સૌજન્ય: શાંતિલાલ નાનજી પોકાર, પ્રમુખશ્રી અને કાંતિભાઈ ગોપાલ દિવાણી – મહામંત્રીશ્રી
જીવનના વિવિધ તબક્કામાં સમય સમયે માણસને સમાજ કે રાષ્ટ્ર રૂપી સંગઠનની આવશ્યક્તા રહે છે. સમાન આચાર વિચાર અને સંસ્કૃતિ ધરાવતા માણસોનું સંગઠન એટલે જ સમાજ.
કચ્છ મધ્યે દુકાળની પરિસ્થિતિને કારણે કડવા પાટીદારો ભારતભરના જુદા જુદા વિસ્તારોમાં સ્થળાંતર કરવા લાગ્યા. સ્થળાંતરની આ કડીમાં માદરે વતન કચ્છ બહાર આજીવિકા રળવા નીકળેલા વડીલો પૈકીના કેટલાક વડીલો મધ્ય ભારતના નાગપુર શહેરમાં મોતીબાગ વિસ્તારમાં આવીને વસ્યા હતા.
તે વખતે કચ્છમાંથી આવવાથી પીરાણા પંથ પણ નાગપુરમાં વડીલો સાથે આવ્યો હતો. મોતીબાગ વિસ્તારમાં જગ્યું/ખાનું પણ બનાવવામાં આવ્યું હતું. પણ અહીંના વડીલોમાં ધાર્મિક અને સામાજીક જાગૃતિ અનેરી હતી. સતપંથનો સદંતર ત્યાગ કરી દેવામાં આવ્યો અને છેલ્લા ઘણા દાયકાઓથી નાગપુર સમાજ સંપૂર્ણ રીતે સનાતની સમાજ છે. કચ્છના વડીલો તેમજ નખત્રાણા ખાતે તે સમયના પ્રમુખશ્રી રતનશી ખીમજી અને મંત્રીશ્રી નથુ નાનજીની પ્રેરણાથી પાટીદારોનું સંગઠન અને પૂજ્ય શ્રી નારાયણ રામજી લીંબાણીના જ્ઞાતિ સુધારાના ઉદેશ્યને ધ્યાનમાં લઈને તા. ૨૭-૦૧-૧૯૪૬ના શુભ દિવસે નાગપુરના પાટીદારોની સભા લઈને “શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ”ની સ્થાપના કરવામાં આવી. જેના સ્થાપક પ્રમુખશ્રી શિવજી જેઠા નાકરાણી અને મંત્રીશ્રી કરસન મનજી સાંખલા બન્યા હતા.
જ્ઞાતિમાં એકતાની ભાવના જળવાઈ રહે એવા સામાજીક કાર્યો કરવામાં આવતા હતા. પાછળથી સમાજને શ્રી કચ્છ પાટીદાર સમાજ (નાગપુર)ના નામથી ઈ.સ. ૧૯૫૬માં રજીસ્ટર કરવામાં આવી. નાગપુર સુધાર પ્રન્યાસ પાસેથી ૪૯,૦૦૦ હજાર વર્ગનો સાર્વજનિક ઉપયોગ માટે એક પ્લોટ મેળવેલ હતો. સૌના સાથ સહકાર અને વડીલોના તન, મન, ધનના સહયોગથી “પાટીદાર ભવન”નું નિર્માણ કરવામાં આવ્યું. આ ભવનને તા. ૧૦-૦૨-૧૯૬૦ના દિવસે વડીલશ્રી ભીમજી કેશરા લીંબાણીના વરદ હસ્તે જ્ઞાતિજનોના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતભરથી અગ્રણી વડીલો પધારેલ હતા. જે આ કાર્યક્રમ જોઈ ખુબ જ પ્રભાવિત થયેલ હતા. આ જ સમયે નખત્રાણા બોર્ડિંગનું કાર્ય પૂર્ણતાને આરે હતું અને તેના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા નાગપુર ખાતે ઘડવામાં આવેલ હતી.
સમયાંતરે મા ઉમિયાની કૃપાથી નાગપુર શહેરમાં પાટીદારોની વસ્તી વધવા લાગી. સમાજના અગ્રણીઓની દીર્ઘદ્રષ્ટિથી આંબેડકર ચોક મધ્યે ૧૨,૦૦૦ વર્ગ ફુટનો પ્લોટ સમાજવાડી માટે ખરીદ કરી બાંધકામ કરવામાં આવ્યું. વડીલોના વાવેલ ઝાડના મીઠાં ફળ અને શીતલ છાંયડી અમો સૌ માણી રહ્યા છીએ. આ ઉપરાંત ભવિષ્યમાં સમાજ ઉપયોગ માટે વર્ષ ૨૦૦૭માં ભરતવાડા ક્ષેત્રમાં ૧.૫ એકરનો પ્લોટ સંપાદિત કરવામાં આવેલ છે. “શ્રી પાટીદાર ગુજરાતી બાળ વિદ્યાલય”નો પણ શુભારંભ તે સમયમાં કરવામાં આવેલ.
આ સમાજ ૧૯૮૭થી સમુહ લગ્નના આયોજન સાથે સમાજના જરૂરિયાત વાળા પરીવાર માટે ૧૯૯૨થી “શ્રી પાટીદાર સેવા સમિતિ” નિરાધાર પરિવારોને આર્થિક સહાયતા, મેડિકલ સહાયતા, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વ્યાજ મુક્ત લોન, આકસ્મિક સંજોગોમાં તત્કાળ સહાયતા જેવા કાર્યો થકી સામાજિક કર્તવ્ય નિભાવી રહી છે.
સમાજના નેતૃત્વ હેઠળ પાટીદાર ભવનમાં સમાજ વિકાસલક્ષી, વિવિધ સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક થઈ રહી છે. તેના મુખ્ય પ્રેરક બળ યુવક મંડળ અને મહિલા મંડળ છે. જે સમાજની બે મજબુત પાંખો છે. સમસ્ત કાર્યકર્તાઓ સમાજના સંગઠિત સૈનિકો છે. આમ, વડીલો, યુવાઓ અને મહિલાઓના સંગઠન દ્વારા ભારતના મધ્યમમાં/કેન્દ્રમાં નાગપુર સમાજ સાચા અર્થમાં સામાજિક કાર્ય માટેની પ્રેરણા પૂરી પડે છે.