બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૬૩. ઘડુલી પાટીદાર સમાજના સનાતની ક્રાન્તિવીરો

– કાંતીલાલ લખમશી લીંબાણી
થાણા (ઘડુલી)

ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં છેવાડાના વિસ્તારમાં ઘડુલી ગામ આવેલ છે.  આ વિસ્તાર કચ્છ જીલ્લાનો સુક્કો અને પછાત વિસ્તાર ગણાય છે. વરસાદનું પ્રમાણ નહિવત્‌ છે. ભગવાનની ઈચ્છા હોય તો ક્યારેક બે-ચાર ઇંચ વરસાદ પડે. કોઈ વર્ષ ન પણ પડે. એ જમાનામાં આપણા વડીલોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. આખું વર્ષ ખેતીકામ કરતા દુષ્કાળના વર્ષોમાં ઊંટ દ્વારા અથવા બળદગાડાં દ્વારા રણ પ્રદેશના રસ્તે સીંધમાં ખેતીકામ કરવા અને મજુરી કામ કરવા જતાં. કચ્છમાં વરસાદના સમાચાર મળે ત્યારે પાછા ખેતીકામ કરવા માદરે વતનમાં આવતા.

ગામ ઘડુલીના સ્વ. રામજી કાનજી ચૌધરી (સલાટ) પણ નાનપણથી કામ કરવા કરાંચી ગયા હતા. જ્યાં તેઓ સલાટ (બાંધકામનું)નું કામ કરતા. પૂજ્ય નારાણ રામજી લીંબાણીએ આપણા સમગ્ર સમાજને અર્ધદગ્ધ ખીચડીયા સતપંથ ધર્મમાંથી બહાર લાવવા ઝુંબેશ શરૂ કરેલ. તેના પડઘા કરાચીમાં પણ પડ્યા હતા. કરાંચીમાં વસતા આપણા ભાઈઓ પણ સતપંથ (પિરાણા) છોડીને સનાતન ધર્મમાં આવવા માગતા હતા. પણ, જુલમી ગેઢેરાઓની જોહુકમીના કારણે સનાતન ધર્મમાં આવી શકતા ન હતા. એવા સમયમાં કરાંચી મધ્યે પીરાણાથી કાકા આવ્યા હતા. આપણા ભાઈઓને ભેગા કરીને આદેશ કર્યો કે તમે મૂછ કાપી નાખો અને દાઢી રાખવાનું ચાલુ કરો. રામજી બાપાએ એનો વિરોધ કર્યો અને કહ્યું કે તમે અમોને મુસલમાન બનાવવા માંગો છો. અમે મૂછ કાઢશું નહિ અને દાઢી રાખશું નહિ. ત્યારે પીરાણાથી આવેલ કાકાએ કહ્યું કે અમે તમને સમાજમાંથી બહાર કાઢી નાખશું અને તમારો બહિષ્કાર કરશું. એ વખતે લગભગ કુલ ૮૦ (એંસી) જેટલા વડીલો હાજર હતા. જેમાં રવાપરવાળા લાલજી સોમજી નાકરાણી પણ હતા. આ સર્વે વડીલોએ કાકાનો વિરોધ કર્યો.

રામજીબાપા કરાંચીથી ઘડુલી આવ્યા. એમના સસરા સિયોતમાં હતા. બાપા કચ્છમાં આવીને પણ સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા. પરિણામે એમના સાસરાવાળાઓ, બાપાના ધર્મપત્ની માતાજી કાનબાઈને સાસરે મુકવા તૈયાર ન હતા. પણ રામજી બાપાના સાળાયલી હોશિયાર હતાં. એમણે રામજી બાપાને મેસેજ મોકલ્યો કે તમો અમારી વાડીએ આવો. ત્યાં હું કાનબાઈને લઈ આવીશ (ચોરી છુપીથી). એમના સાળાયળીએ વાડીએથી મા કાનબાઈને ચોરી છુપીથી વિદાય કરેલ. ટુંકમાં કહી શકાય કે જેવી રીતે મહાભારતમાં ભગવાન કૃષ્ણ અને માતા રુક્મિણીનું હરણનો પ્રસંગ છે, એવો પ્રસંગ રામજી બાપા અને માતા કાનબાઈનો હતો. જેમાં રુક્મિણીની જેમાં માતા કાનબાઈનો પણ સાથ હતો.

ત્યારબાદ વડીલશ્રી રામજી બાપા સહપરિવાર મુંબઈ કમાવવા ગયા. જ્યાં તેઓ સલાટ (બાંધકામનું)નું કામ કરતા. ત્યાં તેઓ પૂજ્ય નારાણ રામજી લીંબાણીના સંપર્કમાં આવ્યા અને પૂર્ણપણે સનાતનના રંગમાં રંગાઈ ગયા. અને એમનું સ્વપ્ન પૂરું થયું. આખરે સંવત ૧૯૭૯, અષાઢ સુદ-૩, સોમવાર, તા. ૧૬-૦૭-૧૯૨૩ના રોજ ઘાટકોપર, મુંબઈ મધ્યે તેઓએ એમના ધર્મપત્ની માતાજી કાનબાઈ, પુત્ર ચિ. અરજણ અને પુત્રી ચિ. કેશરબેન સાથે દહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી જુલમી ગેઢેરાઓના ત્રાસથી મુક્ત થયા. અને પાપી ખીચડીયા સતપંથને તિલાંજલિ આપી શુદ્ધ વૈદિક ધર્મની દિક્ષા લઈને જનોઈ ધારણ કરી.

રામજી બાપાના સાઢુભાઈ ગામ ઘડુલીના શિવદાસ કરસન ભાદાણી પણ મુંબઈમાં કામ કરવા ગયા હતા. એમનાથી આપાખંડી સતપંથ ધર્મ સહન ન થતાં સંવત ૧૯૮૦, કારતક સુદ-૩, રવિવાર તા. ૧૯-૧૧-૧૯૨૩ના દિવસે મુંબઈ-ઘાટકોપર મધ્યે હળવદવાળા શુક્લ છગનલાલ કાનજીના હાથે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરી શુદ્ધ વૈદિક ધર્મની દિક્ષા લીધી.

શુદ્ધ વૈદિક સનાતન ધર્મ અપનાવ્યા બાદ વડીલ રામજી બાપા જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે એમના માતાજીએ કહ્યું કે, “દીકરા, રામજી, તું કાયમ પરદેશમાં રહે છે. તને દૂધ, ઘી ક્યારે ખાવા મળતું હશે?” હું તને દૂધ અને ઘી ખવડાવું. ત્યારે રામજી બાપાએ કહ્યું કે, મા, આજથી મને તમારા માટલાનું ઘી અને દૂધ નહિ ચાલે. તમારા માટલાં વટલાયેલાં (અભડાયેલાં) છે. એ વટલાયેલા માટલાનું ઘી અને દૂધ મારાથી નહિ ખવાય.”

વડીલશ્રી રામજી બાપા શુદ્ધ વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હોવાથી, જુલમી ગેઢેરાઓએ એમના સંતાનોના સગપણો તોડી નાખવા માટે ફતવો બહાર પાડેલ. પરિણામે એમના સંતાનોના સગપણ તોડી નાખવામાં આવ્યા અને રામજી બાપાના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો. પરિણામે તેઓ નાછુટકે માંડવી (કચ્છ) રહેવા ગયા. જ્યાં તેઓ પરિવાર સાથે ૭ (સાત) વર્ષ રહ્યા. જ્યાં એમના સંતાનોના લગ્ન સનાતની પરિવારો સાથે થયા હતાં.

આવા ક્રાંતિકારી વિચારોના વડીલશ્રી રામજી બાપાએ એમના સાસરા પક્ષ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.  જીવનની અંતિમ ક્ષણ સુધી સાસરાના ઘરે ગયા ન હતા અને એમનું પાણી પણ પીધું ન હતું. જેમાં એમના ધર્મપત્ની માતાજી કાનબાઈએ પૂરો સહકાર આપ્યો હતો. રામજીબાપાના બહેનના લગ્ન ગામ ઉગેડીમાં કર્યા હતા. એ પણ પરિવાર સતપંથ ધર્મમાં હોવાથી રામજી બાપાએ એમના બહેન-બનેવી સાથે પણ સંબંધ તોડી નાખ્યા હતા. જીવનના અંત સુધી એમના ઘરનું પાણી પીધું ન હતું અને એમના ઘરે ગયા ન હતા.

સંવત ૧૯૭૯, જેઠ સુદ-૫, તા. ૨૦-૦૫-૧૯૨૩ના  રોજ પૂજ્ય નારાણ રામજીની હાજરીમાં દયાપર ખાતે ૧૬૧ લોકોએ સામુહિક દેહશુદ્ધિ કરાવીને સનાતન ધર્મનો અંગીકાર કરેલ તેમાં ગામ અકરીના રામજી રતનશી ભાવાણીના પરિવારના ૯ (નવ) સભ્યોએ દેહશુદ્ધિ કરાવી શુદ્ધ વૈદિક ધર્મની દિક્ષા લીધેલ. જેમાં એમના ધર્મપત્ની સૌ. હિરબાઈ, પુત્રો: ચિ. ધનજી, ચિ. ડાયા, ચિ. રણમલ, પુત્રીઓ: ચિ. હાંસબાઈ, ચિ. લાલબાઈ, ભત્રીજા નથ્થુ માંડણ ભાવાણી તથા માવજી માંડણ ભાવાણી સાથે શુદ્ધ વૈદિક ધર્મની દિક્ષા લીધેલ. થોડાં વર્ષો પછી ચાકરી ગામ નાશ પામવાથી આ પરિવાર ઘડુલી ખાતે રહેવા આવી ગયો છે.

આ સર્વે વડીલોના પ્રચાર-પ્રસાર કરવાથી ધીરે-ધીરે સામાન્ય માણસોમાં સનાતન ધર્મની જાગૃતિ આવી. લોકો ખીચડીયા સતપંથ ધર્મ છોડીને સનાતન ધર્મમાં આવવા લાગ્યા. ઘડુલી ગામમાં પરબત ખીમા સાંખલા, સ્વ. ધનજી માવજી રામાણી, સ્વ. રામજી કાનજી ચૌધરી તથા અન્ય જાગૃત વડીલોએ સંવત ૨૦૦૪ની સાલમાં મંદિરના ડેલામાં ભગવાનથી લક્ષ્મીનારાયણની પાન મૂર્તિની સ્થાપના કરી. આજે ઘડુલી ગામમાં એક પણ પરિવાર સતપંથી નથી. પૂર્ણ સમાજ શુદ્ધ સનાતની છે એનું અમો ગર્વથી અભિમાન લઈ શકીએ છીએ.

આવા સનાતન ધર્મપ્રેમી ક્રાંતિકારી વડીલોએ જીવનમાં ખુબ સંઘર્ષ કરીને, કષ્ટો વેઠીને સનાતન ધર્મની જ્યોત જલતી રાખી છે. અને આપણને સનાતન ધર્મનો રાહ બતાવ્યો છે. એ સનાતની જ્યોતને હંમેશને માટે જલતી રાખવાની જવાબદારી હવે આપણા શિરે છે.

આવા ભડવીર, નરવીર, શુરવીર વડીલોને શ્રી ઘડુલી  પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ કોટી કોટી વંદન સહ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 

Leave a Reply

Share this:

Like this: