધામમાં જોડાવા પ્રેરિત થયા.

કચ્છ રિજીયનની કારોબારીમાં નક્કી કરીને સમાજને એક પત્ર પાઠવ્યો. જો સતપંથ વાળાને સુવર્ણ જયંતિ મહોત્સવમાં સામેલ કરશો તો કચ્છ રીજીયનના કોઈપણ મિત્રો, કોઈપણ પ્રકારના કાર્યમાં સહયોગ નહીં આપે.  આ પત્રને ઉપપ્રમુખ તરીકે મારી સહીથી કેન્દ્રીય સમાજના પ્રમુખ રામજીભાઈને હાથો હાથ આપ્યો. થોડી ઉગ્ર શબ્દોમાં તકરાર પણ થઈ.

આખું કચ્છ આ વિરોધમાં જોડાઈ ગયું હતું. આ કાર્યમાં ક્રાંતિદળના પૂર્વ મિત્રો ડો. શાંતિલાલ સેંઘાણી, જયંતભાઈ (કોટડા), રતિલાલ ખેતાણી, ડાહ્યાભાઈ  સેંઘાણી, અમૃત ધોળુ, દેવરામભાઈ રૂડાણી જેવા અનેક મહારથીઓનું માર્ગદર્શન અને સહયોગ હતો. અંતે કેન્દ્રીય સમાજે અસાધારણ સભા યોજવાનું નક્કી કર્યુ. જેમાં ભારતભરમાંથી જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કચ્છ યુવાસંઘે પણ અહી ખૂબ તાકાત લગાવીને ગામેગામથી સનતાનીઓને એકઠા કર્યા. તે સમયે અમો આ મિટિંગમાં કોઈપણ સતપંથીઓ આવી વિઘ્ન ઊભું ના કરે તે માટે બોર્ડિંગ આસપાસ સનાતની સૈનિકની ભૂમિકામાં સતત પહેરો ભરવામાં લાગી ગયેલ.

સનાતનના વિજય દિવસ સમા આ દિવસે કેન્દ્રીય સમાજે “શ્વેત પત્ર” બહાર પાડી આ સમાજ સનાતનીઓની  જ છે તેઓ હુંકાર ભણી સૌ સનાતનીઓમાં ચૈતન્ય-સ્ફૂર્તિ અને ઉત્સાહનો સંચાર કર્યો.

આમ, સુવર્ણ જયંતિ મહોત્સવ અને સમાજના પાંચમા અધિવેશનને સફળ બનાવવામાં કચ્છના યુવાઓની મહેનતને આજે વંદન કરું છું.

Leave a Reply

Share this:

Like this: