ગામની સ્થાપના વિક્રમ સંવત ૧૮૫૧ના નાગજી બાપા ધોળુ અને પૂંજા બાપા ધોળુએ કરેલ. નાગજી બાપાના નામ ઉપરથી નાગલપુર ગામનું નામ પડ્યું. ધાર્મિક વ્યવસ્થામાં જ્યોતિષ ધામ હતું. સંપૂર્ણ ધાર્મિક ક્રિયાઓ સતપંથના નિયમો પ્રમાણે થતી. જ્યારે નારાયણજી બાપાએ સનાતન ધર્મનો શંખનાદ કર્યો ત્યારથી ગામમાં ધર્મ પરિવર્તનની ચળવળ ચાલુ થઈ. કરાચી ધર્મ પરિષદમાં પણ ગામના અગ્રણીઓ હાજર રહેલ.
ગામના વડીલોને સતપંથના આચરણો બરોબર ના જણાતાં ઈ. સ, ૧૯૨૩માં ૧૨ વર્ષે પણ સમુહ લગ્નમાં ગામના પ્રથમ નારાયણ બાપાના આદેશથી હિન્દુ ધાર્મિક વિધીથી લગ્ન કરવામાં આવેલ. ત્યારબાદ એના હરદા ધોળુ પરિવાર, સોમજી ખેતા ધોળુ પરિવાર, હરજી રામજી ધોળુ પરિવાર સાથે બીજા પણ પરિવારોએ સતપંથને સદંતર છોડી સનાતન ધર્મ અંગીકાર કર્યો. ખાના (જગીયા) ની બાજુમાં વિક્રમ સંવત ૨૦૦૨માં (વર્ષ ૧૯૪૫-૪૬)માં વાંઢાયના સંત શ્રી ઓઘવરામ અને ગુરૂ લાલરામની પ્રેરણાથી ભગવાન લક્ષ્મીનારાયણનું પાનમૂર્તિ વાળું મંદિર બનાવવામાં આવેલ.
તે સમયે માતાજીની નવરાત્રી ઉજવવાની શરૂઆત કરવામાં આવેલ. પણ, સતપંથવાળા ભાઈઓએ ચોકમાં નવરાત્રી ઉજવવાનો ઈન્કાર કર્યો. તો સનાતની ભાઈઓએ વથાણના ચોકમાં નવરાત્રીની શરૂઆત કરી. અત્યારે પણ આ ગામમાં જન્માષ્ટમી ચોકમાં થાય અને નવરાત્રી વથાણમાં થાય છે. તે સતપંથના વિરોધની નિશાની છે.
વિક્રમ સંવત ૨૦૦૨ પછી ૨૫ વર્ષ સુધી ભગવાન લક્ષ્મીનારાયણની પાન મૂર્તિની પૂજા અને જગ્યાની પૂજા ચાલુ રહી. પણ જે વડીલોએ સનાતન ધર્મનો અંગીકાર કર્યો હતો તે મજબુત અને તાકાતવર હોવાથી વિક્રમ સંવત ૨૦૨૬ વૈશાખ સુદ ૬ને તા. ૧૫ થી ૧૮-૦૫-૧૯૭૨ના ૩ દિવસ આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં જ્યોતિષ ધામ (જગીયું)ને સદંતર તોડીને ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને ખાનાની/જગીયાની સાધન સામગ્રીને નારણ સરોવરમાં પધરાવી દેવામાં આવી. ત્યારબાદ કેન્દ્રીય સમાજના નીતિ નિયમો પ્રમાણે ફરજીયાત અગ્નિસંસ્કાર કરવાનું શરૂ કરવામાં આવ્યું. જે પણ સતપંથની વિધી કરે અને સતપંથના કાર્યક્રમોમાં જાય તેને ન્યાત બહાર કરવાના કડક નિયમો બનાવવામાં આવ્યા. આજે ગામ ૧૦૦ ટકા સનાતની છે. કેન્દ્રીય સમાજના બધા જ નીતિ નિયમો પાળવામાં આવે છે.